ઠાગાઠૈયા કરતા યુનિવર્સિટીના બાબુઓએ RTIને કારણે કામધંધે લાગવું પડ્યું

૧૮ મહિનાથી ડિગ્રી સર્ટિફિકેટ અને ગ્રેડ-કાર્ડ ન મળવાની દુવિધા RTIએ એક મહિનામાં દૂર કરી

rti

RTIની તાકાત - ધીરજ રાંભિયા

સુરતમાં રહેતા મુકેશ ઉપાધ્યાયની દુવિધાની આ કથા છે. મુકેશભાઈના પુત્ર યશે BComની પરીક્ષા દિલ્હીની ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી ૨૦૧૪ના ડિસેમ્બરમાં આપી. ઉત્ર્તીણ થતાં માર્કશીટ તથા અન્ય કાગળો, યુનિવર્સિટીને મોકલાવી ગ્રેડ-કાર્ડ તથા પ્રોવિઝનલ સર્ટિફિકેટ મોકલાવવા વિનંતી કરી.

૨૦૧૫ની પાંચ ઑગસ્ટની તારીખનો પત્ર IGNOU તરફથી પ્રાપ્ત થયો, જેમાં જણાવવામાં આવ્યું કે ગ્રેડ-કાર્ડ તથા પ્રોવિઝનલ સર્ટિફિકેટ મોકલાવવામાં આવે છે. હકીકતમાં યશને માત્ર પત્ર મળેલો. એમાં જણાવવામાં આવ્યા મુજબ ન તો ગ્રેડ-કાર્ડ કે ન તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું અને આથી યશની દુવિધાની કહાણી શરૂ થઈ.

યશે સુરતથી IGNOU કાર્યાલયમાં અનેકોનેક ફોન કર્યા અને પત્ર સાથે જણાવ્યા મુજબનાં ગ્રેડ-કાર્ડ અને સર્ટિફિકેટ મળ્યાં ન હોવાથી ફરિયાદ ગ્રેડ-કાર્ડ તથા સર્ટિફિકેટ મોકલવાની વિનંતી કરી, પરંતુ કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં ન આવી. દરેક ફોન વખતે જુદી-જુદી વ્યક્તિઓ ફોન ઉપાડે અને જુદાં-જુદાં બહાનાંઓ સંભળાવતી રહે. છેવટે કંટાળીને ૨૦૧૫ની ૧૮ નવેમ્બરે યુનિવર્સિટીના અધિકૃત ઈ-મેઇલ પર લેખિત ફરિયાદ દાખલ કરી, પરંતુ ન તો એનો કોઈ જવાબ પ્રાપ્ત થયો કે ન તો બાબુઓએ ગ્રેડ-કાર્ડ અને સર્ટિફિકેટ મોકલવાની તસ્દી લીધી. એક વર્ષ સુધી ઈ-મેઇલનો દોર ચાલુ રહ્યો, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી.

બૅન્કો તથા વિવિધ સરકારી ખાતાંઓની ભરતી માટેની જાહેરાતો વાંચતા રહ્યા, પરંતુ ગ્રેડ-કાર્ડ તથા પ્રોવિઝનલ સર્ટિફિકેટ ન હોવાના કારણે અરજી કરી શકતા નહોતા. યુનિવર્સિટીના બાબુઓની અકર્તવ્યશીલતાના કારણે યશનો બે વર્ષનો કીમતી સમય બરબાદ થઈ ગયો. શું કરવું એની અસમંજસમાં યશ અને તેનો પરિવાર નિરાશામાં સરી પડ્યા.

યશના પિતા જ્યારે મુંબઈ આવતા ત્યારે મિડ-ડે અચૂક વાંચતા અને એમાંય શનિવારનો અંક અવશ્ય વાંચતા હોવાથી RTIની તાકાતથી સુપરિચિત હતા. યશની દુવિધા દૂર કરવા RTI કાયદાનો ઉપયોગ કરવાનો વિચાર સ્ફુર્યો, જે તેમણે યશને જણાવ્યો તથા મિડ-ડેનો શનિવારનો અંક વાંચવા આપ્યો. 

જોગાનુજોગ એ અંકમાં શિક્ષણક્ષેત્રને લગતી દુવિધાની તથા RTI કાયદાના ઉપયોગથી એના સંતોષકારક રીતે થયેલા નિવારણની કથા હતી. લેખાંકમાં પ્રસિદ્ધ થયેલી RTI હેલ્પલાઇનમાં જણાવેલ મોબાઇલ નંબર પર અપોઇન્ટમેન્ટ મેળવવાના  આશયથી. સુરતથી ફોન કર્યો જે તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-ચિંચપોકલીના જ્યેષ્ઠ સેવાભાવી મનોજ પારેખનો હતો. આગંતુક સુરતથી વાત કરી રહ્યા છે એ સાંભળતાં સાલસ સ્વભાવના મનોજભાઈએ પૂછ્યું, ‘આપને શી તકલીફ છે?’ એના પ્રત્યુતરમાં યશભાઈએ પોતાની દુવિધાની વાત જણાવી, જે સાંભળી મનોજભાઈએ પોતાનું ઈ-મેઇલ ઍડ્રેસ આપ્યું અને IGNOU સાથે આપલે થયેલા ઈ-મેઇલ સંદેશાઓ મોકલવા જણાવ્યું. યશે મળેલી સૂચના મુજબની બધી ઈ-મેઇલ મનોજભાઈને મોકલાવી. મનોજભાઈએ સર્વે સંદેશાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને ૨૦૧૭ની પાંચમી જાન્યુઆરીએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી પોસ્ટ દ્વારા યશભાઈના સુરતના સરનામે મોકલાવી આપી, જે દ્વારા નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

૧. ૨૦૧૫ની ૧૮ નવેમ્બર, ૨૦ નવેમ્બર, બીજી ડિસેમ્બર, ૨૩ ડિસેમ્બર તથા ૨૦૧૬ની ૧૨ ડિસેમ્બરની ઈ-મેઇલ દ્વારા મોકલાવેલી ફરિયાદ-કમ-વિનંતી પર શી કાર્યવાહી કરવામાં આવી એની ક્રમબદ્ધ તથા તારીખવાર માહિતી આપશો તથા એની સાંપ્રત સ્થિતિની જાણકારી આપશો.

૨. ઈ-મેઇલ્સ દ્વારા કરેલી ફરિયાદ તથા વિનંતી પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણોની સવિસ્તાર માહિતી આપશો.

૩. ફરિયાદ મળ્યા બાદ પોસ્ટ-ઓફિસમાં મારી ફરિયાદ સંબંધે તપાસ કરવામાં આવી હોય તો પોસ્ટ-માસ્ટરને લખવામાં આવેલા પત્રો તથા તેમના તરફથી મળેલા જવાબની પ્રમાણિત કૉપી મોકલાવશો. જો જવાબ ન આવ્યો હોય તો જવાબ મેળવવા માટે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો.

૪. આપના કાર્યાલયના આઉટવર્ડ રજિસ્ટરમાં મને મોકલાવવામાં આવેલી ૨૦૧૫ની પાંચ ઑગસ્ટની કરાયેલી નોંધની ફોટોકૉપી.

૫. મારા ઈ-મેઇલ પત્રો પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, તેમનો હોદ્દો તથા સંપર્ક-નંબરો.

૬. મારી ફરિયાદ પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીએ કાર્યવાહી ન કરી હોય કે અધૂરી કરી હોય તો એના પર લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતવાર માહિતી.

૭. જો પગલાં ન લેવામાં આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૮. બેજવાબદાર અધિકારી પર પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક-નંબરો.

૯. આપના વિભાગના અપડેટેડ સિટિઝન ચાર્ટરની કૉપી. 

૧૦. આપના વિભાગના અધિકારીની બેજવાબદાર વર્તણૂકથી મારી ઊગતી કારર્કિદીનાં બે સોનેરી વષોર્ના થયેલા નુકસાન માટે વળતર મેળવવા કરવામાં આવેલા પ્રયોજનોની સંપૂર્ણ માહિતી.

૧૧. આપના વિભાગના પ્રથમ અપેલેટ અધિકારીનું નામ, હોદ્દો તથા સંપૂર્ણ સરનામું તેમ જ સંપર્ક-નંબરો.

ખાસ નોંધ : આપની સેવાની ઊણપના કારણે મને થયેલા આર્થિક નુકસાન તથા માનસિક સંતાપ માટે વળતર મેળવવાનો મારો અધિકાર સુરક્ષિત રાખું છું, જેની ખાસ નોંધ લેશો.

ઉપરોક્ત RTI અરજી મુંબઈથી મળતાં યશે સહી કરી ૨૦ રૂપિયાનો પોસ્ટલ ઑર્ડર ખરીદી અરજી સ્પીડ-પોસ્ટથી IGNOU, સ્ટુડન્ટ ઇવૅલ્યુએશન ડિવિઝન, મૈદાન રાહી, ન્યુ દિલ્હી - ૧૧૦ ૦૬૮ને મોકલાવી આપી.

RTI કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં બાબુઓ ભરશિયાળે પરસેવાથી રેબઝેબ થઈ ગયા. અઢાર મહિનાથી યશની ફરિયાદો તથા વિનંતીઓને અણદેખી કરનાર બાબુઓ કપડાં ઝાટકી કામે લાગ્યા. જૂના રેકૉર્ડ્સ ફેંદાયા. બાબુઓની રજાઓ કૅન્સલ થઈ હશે. આપાતાકાલીન સ્થિતિ જાહેર થઈ હોવી જોઈએ. બાબુઓએ મનોમન વિચાર્યું હશે કે સાલ્લા ટેણિયાએ સાહેબના સાહેબને પણ ફાયરિંગ રેન્જમાં ઊભા રાખી દીધા તથા કપાળે પિસ્તોલ ધરીને આર્થિક નુકસાન તથા માનસિક સંતાપ માટે વળતર મેળવવાનો અધિકાર સુરક્ષિત રાખવાનું ભાષણ આપી રહ્યો છે. નામ યશ છે, પણ હરામી આપણને અપયશ અપાવશે. દિવસે ઑફિસમાં ઊંઘ ખેંચી કાઢનાર બાબુઓની રાતની ઊંઘ હરામ થઈ ગઈ. ડિસેમ્બર-૨૦૧૪ના રેકૉર્ડ્સ મળે એ માટે માતાજી પાસે બાધા રખાઈ. બાપુઓના આશ્રમના દરવાજા ખટખટાવ્યા હશે. કાળા દોરા અને માદળિયાંઓએ શરીર પર કબજો જમાવ્યો. જેવી જેની આસ્થા.

૨૦૧૭ની ૮ ફેબ્રુઆરીનો દિવસ બાબુઓ માટે મંગલમય બન્યો. ૨૦૧૪ની પરીક્ષાના રેકૉર્ડ્સ બાપુની કૃપાથી પ્રાપ્ત થયા. ડુપ્લિકેટ ગ્રેડ-કાર્ડ યુદ્ધના ધોરણે બનાવવામાં આવ્યું. RTI અરજીનો ટૂંકાક્ષરી જવાબ તૈયાર થયો. મારતે ઘોડે પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસરની સહી લેવાઈ તથા પત્ર પોસ્ટ કરવા અપાયો. પટાવાળા મિશ્રાજીને પાછા આવતી વખતે જલેબી-ફાફડા લાવવાનો ઑર્ડર અપાયો.

ઉપરોક્તમાંથી જે થયું હોય તે, યશ અને તેમના પરિવારની ૧૮ મહિનાની પીડાની RTI કાયદાના ઉપયોગથી અને મનોજભાઈની કર્તવ્યનિષ્ઠાથી એક મહિનામાં સુખદ અંત આવ્યો તથા RTI કાયદાની ઉપયોગિતા તથા તાકાત ફરી એક વખત પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK