ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૬

‘એરુની વાત કરે છે.

નવલકથા - રશ્મિન શાહ

ભાન છે ડોબીને, આને એરુ કરડે તો એરુ મરી જાય પણ તેના ભાઈને કાંય થાય નહીં પણ ના, ભાઈ કીધોને, ભાઈ તો હદથી વહાલો હોય બેનુને એટલે વરને હેરાન કરશે પણ જમવા બેસશે ત્યારે ભાઈને બે બટકા ઓછા ખાવાનું નહીં કહે. ખવડાવશે એવી રીતે જાણે આંય વરને ન્યાં તો બધુંય મફત જ આવતું હોય છે.’

બૈરીની કચકચથી કંટાળીને રવજી ઘરની બહાર નીકળ્યો. પેટમાં આવેલા દબાણને વશ થઈને બહાર નીકળેલો સાળો માધવ ક્યાં મરી ગયો એવી ભડાશ કાઢતાં બહાર આવેલો રવજી પહેલાં તો બહાર આવીને ઘડીભર ઊભો રહી ગયો.

જાઉં કઈ બાજુ એની ચિંતા રવજીના મનમાં હતી.

ઘરની ડાબી બાજુએ પચાસેક ડગલાં આગળ ગયા પછી ખેતરનો ભાગ શરૂ થતો હતો તો જમણી બાજુએ ૧૦૦ ડગલાં આગળ જઈને જમણા હાથ પરના પહેલા વળાંક પછી ખેતર શરૂ થતું હતું અને એ ખેતરમાં હાજતે જવાનું કામ થતું, પણ માધવ કઈ બાજુ ગયો એની તેને સમજણ નહોતી પડતી. જોકે એ પછી રવજીએ કોઠાસૂઝ વાપરીને એ જ રસ્તો પકડ્યો જે રસ્તે તે હંમેશાં હાજતે જતો હોય છે. બની શકે કે માધવને આ જ રસ્તો તેના છોકરાઓએ દેખાડ્યો હોય એટલે માધવ પણ એ જ બાજુ ગયો હોય.

ફાનસ લીધા વિના ઘરની બહાર આવી ગયેલા રવજીએ આંખો ઝીણી કરી અને ચારે તરફ નજર ફેરવવાની શરૂઆત કરી, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. કોઈ દેખાયું નહીં એટલે રવજીએ દબાયેલા અવાજે રાડ પાડી,

‘માધવ, એ માધવ...’

અવાજનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે રવજીનો બબડાટ પાછો શરૂ થયો,

- વાંદરીનો, સાંભળતો હશે તોયે જવાબ નહીં દ્યે અને ખોટેખોટું લોહી પીશે.

બીજી રાડ.

‘માધવ, એય એલા માધવ...’

અવાવરું વાતાવરણ વચ્ચે પડઘા પડતા રહ્યા પણ સામેથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નહીં. આજુબાજુમાં નજર કરતો રવજી એક ઝાડ પાસે ઊભો રહ્યો. મનમાં ગુસ્સો હતો તો આછીસરખી ચીવટે પણ મનમાં જગ્યા બનાવી લીધી હતી.

- સાલો ગ્યો ક્યાં. આમ તો ફંટુશિયો છે. આનાથી આઘો જાય નહીં, પણ અત્યારે તો આંય ક્યાંય નથી. આને ક્યાંક ખરેખર એરુ બટકું નો ભરી ગ્યો હોય? ગદનો મરી ગ્યો હશે, નહીંતર તો ઊંહકારો પણ સંભળાય.

રવજીએ હવે હાંફળાફાંફળા થઈને આજુબાજુમાં જોવાનું શરૂ કર્યું પણ ક્યાંય માધવ દેખાયો નહીં એટલે રવજી ઉતાવળા પગલે ઘર તરફ ભાગ્યો.

મનમાં નક્કી કરી લીધું હતું કે હવે આજુબાજુના સૌ કોઈને લઈને માધવને શોધવા નીકળવું.

માધવે કર્યું પણ એમ જ.

ઘરે પહોંચીને તેણે ફાનસ લીધું અને પછી બહાર આવીને તેણે આડોશીપાડોશીને ભેગા કર્યા અને ફરીથી બધા ઘરની બહાર નીકળીને માધવને શોધવામાં લાગી ગયા. ઘરમાં આછીસરખી રોકકળ શરૂ થઈ ગઈ. રાંભીએ રડવાનું શરૂ કરી દીધું તો આડોશીપાડોશીઓનાં બૈરાંઓએ તેને સાંત્વના આપવાનું કામ ચાલુ કરી દીધું.

‘બેન, કાંય નઈ થ્યું હોય. ખોટું રોવાનું મૂકો. હમણાં આવી જાશે.’

‘કેટલા મહિને બિચારો આયવો આંય. હવે શું જવાબ દઈશ હું બાપુને? તેની બૈરીને? કાંય ખબર નથી પડતી.’

રાંભીએ ડૂસકાં લેતાં-લેતાં જવાબ તો વાળ્યો, પણ તેને હજી પણ એવી

આશા હતી ખરી કે વાંધો નહીં આવે. માધવના સગડ મળી જશે. જોકે એવું કંઈ થવાનું નહોતું.

માધવ ત્યાં હતો જ નહીં, જો હોય તો તે મળેને.

€ € €

‘જોરુભા, બધીય ગાડીયું ભેગી કરો. જલદી અને એય... રમણ, આ ચંપકને પણ ભેગો લઈ લે.’

માધવ સમજી ગયો હતો કે ગડુભાએ કોને ચંપક કહ્યો હતો.

સાથે નહીં જવા માટે માધવે આનાકાની કરવાની શરૂ કરી દીધી. ચોખ્ખી વાત હતી કે જો ભૂલથી ભૂપતસિંહ તેને જોઈ જાય તો તેનું આવી બને અને ધારો કે તે ક્ષેમકુશળ નીકળી જાય અને બનેવીને ખબર પડી જાય તો પણ તેની હાલત કફોડી થઈ જાય. બનેવી જેને પોતાના ભાઈથી વિશેષ માનતા હતા તે માણસની ચૂગલી કરવાનું કામ અત્યારે તે કરી ચૂક્યો હતો.

‘સાયબ, મને શું કામ ભેગો...’ માધવે હાથ જોડ્યા, ‘હું તો સરકારનું કામ કરવા આયવો અને હવે મને, મને શું કામ ભેગો લેવાનો સાયબ. મને તો ઘરે જાવા દ્યો તમે.’

‘ગાંગલીના, છાનોમાનો જીપમાં બેસને, મોડું થાશે આપણને.’

‘પણ સાયબ, સાવ સાચું કઉં છું. મારા ઘરે કોઈને કાંય ખબર નથી.

ખોટી ચિંતા ઊભી થાશે, મને જાવા દ્યોને તમે. કેશો તો સવારના આવી જાઈશ પાછો હું.’

‘ચિંતા કર માં, સવાર પહેલાં તો પાછા આવી જાશું.’

‘પણ મને શું કામ લઈ જાવ છો?’

જવાબમાં ગડુભાએ પોતાના ખમીસના ઉપરના ખિસ્સામાંથી એક કાગળ બહાર કાઢ્યો અને માધવ તરફ ધર્યો,

‘વાંચી લે, જવાબ મળી જાશે.’

માધવે કાગળની ગડી ખોલી ફટાફટ અંદર નજર કરી. અંગ્રેજ સરકારની મહોર મારવામાં આવેલા એ કાગળના શબ્દો ગુજરાતીમાં હતા એટલે માધવને વાંચવામાં વાંધો ન આવ્યો. જોકે એમ છતાં અંધકારને લીધે તેને એ કાગળ વાંચવામાં તકલીફ જરૂર પડતી હતી. એ તકલીફ વચ્ચે પણ માધવે એ કાગળ પર નજર ઘુમાવવાનું ચાલુ રાખ્યું. દરેક પોલીસચોકીને સંબોધીને એ લખવામાં આવ્યો હતો. કોઈ અધિકારીનું નામ એમાં નહોતું પણ દરેકને આ એક સૂચના આપવામાં આવી હતી,

ભૂપતસિંહના માણસો માહિતી આપવાના બહાને આવીને પોલીસ-કર્મચારીઓને બહાર બોલાવે છે અને પછી તેમના પર હુમલો કરે છે. આવી ત્રણ ઘટના બ્રિટિશ સરકારના ધ્યાન પર આવી છે એટલે સૌકોઈને સૂચના આપવામાં આવે છે કે આ પ્રકારની માહિતી કોઈ આપે તો ખરાઈ ન થાય ત્યાં સુધી એ માહિતી આપનારા બાતમીદારને વિભાગીય વડાએ પોતાના કબજામાં રાખવો અને જો માહિતી ખોટી નીકળે તો જે-તે ખોટા બાતમીદાર સામે કડકમાં કડક પગલાં લેવાં.

માધવને પરસેવો છૂટી ગયો.

- માર્યા ઠાર. આ તો મારું બેટું ઊલમાંથી નીકળીને ચૂલમાં પડ્યા જેવું થયું છે.

માધવે હવે વધારે દબાણ સાથે આનાકાની શરૂ કરી પણ એ આનાકાની ફોજદારના કાન સુધી પહોંચવાની નહોતી એ તેને સમજાઈ ગયું હતું. ફોજદાર બધી તૈયારી સાથે પોલીસની ગાડીમાં ગોઠવાઈ ગયા. બીજા પોલીસ-કર્મચારીઓ પણ ગોઠવાયા અને માધવને પણ વચ્ચે બેસાડી દેવામાં આવ્યો.

€ € €

કુતુબે ઇબ્રાહિમ સામે જોયું.

‘એ સમયે એક જ વાત એવી સામાન્ય હતી જે માધવ સાથે એકદમ સાચી રીતે લાગુ પડતી હતી. તેનો બનેવી એવું માનતો હતો કે માધવ મરવાનો છે અને માધવ મરવાની દિશામાં આગળ વધતો હતો.’

‘ચાચુ, દાદુને કેમ ખબર પડી કે માધવ...’

ઇબ્રાહિમે વાત અધૂરી છોડી દીધી, પણ અધૂરી છોડાયેલી વાત કુતુબ સમજી ગયો એટલે તેણે જવાબ વાળ્યો,

‘પોલીસની મૂર્ખામી અને બહારવટિયાની ચતુરાઈ. આ બન્નેને લીધે માધવ માર્યો ગયો અને સવારે

લાશ તેના ઘરે પહોંચી. પોલીસે ઘરે લાશ પહોંચાડી અને ભૂપતે ઘરે ચીઠ્ઠી મોકલાવી.’

‘એમ નહીં, સરખી રીતે વાત કરો. પૂરી વાત કરો.’

કુતુબે ફરીથી આંખ બંધ કરી અને એ સમયનો ઘટનાક્રમ વાગોળવાનું શરૂ કર્યું.

‘રાજકોટ પોલીસનો કાફલો મુખ્ય માર્ગ પર આવી ગયો, પણ મુખ્ય માર્ગ સાવ ખાલી હતો. એના ઉપર કોઈ જાતની ભીડભાડ નહોતી એટલે ગડુભાને નવાઈ લાગી અને તેણે જીપ કાચા રસ્તે લેવડાવી. આ રસ્તો લેવાનું પણ ખાસ કારણ હતું.’

કુતુબચાચાએ ફરી આંખ ખોલીને ઇબ્રાહિમ સામે જોયું.

‘આપણે ક્યારેય ઘોડા પાકી સડક પર ચલાવવા ન જોઈએ. પાકી સડક પર ચાલતા ઘોડા ચાંપલા થઈ જાય ને લાંબા સમયે એની ઝડપ કપાઈ જાય.’ કુતુબે ફરી આંખો મીંચી, ‘ભૂપતને એની ખબર હતી એટલે તે બને ત્યાં સુધી ડામરના રસ્તે ઘોડો લઈને જવાનું ટાળતો. બીજું એ કે આ સડક ખુલ્લી હોય, બધા એની આજુબાજુમાંથી પસાર થતા રહે એટલે એ લોકોનું ધ્યાન પણ તેના પર જાય અને જોખમ ઊભું થાય. એ દિવસે પણ ભૂપતે એ જ કામ કર્યું હતું અને તેણે કાચો રસ્તો લઈ લીધો હતો. ગડુભાની આ બુદ્ધિ કામ કરી ગઈ, તેને કાચા રસ્તે જ લાભ થવાનો હતો.’

€ € €

‘માથેના બધાય બલ્બ ચાલુ કરી દે.’

જેવો આદેશ મળ્યો કે તરત જ જીપના હૂડ પર લગાડવામાં આવેલી બધી લાઇટો ચાલુ થઈ ગઈ અને આખી કેડીમાં ઝગમગાટ પ્રસરી ગયો. પ્રસરેલા આ ઝગમગાટ વચ્ચે ફોજદાર ગડુભાના ધ્યાનમાં આવ્યું કે આગળથી કોઈ અસવારે પોતાનો ઘોડો ઝાડીઓમાં દાખલ કરી દીધો.

ગડુભાએ પૂછીને ખાતરી પણ કરી લીધી.

‘અલ્યા ચવાણ, તને ન્યાં કાંઈ દેખાણું?’

‘શિયાળિયું હશે સાયબ.’

ચૌહાણને બદલે પાછળ બેઠેલા એક પોલીસ-કર્મચારીએ જવાબ આપ્યો એટલે ગડુભાનું દિમાગ હટી ગયું,

‘તારી માસીના સાંઢ, શિયાળિયું તેં ક્યારેય ૬ ફુટનું જોયું છે?’

‘ના સાહેબ, આ તો થ્યું કે કદાચ...’

ગડુભાને હવે જવાબમાં રસ નહોતો. તેમનું ધ્યાન સામે દેખાતી કેડી પર હતું. તેણે ૬ ફુટની ઊંચાઈવાળું કોઈ પ્રાણી જેવો જીવ આગળ જતો જોયો હતો, પણ જીપની લાઇટના પ્રકાશમાં એ જીવ કેડીથી ઊતરી ગયો હતો અને ઝાડીમાં ઘૂસી ગયો હતો.

ગડુભાએ હાંક મારી.

‘ઊભી રાખ જીપ.’ ગડુભાના અવાજ સાથે જીપ અટકી ગઈ એટલે તેમણે બીજો આદેશ આપ્યો, ‘પૂછ્યા વિના કોઈ બહાર નહીં નીકળતા.’

‘શું લાગે છે સાયબ. સાવજ જેવું કાંય હતું?’

સવાલ માધવે પૂછ્યો હતો જે અવાજ પરથી ગડુભાએ પારખી લીધું હતું,

‘તારા બાપે ક્યારેય ૬ ફુટનો સાવજ જોયો છે?’

ગડુભાએ ધીમેકથી પોતાની રિવૉલ્વર ભરવાનું શરૂ કર્યું અને નજર બહાર ઝાડીઓમાં માંડી રાખી,

‘સાવજ નહીં, સિંહ હતો સિંહ.’

‘હેં?’

‘હેં નહીં, હા.’

‘ભૂપતસિંહ હતો?’

‘હા, જીપના પ્રકાશમાં તેણે ઘોડાને ઝાડીમાં ઘાલી દીધો. ઝાડી હલતી નથી એનો અર્થ ચોખ્ખો એવો છે કે એ નવરીનો હજી ઝાડીમાં છે. જુએ છે આપણને બધાયને, એકેય ડાઈના થાતા નહીં, નહીં તો...’

ગડુભા વાત પૂરી કરે એ પહેલાં ધડાકો થયો અને તેમની જીપની ઉપરની એક લાઇટ ફૂટી ગઈ. ગડુભા કંઈ સમજે એ પહેલાં જ બીજો ફટાકડો ફૂટ્યો.

બીજી લાઇટ પણ ફૂટી.

હવે ગડુભા વાતને સમજી શકવાની અવસ્થામાં આવી ગયા હતા, પણ એ સમજી શકે કે સમજ્યા પછી કોઈ પગલું ભરે એ પહેલાં જ ત્રીજો ધડાકો થયો,

ફટાક...

ત્રીજી લાઇટ પણ ફૂટી ગઈ અને પછીની ૨૦ સેકન્ડમાં જીપની બન્ને હેડલાઇટ પણ ફૂટી ગઈ અને આગળની જીપ અંધકાર વચ્ચે પથરાઈ ગઈ.

પહેલા ધડાકા વચ્ચે કોઈ સમજ્યું નહોતું પણ પછીના તમામ ધડાકા વચ્ચે બધા સમજી ગયા હતા કે આ કારસ્તાન ભૂપતનું છે અને તેણે પહેલો હુમલો કરીને અંધકારને આમંત્રણ આપવાનું કામ કર્યું છે.

ગડુભાને હવે ખાતરી થઈ ગઈ કે ભૂપત આજુબાજુમાં જ ક્યાંક છે અને પોતે તેની બંદૂકના નિશાનમાં જ છે એટલે તેમણે આગળના ભાગમાં પડેલું ભૂંગળું ઉપાડ્યું અને મોઢે માંડીને ભૂપતસિંહને જાસો આપ્યો,

‘ભૂપતસિંહ, તમે બધી બાજુએથી ઘેરાયેલા છો. જાતને સમર્પિત કરી દેવામાં સાર છે. અત્યારે હજી મોકો છે. પછી આગળ જતાં...’

ધાંય...

ધાંય... ધાંય...

એકસાથે ત્રણ ગોળી આવી અને જીપના બૉનેટ પર કાણું પાડવાનું કામ કરી ગઈ.

ભૂપતે આ મૂક જવાબ આપ્યો હતો. કહોને આ ભૂપતે મૂક ચેતવણી આપી હતી.

ગડુભાએ ફરીથી માઇક હાથમાં લીધું,

‘જીવ વહાલો હોય તો...’

વાક્ય પૂરું થાય એ પહેલાં તો વાતાવરણમાં મોટેથી બૂમ આવી,

‘ખાખી, તું સમજીને બોલ અને વિચારીને બોલ. જીવ તને વહાલો હોય તો નીકળી જા તારા કૂતરાને લઈને અહીંથી.’

‘બુદ્ધિ વાપરવામાં માલ છે ભૂપતસિંહ.’

ગડુભાએ ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું પણ ભૂપત સાંભળવા તૈયાર નહોતો,

‘હાથમાં હથિયાર હોય ત્યારે બુદ્ધિ વાપરવા બેસે તેને બાયલો કે’વાય. ઉપાડ હથિયાર, કર ધડાકા. જોઈએ કોણ આજે પાછું જાય છે.’

ભૂપતનો સીધો ઇરાદો હતો ગડુભાને ઉશ્કેરવાનો. આ ચાલાકી હતી. હુમલો થાય તો હુમલા સમયે હથિયારનો ઉપયોગ શરૂ થાય અને એ ઉપયોગ શરૂ થાય તો ગોળીઓ ઓછી થાય અને જો ગોળી ઓછી થાય તો અહીંથી નીકળવાનો રસ્તો નીકળે.

‘કાં શું થ્યું?’ અંધકાર વચ્ચે ફરીથી ભૂપતસિંહનો અવાજ ગુંજી ઊઠ્યો, ‘પરસેવો છૂટી ગ્યો કે પછી પાટલૂન ભીનું થઈ ગ્યું?’

ગડુભાનો ઉશ્કેરાટ હવે બહાર આવવાનો શરૂ થયો,

‘મોઢુ સંભાળીને ભૂપતસિંહ.’ ક્ષત્રિય લોહીનો ઉકળાટ જીભ પર આવી ગયો, ‘પાછા પગ કરવાનું કામ અઘરું પાડી દઈશ.’

‘તૈયારી છે, ઉપાડો હથિયાર.’ ભૂપત પણ અવાજ પરથી પારખી ગયો હતો કે તેના શબ્દો બરાબર નિશાન પર લાગી ગયા હતા, ‘ને કાં, ઉપાડો પગ. નક્કી તમારે કરવાનું છે. રહેવું છે કે લડવું છે?’

પહેલી વખત ગડુભા ઇચ્છતા હતા કે ભૂપત વધારે બોલે, લાંબું બોલે જેથી એ અવાજની દિશાને તે પારખી શકે અને પારખીને એ દિશા પર પોતાની બદૂંકનું નાળચું ફેરવી શકે. જોકે ગડુભાની આ ઇચ્છા પૂરી કરવા ભૂપત રાજી નહોતો. બહારવટિયા સાથે ગડુભાની ચાર-છ મૂઠભેડ થઈ હતી, પણ ભૂપત દર ત્રીજા દિવસે આવી પરિસ્થિતિમાં મુકાતો અને મહિનામાં બે વાર પોલીસના આમનેસામને આવી જતો. પોલીસની આવી ચાલબાજીથી તે વાકેફ હતો અને એટલે જ તે એવી કોઈ ચાલને સહકાર આપવા રાજી નહોતો.

થોડી ક્ષણો માટે વાતાવરણમાં સન્નટો પથરાઈ ગયો અને ઝાડીની પાછળ રહેલા ભૂપતે રાજવીની સામે ચૂપ રહેવાનો ઇશારો કરીને પોતાની જગ્યા બદલાવી.

ખાસ્સું એવું દબાયેલા પગલે ચાલીને ભૂપતે નવી ઝાડીની આડશ શોધી અને હવે ત્યાંથી તેણે ગડુભાને આહ્વાન કર્યું,

‘સાહેબ, લગન થઈ ગ્યાં હોય તો નીકળી જાઓ. ખોટેખોટી બૈરીએ વિધવાનાં કપડાં પહેરવાં પડશે અને પાછું કહેવાશે કે વર બાયલો હતો.’

‘ભૂપત...’

ગડુભા અકળાયા અને તેમણે હવામાં જ પહેલું ફાયરિંગ કરી દીધું,

ધાંય...

આ ધડાકો નિશાનીરૂપ હતો કે હુમલો કરી દેવાનો છે.

ગડુભાના ગોળીબાર સાથે જ પાછળ રહેલી બાકીની બે જીપમાં ગોઠવાયેલા પોલીસ-કર્મચારીઓએ પણ ઝાડીમાં ગોળીબાર શરૂ કરી દીધો.

એકસાથે ત્રીસ-ચાલીસ ગોળીઓ ઝાડીમાં ઘૂસી ગઈ પણ ભૂપત સલામત રહ્યો. ખોટી ઝાડી પર ગોળીબાર કરનારી ગડુભા આણિ મંડળી હવે રઘવાઈ બની હતી. જોકે આ રઘવાટ વચ્ચે પણ ગડુભાએ ભૂપતને ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું,

‘ભૂપત, હજી રસ્તો છે. પાછો વળી જા. માન હારે લઈ જઈશું તને.’

‘માનની માસીનો ટાંટિયો.’

ધાંય...

ભૂપતની ગોળી ગડુભાના કાન પાસેથી પસાર થઈ ગઈ અને ગડુભા સમસમી ગયા.

ભૂપતને ઝાડી પાછળથી આ દૃશ્ય પણ દેખાતું હતું અને એટલે જ તેને વિકૃત આનંદ પણ મળતો હતો. ભૂપતે પહેલી વખત પોતાની અવસ્થાની નોંધ લીધી. તે અને પોલીસ બન્ન સમાન સ્તર પર હતા અને યુદ્ધનો નિયમ છે કે જે પક્ષ ઊંચાઈ પર હોય એ આસાનીથી જીતને વરી શકે.

ભૂપતે આજુબાજુમાં નજર કરી. ક્યાંય કોઈ ઝાડ દેખાઈ જાય તો એ ઝાડ પર ચડી જવામાં સાર હતો.

ભૂપત જે જગ્યાએ હતો એ જગ્યાથી ૫૦૦ ફુટ દૂરી પર એક ઝાડ હતું. ભૂપત સરકતો રાજવી પાસે આવ્યો અને રાજવીના કાન પાસે પોતાનું મોઢું મૂકયું,

‘બેટા, ઝાડ પાસે પહોંચી જા. અવાજ વિના. ન્યાં જ આવું છું.’

રાજવીએ બેઠેલી અવસ્થામાં જ સરકવાનું શરૂ કર્યું.

(વધુ આવતા શનિવારે)

€€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK