સાતમા નંબર પરથી હવે પહેલા નંબરે પહોંચવું છે બાંદરા ટર્મિનસને


દેશનાં ૪૦૭ રેલવે-સ્ટેશન પર કરેલા સ્વચ્છ રેલવે-સ્ટેશનના સર્વેમાં મુંબઈનું બાંદરા ટર્મિનસ આ વર્ષે સાતમા નંબર પર છે. ગયા વર્ષે સત્તરમા નંબર પર હતું. જોકે ફરતે ઝૂંપડપટ્ટીઓ અને અસામાજિક તત્વોના વધુપડતા પ્રમાણ વચ્ચે સ્વચ્છતા રાખવામાં આ સ્થાનકના અધિકારીઓ કેવી રીતે સફળ રહ્યા અને સ્ટેશનની સ્વચ્છતા માટે શું-શું કરે છે એની કેટલીક રોમાંચક માહિતી પ્રસ્તુત છે

bandra3

રુચિતા શાહ

ભાારતીય રેલ નેટવર્ક વિશ્વના સૌથી લાંબા રેલવે નેટવર્કમાંનું એક છે. લગભગ સવાલાખ કિલોમીટરમાં પથરાયેલા રેલવે નેટવર્કમાં ૧૩ હજાર જેટલી પૅસેન્જર ટ્રેન અને ૮૪૦૦ ગુડ્સ ટ્રેન ચાલી રહી છે. રોજેરોજ આ ટ્રેન ૮૭૦૦ રેલવે-સ્ટેશન પરથી પસાર થાય છે. લગભગ અઢી કરોડ પ્રવાસીઓ અને ત્રીસ લાખ ટનનો સામાન રોજ આ ટ્રેનો મારફત ટ્રાન્સપોર્ટ થાય છે. ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી એના પછીના વર્ષે એ સમયના રેલવે-મિનિસ્ટર સુરેશ પ્રભુએ ‘સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત’ કૅમ્પેનની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતનાં તમામ રેલવે-સ્ટેશનો પણ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થાય એ હતો. એમાં રેલવે-સ્ટેશનનો પરિસર, પ્લૅટફૉર્મ્સ, રેલવે ટ્રૅક્સ, ફુટઓવર બ્રિજ, પાર્કિંગ લૉટ, વેઇટિંગ રૂમ્સની સ્વચ્છતા, નિયમિતતા અને નાગરિકોને મળતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે પ્રશાસને પોતાની ૮૦ ટકા આવક જે રેલવે-સ્ટેશનો પરથી થાય છે એ રેલવે-સ્ટેશનોને A૧ અને A એમ બે કૅટેગરીમાં વિભાજિત કર્યાં છે. આવાં કુલ ૪૦૭ સ્ટેશનો શૉર્ટલિસ્ટ કર્યાં છે. મજાની વાત એ છે કે સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાની બાબતમાં કયાં રેલવે-સ્ટેશનો ટૉપ પર છે એનો સર્વે થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે, જેથી એમાં પારદર્શકતા જળવાઈ રહે. આ વર્ષે ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ૧૬૨૮ કર્મચારીઓ આ કાર્યમાં લાગી ગયા હતા. પ્રત્યેક કર્મચારીએ એક સ્ટેશન પર બે દિવસ રહીને વિવિધ પ્રવાસીઓના ઇન્ટરવ્યુ અને સ્વચ્છતા માટેની પ્રવૃત્તિઓનો ફસ્ર્ટ હૅન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો. ૭૫ A૧ અને ૩૩૨ A કૅટેગરીનાં સ્ટેશનમાંથી લગભગ ૭૦ ટકા રેલવે-સ્ટેશનોને ૧૦૦૦માંથી ૭૦૦ માર્ક મળ્યા હતા. રેલવે-સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય પ્રવેશદ્વાર, પ્લૅટફૉર્મ્સ, ટૉઇલેટ, વેઇટિંગ રૂમ્સ અને પાર્કિંગ ફૅસિલિટીના આધારે સર્વેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ જ સર્વેમાં બાંદરા ટર્મિનસ આ વર્ષે સાતમા નંબર પર છે. ૪૦૭ સ્ટેશનમાંથી બાંદરા અત્યારે સ્વચ્છતાની બાબતમાં સાતમા નંબર સુધી કેવી રીતે પહોંચ્યું? બાંદરા ટર્મિનસના રેલવે- કર્મચારીઓ શું ખાસ કરી રહ્યા છે પોતાના સ્ટેશનને બહેતર બનાવવા માટે? મુંબઈનાં અન્ય રેલવે -સ્ટેશનોએ બાંદરા ટર્મિનસ પાસેથી શું શીખવા જેવું છે એ વિશે બાંદરા ટર્મિનસની ફસ્ર્ટ હૅન્ડ મુલાકાત પછી મેળવેલી માહિતીનો રિપોર્ટ અહીં પ્રસ્તુત છે.

bandra2

એકાદ વર્ષ પહેલાં જેમણે બાંદરા ટર્મિનસની મુલાકાત લીધી હશે તેમને ખબર હશે કે પ્રવેશતાંની સાથે જ કચરાના ઢગલા અને પાનની પિચકારીઓથી રંગાયેલી સ્ટેશન અને સબવેની દીવાલો જોઈને મગજ ચકરાઈ જાય એવી સ્થિતિ હતી. એમાંથી અત્યારે બાંદરા ટર્મિનસના પ્રવેશદ્વારમાંથી અંદર જાઓ એટલે મનને શાંતિ મળે એટલી સ્વચ્છતા તો ત્યાં છે જ. આ સંદર્ભમાં બાંદરા સ્ટેશનના સ્ટેશન-ડિરેક્ટર ડી. એસ. યાદવ ‘મિડ-ડે’ને કહે છે, ‘પરિસ્થિતિ ખરેખર દયનીય હતી. જોકે અમે લોકોએ નક્કી કર્યું હતું કે ગમે તે થઈ જાય, આપણે સ્ટેશનને સ્વચ્છતાની દિશામાં આગળ વધારવું જ છે. સૌથી પહેલાં અમે સ્ટેશન પર રહેતા અને અહીં જ પોતાનો ડેરો જમાવીને ખાવા-પીવાનું, નહાવા-ધોવાનું કામ કરતા કેટલાક લોકોને પકડીને પોલીસને સોંપ્યા. ગેરકાયદે રીતે રહેતા આ લોકોને હટાવવાનું કામ પડકારજનક હતું. બીજું, અત્યારે ઝૂંપડપટ્ટીઓની વચ્ચે બાંદરા ટર્મિનસ છે. સ્ટેશનના છેડાઓ પર કોઈ બાઉન્ડરી વૉલ નથી. અમુક ટ્રૅક્સને બ્લૉક કરી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે અસામાજિક તત્વો સ્ટેશન પરિસરમાં ઘૂસી જાય અને અહીં ગંદકી ફેલાવે, નશાની હાલતમાં ખરાબ વર્તન કરે જેવી કેટલીક બાબતો બહુ મોટા પ્રમાણમાં બાંદરા ટર્મિનસે ફેસ કરવાની હતી છતાં અમે સ્વચ્છતાની દિશામાં ઉલ્લેખનીય કામ કરી શક્યા એનો અમનેય ગર્વ છે.’

આ કામમાં સફળતા મળતી ગઈ એમ રેલવે-અધિકારીઓએ બીજું કામ વર્ક-મૅનેજમેન્ટનું અને ટેãક્નકલ સિસ્ટમમાં સુધારો લાવવાનું કર્યું. એના વિશે વાત કરતાં ડી. એસ. યાદવ કહે છે, ‘સુપરવિઝનની સિસ્ટમ પહેલાં યોગ્ય નહોતી. લોકો મનફાવે ત્યારે અને મનફાવે એટલું કામ કરતા હતા. ક્લીનિંગ સિસ્ટમને ઇમ્પþૂવ કરી. ટ્રૅક્સની ગંદકી દૂર કરી. ડ્રેઇન્સને જેટ પ્રેશરથી સાફ કરાવી. લોકોના કામકાજના શિફ્ટ ટાઇમ મુજબ બરાબર કામ થાય છે કે નહીં એના પર કડક સુપરવિઝન શરૂ કર્યું. એની સાથે જ સફાઈકર્મચારીનો કામ કરવા માટેનો ઉત્સાહ વધે એ માટે તેમનામાં ‘આ સ્ટેશન તમારું પોતાનું છે’વાળો ભાવ જગાવીને બેસ્ટ કામ કરનારા લોકોને રેકગ્નિશન આપવાનું શરૂ કર્યું. એમ્પ્લૉઈ ઑફ ધ મંથને ઇનામ આપવાનું શરૂ કર્યું. એ સાથે જ બાંદરા ટર્મિનસની અમારી છ મુખ્ય ટીમના સુપરવાઇઝરની વીકલી મીટિંગો શરૂ કરીને જે-જે પ્રૉબ્લેમ છે એ તરફ ધ્યાન દોરવામાં આવે, એ મુદ્દાઓ લખવામાં આવે અને બીજા અઠવાડિયામાં એનું કેટલું કામ થયું એના પર ફરી રિવ્યુ થાય. આ બધાની બહુ મોટી અસર કામમાં દેખાવા માંડી. આજે એ સ્થિતિ છે કે અમારા બાંદરા ટર્મિનસમાં તમને શોધતાં પણ પાનની પિચકારીના ડાઘ નહીં મળે.’

vbandra11

આ સ્ટેશનમાં હવે કચરો કરનારા, થૂંકનારા, જાહેરમાં ધૂમ્રપાન કરનારા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવે છે અને કોઈ રંગે હાથ પકડાય તો તેમની પાસેથી સેક્શન ૧૭૦ હેઠળ ૫૦૦ રૂપિયાનો દંડ પણ લેવામાં આવે છે. આ કાયદાની માહિતી આપતાં પોસ્ટરો ઠેર-ઠેર બાંદરા ટર્મિનસ પર જોવા મળશે. આ નિયમનું કડકાઈપૂર્વક પાલન થઈ રહ્યું હોવાથી એ વિસ્તારમાં કૂલીઓથી લઈને રિક્ષાવાળા અને ટૅક્સીવાળાઓમાં ભારે ડિસિપ્લિન આવી ગઈ છે.

બાંદરા ટર્મિનસના સ્ટેશન-માસ્ટર સાગર કુલકર્ણી આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે, ‘અત્યારે અમારી પાસે ત્રણ શિફ્ટમાં કામ કરતા ૧૮૬ સફાઈ-કર્મચારીઓ છે જેમનું દર અઠવાડિયાનું તેમણે શું કામ કરવાનું છે એનું શેડ્યુલ બને છે અને દરેક શિફ્ટના ૬૨ કર્મચારીઓ પોતાની શિફ્ટ દરમ્યાન કન્ટિન્યુઅસલી સ્ટેશનની સફાઈના કામમાં લાગેલા હોય છે. આજે સૌથી વધુ મહત્વની વાત એ છે કે ટર્મિનસના સૌથી ટૉપના ઑફિસર એટલે કે અમારા સ્ટેશન- ડિરેક્ટરથી લઈને તમામ અધિકારીઓ માટે સ્ટેશનની સ્વચ્છતા અને પ્રવાસીઓની સુવિધા ટૉપની પ્રાયોરિટી છે. કોઈ પણ કર્મચારીને આ વિષય પર કે પોતાના કામને લગતી બીજી કોઈ પણ બાબત પર કોઈ વાત કરવી હોય તો તે ડાયરેક્ટ ઉપરના લેવલ પર રહેલા અધિકારીઓ સાથે કરી શકે છે. બધા પાસે ડિરેક્ટરનો નંબર છે, જેને કારણે દરેક વિભાગના કર્મચારીઓમાં પોતાના કામ માટે ઉત્સાહ વધ્યો છે. તેમની સમસ્યા સાંભળવામાં આવશે અને એના માટે ઉપયુક્ત સુઝાવ પણ અપાશે એ વાત તેમના મનમાં ઠસી છે તો બીજી બાજુ હવે કામચોરી કે કામ પ્રત્યેની બેદરકારી ચલાવવામાં નહીં આવે એ વાત પણ તેમને સમજાઈ છે, જેણે કામને સારોએવો વેગ આપ્યો છે. બીજું, અત્યાર સુધીમાં બે વાર અમે સ્વચ્છતા અવેરનેસ કૅમ્પેન પણ કર્યાં છે, જેમાં આખા સ્ટેશન પરિસરમાં બાંદરા ટર્મિનસના લગભગ તમામ કર્મચારીઓ એકસાથે તમામ પ્લૅટફૉર્મ પર ફરી વળ્યા હોય અને તેમણે મોટે-મોટેથી હાથમાં પ્લૅકાર્ડ સાથે લોકોને ગંદકી ન કરો અને સ્વચ્છતા રાખો એવો સંદેશ આપ્યો હોય. આ બધાથી રેલવે પરિસરમાં નિયમિત રહેનારા લોકો અને પ્રવાસીઓ એમ બન્નેમાં ગંભીરતા આવી છે. અમને પરિણામ મળ્યું છે એનાં બે મુખ્ય કારણ છે, રાઇટ લીડરશિપ અને ટીમનો પૂરેપૂરો સહયોગ.’

bandra

બાંદરા સ્ટેશન પર અત્યારે સફાઈ-કર્મચારીઓ સાથે મશીનની મદદથી પણ સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. સ્ક્રબર ડ્રાયર, ફ્લિપર મશીન, વૅક્યુમ ક્લીનર, હાઈ પ્રેશર જેટ, બ્લોઅર મશીન જેવાં લગભગ આઠ પ્રકારનાં વિશેષ મશીનો છે. એ વિશે વાત કરતાં ડેપ્યુટી સ્ટેશન-સુપરિન્ટેન્ડન્ટ (કમર્શિયલ) નવીનકુમાર સિંહા કહે છે, ‘બાંદરા સ્ટેશનનાં સાત પ્લૅટફૉર્મ પર રોજની ૪૮ ટ્રેન આવે છે. દરેક વખતે લોકોની અવરજવર થાય અને તેમના દ્વારા કચરો થાય. અમે અમારી રીતે અમારી આંખ સામે કચરો કરનારી દરેક વ્યક્તિ પાસેથી ફાઇનની રકમ લઈએ છીએ જેથી તેઓ ભવિષ્યમાં કચરો કરતાં અચકાય. એટલે સુધી કે રેલવે-કર્મચારીઓમાંથી પણ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું હોય તો તેમને પણ આ બાબતમાં બક્ષવામાં આવતા નથી. આટલી કડકાઈનું અને દરેકની આ બાબતમાં પ્રામાણિકતાનું જ પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે. મશીન દ્વારા લગભગ દર કલાકે સ્ટેશનના જરૂર મુજબના હિસ્સાનું ક્લીનિંગ થાય છે. આ ઉપરાંત અમારા ડિરેક્ટર દ્વારા બનાવેલા વૉટ્સઍપ ગ્રુપમાં જ્યાં-જ્યાં ગંદકી હોય અને જેના પણ ધ્યાનમાં આવે તેમના દ્વારા ફોટો પાડી ગ્રુપમાં મૂકવામાં આવે અને ફોટો મૂક્યાના અડધો કલાકની અંદર ત્યાં ક્લીનિંગ થઈ જાય એવી જોગવાઈ અમે કરી છે. મશીનનો ઉપયોગ કરીને કામને સરળ બનાવવાની કોશિશ કરી છે. એક અઠવાડિયાનું પહેલાંથી જ શેડ્યુલ બનેલું છે, જે મુજબ દરેક પોતપોતાના કામમાં લાગી ગયા હોય. જેમ કે સોમવારે પહેલી શિફ્ટના લોકો સાઉથ બિલ્ડિંગની સફાઈ કરશે, કૅબિન, ટિકિટ-કાઉન્ટર, વૉશરૂમ્સ વગેરેની સફાઈ થાય. બીજી શિફ્ટના કર્મચારી આવે એટલે તેમણે યાર્ડ ઑફિસ અને માસ્ટર કૅબિનની સફાઈ કરવાની. ત્રીજી શિફ્ટમાં રૅમ્પ, સ્ટેરકેસ, વૉલ ક્લીનિંગ, વિન્ડો વગેરેનું ક્લીનિંગ કરે. મંગળવારે બીજા વિસ્તારો. આ ઉપરાંત જ્યાં તાત્કાલિક જરૂર હોય ત્યાં તો કરવાનું જ. ઉપરથી લઈને નીચેના તમામ લોકો મન લગાડીને સ્ટેશનની સફાઈ માટે જાગૃત છે એટલે જ પરિણામ મળી શક્યું છે.’

બાંદરા ટર્મિનસમાં એન્જિનિયરિંગ, કમર્શિયલ, ઑપરેટિંગ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલિંગ, મેકૅનિકલ અને સિક્યૉરિટી એમ છ મુખ્ય બ્રાન્ચ છે. આ છ બ્રાન્ચના સુપરવાઇઝરની મીટિંગ સ્ટેશન-ડિરેક્ટર દ્વારા લેવામાં આવે. આ બધા જ વિભાગો સ્વચ્છતા સાથે સંકળાયેલા છે. કેવી રીતે એની વાત કરતાં અસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર રાજકુમાર શર્મા કહે છે, ‘ડિરેક્ટ્લી તો સફાઈનું કામ સફાઈ-કર્મચારીઓનું છે, પણ બીજા વિભાગો પણ એમાં સંકળાયેલા તો હોય જ છે. જેમ કે ક્યાંક કંઈક તૂટી ગયું છે, કોઈ બ્રિજમાં રિપેરિંગની જરૂર છે તો એ પણ સ્વચ્છતામાં અગવડ ઊભી કરનારું કામ છે. એમાં બીજા વિભાગના લોકોનો સહયોગ છે. અત્યારે બાંદરા ટર્મિનસમાં જે સબવે છે ત્યાં એક સમયમાં દર વરસાદમાં પાણી ભરાતું. આ પાણી ભરાવાને કારણે ગંદકી થતી, પ્રવાસીઓને અગવડ પડતી. એન્જિનિયરિંગ બ્રાન્ચ દ્વારા ત્યાં થોડુંક કામ કરવામાં આવ્યું અને હવે ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ગમેતેટલો વરસાદ પડે તો પણ ત્યાં પાણી ભરાવાની શક્યતા નહીંવત છે. અમે સ્વચ્છતાની સાથે પ્રવાસીઓની સુવિધા માટે પણ કામ કરી રહ્યા છીએ.’

અત્યારે સ્વચ્છ રેલવે-સ્ટેશનની સાથે વૉશરૂમ, વેઇટિંગ રૂમ, કૅન્ટીન અને આજુબાજુના વિસ્તારો પણ સ્વચ્છ રહે એની દેખભાળ રાખવામાં આવી રહી છે. સિનિયર સિટિઝન માટે બાંદરા ટર્મિનસ પર બે વૅન-સર્વિસ શરૂ કરવામાં આવી છે જે વ્યક્તિદીઠ ચાલીસ રૂપિયાની ફી લઈને પ્રવાસીને છેક તેના કોચ સુધી મૂકી આવે છે. ટૂંક સમયમાં વેસ્ટ- મૅનેજમેન્ટના ભાગરૂપે કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ પણ નાખવાનો છે. ૧૫ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર સુધી આ રેલવે-સ્ટેશન દ્વારા વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં વિવિધ ઍક્ટિવિટી દ્વારા લોકોમાં સ્ટેશનને સાફ રાખવાની અવેરનેસ ફેલાવવામાં આવશે. આ સ્ટેશનને મૅનેજ કરતી ટીમે હવે નંબર વન પર આવવાનો ટાર્ગેટ બનાવી લીધો છે અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

મુંબઈનાં અન્ય રેલવે-સ્ટેશનોએ આટલું શીખવાનું છે બાંદરા ટર્મિનસ પાસેથી

- જો તમારી ઇચ્છા હોય તો કશું જ અશક્ય નથી એનો ઉત્તમ નમૂનો બાંદરા ટર્મિનસના રેલવે- કર્મચારીઓએ પ્રસ્તુત કર્યો છે. અહીં રેલવે-અધિકારી પણ જો કચરો કરતા કે જાહેરમાં ધૂમ્રપાન કરતા પકડાય તો તેમની પાસેથી ફાઇન લેવામાં આવે છે.

- બાંદરા ટર્મિનસની મુખ્ય છ બ્રાન્ચના સુપરવાઇઝરની દર અઠવાડિયે ટર્મિનસના ચીફ સ્ટેશન- ડિરેક્ટર દ્વારા મીટિંગ બોલાવાય છે જેમાં જ્યાં-જ્યાં કામ કરવાની જરૂર છે એની ચર્ચા થાય છે. ચર્ચામાં નક્કી થયેલાં તમામ કામની પેપર પર નોંધ લેવાય છે. એ પછીની નેક્સ્ટ મીટિંગમાં જે કામ કરવાનું નક્કી થયું હતું એમાંથી કેટલું પૂરું થયું અને કેટલું બાકી છે એનો રિવ્યુ લેવાય અને બીજા મુદ્દાઓ એ લિસ્ટમાં ઉમેરાય. એટલે કે જો ગયા અઠવાડિયે સોંપાયેલું કામ કોઈ બ્રાન્ચના સુપરવાઇઝરે પૂરું ન કર્યું હોય તો તેણે એનો ખુલાસો કરવાનો અને જ્યાં સુધી એ કામ ન થાય ત્યાં સુધી દરેક મીટિંગમાં એનો ખુલાસો કરતા રહેવાનો.

- બાંદરા ટર્મિનસમાં કામ કરતા દરેક નાનાથી લઈને મોટા કર્મચારી પાસે સ્ટેશન-ડિરેક્ટરનો નંબર છે. તેઓ બધા જ પોતાના કામમાં પડતી અડચણથી લઈને તેમની કોઈ પણ મૂંઝવણ વિશે ટૉપ બૉસ સાથે વાત કરી શકે છે.

- બધા જ કર્મચારીઓનું વૉટ્સઍપ ગ્રુપ સ્ટેશન-ડિરેક્ટરે બનાવ્યું છે, જેમાં ત્રણ શિફ્ટમાં કોણે શું કામ કર્યું એના ફોટો બધાએ કમ્પલ્સરી વૉટ્સઍપ પર મૂકવાના. તેમ જ રોજ એકથી બે વાર સ્ટેશન-માસ્ટર અને સ્ટેશન-ડિરેક્ટર રાઉન્ડ પર નીકળે અને જ્યાં પણ ગંદકી દેખાય એના ફોટો પાડીને વૉટ્સઍપ પર મૂકે. આ જગ્યાઓ તાત્કાલિક સાફ કરવાની ઇન્સ્ટ્રક્શન સ્ટાફને અપાઈ છે.

- કર્મચારીઓને મોટિવેટ કરવા માટેની વ્યવસ્થા પણ બાંદરા ટર્મિનસના ઉપરી અધિકારીઓએ કરી છે. દરેકના કામની વિશેષ નોંધ લેવામાં આવે છે. જેમણે સારું કામ કર્યું હોય તેમને ઇનામોથી નવાજવામાં પણ આવે છે.

- નિયમિત ધોરણે સ્વચ્છતા માટેનાં જાગૃતિ અભિયાન પણ રાખવામાં આવે છે. તેમ જ સ્ટેશન પર કચરો કરતા, થૂંકતા કે ધૂમ્રપાન કરતા પકડાનારા લોકો પાસેથી કાયદાકીય રીતે ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. આ નિયમ કડકાઈથી પળાતો હોવાથી લોકોમાં હવે ગંદકી કરવાની બાબતમાં ડર પેસવો પણ શરૂ થયો છે.

સ્વચ્છતામાં ટૉપ થ્રીમાં કોણ છે?

A૧ કેટેગરી

જોધપુર

જયપુર

તિરુપતિ

A  કૅટેગરી

મારવાડ

ફુલેરા

વરંગલ

ભારતનાં સૌથી ગંદાં સ્ટેશન

શાહગંજ (ઉત્તર પ્રદેશ)

ફફુંદ (ઉત્તર પ્રદેશ)

સાસારામ જંક્શન (બિહાર)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK