સાત વર્ષથી ટટળાવતા લોકો જ્યારે ત્રણ મહિનામાં સીધા થઈ જાય

મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના હુકમ છતાં વળતર ચૂકવવામાં એકબીજાને ખો આપતા વીમા-કંપનીના બાબુઓને RTIએ સીધાદોર કર્યા

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

કાંદિવલી (વેસ્ટ)માં રહેતા પ્રવીણ ઓઝાના પરિવારની સાત વર્ષ સુધી થયેલી અકારણ સતામણી અને RTIના કારણે ત્રણ મહિનામાં આવેલા સંતોષકારક અંતની આ કથા છે.

૧૯૯૫ની ૧૫ એપ્રિલે પ્રવીણભાઈનાં માતુશ્રી શિવકુંવરબહેન સાંજના ૫.૧૫ વાગ્યે કાંદિવલીમાં રસ્તો ઓળંગતાં હતાં ત્યારે અવિચારીપણે દોડતી રિક્ષાએ જોરથી ટક્કર મારતાં ગંભીરપણે જખમી થયાં. તરત તેમને ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સંતોષકારક સારવાર થતી ન હોવાથી તેમને હરકિસનદાસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં જ્યાં તેમનો બીજા જ દિવસે દેહાંત થયો.

૧૯૯૬ની ૧૯ જુલાઈએ મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં વળતર માટે દાવો દાખલ કરવામાં આવ્યો. સાથોસાથ કાયદાની જોગવાઈ મુજબ વચગાળાની રાહત માટે ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવી, જેના પ્રતિસાદમાં ૫૦,૦૦૦ રૂપિયાનું વચગાળાનું વળતર મંજૂર કરવામાં આવ્યું. ટ્રાન્સપોર્ટ ઑફિસમાંથી રિક્ષામાલિકનું ઍડ્રેસ મેળવી ટ્રિબ્યુનલ કાર્યાલયને આપવામાં આવતાં રિક્ષામાશ્ચિલકને રજિસ્ટર્ડ તથા અન્ડર પોસ્ટલ સર્ટિફિકેટ દ્વારા ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલી વળતરની અરજીની નોટિસ મોકલવામાં આવી જે Not Knownના રિમાર્ક સાથે પાછી ફરી. આથી પ્રવીણભાઈના વકીલે ટ્રિબ્યુનલમાં અરજી કરી ટ્રિબ્યુનલની ઑફિસના બોર્ડ પર પબ્લિક નોટિસ લગાવવાની વિનંતી કરતી અરજી કરી, જે માન્ય થતાં નોટિસ બોર્ડ પર નોટિસ મૂકીને કાયદાકીય પ્રતિવાદીને નોટિસ આપવાની જોગવાઈ પૂર્ણ કરવામાં આવી.

રિક્ષા પબ્લિક ટ્રાન્સપોર્ટ હોવાથી સમયાંતરે RTO દ્વારા એની ચકાસણી થતી હોવા છતાં રિક્ષામાલિકનું સરનામું RTOમાં ન હોય એ તો આ દેશમાં જ ચાલે. પ્રશ્ન એ થાય કે સમયાંતરે ચકાસણીના રૂપકડા નામ હેઠળ માત્ર રૂપિયા ભેગા કરવાની શું દુકાન જ ખૂલતી હોય છે? શું બધું રામભરોસે ડીંડવાણું ચાલતું હોય છે?

આપણા દેશના ન્યાયતંત્રના ખાટલે મોટી ખોડ એ છે કે ન્યાય મેળવવામાં અસહ્ય અને ગુનાહિત વિલંબ પ્રવર્તમાન છે. ૧૯૯૬ની ૧૬ જુલાઈએ ફાઇલ કરેલા ક્લેમની સુનાવણી ૧૪ વર્ષે ૨૦૧૦ની ૧૮ ઑગસ્ટે થતાં પ્રતિવાદી રિક્ષામાશ્ચિલક શંકર નીપાને અને સરકારી વીમા-કંપની ધ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉન્સ કંપની લિમિટેડ તરફથી કોઈ પ્રતિનિધિ કે વકીલ હાજર ન રહ્યા. વાદી કે પ્રતિવાદી કોઈ પણ કારણસર કે સંજોગોના કારણે સુનાવણીમાં હાજર ન રહી શકવાના હોય તો પોતાનો પક્ષ માંડતી દલીલો લેખિત નિવેદન દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે. વીમા-કંપનીએ લેખિત નિવેદન આપવાની પણ તસ્દી લીધી નહીં, આથી ટ્રિબ્યુનલના માનનીય સભ્યશ્રીએ કેસ એક તરફથી - એક્સપાર્ટી ચલાવવાની મંજૂરી આપી.

વળતર મેળવવાની અરજી શિવકુંવરબહેનના જીવનસાથી ગૌરીશંકરભાઈ, પુત્ર પ્રવીણભાઈ તથા પુત્રી મીનાક્ષીબહેન દ્વારા સંયુક્ત નામે કરવામાં આવેલી; કારણ કે સ્વર્ગસ્થના તેઓ કાયદેસર વારસદારો હતાં. ત્રણે અરજીકર્તાઓ વતી ઍડ્વોકેટ મર્ચન્ટ હાજર રહ્યા.

અરજીકર્તાઓના ઍડ્વોકેટની રજૂઆતો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે ટ્રિબ્યુનલના માનનીય સભ્યશ્રીએ ચુકાદો આપ્યો, જેનો સારાંશ નીચે મુજબ છે...

૧. અરજીકર્તાઓએ એક લાખ રૂપિયાના વળતરની માગણી કરેલી, પરંતુ મોટર વેહિકલ કાયદાની કલમ ૧૬૬ અન્વયે જણાવેલી નિયમાવિલ મુજબ અરજીકર્તાઓ ૧,૫૮,૬૬૨ રૂપિયાનું વળતર મેળવવાપાત્ર છે.

૨. મોટર વેહિકલ કાયદાની કલમ ૧૪૦ મુજબ ૫૦,૦૦૦ રૂપિયાની ચૂકવેલી વચગાળાની રાહતની રકમ ઉપરોક્ત વળતરની રકમમાંથી બાદ કરવાની રહેશે.

૩. છ અઠવાડિયાંની અંદર ઉપરોક્ત બાકી રહેલી રકમ ચૂકવવાની રહેશે.

૪. જો છ અઠવાડિયાંની અંદર રકમ ન ચૂકવાય તો ચુકાદાની તારીખથી ચૂકવેલી તારીખ સુધીના દિવસો પર ૬ ટકા વાર્ષિક વ્યાજની રકમ પણ ચૂકવવાની રહેશે.

૫. મરનારનાં પુત્ર અને પુત્રીને દરેકને ૧૦,૦૦૦ રૂપિયા આપવાના રહેશે તથા ત્યાર બાદની પૂર્ણ રકમ મરનારના પતિને ચૂકવવાની રહેશે.

૬. ઉપરોક્ત રકમ વીમા-કંપની ટ્રિબ્યુનલમાં જમા કરે ત્યાર બાદ અરજીકર્તાઓને અકાઉન્ટપેયી ચેકથી ચૂકવવાની રહેશે.

સમય સરકતી રેતીની જેમ પસાર થતો ગયો. વીમા-કંપનીના બાબુઓ ટ્રિબ્યુનલના ચુકાદાને ઘોળીને પી ગયા. આજકાલ કરતાં બીજાં ૬ વર્ષનો સમય પસાર થઈ ગયો, પરંતુ વીમા-કંપનીએ ન તો રકમ ટ્રિબ્યુનલમાં જમા કરાવી કે ન તો પ્રવીણભાઈને કોઈ સરખા જવાબ આપ્યા. પ્રવીણભાઈ મળવા જાય તો બાબુઓ બીજા બાબુને ખો આપી પ્રવીણભાઈને એક થાંભલેથી બીજા થાંભલે દોડાવતા રહ્યા. વીમા-કંપનીના સ્ટેડિયમ હાઉસ, વીર નરીમાન રોડસ્થિત કાર્યાલયના બાબુઓએ ખંભાતા બિલ્ડિંગ, ત્રીજા માળે, ઇરોઝ સિનેમાની ઉપર, ચર્ચગેટ કાર્યાલયનો ખો આપ્યો. ખંભાતા બિલ્ડિંગના બાબુઓએ યુનિયન કો-ઑપરેટિવ ઇન્શ્યૉરન્સ બિલ્ડિંગ, પી. એમ. રોડ કાર્યાલયનો ખો આપ્યો. આમ ખો આપવાની રમત વણથંભી ચાલુ રહી.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે પ્રવીણભાઈ તરુણ મિત્ર મંડળ સંચાશ્ચિલત જનાધિકાર અભિયાન અંતર્ગત ચાલતી RTI ચળવળથી માહિતગાર હતા. બાબુઓએ આપેલા ખોથી થાકેલા પ્રવીણભાઈ RTI બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું મનોમન નક્કી કરી ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં RTI કેન્દ્ર-મલાડ પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક અમિતભાઈ સાથે થઈ જેમણે તથા અન્ય સૌમ્ય સેવાભાવી કાર્યકરોએ પ્રવીણભાઈની વ્યથાની કથા સાંભળી તથા લાવેલી ફાઇલનો અભ્યાસ કરી RTI અરજી માટેની ભૂમિકા બાંધવા ફરિયાદપત્ર બનાવી આપ્યો તથા એ પત્ર સાથે ટ્રિબ્યુનલે આપેલા જજમેન્ટની ફોટોકૉપી મોકલાવી. આદત મુજબ બાબુઓએ પત્રનો જવાબ લખવાની કે એના પર કાર્યવાહી કરવાની તસ્દી લીધી નહીં.

આજકાલ કરતાં સાત અઠવાડિયાંનો સમય પસાર થઈ ગયો. RTIની ભૂમિકા બાંધવાના પત્રની તારીખથી ચારથી છ અઠવાડિયાંનો સમય બાબુઓને આપવાની પ્રણાશ્ચિલકા છે. અપૉઇન્ટમેન્ટ મેળવી પ્રવીણભાઈ ૨૦૧૬ની ૨૧ નવેમ્બરે કેન્દ્ર પર પહોંચ્યા. અમિતભાઈએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જે વીમા-કંપનીના મુંબઈસ્થિત રીજનલ ઑફિસના CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને આપવામાં આવી. RTI કાયદામાં જોગવાઈ છે કે જો અરજીમાં માગેલી માહિતી CPIO પાસે ન હોય તો સંબંધિત CPIOને અરજી મળ્યાના પાંચ દિવસમાં મોકલાવી અને એની જાણ અરજીકર્તાને કરવી. છ વર્ષ સુધી માત્ર ખો આપવાની રમત રમતા ખંધા બાબુઓને લાગ્યું કે હવે રમતનો સમય પૂરો થયો છે, જો હવે ક્રિયાશીલ નહીં થઈએ તો માથા પર લટકતી બે તલવારો (૧) RTIની પ્રથમ અરજીની માહિતી ન આપવાના કારણે થતી ચૂક તથા (૨) ટ્રિબ્યુનલના આદેશનો પાલન ન કરવાથી ઊભી થતી અવજ્ઞાની ક્ષતિ અસહ્ય નુકસાન કરી શકે છે.

૨૦૧૭ની ૩ જાન્યુઆરીના પત્ર દ્વારા એ જ સરનામે સ્થિત રીજનલ ઑફિસ-૨ના મૅનેજરે પ્રવીણભાઇને જાણ કરી કે:

૧. મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જજમેન્ટ અને ઑર્ડર કૉપી અમારી રીજનલ ઑફિસ-૧ મારફત મળી છે, જેના પર યથાયોગ્ય પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

૨. ૨૦૧૭ની ૧૦ જાન્યુઆરી પહેલાં આપ આપના PAN (પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ની કૉપી મોકલાવી આપશો. જો આપ એ સમયસર મોકલવામાં નિષ્ફળ નીવડશો તો પ્રવર્તમાન ઇન્કમટૅક્સ કાયદા અન્વયે આપને આપવામાં આવનાર વ્યાજ પર TDS (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) કાપવામાં આવશે.

ચાર લાઇનના ઉપરોક્ત પત્ર દ્વારા ચાલાક બાબુઓએ એકસાથે બે તીર માર્યાં.

૧. ટ્રિબ્યુનલે આપેલા આદેશ મુજબ ચુકવણી કરવામાં આવી રહી છે તથા

૨. ચુકવણીના વિલંબ સમય પર વ્યાજ પણ આપવામાં આવી રહ્યું છે.

ઉપરોક્ત પત્ર મળવાથી પ્રવીણભાઈને આનંદમિશ્રિત આશ્ચર્ય થયું. છ વર્ષથી ઉદાસીનતા સેવતા બાબુઓની કાર્યશીલતાનો છ અઠવાડિયાંમાં પરિચય થયો, પરંતુ કમભાગ્યે એ અનુભૂતિનું બીજાં ૬ અઠવાડિયાંમાં બાષ્પીભવન થઈ ગયું, કારણ કે બાબુઓએ અપેક્ષિત ચુકવણી કરી નહીં.

અપૉઇન્ટમેન્ટ મેળવી પ્રવીણભાઈ ૨૦૧૭ની ૨૭ ફેબ્રુઆરીએ ફરીથી કેન્દ્ર પર પહોંચ્યા. અમિતભાઈ અને સાથીઓએ વિપદાની વાત સાંભળી ફરી એક વખત ૨૦૧૭ની ૨૭ ફેબ્રુઆરીની તારીખની RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી.

૨૦૧૭ની ૬ એપ્રિલના પ્રત્યુત્તર પત્ર દ્વારા પ્રવીણભાઈને વીમા-કંપનીએ જણાવ્યું કે :

૧. આપની RTI કાયદા હેઠળની ૨૦૧૭ની ૨૭ ફેબ્રુઆરીની અરજી મળી છે.

૨. એના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આપના દાવાની ટ્રિબ્યુનલના હુકમનામા મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી દાવાની રકમ તથા એની ચુકવણીમાં થયેલા વિલંબના સમય પરના વ્યાજ સહિતની ૧,૫૦,૬૬૨ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.

૩. ઉપરોક્ત રકમ ૨૦૧૭ની ૭ ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલમાં જમા કરી દેવામાં આવી છે.

આમ પ્રવીણભાઈ તથા તેમના પરિવારની સાત વર્ષની વિપદાનો અમિતભાઈની કાર્યશીલતાના કારણે માત્ર ત્રણ મહિનામાં સુખદ અંત આવ્યો તથા RTI કાયદાની યથાર્થતા તથા તાકાત કરી એક વખત પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK