તું મણકા બદલ કે આખેઆખી માળા બદલ

પરિણામ ત્યારે જ આવશે, પહેલાં તું મનમાં બાઝેલાં જાળાં બદલ

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

હે મારી લાડકી વાચકમંડળી, કબૂલ કે માણસ થઈને ભગવાનની ભૂલ કાઢવી એટલે હાથીને ધક્કો મારવા જેટલું અઘરું કામ છે અને સંસારના ૯૮ ટકા જીવ એનો વિરોધ પણ નોંધવશે, પણ હવે આ પૃથ્વી પર આંટો મારવા એને મોકલ્યા છે તો આ દેશના રાજાની જેમ મન કી બાત આપના ધ્યાનમાં લાવવી એ મારી નૈતિક ફરજ છે. ચોક્કસ જેને  મોકલ્યા તેની જ ભૂલ કાઢીએ તો ઈશ્વરને પણ થાય કે મેરી બિલ્લી મુઝસે મ્યાંઉ? પ્રૉબ્લેમ એ છે કે સાચું બોલું તો ઈશ્વર અને આપ સૌ સાથે સંબંધો તૂટી જવાનો ભય છે ને ખોટું બોલું તો હું પોતે તૂટી જઈશ એવું લાગે છે, પણ મારે તૂટવું નથી. આવો મારી સાથે, સમજાવું.

મૂળ વાત એ છે કે ઈશ્વર આપણને ઘડવામાં ગોથુ ક્યાં ખાઈ ગયો એ કેવળજ્ઞાન માત્ર ઠાકરજી અને ઠાકોરજીને જ ખબર છે. તમે જાણશો તો પણ બોલી ઊઠશો કે માણસ માત્ર ભૂલને પાત્ર નથી હોતો, ઈશ્વર પણ ભૂલને પાત્ર હોય છે. તો હો જાઓ તૈયાર. અબ ઘનશ્યામ પરદા ઉઠાતા હૈ. વહાલા, ઈશ્વરે આપણને ઘડીને સીધી નજરે ન જોઈ શકાય એવા ત્રણ મહેમાનોને શરીરમાં પ્રવેશ આપ્યો : મન, બુદ્ધિ ને આત્મા.

એમાંય બાપુ, ઈશ્વરે મન મૂકીને તો હિમાલય જેવડી વિશાળ ભૂલ કરી છે કે જિંદગીની પથારી ફરી ગઈ છે.

સાચા-ખોટા, સારા-ખરાબ ડખા તો મનના કારણે જ છેને? જો હું ખોટું બોલું એમ લાગે તો મને ઠપકારવો, ઢીબી નાખવો, યે તુમ્હારા હક હૈ યારો. કેમ? હજી વધુ નજીક આવો.

મન ઇચ્છાઓની ફૅક્ટરી છે. પણ ઇચ્છાઓ કઈ માટીની બનાવે છે કે રોજ સવારે તરફડે, રાત્રે મરે ને બીજા દિવસે પાછી સવારે જન્મે છે. આ ચક્કર શરીરના અંત સુધી ચાલે. મન કેવું છે સમજાવું?

બન્યું એવું કે ચંબુલાલને એક વાર મન થયું ને અચાનક ઊભા થઈ ચંપાને સટાક કરતી ગાલ પર જોરથી એક ખંેચી દીધી. ચંપા ચમકી, ‘કેમ? શું થયું? મારી ભૂલ...’

‘અરે તું તો જિદંગીમાં ક્યારેય ભૂલ ન કરે તો મારે જિંદગીમાં ક્યારેય નઈ મારવાની? પાંચ વર્ષથી હું તારી ભૂલની રાહ જોઉં છું. પછી મારા મનને ક્યાં સુધી કાબૂમાં રાખું?’

‘અરે વાહ, મન તમારું અને ભોગ મારો? પણ કોઈ પણ કારણ વગર...’ ï

‘અરે ડાર્લિંગ, સાચું કઉં? મારો અંદરનો પ્રેમ ઊભરાયો, લાફામાં છુપાયેલો મારો પ્રેમ હતો.’

ચંપા ઊભી થઈ ને સટાક-સટાક કરતી જોરથી બે ઠોકી દીધી. ‘તમને એમ છે કે મને તમારા પર જરાય પ્રેમ નથી? તમારા કરતાં ડબલ પ્રેમ છે સમજ્યા?’

જોયું? ક્યારેય કારણ વગર મનને છૂટું મૂકીએ તો કારણ વગર છૂટાછેડા થઈ જાય ને લેવાદેવા વગર કુટાઈ જવાય.

મન આપણું હોય તો પણ બહુ ભરોસો ન રખાય. હું જ્યારે ચંપકલાલની નનામીને સ્મશાને મૂકવા ગયો ત્યારે તેને મસ્ત મજાની ચિતા પર સુવાડ્યા ને જેવી ચિતા પ્રગટાવી કે તરત જ મારા મનમાં વિચારો પ્રગટવા લાગ્યા, ઓહ! અરે બાપ રે! આ દશા? જે ગઈ કાલ સુધી હાલતો-ચાલતો ને તે આજે ધુમાડામાં પલટાઈ ગયો! ખેર, ચંપકલાલ જ નઈ, પણ જે લોકો અહીં સૂતેલા છે તે બધાને એવો ભ્રમ હતો કે મારા વગર આ દુનિયા, સમાજ, પરિવાર ચલાવશે કોણ? પણ આ તો પોતે જ ચાલ્યો... હરિ ઓમ.

પછી સ્મશાનમાં મારા મનમાં પ્રભુ મહાવીર અને બુદ્ધે પ્રવેશ કર્યો. આ સંસારમાં જેને તું તારું સમજે છે એ ગઈ કાલે બીજાનું હતું ને આવતી કાલે બીજાનું થવાનું તો એને આજે શું કામ પકડી રાખે છે? બધું જ છોડી દે. પ્રભુ મહાવીર કાનમાં બોલ્યા, ‘વત્સ, જે છોડવું પડે એ ત્યાગ ને છૂટી જાય એ વૈરાગ.’

આંખ બંધ કરી મનમાં વિચાર્યું કે બસ, આમ જ મારી પણ આંખો અચાનક કાયમ માટે  બંધ થઈ જશે. બધા જ સંબંધોનું બંધન બંધ થઈ જશે. ને કાયમી વિદાય વખતે આવજો કહેવા પણ નઈ રોકાઈ શકું. પણ સ્મશાનમાં ગયા પછી પણ સાન ક્યાં ઠેકાણે આવે છે? સાલું આપણને આખી જિંદગી કંઈ ને કંઈ બનવાના ધખારા ઊપડે ને અંતે બનીએ છીએ શું? ૬૦ કિલોમાંથી ૨૫૦ ગ્રામ રાખ. અંતે રાખ બન્યા ત્યાં સુધી બધું રાખ-રાખ કરે ગયા. બસ, આવા ગહન વિચારોમાં ડૂબ્યો.

પણ તમને તો ખબર છે ઈશ્વરે આપેલા આ મર્કટ મનની. એને જંપ નથી એટલે જમ્પ માર્યા કરે છે. મુજે એક જગા આરામ નહીં, રુક જાના મેરા કામ નહીં...

ને બાપુ, જેવો સ્મશાનનો દરવાજો છોડી બહાર નીકળ્યો કે તરત જ કોઈ કૉન્ગ્રેસી ગ્થ્ભ્માં પલટી મારે એમ મારા મને પલટી મારી ને જે મન મહાવીર ને બુદ્ધ બનવા માગતું હતું એ મનમાં સિકંદરે પ્રવેશ કર્યો. મહાવીર-બુદ્ધ સ્મશાનમાં જ રહી ગયા. સિકંદરની જેમ બધું જ મેળવી લઉં, બધાં યુદ્ધ જીતી લઈ ને છેલ્લે આખી દુનિયા જીતી લઉં. એ બધું જીતવાનું મન થયું એટલે જેને મન આપવાની ભૂલ કરી હતી એ પ્રભુને જ મનની વાત કરાયને? ઊપડ્યો મંદિર. રોજ પૂજા, પ્રાર્થના-માળા કરી. અને સંબંધ સારો હતો એટલે થોડા દિવસમાં પ્રભુ પસંદ થઈને પ્રગટ્યા એટલે તરત જ મેં કીધું, પ્રભુ, આ મારું મન...

‘આઇ નો બકા એવરીથિંગ, આઇ નો. તારું મન ઘડીમાં મહાવીર ને ઘડીમાં સિકંદર બનવા માગે છે. બટ યુ નો? પૈસા-સંપત્તિ મેળવવાથી સિકંદર નથી બનાતું. એ ભોગવવા માટેનું મુકદ્દર પણ જોઈએ. કાવાદાવા અને શક્તિથી દુનિયા જિતાય, પણ જાતને ન જીતી શકાય અને મૂળ તો તારાં તન અને મન બન્ને ભૂખ્યાં છે. એકને ભોજનની ભૂખ ને બીજાને પ્રતિષ્ઠાની...’

‘હા પ્રભુ, આ મનની જેલમાં પુરાવાની તેં આજીવન કેદની સજા આપી છે જેના જામીન પણ નથી મળતા. સાલું એક તરફ મન મારી હસવાનું ને બીજી તરફ હસતાં-હસતાં મનને મારવાનું. થાકી જવાય, હાંફી જવાય...’

‘જો બકા, મનને મારવાની જરૂર નથી, એને વાળવાની જરૂર છે. મનનું ચિત્ર વિચિત્ર છે. એ પોતાનો અહમ્ પોષવા કેટકેટલા રસ્તા શોધે છે. ઘડીમાં મન ગરીબ, ઘડીકમાં તવંગર પેલા રશ્મિન શાહે તને કીધેલું કે યાદ કર, મનને માર્યું તો મર્યા ને વાYયું તો તર્યા... મન મળે તો માળો બંધાય ને દિલ મળે તો વિશ્વાસ રચાય...’

‘તારી વાત સાચી પ્રભુ, મારે માળો પણ બાંધવો છે અને વિશ્વાસ પણ રચવો છે. તને મારી સાથે રાખવો છે. તું ભલે

બધાના હૈયામાં બૈઠો હોય, મારે તારા હૈયામાં બેસવું છે. એ માટે મારે જેટલી

પૂજા-પ્રાર્થના-માળા...’

‘તો એક વાત માનીશ? તું મણકા બદલ કે આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે પહેલાં તું મનમાં બાઝેલાં જાળાં બદલ.’

ïïï‘પ્રભુ, આ વાત પર તને શત-શત નમન...’

‘અરે પાગલ નમન એટલે ન-મન. જ્યાં મન નથી ત્યાં ઇચ્છા નથી. ઇચ્છા નથી તે જ સુખી છે. તું મહાવીર કે સિકંદર બનવાના ધખારા છોડ ને તું ઠાકર છે તો ઠાકર બનીને રહે.’

‘સાચું કહું? ભૂલ તારી નથી, મારી છે. હું તારા આપેલા મનને ઓળખી ન શક્યો એ હવે સમજાયું.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK