ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ ૨૮૧

ગાદલાં-ગોદડાં જ્યાં ભેગાં કરવામાં આવ્યાં હતાં એ ડામચિયામાં દિલીપસિંહનો શ્વાસ રૂંધાતો હતો, પણ રૂંધાઈ રહેલા શ્વાસ વચ્ચેય તેની નજર આછીસરખી તિરાડ વચ્ચે ભૂપતસિંહ પર ખોડાયેલી હતી.

નવલકથા - રશ્મિન શાહ

કાન ફાડી નાખે એવી ચીસો બાપુ પાડતા હતા, બા માથું પછાડતી હતી અને ભૂપતસિંહ, ખાટલા પર બેસીને ભૂપતસિંહ મગફળી ખાતો હતો. મન થતું હતું કે દોડીને ભૂપતસિંહને તેની જ બંદૂકથી ભડાકે દઈ દે; પણ સાત વર્ષના દિલીપસિંહ માટે એટલી હિંમત કરવી અઘરું જ નહીં અશક્ય પણ હતું.

બહાર આવવાની ઇચ્છા હતી, પણ હિંમત નહોતી. બહાર આવીને ભૂપતસિંહને ખતમ કરવાની ખેવના હતી, પણ એ કરવા માટેનું જિગર નહોતું અને એટલે જ એ ગોઝારી ઘટના પછીની પહેલી સવારે બાપના અંતિમ સંસ્કાર સમયે દિલીપસિંહે બાપને મુખાãગ્ન આપતાં પહેલાં સોગન લીધા હતા : ‘બાપુ, ભૂપતે તમારા વંશને ખતમ કરી નાખવાનું કામ કર્યું, પણ માતાજીની દયાથી હું બચી ગ્યો છું. હવે આ વંશ એ જ ઘડીએ આગળ વધારીશ જે ઘડીએ ભૂપતસિંહનું મોત થાશે ને એય મારા હાથે થાશે.’

ર઼્ ર઼્ ર઼્

દિલીપસિંહની આંખો સામે એ દિવસ, એ ક્ષણ અને એ ઘડી આવી ગઈ જે સમયે તેની સાથે આ ઘટના ઘટી હતી. એ ઘટનાની સાથે જોડાયેલી અન્ય ઘટનાઓ પણ દિલીપસિંહની આંખ સામે આવી ગઈ હતી.

ભૂપતસિંહ હજી નવો-નવો બહારવટે ચડ્યો હતો. બધી જગ્યાએ એક જ વાત હતી કે કોઈ પણ હિસાબે ભૂપતસિંહને પકડવો અને આ આખી પ્રક્રિયા દરમ્યાન ભૂપતસિંહે પોતાનો રસ્તો જ બદલી નાખ્યો. માત્ર ધાડ પાડવાને બદલે ભૂપતસિંહે પોતાની બંદૂકની તાકાતથી લોકોને સીધાદોર કરવાનું કામ પણ શરૂ કરી દીધું હતું અને એ જ કામમાં દિલીપસિંહના ઘરના તમામ પુરુષો પણ અડફેટે ચડી ગયા હતા. ઘણી વખત એવું પણ બન્યું હતું કે આ આખી ઘટના દરમ્યાન પોતે કેમ જીવતો બચી ગયો એનું દુખ પણ દિલીપસિંહને થતું રહેતું.

ઘરની દીવાલ પર હારબંધ લટકેલી વડીલોની ફોટોફ્રેમ અને એની નીચે લખેલી સ્વર્ગવાસીપણાની તારીખ દિલીપસિંહને સુખેથી જીવવા નહોતી દેતી અને ભૂપત પોતાનું કામ અવિરતપણે કરતો જતો હતો.

ર઼્ ર઼્ ર઼્

‘અલ્યા, લૂંટફાટ સુધી તો ઠીક છે, પણ હવે તેં આ બધું શું માંડ્યું છે? આપણે કંઈ થોડી સમાજસેવા ચાલુ કરી છે કે તું લોકોના પ્રશ્નો સાંભળીને એ દિશામાં કામ કરવાનું ચાલુ કરે છે?’

કાળુએ એક સવારે ભૂપતને કહ્યું હતું. ભૂપત એ સમયે બિજલને નવડાવી રહ્યો હતો. કાળુની વાત સાંભળીને તેણે કોઈ જવાબ આપ્યો નહીં, પણ બિજલે હણહણાટી કરીને કાળુને ચેતવી દીધો હતો કે આ જે સમય છે એ સમયે તે અને ભૂપત જ સાથે રહે છે, બીજા કોઈએ તેમને વચ્ચે બોલાવવા આવવું નહીં. બિજલને કાળુ ગમતો નહોતો એવું નહોતું, પણ બિજલને એના અને ભૂપત વચ્ચે કોઈ આવે એ પસંદ નહોતું અને કાળુએ પણ આ નોંધી લીધું હતું.

‘આ તારી માને કહેને થોડીક વાર મૂંગી રહે...’ કાળુએ છાશિયું કર્યું, ‘દરેક વાતમાં ડહાપણ દેખાડવા આવી જાય છે.’

વધુ એક હણહણાટી અને એ હણહણાટી સાથે જ બિજલે પગ પાસે ઊભેલા કાળુને ઇશારાથી સમજાવવાના ઇરાદે લાત પાછળની બાજુએ ઉલાળી. જો બિજલે ધાર્યું હોત તો એ કાળુને લાત મારી શકી હોત; પણ અત્યારે લાત નહોતી મારવાની, ઇશારો જ કરવાનો હતો એટલે લાત હવામાં ગઈ અને કાળુ પણ સલામત અંતર પર ખસી ગયો.

લગભગ અડધો કલાક સુધી બિજલ અને ભૂપત બન્ને સાથે રહ્યા. બિજલને પ્રેમપૂર્વક ભૂપતે નવડાવી અને બિજલે પણ રમત કરતાં-કરતાં ભૂપતને અડધો નવડાવી દીધો, જેનો કોઈ વિરોધ ક્યારેય ભૂપતે કર્યો નહોતો.

અડધી પલળી ગયેલી હાલતમાં જ ભૂપત કાળુ પાસે આવીને ખાટલા પર પલાંઠી મારીને બેસી ગયો.

‘હવે બોલ, શું કહેતો હતો તું?’

‘એ જ કે આ શું તેં સમાજસેવા શરૂ કરી છે? આપણે ક્યાં આ બધાં કામ માટે બહાર આવ્યા છીએ ભૂપત. જો આ જ રીતે આપણે કાયદો હાથમાં લેતા રહીશું તો એક દિવસ પોલીસ આપણને પકડવાનું નહીં પણ ભડાકે દેવાનું નક્કી કરી લેશે અને આપણે જંગલમાંથી ક્યારેય જીવતા બહાર નહીં નીકળીએ, આપણી લાશ જ બહાર જશે.’

‘હં, સાચું જ છે અને એ તો અત્યારે પણ બનવાનું છે. આપણી લાશ જ બહાર નીકળશે, આપણે ક્યારેય જીવતા પાછા નહીં જઈએ.’ ભૂપતના અવાજમાં ગંભીરતા હતી, ‘કાળુ, જો બચવું હોય તો આપણે આ જ રસ્તો વાપરવો પડશે અને આ જ રસ્તે ચાલવું પડશે. યાદ રાખજે, બે ધાડ વધારે પાડીશું કે તરત જ આ ધોળી સરકાર લોકોને કામે લગાડી દેશે અને જેવા લોકો કામે લાગશે કે તરત જ આપણી માહિતી આ સરકાર પાસે પહોંચતી થશે. કાળુ, યાદ રાખજે; આ માહિતીના આધારે ધોળિયાવ આપણને પકડવા આવશે અને આવ્યા પછી પકડવાને બદલે ભડાકે દેવાનું કામ કરશે. જીવતા રાખવામાં તેમને કોઈ રસ જ નથી.’

‘હં પણ, આ સેવાનું શું?’

ભૂપત હસ્યો હતો કાળુના સવાલ પર.

‘સાલ્લું આટલું તો મારી બિજલ પણ સમજી જાય.’

‘તારી ઘોડી વધારે હોશિયાર...’

કાળુ વાક્ય પૂÊરું કરે એ પહેલાં તો બિજલે એવો અવાજ કર્યો કે કાળુની છાતીનાં પાટિયાં બેસી ગયાં અને ભૂપતનું ખડખડાટ હસવાનું શરૂ થઈ ગયું.

‘અલ્યા જો તો ખરો, એને પણ તારા પર આવી ખીજ ચડે છે.’

‘પણ એલા, મેં ખોટું શું કીધું? ઘોડીને...’

ફરી એક વખત બિજલની હણહણાટી અને આ વખતે બિજલે ઝાડ પાસેથી છૂટવાની કોશિશ કરતાં પોતાના માથાને જોરદાર ઝાટકો પણ આપ્યો.

કાળુએ પણ આ જોયું એટલે તેણે પોતાની જગ્યાએથી જ બેઠાં-બેઠાં બિજલને હાથ જોડ્યા અને ભૂપતને કહ્યું, ‘આને ચૂપ કરાવ પહેલાં, નહીં તો એ વાત નહીં કરવા દે.’

ભૂપતને પણ આ ખબર જ હતી એટલે તે ઊભો થયો અને બિજલના માથે હાથ ફેરવીને તેણે એને શાંત કરી અને શાંત કરીને તે ફરી પાછો આવ્યો.

‘શું કહેતો હતો તું?’

‘આ સમાજસેવા, જરાક વધારે પડતું થઈ રહ્યું છે.’

‘હા, પણ જો લોકોના મનમાં રહેવું હશે, લોકોનાં હૈયાંમાં જગ્યા બનાવવી હશે અને જો લોકોને તમારા કરવા હશે તો તમારે આ કામ કરવું પડશે કાળુ. એવું કામ જે કરવાની બીજું કોઈ હિંમત નથી કરતું અને બીજું કોઈ એ દિશામાં વિચારતું પણ નથી. આપણે જો ધોળી સરકારથી બચવું હોય તો આપણી આજુબાજુમાં એક સુરક્ષાકવચ બનાવવું પડશે. જે કવચ તને, મને અને આપણા સાથીઓ સુધી આ ઠોલિયાઓને પહોંચતાં રોકે; જે કવચ તારા, મારા અને આપણા સાથીઓ સુધી આવતા આ ઠોલિયાઓના એકેએક સમાચાર લઈ આવવાનું કામ કરે અને તેમનાં મોઢાં કાયમ માટે સીવી દે.’ ભૂપતની વાત ગરમાગરમ શીરાની જેમ કાળુના ગળે ઊતરતી હતી, ‘આપણે લોકોના પડખે હોઈશું તો આપણું પડખું તોડવાનું કામ કોઈ નહીં કરી શકે. જો એ લોકોને પ્રેમથી જીત્યા હશે તો એ લોકો પોતાનો પ્રેમ પણ પોતાની રીતે દેખાડશે. જો એ લોકો માટે બંદૂક ઉપાડી હશે તો એ લોકો તારા માટે પોતાનું મોઢું સીવી દેવાનું કામ કરશે કાળુ અને આ કરવા માટે તેમનાં બધાં કામ કરવાની તૈયારી રાખવી પડશે.’

એક પણ શબ્દ બોલ્યા વિના કાળુ ઊભો થયો અને ભૂપતને ભેટી પડ્યો.

‘મારો વાલીડો, બહુ ઊંચી વાત કરી ગયો.’

કાળુએ પ્રેમથી ભૂપતની પીઠ પર ધબ્બો માર્યો અને એ ધબ્બાના અવાજે બિજલને ગુસ્સો આપવાનું કામ નવેસરથી કર્યું. જોકે આ વખતે કાળુના પેટનું પાણી પણ નહોતું હલ્યું અને તે પ્રેમપૂર્વક ભૂપતને વળગી રહ્યો.

એ દિવસ પછી કાળુએ ભૂપતને ક્યારેય કોઈ વાતમાં ટોક્યો નહોતો.

ખાસ કરીને બીજાને મદદ કરવાની વાત હોય ત્યારે. બાકી તે હંમેશાં કહેતો, ‘ઊડતા ગીલોળા પકડવાનું રહેવા દેને ભાઈ.’

અલબત્ત, એ દિવસ પછી આ શબ્દો કાળુના મોઢામાં ક્યારેય આવ્યા નહીં અને એ શબ્દો આવ્યા નહીં એટલે ભૂપત પણ કાબૂ છોડીને બીજાને મદદ કરવામાં અને ધાડ પાડવામાં બરાબરનો જોતરાઈ ગયો.

ર઼્ ર઼્ ર઼્

‘બાર દિવસમાં ૧૪ ધાડ, ડાકુ ભૂપતે મચાવ્યો તરખાટ.’

દિલીપસિંહને ‘વન્દે માતરમ’ અખબારનો ઘા કરવાનું મન થતું હતું, પણ તેમણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને સમાચારના મથાળાની નીચેનો અહેવાલ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું : બે મહિના પહેલાં વાઘણિયાની ચોકીમાંથી ભાગીને બહારવટે ચડેલા ભૂપતસિંહ ચૌહાણનાં કારનામાં દિવસે-દિવસે વધતાં ચાલ્યાં છે અને પોલીસે બંગડી પહેરીને ઘરે બેસી જવું પડે એવા હાલ થઈ ગયા છે. અમારા ખબરપત્રી પાસેથી જાણવા મળ્યા પછી ડાકુ ભૂપતે છેલ્લા બાર દિવસમાં ૧૪ ધાડ પાડીને પોલીસને નવી ચુનૌતી આપી છે. આ ધાડ દરમ્યાન તેણે બે જણનાં ખૂન પણ કર્યાં હતાં. પોલીસ પાસેથી જાણવા મળ્યા મુજબ ભૂપતના કોઈ સગડ મળતા નથી એટલે પોલીસ કામગીરી કરી શકતી નથી. ભૂપત ધાડ પાડીને ગણતરીની પળોમાં ગીરના જંગલમાં ઊતરી જાય છે અને જંગલમાં પોલીસ કોઈ અસરકારક કામગીરી કરી શકતી નથી જેને કારણે ભૂપત અને તેની ટોળકીને પકડવાનું કામ વધુ ને વધુ અઘરું થતું જાય છે. ગીરના જંગલમાં રહેતા માલધારીઓની પૂછપરછ પોલીસે અનેક વખત કરી હોવા છતાં આ માલધારીઓ પાસેથી એવી કોઈ નક્કર માહિતી પોલીસને મળતી નથી જેના આધારે ભૂપતસિંહની ધરપકડ કરી શકાય. ગામમાં જઈને અમે કરેલી જાતતપાસમાં એવું જાણવા મળ્યું છે કે ભૂપતસિંહ આક્રમક છે, પણ તે jાીઓ અને બાળકો પ્રત્યે રહેમદિલી ધરાવે છે. તેણે હજી સુધી કોઈ અબળાને રંજાડી નથી. એક સમયે ભૂપતસિંહની ટોળકી ખાલી ત્રણ માણસોની હતી, પણ અમારા જાણવામાં એવું પણ આવ્યું છે કે ભૂપતની ટોળકીમાં હવે વીસથી પણ વધુ સાથીદારો છે. ભૂપત પોતાના સાથીઓ પ્રત્યે •જુ હૃદયનો છે તો આ સાથીઓના કુટુંબનું પણ એટલું જ ધ્યાન રાખે છે એવું પણ સાંભળવા મળ્યું છે. બહારવટે ચડ્યા પછી પણ ભૂપત દર મહિને પોતાના સાથીઓનાં માબાપને આર્થિક મદદ મળતી રહે એ વાતનું ધ્યાન રાખે છે એવું પણ કહેવાય છે. જોકે આ બધી સારી વાત પછી પણ ભૂપત હવે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે એ વાતને નકારી શકાતી નથી. ‘વન્દે માતરમ’ના તંત્રીએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ભૂપત વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે બહુ ઝડપથી ભૂપતનો અંત આવશે અને તેને ટોળકી સહિત કેદ કરી લેવામાં આવશે. જરૂર જણાશે તો ભૂપતને પકડવા માટે અંગ્રેજ સરકારના કોઈ બાહોશ અધિકારીને પણ બોલાવવામાં આવે એવું પણ વિદિત થઈ રહ્યું છે.

અહેવાલમાં આગળ પણ લખ્યું હતું, પરંતુ એ લખાણ દિલીપસિંહથી હવે વાંચી શકાતું નહોતું એટલે તેમણે અખબારનો ડૂચો વાળીને જમીન પર ફેંકી દીધું. પોલીસચોકીમાં ભૂપતના જાની દુશ્મન એવા ફોજદારને મળવા આવેલા દિલીપસિંહે જે રીતે છાપું ફેંક્યું એ ત્યાં હાજર રહેલા બીજા હવાલદાર અને સિપાઈઓએ પણ જોયું. ફોજદાર પાસે તે આવું વર્તન નિયમિત રીતે જોતા અને એટલે તેમના માટે આ દૃશ્ય રોજિંદું બની ગયું હતું.

રોજિંદા બની ગયેલા આ દૃશ્યથી ખાખી વર્દીધારીઓને સમજાઈ ગયું હતું કે હવે તેમણે અહીંથી સિફતપૂર્વક નીકળી જવું જોઈએ. સૌ કામના બહાને આઘાપાછા થવા માંડ્યા. ફોજદારનું ધ્યાન એ બધા પર હતું, પણ તેઓ પણ અત્યારે માનસિક શાંતિ ઇચ્છતા હતા એટલે તેમણે કોઈને રોકટોક કરી નહીં.

બધા આંખ સામેથી દૂર થઈ ગયા એટલે ફોજદારે માથા પરની ટોપી ઉતારીને ટેબલ પર ઘા કરી. પોલીસચોકીમાં દાખલ થતાંની સાથે જ તેમના હાથમાં અખબાર આવ્યું હતું. ઘરેથી નીકળતા હતા ત્યારે આ જ અખબારનો પ્રતિનિધિ ઘરની બહાર ઊભો હતો અને દિવસ બગાડવાનું કામ કર્યું હતું.

‘સાહેબ, ભૂપતસિંહ ક્યારે પકડાશે?’ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરીને પહોંચી ગયેલા પંતૂજી જેવા એ પત્રકારે નજીક આવીને સીધો જ સવાલ પૂછી લીધો હતો, ‘હવે તેની ધાક વિસ્તારમાં વધતી જાય છે.’

ફોજદારને પહેલો વિચાર તો આ પત્રકારને પકડીને જેલમાં ધકેલી દેવાનો આવ્યો હતો, પણ તેમણે સંયમ રાખ્યો અને જવાબ આપ્યો, ‘કાર્યવાહી ચાલુ છે, કાયદાથી તે બહુ દૂર ભાગી નહીં શકે.’

પત્રકારે તેના હાથમાં રહેલી ડાયરી ખોલી અને એનાં થોડાં પાનાં ઊથલાવ્યાં.

‘આ જવાબ તમે ગયા મહિને પણ આપ્યો હતો... એમ છતાં અત્યારે ભૂપત બહાર છે. શું કહેવું છે તમારું?’

- તારા બાપનો તંબૂરો...

ફોજદારની કમાન છટકી ગઈ. તેમણે મહામહેનતે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો. કહોને, કાબૂ રાખવો પડ્યો.

‘જુઓ, ગીરનું જંગલ વિશાળ છે અને ત્યાંથી ભૂપતને બહાર કાઢવાનું કામ અઘરું છે. અમારા પ્રયાસો ચાલુ છે અને મેં તમને કહ્યું એમ બહુ ઝડપથી ભૂપત પકડાઈ જશે.’

‘સમય, કોઈ તારીખ કે પછી તિથિ આપી શકો?’

‘જુઓ, બાળક પણ જન્મતાં પહેલાં કહેતું નથી કે તે કઈ ઘડીએ બહાર આવશે.’

‘બાળકના જન્મની જવાબદારી કુદરતને આધીન હોય છે... ભૂપતને પકડવા માટે પણ પોલીસ કુદરતને આધીન છે?’

‘જો, તું વધારે પડતું...’

‘હું તમને તું-તા નથી કરતો સાહેબ. માન અને મર્યાદા અકબંધ રહેશે તો જ પોલીસ અને પત્રકારના સંબંધોની મીઠાશ અકબંધ રહેશે...’

સમસમી ગયા પત્રકારનો જવાબ સાંભળીને ફોજદાર.

‘હવે એક પણ સવાલ પૂછ્યો છે તો મારો ગુસ્સો કાબૂમાં નહીં રહે...’

‘સાહેબ, સવાલ નહીં પૂછું, પણ એક સલાહ ચોક્કસ આપીશ તમને...’ પત્રકારે પોતાના હાથમાં રહેલાં કાગળ અને કલમ થેલામાં મૂક્યાં, ‘આ ગુસ્સો અમારા જેવા નિહથ્થા પર કાઢવાને બદલે ભૂપતને પકડવામાં વાપરશો તો રાતે શેઠિયાને શાંતિની ઊંઘ મળશે...’

પીઠ દેખાડીને નીકળી ગયેલા પત્રકારના અખબારે પણ ફોજદારના દિલ-દિમાગ પર મરચું છાંટવાનું કામ કર્યું હતું. ફોજદારને બીજા દિવસના અખબારમાં શું આવવાનું છે એની પણ સભાનતા હતી એટલે તેમની કમાન વધુ છટકી ગઈ હતી. એક તરફ ભૂપત અને બીજી તરફ આ અખબારો. કોઈ શાંતિ લેવા દેતા નથી. કંઈ કરવું પડશે. અખબારોનું તો પોતે કંઈ કરી શકે એમ નથી એ ફોજદારને ખબર હતી એટલે તેણે પોતાના વિચારોની દિશા ભૂપતની દિશામાં કેન્દ્રિત કરતાં ખુરસી પર બેઠક જમાવી, પણ ખુરસી પર પડેલી ટાંકણી પૂંઠમાં ખૂંપતાં તે એકઝાટકે ફરી ઊભા થઈ ગયા.

‘ક્યાં મરી ગ્યા બધા...’ ફોજદારનો અવાજ બહાર સુધી પહોંચ્યો કે તરત જ બધા દોડતા ફોજદાર પાસે આવ્યા, ‘આજે સફાઈ નથી કરી અહીં?’

‘સફાઈ તો થઈ...’

‘તો ખુરસી પર ટાંકણી કોણ મૂકી ગયું... તારો બાપ!?’ જમણા હાથની પહેલી બે આંગળીમાં પકડેલી ટાંકણી ફોજદારે જવાબ આપનારાની આંખ સામે ધરી, ‘મૂંગો મર... અને તમે બધાય, સાફ કરો સરખું આ બધું.’

સાફસફાઈનો દોર હજી તો શરૂ થવામાં હતો ત્યાં જ પોલીસચોકીની બહાર એક ઍમ્બૅસૅડર કાર આવીને ઊભી રહી. કારના મોખરેના ભાગ પર લટકતો ફિરંગી ઝંડો અંગ્રેજ અમલદારના આગમનની ચાડી ખાતો હતો.

‘હત્તારીની...’ ફોજદારના ચહેરાની રૂપરેખા બદલાઈ ગઈ, ‘કોણ આવ્યું હશે?’

ફોજદારના મનમાં એક જ વાતનો ડર હતો કે ભૂપતની તપાસ તેની પાસેથી પાછી ન છીનવાઈ જાય. ભૂપત માટે તેમના મનમાં વેર હતું. ભૂપતની ધરપકડ હવે તેમના માટે વટનો વિષય હતો અને ભૂપતને મારી નાખવાનું વચન તેમણે પોતાની જાતને આપ્યું હતું. ફોજદાર કોઈ હિસાબે નહોતા ઇચ્છતા કે તેમનાં આ વટ, વચન અને વેર કોઈ કાળે અધૂરાં રહી જાય; કારણ કે આ એ જમાનો હતો જ્યાં વટ, વચન અને વેર માટે સહેજ પણ રંજ રાખ્યા વિના સમૂળગા ખાનદાન ખતમ કરી નાખવામાં આવતું હતું. આ એ સમય હતો જ્યાં વટ, વચન અને વેર માટે જાતને હોમી દેવામાં આવતી અને આ એ કાળ હતો કે જ્યાં વટ, વચન અને વેર માટે જીવનપર્યંત મનમાં વલોપાત રહેતો.

ર઼્ ર઼્ ર઼્

દિલીપસિંહ ફોજદાર પાછળ ખુવાર થયો હતો.

પોતાની વાડી આપી દીધી હતી. બે ઘર તેણે ફોજદારના નામે કરી નાખ્યાં હતાં અને એ બધું કર્યા પછી પણ ફોજદાર ભૂપતસિંહને પકડવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે પણ દિલીપસિંહે આશા નહોતી છોડી. દિલીપસિંહ ફોજદારની એકેએક જરૂરિયાત પૂરી કરતા રહ્યા અને એ જરૂરિયાત વચ્ચે ફોજદાર પણ દિલીપસિંહનો પૂરેપૂરો લાભ લેતા રહ્યા. લેવામાં આવતા આ લાભની; ના, ગેરલાભની દિલીપસિંહને ખબર હતી. એમ છતાં એ પણ એટલું જ સાચું હતું કે કેટલીક વખત છેતરાઈ જવામાં પણ લિજ્જત હોય છે અને દિલીપસિંહ અત્યારે એ જ લિજ્જત લઈ લેવા તૈયાર હતા.

ઘણી વખતે તેને તેના જ ઘરનાં બૈરાંઓ પણ રોકતાં, પણ એમ છતાં દિલીપસિંહ માટે એક જ વાત મહત્વની હતી. કોઈ પણ હિસાબે ભૂપતસિંહ મરવો જોઈએ.

‘ફોજદાર, અમરેલી જેલમાં ભૂપત છે.’ ભૂપતની ધરપકડ થઈ એ પછી એક વખત દિલીપસિંહ રૂબરૂ ફોજદારને મળ્યા અને મળીને કહ્યું હતું, ‘હવે આ માણસ મરવો જોઈએ.’

ર઼્ ર઼્ ર઼્

ધાડ, ધાડ, ધાડ...

સામે પડેલા નકલી પાસપોર્ટ પર સ્ટૅમ્પ લાગી ગયા અને દિલીપસિંહ સહિતના સૌકોઈએ પાકિસ્તાનમાં પ્રવેશવા માટેનો પરવાનો મેળવી લીધો. જોકે આ પરવાના સમયે પણ દિલીપસિંહને ખબર નહોતી કે ભૂપતને મારવાનું તેનું સપનું તો જિંદગીભર અધૂÊરું જ રહેવાનું છે, કારણ કે આ કામ કુદરત પહેલાં કરી ચૂકવાની હતી.

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK