પાછા ગિરધર આવશે

જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણના ભાવવિશ્વમાં રમમાણ થઈ જવાય.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


ભગવાન એક, પણ તેનાં નામ અપાર. ઉપેન્દ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, શ્રીવત્સલાંછન, વનમાળી, શામળિયા, વાસુદેવ, માધવ, નટવર, મદનમોહન, મધુસૂદન, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ વગેરે નામોમાં કૃષ્ણ સમાતો નથી. એ તો મર્મ, કર્મ અને ધર્મને પાર કરી ગયેલો અવતાર છે. મનોજ ખંડેરિયા કહે છે...

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો

પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે

મકરંદ દવેએ સરસ નિરીક્ષણ કર્યું છે: કૃષ્ણના જન્મનું સ્થળ અને જન્મનો દિવસ એ બન્ને આપણને કશોક સંકેત આપે છે. એ સંકેતની લિપિ આપણે વાંચવી જોઈએ. દરેક મનુષ્ય પોતે ઊભા કરેલા પોતાના કારાગારમાં જન્મે છે, કર્મબંધનમાં જન્મે છે. કર્મબંધનમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં જન્મ લીધો.

કૃષ્ણનો જન્મ શ્રાવણના કૃષ્ણ પક્ષમાં આઠમે થયો તો રાધાનો જન્મ શ્રાવણના શુક્લ પક્ષમાં આઠમે થયો. રાધાની ઉંમર કૃષ્ણ કરતાં વધારે, પણ કૃષ્ણ અને રાધાના જન્મની તિથિમાં પંદર દિવસનો ફરક છે. કૃષ્ણનો જન્મદિવસ જન્માક્ટમી તરીકે અને રાધાનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઊજવાય છે. રાધાએ કૃષ્ણને સરેઆમ ઝંખ્યા, પણ મુગટધારી કૃષ્ણની પીડા ધર્મયુદ્ધમાં ઢંકાઈ ગઈ. દિલીપ રાવલ આ પીડાની અનુભૂતિ કરાવે છે...

આ સિંહાસન ને તાજ હવે બહુ

ભારે ભારે લાગે છે

એવું તે હતું શું પીંછામાં કે

યાદ કરું છું ગોકુળને

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ

હવે ક્યાં આવે છે

નક્કી જ હતું કંઈ રાધામાં કે

યાદ કરું છું ગોકુળને


રાધાના ભાગે પ્રતીક્ષા આવી તો કૃષ્ણના ભાગે પરીક્ષા. એક પછી એક સમસ્યાને ઉકેલતા અને પાર કરતા કૃષ્ણ પાસે હવે વાંસળી વગાડવાની હોંશ બચી નહોતી. જેની વાંસળી સાંભળી આખું ગોકુળ ઘેલું થઈ જતું એ કૃષ્ણના હોઠ કેમ સૂન પડી ગયા? ભગવતીકુમાર શર્મા એનું કારણ આપે છે...

ફૂંક છું પણ સૂર થઈ શકતો નથી

પાંસળીમાં એક રાધાનો અભાવ


વાંસળીના સૂર અને કૃષ્ણના નૂરના બંધાણી બનેલા ગોકુળ પાસે કૃષ્ણની વિદાય રોકવા માટે રાધા અને ગોપી કાફી નહોતાં. વિશ્વને ઉપકારક મહાન કાર્યો બલિદાન તો માગવાનાં જ. ગોકુળ તો એક વાર ખમી લે, પણ એ વાંસળીની હાલત શું થઈ હશે જેને કૃષ્ણએ હોઠથી અળગી કરવી પડી. તખ્ત સોલંકી એનો ઝુરાપો સમજે છે...

રોજ ભણકારા થતા, એ આવશે

આવવાની આશને છોડાય ના

કૃષ્ણ ગોકુળ છોડશે એ સાંભળી

વાંસળીથી શ્વાસ પણ લેવાય ના


એ ક્ષણ કેવી દારુણ અને કરુણ હશે જ્યારે શ્યામે ગોકુળથી ભારે હૈયે વિદાય લીધી હશે. રજ-રજ અને રોમ-રોમમાં છવાયેલો વિષાદ ગોપીઓના કાળજાને ભરખી ગયો હશે. કાળિનાગ નાથનાર કૃષ્ણ પાસે ગોકુળ વિદાય સમયે લાચારી સિવાય કંઈ નહોતું બચ્યું. મથુરાથી વિદાય લેતી વખતે રણછોડનું બિરુદ સ્વીકારવું પડ્યું. દિનેશ ડોંગરે ‘નાદાન’ આ વિદારક ક્ષણોને ઝાલે છે...

બહુ ભારે હૃદય સાથે થયા આરુઢ રથમાં પણ

હજીયે મન ઘણું વ્યાકુળ છે વ્યાકુળ રહેવાનું

મથુરા-દ્વારકા કે હોય વૃંદાવન ભલે એનું

નજરમાં કૃષ્ણની નાદાન સતત ગોકુળ રહેવાનું


કૃષ્ણને પામવા ગોપીભાવ કેળવવો પડે. નરસિંહ મહેતાએ એ ભાવને આત્મસાત કર્યો. આકંઠ પામવાની તીવ્ર તાલાવેલી ગોપીઓના શ્વાસમાં વણાઈ ગયેલી. રશીદ મીર અવસ્થાને પાર કરી ગયેલી આસ્થાને બિરદાવે છે...

હો પ્રતીક્ષા તો નહીં આવે કદી

હોય ના સંભવ તો અકસર આવશે

ગોપીઓ ઉત્કંઠ છે આઠે પ્રહર

આ જ રસ્તે પાછા ગિરધર આવશે


ગિરધરની વાટ તો કળિયુગમાં પણ આકંઠ જોઈ મેવાડની મીરાએ. મૂરતને વરેલી મીરાની હયાતીએ એ કક્ષાએ ચાહના કરી કે ગોપીભાવને મીરાભાવનું રૂપ મળ્યું. વ્રજેશ મિસ્ત્રી આ પ્રેમનું મહિમાગાન કરે છે...

આભમાંની શ્વેત જળની ધાર તે મીરાં હશે?

ને ધરા પર થાય એકાકાર તે મીરાં હશે?

શ્યામ નામે આભ પર તારા સમી ગોપી ઘણી

ચંદ્રરેખા શ્વેત હારોહાર તે મીરાં હશે?


ક્યા બાત હૈ


રાધાનું ફૂલ

શ્યામના ચરણમાં મૂક્યું રાધાએ ફૂલ

    એ તો રુકમણીને અંબોડે મ્હેકે

રાધાની વેદનાના મોરલાઓ સ્હેજે શું

    માધવના કાળજામાં ગ્હેકે?

રાધાની આંખની ઉદાસી આ આભમાં

    કે સાંજ હવે થઈ ગઈ સૂમસામ

વહેતી યમુનામાં કહો કેમ કરી ચીતરવું

    પારકા એ પ્રિયતમનું નામ?

શ્વાસમાં સમાઈને હરિવર આ લાગણીની

    લીલાને દૂરથી ઉવેખે!

વૃક્ષોની છાતીમાં લ્હેરખી લપાય

    અને લ્હેરખીની ગોદમાં સુગંધ

બાવરી આ રાધાનો માધવ વિનાનો

    અહીં ઝૂરે છે એકલો સંબંધ

રુકમણીની સોડમહીં સૂતા છે શ્યામ

    જાગે રાધા કદંબને ઝરૂખે!

  - સુરેશ દલાલ


(પાંચમી પુણ્યયિથિ - જન્માષ્ટમી)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy