૫૬ મહિનાની વિટંબણાનો ઉકેલ ૧૧ દિવસમાં આવ્યો

IT રીફન્ડ માટે ટટળાવતા ઉદ્ધત બાબુઓ સીધાદોર થઈ ગયા ને ચૂપચાપ ચેક મોકલાવી આપ્યા

rti

RTIની તાકાત - ધીરજ રાંભિયા

મુલુંડ (વેસ્ટ)માં રહેતાં રશ્મિ ઠક્કરની ઇન્કમ-ટૅક્સના બાબુઓએ કરેલી સતામણી તથા RTI કાયદાના ઉપયોગથી આવેલા સુખદ અંતની આ કથા છે.

રશ્મિબહેન પોસ્ટઑફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનાં અધિકૃત એજન્ટ હોવાના નાતે નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ તથા ૨૦૦૯-૧૦ના મળેલા કમિશન પર TDSની રકમ પાછી મેળવવાનાં હકદાર હતાં. રીફન્ડ મેળવવા માટે સંબંધિત વષોર્નું રિટર્ન સમયસર ભરેલું હોવા છતાં બાબુઓ રીફન્ડ આપવા ગલ્લાંતલ્લાં કરતા હતા.

રશ્મિબહેને ઇન્કમ-ટૅક્સ ઑફિસમાં વ્યક્તિગત મુલાકાત કરી સંબંધિત અધિકારી સમક્ષ રીફન્ડ આપવાની રજૂઆત કરી. બાબુઓએ અગસ્ત્યમુનિના વાયદા કરી તેમને રવાના કયાંર્. સમય પસાર થતો ગયો, પરંતુ પરંપરા મુજબ વાયદાઓનું બાષ્પીભવન થઈ ગયું. વારંવાર રજૂઆતોની બાબુમોશાયો પર કોઈ અસર થઈ નહીં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે પણ અવારનવાર વિનંતીઓ કરી પાડાની પીઠ પર પાણીની જેમ, જેની પણ કોઈ અસર બાબુશ્રીઓ પર થઈ નહીં.

ચોર કોટવાળને દંડે એમ બાબુઓએ ૨૦૧૩ની ૧૩ એપ્રિલે પત્ર મોકલાવી જણાવ્યું કે TDSની રકમ અમારા ડેટાબેઝમાં જણાતી નથી આથી આપની અરજીનો નિકાલ કરવામાં આવે છે. લખવાનો મતલબ એ હતો કે રીફન્ડ માટે હવે અમારું માથું ખાતા નહીં.

૨૦૧૩ની ૬ મેએ ઇન્કમ-ટૅક્સ ઑફિસરને અરજી કરી રીફન્ડ માટે વિનંતી કરવામાં આવી. CA દ્વારા વારંવાર વિનંતીઓની પણ કોઈ અસર જણાઈ નહીં. શું કરવું એની અસમંજસમાં સમય વ્યતીત થતો ગયો.

રશ્મિબહેનના પપ્પા કિશોર ઠક્કર ‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાથી આ કૉલમ પણ રસપૂર્વક વાંચતા. આથી RTI કાયદાની ઉપયોગિતા અને તાકાતથી સુપરિચિત હતા. RTI હેલ્પલાઇનમાં પ્રસિદ્ધ થયેલા સંપર્ક-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ માટે વિનંતી કરી. સેવાભાવીએ કિશોરભાઈને પૂછ્યું કે આપ ક્યાંથી વાત કરો છો? જવાબમાં જ્યારે મુલુંડથી વાત કરી રહ્યા છીએ એમ જણાવતાં સેવાભાવીએ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મુલુંડના સંપર્ક-નંબરો લખાવ્યા.

મળેલા મોબાઇલ-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૭ની ૧૩ નવેમ્બરે કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત સેવાભાવી વિશાલભાઈ તથા CA મહેશભાઈ સાથે થઈ. તેમણે કિશોરભાઈની મનોવેદનાની વાત શાંતિથી સાંભળી ઇન્કમ-ટૅક્સ અધિકારી પર ફરિયાદ-કમ-વિનંતી પત્ર બનાવી આપ્યો તથા એ સાથે ચેમ્બુર હેડ પોસ્ટઑફિસ દ્વારા આપવામાં આવેલા TDS સર્ટિફિકેટ્સની ફોટોકૉપીઓ જોડવાની સૂચના આપી. મળેલી સૂચના મુજબ કિશોરભાઈ બીજા જ દિવસે (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ)સ્થિત ઇન્કમ-ટૅક્સ કાર્યાલયમાં પત્ર આપી આવ્યા, જે દ્વારા નીચેની બાબતો પર (ઇન્કમ-ટૅક્સ ઑફિસર)નું ધ્યાન દોરવામાં આવ્યું.

૧. આપના ૨૦૧૭ના ૧૩ તથા ૧૮ એપ્રિલના પત્ર દ્વારા TDSની રકમ આપના વિભાગના ડેટાબેઝમાં દેખાતી નથી એવી આપે જાણ કર્યા બાદ મેં ચેમ્બુર પોસ્ટઑફિસના હેડ પોસ્ટ-માસ્ટરને ૨૦૧૭ની ૯ મેના દિવસે પત્ર લખી મારા કમિશનની રકમમાંથી કપાત કરેલી રકમ મારા પૅન-નંબરમાં જમા થઈ નથી એની જાણ કરી આપના ઉપરોક્ત પત્રોની ફોટોકૉપી મોકલાવી. તેમ જ ઉપરોક્ત સમયગાળા માટે ફાઇલ કરેલા e-TDS રિટર્નની કૉપી ચકાસવા તથા એની ફોટોકૉપી આપવા વિનંતી કરી હતી.

૨. મારી વિનંતીના પ્રતિસાદમાં હેડ પોસ્ટ-માસ્ટરે મને નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ તથા ૨૦૦૯-૧૦નાં TDS સર્ટિફિકેટ્સ આપ્યાં છે, જે આપની જાણ તથા યથાયોગ્ય કરવા માટે આ સાથે આમેજ કર્યાં છે.

૩. મારા બૅન્કખાતાનો કૅન્સલ્ડ ચેક આ સાથે મોકલાવું છું અને વિનંતી કરું છું કે TDSની પૂર્ણ રકમ (વિલંબિત સમયના વ્યાજ સાથે) મારા બૅન્કખાતામાં જમા કરશો.

મુદ્દાસર રજૂઆત કરવામાં આવેલી. બાબુઓએ માત્ર જૂના e-TDS રિટર્નની કૉપી કાઢી વિભાગના ડેટાબેઝમાં આનુષંગિક ફેરફાર કરવાના હતા.

નાગરિકની સાદી અરજી પર કાર્યવાહી કરે તો બાબુઓની સાત પેઢી લજાય. બાબુઓએ આ પત્રને કાં તો કચરાપેટીને સ્વાધીન કયોર્ હશે અને કાં તો પેન્ડિંગ પેપર્સના થપ્પાઓમાં ઘુસાડી દીધો હશે. જે કર્યું હોય તે.. આજે જવાબ આવશે, આવતી કાલે રીફન્ડ-ચેક મળશે. મહિને માંડ એક વખત બૅન્કમાં જતા કિશોરભાઈએ રશ્મિબહેનની બૅન્ક પાસબુક લઈ અઠવાડિયામાં ત્રણ વખત બૅન્કમાં જવાનો ક્રમ બનાવ્યો.

સમય મુઠ્ઠીમાં પકડેલી રેતીની જેમ સરકતો રહ્યો. આજકાલ કરતાં સાત અઠવાડિયાંનો સમય પસાર થઈ ગયો. આવકવેરા વિભાગમાંથી ન કોઈ ચિઠ્ઠી, ન કોઈ ચેક તથા ન કોઈ વાવડ આવ્યા.

આથી કંટાળેલા કિશોરભાઈએ ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી અને ૨૦૧૮ની ૯ જાન્યુઆરીએ RTI કેન્દ્ર પર પહોંચ્યા તથા વિમાસણની વાત વિશાલભાઈ તથા મહેશભાઈને કરી. આપસમાં વિચાર-વિમર્શ કર્યા બાદ તેમણે RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી.

અરજી લઈ કિશોરભાઈ જાતે બાંદરા (ઈસ્ટ)સ્થિત આવકવેરા કચેરીમાં બીજા જ દિવસે પહોંચી ગયા. લાલ કપડું જોઈ સાંઢ ભડકે એમ RTI અરજી જોઈ બાબુની ચસકી. RTI અરજી શા માટે કરી?નો અનુચિત પ્રશ્ન ઉદ્ધતાઈથી પૂછ્યો. કિશોરભાઈના હૈયેથી હોઠ સુધી ઉત્તર તો આવ્યો કે બાબુ મોશાય! લાતોં કે ભૂત બાતોં સે નહીં સમઝતે યે કહાવત હમારે બુઝુર્ગ અકસર બોલતે થેં, બાતોં સે કામ નહીં બના તો નાઇલાજ હોકે RTI કા (લાતોં કા) પ્રયોગ કરના પડા. પરંતુ શાણા કિશોરભાઈ માત્ર માર્મિક હસ્યા, જાણે કહેતા હોયને કે  બેટમજીને RTIની લાત ન લાગવાના સ્થાને લાગી ગઈ છે.

કિશોરભાઈ જાણે મોઢું દેખાડવાના રૂપિયા માગતા હોય એમ બાબુશ્રી બબડ્યા, અબ મુંહ દિખાને મત આના, અબ મુઝે ૩૦ દિન કા સમય મિલા હૈ, ઇસ અરઝી કા જવાબ ઘર પે ભેજ દૂંગા.

શ્રીમાન બાબુને પરેશાન થતા જોઈ કિશોરભાઈના છતાં કમુરતે કમુરતાં તરી ગયાં.

ઘરે જઈ રશ્મિબહેનને કહે, દીકરા દે તાળી! રશ્મિબહેને તો જાણે પપ્પા રીફન્ડનો ચેક લઈને આવ્યા હોય એમ સમજી તાળી આપી. પછી હળવેથી ચેકની ઉઘરાણી કરી. કિશોરભાઈએ થેલીમાં હાથ નાખીને ચેક કાઢવાના બદલે રસપૂર્વક બનેલી ઘટનાનું વર્ણન કર્યું. ચેકનું શું થયું?ના જવાબમાં કિશોરભાઈએ કહ્યું કે ચેક તો હવે તે આપશે જ, મને તો તેનો લાલઘૂમ ચહેરો જોઈ જલસો પડી ગયો.

મિત્રો, આડોશપાડોશમાં પ્રસંગને વર્ણવીને દસ દિવસ સુધી તેઓ વાતનો ટેસ લેવા લાગ્યા.

દસમા દિવસે તો સોનાનો સૂરજ ઊગ્યો. પોસ્ટમૅને સ્પીડ-પોસ્ટ દ્વારા આવેલું કવર હાથમાં મૂક્યું ત્યારે ચહેરો હસુ-હસુ થઈ ગયો. બન્ને નાણાકીય વર્ષના રીફન્ડના ચેક્સ કવર ખોલી ઘરમંદિરમાં બિરાજમાન પ્રભુને ચરણે ધર્યા.

સેવાભાવી વિશાલ સોની તથા મહેશ નાગડાની કર્તવ્યશીલતા તથા હોશિયારીના કારણે એક સાદી-સરળ અને છતાંય ધારદાર RTI અરજીના કારણે ૫૬ મહિનાથી એક અદના નાગરિકની માનસિક સતામણીનો સુખદ અંત માત્ર ૧૧ દિવસમાં આવ્યો, જેનાથી RTI કાયદાની યથાર્થતા તથા તાકાત વધુ એક વાર પ્રસ્થાપિત થઈ.

નોંધ : IT રીફન્ડ ઑર્ડર બાબતની વિટંબણા માટે કેન્દ્રની સલાહ-સૂચન-માર્ગદર્શન મેળવવા ઇચ્છુકોએ સંબંધિત વષોર્ના ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સની સુવાચ્ય ફોટોકૉપી (કૉમ્પ્યુટેશન જરૂરી) તથા TDS સર્ટિફિïકેટ્સની ફોટોકૉપીઓ અચૂક લઈ જવી. મૂળ પ્રત-ઓરિજિનલ્સ લઈ જવાં નહીં. કેન્દ્ર દ્વારા બનાવી આપેલા અરજી /પત્ર/ RTI અરજી વગરે સર્વેની ફોટોનકલ રાખવી તથા કેન્દ્રની દરેક મુલાકાત વખતે અચૂક સાથે લઈ જવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK