મનોજની મહેફિલ

ગુજરાતી ગઝલના ક્ષેત્રે અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, આદિલ મન્સૂરી અને મનોજ ખંડેરિયાના પ્રદાન વિશે કુમારજૈમિનિ શાસ્ત્રીએ વિશદ સંશોધનકાર્ય કર્યું છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

વિચારસૌંદર્ય, છંદોવિધાન, કલ્પન-પ્રતીક, અલંકાર વગેરેના આધારે છણાવટ કરતું ગઝલકાર મનોજ ખંડેરિયાનું પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું. ત્રણ કાવ્યસંગ્રહોની ૨૧૬ ગઝલોમાંથી લેખકે ઝીણવટપૂવર્કક પસાર થઈને અનેક રસપ્રદ તારણો આપ્યાં છે. શાંત સંવેદનાથી ફાટફાટ આ મહાન શાયરની કલમનું કૌવત માણીએ...

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો

પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

શાસ્ત્રમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે. સર્જક માટે શબ્દ સાધન નથી, સાધના છે. સર્જકનું કામ શબ્દના ગર્ભમાં છુપાયેલા અર્થને ઉજાગર કરવાનું છે. મનોજ ખંડેરિયા જેવા શાયર શબ્દો ચૂંટીને એને રેશમમાં વીંટાળીને આપે ત્યારે આવી કુમાશવાળો શેર જન્મે...

ઘડો કાંઠે ભરવાને આવી ચડેલી

હવાનું ઝીણું વસ્ત્ર ખેંચ્યા કરે જળ


જળ પાસે ભીનાશનો વૈભવ હોય છે. સૂરજ પણ શીતળતા પામવા એમાં ડોકિયું કરતો રહે છે. સૃષ્ટિનું જીવન જળ પર નિર્ભર છે. રણપ્રદેશની સફર જેમણે કરી હશે તેમને આ શેર સુપેરે સમજાશે...

રણનાં રણો ને રેતી હતી આસપાસમાં

એક નદી મળી ન તરસના પ્રવાસમાં


જિંદગીના પ્રવાસમાં બધાને પોતપોતાની કુંડળી પ્રમાણે વેરાન કે વ્હાલપ મળતાં હોય છે. કેટલાકની જિંદગી સીધા રસ્તા જેવી હોય, જેમાં કોઈ ઘટના જ ન બને તો કેટલાકની જિંદગીમાં દુર્ઘટના સિવાય કાંઈ ન બને.

જિંદગી ટકાવવા માટેની દોટમાં જોતરાઈને એ ખ્યાલ જ ન રહે કે સમય તો માછલીની જેમ સરી ગયો. ફિશ-ટૅન્કમાં માછલી આપણી સામે આવીને ને તરત યુ-ટર્ન મારે એમ નિરાંત ક્યારે યુ-ટર્ન મારીને જતી રહે એની ખબર ન રહે. પ્રવૃત્તિ વખતે મળતી શાંતિ ટૉનિક પુરવાર થાય, પણ નિવૃત્તિ પછીની શાંતિ ભેંકાર લાગવાની અનેક શક્યતાઓ હોય છે...

બસ રાત ને દિવસ અહીં દોડ્યા કરે સમય

ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય

દિવસો વીતે છે શૂન્યતાના ટાપુ ઉપર હવે

નીરસ જીવનનો ટુકડો ચાવ્યા કરે સમય


વૃદ્ધાવસ્થામાં તન-દુરસ્ત ન હોય તો ધન-પરસ્ત થઈ જવું પડે. ધન હોય તો પણ સ્નેહીજનોનો પ્રેમ ન મળે. બધા પોતપોતાના કામકાજમાં પરોવાયેલા હોય ત્યારે બીમાર સાંજને ઓછું આવી જાય. એક સમયે દોડધામ કરતા દેહમાંથી દોડની બાદબાકી થઈ હોય અને પરમના ધામની પ્રતીક્ષા બચી હોય. જીવન જીવાતું ન હોય, લંબાતું હોય એવી અનુભૂતિ થયા કરે. વેગ અને આવેગ બન્નેનું રૂપાંતર લાચારીમાં થઈ જાય. આવા સમયે આવી અનુભૂતિ થતી હશે...

આ પડ્યો છે હાથ ખાલી વન સમો

આંગળીમાંથી હરણ દોડી ગયું


એક સમયના પ્રસિદ્ધ ઉદ્યોગપતિનો કિસ્સો તાજેતરમાં બહુ ચગ્યો જેમાં સંતાનોએ વૃદ્ધ માતા-પિતાને તરછોડીને પરવશ બનાવી દીધાં. જેના હાથ નીચે હજારો લોકો કામ કરતા હોય એવા માણસને આખરી વરસોમાં આજીજી કરવી પડે એ કળિયુગની બલિહારી છે. રાતે પડખું બદલીએ એમ સમય બદલાઈ જાય ત્યારે એક તમતમતો તમાચો રસીદ થાય...

અચાનક સમયની સઘન ઝાડીમાંથી

આ સમજણ ઉપર કોણ મારે છે છાપો


જે સમયને લાડ લડાવ્યા હોય એ સમય મ્યાનમાંથી ખંજર કાઢે એ પહેલાં જ આઘાતમાત્રથી લોહી વહેતું થઈ જાય. મહાભારતના કાળનું અટ્ટહાસ્ય હજીયે અમર થઈને ગુંજતું હોય એવો ભાસ થાય...

આવી ગયો છે સામે શકુનિ સમો સમય

આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ

ક્યા બાત હૈ


નવરા બેઠેલા ઈશ્વરનો

એક રૂપાળો તુક્કો માણસ

… … …

મ્હેકવાનું માત્ર એક બ્હાનું હતું

આ અજંપો વૃક્ષ ચંપાનું હતું

… … …

ભભૂકી ઊઠ્યું મૌન ગંધકની માફક

કથાનો હતો અંત દીવાસળીમાં

… … …

સતત આર ખૂંચે છે એની રગેરગ

હજી લોહીમાં એક ફરતો ભમરડો

… … …

કૈં કરોડો વર્ષ જેના પર ટક્યાં

કોઈ એના મૂળમાં ક્ષણ હોય છે

… … …

શ્વાસના ધારદાર ચપ્પુથી

આ હવા મારું હોવું છોલે છે

… … …

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં

એક મારામાં અને એક આભમાં

… … …

આજ ભેળસેળ થઈ ચહેરાની

શક પડે છે મને અરીસામાં

- મનોજ ખંડેરિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK