પકોડાનો પાવર

છેલ્લા કેટલાક દિવસોમાં પકોડાના નામે દેશભરમાં ગજબ પૉલિટિક્સ શરૂ થયું છે એ વાતને ધ્યાનમાં રાખીને અમે મુંબઈના કેટલાક જાણીતા પકોડાવાળાઓ સાથે ગુફ્તગો કરી અને જાણ્યું કે તેમને કેટલો ફળ્યો છે આ બિઝનેસ

pakoda

બૅકગ્રાઉન્ડ : થોડાક સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કોઈ વ્યક્તિ જો પકોડા વેચીને દિવસના બસો રૂપિયા કમાતી હોય તો શું એ રોજગાર નથી? મોદીના આ વિધાનને વેપન બનાવીને વિપક્ષે પસ્તાળ પાડી અને એક અનોખા અંદાજમાં પકોડા-પૉલિટિક્સ શરૂ થઈ ગયું. મોદીની રૅલીનો વિરોધ કરવા માટે કેટલાક એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ છત્તીસગઢમાં અરુણ જેટલી અને મોદીના નામના પકોડા પણ વેચ્યા. કૉન્ગ્રેસના ઘણા અગ્રણી નેતાઓએ મોદીની પકોડા-કમેન્ટ પર મન મૂકીને વિરોધ જતાવ્યો, જેનો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં વળતો જવાબ આપ્યો અને ફરી મોદીની વાતને દોહરાવતા હોય એમ કહ્યું કે ‘ભીખ માગવા કરતાં તો પકોડા વેચવા સારા.’

અત્યારે દેશભરમાં પકોડાનો મુદ્દો ગરમાગરમ છે ત્યારે અમને થયું કે ખરેખર મુંબઈના પકોડાવાળાની એક મુલાકાત લઈને તેમના હાલચાલ જાણી આવીએ. ખરેખર પકોડા એટલે આપણી ભાષામાં ભજિયાં, વડાં વગેરે વેચવાનો વ્યવસાય કેવો ચાલે છે? બેશક, પકોડાની સીઝન આમ તો ચોમાસું ગણાય છે, પરંતુ અત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પકોડા માટેની ચર્ચાથી જાગેલા ભારે કૌતુક પછી આજે મુંબઈના ફેમસ પકોડાવાળા સાથે કરીએ થોડીક ચટાકેદાર વાતો...

pakoda1

હીરાલાલ કાશીદાસ ભજિયાવાળા

રોહિત પરીખ


દક્ષિણ મુંબઈના ભુલેશ્વર પાસે આવેલા CP ટૅન્ક વિસ્તારમાં મુંબઈ અને ઉપનગરોમાં હીરાલાલ કાશીદાસ ભજિયાવાળા તેમની ત્રણ જનરેશનથી સુરતી ફરસાણમાં ટોચની નામના ધરાવે છે. કંદ ભજિયાં, મેથીનાં ભજિયાં, મગની દાળનાં ભજિયાં અને હવે નાનાં બટાટાવડાંએ આ સુરતી પરિવારને મુંબઈમાં પ્રખ્યાત બનાવી દીધો છે.

આ સિવાય સુરતી ફરસાણમાં પાપડી, સેવ, ગાંઠિયા, બુંદી, દાળ, સુરતી ભૂસું, તીખી સેવ, ચેવડો, જાડા ગાંઠિયા, તીખા ગાંઠિયા, ભેળપૂરી, કચોરી, અમીરી ખમણ, નાયલૉન સેવ, ગોબાપૂરી, જૈન પટ્ટી સમોસા, ખાટાં ઢોકળાં, ખમણ ઢોકળાં, ખાંડવી, નાયલૉન ઢોકળાં, સૅન્ડવિચ ઢોકળાં, ત્રિરંગી ઢોકળાં, દમની ઢોકળાં, જલેબી, ખાજલીની સાથે સુરતી ઊંધિયું જેવી હીરાલાલ કાશીદાસ ભજિયાવાળાની સ્વાદિષ્ટ વાનગીઓ સુરતી સિવાયના સ્વાદરસિયાઓમાં પણ ફેમસ છે.

હીરાલાલ કાશીદાસ શાહ મુંબઈ આવીને સ્થાયી થયાનાં થોડાં જ વષોર્માં નામાંકિત બની ગયા હતા, પરંતુ તેમનાં પત્ની ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યાં હતાં. તેમનાં પત્નીની પ્રબળ ઈચ્છા હતી કે તેમનો નાનો પુત્ર પ્રવીણ ખૂબ જ ભણે. આથી હીરાલાલે તેમના પુત્ર પ્રવીણને ન્યુ યૉર્કમાં એન્જિનિયરિંગનું ભણવા મોકલ્યો હતો. ત્યાંથી પ્રવીણ શાહ ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગનું ભણીને મુંબઈમાં સ્થાયી થયા હતા. મુંબઈમાં તે ગવર્નમેન્ટ અને સેમી-ગવર્નમેન્ટના ઇલેક્ટ્રિકના કૉન્ટ્રૅક્ટ લેતા હતા. પ્રવીણ શાહ પણ હીરાલાલ કાશીદાસ ભજિયાવાળાની જેમ જ મુંબઈમાં ઇલેક્ટ્રિકલ કૉન્ટ્રૅક્ટર તરીકે પ્રસિદ્ધ થયા હતા. એ સમયે સરકારી બિલ્ડિંગોના પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનના દિવસે લાઇટ-ડેકોરેશનના કૉન્ટ્રૅક્ટ મળતા હતા, જેમાં તેમને અવૉર્ડ પણ મળ્યા હતા. ત્યાર પછી અત્યારે ફરસાણની દુકાન સંભાળી રહેલા બકુલ શાહ પણ ન્યુ યૉર્કમાં જઈને એન્જિનિયર બનીને આવ્યા હતા, પરંતુ બકુલ શાહે એન્જિનિયર બન્યા પછી થોડાં વર્ષો પછી તેમના દાદાની ગાદી સંભાળવી પડી હતી. 

pakoda2

ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવા છતાં દાદાની સંજોગોને આધીન ગાદી સંભાળી રહેલા બકુલ શાહ દાદાના સંઘર્ષમય જીવનની વાતો ગજ-ગજ છાતી ફુલાવતાં કહે છે, ‘મારા દાદા હીરાલાલ શાહનો ઉછેર આર્થિક રીતે નબળા પરિવારમાં થયો હતો. જોકે દાદાએ નાની ઉંમરમાં જ સુરતમાં કંદનાં ભજિયાંની શરૂઆત કરી સુરતીઓમાં પ્રસિદ્ધિ મેળવી હતી. એ સમયે દાદા ૨૫૦ ગ્રામનું એક કંદ ભજિયું બનાવતા હતા. આ કંદનાં ભજિયાં ફક્ત સુરતમાં જ નહીં; સુરતની આસપાસનાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર જેવાં શહેરામાં પણ ફેમસ બની ગયાં હતાં. એની સાથે તેઓ મગની દાળનાં અને મેથીનાં ભજિયાં અને અન્ય સુરતી ફરસાણો બનાવતા હતા. જોકે તેમના હાથે બનેલાં કંદનાં ભજિયાં એટલાં ફેમસ હતાં કે સુરતના લગ્નપ્રસંગોના જમણવાર કંદનાં ભજિયાં વગર થતા નહીં.’

ત્યાર બાદ અમુક કૌટુંબિક કારણોસર દાદા ૧૯૩૬ની સાલમાં સુરત છોડીને મુંબઈ આવી ગયા હતા એમ જણાવતાં બકુલ શાહ કહે છે, ‘મુંબઈમાં આવીને સુરતના એક ટ્રસ્ટની જગ્યામાં દાદાએ ૧૯૩૬માં જ હીરાલાલ કાશીદાસ ભજિયાવાળા નામની દુકાનની શરૂઆત કરી હતી. એ જ સમયે દાદાએ ર્દીઘદૃષ્ટિ વાપરીને વિશાળ જગ્યા લઈ લીધી હતી, જેમાં ભજિયાંની વરાઇટીઝ સાથે દાદા સુરતનાં અન્ય ફરસાણો બનાવતા હતા. અમારાં વરાઇટી ભજિયાં અને અન્ય ફરસાણ અમે દાદાના સમયથી પ્યૉર શિંગતેલમાં અને હાથે ખાંડેલા મસાલામાં બનાવીએ છીએ. અમારી ગુણવત્તાનું મુંબઈમાં જવલ્લે જ કોઈ જગ્યાએ ફરસાણ બનાવવામાં આવે છે. જે બનાવે છે એ લોકો અમારી ગુણવત્તાનું બનાવી શકતા નથી. ક્યારેક તો અમુક શોખીન મહિલાઓ અમારી પાસેથી અમારાં ભજિયાંની રેસિપી જાણીને લઈ જાય છે, પરંતુ થોડા દિવસ પછી આવીને કહે છે કે તમારી ગુણવત્તાનું ફરસાણ બનાવવા માટે અમે અસમર્થ છીએ.’

હીરાલાલ કાશીદાસ ભજિયાવાળાને ત્યાં કંદનાં ભજિયાં પર ધાણા અને અન્ય મસાલા નાખવાથી એ વધુ ટેસ્ટી બને છે. આ વિશેની જાણકારી આપતાં બકુલ શાહ કહે છે, ‘અમારે ત્યાં બનતાં મગની દાળનાં ભજિયાંમાં ફુદીનો, કોથમીર, ધાણાં, મરી જેવા દસ પ્રકારના મસાલા ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે મેથીનાં ભજિયાંની રેસિપી તો સાવ જ અનોખી છે. સામાન્ય રીતે ચણાના અને ઘઉંના લોટમાં થોડી મેથીની ભાજી નાખીને એના મેથીના ગોટા બનાવવામાં આવતા હોય છે. પરંતુ અમે બેસનમાં મેથી નહીં પણ મેથીમાં મામૂલી બેસન નાખીએ છીએ. એ પણ ફક્ત મેથી મિક્સ થાય એના માટે ઉપયોગ કરીએ છીએ. આ મિક્સ્ચરને તેલમાં ભજિયાંની જેમ ઉતારવાને બદલે છાંટીને ઉતારવામાં આવે છે એને લીધે એને છાંટનાં ભજિયાં કહેવાય છે. આ મેથીનાં ભજિયાંની કણીઓને અમે અમારા સુરતી ચેવડામાં મિક્સ કરીએ છીએ.’ 

છેલ્લાં થોડાં વષોર્માં હીરાલાલ કાશીદાસ ભજિયાવાળાનાં ભજિયાંની જેમ જ નાનાં બટાટાવડાં ફેમસ થઈ ગયાં છે. આ બટાટાવડાંમાં તેઓ હિંગ અને સાકરનો ઉપયોગ કરીને એક નવો જ ટેસ્ટ આપે છે. આ બટાટાવડાંને પણ ભજિયાંની કૅટેગરીમાં રાખવામાં આવ્યાં છે. તેમની ભજિયાંની પ્લેટમાં કંદનાં ભજિયાં, મેથીનાં ભજિયાં, મગની દાળનાં ભજિયાં, નાનાં બટાટાંવડાં અને પાતરાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ભજિયાં અને તેમની ચટણી ફક્ત દેશમાં જ નહીં, વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.

pakoda3

૧૯૬૭થી દાદરમાં ચિત્રા થિયેટરની બહાર એજ્યુકેટેડ બાપ-દીકરો ચલાવે છે ભજિયાંની દુકાન

પ્રીતિ ખુમાણ ઠાકુર


લીલા કલરની ચટણી મોંઘવારીમાં પરવડતી ન હોવા છતાં ગ્રાહકોની મનપસંદ ચટણી હોવાથી લોકોને એ જ સ્વાદવાળી ચટણી છેલ્લાં ૧૯૬૭ વર્ષથી આપવામાં આવે છે. બટાટાનાં ભજિયાં અને મગની દાળનાં ભજિયાં ખાવા હોય તો દાદર (ઈસ્ટ)માં ચિત્રા થિયેટરની બહાર આવેલા ભજિયાવાળા પાસે જવા જેવું જ છે.

૭૫ વર્ષના પ્યારેલાલ શ્રીવાસ્તવ (મુનશીજી) અને તેમનો દીકરો રમણ શ્રીવાસ્તવ ચિત્રા સિનેમા પાસે ભજિયાંની દુકાન ચલાવે છે. ૧૯૬૭થી અહીં ભજિયાં વેચતા હોવાથી ચિત્રા સિનેમા ભજિયાવાલા નામે અહીં પ્રખ્યાત છે. ઉલ્લેખનીય છે કે ડોમ્બિવલીમાં રહેતા મુનશીજી અને રમણ બન્ને એજ્યુકેટેડ છે. મુનશીજી દસમું પાસ છે અને રમણે હોટેલ-મૅનેજમેન્ટનો કોર્સ કર્યો છે, જ્યારે તેમનો નાનો દીકરો અલાહાબાદ હાઈ કોર્ટમાં રિવ્યુ-ઑફિસર તરીકે કામ કરે છે. શરૂઆતનાં આઠ વર્ષ સતત સંઘર્ષ કરીને અંતે દાદર (ઈસ્ટ)માં પ્રખ્યાત ભજિયાવાળા બન્યા છે.

અહીંની ચટણી, બટાટાનાં ભજિયાં, મગની દાળનાં ભજિયાં ખૂબ પ્રખ્યાત છે એમ જણાવતાં રમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘વર્ષો પહેલાં પપ્પા મુંબઈ આવ્યા ત્યારે ખૂબ સંઘર્ષવાળી લાઇફ હતી. તેઓ ચિત્રા સિનેમા પાસે આવેલી એક ફૅક્ટરીમાં કામ પર લાગ્યા, પરંતુ ત્યાં તેમને કામ કરવાનું જામ્યું નહીં. તેમને પોતાનો કોઈ બિઝનેસ કરવાની ખૂબ ઇચ્છા હતી. વળી તેમને જમવાનું બનાવવાનો ખૂબ શોખ પણ હતો. એથી એ સમયે ઓછા ખર્ચમાં ભજિયાં, વડાં બનાવી શકાય એમ હતું. આમ ધીરે-ધીરે પપ્પાએ બાંકડો નાખીને શરૂઆત કરી અને સતત આઠ વર્ષ અનેક તકલીફો બાદ આજે આટલું નામ કમાવ્યું છે. અમારી દુકાને જે ચટણી મïળે છે એ ખૂબ જ ફેમસ છે. એની સાથે બટાટાનાં ભજિયાં, મગની દાળનાં ભજિયાં પણ લોકોનાં સૌથી પ્રિય. પપ્પા પહેલાં હાથથી પીસીને ચટણી બનાવતા હતા અને પહેલાંથી જ અહીં વજન પ્રમાણે ભજિયાં મળે છે. હાલમાં દિવસમાં ૩૦૦થી ૪૦૦ પ્લેટ વેચાય છે અને સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી દુકાન ચાલુ રહે છે.’

કૉમ્પિટિશન વધતાં વધુ હાઇજિનિક કરી નાખ્યું એમ જણાવતાં રમણ કહે છે, ‘મૅક્ડોનલ્ડ્સ, જમ્બો વડાપાંઉ વગેરે ફાસ્ટ ફૂડના ઑપ્શન વધતાં અમારી સામે કઠિન પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ અમે ધીરે-ધીરે એ લોકોની જેમ વધુ હાઇજિનિક રીતે લોકોને સર્વ કરવા લાગ્યા હતા. સ્વાદ તો એ જ; પણ ટિશ્યુ પેપર, પેપરની પ્લેટ વગેરે બદલાવ કર્યો હતો. એક-બે વર્ષથી માર્કેટ થોડું નબળું હતું, પણ હવે ફરી પિક-અપ થયું છે.’

દહિસરના બે ગુજરાતી ભાઈઓનાં દેશી સ્ટાઇલનાં ભજિયાં ફેમસ છે

પ્રીતિ ખુમાણ ઠાકુર


દેશી સ્ટાઇલનાં વિવિધ વરાઇટીનાં ભજિયાંનો સ્વાદ લેવો હોય તો દહિસર (ઈસ્ટ)માં વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની અંદર ૩૦ વર્ષથી વધુ જૂની બે ગુજરાતી ભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી અને વર્ધમાન ભજિયાવાળા નામે પ્રખ્યાત દુકાને જઈ શકાય છે. દહિસરમાં રહેતા ભાવેશ અને હિતેશ સવાણીના પિતા કાનજીભાઈ દ્વારા ચાલુ કરવામાં આવેલા ભજિયાના બિઝનેસમાં હાલ સુધી ભજિયાંનો સ્વાદ એવો ને એવો જ જોવા મળે છે. મેથી અને મરચાનાં ભજિયાં તો અહીં ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં મળતી તમામ વરાઇટીને ખાવા લોકો દહિસરના અનેક ખૂણેથી આવે છે.

ભાવેશ અને હિતેશ સવાણી આ બન્ને ભાઈઓ આ દુકાન ચલાવે છે. દેશી સ્ટાઇલ જ અમારી ખાસ વિશેષતા છે એમ કહેતાં આ ભાઈઓ જણાવે છે, ‘પપ્પાએ આ ધંધો શરૂ કર્યો હતો અને તેમણે ગામડાની જે દેશી સ્ટાઇલમાં ભજિયાં બનાવવાનું શરૂ કર્યું એ જ રીતે અમે હાલ સુધી બનાવી રહ્યા છીએ. આજકાલ અનેક પ્રકારનાં ભજિયાં મળે છે, પણ લોકો અહીં અમારી દેશી સ્ટાઇલનાં ભજિયાં પસંદ કરે છે. બટાટાવડાં, ભજિયાંથી લઈને મેથી, ભરેલાં મરચાં, ભરેલાં ટમેટાં, ભરેલાં કારેલાં વગેરે બનાવીએ છીએ. મીઠી અને તીખી ચટણીની સાથે એને સર્વ કરવામાં આવે છે. સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી ગાંઠિયા-જલેબી-ફાફડા બનાવાય અને સાંજે ચારથી સાડાસાત વાગ્યા સુધી ભજિયાં મળી રહે છે. અહીં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર હોવાથી અમે આ સમય રાખ્યો છે. અહીંના હીરાના વેપારીઓ પોતાના ઘર માટે પણ અહીંથી પાર્સલ લઈને જતા હોય છે.’

મોંઘવારી એક પ્રકારનો પડકાર છે એમ કહેતાં તેઓ જણાવે છે, ‘અમારા ધંધામાં પડકારોમાં મોંઘવારી એક સમસ્યા છે. નવીનતા પણ આ મોંઘવારીના કારણે વિચારી શકતા નથી. ક્યારેક મરચાં મોંઘાં થાય તો ક્યારેક તેલ. એમ કોઈ ને કોઈ વસ્તુના ભાવ વધતા જ હોય છે. જોકે લોકો દ્વારા મળતા રિસ્પૉન્સના કારણે અમને આવકથી સંતોષ છે.’

લક્ષ્મણનાં ઓમ વડાપાંઉ : ઘાટકોપરમાં સૌથી પ્રથમ જૈન વડાપાંઉ અને વિવિધ પ્રકારનાં ભજિયાંઓની શરૂઆત આંધþ પ્રદેશથી આવેલા લક્ષ્મણ ચક્કપલ્લીએ કરી

રોહિત પરીખ


ઘાટકોપરમાં સૌથી પહેલાં જૈન વડાપાંઉ નામથી ઘાટકોપરના ગુજરાતી અને કચ્છી સમાજમાં પ્રચલિત બનેલાં લક્ષ્મણ ઓમ વડાપાંઉનો સ્વાદ માણવા આજે મુંબઈનાં અન્ય ઉપનગરોમાંથી પણ સ્વાદરસિયાઓ ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં આવે છે. આપણામાં એક કહેવત છે કે પુત્રનાં લક્ષણ પારણામાંથી અને ગૃહલક્ષ્મીનાં લક્ષણ બારણામાંથી.

આંધ્ર પ્રદેશથી નાની ઉંમરમાં દાદાની આંગળી પકડીને મુંબઈ પહોંચેલા લક્ષ્મણ ચક્કપલ્લીએ નાની ઉંમરમાં ઘરનાં કામકાજ, મજૂરી જેવાં અનેક કામ કર્યાં હતાં. 

જોકે તેના જીવનમાં તેની પત્ની નરસાના પ્રવેશ પછી લક્ષ્મણના જીવનમાં એક મોટું પરિવર્તન આવી ગયું હતું. લક્ષ્મણ ઘાટકોપર રહેવા આવી ગયો હતો અને તેણે ગારોડિયાનગરમાં જ એક ચાની રેંકડી શરૂ કરી હતી. એમાંથી તેણે વડાપાંઉની રેંકડી શરૂ કરી અને થોડાં વષોર્માં લક્ષ્મણ વડાપાંઉ દ્વારા લક્ષ્મણ ઘાટકોપરવાસીઓના દિલમાં વસી ગયો હતો. લક્ષ્મણના બિઝનેસમાં તેની પત્નીની સાથે તેના પુત્ર રમેશ અને તેની પુત્રી મનીષાનો સાથસહકાર રહેલો છે. તેના પુત્રએ બૅચલર ઑફ કૉમર્સ કરીને બિઝનેસ મૅનેજમેન્ટ કર્યું છે. તેની પુત્રીએ અકાઉન્ટિંગ ફાઇનૅન્સ સાથે BComની ડિગ્રી મેળવી છે. લક્ષ્મણ આજે સાદાં વડાપાંઉની સાથે બટર વડાપાંઉ, ચીઝ વડાપાંઉ, પાંઉભાજી, મિરચી પાંઉભાજી, કાંદા ભજી, કોબી ભજી, પાલક ભજી, બટાટાનાં ભજિયાં, મિસળપાંઉ, વડાઉસળ પાંઉ જેવી અનેક વરાઇટી બનાવે છે.

તેના પિતાની સંઘર્ષમય જિંદગી અને સફળતા વિશેની જાણકારી આપતાં લક્ષ્મણનો પુત્ર રમેશ ચક્કપલ્લી કહે છે, ‘મારી મમ્મી પરણીને આવી અને મારા પિતાની સંઘર્ષમય જિંદગીનો અંત આવી ગયો હતો. મારા પિતા તેમના દાદા સાથે મુંબઈમાં આવ્યા હતા. તેઓ નાનાંમોટાં મજૂરીનાં કામ કરીને ૧૯૯૦ની સાલ સુધી સંઘર્ષમય જીવન જીવતા હતા. ત્યાર બાદ તેમનાં લગ્ન થયાં અને મારી મમ્મીના પગલે અને મમ્મીના સાથસહકારથી મારા પિતાએ પહેલાં ચાની અને પછી ૧૯૯૪માં વડાપાંઉની રેંકડી કરી હતી. જોકે ઘાટકોપરના ગુજરાતી અને જૈન સમાજના સ્વાદરસિયાઓની ડિમાન્ડને પગલે પપ્પાએ ૧૯૯૭માં જૈન વડાપાંઉની શરૂઆત કરી હતી. આ સમયે તેઓ બટાટા અને કેળાનાં વડાં ટેમ્પોમાં બનાવતા હતા અને તેમની પાસે ગ્રાહકોની લાઇન લાગતી હતી. એમાં પણ શનિવાર, રવિવાર અને રજાના દિવસોમાં તો અમારા ટેમ્પો પર ગ્રાહકોની ભીડ જામતી હતી. આ વિસ્તારના રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો પણ અમારા ગ્રાહક બની ગયા હતા.’

મિની કાઠિયાવાડ અને મિની કચ્છ તરીકે ખ્યાતિ પામેલા ઘાટકોપરમાં ગુજરાતી અને કચ્છી સમાજ, એમાં પણ જૈન સમાજનો બહોળો વર્ગ મારા ગ્રાહકો છે એમ જણાવતાં લક્ષ્મણ કહે છે, ‘મારાં વડાપાંઉ ફેમસ થવાનું કારણ એક જ હતું કે હું મારી જાતે વડાંનું રૉ-મટીરિયલ બનાવું છું. એમાં પણ જૈનોનાં કેળાનાં વડાંમાં પહેલાં આદુંનો ઉપયોગ કરતો હતો. જેમ-જેમ જૈન ગ્રાહકોએ મને જૈનોને વડાંમાં શું ચાલે-શું ન ચાલે એ વિશેની સમજણ આપી એમ હું મારા વડાના મસાલામાં ફેરફાર કરતો હતો. એક દિવસ મને ખબર પડી કે જૈનોને બટાટાવડાં જે કડાઈમાં તળું એ કડાઈમાં તળેલાં કેળાવડાં, કોબી ભજિયાં, મરચાનાં ભજિયાં ચાલે નહીં એટલે મેં બટાટાવડાં અને અન્ય વડાં-ભજિયાંની કડાઈ પણ અલગ કરી નાખી છે. એને લીધે મને ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે. મારા બિઝનેસમાં મારી પત્નીનો તો સાથ હતો, પણ મારો પુત્ર સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને મદદ કરવા આવતો હતો અને સાથે ભણતો પણ હતો. મારી દીકરી પણ મને સાથ આપતી રહી છે. આવતા મહિને તેનાં લગ્ન છે.’

મારા પરિવારની સાથે મને મારા ગ્રાહકો અને રાજનેતાઓનો પણ હંમેશાં સહકાર મળ્યો છે, એને કારણે જ આજે મારા બિઝનેસને નામાંકિત બનાવવામાં હું સફળ રહ્યો છું એમ જણાવતાં લક્ષ્મણ કહે છે, ‘જ્યારે હું રેંકડી પર બિઝનેસ કરતો હતો ત્યારે મને BMC અને પોલીસની સમસ્યાઓ નડતી હતી. પરંતુ પાંચ વર્ષ પહેલાં મેં મારી દુકાનની જગ્યા લઈને એમાં હોટેલ શરૂ કર્યા બાદ મારી સમસ્યાઓ ઘટી ગઈ છે. દિનપ્રતિદિન વધી રહેલા બિઝનેસને કારણે જગ્યાની ખૂબ જ ખેંચ પડે છે. ગ્રાહકો ઊભા રહી શકતા નથી. આથી ટૂંક સમયમાં આસપાસમાં બીજી જગ્યા લેવાના પ્લાનિંગમાં છું. આની સાથે બ્રાઉન બ્રેડમાં વડાં, ફણસનાં ભજિયાં શરૂ કરવાની પણ તૈયારી છે. અત્યારે દિવસના પાંઉવડાં અને ભજિયાં થઈને સોળસોથી અઢારસો પ્લેટનો બિઝનેસ છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસોમાં બિઝનેસ ઑલમોસ્ટ ડબલ જેવો થઈ જાય છે.’

કેળાનાં વડાં, પૅટીસ ખાવાં હોય તો ૮૦ વર્ષથી અગાશીમાં લાગતી લારીએ અચૂક જવું

પ્રીતિ ખુમાણ ઠાકુર

જૈન વડાંનો ખૂબ સ્વાદિષ્ટ સ્વાદ લેવો હોય તો વિરાર (વેસ્ટ)માં અગાશીમાં આવેલા પ્રખ્યાત બસો વર્ષ જૂના જૈન દેરાસર પાસે લાગતી લારીએ અચૂક આવવું જોઈએ. દર શનિવારે અને રવિવારે સવારે સાડાછથી લઈને રાતના ૧૦ વાગ્યા સુધી દેરાવાસી શાહપરિવાર છેલ્લાં ૮૦ વર્ષથી આ લારી પર સ્વાદિષ્ટ વડાં, મેથીનાં ભજિયાં, પૅટીસ બનાવે છે અને લોકોને ગરમ જ મળે એની કાળજી રાખે છે.

૭૫ વર્ષનાં બા છાયા શાહ, તેમનો દીકરો રાજેન્દ્ર, વહુ હિના અને તેમનો દીકરો વિનીત ચારેય મળીને એક આખો પરિવાર જ બન્ને દિવસ લારી સંભાળે છે. એ કહેવાનું ભુલાશે કે નહીં કે કોઈ કહેશે નહીં કે આ કેળાનાં વડાં કે પૅટીસ છે ત્યાં સુધી તમને જરા પણ ખબર નહીં પડે કે આ કેળાનાં જૈન વડાં છે. આ વડાંનો સ્વાદ માણવા જૈન જ નહીં, અજૈન પણ આવતા હોય છે.

દાદાએ લારી પર આ ધંધો શરૂ કર્યો એમ જણાવતાં વિનીત શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘અગાશીનું જૈન દેરાસર ઐતિહાસિક હોવાથી દર શનિવારે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. એથી અમે દર શનિવારે અને રવિવારે લારી લગાડીએ છીએ. જૈન વડાંમાં સ્વાદ મળે એ માટે અલગ મસાલા તૈયાર કરીએ છીએ. આ મસાલાઓ મારા દાદાએ શીખાડ્યા હતા અને હજી પણ એ જ સ્વાદ અમે જાળવી રાખ્યો છે. મારા પરદાદા પહેલાં જૈન ભોજનશાળા ચલાવતા હતા અને ઘરગથ્થુ મળતું હોવાથી લોકો એને પસંદ કરતા હતા. જોકે પરદાદા ગુજરી ગયા બાદ અમે લારી લગાડીને કામ ચાલુ કર્યું હતું.’

આ આવકથી સાઇડનો ખર્ચો નીકળી જાય એમ જણાવતાં વિનીત કહે છે, ‘બે દિવસ ક્રાઉડ મળે એટલે બે જ દિવસ લારી લગાડીએ છીએ. પપ્પાને કાને સંભળાતું નથી. મમ્મી-પપ્પા અને બા બનાવવાની સાથે વેચવાનું, પૈસા લેવાનું-આપવાનું કામ કરે છે. હું તેમને મદદ તો કરું જ છું, પણ શનિવારે વધુ ભીડ હોય તો હું કૉલેજમાં રજા પણ ઘણી વખત લઉં છું. ખૂબ આવક નથી, પણ સાઇડનો નાનો-નાનો ખર્ચો નીકળી જાય એમ છે. આખો પરિવાર મળીને લારીને સંભાળીએ છીએ અને ૮૦ વર્ષના સ્વાદને સંભાળી રાખવાના પ્રયાસો કરીએ છીએ. ૮૦ વર્ષથી એક જગ્યાએ હોવાથી અમારી જગ્યાએ કોઈ બેસતું નથી. તેમ જ જૈન દેરાસર હોવાથી જૈન વડાંની જ માગણી હોય છે. વીસ રૂપિયાની પાવતી સિવાય બીજું કંઈ અમે આપતા નથી.

મલાડના બંસી વડાપાંઉએ બ્રૅન્ડ બનાવી છે

પ્રીતિ ખુમાણ ઠાકુર

ગણેશોત્સવ, હોળી, ગોવિંદા જેવા અનેક તહેવારોમાં મલાડ (વેસ્ટ)માં ચિંચોલી બંદર રોડ પર આવેલા બંસી વડાપાંઉ દ્વારા ગ્રાહકોને વિવિધ ઑફર આપીને વડાપાંઉ સેન્ટરને એક બ્રૅન્ડ બનાવીને જાïળવી રાખ્યું છે. દરરોજ સવારે ૮ વાગ્યાથી લઈને રાતના સાડાનવ સુધી ચાલતી બંસી વડાપાંઉની દુકાન છેલ્લાં ૩૪ વર્ષમાં લોકોનો મનપસંદ સ્વાદ બની ગઈ છે. વડાપાંઉ સાથે કાંદા-બટાટાનાં ભજિયાં, સમોસા વગેરે લોકોને મળી રહે છે.

બંસી વડાપાંઉમાં કામ કરતા કર્મચારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું, ‘અહીં દુકાનમાં લોકોને બધું જ પસંદ પડે છે અને ડિમાન્ડ પણ એટલી જ છે. જોકે ગ્રીન ચટણી સૌથી પ્રિય છે. વડાપાંઉ લઈ જતી વખતે લોકો ચટણી વધુ આપવાનો આગ્રહ રાખે છે. એથી ચટણી અમે દરરોજ વધારે જ બનાવીએ છીએ. ફાસ્ટ ફૂડના ઑપ્શન વધી જતાં માર્કેટમાં સર્વાઇવ કરવા માટે અને વડાપાંઉને એક લોકલ વસ્તુ ન બનાવતાં એક બ્રૅન્ડની જેમ ઊભી કરી છે. વડાપાંઉ અને અહીં મળતી અન્ય ખાવાની વસ્તુઓ પર દર તહેવારમાં ઑફર હોય છે. અમુક વખતે ડિસ્કાઉન્ટ તો અમુક વખતે બાય વન ગેટ વન ફ્રી જેવી અવનવી વસ્તુઓ લાવીએ છીએ. પરિવારનો વર્ષો જૂનો બિઝનેસ હોવાથી ક્વૉલિટી જાળવી રાખવી ખૂબ જરૂરી છે. લોકો અહીં ઊભા રહીને ખાવાની સાથે પાર્સલ પણ ખૂબ લઈ જતા હોય છે. માર્કેટમાં કૉમ્પિટિશન આપવા હાઇજિનિક રહે એના પર વધુ ધ્યાન આપીએ છીએ.’ 

ડોમ્બિવલીના ગજાનન વડાપાંઉની વાત નિરાળી

સાગર ગોર


ડોમ્બિવલી (વેસ્ટ)માં સ્ટેશન પાસે ઘનશ્યામ ગુપ્તે રોડ પર આવેલી વડાપાંઉ અને  ભજિયાપાંઉ માટે આખા ડોમ્બિવલીમાં વખણાતા ગજાનન વડાપાંઉની શરૂઆત ૧૯૮૮થી ડોમ્બિવલીમાં થઈ હતી. એના ઓનરનું નામ પ્રવીણ શેટ્ટી છે.

પ્રવીણ શેટ્ટી કહે છે, ‘સૌથી પહેલાં વડાપાંઉની દુકાન ચાલુ કરતાં પહેલાં થાણે (વેસ્ટ)માં વિષ્ણુનગરમાં મારી ભાભીની પણ ગજાનન વડાપાંઉની દુકાન હતી. તેમની નીચે મેં ચાર વર્ષથી વધુ કામ કર્યું અને ૧૯૮૮માં મેં પણ ડોમ્બિવલીના લોકોને સ્વાદિક્ટ ભજિયાપાંઉ મળી રહે એ  માટે મેં પોતાની ભજિયાપાંઉ અને વડાપાંઉની દુકાન ડોમ્બિવલી (ઈસ્ટ)ની તિલક ટૉકીઝ પાસે ખોલી. ધીરે-ધીરે લોકો તરફથી અમને સારો પ્રતિસાદ મળતો રહ્યો. ૨૦૦૮ સુધીમાં ડોમ્બિવલીનું પ્રખ્યાત ભજી ને વડાપાંઉ સેન્ટર બની ગયું. લોકોની ગિરદી વધતી રહી અને અમને એ જગ્યા પણ ઓછી પડી ત્યારે ૨૦૦૯માં અમે સ્ટેશન પાસે ઘનશ્યામ ગુપ્તે રોડ પર મોટી દુકાન લીધી.

ગજાનન વડાપાંઉની ખાસિયત એ છે કે વડાપાંઉ અને ભજીપાંઉ સાથે અમે સમþાટ બેસનની ચટણી આપીએ છીએ એમ જણાવતાં પ્રવીણ શેટ્ટી કહે છે, ‘અહીં વડાં અને ભજિયાપાંઉ ખાવાની રીત પણ જુદી છે. જેમ આપણે રોટલી અને ભાજી ખાઈએ છીએ તેમ જ અહીં પણ વડાં અને ભજિયાં અલગ અને એની  વચ્ચે બેસનની ચટણી અને પાંઉ અલગ એમ અપાય છેï. બેસનની ચટણી આખા ડોમ્બિવલીમાં ફેમસ છે. લોકો તો સ્પેશ્યલ બેસનની ચટણીનો વડાં અને ભજિયાં સાથે સ્વાદ માણવા આવે છે.’

મારી દુકાનમાં રોજના બે હજારથી વધુ કસ્ટમર આવે છે એ પ્રમાણે રોજનાં ૪૦૦૦થી વધારે વડાં અને બે હજાર પ્લેટથી વધુ ભજિયાં વેચાય છે એમ જણાવતાં પ્રવીણ શેટ્ટી કહે છે, ૧૯૭૭માં બારમું પાસ કર્યું હતું અને પછી મને ભાઈ-ભાભી સાથે વડાં અને ભજિયાપાંઉ કેવી રીતે બને છે એનો શોખ લાગ્યો. રોજની આવકથી વધારે ખુશી અમને અમારે ત્યાં વડાપાંઉ પેટ ભરીને ખાતા લોકો પાસેથી મળે છે. અમે ફક્ત પૈસાનું મહત્વ નથી સમજતા. ઘણી વખત એવું બન્યું છે કે લોકો પૈસાની ચિંતાને કારણે વડાપાંઉ કે ભજિયાપાંઉ પેટ ભરીને ખાતાં અચકાય છે એથી મેં મારી  દુકાનમાં આવતા લોકોને કહ્યું છે કે પૈસાની ચિંતા કર્યા વગર પેટ ભરે. લોકો પેટ ભરીને ભજિયાં અને વડાપાંઉ ખાય એની ખુશી આવક કરતાં પણ મોટી હોય છે.’

ચાર દાયકા જૂના ને જાણીતા મસ્જિદ બંદરના અરવિંદ ભજિયાવાળા

મમતા પડિયા


‘શેરી અમારી સાંકડી, બાજુમાં કેમિકલ બજાર; પ્રેમથી ભજિયાં બનાવીએ, પ્રભુ દેજો એનો ખાનાર.’

મસ્જિદ બંદરની દરિયાસ્થાન સ્ટ્રીટમાં છેલ્લાં ૪૨ વર્ષથી મગની દાળનાં ભજિયાં બનાવતા અરવિંદભાઈના હાથનો સ્વાદ તો ગ્રાહકો માણે છે. એ ઉપરાંત તેમના આવકાર અને હસમુખા સ્વભાવની લાગણીના બંધાણી થયા છે. ચાર દાયકા અગાઉ મોટાભાઈ ભીખુભાઈ સાથે મળી અને સંબંધીઓના ટેકા સાથે ગાંઠિયા અને ફાફડાનો નાનો સ્ટૉલ શરૂ કર્યો હતો. જોકે ગાંઠિયા-ફાફડામાં જોઈતી ફાવટ નહીં આવતાં મુંબઈના રંગમાં રંગાઈ ગયા અને વડાપાંઉ તેમ જ મગની દાળનાં ભજિયાં બનાવવાની શરૂઆત કરી. તકદીરનો સાથ મળતાં હજી સુધી એ જ પ્રમાણ અને સ્વાદ ગ્રાહકોને આપવાનો સંતોષ અરવિંદભાઈ અનુભવે છે.

રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામના ૬૭ વર્ષના રહેવાસી અરવિંદ ઠક્કર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા મોહનલાલ અવસાન પામ્યા હતા. મમ્મીએ ઠાકોરજીની સેવા સાથે ત્રણેય ભાઈ-બહેનનો ઉછેર કર્યો હતો. ‘ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દસ જાય, નાનપણમાં જેનાં માવતર મરે તેને ચારેય દિશાના વા વાય’ એ શબ્દો બોલીને અરવિંદભાઈ કહે છે, ‘પિતાના અવસાન બાદ ગામડામાં કપરો સમય કાઢ્યો અને સંબંધીની મદદથી મુંબઈ આવ્યો હતો. ભીખુભાઈ અને મેં દિવસરાત લોહીપસીનો એક કર્યાં છે ત્યારે અત્યારે સુખનો રોટલો ખાઈ રહ્યા છીએ. ભીખુભાઈ તો હવે આ ધંધાથી વિમુખ થયા છે, પરંતુ મારા હાથનાં ભજિયાંના રસિયાઓના આગ્રહને વશ હું ૬૭ વર્ષની ઉંમરે ભજિયાં બનાવવા બેસી જાઉં છું. મારો મોટો દીકરો હરેશ અને નાનો દીકરો નરેશ આ ધંધામાં મારી કરોડરજ્જુ બન્યા છે.’

અમે રાજકોટ નજીક એક નાના ગામડામાંથી એક સંબંધીના સથવારે મુંબઈ આવ્યા હતા એમ જણાવીને અરિવંદભાઈ કહે છે, ‘ભજિયાં બનાવવાની શરૂઆત કરી ત્યારે ૧૫ પૈસાનું વડું અને દસ પૈસાનું પાંઉ એમ પચીસ પૈસામાં તો વડાપાંઉ વેચતા અને માત્ર પાંચ રૂપિયા કિલો મગની દાળનાં ભજિયાં વેચાતાં. એ સમયે ત્રણ રૂપિયે કિલો તેલ મળતું હતું. અત્યારે એ જ તેલનો ભાવ ૭૫ રૂપિયા થયો છે. અમે વૈષ્ણવ છીએ અને આપણા જેવા વૈષ્ણવજનોને ધ્યાનમાં રાખીને કાંદાલસણ વિનાનાં વડાં અને વિવિધ પ્રકારનાં ભજિયાં ખાસ કરીને મગની દાળનાં ભજિયાં બનાવીએ છીએ. હું અને મારો ભાઈ મહેનત કરીને આગળ વધ્યા. સમય જતાં અમે સંસારમાં પડ્યા અને બન્નેના ઘર સાથે ૧૫ વર્ષ પહેલાં ધંધો અલગ થયો હતો. હું બગદાણા લેનમાં શિફ્ટ થયો, પણ ભજિયાંની ગુણવત્તા સાચવી રાખી છે. મારા કારીગર, બન્ને દીકરાઓનાં ઘર અને અમારો ખર્ચ પૂરો થઈ શકે એટલી કમાણી થઈ જાય છે. ખમણની લીલી ચટણી અને ઈરાની ખજૂરની મીઠી ચટણી વર્ષોથી એક જ પ્રકારની બને છે. અમારો રેકૉર્ડ છે ભલે મારી પાસે બે કામગાર છે, પણ જેમ ઘરમાં ખાદ્ય પદાર્થ મનથી રાંધવામાં આવે એ રીતે હું અને મારા દીકરા ભજિયાં બનાવીએ છીએ.’

જલારામ બાપાના પરચા જ આપણા ખર્ચા છે એ ભાવના સાથે જ અરવિંદ સાદગીનું જીવન જીવે છે એમ જણાવીને ભીખુભાઈ ઠક્કર કહે છે, ‘સ્વભાવના નિખાલસ અને નર્મિળ મને કામ કરીને ગ્રાહકોને ઉત્તમ ખાદ્ય પદાર્થ ખવડાવવાનો આપી સંતોષની લાગણી અરવિંદ અનુભવે છે. એક વાત તેની કહેવી રહી કે દસ વર્ષની ઉંમરથી તેને ભજનનો શોખ હતો. તેની સાથે તે મને લઈ જતો અને અત્યારે હું જે કાર્ય કરું છું એ તેના પ્રોત્સાહનના પગલે જ શક્ય બન્યું છે. હું ભજન ગાઉં અને તે મગ્ન બનીને મંજીરાં વગાડે છે. અમારા ભાઈઓના જીવનમાં ભજન અને ભજિયાં મહત્વનો હિસ્સો છે.’

Comments (1)Add Comment
...
written by PH Bharadia, February 11, 2018
If any persons or politicians are critical of PAKODA business, they are an enemy of small-scale
business and their short-sightedness will never bring progress in their life also will be able to guide their own generations.
Educated people think that any government does give them SARKARI NAUKARI are not
good government, well, these kinds of people should carefully think before giving their views,
there no any governments in the world they can provide SARKARI NAUKARI for their subjects,
it is foolish to think that way.
India's corrupt politicians are making false statements and giving false promises, once they grab power they will forget all this, wise people should not be mesmerized with such stupid
statements.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK