પાંચ મહિનાની મનોવેદનાનો માત્ર પંદર દિવસમાં અંત

ધ્યાનચૂક તો નુકસાન અચૂકના ભૌતિકવાદના નવા જમાનામાં સમજી-વિચારીને અનૈતિક કાર્ય કરનાર બાબુઓને RTIએ ચૂક સુધારવા મજબૂર કર્યા

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

સાયન (ઈસ્ટ)માં રહેતા દિનેશ ગોસરને સમજી-વિચારીને અનૈતિક નુકસાન કરનાર સરકારી વીમા-કંપનીના બાબુઓની લુચ્ચાઈ સામે RTI કાયદાની મદદથી થયેલી લડતની આ કથની છે. શ્રી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજની સંજીવની મેડિક્લેમ ઇન્શ્યૉરન્સ ગ્રુપ પૉલિસીઓ તેઓ ધરાવતા હતા. બે લાખની એક પૉલિસી તેમના પપ્પા તથા મમ્મીની હતી તથા બીજી ૩ લાખની પૉલિસી તેમના, તેમની પત્ની, પુત્ર તથા પુત્રીના નામે હતી.

૨૦૧૬ની ૨૬ જુલાઈએ રિન્યુઅલ તારીખ વખતે વધતા મેડિકલ ખર્ચને અનુલક્ષી માતા-પિતાની પૉલિસીની રકમ બે લાખથી ચાર લાખ રૂપિયા કરી તથા પોતાની પૉલિસીની રકમ ત્રણ લાખથી પાંચ લાખ કરી અને એ મુજબ પ્રીમિયમની રકમના ચેક્સ સેવા સમાજના કાર્યાલયમાં જમા કરાવ્યા.

બેએક મહિના રહીને મેડિક્લેમ પૉલિસીઓ આવી, જે તપાસતાં દિનેશભાઈને આંચકો લાગ્યો.

માતા-પિતાની પૉલિસીની રકમ બે લાખ અને તેમની પૉલિસીની રકમ પણ ત્રણ લાખ રૂપિયા જ હતી. તેઓ બન્ને પૉલિસીની રસીદો તથા ઓરિજિનલ પૉલિસીઓ લઈ સેવા સમાજના કાર્યાલયમાં ગયા અને ફરિયાદ નોંધાવી. સાત-આઠ દિવસ રહી ફરી ગયા તો જવાબ મળ્યો કે વીમા-કંપની તરફથી જવાબ આવ્યો નથી. આઠ-દસ ધક્કા ખાધા, પરંતુ વસ્તુસ્થિતિ ઠેરની ઠેર રહી. છેલ્લે જવાબ મળ્યો કે તમે વીમા-કંપનીમાં જઈ ફરિયાદ નોંધાવો, અમારે ત્યાંથી આપની મોકલાવેલી માહિતીમાં કોઈ ભૂલ નથી.

દિનેશભાઈ વીમા-કંપનીના કાર્યાલયમાં ગયા તથા ત્યાં ફરિયાદ નોંધાવી. પંદર દિવસે તપાસ કરશો એવો જવાબ બાબુઓએ આપ્યો. પંદર દિવસ બાદ પાછા ગયા તો બાબુઓએ ખો આપતાં જણાવ્યું કે પૉલિસીને લગતા રેકૉર્ડ અમારા ઉપરી કાર્યાલયમાં હોવાથી ત્યાંથી મગાવ્યા છે, જે હજી આવ્યા નથી આથી કોઈ કાર્યવાહી થઈ નથી. પંદરેક દિવસના અંતરે દિનેશભાઈ વીમા-કંપનીના કાર્યાલયમાં જતા, પરંતુ દર વખતે બાબુઓ નિતનવાં બહાનાં બતાવતા રહ્યા. વીમા-કંપનીના દસ-પંદર ધક્કા ખાઈ કંટાળેલા દિનેશભાઈ શું કરવું એની અસમંજસમાં હતા.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ પણ રસપૂર્વક વાંચતા, આથી RTIની તાકાત તેમ જ તરુણ મિત્ર મંડળના જન અધિકાર અભિયાન અને RTIની ચળવળથી સુમાહિતગાર હતા. ગડમથલના અંતે RTI કેન્દ્રની સહાય લેવાનું મનોમન નક્કી કર્યું.

એ સમય દરમ્યાન RTI

કેન્દ્ર-ચિંચપોકલીના માર્ગદર્શન અને મદદથી વાચકની વિટંબણાના આવેલા સુખદ અંતની કથા પ્રસિદ્ધ થઈ હતી. લેખાંકમાં પ્રસિદ્ધ થયેલા સેવાભાવીના મોબાઇલ-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી રવિવારે કેન્દ્ર પર પહોંચ્યા. કેન્દ્ર પર સંનિષ્ઠ સેવાભાવી મનોજભાઈ તથા શૈલેશભાઈનો ભેટો થયો. સેવાભાવીઓએ દિનેશભાઈની મનોવેદનાની વાત શાંતિથી સાંભળી. વીમા-કંપનીએ આપેલી રસીદો તથા વીમા-પૉલિસીઓ ચકાસી. દિનેશભાઈનો હક પ્રસ્થાપિત કરવા બે વિકલ્પો

ઉપલબ્ધ હતા...

૧. લોકપાલ યંત્રણાનો ઉપયોગ અને

૨. RTI કાયદાનો ઉપયોગ

લોકપાલ યંત્રણા પર વિચારણા કરતાં જણાયું કે મુંબઈના લોકપાલ નિવૃત્ત થયા છે તથા તેમની જગ્યાએ નવા લોકપાલની નિમણૂક થઈ નથી; પુણેના લોકપાલને મુંબઈના લોકપાલની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, આથી વિટંબણાનો નીવેડો આવતાં સહેજે છએક મહિના લાગી જાય. જો RTIનો ઉપયોગ કરવામાં આવે તો એકથી ત્રણ મહિનામાં ઉકેલ આવી જાય. આથી RTI કાયદાનો ઉપયોગ કરવાનું નિશ્ચિત થયું.

RTI કાયદાના ઉપયોગ પહેલાં સામાન્યપણે સાદી અરજી દ્વારા ભૂમિકા બાંધવામાં આવે છે. સાંપ્રત કેસમાં દિનેશભાઈએ કોઈ લેખિત ફરિયાદ ન કરી હોવાથી મનોજભાઈ તથા શૈલેશભાઈએ વીમા-કંપનીને ઉદ્દેશીને બે ફરિયાદપત્રો બનાવી આપ્યા, જે મેડિક્લેમ પૉલિસી આપનાર વીમા-કંપનીની ચેમ્બુર શાખામાં આપવામાં આવ્યા.

અપેક્ષા મુજબ વીમા-કંપનીના બાબુઓએ ફરિયાદપત્ર પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો એનો પ્રત્યુત્તર આપ્યો. સેવાભાવીઓએ પત્ર વીમા-કંપનીને આપ્યાની તારીખથી એક મહિના બાદ ફરીથી કેન્દ્ર પર આવવા જણાવ્યું. એ મુજબ દિનેશભાઈ અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૭ની ૧૩ ફેબ્રુઆરીએ કેન્દ્ર પર પહોંચ્યા.

બન્ને સેવાભાવીઓએ બે RTI અરજીઓ બનાવી આપી, કારણ કે ફરિયાદ બે મેડિક્લેમ પૉલિસીઓ સંબંધિત હતી. એક દિનેશ ગોસરના નામે તથા બીજી ખીમજી ગોસરના નામે હતી.

RTI  અરજીઓમાં બે મુખ્યત્વે મુદ્દાઓ પર માહિતી માગવામાં આવી...

૧.    પ્રીમિયમ ગણતરીની વિગતવાર માહિતી માગવામાં આવી.

૨. ખીમજી ટોકરશી ગોસરના નામની પૉલિસી પર ચાર લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરાયું હોવા છતાં બે લાખ રૂપિયાની પૉલિસી આપવા માટે નોંધાયેલાં કારણો તથા અન્ય નોટિંગ્સ / રિમાર્ક્સની માહિતી.

૩. દિનેશ ગોસરના નામની પૉલિસી પર પાંચ લાખનું પ્રીમિયમ ભરાયું હોવા છતાં ત્રણ લાખ રૂપિયાની પૉલિસી આપવા માટે નોંધાયેલાં કારણો તથા અન્ય રિમાર્ક્સ / નોટિંગ્સની માહિતી.

પાંચ મહિનાથી નિતનવાં બહાનાં બતાડી દિનેશભાઈને ધરમના ધક્કા ખવડાવનાર બાબુઓએ RTI અરજી મળ્યાના પંદર દિવસમાં સુધારેલી પૉલિસીઓ મોકલાવી દીધી અને ત્યાર બાદ RTIની અરજીના જવાબમાં સફાઈ પેશ કરી કે : (૧) ખીમજી ટોકરશી ગોસરને શરૂઆતમાં મોકલેલી બે લાખની પૉલિસીના અવેજીમાં ચાર લાખની પૉલિસી મોકલી આપવામાં આવી છે.

(૨) દિનેશ ખીમજી ગોસરને શરૂઆતમાં મોકલેલી ત્રણ લાખ રૂપિયાની પૉલિસીની અવેજીમાં પાંચ લાખ રૂપિયાની પૉલિસી મોકલી આપવામાં આવી છે.

સેવાભાવીઓ મનોજ પારેખ તથા શૈલેશ ગાલાની કર્તવ્યનિષ્ઠાના કારણે દિનેશભાઈની પાંચ મહિનાથી ચાલતી મનોવેદનાનો માત્ર પંદર દિવસમાં સુખદ અંત આવ્યો અને RTIની તાકાત પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK