ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૬૦

‘આ કાગળ આજે જ રવાના કરવાનો છે.’


નવલકથા - રશ્મિન શાહ

ભૂપતસિંહ વધુ એક વખત હાથમાંથી નીકળી ગયો અને એ માટે પણ કારણ બીજું કોઈ નહીં, અગાઉ બ્રિટિશ સરકાર સામે જે વાતની ભીતિ દર્શાવવામાં આવી હતી એ જ ઘોડાને લીધે ભૂપતસિંહ હાથમાંથી નીકળી ગયો એ વાતની નોંધ લખીને છેલભાઈએ એ કાગળ એક પરબીડિયામાં બંધ કરીને એ કાગળ તેમણે પટાવાળાના હાથમાં મૂક્યો અને સૂચના પણ આપી દીધી.

પટાવાળો કાગળ લઈને રવાના થઈ ગયો એટલે છેલભાઈ પણ પોતાની કચેરીમાંથી નીકળી ગયા અને સીધા ઘરે પહોંચ્યા. ઘરે પણ તેમણે કોઈ જાતનો સમય વેડફવાનું કામ કર્યું નહીં. તેઓ પંદર જ મિનિટમાં રવાના થયા અને જીપ સાથે તેમણે સીધો રાજકોટ-ભાવનગરનો હાઇવે પકડી લીધો. ખબર મળ્યા હતા એ મુજબ સાંજે ચાર વાગ્યે માધવની સ્મશાનયાત્રા નીકળવાની હતી અને છેલભાઈને વિશ્વાસ હતો કે આ સ્મશાનયાત્રામાં ભૂપતસિંહ હાજરી આપીને પોતાની મર્દાનગી દેખાડશે.

સો ટકા ખાતરી હતી છેલભાઈને અને તેમની ખાતરીમાં ક્યાંય અતિશયોક્તિ નહોતી. ભૂપતને જો કોઈ પોલીસકર્મી સૌથી વધારે ઓળખી શક્યું હોય તો એ છેલભાઈ અને માત્ર છેલભાઈ હતા. આ તક ફોજદારને મળી હતી ખરી, પણ ફોજદારે એ તક દુશ્મનીની આડશમાં ગુમાવી દીધી હતી. દુશ્મની, વેરભાવ અને રાગદ્વેષ માણસમાં રહેલી સારપને પણ નકારાત્મક કરીને આંખ સામે મૂકવાનું કામ કરતાં હોય છે. ફોજદાર સાથે એવું જ થયું હતું. જોકે છેલભાઈને ભૂપતસિંહ સાથે કોઈ અંગત રાગદ્વેષ હતો નહીં અને એટલે જ તેઓ ભૂપતની હકારાત્મક બાજુને પણ જોઈ શક્યા હતા અને એ હકારાત્મક બાબતમાંથી પણ તેમણે નકારાત્મક અને ભૂપતની નબળાઈ શોધવાનું કામ કર્યું હતું.

જો ભૂપત માધવની અંતિમયાત્રામાં આવે તો તેને પકડવાની આ તક જતી કરવા જેવી નથી એવું ધારીને જ છેલભાઈએ આ જોખમ ઉઠાવ્યું હતું. છેલભાઈને ખબર પણ હતી કે આવા માઠા પ્રસંગે જતી વખતે ભૂપતસિંહ હથિયાર રાખવાનું ટાળે છે અને આજે પણ તે એવું જ કરશે એવી ધારણા પણ તેમને હતી. આ ધારણા ખોટી નહોતી અને માત્ર ધારણાના આધારે રવાના થયેલા છેલભાઈ પાસે પણ આગળની કોઈ યોજના નહોતી કે પછી તેમણે એ બનાવવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી.

‘કટોકટીના સમયને સાચવવા માટે તમારી સૂઝ અને આત્મબળ જ કામ લાગતાં હોય છે.’

અમરેલી જેલમાં ભૂપતસિંહે કહેલા આ શબ્દો છેલભાઈને હાડોહાડ ઊતરી ગયા હતા. પૂછપરછ દરમ્યાન તેમણે ભૂપતસિંહને પૂછ્યું હતું, ‘કોઈ પણ જાતની તૈયારી વિના નીકળી જવામાં ડર નથી લાગતો તને?’

જવાબમાં ભૂપતસિંહે કહ્યું હતું, ‘ના, ક્યારેય નહીં, કટોકટીના સમયને સાચવવા માટે તમારી સૂઝ અને તમારું આત્મબળ જ કામ લાગતાં હોય છે. એ માટે ગમે એવું પ્રશિક્ષણ લીધું હોય તો પણ કોઈ ફરક નથી પડતો. લીધેલી તાલીમ અને મળેલું પ્રશિક્ષણ પડ્યાં રહે અને જીવ હથેળીમાં આવી જાય એવું બને એના કરતાં પડશે એવા દેવાશેની નીતિ વધારે ઉમદા અને ઉચિત હોય છે.’

ભૂપતના શબ્દો માત્ર હોશિયારી નહોતી. એ શબ્દોમાં તેની વષોર્ની રઝળપાટ પણ જોડાયેલી હતી અને એ શબ્દોમાં તેનો સ્વાનુભવ પણ જોડાયેલો હતો. જોડાયેલા એ સ્વાનુભવના આધારે જ તેણે એ વાત કહી હતી. વાત ખોટી પણ નહોતી ભૂપતસિંહની. જે યોજના બનાવીને જીવે છે તે યોજના સાથે જ રહે છે, પણ જે યોજના બનાવ્યા વિના આગળ વધે છે તે ફતેહની નજીક તો પહોંચે જ છે.

‘રાજકોટ લઈ લે.’

જીપમાં આવ્યા પછી છેલભાઈએ ડ્રાઇવરને સૂચના આપી અને ડ્રાઇવરે પણ કોઈ જાતની પૂછપરછ વિના જીપ ભાવનગરથી રાજકોટ તરફ જતા મુખ્ય માર્ગ પર લઈ લીધી. જીપ જેવી ભાવનગર શહેરની બહાર નીકળી કે છેલભાઈએ પોતાના માથા પરથી ટોપી ઉતારીને ખોળામાં લઈ લીધી અને આંખો બંધ કરી દીધી. હવે ત્રણથી ચાર કલાક આરામ કરવા સિવાય તેમની પાસે બીજું કોઈ કામ હતું નહીં અને જે કામ હતું એ કામ માટે તેમણે માત્ર દિમાગ વાપરવાનું હતું.

€ € €

૧૯૪૭ અને ૧૫ ઑગસ્ટ.

છેલભાઈ જે દિવસે ભૂપતસિંહ ચૌહાણને પકડવા માટે રાજકોટ જવા રવાના થયા એ દિવસે દિલ્હીમાં બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્ર કરવાની તારીખ નક્કી કરી નાખી હતી. નક્કી થયેલી એ તારીખે ભારતના હાથમાં એનું શાસન સોંપી દેવું અને એ જ સમયે પાકિસ્તાનના હાથમાં પાકિસ્તાનનો વહીવટ સોંપી દેવો એવું પણ નક્કી થઈ ગયું હતું. આંતરિક વિરોધ વચ્ચે બ્રિટિશ સરકારે દેશમાં ભાગલા પાડવાની રાજનીતિને કાયમી બનાવી દીધી અને એ નીતિ કાયમી થતાંની સાથોસાથ અનેક જગ્યાએ મિશ્રિત લાગણીઓ દેખાવાની પણ શરૂ થઈ ગઈ.

બપોર સુધીમાં તારીખ નક્કી થઈ અને સાંજ પડતાં સુધીમાં તો દેશભરમાં એ તારીખ પહોંચી પણ ગઈ. પહોંચેલી તારીખને સૌકોઈએ પોતપોતાની રીતે વધાવવાનું પણ શરૂ કરી દીધું હતું. છેલભાઈને આ તારીખ વિશે છેક રાજકોટ રાજ્યના જેતપુર ગામ સુધી પહોંચ્યા પછી ખબર પડી હતી.

ઘડીભર આરામ કરી લેવાના હેતુથી અને ચા પીવાની ગણતરી સાથે છેલભાઈએ જીપ ઊભી રાખવી અને તેઓ ચા પીવા માટે મુખ્ય માર્ગ પર ઊભેલી લારી પર ગયા. લારીવાળાએ ખાખી સામે જોયા વિના જ સીધી થાળી ધરી દીધી હતી. થાળીમાં લાસાં લાડુના ટુકડા પડ્યા હતા.

‘સાયબ, મોઢું મીઠું કરો.’

‘કાં શું થ્યું?’ છેલભાઈએ લાડવાનો નાનકડો ટુકડો હાથમાં લીધો, ‘બૈરીએ છોકરાને જનમ આપ્યો કે પછી પાડીએ ભેંસ દીધી?’

‘અંગ્રેજોએ મારો દેશ પાછો દીધો સાયબ. નક્કી થઈ ગ્યું. અંગ્રેજી ઑગસ્ટ મહિનામાં એ લોકો દેશ છોડી દેશે. તારીખેય આવી ગઈ, પંદરમી તારીખ.’

‘શું વાત કરશ, બહુ સારા સમાચાર આપ્યા તેં તો.’

છેલભાઈને ચા પીવી હતી અને ચા પીધા પહેલાં લાડવાનો ટુકડો મોઢામાં નાખવાની તેમની કોઈ ઇચ્છા નહોતી, પણ સમાચાર સાંભળી લીધા પછી તેમણે હર્ષપૂર્વક લાડવાનો ટુકડો મોઢામાં

ઓર્યો અને સામેથી થાળી પણ માગી : ‘લાવ-લાવ, બીજું બટકું લેવા દે. આ તો બોવ સારા સમાચાર છે ભાઈ.’

ચાવાળાએ થાળી લંબાવી અને પછી ચાની પ્યાલી પણ ભરી દીધી.

છેલભાઈએ ચા પીધી. લાડવાને કારણે ચા મોળી લાગી, પણ એ મોળાશમાં પણ મીઠાશ હતી અને એ મીઠાશ છેલભાઈ માટે પૂરતી હતી.

નીકળતી વખતે છેલભાઈએ દસની નોટ લંબાવી. ચાના તો રોકડા પાંચ પૈસા થયા હતા એટલે ચાવાળો સહેજ મૂંઝાયો.

‘ક્યાં આવડી મોટી હૂંડી આપો છો સાયબ. નાનો માણાં છું. આટલો તો આખા મહિનાનો વેપાર માંડ થાય છે.’

‘રાખવાના છે ભઈલા.’ છેલભાઈએ રાજીપો દેખાડ્યો અને દસ રૂપિયાની નોટને લારીના થડા પર મૂકી દીધી, ‘લઈ આવ વધારે મીઠાઈ ને ખવડાવ બધાને. આઝાદી આવવાની છે તો પછી એની ઉજાણી પણ બરાબર થવી જોઈને.’

છેલભાઈએ પગ ઉપાડ્યા. જોકે ત્યાંથી નીકળતાં પહેલાં તેમણે વધુ એક નાનકડો ટુકડો મોઢામાં મૂકી દીધો હતો.

€ € €

રાજકોટ શહેર પહોંચતાં સુધીમાં તો અનેક જગ્યાએ આઝાદીની તારીખની આ ઉજવણી થતી છેલભાઈને દેખાઈ હતી.

પંદરમી ઑગસ્ટ.

- શું કામ આ તારીખ પસંદ કરી હશે વાઇસરૉયે?

મનમાં આવી ગયેલા પ્રશ્નનો ઉત્તર જ્યારે છેલભાઈને મળ્યો ત્યારે તેમને ખરેખર હસવું આવી ગયું હતું અને નિયતિ પર માન પણ થઈ આવ્યું હતું.

€ € €

લૉર્ડ માઉન્ટબેટને આ તારીખ નક્કી કરી હતી. ૧૯૪૭ની ૧૪ ઑગસ્ટની રાતે પાકિસ્તાન આઝાદ થઈ જવાનું હતું તો બીજી સવારે હિન્દુસ્તાનને આઝાદી મળવાની હતી. બીજી સવાર એટલે ૧૫ ઑગસ્ટ. મુખ્ય આઝાદી હિન્દુસ્તાનને મળવાની હતી, પાકિસ્તાનનો તો જન્મ થઈ રહ્યો હતો. નથી આ કોઈ એવો યાદગાર દિવસ જેને લીધે આ જ  દિવસે આઝાદી આપવાનું કામ થવાનું હોય. આઝાદી પહેલાંનાં અઢળક કામો બાકી હતાં અને એ કામો આ નિર્ધારિત કરેલા દિવસ પહેલાં પૂરાં થાય એવી શક્યતા પણ નહીંવત હતી એટલે એવું પણ નહોતું કે બ્રિટિશરોનું કામ પૂÊરું થઈ ગયું હોય અને એમ છતાં અધૂરાં કામે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.

શું કામ?

છેલભાઈના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એ પ્રશ્ન હકીકતમાં તો દરેક ભારતીયને થવો જોઈએ, પણ આઝાદીનો જે ઉમંગ હતો એ ઉમંગની રાહ લગભગ સાડાત્રણસો વર્ષથી જોવાતી હતી એટલે તારીખ માટે કોઈના મનમાં શંકા, કુશંકા કે આશંકા તો ઠીક પ્રશ્નાર્થ પણ ઉદ્ભવ્યો નહીં અને બધા ખુશી અને ઉત્સાહથી એ દિવસની રાહ જોવા માંડ્યા. આ એ દિવસ હતો જે દિવસે કેથરીનનો જન્મ થયો હતો!

માઉન્ટબેટન કેથરીન સાથે મૅરેજ કરવા માગતા હતા. કોઈને આ મૅરેજ સામે વાંધો નહોતો; પણ જ્યારે બધું સુખરૂપ લાગતું હોય, ચાલતું હોય ત્યારે કુદરત રમત રમી લેતી હોય છે. એવું જ બન્યું હતું માઉન્ટબેટન અને કેથરીન સાથે. કેથરીનને કૅન્સર નીકળ્યું અને તેણે એમાં જીવ ગુમાવ્યો. માઉન્ટબેટને ફૅમિલીના દબાણ વચ્ચે મૅરેજ કરી લીધાં અને એડવિના ઍસ્લે સાથે જ તેઓ ભારત આવ્યા અને ભારતને આઝાદી પણ તેમણે એડવિનાની હાજરીમાં જ આપી. જોકે કહેવાય છેને કે જીવનનો પહેલો પ્રેમ, નિ:સ્વાર્થ સંબંધ અને નખશિખ સ્નેહ ક્યારેય ભુલાતા નથી.

ફેબ્રુઆરીમાં ઇન્ડિયા આવેલા માઉન્ટબેટન આ દેશના છેલ્લા વાઇસરૉય હતા અને તેમને આ દેશને મુક્તિ આપવાની પ્રક્રિયા કરવા માટે જ મોકલવામાં આવ્યા હતા.

‘ઇટસ ઑલ ઑન એજ.’

જૂન મહિનામાં જ્યારે પૂછવામાં આવ્યું કે આ પ્રક્રિયા ક્યાં પહોંચી ત્યારે માઉન્ટબેટને આ જવાબ આપ્યો હતો અને એ સાચું પણ હતું જ. એકમાંથી બે દેશનું સર્જન થશે એ વાત જાહેર થઈ ચૂકી હતી અને ભાગલાની પ્રક્રિયા પણ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હતી. દેશભરમાંથી સરકારી મિલકતના આંકડાઓ પણ મેળવવાના શરૂ થઈ ગયા હતા. મળી રહેલા એ આંકડાઓ અને બન્ને દેશની વસ્તીના અંદાજિત આંકડાઓના અનુમાનના આધારે સંપત્તિના ભાગલા પણ શરૂ થઈ ગયા હતા. આ બધી પ્રક્રિયા માઉન્ટબેટનના નેજા હેઠળ જ કરવામાં આવી રહી હતી.

થઈ રહેલી આ ગણતરીઓ વચ્ચે માઉન્ટબેટન પાસે બીજાં પણ અઢળક કામો હતાં. માઉન્ટબેટન એ કામોમાં પણ સતત વ્યસ્ત હતા. વ્યસ્તતા વચ્ચે તેમને રાતના દરરોજ રિપોર્ટ મોકલવાનો રહેતો અને એ રિપોર્ટના આધારે બ્રિટનમાં બેઠેલી ગોરી મહારાણી આગળની પ્રક્રિયાની સૂચના આપતી.

એ દિવસે પહેલી સૂચના મળી.

‘હિન્દુસ્તાનને આઝાદ કરવાની ડેટ આપો.’

માઉન્ટબેટન હેબતાઈ ગયા હતા. તેમણે ધાર્યું પણ નહોતું કે એ દિશામાં કામ આટલી ઝડપથી કરવાનું હશે, પણ બ્રિટનમાં મળેલી કેટલીક માહિતીના આધારે નક્કી કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક આ તારીખ જાહેર કરી દેવી.

‘ઓકે, આઇ વિલ ગિવ યુ ડેટ વેરી સૂન...’

માઉન્ટબેટને જવાબ આપ્યો, પણ સામેથી જે પૂછવામાં આવ્યું એ વાતે તેમને ગભરાવી દીધા.

‘ઓકે, વેરી સૂન મીન્સ વેન?’ ઑપરેટરે પૂછી લીધું, ‘અડધો કલાક પછી ફોન કરીને પૂછું તમને?’

થોડી દલીલ થઈ, પણ સત્તા સામે શાણપણ નકામું છે એ અનુભવે સમજી ગયેલા વાઇસરૉયને ખબર પડી ગઈ હતી કે તારીખ તો કોઈ પણ હિસાબે આપવાની છે અને વહેલામાં વહેલી તકે આપવાની છે તથા વહેલામાં વહેલી તારીખ આપવાની છે.

અડધા કલાક પછી વાઇસરૉયે જ સામેથી ફોન કર્યો અને તારીખ આપી દીધી.

‘ઇન ઑગસ્ટ, ફિફ્ટીન્થ મૉર્નિંગ ઇન્ડિયા વિલ બી ફ્રી.’

કેથરીનનો જન્મદિવસ. પહેલા પ્રેમનો જન્મદિવસ. પહેલી મહોબ્બતનો જન્મદિવસ. સાવ અનાયાસ જ આ તારીખ તેમનાથી બોલાઈ ગઈ હતી અને તેમને આ તારીખ બોલ્યાનો કોઈ અફસોસ પણ નહોતો. મનમાં રહેલો સૌથી યાદગાર દિવસ આ રીતે ઇતિહાસનાં પાનાંઓ પર ઝળકી જવાનો હોય તો શું કામ કેથરીન એ રીતે પણ દુનિયાના ઇતિહાસમાં નોંધાય નહીં. કરેલો પ્રેમ હવે સ્વાભાવિક રીતે પદને ધ્યાનમાં રાખીને જાહેરમાં લાવી તો શકાતો નહોતો, પણ એ પ્રેમ સાથે જોડાયેલી તારીખ તો આ બહાને જોડી શકાય છે. મોઢામાંથી નીકળી ગયેલી તારીખ પર માઉન્ટબેટનને ક્યારેય અફસોસ થયો નહોતો. ઊલટું તેમને આ વાતનો ગર્વ પણ હતો.

‘ઇન ઑગસ્ટ, ફિફ્ટીન્થ મૉર્નિંગ ઇન્ડિયા વિલ બી ફ્રી.’

કહેવાયેલી આ વાતનો ભાવાર્થ પૅલેસના મૅનેજમેન્ટે જાતે જ કાઢી લીધો.

‘ધેટ મીન્સ, ર્ફોટિન્થના પાકિસ્તાન પણ અમલમાં આવી જશે. રાઇટ?’

‘યસ.’

હા પાડવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો એટલે માઉન્ટબેટને હા પાડી દીધી, પણ હા પાડવાની સાથોસાથ તેમણે સ્પષ્ટતા પણ કરી લીધી કે અહીં રહેવું પડશે.

પરમિશન ગ્રાન્ટ.

વાત માત્ર તારીખ જાહેર કરવા પૂરતી હતી અને એ તારીખ જાહેર કરી દેવામાં આવતી હોય તો બ્રિટિશરોને બીજો કોઈ વાંધો પણ નહોતો. આપવામાં આવેલી તારીખ બે જ કલાકમાં ઑફિશ્યલી દુનિયાભરમાં જાહેર થઈ ગઈ અને દુનિયાની સાથોસાથ ભારતમાં પણ એ જાહેર કરી દેવામાં આવી. જાહેર થયેલી તારીખે કેટલીક યોજનાઓને પડતી મૂકવાનું પણ કામ કર્યું અને એ રીતે પૅલેસમાં થનારો બૉમ્બબ્લાસ્ટ પણ રદ કરવામાં આવ્યો, જેને અટકાવવા માટે જ આ તારીખ જાહેર કરવામાં આવી હતી.

€ € €

બૉમ્બબ્લાસ્ટ.

ઇબ્રાહિમના કાન સરવા થયા. આ વાત તેના માટે સાવ નવી હતી. અલબત્ત, આમ તો તે અત્યારે જે કોઈ વાત કુતુબચાચા પાસેથી સાંભળતો હતો એ બધી વાત તેના માટે સાવ નવી હતી. પાકિસ્તાન શું કામ ૧૪ ઑગસ્ટની રાતે આઝાદીનો જશન મનાવે છે એ વિશે તેણે પણ ક્યારેય વિચાર્યું નહોતું. બીજા ન વિચારે એ તો તે સમજી શકે, પણ પોતે તો આઝાદ પાકિસ્તાનમાં જ જન્મ્યો હતો અને એમ છતાં તેને આના વિશે કશું જાણવાની તાલાવેલી પણ ક્યારેય નહોતી થઈ. હા, એક વખત તેણે સ્કૂલમાં આ પ્રશ્ન પૂછ્યો હતો, પણ એ સમયે તેને ઉડાઉ જવાબ માસ્તરે આપ્યો હતો એટલે ત્યાર પછી ક્યારેય આવી વાત પૂછવાનો વિચાર પણ તેને નહોતો આવ્યો.

‘ચાચુ, યે બૉમ્બબ્લાસ્ટ કા ક્યા મસલા થા?’

ઇબ્રાહિમે કુતુબની સામે જોયું. કુતુબની આંખો બંધ હતી અને તેના કપાળ પર બાઝેલાં પ્રસ્વેદબિંદુ થઈ રહેલી ગરમીની ચાડી ખાતાં હતાં.

‘વો એક લંબી કહાની હૈ બેટા. આઝાદીના લડવૈયાઓએ એ બધું ગોઠવ્યું હતું અને એનો અમલ ન થાય એ માટે જ રાણી એલિઝાબેથે આ પગલું ભરવું પડ્યું હતું.’ કુતુબે હવે આંખ ખોલી, ‘એ વાત પછી કરીશું, જો સમય રહેશે તો. અત્યારે આપણે આપણી વાત પૂરી કરીએ.’

ઇબ્રાહિમે કોઈ જાતની આનાકાની કરી નહીં એટલે કુતુબે વાત આગળ વધારી.

€ € €

છેલભાઈ રાજકોટમાં દાખલ થયા ત્યારે સાંજ પડવા આવી ગઈ હતી.

છેલભાઈએ કાયદેસર તો પહેલાં જઈને રાજકોટના પોલીસ-કમિશનરને મળવું જોઈએ, પણ એવું કરવા જાય તો આખી બાજી હાથમાંથી સરકી જાય એવું બની શકે અને એ છેલભાઈને કરવું નહોતું એટલે તેમણે બે-ચાર લોકોને પૂછીને સીધા જ રવજી પટેલના ઘર પાસે જવાનું નક્કી કર્યું. રવજી પટેલના ઘરની ખબર પડી ગઈ એટલે છેલભાઈએ જીપ એક ધર્મશાળા પાસે લેવડાવી અને ધર્મશાળામાં જઈને તેમણે પોતાની ખાખી વર્દી ઉતારીને સફેદ કપડાં પહેરી લીધાં. એટલું જ નહીં, તેમણે અસ્ત્રો પણ સામાનમાંથી કાઢ્યો અને અરીસા સામે ઊભા રહીને પોતાની મૂછ પર પણ એ ફેરવી લીધો.

સરરર...

પાતળી તલવાર જેવી મૂછ કપાઈને જમીન પર પડી ગઈ.

મોઢું ધોઈને છેલભાઈ બહાર આવ્યા. આ તેમનું નવું રૂપ હતું અને પહેલી નજરે કોઈ તેમને ઓળખી શકતું નહોતું. છેલભાઈ ફરીથી જીપમાં ગોઠવાયા અને રવજી પટેલના ઘર પાસે આવીને તેમણે જીપ પણ છોડી દીધી. જીપ છોડતી વખતે તેમણે ડ્રાઇવરને જરૂરી સૂચના આપી દીધી.

આ સૂચના મુજબ ડ્રાઇવર જીપ લઈને રાજકોટના રામનાથ પરાવિસ્તારના સ્મશાને જઈને ઊભો રહી ગયો અને છેલભાઈ રવજીના ઘર પાસે ઊભેલા બધા ડાઘુઓ વચ્ચે ઊભા રહી ગયા. મોઢા પર તેમણે ફાળિયું એવી રીતે વીંટાળ્યું હતું કે કોઈ તેમનો ચહેરો જોઈ શકે નહીં અને તેમની ખુલ્લી આંખો બધું નિહાળી શકે.

રામ બોલો ભાઈ રામ...

અડધા કલાક પછી ઘરમાંથી ઠાઠડી બહાર આવી અને ચાર જણની કાંધ પર માધવની અંતિમ મજલ શરૂ થઈ. આ અંતિમ મજલ સાથે જ છેલભાઈ પણ જોડાઈ ગયા. જોકે જોડાતાં પહેલાં તેમણે લેંઘાના ખિસ્સામાં રહેલી પિસ્તોલના લોખંડનો ઠંડોગાર સ્પર્શ અનુભવીને શરીરમાં ગરમી ભરી લીધી હતી.

(વધુ આવતા શનિવારે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK