ઊભો છું ઢાળ પર

પહાડો યુગોથી આ ધરતી પર ઊભા છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

વૃક્ષો ક્યારેય રિવૉલ્વિંગ ચૅરની માગણી નથી કરતાં અને ઊભાં-ઊભાં જ આખી સૃષ્ટિને સાચવી રહ્યાં છે. બસના કન્ડક્ટરે પોતાની ડ્યુટી ઊભા રહીને જ કરવાની હોય છે. રેલવે રિઝર્વેશનમાં ટિકિટ કઢાવવા લાંબી લાઇનમાં ઊભા રહીને જ રાહ જોવી પડે છે. ઘોડો પોતાના આયુષ્યમાં ભાગ્યે જ આડો પડે છે. ઊંઘવાનું કામ પણ ઊભાં-ઊભાં જ કરે છે. શ્વાન કે બંદર બે પગે ઊભા થાય ત્યારે હોય એના કરતાં વીસેક ગણા વધારે ક્યુટ લાગે. બસ-સ્ટૉપ પર પ્રેમિકાની રાહ જોતો પ્રેમી વગર વરસાદે પણ પલળતો હોય છે. વજેસિંહ પારગીના શેર સાથે આજની ઊભી મહેફિલનો આગાઝ કરીએ...

એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં

જિંદગી ઊભો નવો સવાલ રાખે

હાથ પર ઘડિયાળ બાંધી હું ફરું પણ

કાળ મારા હાથમાં ક્યાં કાલ રાખે


સમયે આપણને ગણતરી આપી છે, વર્ચસ્વ નહીં. કેટલાંક પત્તાં એવાં હોય કે કઈ ઘડીએ ખૂલે એની ખબર જ ન પડે. આપણે ધાર્યું હોય કે બે વરસ પછી દીકરીનાં લગ્ન ધામધૂમથી થાય એટલું આસાનીથી ભેગું થઈ જશે. ત્યાં વચ્ચે અંગત સ્વજનની એવી માંદગી આવી જાય કે બધી બચત વપરાઈ જાય. આપણે ધાર્યું હોય કે બિઝનેસમાં આ વરસે તો વીસેક ટકાનો વધારો થશે જ ત્યાં બાજી એવી ફરે કે બૅકફુટ પર પગલાં ભરવાં પડે. અનિશ્ચિતતા એ જિંદગીનો સ્વભાવ છે. પરિસ્થિતિ પલટાય ત્યારે રાજા રંક બની જાય અને રંક રાજા બની શકે. આપણે શ્વાસની રમતમાં છીએ, પણ પાસા ફેંકનાર કોઈ બીજું જ છે. બાલુભાઈ પટેલ જીવનચક્રને આલેખે છે...

કાળનું આ ચક્ર ફરતું કાળ પર

જિંદગી આવી ઊભી છે ઢાળ પર

કોઈ પીંછાં ખેરવી ઊડી ગયું

છે હજી એકાદ ટહુકો ડાળ પર


વ્હીલચૅર પર ફરતા માણસને ખબર હોય છે ઊભા ન થઈ શકવાની વેદના. શરીરને ઊભા થઈને ચાલવું હોય, પણ પગ સાથ ન આપે. ટ્રેનમાં ઊભાં-ઊભાં અડધી જિંદગી વિતાવી લેતી જવાબદારીએ વૃદ્ધાવસ્થામાં કોઈનો ટેકો લઈને ઊભું રહેવું પડે. જીવનમાં અનેક વાર ખત્તા ખાધી હોય ત્યારે જાત પરથી વિશ્વાસ ઊઠી જાય. નિષ્ઠાવાન પ્રયાસો પણ ઘણી વાર આડખીલીઓને કારણે મંઝિલે પહોંચી નથી શકતા. શું કારણ હોઈ શકે એનો એક નિર્દેશ રાજેશ વ્યાસ મિસ્કિન આપે છે...

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ

બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ


કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલો કૉલેજનો વિદ્યાર્થી દાનિશ અહમદ પોલીસને શરણે આવ્યો. પથ્થરબાજી અને ભાંગફોડની પ્રવૃત્તિમાં જોતરાયા પછી તેને ખ્યાલ આવ્યો કે આ બધું નિરર્થક છે. કાશ્મીરના યુવાધનને ગેરમાર્ગે દોરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. જેમના હાથમાં કલમ હોવી જોઈએ તેમના હાથમાં પથ્થર થમાવવાના કૃત્યમાં હુરિયતના સૂત્રધારો છડેચોક સામેલ છે.  કાશ્મીર એક એવો શાપિત પ્રદેશ છે જ્યાં વાસ્તવિકતા અને સપનાં બન્ને લોહિયાળ છે. પાકિસ્તાનના પૈસે થતા આ હુતાશનમાં છેતરાવાનું કાશ્મીરના ભાગે લખાયેલું છે. નાઝિર દેખૈયા નિર્દેશ કરે છે એ સ્થિતિને મૂર્ખામી ગણવી કે બેવકૂફી ગણવી એ જ સમજાતું નથી. 

તમે સામા ઊભા હો તોય હું સામે નથી જોતો

કદી એવું નયન સાથે હું વર્તન ક્રૂર રાખું છું

હજારો વાર નાઝિર છેતરાયો કૉલ પર એના

છતાંય હું વચન એનાં હજુ મંજૂર રાખું છું


પાકિસ્તાન અને ચીન પર ઊંઘમાં પણ ભરોસો ન કરી શકાય એ આપણને અનુભવે શીખવાડ્યું છે. એક તરફ ઇસરોએ તોસ્તાન વજનવાળો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકી ભારતની શાનમાં એવરેસ્ટ વધારો કર્યો તો સામા પક્ષે સામ્યવાદી પક્ષના પ્રકાશ કરાતે ભારતના આર્મી ચીફને જલિયાંવાલા બાગ ફેમ જનરલ ડાયર  સાથે સરખાવી નાગરિકતાને પાતાળમાં ધરબી દીધી. એક તરફ ઊર્જા‍ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રે ધરખમ કામો થઈ રહ્યાં છે તો બીજી તરફ દલિતોનાં આંદોલનો હજીયે હંફાવે છે. આપણે એક એવા ત્રિભેટે ઊભા છીએ જ્યાં એક તરફ વિકાસ છે, બીજી તરફ સંકુચિત વલણ છે અને ત્રીજી તરફ રાજકીય ખો-ખો છે. આવી મૂંઝવણ હોય ત્યારે અભાવની લાગણી ઊભી થાય. મુકુલ ચોકસીના આ શેરમાં તમને ગીતાનો કોઈ ગહન અર્થ તરતો દેખાશે...

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ

ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી


કેટલીક વાર લાગે કે દેશને રાહુ કે કેતુ જેવા ગ્રહો નડે છે કે મમતા, માયાવતી, લાલુ જેવા બેનામી પૂવર્ગ્ર હો? વિકાસ ઝંખતા નાગરિકની આશાઓને જ્યારે રાજકારણના દાવપેચ અડફેટે લે ત્યારે એક નિસાસો જન્મે. ભાવિન ગોપાણી કહે છે એમ ક્ષમતા ક્યારેક સ્થિતિની સામે ઝાંખી પડતી હોય છે...

પળમાં દડી શકે છે જે એવો દડો છું પણ

લઈ સ્થિરતાનો શાપ હું ઊભો છું ઢાળ પર


ક્યા બાત હૈ


રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો

દૃશ્ય, ઇચ્છા, કૉલ વચ્ચે હું ઊભો

રોજ ઊઠીને પીછો મારો કર્યો

નૂર, ત્રાંસાં, ઢોલ વચ્ચે હું ઊભો

મૌનથી દીવાલ ચીતરવી પડી

હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો

ખાલીપો માણસ સમો કોઈ નથી

સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો

સાંજની લીલપમાં ટહુકી જાવું છે

વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો

લયવિલયની લ્યો કવિતા ગાવી છે

સ્વર, હલક ને બોલ વચ્ચે હું ઊભો

- કિશોર મોદી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK