ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૪

‘હવે ક્યાં, રાજકોટ કે પછી પાછો ગીર?’

નવલકથા - રશ્મિન શાહ

ખીમજીઅદાએ ભૂપત સામે જોયું. તેમની આંખોમાં શંકા હતી. જોકે આ શંકાનું નિરાકરણ ભૂપતે અડધી જ ક્ષણમાં કરી દીધું,

‘રાજકોટ જને, બીજે ક્યાં વળી? તમે જ તો કીધું કે રતુભાઈને મળી લે.’

ખીમજીઅદાને ખાતરી આપીને ભૂપત અને કાળુ રવાના થયા અને થોડી જ મિનિટોમાં રાજકોટના રાજમાર્ગ પર તેમની જીપ આવી ગઈ. કાળુ અને ભૂપત બન્ને મૂંગામંતર હતા. બેમાંથી કોઈની જીભ ચાલતી નહોતી. આવું અનેક વખત બન્યું હતું. જ્યારે બન્નેનાં દિમાગ કામે લાગેલાં હોય ત્યારે બન્ને જીભને આરામ આપતા. અત્યારે પણ એ જ રીતે જીભ આરામ કરી રહી હતી, પણ મનમાં અઢળક ગડમથલ ચાલતી હતી. ભૂપતનું દિમાગ નવાબની દિશામાં કામ કરતું હતું તો કાળુનું મગજ રતુભાઈ અદાણીના પક્ષે ચાલતું હતું. ભૂપત નવાબને સહકાર આપવાના વિચારો સાથે આડકતરી રીતે અને મનોમન સહમત થયો હતો, જ્યારે કાળુ ઇચ્છતો હતો કે રતુભાઈને સાથ આપીને જૂનાગઢની જનતાને સાથ આપવો જોઈએ. વાત થયા વિનાના આ વિચારોમાં એક વાત સામાન્ય હતી અને તે એ કે બન્નેનાં મનમાં પહેલી વાર ધાડ, મારામારી, લૂંટફાટ કે બહારવટાપણા સિવાયના વિચારો ચાલતા હતા.

‘કાળુ, શું કરવું જોઈએ?’

ખામોશી તોડવાનું કામ ભૂપતે જ કર્યું અને તેણે ગરદન ફેરવીને કાળુ તરફ જોયું.

કાળુનું ધ્યાન રસ્તા પર હતું અને રીબડા આવવાની તૈયારી હતી.

‘હંઅઅઅ, તારા મનમાં શું ચાલે છે?’

જવાબ આપવાને બદલે કાળુએ ભૂપતનું મન કળવાની કોશિશ કરી અને ભૂપતે પણ વાતને વળ ચડાવ્યા વિના કે વિચારોમાં મોણ નાખ્યા વિના જ પોતાના મનની વાત કહી દીધી.

‘મને તો લાગે છે કે નવાબની જે ઇચ્છા હોય એમ જ થવું જોઈએ અને એમાં કંઈ ખોટું પણ નથી. રાજ એનું, રાજપાઠ એનો. પછી તેણે કોની સાથે ભળવું અને કેવી રીતે રહેવું એ નક્કી કરવાનો હક તેનો જ રહેવો જોઈએ. આમાં બીજી કોઈ વાત ચાલવી ન જોઈએ.’

‘પણ મોટા ભાગની પ્રજા જો હિન્દુસ્તાન સાથે રહેવા માગતી હોય તો?’

‘હવે કેવી રીતે પ્રજાના વિચારો જાગે ભાઈ?’ વાજબી દલીલ હતી ભૂપતની, ‘આજ સુધી તમે એ જ જૂનાગઢમાં રહ્યા જે જૂનાગઢમાં નવાબનું શાસન હતું તો પછી હવે કેવી રીતે આવી વાત ચાલે. કાં તો તમને નવાબમાં રસ નહોતો તો અત્યાર સુધી રહેવું નહોતું. આપણે ત્યાં બન્યું જ છેને, જેકોઈને એવું લાગ્યંબ છે કે જૂનાગઢ રાજ્યમાં ન રહેવું જોઈએ તો તેઓ નીકળી જ ગયા છે. ન તો નવાબે આગ્રહ કરીને તેમને રોક્યા છે કે ન તો તેઓ રોકાયા છે. તું જોને, કેટલાય એવા પરિવાર છે જેને નવાબના રાજમાં નહોતું રહેવું તો તેઓ નીકળી ગયા, હજીયે નીકળી જાય. નવાબ એનો વિરોધ કરે તો બરાબર ન કહેવાય પણ જ્યાં એવા કોઈ વિરોધની વાત નથી ત્યાં શું કામ નવાબની ઇચ્છાને માન ન મળે.’

‘તારી વાત બરાબર છે ભૂપત. નવાબ કોઈને રોકતા નથી, પણ નવાબનું શાસન હોય તો તેઓ કોઈને રોકતા નથી, હવે નવાબનું શાસન નથી રહેવાનું. નવાબ પાકિસ્તાન સાથે ભળવા માગે છે એટલે જૂનાગઢમાં પાકિસ્તાનની સરકાર હશે, નવાબની નહીં. જો નવાબ એકલા રહેવા તૈયાર થાય અને અલગ દેશની માગણી કરે તો સમજી શકાય, પણ અહીં તો નવાબ ઝીણા સાથે રહેવા જવાનું કહે છે. ભવિષ્યમાં નવાબનું જૂનાગઢ પર કંઈ ઊપજતું પણ નહીં હોય, અને...’

‘તેં સાંભળ્યું નહીં, નવાબને રાજકારણમાં લેવાની વાત છે જ. એવું થશે તો નવાબની હકૂમત તો જૂનાગઢ પર અકબંધ જ રહેશેને?’

‘એવું આપણે ધારી શકીએ, પણ એ જ હકીકત રહેશે એવું તો કેવી રીતે કહી શકાય. બને કે નવાબ પોતે જ ભવિષ્યમાં જૂનાગઢને બદલે આખા પાકિસ્તાનમાં રસ લેવાનું કામ કરે અને તેઓ એવું કરે તો જૂનાગઢનું શાસન બીજા કોઈના હાથમાં આવી જાય.’

કાળુનો તર્ક પણ વાજબી હતો. ઇચ્છા અને લાલસા બન્ને લગામ વિનાની હોય છે. મYયા પછી ઇચ્છા નામનું પતંગિયું નવી ડાળ પર જઈને બેસી જતું હોય છે અને પછી એ ડાળની અપેક્ષા રાખવા માંડે છે.

ઘડીભર માટે ભૂપત પણ ચૂપ થઈ ગયો અને કાળુએ દેખાડેલી શક્યતા પર એ વિચાર કરવા માંડ્યો. કાળુની વાતમાં રહેલી સચ્ચાઈને સાવ તો કોરાણે મૂકી શકાય એમ નહોતી જ એટલે જો એવું બને તો શું કરવું એના પર તર્ક અત્યારે જ કરવામાં સાર હતો. વિચારોની એ ધારા લગભગ વહેતી રહી ત્યાં સુધીમાં રાજકોટ આવી પણ ગયું. બહારવટિયો હોવા છતાં ભૂપતને એ વાતનો જરાસરખોય ભય નહોતો કે એ ઉઘાડા મોઢે અને ખુલ્લા ચહેરે જાહેરમાં ફરતો હતો.

€ € €

‘ઐસા ક્યું ચાચા?’

ઇબ્રાહિમનો સવાલ વાજબી હતી, જે માણસનો ચહેરો જગજાહેર કરી દેવામાં આવ્યો હતો, જેણે વીરપ્પનની જેમ પત્રકારોને બોલાવીને ફોટો પડાવ્યા હતા અને મુલાકાતો આપી હતી એ માણસ ખુલ્લા મોઢે જાહેરમાં ફરતો રહે અને એ પછી પણ કોઈ કંઈ કરે નહીં એ તો કેવી રીતે માની શકાય.

‘દાદુ સબ કે સામને ઐસે હી ઘૂમ રહે થે ઔર ઉસકે બાવજૂદ ઉસે કોઈ પકડ ભી નહીં રહા થા, ક્યું?’

કુતુબે ઇબ્રાહિમ સામે જોયું અને જરાઅમસ્તું સ્માઇલ કર્યું.

‘એક નહીં, અનેક કારણ. અનેક કારણો હતાં ઇબ્રાહિમ. જો સૌથી પહેલી વાત, તારો દાદુ એવો કોઈ ખાસ દેખાવ ધરાવતો નહોતો જેને લીધે તે બધા વચ્ચે જુદો પડી જાય. એ સમયે બધા લોકો ઊંચા અને પહાડી હતા. બધા અણિયાળી મૂછો રાખતા જેને લીધે બધા વચ્ચેથી તે જુદો તરી આવતો નહીં. બીજું, તેની ધાક. તારા દાદાની જે ધાક હતી એ ધાકના દાખલા આજે પણ કાઠિયાવાડમાં અપાય છે.’ કાળુએ શ્વાસ લીધો, ‘બાતમી આપનારાઓનાં નાક-કાન ભૂપતે જ કાપ્યાં હતાં અને એ સજા એવી આકરી હતી, એવી ઘાતકી હતી કે એ સજા ભોગવનારા ક્યારેય ઘરની બહાર નીકળવાની હિંમત નહોતી કરી શક્યા. મેં તને એ વાત કરી પણ એ કહ્યું નથી કે એ સજા પછી કેટલાય એવા હતા જેણે આત્મહત્યા કરી લીધી તો કેટલાય એવા પણ હતા જેમણે જિંદગીભર અરીસામાં નહીં જોવાનું પ્રણ લઈ લીધું હતું. કેવી રીતે એ અરીસામાં મોઢું જુએ, કેવી રીતે એ લોકો સ્વીકારે કે એક ડાકુ આવીને તેની મર્દાનગીને લલકારી ગયો અને હવે આખી જિંદગી આ મોઢું જોઈને એ વાત યાદ કરવાની છે જ્યારે તેણે ડાકુના પગ પકડવા પડ્યા હતા. નાક-કાન કપાવેલા કેટલાય એવા હતા જેણે આખી જિંદગી મોઢા પર બુકાની બાંધેલી રાખી. પોતાના મોઢાને જોઈને એ લોકો તો ઠીક, તેનાં છોકરાંવ ને તેનાં છોકરાંવનાં છોકરાંવ પણ ડરી જતાં હતાં. એ એક ઘટનાએ ભૂપતને ઘણો બધો નિષ્ફિકર બનાવી દીધો હતો અને બીજા એનાં નસીબ. નસીબને લીધે તે ક્યારેય એવી કોઈ તકલીફમાં પણ મુકાયો નહીં જેને લીધે તેણે પોતાની આદત પડતી મૂકવી પડે.’

કાળુએ આંખો ઝીણી કરી.

‘એક વખત, એક વખત એવું બન્યું હતું કે ભૂપતને પોતાની આ આદત ભારે પડી જાત પણ...’

‘કબ?’ ઇબ્રાહિમની ઉત્સુકતા વધી ગઈ, ‘આપને પહલે તો કભી બતાયા નહીં ઉસકે બારે મેં.’

‘કબ વો તો મૈં કૈસે બતાઉં પર હા... રાજકોટમાં જ થયું હતું. હા, રાજકોટમાં જ થયું હતું અને પેલા રવજી પટેલને કારણે જ આ લફરું થયું હતું.’

‘શું થયું હતું?’

‘અત્યારે જે વાત ચાલે છે એની વાત કરીએ કે પછી...’

‘પહેલાં આ વાત કરોને...’ ઇબ્રાહિમે જૂની વાત સાંભળવાનો આગ્રહ તો કર્યો જ અને સાથોસાથ તેણે બાંયધરી પણ આપી, ‘તમને લિન્ક હું આપી દઈશ. એનું ટેન્શન નહીં કરો.’

‘હું એકેય વાતનું ટેન્શન કરતો નથી ભાઈ.’ કાળુએ ઇબ્રાહિમ સામે જોયું અને એ જૂની વાતની શરૂઆત કરી, ‘એમાં બન્યું એવુંને કે... રવજીના ઘરે ભૂપત રહેવા ગયો. એ સમયે રવજીના ઘરે એનો સાળો માધવ પણ હતો, મહેમાન તરીકે.’

‘હંઅઅઅ...’

‘વાત પેલા આલ્બર્ટની ઘરવાળીને ઉપાડવાનું બન્યું એ પહેલાંની છે...’

ઇબ્રાહિમની આંખ સામે એ સમયગાળો ફરી એક વખત ઊભો થવા માંડ્યો.

€ € €

‘શું ભૂલા પડ્યા સિંહ?’

ઘરે ભૂપતસિંહને આવેલો જોઈને રવજી ખુશ થયો અને તેણે હાંક મારીને પાણી પણ મગાવી લીધું.

‘સીધા આંય જ આવ્યા કે પછી ઉપરથી ક્યાંયથી આવવાનું બન્યું સિંહ.’

ભૂપતસિંહે હાથ પહોળા કરી આળસ મરડીને શરીરના સાંધામાં ભરાયેલો થાક ઉતાર્યો.

‘ના રે, ઉપરથી આવ્યો, રાજસ્થાનથી. લાંબી સફર થઈ ગઈ એટલે થ્યું કે બેચાર કલાક અહીં રોકાઈને આગળ નીકળું.’

‘સારું થ્યું, અમારું ઘર પાવન કરી દીધું સિંહ તમે તો.’ રવજીનો ઉમળકો જરાય ખોટો નહોતો, ‘હવે વાળુ કરીને જ રાતે ટાઢાપોરે નીકળજો. વહેલું આવે ગીર, બીજું શું.’

રવજી ઊભો થયો અને સીધો રસોડા તરફ ગયો. જતાં-જતાં તે કહેતો પણ ગયો : ‘તમતમારે જરાક લાંબા પડો, ત્યાં હું રોટલાની વ્યવસ્થા કરું.’

‘એક મિનિટ રવજીભાઈ... ઘરમાં મહેમાન આવ્યા છે?’

‘હા... પણ સિંહ, મહેમાન નથી. સાળો ને તેની ઘરવાળી આવ્યાં છે.’ રવજીએ મનમાં આવેલી નવાઈ પણ શબ્દોમાં લઈ લીધી, ‘પણ સિંહ તમને કેમ ખબર...’

‘બહાર ઉંબરે ચંપલનો ઢગલો રાબેતા મુજબ કરતાં વધારે જોયો એટલે થ્યું કે...’ ભૂપતે વાંસો લંબાવતાં પહેલાં પૂછી લીધું, ‘જો રવજીભાઈ, અગવડ પડવાની હોય તો પછી હું નીકળું. મારે લીધે...’

‘ના હવે સિંહ, આ શું બોલ્યા તમે. ઘરના મા’ણા ઘરે આવે તો અગવડ પડે કાંય ને એય મારો સાળોયે તમને મળીને રાજી થાશે. તમતમારે અત્યારે આરામ કરો, રાતે વાળુમાં બધાય ભેગા થાશું આપણે.’

રવજી નીકળી ગયો અને ભૂપતસિંહે ખાટલા પર લંબાવી દીધું.

ખટાક...

બહારથી આગડિયો બંધ થવાનો અવાજ આવ્યો, પણ એમાં કોઈ જાતની શંકા કરવા જેવું એ ઘડીએ ભૂપતને લાગ્યું નહીં અને ખરું કહું તો શંકા કરવાની ક્ષમતા પણ ભૂપતમાં એ સમયે હતી નહીં. એકધારા ૧૬ કલાકથી તે જીપ ચલાવતો રાજકોટ પહોંચ્યો હતો. ઘોડા ખરીદવા માટે રાજસ્થાન આમ તો વર્ષમાં એક-બે વખત જવું પડતું અને એ એક જ બેઠકે ઉદયપુરથી ગીર પહોંચતો અને પાછો પણ આવતો, પણ આ વખતે ઉદયપુરમાં પણ ઉજાગરો થયો હતો, જેનો થાક અત્યારે તેને લાગવા માંડ્યો હતો અને એટલે જ તેની આંખો પણ તરત જ ઘેરાવા માંડી.

ઘેરાયેલી આંખો વચ્ચે તેને બહાર ચાલતી વાતોનો કોઈ અંદાજ નહોતો અને તે ઘોડા વેચીને મસ્તમજાની વામકુક્ષિ લેવામાં વ્યસ્ત થઈ ગયો હતો.

ઘરના એ ઓરડાની બહાર રવજી અને તેનો સાળો માધવ એ સમયે વાત કરતા હતા. રવજીએ તો માધવને ભૂપતસિંહે વિશે કંઈ કહ્યું નહોતું, પણ રવજીની ઘરવાળીએ એ બફાટ કરી દીધો હતો,

‘ડાકુ ભૂપતસિંહ છે એ.’

‘શું વાત કરશ બેન? ભૂપત ડાકુ, પોતે?’

‘હા, વીરા, આખોઆખો ભૂપત ડાકુ પોતે.’ બહેનને ભાઈના આ પ્રકારના વર્તનથી સહેજ હસવું પણ આવ્યું હતું, ‘તું કેમ આવી રીતે પૂછે છે? આ તો તેને માટે કાયમનું છે. તારા બનેવીના એ ખાસ ભાઈબંધ છે. આ બાજુ આવ્યા હોય તો નજર નાખીને જ જાય ને વખત મળે તો જમવાનું પણ અહીં જ કરે.’

‘બેન, બઉ મોટી વાત કે’વાય હોં આ. ભલભલા અત્યારે જેના નામથી ફાટી પડે છે અને એ માણસ તમારા ઘરમાં આવી રીતે અવરજવર કરે છે.’

‘હા અને એમાં અમને કોઈને એકેય જાતની નવાઈ નથી લાગતી. જેમ તું આ ઘરમાં આવ્યો છો એવી જ રીતે તે આ ઘરમાં આવ્યા છે. બસ, બીજું કાંય નહીં.’

પાછળથી આવેલા રવજીએ માધવને જવાબ આપ્યો એટલે માધવ હવે પાછળની દિશામાં ફર્યો.

‘પણ બનેવીલાલ, આવું જોખમ...’

રવજીએ માધવની વાત સાંભળી જ નહીં.

‘એલા, શેનું જોખમ અને શું જોખમ?! એનાથી બીવાનું તેણે હોય જેને તેની સાથે સંબંધ નથી. અમારે શું કામ બીવાનું.’ રવજી ઘરવાળી તરફ ફર્યો, ‘કાં એલી મંગૂડી, તને સિંહની બીક લાગે છે?’

‘ના રે, કોઈ દિવસ નહીં.’ મંગુએ વીરાને કહ્યું, ‘એક વખત તો હું ઘરમાં એકલી ને સિંહ આવી ગ્યા. હું તો એ સમયે પાણી ભરતી’તી તો સિંહ પણ કમાડની પાછળ બંદૂક મૂકીને મને પાણી ભરાવવા માંડ્યા. જો ઓલાં બેડાં છેને, એ બેય બેડાંને ચારપાંચ ગાગર બધુંય પાણી તેણે ભરાવ્યું ને પાછા કહે કે ભાભી, તમતમારે શાંતિથી બેસી જાઓ. હું કરી દઉં છું બધુંય.’

‘સાંભળ્યું?’ રવજીએ પોરસાતાં કહ્યું, ‘આને કહેવાય ભાઈબંધી, આને કહેવાય દોસ્તારી. દુનિયા એનું નામ પડે ત્યાં ફાટી પડે ને એ જ આંય આવે ત્યારે બધુંય ભૂલીને ખાલી સંબંધ યાદ રાખે અને માધવ, આ તો કાંય નથી. તારો ભાણિયો આવે ને તો તેને પૂછજે, તે તને કહેશે કે તેને ભૂપતસિંહની બીક લાગે કે પછી ભૂપતસિંહને તેની બીક લાગે!’

માધવની આંખમાં અચરજ આવી ગયું.

‘ભાણિયો તો નિશાળે ગ્યો છે, તમે જ ક્યોને. તે આવે ત્યાં સુધી રાહ નહીં જોવાય મારાથી.’

માધવે પૂછ્યું રવજીને, પણ જવાબ મંગુએ આપ્યો,

‘અરે, તે બંદૂકડી લઈને સિંહ સાથે ચોર-પોલીસની રમત રમે.’

‘બંદૂકડી?! કોની?’

‘બીજા કોની, ભૂપતસિંહની.’ વાતનું અનુસંધાન રવજીએ જોડ્યું, ‘ભૂપતસિંહ બંદૂકમાંથી ગોળી કાઢીને તેને રમવા આપે અને પછી પોતે પણ તેની સાથે રમે. તારો ભાણિયો પોલીસ બને અને તે ભૂપતસિંહ પર હુમલો કરે, તેને પકડવા ભાગે અને સિંહ પણ તેની ભેગો જલસા કરે.’

‘વાહ.’

માધવના મોઢામાંથી આ ઉદ્ગાર નીકળી ગયો અને એ ઉદ્ગારની સાથોસાથ તેના મનમાં આવેલા વિચાર માટે પણ મનમાંથી વાહ નીકળી ગયું હતું. જોકે એ વાહ કોઈએ સાંભળ્યું નહોતું અને જો સંભળાયું હોત તો બનેવી તો ઠીક સગી બહેન પોતે તેને ત્યારે ને ત્યારે મારી-મારીને સીધો કરી દેત.

€ € €

રાત પડી અને રાત પડતા સુધીમાં ભૂપતસિંહે પણ આરામ કરી લીધો. ભૂપતસિંહ જાગી ગયો એટલે રોટલાની વ્યવસ્થા થઈ અને રોટલા માટે સાદ પણ આપી દેવામાં આવ્યો. ભાણું પીરસાયું એટલે ભૂપતસિંહ ઓરડામાંથી બહાર આવ્યો. બહાર આવ્યા પછી તે જમવા બેઠો ત્યારે માધવ પણ સાથે જ જમવા બેઠો. રવજીએ માધવ સાથે ભૂપતસિંહની ઓળખાણ કરાવી. થોડી ઔપચારિક વાતો પછી ભૂપતસિંહે જ માધવને કહ્યું : ‘આમ તો કોઈને અમારી જરૂર ન પડે એવું જ રહે એ જ વધારે સારું છે, પણ એમ છતાંય ક્યાંય જરૂર લાગે તો યાદ કરજે.’

‘પાક્કું.’ માધવે આત્મીયતા ઘડવા માટે પૂછી પણ લીધું, ‘પણ તમને મળવાનું ક્યાં?’

‘અહીં, આ ઘરમાં જ.’ ભૂપતસિંહે ફોડ પાડ્યો, ‘કામ પડે ત્યારે અહીં કહી દેજે, તારા બનેવીને. મને સંદેશો મળી જશે.’

વાળુ પૂÊરું થયું એટલે ભૂપતે જવાની તૈયારી શરૂ કરી.

રવજીએ રોકાઈ જવાનું કહ્યું, પણ જાણે જવાબ ડેલીએથી આવતો હોય એમ ડેલીની સાંકળ ખખડી.

ખળખળખળ...

‘કોણ?’

રવજીએ હાંક મારીને આંગતુક વિશે પૂછ્યું એટલે બહારથી જવાબ આવ્યો,

‘જય ગિરનારી...’

- કોઈ સાધુમહારાજ આવ્યા હશે એવું ધારીને રવજી જવાબ આપવા જતો હતો, પણ ભૂપતસિંહે ઇશારો કરીને દરવાજો ખોલવાનું કહ્યું એટલે રવજીએ જઈને ડેલી ખોલી. બહાર ભૂપતસિંહની ટોળીનો જ એક સાથી ઊભો હતો.

‘આવ હરભમ, આવ.’

હરભમ અંદર આવ્યો એટલે ભૂપતસિંહે પોતાના ખિસ્સામાંથી જીપની ચાવી કાઢીને હરભમને આપી.

‘કોને લાવ્યો છો?’ પ્રશ્ન પૂછી લીધા પછી ભૂપતે જ જવાબ પણ આપ્યો, ‘દીવાન છેને?’

‘હા સરદાર પણ બહુ આડોડાઈ કરે છે. રસ્તામાં કેટલી વાર કીધું કે સિંહ રાહ જુએ છે પછી જ આગળ પગ ઉપાડે.’

‘ગધેડાની બહુ ફાટ વધી ગઈ છે.’

ઘોડાને ગધેડાનું સંબોધન કર્યું એ જાણે કે બહાર દીવાને પણ સાંભળી લીધું હોય એમ તેણે આછીસરખી હણહણાટી કરીને ગુસ્સો પ્રગટ કર્યો.

‘જો હજીય સખણો નથી રહેતો.’ હરભમ ખરેખર ત્રાસી ગયો હતો અને એ તેના શબ્દોમાં પણ દેખાતું હતું, ‘માનશો તમે, બપોરે ચાર વાગ્યાનો નીકળ્યો છું, પણ છેક હવે સાડાનવે અહીં રાજકોટ પહોંચ્યો. બાકી ત્રણ કલાક તો અહીં પહોંચવામાં બહુ થઈ જાય.’

‘હંઅઅઅ...’ મનોમન દીવાન પર પ્રેમ જન્મતો હતો, પણ ભૂપતે એ દેખાડ્યો નહીં, ‘તું નીકળ હવે શાંતિથી. આ જીપડી તને હેરાન નહીં કરે.’

હરભમ દરવાજે પહોંચ્યો અને ત્યાંથી પાછો વળ્યો,

‘સિંહ, કોટડા થઈને અમરેલીમાં ઊતરી જજો. જૂનાગઢવાળા રસ્તે અવરજવર વધારે છે.’

‘હોવે.’

ભૂપતસિંહે હા પાડી એટલે હરભમ રવાના થયો અને થોડી મિનિટો પછી ભૂપતસિંહે પણ રજા લીધી. ભૂપતસિંહ બહાર નીકળીને હજી તો એક ગલી દૂર પહોંચ્યો હશે ત્યાં જ માધવે પણ હાથમાં ડબલું લીધું.

‘આ સાલું, સિંહ સાથે જમવા બેઠા એમાં વધારે ખવાઈ ગ્યું.’ હાથમાં ડબલું લઈને માધવ ઘરની બહાર નીકળ્યો, ‘હાજતે જઈને અબઘડી આવ્યો.’

બહાર આવીને થોડાં ડગલાં માધવે ઉતાવળે ભર્યાં અને પછી પાછળ ફરીને જોયું. ડેલી બંધ થઈ ગયાની ખાતરી થઈ ગઈ એટલે તેણે ડબલું એક ખૂણામાં મૂક્યું અને સીધી પોલીસચોકી તરફ દોટ મૂકી.

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK