મુંબઈ યુનિવર્સિટી ભગવાન ભરોસે છે

ભારતીય શિક્ષણપ્રણાલી પર બ્રિટિશરોનો બહુ મોટો પ્રભાવ છે. એનું સૌથી મહત્વનું કારણ કોઈ હોય તો એ છે કે બ્રિટિશરો નહોતા ત્યાં સુધી સ્કૂલ કે કૉલેજ જેવો કોઈ કન્સેપ્ટ જ આપણે ત્યાં નહોતો.

university2

રુચિતા શાહ

બેશક, સદીઓ પહેલાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિશાળ ક્ષમતા ધરાવતાં ગુરુકુળ પૅટર્નનાં વિશ્વવિદ્યાલયો ભારતમાં હતાં, પરંતુ એના વિધ્વંસ પછી શિક્ષાના ક્ષેત્રે ભારતમાં દુકાળ પડ્યો. મોગલ કાળથી બ્રિટિશ કાળ સુધી શિક્ષણ હતું, પરંતુ એ લેવાની રીત જુદી હતી. ધર્મ એમાં મૂળભૂત વિષય હતો. અમુક જ્ઞાન પરંપરાથી આવતું તો વધુ પદ્ધતિસર શિક્ષણ મેળવવા અને વિવિધ કળામાં પારંગત થવા માટે ગુરુશિષ્ય પરંપરા હતી,  ગુરુકુળની વ્યવસ્થા હતી. એમાંય મોટે ભાગે રાજાનાં અને પૈસાદાર શેઠનાં સંતાનો જ જતાં. નીચલી જાતવાળાને અભ્યાસ કે શિક્ષણનો અધિકાર નહોતો. આ પરંપરા સમક્ષ બ્રિટિશરોએ બીજી શિક્ષણપ્રણાલી આપી. તેમણે ગામડે-ગામડે સ્કૂલ બનાવવાનું શરૂ કર્યું. ભારતમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવું કે ભારતીય ભાષાઓમાં એ વિશે પણ બ્રિટિશ અધિકારીઓમાં બહુ ડિબેટો ચાલી હતી. બીજું, ક્રિન મિશનરીઓ માટે લોકોનું ધર્મપરિવર્તન કરાવવા માટે પણ લોકો અંગ્રેજી ભાષા સાથે પરિચિત હોય એ બહુ જરૂરી હતું. આ સ્વાર્થ માટે ક્રિન મિશનરીઓ ભારતમાં કાર્યભાર સંભાળતી બ્રિટિશ સલ્તનત પર ભારે દબાણ કરીને શિક્ષણનો વ્યાપ વધારવામાં નિમિત્ત બન્યા. બીજું, બ્રિટિશ સરકારને પણ તેમના કામકાજમાં મદદ કરી શકે એવા મેનપાવરની જરૂર હતી. ૧૮૨૦માં પહેલી અંગ્રેજી મિશનરી સ્કૂલની શરૂઆત થઈ એ પછી એને આગળ જતાં આપણા જ દેશના કેટલાક શ્રેષ્ઠીઓએ વધાવી લીધું અને સખાવતોની હારમાળા સાથે સ્કૂલોની પણ હારમાળા સરજાઈ. જેમ પ્રાઇમરી એજ્યુકેશન દ્વારા સ્કૂલનાં સંસ્થાનો પરિણમ્યાં એ જ રીતે હાયર એજ્યુકેશન માટે કૉલેજની સ્થાપના થઈ. ઉચ્ચ શિક્ષણ માટે મોટે ભાગે લોકો વિદેશ જ જતા. ૧૫૪૨માં દેશની પહેલી સેન્ટ પૉલ્સ કૉલેજ પોટુર્ગીઝોએ ગોવામાં શરૂ કરી હતી. જોકે એ પછી મદ્રાસના કોટ્ટાયમમાં બ્રિટિશરો દ્વારા ૧૮૧૭માં કૉલેજ શરૂ થઈ. પહેલી યુનિવર્સિટી કલકત્તામાં બ્રિટિશરોએ શરૂ કરી. એ જ ગાળામાં યુનિવર્સિટી ઑફ મદ્રાસ અને યુનિવર્સિટી ઑફ મુંબઈનું ખાતમુરત પણ થઈ ગયું હતું. એ દૃષ્ટિએ બ્રિટિશ સમયગાળા દરમ્યાન શરૂ થયેલી સૌથી પહેલી ત્રણ યુનિવર્સિટીમાં મુંબઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે અને ટોચના કહી શકાય એવા લોકોએ મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે; જેમાં લોકમાન્ય ટિળક, બાબાસાહેબ આંબેડકર, મોહમ્મદ અલી ઝીણા, દાદાભાઈ નવરોજી, હોમી ભાભા જેવા અનેકનો સમાવેશ  છે. વર્તમાન સમયની પણ ઘણી મોટી-મોટી હસ્તીઓ મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકી છે. ૧૬૦ વર્ષનો અદ્ભુત વારસો ધરાવતી મુંબઈ યુનિવર્સિટી અત્યારે એના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે એમ કહીએ તો ચાલે. કયા સંજોગોએ મુંબઈ યુનિવર્સિટીના જાજરમાન અસ્તિત્વને ઠેસ પહોંચડાવાનું કામ કર્યું છે એના પર આગળ વાત કરીએ.

સ્ટ્રેન્ગ્થ અને વિસ્તાર કેવાં


૧૮૫૭માં બૉમ્બે અસોસિએશન દ્વારા બ્રિટિશ કલોનિયલ સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યા પછી યુનિવર્સિટી ઑફ લંડનની પ્રતિકૃતિ સમાન યુનિવર્સિટી મુંબઈમાં સ્થાપવામાં આવી. અત્યારે ફોર્ટ વિસ્તારમાં જ્યાં મુંબઈ યુનિવર્સિટીની મુખ્ય ઇમારત, કૉન્વોકેશન હૉલ અને રાજાબાઈ ટાવર છે એ જગ્યાને બદલે પહેલાં આ વિશ્વવિદ્યાલય અત્યારે જ્યાં મુંબઈ હાઈ કોર્ટ છે ત્યાં બનાવવાની શરૂઆત થઈ હતી. જોકે આગળ જતાં વધુ મોટી જગ્યાની આવશ્યકતા હોવાને કારણે પાયો નખાવવો શરૂ થઈ ગયો હોવા છતાં ત્યાંથી બાજુના મોટા પ્લૉટ પર મુંબઈ યુનિવર્સિટીનું બાંધકામ શરૂ થઈ ગયું હતું, જે ૧૮૬૯થી ૧૮૮૦ વચ્ચે તબક્કાવાર પૂરું થયું. એ પહેલાં મુંબઈમાં કેટલીક કૉલેજો શરૂ થઈ ગઈ હતી. એલ્ફિન્સ્ટન કૉલેજ એમાંની એક. એમાં મુંબઈ યુનિવર્સિટીનો પહેલવહેલો વિભાગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ શરૂ થયો હતો. ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં યુનિવર્સિટીનો મેડિકલ ડિપાર્ટમેન્ટ હતો.

મુંબઈ યુનિવર્સિટીના મૅનેજમેન્ટની અવ્યવસ્થા વિશે વાત કરતાં પહેલાં આ વિશ્વવિદ્યાલય કેટલા વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વપૂર્ણ છે એની ચર્ચા કરવી જરૂરી છે. ફોર્ટમાં ભાઉરાવ પાટીલ રોડ પર હાઈ કોર્ટની તદ્દન બાજુમાં આવેલી મુંબઈ યુનિવર્સિટીમાં અત્યારે પણ મૅનેજમેન્ટ, આર્ટ્સ, સોશ્યલ સાયન્સ, કૉમર્સ, લૉ, એન્જિનિયરિંગ, સ્પોર્ટ્સ જેવી કૅટેગરીમાં લગભગ દોઢસો જેટલા વિવિધ વિભાગો છે. જુનિયર કૉલેજ, ડિગ્રી કૉલેજ, પોસ્ટગ્રૅજ્યુએટ કોર્સ, ડિપ્લોમા કોર્સ અને ડૉક્ટરેટ કરી શકાય એ તમામ વ્યવસ્થાઓ આ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. ફોર્ટમાં લૉ કૉલેજ અને ઍડ્મિનિસ્ટ્રેશન ઑફિસો છે તો સાંતાક્રુઝના લગભગ અઢીસો એકરમાં લાઇબ્રેરી અને વિવિધ કોર્સના અભ્યાસક્રમ ચાલે છે. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીના ચાર સબકૅમ્પસ છે થાણે, કલ્યાણ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં. મુંબઈ તથા મહારાષ્ટ્રની ૭૫૫ કૉલેજ અને ૧૦૫ રિસર્ચ સેન્ટર યુનિવર્સિટી સાથે જોડાયેલાં છે. વર્ષે લગભગ પોણાઆઠ લાખ વિદ્યાર્થીઓ મુંબઈ યુનિવર્સિટી અને એની સાથે જોડાયેલી કૉલેજમાં અભ્યાસ કરતા હોય છે. લગભગ ૮૦ હજારની આસપાસના વિદ્યાર્થીઓ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા યુનિવર્સિટીના વિવિધ કોર્સ સાથે જોડાયેલા છે.

પરિસ્થિતિ બદલાઈ

૧૯૯૬માં યુનિવર્સિટી ઑફ બૉમ્બેમાંથી એનું નામ બદલીને મુંબઈ યુનિવર્સિટી કરી દેવામાં આવ્યું. જોકે એ પછી ધીમે-ધીમે ત્યાંના રેઢિયાળપણાએ વિદ્યાર્થીઓને ત્રસ્ત કરવાનું શરૂ કર્યું. છેલ્લા છ મહિનાથી તો આ રેઢિયાળપણાએ પણ હદ વટાવી દીધી. તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સંજય દેશમુખને બરતરફ કરવામાં આવ્યા. આ પણ મુંબઈ યુનિવર્સિટીના ૧૬૦ વર્ષના ઇતિહાસમાં બનેલી પહેલી ઘટના છે, જેમાં બે જ વર્ષના કાર્યકાળમાં એના ચાન્સેલરને બરતરફ કરવા પડે. કારણ હતું મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામમાં કરવા આવેલો વિલંબ. મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઍક્ટના નિયમ મુજબ પરીક્ષા થયા પછી વધુમાં વધુ ૪૫ દિવસની અંદર રિઝલ્ટ જાહેર કરવું પડે. જોકે આ વર્ષથી વાઇસ ચાન્સેલરે ઑનલાઇન પેપરચેકિંગ સિસ્ટમ શરૂ કરી. એકસાથે બધા જ વિભાગો આ નવી સિસ્ટમને અખત્યાર કરવામાં સફળ ન રહ્યા. જે કંપનીઓને આ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો એ પણ પૂરતા પ્રમાણમાં સજ્જ નહોતી લાખો વિદ્યાર્થીઓના પેપરને એકસાથે ચેક કરાવવા માટેની વ્યવસ્થાઓ કરવા માટે. આ બધા જ અવ્યવહારુ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે વિદ્યાર્થીઓનું પરિણામ વિલંબાઈ ગયું. લગભગ નવ હજારથી વધુ વિદ્યાર્થીઓની ઉત્તરપત્રિકાઓ ખોવાઈ ગઈ. રીચેકિંગમાં આપવામાં આવેલાં પેપરોના પરિણામ માટે વિદ્યાર્થીઓએ વલખાં મારવા પડ્યાં. જે પરિણામ ૪૫ દિવસે આપવાનું હોય એ સાડાત્રણ મહિના સુધી ન મળ્યું અને ઊહાપોહ સર્જાયો. પરિણામ સમયસર નહીં આપવાનું પરિણામ એ આવ્યું કે વાઇસ ચાન્સેલરે પોતાના પદ પરથી હાથ ધોવા પડ્યા. સાથે જ મુંબઈ યુનિવર્સિટીમાં ચાલતી બીજી પણ ઘણી અવ્યવસ્થાઓ તરફ લોકોનું ધ્યાન દોરાયું. 

university1

અવ્યવસ્થાની ચરમસીમા

છેલ્લા કેટલાક અરસામાં મુંબઈ યુનિવર્સિટીમાં જે પણ અંધાધૂંધી શરૂ થઈ છે એણે વિદ્યાર્થીઓને સૌથી મોટી અસર પહોંચાડી છે. આ વિશે રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કૉન્ગ્રેસ, મુંબઈ પ્રદેશનો અધ્યક્ષ તથા ઍડ્વોકેટ અમોલ માતેલે કહે છે, ‘વિદ્યાર્થીઓનાં પરિણામ વિલંબમાં મુકાવાથી ઘણા વિદ્યાર્થીઓને મળેલી નોકરીઓ છૂટી ગઈ, ફૉરેન ભણવા જવા માગતા વિદ્યાર્થીઓનાં ઍડ્મિશન અટકી પડ્યાં. આ આજનું નથી. અહીં વર્ષોની પરંપરા રહી છે જેમાં ક્યારેય સમયસર એક્ઝામ ન થાય, ક્યારેય સમય પર રિઝલ્ટ ન આવે કે કોઈ જરૂરી જાણકારી જોઈતી હોય તો એ કહેનારું કોઈ ન મળે. તમે વિચાર કરો કે લગભગ બાવીસ લાખ ઉત્તરપત્રિકા એકસાથે ચેક કરીને પરિણામ જાહેર કરવાનું હોય અને પહેલી વાર જ એ થવાનું હોય તો સ્વાભાવિક રીતે તકલીફ તો થવાની જ હતી. સામાન્ય માણસને સમજાય એ વાત આપણા વાઇસ ચાન્સેલરને ન સમજાઈ અને લાખો વિદ્યાર્થીઓએ પોતાનો સમય બગાડવાની નોબત આવી. અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવતાં લગભગ બે વર્ષનો સમય નીકળી જશે જો હવે પછી બધું બરાબર ચાલ્યું તો. ગ્લોબલ લેવલ પર મુંબઈ યુનિવર્સિટીનું રૅન્કિંગ ઘટ્યું છે. તાજેતરમાં નૅશનલ ઇન્સ્ટિટ્યુશનલ રૅન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં મુંબઈ યુનિવર્સિટી ૧૭૦મા સ્થાને છે. એટલે દેશમાં એ કેટલી પાછળ છે એ આંકડા પરથી તમે સમજી શકો છો. હજી પણ ઘણા એવા વિભાગો છે જેમાં ઍડ્મિશનનાં ઠેકાણાં નથી. લગભગ જુલાઈ-ઑગસ્ટમાં નવાં ઍડ્મિશનની પ્રોસેસ પૂરી થયા પછી લેક્ચર્સ ચાલુ થઈ જાય છે, પરંતુ મોટે ભાગે નવેમ્બર-ડિસેમ્બર સુધી આ કામકાજ ચાલુ જ રહે છે અને લૉસ કોનો થાય છે તો વિદ્યાર્થીઓનો. આ વર્ષે યુનિવર્સિટી મૅનેજમેન્ટે જાતે જ પોતાની અવ્યવસ્થાના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે.’

ગયા મહિને મહારાષ્ટ્રના રાજ્યપાલ, જે મહારાષ્ટ્રની યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ નિયુક્ત થયેલા હોય છે તેમણે નવા વાઇસ ચાન્સેલરની શોધ માટે એક કમિટી રચી છે, જેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ પ્રમુખ તરીકે નિમાયા છે. અત્યારે તો ટેમ્પરરી વાઇસ ચાન્સેલર અને પ્રો-વાઇસ ચાન્સેલરે યુનિવર્સિટીનો કાર્યભાર સંભાળેલો છે. અહીં જ મુંબઈ યુનિવર્સિટીની સૌથી વિચિત્ર વાત સામે આવે છે, જે વિશે મુંબઈ યુનિવર્સિટી ઍન્ડ કૉલેજ ટીચર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ વૈભવ નરવડે કહે છે, ‘મોટા ભાગની એજ્યુકેશન સિસ્ટમમાં મૂળ કેન્દ્રબિંદુ વિદ્યાર્થી જ હોય. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં સારું થાય કે ખરાબ, એની સૌથી ઊંડી અસર તો વિદ્યાર્થી પર જ પડતી હોય છે. આજે પરિસ્થિતિ એ જ છે કે નિર્ણય કોઈનો પણ હોય, અવ્યવસ્થા કોઈ પણ હોય; પણ એનો ભોગ તો વિદ્યાર્થી જ બન્યો છે. ઑનલાઇન અસેસમેન્ટની પદ્ધતિથી જે કેઑસ ઊભો થયો એનો ભોગ વિદ્યાર્થી જ બન્યો છે. આજે મુંબઈ યુનિવર્સિટીના કાર્યભાર માટે એક સેનેટ બનાવવામાં આવી છે. ૯૦ ટકા સીટ એમાં ખાલી છે. જે સ્ટાફ હાયર કરવામાં આવે છે એ બધો જ ટેમ્પરરી સ્ટાફ છે. એમાંય અત્યારે તો વાઇસ ચાન્સેલરથી લઈને રજિસ્ટ્રાર અને એ સિવાયની નાની-નાની પોસ્ટ પણ ખાલી છે. જૂના ચાન્સેલરે ઘણી વાર એમ્પ્લૉયમેન્ટ માટે જાહેરખબરો આપીને લોકોને બોલાવ્યા, પણ તેમને કોઈ જ ડિઝર્વિંગ કૅન્ડિડેટ ન મળ્યો. આખા મહારાષ્ટ્રમાં કોઈ એવું નથી જે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે લાયક હોય! બધી જ પોઝિશન પર કામચલાઉ ધોરણે અત્યારે લોકોની નિયુક્તિ છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ નક્કર પગલાં લેતાં સો વાર વિચાર કરવાની. ખરેખર અત્યારે તો યુનિવર્સિટીને ભગવાન જ ચલાવી રહ્યો છે, કારણ કે ઑથોરાઇઝ્ડ વ્યક્તિ તો એકેય છે જ નહીં. ઑનલાઇન અસેસમેન્ટ જાહેર કર્યું, પણ એ પહેલાં શિક્ષકોને ટ્રેઇનિંગ આપવાની કોઈ તૈયારી તેમણે ન દેખાડી. શિક્ષકો કોઈ પ્રોસેસને સમજીને એને લગતી શંકાઓ વ્યક્ત કરે એનો તો કોઈ અવકાશ જ નહોતો. છેલ્લે-છેલ્લે તો જ્યારે પેપરચેકિંગ શરૂ કર્યું તો એમાં પણ ક્યારેક પાસવર્ડ ખોટા આવ્યા તો ક્યારેક સર્વરનો પ્રૉબ્લેમ હતો. પેપર ખોવાયાં અને અસેસમેન્ટમાં જે ગોટાળા થયા એમાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ ફેલ થયા અને જે નબળા હતા તે સારા માર્કે પાસ થયા. કેટલાક વિદ્યાર્થીઓના રીવૅલ્યુએશનના પેપરનું પરિણામ એક વર્ષ પછી પણ નથી આવ્યું. પેપરચેકિંગમાં પણ શિક્ષકોએ રજા કે સમય જોયા વિના દિવસ-રાત મહેનત કરી છે, પરંતુ હજી સુધી એનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. બહારની યુનિવર્સિટીના શિક્ષકોની પણ પેપરચેકિંગમાં મદદ લેવામાં આવી હતી, પણ તેમનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે; યુનિવર્સિટીના પોતાના શિક્ષકોનું નહીં.’

એક અવ્યવસ્થામાંથી બીજી અનેક અવ્યવસ્થાઓની સાઇકલ શરૂ થતી હોય છે. અત્યારે મુંબઈ યુનિવર્સિટીની એ જ હાલત છે અને એટલે જ તેને એમાંથી બહાર નીકળવામાં થોડો સમય લાગશે. આ વિશે મહારાષ્ટ્ર નર્વનિર્માણ સેનાના વિદ્યાર્થી સંઘના મહારાષ્ટ્રનો વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ગાંગુર્લે કહે છે, ‘આજે વિદ્યાર્થીઓની સમસ્યા તો છે જ, પરંતુ એ સિવાય યુનિવર્સિટીની પોતાની પણ ઘણી બેદરકારીઓ છે જેનાં પરિણામો અત્યારે નહીં પણ લાંબા ગાળે દેખાશે. જેમ કે યુનિવર્સિટીના કાલિના કૅમ્પસની ૨૩૦ એકર જમીન પર ધીમે-ધીમે એન્ક્રોચમેન્ટ શરૂ થયું છે. અત્યારે મુંબઈ યુનિવર્સિટી વાડ વગરના ખેતર જેવી બની ગઈ છે. મારી દૃષ્ટિએ યુનિવર્સિટીમાં કોઈ પણ ફેરફાર લાવવો હશે તો સૌથી પહેલાં તો દરેક પોસ્ટ, જેમાં અત્યારે વેકેન્સી છે એ ભરાવી જોઈએ. દરેક ટૉપ પોઝિશનનું રિક્રૂટમેન્ટ અત્યારે મુંબઈ યુનિવર્સિટીની પહેલી જરૂરિયાત છે. બીજું, મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઍક્ટમાં અત્યારે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે એ સંદર્ભમાં ટીચિંગ સ્ટાફ અને નૉન-ટીચિંગ સ્ટાફને પૂરતી ટ્રેઇનિંગ અપાય. સાથે જ શિક્ષકોને પણ નિયમિત ધોરણે નવા નિયમો અને નવી એજ્યુકેશનલ માહિતીઓ વિશે ટ્રેઇનિંગ અપાય એ જરૂરી છે.’

ટૂંકમાં મુંબઈ યુનિવર્સિટીને અત્યારે કોઈ સિંઘમ જેવા વાઇસ ચાન્સેલરની જરૂર છે જે ઉપરથી લઈને નીચે સુધીના બદલાવને પૂર્ણ સક્રિયતા સાથે લાવવા માટે મહેનત કરવા તૈયાર હોય. સરકારનું દબાણ કે આંતરિક લાપરવાહીને પોષનારી એક પણ વ્યક્તિ મુંબઈ યુનિવર્સિટીની ડૂબતી નૈયાને પાર લગાવી શકે એમ નથી.

university

આર્કિટેક્ચરલ ખાસિયત

યુનિવર્સિટી ઑફ લંડનની પ્રતિકૃતિ સમાન મુંબઈ યુનિવર્સિટીને બનાવવાનું શ્રેય બ્રિટિશ આર્કિટેક્ટ સર ગિલ્બર્ટ સ્કોટને જાય છે. પંદરમી સદીમાં પ્રચલિત ગોથિક સ્ટાઇલનું આ યુનિવર્સિટીનું સ્થાપત્ય સર્જવામાં સરકાર કરતાં દાનવીરોનો મોટો હાથ છે. યુનિવર્સિટી અને કૉન્વોકેશન હૉલના બાંધકામ માટે સર કાવસજી જહાંગીર નામના પારસી શ્રેષ્ઠીએ વિશાળ માત્રામાં દાન આપ્યું હતું. ફોર્ટમાં મુંબઈ યુનિવર્સિટીના કૅમ્પસમાં બીજું આકર્ષણ છે રાજાબાઈ ટાવરનું. એ સમયના કાપડના મોટા વેપારી પ્રેમચંદ રાયચંદે આપેલી દાનની રકમમાંથી લંડનના પ્રચલિત ક્લૉક ટાવર બિગ બેનની પ્રતિકૃતિ સમાન રાજાબાઈ ટાવર ૧૮૮૦માં તૈયાર થયું હતું. લગભગ ૨૬૦ ફુટ એટલે કે ૨૬ માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા આ ટાવરને શેઠ પ્રેમચંદ રાયચંદની માતાનું નામ આપવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર કોતરણીયુક્ત આ ટાવરની ખાસિયત એ છે કે બ્રિટિશ આર્કિટેક્ટની પરિકલ્પના હોવા છતાં ભારતની વિવિધતામાં એકતા એમાં સ્પષ્ટ દેખાય છે. બ્રિટિશરો સાથે ભારતના વિવિધ જાતના પરિવેશનું પ્રતિનિધિત્વ કરતાં પૂતળાંઓ અને શ્રેષ્ઠીઓનાં પૂતળાં એમાં મૂકવામાં આવ્યાં છે. આ ટાવર બનાવવા પાછળ એક ખાસ કથા પ્રચલિત છે. શેઠ પ્રેમચંદ રાયચંદનાં માતા પ્રજ્ઞાચક્ષુ હતાં અને સાંજના સમયે ચોવિહારનો સમય જોવામાં ઘણી વાર થાપ ખાઈ જતાં, જેથી તેમના પુત્ર પ્રેમચંદે બ્રિટિશ સરકાર સમક્ષ શરત મૂકી કે આ સૌથી ટાવરને જો મારી માતાનું નામ આપવામાં આવે તો હું એનો ખર્ચો ઉપાડી લઉં. બ્રિટિશકાળમાં આ રાજાબાઈ ટાવરમાં દિવસમાં ચાર વખત વિવિધ જિંગલ્સવાળો ઘંટારવ થતો, જેના પરથી સમયનો અંદાજો લગાડી શકાય. ૧૮૬૯ની પહેલી માર્ચે રાજાબાઈ ટાવરનો પાયો નખાયો અને ૧૮૭૮માં એ બનીને તૈયાર હતો. આખા ટાવરને બનાવવામાં એ સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ થયો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK