ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૯

‘કૉલ ફૉર યુ. મિસ્ટર આલ્બર્ટ ક્રિસ્ટોન ઇઝ ઑન ધ લાઇન.’


નવલકથા -  રશ્મિન શાહ

ક્રિસ્ટોને ફોન હાથમાં લીધો અને પહેલા જ વાક્ય પર તેના પગ તળેની જમીન સરકી ગઈ.

‘મિસ્ટર ક્રિસ્ટોન, જેનિફર ઍટ હોમ. આઇ ટોલ્ડ યુ કે ભૂપતસિંહ પહોંચાડી દેશે અને એવું જ થયું છે. ભૂપતસિંહે તેને પહોંચાડી દીધી.’

જૂનાગઢથી જેનિફરને લઈને રવાના થયેલા ભૂપતસિંહે જેનિફર સાથે વાત કરી હતી. ભૂપત એકલો જ જેનિફરને લઈને રવાના થયો એ વાત સાથે કાળુ સહમત નહોતો, પણ તે ભૂપતસિંહ સાથે વધારે દલીલ કરી નહોતો શક્યો. ભૂપતે જૂનાગઢથી રાજકોટ આવવા માટે જીપનો પણ ઉપયોગ કરવાનું ટાળ્યું હતું.

જેનિફરને લઈને તે લ્વ્ની બસમાં બેસી ગયો હતો. બસમાં બેસતાં પહેલાં તેણે જેનિફર સાથે આ બાબતમાં વાત પણ કરી હતી. એ વાતચીતમાં ધમકી પણ હતી અને એ વાતચીતમાં જેનિફર માટેનો અહોભાવ પણ હતો.

€ € €

‘જોવો બેન, મારું નામ ભૂપત છે. તમને એકેય રીતની ઈજા પહોંચાડવી નથી ને એવું તો મનમાંયે નથી. પણ હા, જો તમે મને હેરાન કરશો તો પછી હું હેરાન કરવામાં કોઈના બાપની સાડીબારી નહીં રાખું.’

‘વૉટ યુ વૉન્ટ?’

‘ગુજરાતી, પહેલાં તો ગુજરાતીમાં વાત કરો. શું છે, આ અંગ્રેજી તમારી ભેગી પાછી લેતાં જાવાની છે, આંય પણ એને રાખવાની નથી.’

‘તને, તને શું જોઈએ છે?’

‘કાંય નહીં, જે જોતું’તું એ તો કામ પતી ગ્યું એટલે હવે તમને છોડી દેવાના છે.’

‘અત્યારે, અત્યારે ક્યાં છીએ આપણે?’

‘જ્યાં હોય ત્યાં, પણ તમને ઘર સુધી મૂકી જાવાની જવાબદારી મારી છે. નાનો ભાઈ બનીને મૂકી જાઈશ છેક ઘર સુધી એટલે જરાય ગભરાવ નહીં. પણ હા, મને ગભરાટ કરાવતાંયે નહીં. હું ડાકુ છું એટલે ગલીકૂંચીના રસ્તેથી નીકળી જાઈશ, પણ જો મારા સાથીના હાથમાં તમે આવી ગયા તો એકેક ટુકડા ભેગા કરવા અઘરા થઈ જાશે.’

ભૂપતે જોયું કે જેનિફરને પરસેવો વળવા માંડ્યો હતો. ‘બીક લાગી?’

જેનિફરે હા પાડી એટલે ભૂપતે ચોખવટ પણ કરી લીધી.

‘બીવડાવવાનું જ કામ કરતો’તો ને શું છે, બીક લાગવી પણ જોઈ. બીવું જોઈ, જો બીક નો રાખી તો પછી કો’ક વખત મોટું જોખમ લેવાઈ જાય ને દુ:ખી થાવું પડે એના કરતાં આ સારું, બીક લાગે એટલે ચૂપ રહેવાનું.’

‘હંમ...’

‘ઘર સુધી મૂકવા આવું છું, તમને મોટાં બેન બનાવીને આવું છું. રસ્તામાં કેવો ખેલ કરવો એની તમને ખબર, પણ તમને ઈજા નો થાય એની જવાબદારી મારી છે.’

ભૂપતે હાથ જોડ્યા. ‘એકેક મહિલા મારી મા-બેન ને દીકરી છે. અજાણતાં પણ ઈજા થઈ ગઈ હોય તો તમારું જૂતું ને મારું માથું, ઊંહકારો પણ નહીં કરું. પણ મને કોઈ ચાલાકી નથી જોતી. ચાલાકી કરશો તો જાણી જોઈને ભૂલ કરીશ અને એ ભૂલ આપણને બધાયને હેરાન કરશે.’

‘હા.’

‘વચન આપો છોને?’

ભૂપતે હાથ લંબાવ્યો. જેનિફરે પહેલાં ભૂપતની સામે જોયું અને પછી તેના હાથ સામે જોઈને હાથ પર પોતાનો હાથ મૂકી દીધો.

‘પ્રૉમિસ.’

‘તો પછી આ જ અંગ્રેજીવાળું મારુંયે, જીવ જાશે તોયે પેલા ઘરે આવીને મૂકી જાઈશ.’

ભૂપત જીપમાંથી બહાર આવ્યો એટલે તેની પાછળ જેનિફર પણ બહાર આવી. જેનિફરનું માથું હજી પણ ભારે હતું. નાસિકામાં ઊતરી ગયેલી એમોનિયા ગૅસની વાસને લીધે તેને અંદરના ભાગમાં બળતરા પણ થતી હતી. એ બળતરા વચ્ચે તેણે ખુલ્લી હવામાં આવીને છાતીમાં શ્વાસ ભર્યો અને પછી આજુબાજુનું વાતાવરણ જોયું. પરોઢ થઈ ગયું હતું અને પાંખી એવી હાજરી હતી. તેણે જોયું કે ભૂપત આગળ ચાલતો કોઈની પાસે ઊભો રહી ગયો હતો અને ત્યાં વાત કરતો હતો. ભૂપત જેની સાથે વાત કરતો હતો તે કાળુ હતો. કાળુનું ધ્યાન ભૂપત સાથેની વાતોમાં હતું, પણ તેની નજર જેનિફર પર હતી. જેનિફરે જ્યારે એ તરફ જોયું ત્યારે તેણે પણ નોંધ્યું કે ભૂપતસિંહ જેની સાથે વાત કરતો હતો એ શખ્સ અત્યારે તેને જ ઘૂરી રહ્યો છે. જેનિફરે નજર ફેરવી લીધી. જોકે તેના કાનમાં ભૂપતના શબ્દો ગુંજવા લાગ્યા.

‘મારા સાથીના હાથમાં તમે આવી ગયા તો એકેક ટુકડા ભેગા કરવા અઘરા થઈ જાશે.’

ઠંડી વચ્ચે પણ જેનિફરના શરીર પર પ્રસ્વેદબિંદુ બાઝવાનાં શરૂ થઈ ગયાં. તેણે મુશ્કેલી સાથે એ દિશામાંથી નજર ફેરવી હતી. જોકે નજર ફેરવ્યા પછી પણ તેના દિમાગમાં તો ભૂપતના આ શબ્દો અકબંધ રહ્યા હતા. આજુબાજુમાં નક્કી બીજા સાથીઓ હશે એવું તેણે અનુમાન બાંધી લીધું હતું અને આ અનુમાન તે છેક રાજકોટ પહોંચી ત્યાં સુધી તેના માનસપટ પર રહ્યું હતું.

કાળુના રવાના થયા પછી ભૂપત એ જગ્યાએ સાવ એકલો હતો, પણ જેનિફરને એવું જ લાગતું રહ્યું કે અત્યારે તેના સાથીઓ પણ આજુબાજુમાં છે જ. નસીબ પણ ભૂપતને જ સાથ આપતું હતું. મોઢે બાંધેલા ફેંટા પછી પણ કેટલાક લોકો તેને ઓળખી જતા અને ઓળખી જનારા ભૂપતને દૂરથી જ લળીને સલામી આપી દેતા. જેનિફર આ જોતી એટલે તેના મનમાં રહેલી પેલી બીક જાગી જતી. જોકે એ બીકની સાથોસાથ સમય જતાં સન્માન પણ જન્મવાનું શરૂ થઈ ગયું હતું. સન્માન જન્મે પણ શું કામ નહીં, એક માણસે તેનું અપહરણ કયુંર્ હતું અને એ અપહરણ પછી હવે તે જ તેને પાછો મૂકવા માટે ઘર સુધી આવતો હતો અને સૌથી મહત્વની વાત એ હતી કે તેની સાથે એક પણ પ્રકારની આછકલાઈ પણ હજી સુધી કોઈએ કરી નહોતી. નારીને જો સૌથી વધુ સારી રીતે કોઈ વાત આકષીર્ જતી હોય તો એ છે તેના શારીરિક સન્માનને જોવાની રીતની. જેનિફરને પણ આ જ વાત લાગુ પડતી હતી. ઔરત દેશી હોય કે વિદેશી, શારીરિક છેડછાડ અને શારીરિક છૂટછાટ ક્યારેય પસંદ નથી કરતી હોતી અને આ એક જ વાત એવી છે કે તેને જો અવગણવામાં આવે કે તેને જો દૂર રાખવામાં આવે તો ઔરત જે-તે વ્યક્તિને માટે કોઈ પણ પગલું ભરતાં પણ ખચકાતી નથી.

અત્યારે જૂનાગઢમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાવો શરૂ થઈ ગયો હતો.

સાડાછ વાગ્યાની બસનો સમય થયો એટલે બસ-સ્ટૉપ પર બસ લાગી ગઈ અને બસ લાગી ગઈ એટલે ભૂપત બસમાં ચડી ગયો. બસમાં જઈને તેણે સૌથી પહેલાં તો જેનિફર માટે સારી કહેવાય એવી બેઠકની વ્યવસ્થા કરી અને પછી પાછા નીચે આવીને તેણે જેનિફરને બસમાં આવી જવા કહ્યું. બસમાં જેનિફર ગોઠવાઈ ગઈ એટલે ભૂપત તેની બાજુની બેઠકમાં એ રીતે બેઠો કે તેનાથી ઓછામાં ઓછું દસ ઇંચનું અંતર રહે અને પોતાનો સ્પર્શ જેનિફરને થાય નહીં. બસ ભરાતાં વીસેક મિનિટ લાગી. આ સમય દરમ્યાન ભૂપત જાગતો રહ્યો, પણ જેવો બસને ઝાટકો લાગ્યો કે ભૂપતે મોઢે બાંધેલો ફેંટો કાઢીને મોઢા પર પાથરી દીધો અને લંબાવી દીધું.

થોડી વાર તો જેનિફરને વિશ્વાસ નહોતો આવ્યો, તેના મનમાં એમ જ હતું કે ભૂપતસિંહ જાગતો બેઠો છે; પણ થોડી વાર પછી ભૂપતસિંહનાં નસકોરાં શરૂ થતાં તરત જ જેનિફર હકીકત જાણી ગઈ. થોડી વાર પછી કન્ડક્ટર આવ્યો ત્યારે પણ જેનિફરે જ ભૂપતને જગાડવો પડ્યો હતો.

‘રાજકોટ આવી ગ્યું?’

‘ના, ટિકિટવાળો આવી ગ્યો ભાઈ.’

‘ઓહ, હા...’ ભૂપતે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને પાંચ રૂપિયાની નોટ કાઢીને કન્ડક્ટરને આપી તાકીદ પણ કરી, ‘ટિકિટ બેનને આપી દેજો.’

ભૂપત ફરી સૂઈ ગયો.

હવે જેનિફરને ભૂપતને જોઈને ખરેખર મજા આવતી હતી. ભૂપત પરનો ગુસ્સો તેનો ઓસરી ગયો હતો અને ભૂપતને સીધોદોર કરવાની ભાવના પણ તેના મનમાંથી નીકળી ગઈ હતી. થોડી વાર સુધી એમ જ રહ્યા પછી જેનિફરે પણ આંખો મીંચી દીધી. રાજકોટ આવવાની તૈયારી થઈ એટલે કન્ડક્ટરે બધાને રાડો પાડી-પાડીને જગાડવાનું શરૂ કયુર્ં. એ સમયે પણ સૌથી પહેલાં જેનિફર જાગી. તેણે બારીની બહારનું દૃશ્ય જોયું અને પછી નજરને જમણી દિશામાં લંબાવીને પણ જોઈ લીધું. આગળના ભાગમાં વાહનો ઊભાં રહી ગયાં હતાં અને ધીમી ગતિએ આગળ વધતાં હતાં. ટ્રાફિક જૅમ થયો હશે એવું ધારીને જેનિફર આંખો મીંચવા જતી હતી ત્યાં તેના કાને થઈ રહેલી વાત અથડાઈ.

‘આગળ પોલીસવાળા ઊભા છે. તપાસ હાલતી લાગે છે કાંયક.’

- ઓહ.

જેનિફરે ભૂપતસિંહ તરફ જોયું.

ભૂપત હજી પણ નિષ્ફિકર બનીને સૂઈ રહ્યો હતો. જેનિફરને હવે ખરેખર તેના પર દયા આવી ગઈ. માણસ નિર્દોષ હોય અને માણસ નિર્દોષ હોવાનો દેખાવ કરતો હોય એ બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય છે. ભૂપત નિર્દોષ હતો એ દેખાતું હતું, પણ સૌથી સારી વાત એ હતી કે તે દેખાડો નહોતો કરતો. નિર્દોષ હતો અને સાથોસાથ નિષ્ફિકર પણ હતો અને આ જ તેની મજા હતી.

જેનિફરે ફરી એક વખત બારીની બહાર જોયું અને બહાર જોઈને તાગ મેળવ્યો. ધીમી ગતિએ આગળ વધી રહેલાં વાહનોની પાછળથી ભારેભરખમ અવાજો આવી રહ્યા હતા. જો તે આ સમયે ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ભૂપતને પકડાવી શકે એમ હતી, પણ એવું કરવા માટે તેનું મન રાજી નહોતું. મન પણ રાજી નહોતું અને હૈયુ પણ એવું કરવા માટે તૈયાર નહોતું.

જેનિફરે તરત જ મન બનાવ્યું અને તેણે ભૂપતને પૂછ્યા વિના જ સીધું તેના ચહેરા પરથી કપડું ખેંચ્યું. ભૂપત એકઝાટકે જાગી ગયો. જેવો ભૂપત

જાગ્યો કે તરત જ તેનું ધ્યાન જેનિફર પર જ ગયું.

‘પોલીસ.’

જેનિફરે દબાયેલા અવાજે કહ્યું અને પછી હાથમાં આવેલો ફેંટો પોતાના ચહેરા પર એવી રીતે ઢાંકી દીધો કે જેથી તેની શ્વેત ત્વચા બહાર ડોકાય નહીં. ભૂપત પણ સહેજ સ્વસ્થ થયો અને તેણે પણ બહારની બાજુ નજર કરી.

વાહન ધીમી ગતિએ આગળ વધતું હતું અને વધી રહેલાં વાહનમાં જો કોઈ શંકા જેવું લાગે તો પોલીસ ચડીને એ વાહનની તલાસી લેતી હતી. જે બસમાં ભૂપત અને જેનિફર હતા એ બસની આગળ ચાર વાહન હતાં અને એમાં તપાસ ચાલી રહી હતી.

ચાર, ત્રણ, બે અને એક...

હવે બસની આગળ એક જ વાહન હતું અને એ વાહનની તપાસ થયા પછી બસની તપાસ થવાની હતી અને એ જ સમયે કન્ડક્ટર બસની નીચે ઊતર્યો અને ઊતરીને ત્યાં ઊભેલા અંગ્રેજ અમલદાર પાસે પહોંચ્યો.

ભૂપતનું ધ્યાન એ દિશામાં હતું અને તેનું દિમાગ કામે પણ લાગી ગયું હતું. જે અંગ્રેજ અમલદાર સાથે કન્ડક્ટર વાત કરતો હતો એ બીજું કોઈ નહીં, પણ રાજકોટનો પોલીસ-કમિશનર ક્રિસ્ટોન હતો. ક્રિસ્ટોનનું ધ્યાન એ સમયે કન્ડક્ટરના ચહેરા પર હતું અને ભૂપતનું ધ્યાન એ સમયે કન્ડક્ટરના હોઠ પર હતું. શું બોલાઈ રહ્યું છે એ કળવાના પ્રયાસો કરવાની સાથે ભૂપતની નજર જેનિફર પર પણ હતી. જેનિફરના વર્તનથી ભૂપતને માનસિક રાહત પણ થઈ હતી અને અચંબો પણ લાગતો હતો.

જેનિફર તો જાણે દુનિયાથી અલિપ્ત રહેવા માગતી હોય એ રીતે તેણે પોતાના ચહેરા પર કપડું ઢાંકી રાખ્યું હતું અને જાણે કે પોતે ગાઢ નિદ્રામાં હોય એ રીતે તે સૂઈ ગઈ હતી. ભૂપતે ક્ષણના છઠ્ઠા ભાગમાં જેનિફરના હાથ અને પગની અવસ્થા પણ જોઈ લીધી હતી. જેનિફર કોઈ કરામત કરવાના વિચારમાં નહોતી. તેણે પોતાની ગોરી ચામડીવાળો આખો હાથ ઢાંકી દીધો હતો અને બન્ને હથેળીઓ એવી રીતે ઢાંકી દીધી હતી કે એ પણ ન દેખાય. બન્ને પગથી તેણે પલાંઠી મારી દીધી હતી એટલે પગનો ખુલ્લો ભાગ પણ કોઈની નજરે ચડે નહીં.

આ સાથ આપવાની રીત હતી, સહયોગ આપવાની પ્રક્રિયા હતી. જેનિફર પોતાને સાથ આપી રહી છે એ જોઈને ભૂપતને હૈયે ધરપત થઈ હતી. ધરપતમાં ઉમેરો એ સમયે થયો જે સમયે કન્ડક્ટર બસમાં ફરી ચડ્યો અને તેણે દોરી ખેંચીને બસ આગળ વધારવાનો ઇશારો કર્યો.

બસ આગળ વધે એ માટે ડ્રાઇવરે હૉર્ન વગાડ્યું અને જેવું હૉર્ન વાગ્યું કે આડશ તરીકે મૂકવામાં આવેલું લાકડું પણ ઉપાડી લેવામાં આવ્યું. બસ આગળ વધી ગઈ અને રાજકોટ શહેરમાં દાખલ થઈ ગઈ. ભૂપતને ચોક્કસ નવાઈ લાગી હતી, પણ આ નવાઈમાં અચરજને સ્થાન નહોતું; કારણ કે ધારણા કરતાં પણ આ કામ ઝડપથી પૂરું થયું હતું.

બસ જેવી આગળ વધી કે તરત જ કન્ડક્ટર આગળના ભાગ પર જઈને ડ્રાઇવર સાથે વાત કરીને પાછો આવ્યો.

કન્ડક્ટર એ જગ્યાએ જઈને બેઠો જે જગ્યાએ ભૂપતસિંહ બેઠો હતો. બસ ઊભી રહી ત્યારે ભૂપતે ઊભા થઈને જેનિફરની વિરુદ્ધવાળી બેઠક પસંદ કરી હતી, જે ક્રિસ્ટોનની બાજુએ પડતી હતી.

‘બહુ ઝડપથી પતી ગ્યુંને કાં?’

‘સમજી ગ્યો બોવ ઝડપથી ડોબો.’ કન્ડક્ટરનું ધ્યાન સીધી દિશામાં જ હતું, પણ તેના કાન ભૂપતની બાજુએ હતા. ‘વાત કરી કે તરત જ માની ગ્યો. જોવાની તસ્દી પણ લીધી નહીં કે બસમાં કોઈ ગાભણી બાઈ છે કે નઈ.’

€ € €

‘ચાચુ, એક મિનિટ. યે બાત કુછ સમજ મેં નહીં આઈ.’

ઇબ્રાહિમે કુતુબને અટકાવ્યો અને એમાં કંઈ ખોટું પણ નહોતું. જે આંટીઘૂંટી ભૂપત રમતો હતો અને રમ્યો હતો એ સમજવા માટે ખૂબ મહેનતની જરૂર હતી અને મહેનતની સાથોસાથ સમજદારી પણ એમાં વાપરવાની હતી.

‘તારા દાદુએ કન્ડક્ટરને ફોડી રાખ્યો હતો.’

‘શું વાત કરો છો?’ ઇબ્રાહિમે કુતુબની સામે જોયું, ‘ક્યારે?’

‘જૂનાગઢથી રવાના થયા એ પહેલાં જ.’ કુતુબે ફરી એ વાત સમજાવવાની કોશિશ કરી, ‘જે સમયે બસ રવાના થઈ એ સમયે જ ભૂપતે કન્ડક્ટરની સાથે વાત કરી લીધી હતી. ઇબ્રાહિમ, ભૂપત એક જાણીતો ચહેરો હતો. એકેક નાનો માણસ તેને ઓળખતો હતો અને એકેકે જરૂરિયાતમંદ તેને ઓળખતો હતો. ભૂપતને મળવું એ દુનિયા માટે અહોભાવ હતો. જે સમયે ભૂપત બસની તપાસ કરવા માટે ગયો એ જ સમયે એ બસના કન્ડક્ટર ખીમજીએ તેને ઓળખી લીધી હતો. ભૂપતે વાત છુપાવી પણ નહોતી. તેણે કહી દીધું હતું કે એક સંપેતરું પાછું મૂકવા જવાનું છે.’

€ € €

‘તો પછી એ જવાબદારી મને જ આપોને સિંહ.’

‘જો કોઈની સાથે રવાના કરી દેવું હોત તો-તો પછી આટલી પૂછપરછ કરવા પણ શું કામ આવ્યો હોત ભાઈ?’ ભૂપતસિંહે ખીમજીની સામે જોયું, ‘નક્કી કયુર્ં છે કે જાતે જ મૂકી આવવું એટલે તો હું નીકળો છું.’

‘તો પછી બાપુ, એક કામ કરો. મારી ભેગા જ નીકળો. રસ્તામાં ક્યાંક મદદરૂપ થાવાનું બનશે તો જીવતર લેખે લાગશે.’

‘સારું ત્યારે કઈ ખટારીમાં ચડવાનું છે અમારે.’

ખીમજીએ દૂરથી જ પોતાની બસ દેખાડી દીધી.

‘ત્રીજી, ઓલી લાલ રંગની છે એ ખટારીમાં ચડી જાવ તમતમારે ને સૂઈ જાવું હોય તો સૂઈ પણ જાવ. ચિંતા હવે બધી મારી.’

€ € €

‘વાત કરી કે તરત જ માની ગ્યો. જોવાની તસ્દી પણ લીધી નહીં કે બસમાં કોઈ ગાભણી બાઈ છે કે નઈ.’

‘પણ તેં કીધું શું તેને?’

‘કીધું ખાલી એટલું કે ધર્મેન્દ્રસિંહ મહારાજનાં બેનના આંગળિયાત છે. છેલ્લા દિવસો જાય છે. વાહનની રાહ જોવી પાલવે એમ નહોતી એટલે બસમાં રવાના કર્યાં છે. જો વાર લાગવાની હોય તો એ બેનને રવાના કરી દઈ. ખોટો બે જીવનો ભાર સહન કરવાને બદલે તે એકલાં રવાના થઈ જાય તો રાહત થાશે.’ ખીમજીની નજર હજી પણ રસ્તા પર જ હતી, ‘ધર્મેન્દ્રસિંહજીનું નામ પડ્યું તો ક્રિસ્ટોને તરત જ કીધું કે બસમાં બીજું કોઈ નો હોય તો બસ આમેય રવાના કરી દ્યો.’

‘મારા કરતાંયે મોટી ઉસ્તાદી આવડે છેને કાંય.’

‘બીજું શું કરવાનું સિંહ, માણસને ઉસ્તાદ થવું નથી હોતું; પણ ચોરમંડળી પાસેથી કામ કઢાવવા જતાં ઉસ્તાદી આપોઆપ સૂઝી જાય છે.’ ખીમજીએ પહેલી વખત ભૂપતસિંહની સામે

જોયું, ‘હવે ક્યો તમે, સીધી ઠેકાણે લઈ લેવી છે ખટારી?’

‘ના રે, રાબેતા મુજબ જ લઈ લે. સ્ટૅન્ડથી પછી અમે અમારી રીતે નીકળી જાશું.’

બસ રાજકોટ બસ-સ્ટૉપ પર પહોંચી અને જેનિફર સાથે ભૂપતસિંહ નીચે આવ્યો. જેનિફરે હવે સામેથી કહ્યું કે તે જાતે પહોંચી જશે, પણ ભૂપતની એવી કોઈ ઇચ્છા હતી નહીં એટલે એક ઘોડાગાડીવાળાને પાસે બોલાવવામાં આવ્યો.

‘અલ્યા, અત્યારે તો રૂપિયા પાસે નથી, પણ વળતી વખતે રૂપિયા આપી દઈશ. હાલશે?’

‘સિંહ, શું કામે મશ્કરી કરો છો?’

ઘોડાગાડીવાળો ઓળખી ગયો એટલે ભૂપતસિંહની ચિંતા ફરી એક વખત ઓછી થઈ ગઈ. તે ઘોડાગાડીમાં ચડ્યો અને પછી જેનિફર પણ ઘોડાગાડી પર ચડી.

‘પેલા સીધી રેસકોર્સ લઈ લે.’

ઘોડાગાડી રવાના થઈ અને વીસ મિનિટ પછી ઘોડાગાડી રેસકોર્સ પહોંચી. ઘોડાગાડીને એક બાજુ ઊભી રાખીને ભૂપત જેનિફર સાથે ફરી નીચે ઊતર્યો અને બન્ને ચાલતાં ગર્વનરના ઘર તરફ આગળ વધ્યાં.

‘બેન, કાંય તકલીફ પડી હોય તો માફી. તકલીફ આપવાનો ઇરાદો જરાય નો’તો પણ ખોટા માણસને ખોટી રીતે, ખોટા સમયે તકલીફ આપવાનું કામ તમારા વરે કયુર્ં એટલે નાછૂટકે આ કામ કરવું પડ્યું.’ ભૂપતે જેનિફરની સામે જોયું, ‘હવે કેટલા મહિના કાઢવાના છે આંય અમારા દેશમાં, બેચાર મહિના ને કાં તો વધીને આઠ-દસ મહિના તો પછી જરાક શાંતિ રાખીને કાઢી નાખોને. શું કામ બીજાને હેરાન થાવું પડે એવું કામ કરવું છે ને એવાં કામ કરવા માટે ઉશ્કેરવા પણ છે.’

જેનિફર પાસે કોઈ જવાબ નહોતો એટલે તેણે મૂંગા મોઢે બધું સાંભળી લીધું.

બંગલો પાસે આવી ગયો એટલે ભૂપત ઊભો રહ્યો અને તેણે જેનિફરની સામે હાથ જોડ્યા.

‘સંગાથ આંય પૂરો થાય છે, મારા વતી તમારા ઘરવાળાને નમસ્કાર કે’જો ને કે’જો ભૂપતસિંહ હજી એકાદ દિવસ રાજકોટમાં જ રે’વાનો છે. પકડાય તો પકડી લ્યે.’

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK