રોટી બૅન્કમાં જોડાશો તમે? આજે પ્રતિજ્ઞા લઈએ કે આમચી મુંબઈમાં કોઈ ભૂખ્યું નહીં સૂએ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને કલેક્ટ કરીને એને ભૂખ સાથે લડી રહેલા લોકો સુધી પહોંચાડવાનું. રોટી બૅન્કની કાર્યપ્રણાલી શું છે, અત્યાર સુધી કેટલું કામ થયું છે અને તમે આ કાર્યમાં કેવી રીતે જોડાઈ શકો એ વિશે વાંચો આગળ

roti3

રુચિતા શાહ

પાપી પેટ માણસ પાસે ન કરવાનાં કામ પણ કરાવે. મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે. આજે ભારતમાં ગરીબીરેખા નીચે જીવતા લગભગ વીસ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. દર સાડાત્રણ સેકન્ડે એક બાળક કુપોષણને કારણે મૃત્યુ પામે છે. ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો એક સર્વે કહે છે કે ગંભીર ભૂખમરો ધરાવતા વિશ્વના ૧૧૯ દેશોમાં ભારતનો ૧૦૦મો નંબર છે. મુંબઈ માટે આપણે કહીએ છીએ કે રોટલો મળે, પણ ઓટલો ન મળે. જોકે એ વાત સો ટકા યથાર્થ નથી. મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી. કદાચ આ જ કારણ છે કે હિન્દુ જ નહીં, તમામ ધમોર્માં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. આજે મુંબઈમાં રહેતા સંપન્ન પરિવારો જો જાતે જ બેથી ત્રણ લોકોને ભોજન આપવાનું નક્કી કરી લે તો એક પણ એવી વ્યક્તિ મુંબઈમાં ન રહે જેણે ભૂખ મારીને જીવવું પડે. રોટી બૅન્કની શરૂઆત પણ આ જ વિચાર પર થઈ છે.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે. આ જ વિચારધારામાંથી રોટી બૅન્કનો ઉદ્ભવ થયો છે. આજે એવી કેટલીયે હોટેલ, રેસ્ટોરાં, સેલિબ્રેશન પાર્ટીઓ, લગ્નપ્રસંગો, કૉપોર્રેટ ઇવેન્ટ્સમાં સારીએવી માત્રામાં ખાવાનું વધતું હોય છે; પણ એને ક્યાં, કોને, કેવી રીતે આપવું એનો કોઈ ઉકેલ ન હોવાથી લોકો એને ફેંકી દેતા હોય છે.’

roti2

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. ડી. શિવાનંદન કહે છે, ‘અમારો પ્રયત્ન હોય છે કે લોકો સુધી ફ્રેશ ખાવાનું પહોંચે. ભોજન બન્યાના લગભગ એક કલાકની અંદર એ ડિસ્ટ્રિબ્યુટ થઈ જાય. ભોજન ક્યાં વિતરણ કરવું, જેમને એ આપવામાં આવે છે એ લોકોને ખરેખર એની જરૂર છે કે કેમ એ પહેલાં જ સર્વે કરીને ચોકસાઈ કરી લઈએ છીએ. કેટલીક સામાજિક સંસ્થાઓ પણ અમે આઇડેન્ટિફાય કરી છે, જેઓ રસ્તે રઝળતાં બાળકોને સહારો આપે છે. તેમને એક ટાઇમનું ભોજન અમે પૂરું પાડી શકીએ એવા પ્રયત્ન કરીએ છીએ.’

અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. મુંબઈભરમાંથી આવતા ફોનની શું વિશેષતા હોય છે એ વિશે સંસ્થાનો સ્વયંસેવક અંકિત ગુપ્તા કહે છે, ‘હજી બે દિવસ પહેલાં જ મને નાગપુરથી રાતે સવા બાર વાગ્યે કોઈનો ફોન આવ્યો હતો. હવે લોકોને આ વિશે અવેરનેસ આવી રહી છે. ચેમ્બુરની એક સોસાયટીમાં રહેતી બહેનો રોજની પચાસ રોટલી સંસ્થાને ડોનેટ કરે છે. એવી જ રીતે પવઈની સોસાયટીની બહેનો દર શનિવારે લગભગ દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું આપે છે. ઘણા લોકો અમને કૉન્ગ્રેચ્યુલેટ કરવા માટે ફોન કરે છે. રિસ્પૉન્સ સારો છે. જોકે અમે લોકોને આગ્રહપૂર્વક કહેતા હોઈએ છીએ કે કમ સે કમ વીસ લોકો ખાઈ શકે એટલું ભોજન હોય તો જ ટેમ્પોને તમારે ત્યાં બોલાવો જેથી એ ફેરો લેખે લાગે.’

roti1

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. રોટી ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી અને અગ્રણી બૅન્કર અસ્મિતા ગડા કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં લોકોને પૂરતુ ખાવાનું ન મળતું હોય એની આ પહેલાં અમે પણ કલ્પના નહોતા કરી શકતા. અત્યારે રોજના ૪૦૦ લોકોને એક ટાઇમ ભોજન મળી રહે છે અને એમાં સમાજના દરેક સ્તરના લોકો હિસ્સો લઈ રહ્યા છે એ અદ્ભુત લાગણી છે. આજે હાઉસવાઇફથી લઈને હૉસ્પિટલો, કૅન્ટીન અને હોટેલો આ કાર્યમાં અમારી સાથે છે.’

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે. રોટી બૅન્કની યંગેસ્ટ ટ્રસ્ટી અને કૉપોર્રેટ ટ્રેઇનર તથા સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ કહે છે, ‘બે રોટલી પણ લોકો માટે કેટલી મૂલ્યવાન હોઈ શકે એ અમે આ રોટી બૅન્ક શરૂ થયા પછી સમજ્યા છીએ. મારા ઘરમાં મારા દાદાજી નગીનદાસ પારેખને કારણે પહેલાંથી જ ખાવાનું નહીં બગાડવાની શીખ મળી છે, પણ પર્સનલી મેં ક્યારેય કોઈને રોટલી જેવી વસ્તુ માટે પણ લાઇનમાં ઊભા રહેતા જોયા નથી. મને યાદ છે કે અમે તાતા ïહૉસ્પિટલની બહાર લોકોને ફૂડ આપી રહ્યા હતા ત્યારે એક માણસે પહેલાં તેને મળેલી બે રોટલી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને તે પાછો લાઇનમાં આવી ગયો. અમારા ધ્યાનમાં એ આવ્યું અને તેને પૂછ્યું કે કેમ તમે પાછા આવી ગયા? તમને તો મળી ગયુંને. તો તે કહેવા લાગ્યો કે આજે તો તમે છો, પણ કાલે ન મળ્યું તો? આવા અનેક અનુભવો અમને થયા છે. લોકો એક-એક રોટલી માટે તરસતા હોય છે અને આપણે ફૂડ વેસ્ટ કરીએ તો કેમ ચાલે? આ બધું નજરોનજર જોયા પછી આપણને જે મળ્યું છે એની કિંમત સમજાય. હું દરેકને કહીશ કે તમે ખોરાક વેસ્ટ ન કરો અને તમારાં બાળકો પણ એ વેસ્ટ ન કરે એવા સંસ્કાર આપો. હું મારા તમામ સેમિનાર્સમાં આ વાત લોકોને કહેતી થઈ છું. આપણને જે મળ્યું છે એની વૅલ્યુ કરવા માટે હું બધાને કહીશ કે એક વાર રોટી ફાઉન્ડેશન સાથે આવીને ફૂડ ડિસ્ટ્રિબ્યુશનમાં જોડાઓ અને જાતે જુઓ કે મુંબઈમાં પણ લોકોની કેવી હાલત છે.’

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મYયો છે. સંસ્થા માટે વૉલન્ટિયરલી સોશ્યલ મીડિયાનું કામ સંભાળતી લૉજિસિન્ટેક્સ નામની ત્વ્ ફર્મની માલિક આરતી ઠક્કર પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘અત્યારે સોશ્યલ મીડિયામાં અમને ખૂબ સારો રિસ્પૉન્સ મYયો છે. લોકોને આ કામમાં રસ પડી રહ્યો છે. સમાજમાં હજી પણ સારા લોકો છે અને તેમને લોકોની મદદ કરવી છે એ તેમની ઇન્ક્વાયરી પરથી સમજાય છે. વેબસાઇટ પર આમ તો અમે બધી જ ઇન્ફર્મેશન મૂકીએ છીએ, પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી પણ ઘણા લોકો અમારી સાથે જોડાયા છે; કારણ કે કોઈકનું પેટ ઠારવું, કોઈકની ભૂખ સંતોષવી એનાથી મોટું બીજું એક પણ કામ નથી. અમે નજરોનજર ખાવાનું મળ્યા પછી ખુશીથી મલકાતા લોકોને જોયા છે. આપણને જ્યારે મમ્મી ખાવા માટે જબરદસ્તી કરતી હોય કે ફૂડ વેસ્ટ નહીં કરવાનું સમજાવતી હોય તો વૅલ્યુ નથી હોતી, પણ લોકોને આ રીતે બેઝિક વસ્તુ ખાવા માટે પણ ન મળતી હોય એવું જોઈએ ત્યારે ખરેખર એની વૅલ્યુ સમજાય છે.’

roti

પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે. આ ઇનિશ્યેટિવ લેનારાં પલ્લવી પાટીલ કહે છે, ‘સોસાયટીની લગભગ પચાસેક બહેનો આ કૅમ્પેનમાં જોડાયેલી છે. દરેકના ઘરમાં એક જ રેસિપી મુજબ ત્રણથી ચાર લોકોનું ખાવાનું બનાવવામાં આવે. જેમ કે ગયા શનિવારે અમે છોલે-રાઇસ બનાવ્યા હતા તો છોલેની રેસિપી અમે વૉટ્સઍપ પર શૅર કરી અને બધાએ એ રેસિપીને ફૉલો કરી. બધાએ બેથી ત્રણ જણની રસોઈ બનાવવાની એટલે કોઈને બર્ડન ન લાગે. તેમ જ આ બાબતને લઈને અમે નિયમિત મળીએ, પ્લાનિંગ કરીએ જેથી અમારું એકબીજા સાથેનું બૉન્ડિંગ પણ ખૂબ સારું થઈ ગયું છે.’

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય. ડી. શિવાનંદન કહે છે, ‘કૅન્સર પેશન્ટ અને તેમના રિલેટિવ માટે અત્યારે અમે પૈસા આપીને ફૂડ-પાર્સલ તૈયાર કરાવીએ છીએ; જેમાં મોટે ભાગે શાક, રોટલી, દાળ અને ભાત હોય છે. એ સિવાય ડોનેશનમાં પણ મોટા ભાગે શાક-રોટલી, દાળખીચડી, દાલ-રાઇસ, બિરયાની જેવું આવતુ હોય છે જે અમે જરૂરિયામંદ લોકો સુધી પહોંચાડીએ છીએ. બે ટેમ્પો અત્યારે અમારી પાસે છે, પણ ખાવાનું ડોનેટ કરનારા લોકો ઓછા છે. તમારા માધ્યમે અમારે લોકોને એટલી જ અપીલ કરવી છે કે તમે આગળ આવો અને અમને તૈયાર મીલ ડોનેટ કરો જેથી અમે એને રાઇટ લોકો સુધી પહોંચાડી શકીએ. અત્યારે ઘણી મોટી-મોટી હોટેલવાળા લીગલ પ્રૉબ્લેમમાં ન ફસાઈ જાય અથવા તો ખાવાની બાબતમાં કંઈક સમસ્યા થાય અને વિવાદમાં ન સપડાય એટલે એક્સેસ ફૂડ હોવા છતાં ડોનેટ નથી કરતા અને એને ડિસ્પોઝ કરી નાખે છે. એ જવાબદારી હું લેવા તૈયાર છું. મુંબઈમાં જેમ લગભગ વીસેક લાખ લોકો ખોરાકના અભાવમાં છે એમ જ ઘણી મોટી સંખ્યામાં લોકો સંપન્ન છે. દરેક જણ પોતાની નૈતિક જવાબદારી સમજીને પાંચ લોકોને પણ જમાડવાની જવાબદારી લઈ લે તો મુંબઈમાં એક પણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ શક્ય છે. કોઈક પોતાના બર્થ-ડે, પ્રમોશન જેવા ખાસ પ્રસંગે પોતે ફૂડ ન આપી શકે અને નાણાકીય ડોનેશન કરશે તો એ પણ અમે કેટલીક રેસ્ટોરાં સાથે ટાઇ અપ કર્યું છે જે ઓછા દરે સારું ખાવાનું બનાવી આપે છે અને એનું અમે વિતરણ કરીએ છીએ.’

તમે શું કરી શકો?

- તમે તમારી સોસાયટીમાં ઇનિશ્યેટિવ લઈને દરેક ફ્લૅટના અથવા વિન્ગના લોકોનું ગ્રુપ બનાવીને તેમની પાસેથી કોઈ બે વસ્તુ થોડીક વધુ બનાવડાવીને બધા મળીને પચાસથી સો લોકોનું ખાવાનું રોટી બૅન્કને ડોનેટ કરી જ શકો છો.

- તમારા પોતાના, પરિવારના, પરિચિતોના, ધર્મસંસ્થાનોના કોઈ પણ પ્રસંગમાં જો જમણવાર રાખ્યો હોય તો પચાસ લોકો માટે પહેલેથી જ વધારે ખાવાનું બનાવડાવીને એને ડોનેટ કરી શકો છો.

- રોટી બૅન્કના વૉલન્ટિયર્સ પાસેથી જાણીને તમે જાતે પણ તમારા વિસ્તારના જરૂરિયાતમંદ લોકોના લોકેશનને જાણીને પોતે પણ ડોનેટ કરવા માટે જઈ શકો છો.

- ગૃહિણીઓ, વડીલો, બાળકો તો સો ટકા આ કાર્યમાં નિયમિત ધોરણે જોડાઈ શકે છે. ધારો કે રોજ પૉસિબલ ન હોય તો પણ કમ સે કમ અઠવાડિયામાં એક દિવસ તમારા ઘરમાંથી કોઈ અજાણ્યા જરૂરિયાતમંદને અન્નનું દાન થાય એ પ્રયત્ન કરવા જેવો છે.

૧૫ ઑગસ્ટ માટે આહ્વાન

૧૫ ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે રોટી બૅન્કે મુંબઈમાં પાંચ હજાર લોકો સુધી ખાવાનું પહોંચાડવાનું નક્કી કર્યું છે. આ વિચાર શક્ય છે જો તમે પણ તેમની સાથે આ અભિયાનમાં સાથ આપો. તમે, તમારી સોસાયટીના સભ્યો, તમારા પરિચિતો, તમારા ઓળખીતા હોટેલવાળા કે રેસ્ટેરાંવાળાને આ અભિયાન વિશે જણાવો અને રોટી બૅન્કના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અત્યારથી જ તમારો સહયોગ આપો. દેશની આઝાદી જે દિવસે થઈ એ દિવસે મુંબઈના જરૂરિયામંદ લોકોને ભૂખમરાથી પણ આઝાદી મળી શકે છે જો તમે ઍક્ટિવ ભૂમિકા ભજવશો તો.

રોટી બૅન્કને ફોન કરો

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK