દીવો લઈને પાર થવાનું

મુશાયરા-પ્રવૃત્તિએ અમારા જેવા અનેક રસિકોને ગઝલકાર બનવાની પ્રેરણા આપી છે. મુંબઈમાં રહેતા શાયર સુરેશ ઝવેરીએ સાતમા દાયકામાં બેફામ, શૂન્ય, મરીઝ, સૈફ, ગની, ઘાયલને મન ભરીને માણ્યા હતા. એની અસરમાં તેઓ લખતા થયા અને કલમને પોતીકી મુદ્રાથી રળિયાત કરી. ભાવસજ્જતા સાથે નિતાંત ગઝલસંગ્રહ એકાદ દાયકા પહેલાં આપ્યો. એમાંથી સુરેશ ઝવેરીની જેમ કેટલાંક રત્નોની તારવણી કરીએ...

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કાચઘરમાં માછલીને પૂછજો

ઘર વિશે બહુ સાચવીને પૂછજો

આંખ નીચી રાખનારાને તમે

લાલ જાજમ પાથરીને પૂછજો

ગરીબ હોવું એ જાહેર વેદના છે અને મધ્યમ વર્ગના હોવું એ ખાનગી અકળામણ છે. હાથ લાંબો કરતાં શરમ આવે અને હાથ લાંબો ન કરે તો હસ્તરેખા ભૂંસાવા લાગે. બે છેડા ભેગા કરીને જીવવાની મથામણ લોકલ ટ્રેનમાં લટકતી ફેરફુદરડી ફર્યા કરે. સગવડોની ખેવના કરવાને બદલે ટકી રહેવાને પ્રાધાન્ય અપાતું હોય એવી લાખો જિંદગી આપણી આસપાસ શ્વસતી જોવા મળશે. એમને સહાય ન કરી શકીએ તો કાંઈ નહીં, એમનું સ્વમાન સાચવીએ તો પણ સજ્જનતા લેખે લાગે. પડકારોનાં પારેવાં સાચવીને બેઠેલી જિંદગીએ અનેક અવરોધો પાર કરવાના હોય છે...

એક શરત વરસાદે રાખી

દીવો લઈને પાર થવાનું

ભીંત બનાવી દીધો સૌએ

ધારેલું મેં દ્વાર થવાનું

આપણું ધારેલું બધું થતું નથી. કેટલીક મામૂલી ઇચ્છા ફળે અને કેટલીક મહામૂલી ઇચ્છા વૃદ્ધ થઈ જાય તોય અધૂરી રહે. પગથી ગમે એટલી કિક મારીએ છતાં સ્કૂટર સ્ટાર્ટ ન થાય એમ ઘણાબધા પ્રયાસો કરીએ છતાં જિંદગી ટેક-ઑફ ન થાય. પુરુષાર્થ અને નસીબ સાથે સ્વજનોનો સથવારો પણ મહત્વનો ભાગ ભજવે છે... 

ફૂલોને સૌ ફંફોસીને

એક પતંગિયું છાનું બેઠું

નળિયાને શું ખોટું લાગ્યું!

ઘરના ઘરમાં આઘું બેઠું

દારૂ પીને ઉત્પાત મચાવતો બેકાર પતિ પત્નીની ધોલધપાટને લાયક છે, પણ નિષ્ઠાવાન પ્રયાસો પછી ધાર્યું પરિણામ ન મેળવી શકતો પતિ પત્નીની હમદર્દીને લાયક છે. સ્ત્રી ઘરનો સ્તંભ છે. તેના કારણે જ ઘર ખરેખર ઘર બને છે. અભાવની સ્થિતિમાં અથવા તો અંધશ્રદ્ધાને કારણે ઘણી વાર સ્ત્રી લેભાગુ જ્યોતિષીઓ, બાબાઓ, તાંત્રિકોની ચુંગાલમાં ફસાઈ જાય છે. શાયર એની સામે લાલ બત્તી ધરે છે...

પાર વગરનાં છટકાં જોયાં

જ્યાં ત્યાં ટીલાંટપકાં જોયાં

વિધવા સામે કંકુ કાઢે

અવતારી સૌ બાબા જોયા

ધર્મ જ્યારે બિઝનેસ બને ત્યારે

એમાં શ્રદ્ધાની જગ્યા સ્વાર્થ લે

અને પરોપકારની જગ્યાએ પાંખડ પલાંઠી વાળે. ધર્મનો અંચળો ઓઢીને અધર્મ આચરનારા લોકોને સારા માઈલા અનુયાયીઓ પણ મળી જાય, જે તેમના એજન્ટ બનીને કામ કરે. રાજકારણીઓ સભાઓ ભરવા માટે માણસો ઉઘરાવે એમ ધર્મના અખાડાઓમાં પણ ભીડ એકઠી થઈ જ જાય છે...

સો રૂપિયાના દસદસ મળશે

માગો એવા માણસ મળશે

અંચળો ઓઢીને ફરતા સમાજમાં અનેક ખેલ ભજવાતા રહે છે. આ ખેલ ટકવાનો હોય તો વાત જુદી છે, પણ આ ખેલ અહમ્ને વિસ્તારવાનો છે. પોતાની લીટી મોટી કરવા કોઈની લીટી ભૂંસી નાખવાનો વિચાર સાહજિક ગણાય છે, સ્વાર્થી નહીં.

કેટલા ટૂંકા પનાના થઈ ગયા!

સ્હેજમાં પરખાય છે, લોકો અહીં

કોઈ નાટક મંચ કે પરદા વગર

ક્યારના ભજવાય છે, લોકો અહીં

પ્રત્યેક જણે પોતાના ભાગે આવેલું પાત્ર નિભાવવાનું હોય છે. સમસ્યા એ છે કે ઉપરવાળા દિગ્દર્શકે આપણા માટે વિચારેલી ભૂમિકા આપણે સમજી શકતા નથી. સમજાય છે તો બરાબર ભજવી શકતા નથી. ક્યાંક કશુંક ખૂટે છે એનો અહેસાસ સતત થયા કરે. આ શું ખૂટે છે એનો તાગ મેળવવો એ વિજય માલ્યા પાસેથી પૈસા કઢાવવા જેવો અઘરો ખેલ છે. વાત પૈસામાંથી પ્રેમ તરફ વાળીએ તો આ રમત હાયવોયમાંથી હાશ તરફ વળી શકે... 

સાધારણ મેં વાત કરેલી

એમાં એણે ભાત ભરેલી

કીધું એની આંખોને મેં

નાકાબંધી કેમ કરેલી?

આંખોની નાકાબંધી ભેદવાની મજા જ કંઈક ઑર છે. એને પાર કરો પછી કૌતુકની કુંજગલીમાં પ્રવેશી શકાય. આંખો વાંચતાં જાતે જ શીખવું પડે. એમાં યુનિવર્સિટીની કોઈ ડિગ્રી કામ આવતી નથી...

આંખો તારી વાંચી લીધી

કાગળની રજૂઆત જવા દે

ઝાકળનો મતલબ જાણી લે

ફૂલોની તું જાત જવા દે

ક્યા બાત હૈ

એટલે તો ફૂલની ચાદર નથી!

દોસ્ત, તારા ગામમાં પાદર નથી

સ્મિત સાથે હું ફક્ત જોયા કરું!

આ મને પોસાય એવા દર નથી

કંઈક ખૂટે છે બધાની આંખમાં

આવકારે છે અને આદર નથી

ડર મને આ ગામનો લાગ્યા કરે

સાંભળ્યું છે, સાપના પણ દર નથી

જોઈ લીધું કાચનું ઘર આપનું

આંગળાંની છાપ પણ અંદર નથી

- સુરેશ ઝવેરી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK