હવે આધાર કાર્ડ વગર કાગડાને પણ શ્રાદ્ધનો પ્રસાદ નઈ આપવાનો

‘સાચું કહેજે, મને ભૂલી ગયોને? ભૈ જો, જૂઠ બોલે કૌઆ કાટે. હજી તો માત્ર પંદર દિવસ પહેલાં તો ભાદરવામાં ભાગી જવાનો હોઉં એમ આખો શ્રાવણ મારા પર અભિષેક- અભિષેક કરી દૂધના દદૂડા કરેલા. લકવાના દરદીની જેમ હું ધ્રૂજતો હતો તોય મારા પર ધડાધડ ઘડેઘડા ઠંડા પાણીના ઠાલવેલા. પછી મને ચચરશે એની ચિંતા કર્યા વગર અંેઠા વાસણની જેમ મને માંજી-ઘસીને ચકચકાટ બનાવતો.’
મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

હાંફતે હૈયે હિમાલય પર પહોંચેલા પ્રભુ શંકર હૈયાવરાળ ઠાલવતા હતા, ‘પછી બગીચાની તો ઐસી કી તૈસી કરી મને ફૂલ (મૂરખ) બનાવી મારા પર ફૂલોના ઢગલા કરતો ગયો. ‘અલ્યા ટોપાઓ... હું દટાતો જાઉં છું, ગૂંગળાઈ મરું છું, પ્લીઝ જુલમ ન કરો, ભગવાન બનવા સિવાય મેં કોઈ ગુનો કર્યો નથી. મને મારી નાખશો’ મારે આવી બૂમો મારવી હતી; પણ તમે મને પથ્થરમાંથી ભગવાન બનાવતી વખતે જીભ મૂકવાનું ભૂલી ગયા હતા એટલે બૂમ કેવી રીતે પાડું કે કોની સામે પાડું? પછી મને નઈ પણ તમને ગમે એવી સુગંધીદાર અગરબત્તીના ધુમાડા કરતા ગયા. અગરબત્તી બિચારી પોતે બળતી ગઈ ને બીજાને સુવાસ આપતી ગઈ ને તમે ટોપાઓ બીજાની સુવાસ જોતાં-જોતાં અંદરથી બળવા લાગ્યા. ખોટું ન બોલતા. ભગવાન છું એટલે બધી ખબર પડે, તમને એ ખબર ન પડી એમાં જીવનને સુગંધીદાર બનાવવાનું ભૂલી ગયા. અને પછી તમે જે આરતીના દીવા પ્રગટાવ્યા ને મને ફાળ પડી. કેમ? કેમ શું વળી? સર્કસમાં મોતના કૂવામાં ગોળ-ગોળ ફટફટિયું ફેરવતા હો એમ ગોળ-ગોળ આરતી ફેરવતા ગયા કેમ જાણે બોલતા હો - બોલ પ્રભુ, મારું કામ કરે છે કે સળગાવી દઉં? તમારી આ લુખ્ખી દાદાગીરીથી હું તો ડરી ગયેલો. સાલું તમારાથી ભૂલથી ક્યાંક દીવાની વાટની ઝાળ-બાળ લાગી જાય તો મારી તો વાટ લાગી જાયને? હું ઈશ્વર હોવા છતાં આરતી સળગતી રહે ને હું ઓલવાઈ જાઉં, સમજ્યો? નાઓ યુ ટેલ મી. તમે ક્યારેય અંતરમાં એક નાનકડો દીવો પ્રગટાવ્યો? નઈને? પછી મને ભાર ઊંઘમાંથી ઉઠાડવાનો હોય એમ ટન-ટન ઘંટ વગાડ્યો. તું ભૂલી ગયો કે ટન-ટન ઘંટના અવાજ કરતાં ટ્રિન-ટ્રિન કરતી ઘંટડી મારી વધુ નજીક છે. જોકે તને ખબર જ નથી કે તમારી બધાની જેમ અહીં મને પાર્વતીએ ‘તમે ઊંઘની ગોળી લીધા વગર ઊંઘી જ કેમ ગયા?’ એ વાત પર બે કલાક ઊધડો લીધો. એક તો રાત્રે સૂવાનું મોડું ને તમે બધા સવારથી જ ઘંટના અવાજો હથોડાની જેમ મારા માથે પછાડો તો મને બ્રેઇન-હૅમરેજ ન થઈ જાય! અરે વર્ષોથી કંઠમાં અટકાવેલું ઝેર જો નીચે ઊતરી ગયું તો કૈલાસપતિ હોવા છતાં કૈલાસવાસી થઈ જાઉં, કંઈ ભાન-બાન પડે છે? પછી ભીખ માગવાની શરૂ. ‘કૈલાસ કે નિવાસી, નમું બાર-બાર હૂં આયો શરણ તુમ્હારે પ્રભુ તાર-તાર તૂ’ ના રાગોડા તાણ્યા. અલ્યા ડોબા, ભગવાનોની દુનિયાનો હું સૌથી કડકો ભગવાન. ફક્કડ ગિરધારી. ઊલટું મારે તારે આંગણે આવી ગાવું પડે છે, ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે ઝોલી’. તમે તો અહીં આવો, પણ મને તકલીફ પડે તો રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું? મારી સીઝન પૂરી થઈ એટલે મારા દીકરા ગણેશને ખો આપું છું. હવે કંઈ માગવું હોય તો ગણપતિ પાસે. બટ માઇન્ડ વેલ, તને આપતાં કે માગતાં આવડતું નથી એટલે ચેતવણી કે ગણેશની સામે જોરથી રિદ્ધિ દે સિદ્ધિ દે ગાતો નઈ. તે તેની પત્ની છે. દુ:ખ તો એ બાબતનું છે કે તમે બધા માગવા આવો છો તો ક્યારેક ફક્ત મળવા આવો તો? દર વર્ષે ગણેશ માટે વિસર્જન વખતે ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ની બૂમો પાડો છો, પણ હમણાં આવ્યા છે તો બે-ચાર દિવસ વધુ રાખ. આવતી સાલ તો શું, આવતી કાલનો અહીં ક્યાં ભરોસો છે? તેને પધરાવવા ધામધૂમથી દરિયા સુધી લઈ જાય છે તો શ્રાવણના અંતે હિમાલય સુધી મને મૂકવા કેમ નથી આવતા? તે બાપા છે તો હું દાદા છું. ડોન્ટ ફીલ બૅડ, પણ તમે શું તમાશો માંડ્યો છે? હું અંદરથી હર્ટ થયો છું. ગણેશની દર્શનની મૂર્તિ પ્રદર્શનની મૂર્તિ બની બેઠી છે. એ વિઘ્નહર્તા...’

‘પ્રભુ પ્રભુ પ્રભુ, પ્લીઝ... કેટલું બોલ્યા? ખરા છો યાર. શંકર છો એટલે અહીંના શંકર મહાદેવનની જેમ એકશ્વાસે મંડી જ પડ્યા. શ્વાસ ચડી જાય, હાંફી જવાય. બોલવામાં પૉઝનું બટન નથી? જાઉં છું ગણપતિ પાસે બસ.’

લાલબાગના ગણપતિનાં દર્શન કરવા કેટલાય રસિક જીવડાંઓ મૂળ આસ્થા સાથે લાઇનમાં ઊભા-ઊભા કાળા બની ગયા. ગણેશનાં ચરણમાં શીશ ઝુકાવું એ પહેલાં જ લાઇનમાં મારાં ચરણની ન પિવાય એવી કઢી થઈ ગઈ. માંડ-માંડ ગણેશ પાસે પહોંચ્યો ને હાથ જોડી બોલ્યો, ‘પ્રભુ, એક સવાલ મૂંઝવે છે કે આ લાલબાગમાં તમે કૌન બનેગા કરોડપતિ રમ્યા વગર જ કે કોઈ રાજકારણી બન્યા વગર ને GST ચૂકવ્યા વગર જ કરોડપતિ બની ગયા? આ દાગીના, આ સોનું, શું કરશો આટલા રૂપિયાનું? સંપત્તિનું?’

‘જો બકા, નોટબંધી મને નડતી નથી અને પૂછ્યું એટલે કઈ દઉં કે માય ફાધર મિ. શંકરલાલ હિમાલયવાળા આપી-આપીને કડકા થઈ ગયેલા એકમાત્ર ભગવાન. બચપણમાં જ મારા મસ્તકની સર્જરી કરાવી હાથીનું મસ્તક લગાવ્યું. દુનિયાની પહેલી સર્જરી.’

‘સૉરી ગણેશ ટુ ડિસ્ટર્બ યુ, પણ એ જૂના મસ્તકનું શું કર્યું? એ કેમ ન લગાડ્યું?’

‘અરે તું ઇન્ક્વાયરી ઑફિસર છે? એ બાપુજીને ખબર. હું તો બાળક હતો. પણ શ્રદ્ધાળુઓ વરસી પડ્યા. હવે આ સંપત્તિમાંથી બાપુજી માટે હું હિમાલય પર નાનકડો બંગલો બનાવીશ. આખી જિંદગી વ્યાઘ્રચર્મ પહેરનાર બાપુજી માટે ત્રણ જોડી લંેઘા-ઝભા કે સફારી સૂટ બનાવીશ. શરીરે રાખ કે ભસ્મ લગાડી હોવાથી પાઉડર કે બૉડી સ્પþે લાવી આપીશ ને મૂળ તો જે ડમરું વગાડી થાકી ગયા હશે તો નવાં તબલાંની બે જોડ અપાવી દઈશ જેથી ડમરું વગાડવામાંથી મુક્તિ મળશે. દીકરો છું. વિઘ્નહર્તા છું. બાપુજીનાં વિઘ્ન દૂર કરવા...’

‘વાહ પ્રભુ વાહ, વિઘ્નહર્તા હો તો આ ભીંડીબજારમાં બિલ્ડિંગ પાડીને તેંત્રીસને કેમ દાટ્યા? આ મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદની ચુંગાલમાંથી છોડાવતા કેમ નથી? અરે અમારા લાલબહાદુર શાસ્ત્રીએ તો સૂત્ર આપ્યું જય જવાન જય કિસાન, પણ અહીં રોજના એકાદ-બે જવાન શહીદ થાય છે અને કિસાન આત્મહત્યા કરે છે એનું શું? ત્યારે વિઘ્નહર્તા ક્યાં જાઓ છો? ભીંડીબજારની હોનારતમાં ન હિન્દુ ન મુસલમાન ન સિખ. બધા ધર્મના વાડાને હટાવી સૌથી મોટો માનવધર્મ છે સમજી મદદે આવ્યા તમે? વિઘ્નહર્તા હોવા છતાં વિઘ્નકર્તા. અરે સૅલ્યુટ છે એ મુંબઈકરને જે સાચો વિઘ્નહર્તા બન્યો.’

‘ધેર યુ આર ડિયર, એ જ સાચો વિઘ્નહર્તા. એટલે જ કહું છું, વિષ ઔર અમૃત એક હી સમંદર મેં હૈ, શંકર ઔર કંકર એક હી કંદર મેં હૈ, જમાના ચુનાવ કા હૈ તો ચુનાવ કર લો પ્રભુ ઔર પશુ દોનોં તુમ્હારે હી અંદર હૈ. બાપા કીધું છે તો એક વાત યાદ રાખજો મારા વિસર્જનની સાથે તમારી અહંકાર, ઈર્ષા, આડંબર જેવી બુરાઈઓનું પણ વિસર્જન કરજો. માનવધર્મ સિવાય કોઈ ધર્મ છે જ નહીં. હું તો પ્રતિમા છું. દેવસેવા કરતાં દેશસેવા મોટી છે.’

‘અરે તમે બાપા કીધું એટલે યાદ આવ્યું, મારા બાપુ કાલે આવે છે.’

‘પણ તારા બાપુ તો કૈલાસવાસી થયા છેને?’ ગણેશે પૂછ્યું.

‘શું તમે પણ, મારા બાપુ છે તો ખબર નઈ હોય? પણ શ્રાદ્ધનું ખાવા કાગડો બની આવે છે. પણ મેં નક્કી કર્યું કે હવે આધાર કાર્ડ વિના શ્રાદ્ધનો પ્રસાદ નઈ.’

‘ખરો છે તું!  જેનો આધાર હતો તેની પાસે આધાર કાર્ડ. શરમ ન આવે?’

‘અરે પ્રભુ, આ સરકાર અમારો આધાર છે. છતાં દરેક બાબતમાં આધાર કાર્ડ...’

ત્યાં તો વિસર્જન માટે બધા આવી ગયા. ‘બોલો ગણપતિ બાપ્પા મોરયા.’

ચાર જણ ગણપતિ બાપ્પા મોરયા બોલ્યા ને મૂર્તિમાં ગણેશ મનમાં હસ્યા.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK