ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૮૫

સૌની નજર ભૂપત પર સ્થિર થઈ.


નવલકથા - રશ્મિન શાહ

ભૂપતની આંખોમાં આગ હતી અને જડબાં તંગ હતાં.

તેણે દાંત ભીંસ્યા અને એક ઊંડો શ્વાસ લીધો.

ઊંડો શ્વાસ હજી ભૂપતની છાતીમાં જ હતો ત્યાં જ તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ખોડીદાસને ગરદનથી પકડીને પોતાના તરફ ખેંચ્યો.

જે રીતે ખોડીદાસને ભૂપતે પોતાના તરફ ખેંચ્યો હતો એ જોઈને અનેકના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા તો અનેકની આંખો બંધ થઈ ગઈ હતી, જ્યારે કેટલાકના મોઢામાંથી હાયકારો નીકળી ગયો હતો. સૌના મનમાં એક જ વાત હતી, સૌના હૈયામાં એક જ ધારણા હતી કે ભૂપતે જમૈયો ખોડીદાસની ગરદન પર ફેરવી દીધો; પણ આ ધારણા બિલકુલ ખોટી હતી.

આહહહ...

ખોડીદાસના મોઢામાંથી ચીસ નીકળી, પણ એ ચીસ પછીયે તેની ગરદન હજી અકબંધ હતી. ગરદનને અકબંધ રાખવાની આ ખુશી વચ્ચે ખોડીદાસના બન્ને કાન અને નાકનો વધ થઈ ગયો હતો.

હા, ભૂપતે ખોડીદાસનાં કાન-નાક કાપી લીધાં હતાં.

‘જે નાકથી તેં મને સૂંઘ્યો, જે કાનથી તેં મને સાંભળ્યો એ નાક અને કાનને રહેવાનો કોઈ હક નથી ખોડીદાસ; એણે રહેવું ન જોઈએ...’ ભૂપતે લોહીનીતરતા ચહેરાવાળા ખોડીદાસની સામે જોયું, ‘બાતમી આપવાની સજા આવી ભયાનક હશે એ ખબર પડ્યા પછી હવે, મારી બાતમી પોલીસને પહોંચાડવાનો વિચાર પણ હવે કોઈ નહીં કરે, કોઈ એના વિશે વાત નહીં કરે અને ખોડીદાસ... તને સૌથી પહેલાં એ લોકો યાદ કરશે ને તું યાદ કરાવીશ કે મારા સુધી પોલીસને પહોંચાડવાની હિંમત માણસજાતનો કોઈ નબીરો નહીં કરે...’

ભૂપતે ખોડીદાસને ધક્કો માર્યો અને ખોડીદાસ બે ડગલાં પાછળ ફેંકાયો. અવળા પગે પાછળ ફેંકાયેલા ખોડીદાસનું સંતુલન ગયું અને તે અવળા માથે જમીન પર પડ્યો. ખોડીદાસ જમીન પર પડ્યો ત્યાં સુધીમાં તો ભૂપત આગળ વધી ગયો હતો અને ખોડીદાસના બીજા એક સગાની ચીસ હવાને ચીરતી નીકળી ગઈ.

બીજી ચીસની પાછળ ત્રીજી ચીસ અને ત્રીજી પછી ચોથી ચીસ.

ગણતરીની મિનિટોમાં એક પછી એક એમ ત્યાં હાજર રહેલા અગિયારેઅગિયાર શખ્સોનાં નાક-કાન વધેરાઈ ગયાં અને લોહીનીતરતા ચહેરા વચ્ચે દોજખ બની ગયેલી જિંદગી વચ્ચે મોત માટે સૌ તરસવા લાગ્યા, પણ કેટલીક તરસ જિંદગીભર અકબંધ રહી જતી હોય છે. એ અગિયાર શખ્સોની જિંદગીમાં પણ એવું જ બન્યું.

‘યાદ રહે, આ અગિયારમાંથી જો એકે પણ આત્મહત્યા કરી છે તો હું તેના ઘરના એકેએક સભ્યની હાલત આવી જ કરીશ...’ જતાં પહેલાં ભૂપતે ગામવાસીઓને ધમકી આપી હતી, ‘તમારી હાલત આવી ન થાય એ માટે આ સૌને જીવતા રાખવાના છે, ભૂલતા નહીં.’

€ € €

દેકારો મચી ગયો હતો આખા કાઠિયાવાડમાં.

છાના ખૂણે કોઈ વાત કરતું તો કોઈ એવું પણ હતું જે ભૂપતે કરેલા આ કાંડ પર અને આ વિષય પર વાત કરવા તૈયાર નહોતું. વાત કરવામાં પણ ડરતા હોય એવા લોકોનો પણ તોટો નહોતો. એ બધા વચ્ચે પહેલી વખત એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે ઊછળીને કામ કરનારા પત્રકારોના હાથ પણ ભારે થઈ ગયા હતા. ‘વન્દે માતરમ’ અખબારે તો પહેલા પાના પર મથાળાની નીચે જ સ્પષ્ટતા સાથે લખ્યું હતું : ‘અમારા ખબરપત્રી પાસે આ ઘટનાની તસવીરો છે, પણ એ તસવીરો પ્રસિદ્ધ કરીને અમે સુજ્ઞ વાચકોમાં કોઈ પ્રકારની અનુકંપા જન્માવવા નથી માગતા  એટલે એ તસવીરો અહીં પ્રસિદ્ધ કરવામાં નથી આવતી. સામાન્ય રીતે અખબારના માલિકો વચ્ચે પણ હરીફાઈ ચાલતી હોય છે. આ હરીફાઈમાં અન્ય અખબાર આગળ નીકળી જાય તો અમે એમાં ગમ નથી કરતા, પણ અમારા હૈયામાં એ વાતની શ્રદ્ધા છે કે અમે જે કર્યું છે એ યોગ્ય કર્યું છે અને યોગ્ય રીતે કર્યું છે. વાચકોને આ બાબતમાં જો તકલીફ પડી હોય તો એ બાબતમાં અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.’

વાત સહેજ પણ ખોટી નહોતી.

અગિયાર લોકોનાં નાક-કાન કાપી નાખવામાં આવ્યાં હતાં અને ભૂપતના એ કરતૂતે આખા ગુજરાતમાં ખળભળાટ ફેલાવી દીધો હતો. કેવી રીતે નાક-કાન કાપેલા લોકોની તસવીરો છાપી શકાય, કેવી રીતે એ લોકો પણ બીજાની સામે આવવાની હિંમત કરે અને કેવી રીતે એવું બને જેમાં એ લોકો આખી ઘટના વર્ણવે?

‘મારું સૌને કહેવું છે કે હું કોઈને નડતો નથી અને કોઈએ મને નડવાનું નથી.’

ભૂપતે પોતાના મનની વાત કહેવા માટે ફરી એક વખત અખબારોનો સહારો લીધો હતો. ચોટીલાથી પાછા આવ્યા પછી તેણે કાળુની પાસે એક પત્ર લખાવ્યો હતો, જેની નકલ તેણે સામે ચાલીને સૌ અખબારમાલિકોને પહોંચાડી હતી અને એવું પણ કહેવડાવ્યું હતું કે કોઈ જાતની છેડછાડ કર્યા વિના આ પત્રને જાહેરખબરના રૂપે છાપવો, સૌકોઈને એ જાહેરખબરના રૂપિયા એ છપાયા પછી મળી જશે...

માહિતી આપવી અને પોલીસના ખબરી બનવું એ બન્ને અલગ વાત છે. આજ સુધી મેં આ બાબતને મારાથી દૂર રાખી હતી અને મારી બાબતમાં ખબર પહોંચાડનારાને ત્યારે જ ઈજા પહોંચાડી હતી જ્યારે એ ખબરનો દુરુપયોગ થયો હોય અને મેં મારી અંગત વ્યક્તિ એ ઘટનામાં ગુમાવી હોય. જોકે હવે આ બાબતમાં હું બેખબર રહેવા તૈયાર નથી. મારા વિશે કોઈ પણ જાતની માહિતી પહોંચાડવાનું કામ કરનારાએ એ કામ કરવાના કારણે આવનારા પરિણામ માટે માનસિક રીતે પૂરા તૈયાર રહેવું પડશે. આજથી, આ ક્ષણથી હું એ જાહેર કરું છું કે મારા કામમાં વિઘ્ન બનનારા મારા માટે એ જ પ્રકારના દુશ્મન છે જે પ્રકારે હું પોલીસને દુશ્મન માનું છું. મને નથી જોઈતું કે કોઈ મારા કામની બાબતમાં વચ્ચે આવે અને પોતાની સામાન્ય જિંદગીને બરબાદ કરે. બરબાદીનો આ રસ્તો ન વાપરવો હોય તે મહેરબાની કરીને ભૂપતસિંહ ચૌહાણના માર્ગમાં ન આવે. યાદ રહે કે માત્ર મદદ કરનારાઓને જ નહીં, આડખીલી ન બનનારાઓને પણ ભૂપતસિંહે હંમેશાં તેના મિત્રો ગણ્યા છે અને મિત્રોને મદદ કરવા માટે ભૂપતસિંહ હંમેશાં તત્પર હોય છે. જેટલી તત્પરતા મિત્રતા માટે ભૂપત દાખવે છે એટલી જ તત્પરતા ભૂપત દૂશ્મની પૂરી કરવામાં પણ રાખે છે એ પણ ભુલાવું ન જોઈએ...

ભૂલતા નહીં કે ચોટીલામાં જે કંઈ કરવામાં આવ્યું છે એ કામ એ હેતુથી કરવામાં આવ્યું છે કે ખબરીઓની સાથોસાથ પોલીસની પણ આંખ ખૂલે અને વર્દીધારીઓએ પોતાનાં નાક અકબંધ રાખવાં હોય તો બીજા કોઈ કામે લાગે. એ કરવામાં જ તેમની ભલાઈ છે અને સૌનું ભલું ઇચ્છવું એ ભૂપતસિંહના લોહીમાં છે.

- જય માતાજી

ભૂપતના આ પત્રની સાથે જ ખળભળાટ મચી ગયો હતો.

સૌકોઈ આ પત્રથી અને આ ધમકીથી ગભરાઈ ગયા હતા. અનેક ખબરીઓ તો પોતે અગાઉ કરેલા કાંડ વિશે વિગતવાર યાદી બનાવવા માંડ્યા હતા. અમુક એવા પણ હતા જેમણે ભૂતકાળમાં ભૂપત વિશે પોલીસને માહિતી આપી હોય પણ પોલીસ મોડી પડી હોય કે પછી ડાકુઓને પહેલાં અણસાર આવી ગયો હોય અને ખૂનામરકી અટકી ગઈ હોય. એમ છતાં ભૂપતની માહિતી તેમણે પહોંચાડી હતી એ વાત યાદ આવતાંની સાથે જ એ સૌના પેટમાં ફાળ પડી હતી. અમુક લોકો ગામ છોડીને દૂર રહેવા જવા માટે તૈયારી કરવા માંડ્યા હતા તો અમુક લોકો એવા પણ હતા જે બધું છોડીને પહેલાં પોલીસ પાસે દોડી ગયા હતા.

ભૂપતની ખુલ્લી ધમકીથી સ્વાભાવિક રીતે પોલીસ પણ મૂંઝાઈ ગઈ હતી. પોલીસને સાથ આપશો તો સારાવાટ નહીં રહે એ સંદર્ભના એ પત્ર પછી પોલીસની બોલતી બંધ થઈ ગઈ હતી તો એ જ પત્રમાં પોલીસ વિશે ખુલ્લો ઉલ્લેખ કરીને ભૂપતે આડકતરી રીતે તો પોલીસનું નાક જ કાપી લીધું હતું. પોલીસ કંઈ કરે એ પહેલાં વધુ એક ઘટના એવી ઘટી જેમાં પોલીસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવો ઘાટ ઘડાયો.

€ € €

પ્રતાપની ઉંમર માત્ર બાર વર્ષની અને બાર વર્ષની ઉંમરનો પ્રતાપ માત્ર ને માત્ર સંતાઈ ગયો એમાં તે બચી ગયો. જો એ રાતે તે ભૂપતના હાથમાં આવી ગયો હોત તો તેનાં કાન-નાક પણ હયાત ન રહ્યાં હોત. એવું નહોતું કે ભૂપત બાળપણને આંખ સામે રાખીને ભૂલી જવાનો હતો.

આ એવી ઘટના હતી જે ઘટનાને કારણે ભૂપતના મનમાં અને હૈયામાં રહેલી રહીસહી લાગણી અને પ્રેમ પણ ઊડી ગયાં હતાં, બાષ્પીભવન થઈ ગયાં હતાં. પ્રતાપ સંતાઈ ગયો એટલે તે બચી ગયો, પણ ખોડીદાસના કાકાનો દીકરો જે માત્ર સત્તર વર્ષનો હતો તે નંદવાઈ ગયો. ખોડીદાસના મામા પણ નંદવાઈ ગયા અને તેના કાકા પણ એમાં જ આવી ગયા.

€ € €

પ્રસ્તુત ઘટના પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કોઈ કોઈને મોઢું દેખાડવા રાજી નહોતું. સારું મોઢું ધરાવનારાઓને આ નાક અને કાનકટ્ટાઓ જોવાની ઇચ્છા નહોતી અને કાનકટ્ટાઓની તેમની સામે જવાની હિંમત નહોતી. વાત એ સ્તર પર હતી કે વાંકાનેર પંથકમાં કદરૂપાઓની બોલબાલા થઈ ગઈ હતી. આ બોલબાલા વચ્ચે શરીરે કોઢ હતો તેઓ પણ પોતાની ગરદન ઊંચી કરીને ચાલતા થઈ ગયા હતા અને રક્તપિત્તવાળાઓ પણ પોતાને શહેનશાહ માનતા થઈ ગયા હતા.

કાન અને નાક કપાયેલાઓ શરમના માર્યા મોઢું સંતાડતા થઈ ગયા હતા અને મોઢું સંતાડેલી અવસ્થામાં જીવનારા આ અગિયાર પુરુષો માટે મરવું પણ આકરું થઈ ગયું હતું. મરવાનો વિચાર સરળ હતો અને એની તેમની તૈયારી પણ હતી અને અંતરાત્મા પણ એવું જ કહી રહ્યો હતો. જોકે એ પછી પણ ભૂપતની ધમકી તેમના કાનમાં ગુંજતી હતી.

€ € €

‘કાળુ, આગળ શું કરવાનું છે?’

નાક-કાનની ઘટના ઘટ્યાના અડતાલીસમા કલાકે ભૂપતે કાળુને સવાલ કરીને તેની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનો પ્રશ્ન એ જ સમયે કાળુની સામે આવતો જે સમયે આગળનું આયોજન ભૂપત પોતે જ કરીને બેઠો હોય.

‘તું કહે, શું કરવું છે હવે?’

‘વાઘણિયામાં ધાડ!’

ભૂપતના જવાબની સાથે જ કાળુનું મોં અર્ધખુલ્લું રહી ગયું હતું. વાઘણિયામાં ધાડ પાડવાનો સીધો એક જ અર્થ હતો કે ફોજદારના ઘરમાં જઇને પીપી કરી આવવી.

‘તું પાગલ છે કે શું?’ કાળુએ સ્વાભાવિક વિરોધ નોંધાવ્યો, ‘હજી તો પોલીસને શાતા નથી વળી ત્યાં તારે એ જ જગ્યાએ ધાડ પાડવા જવી છે જે જગ્યા પેલા ફોજદાર માટે ગઢ જેવી છે. ગાંડો થઈ ગ્યો લાગે છે તું...’

‘જગત ગાંડાઓ જ ચલાવે કાળુ...’ ભૂપતે કાળુની સામે સ્મિત કર્યું, ‘ફોજદાર અત્યારે એ વાતની મૂંઝવણમાં હશે કે તેનો કોઈ ખબરી કામ કરવા તૈયાર થશે કે નહીં. એવા સમયે ફોજદાર માટે ભૂપતના વાવડ લાવવાને બદલે ભૂપતને લઈ આવવાનું કામ વધારે અઘરું બની ગયું છે. તું જ વિચાર કર કે અત્યારે ફોજદાર એવી કલ્પના કરી શકે ખરો કે આપણે વાઘણિયામાં જઈને લૂંટ કરીશું.’

ભૂપતની વાતમાં દમ તો કાળુને પણ લાગ્યો.

સામાન્ય રીતે એવું બને કે બહારવટિયો પોતાનું એક કામ પૂÊરું કરીને ફરી નવું કામ એ જ સમયે હાથ પર લે જે સમયે પોલીસ બેખબર બને કે પોલીસ પોતાનું કામ બીજી દિશામાં વાળે, પણ ભૂપત તો એ જ કામ કરવા માગતો હતો જે કામમાં પોલીસ પોતે અત્યારે ગાફેલ હતી.

‘વાત તો તારી સાચી છે, પણ એ કામ કરવામાં ધ્યાન રાખવું પડશે...’

‘હા, ખાસ તો એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ફોજદાર બા-બાપુને હેરાન ન કરે.’ ભૂપતે કાળુને તરત જ કામે લગાડ્યો, ‘એવા ઘરે આપણે ધાડ પાડવી છે જે ઘરને ચૌહાણ પરિવાર સાથે સૌથી વધારે ઘરોબો રહી ચૂક્યો હોય.’

‘સમજાયું નહીં.’ કાળુએ પ્રશ્નાર્થની સાથોસાથ પોતાના મનનો ભય પણ કહી દીધો, ‘અને બીજી વાત, એવું કરવા જતાં ક્યાંક બા-બાપુ નારાજ થઈ જાય એવું ન બને...’

‘નારાજગીનો વિચાર તો એ જ ક્ષણે પડતો મૂકી દીધો કાળુ જે ક્ષણે મીરાનો સાથ છૂટ્યો...’

ભૂપતના અવાજમાં રહેલી ભીનાશ તેના મનની સંવેદનાઓની સાથોસાથ હૈયામાં રહેલી વેદનાને પણ વ્યક્ત કરી રહી હતી.

€ € €

‘ભૂપત, મને લાગે છે કે અત્યારે વાઘણિયાને બદલે નજર આપણે બીજી દિશામાં દોડાવવી જોઈએ.’

પાછા આવ્યા પછી કાળુએ ભૂપતને સમજાવવાનું શરૂ કર્યું હતું. કાળુની એક ખાસિયત હતી કે તે જ્યારે પણ ધાડની જગ્યા ચકાસવા જતો ત્યારે સામે ચાલીને ગામના પોલીસવાળાને પણ મળી લેવાનું કામ કરતો. ગઈ કાલે રાતે વાઘણિયામાં જઈને પણ તેણે એ જ કર્યું હતું. ભૂપતે તો માત્ર એ હેતુથી કાળુને ગામે મોકલ્યો હતો કે તેનાં બા-બાપુજીની શું પરિસ્થિતિ છે. ભૂપતના મનમાં હતું કે બા-બાપુજી જો ગામમાં ન હોય તો આજ રાતે જ ધાડ પાડી દેવી, પણ એવું હતું નહીં એટલે ભૂપતે પોતાની યોજના ચોવીસ કલાક પાછળ ઠેલવી દીધી. જોકે કાળુના પાછા આવ્યા પછી તો કાળુનો આગ્રહ એવો હતો કે જો શક્ય હોય તો આ યોજના જ અત્યારે પડતી મૂકવી.

‘ભૂપત, હું બે હવાલદારને મળીને આવ્યો છું. અત્યારે બધાની આંખમાં તું એકલો કણાની જેમ ખૂંપી રહ્યો છે. મારું કહેવું છે કે અત્યારે આ બધું કરવાનો કોઈ અર્થ નથી. પડતું મૂક આ બધું અને થોડો સમય શાંતિથી ક્યાંક જઈને રહીએ.’

‘પહેલી વાત એ કે તેં માંડીને વાત કરી નથી. બીજી વાત એ કે જો તને એ વાત કરવી જરૂરી ન લાગતી હોય તો મને એ વાત સાંભળવામાં સમય વેડફવો પણ નથી. ત્રીજી વાત એ કે કોઈ યોજના બદલવા માટે હેતુ મક્કમ હોવો જોઈએ. ચોથી વાત એ કે...’

‘ચોથી વાત એ કે કો’ક દિવસ ભાઈબંધની વાત પણ માનવી જોઈએ. દરેક વખતે પછી ઘરની ધોરાજી ન ચલાવવાની હોય.’ કાળુ ઉશ્કેરાયો હતો, ‘તું એક વાર નક્કી કરી લે એટલે એ કામ કરવું જ પડે એવું લખી નથી દીધું. હું કહું એટલું તું અત્યારે માની લે... આપણે વાઘણિયા સિવાયનું જે કોઈ કામ કરવું હોય એ કરીએ...’

‘ભાઈબંધીને વચ્ચે લાવ્યા વિના જ કામની વાત કરીએ તો એ વધારે ઉચિત રહેશે.’ ભૂપતે સહેજ કરડાકી અને સરદારી શબ્દોમાં કહ્યું, ‘કામ તો વાઘણિયામાં જ થશે અને વાઘણિયાના દરબાર જ લૂંટાશે. બાકી વાત રહી તારા મનમાં ચાલતી અવઢવની તો... કોઈ ભાર છે નહીં કે તારે પણ એમાં જોડાવું પડે. આ કામ માટે અમે લોકો જઈ આવીશું.’

€ € €

દિલીપસિંહ અને પ્રતાપ બે એવા હતા જેમના પરિવારને સીધેસીધી ભૂપતસિંહ સાથે દુશ્મની હતી, જેમને સીધેસીધું ભૂપતસિંહ સાથે વેર હતું અને વેરની આ આગ માત્ર ને માત્ર હૈયું બાળતી હતી. જોકે હવે એ આગ પાકિસ્તાન પણ બાળવાનું કામ કરવાની હતી. પાકિસ્તાન બળે એનાથી કોઈને નિસબત નહોતી અને કોઈને એ વાતથી પણ નિસબત નહોતી કે એ આગમાં કોણ જીવ આપે.

‘તો હવે નક્કી શું કર્યું?’

દિલીપસિંહ બાથરૂમમાંથી બહાર આવ્યા. આવીને પહેલો જ સવાલ તેમણે પૂછ્યો અને સામે બેઠેલા બધા મિત્રોની સામે જોયું.

બધા દિલીપસિંહ સામે જોતા રહ્યા અને જોયા પછી સૌકોઈએ આંખો નીચી કરી નાખી. દિલીપસિંહને નીચી નજરથી તરત જ અણસાર આવી ગયો હતો કે ભાઈબંધો પાછા પગ કરી રહ્યા છે.

‘દબાણ કોઈને નથી ને કોઈને માતાજીના સોગનેય નથી. આવશો તો ગમશે, મારું કામ થાશે ને તમારા બધાયનું ફરવાનું થાશે. તમે સમજી-વિચારીને જવાબ આપજો.’

‘અલ્યા, પાકિસ્તાન કાંય ફરવાનું થોડું હોય?’ એક ભાઈબંધ હડકાયા કૂતરાની જેમ ભુરાયો થયો, ‘આપણે કાંય કરવાનું થાતું નથી.’

એક વ્યક્તિએ પાછા પગ કર્યા એટલે બીજા એકને પણ જોર ચડ્યું અને તેણે પણ પોતાનો જવાબ આપી દીધી, ‘આપણેય ક્યાંય આવતા નથી. આપણને કંઈ લાગતું-વળગતું નથી.’

દિલીપસિંહે તેમની સામે જોયું.

‘હં... બીજું કોઈ છે હવે?’

દિલીપસિંહે ધીમે-ધીમે બધાની સામે જોયું અને જોયા પછી તેણે પોતાની બાજુમાં ઊભેલા માણસની સામે જોયું.

‘ડેલી બંધ કરી આવ.’

માણસ હડી કાઢતો ડેલીએ પહોંચ્યો અને તાળું મારીને ચાવી પોતાના ગજવામાં મૂકી દીધી. આ વર્તણૂકથી સ્વાભાવિક રીતે ત્યાં હાજર રહેલા સૌકોઈને ઝાટકો લાગ્યો હતો. એક જણ તો ઊભો થયો અને ઊભા થઈને તરત જ તેણે પૂછ્યું : ‘દિલીપસિંહ, આ શું છે? દરવાજા શેની માટે...’

‘અહીં આવ્યા એમાંથી કોઈ બહાર જઈ નહીં શકે, કોઈને બહાર જવાનો હક નથી. બસ, આ દેખાડવા માટે.’

‘આ બોવ ખરાબ છે બાપુ.’

‘બાપુ ક્યો છો તો પછી બાપ ખરાબ કરે એય હલાવો.’ દિલીપસિંહે બધાની સામે જોયું અને જોરથી અટ્ટહાસ્ય કર્યું, ‘બીજો કોઈ છૂટકો પણ નથી તમારી પાસે.’

€ € €

‘ચાચુ, કુછ હો રહા હૈ ક્યા?’

કુતુબની છાતી ધમણની જેમ કામ કરતી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને પડી રહેલી એ તકલીફ ઇબ્રાહિમને દેખાઈ રહી હતી. ઇબ્રાહિમનો જીવ અધ્ધર થવા માંડ્યો. હજી બે દિવસ પહેલાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને કુતુબચાચાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

‘ચાચા, ચાચા... ડૉક્ટર કે પાસ જાના હૈ?’

ઇબ્રાહિમ ઊભો થઈ ગયો.

 (વધુ આવતા રવિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK