આંખનાં આંસુને આંખમાં જ રોકી કઠણ પડે છે કહેવું, I am OK

‘ન આવી? તને મારી યાદ કે દયા કશું જ યાદ ન આવ્યાં? આમ તો હું ઘરની બહાર જરા પગ છૂટો કરવા જતો તોય તું ‘અકેલે અકેલે કહાં જા રહે હો, હમે સાથ લે લો જહાં જા રહે હો’ એવું મીઠું ગાતી ને હવે એકલી ઊપડી ઉપર? યુ આર દગાખોર.’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


ચંપકલાલ ચંપાબાની હારવાળી તસવીર સામે હૈયું ઠાલવતા હતા, ‘મારી ડોબી, તારી વિદાયને આજે એક મહિનો પૂરો થયો, પણ મનને કેમ સમજાવવું કે ચંપકિયા, તારી ચંપા હવે ભીંત પર ટીંગાડેલી છબી બની ગઈ. તારો પ્રેમ હવે ફ્રેમમાં પુરાઈ ગયો. કેવું બોલતી તું? ચંપક, હું તારી ઍન્ટિક રોમૅન્ટિક પીસ છું, જેને પાનખરમાં પણ વસંત બનીને ખીલવું છે, મહેકવું છે. હું ચળકતી વાઇટ સાડીમાં પરી જેવી લાગતી ને તું ગાતો, ‘અપ્સરા કોઈ આએ તો દેખૂં નહીં.’ પછી મને તારી બાહોંમાં સમાવી આપણા પ્રેમને આકાશ સુધી પહોંચાડતો. ચંપા, સાલું, કોની નજર લાગી આપણા પ્રેમને? તેં મને થોડા વખત પહેલાં સાથે હરદ્વાર જવાનું વચન આપેલું ને મને મૂકીને તું હરિના દ્વારે પહોંચી ગઈ? વેરી બૅડ. ચંપા, જિંદગીની તમામ દલીલમાં હું તારી સામે હાર કબૂલ કરતો, પણ આજે તો તારે હાર સ્વીકારવો પડશે? બોલ કરવી છે દલીલ? અરે બોલને?’

તસવીરને હાર પહેરાવી આગળ બોલ્યા, ‘તું શું બોલે ડોબી, તારી બડબડ કરતી અઢી ઇંચની જીભલડીને ઈશ્વરે કાયમ માટે બોલતી બંધ કરી દીધી.’ ચંપકલાલના ગળે ડૂમો ભરાયો.

‘મને બરાબર યાદ છે એ દિવસ. આપણા દીકરા ચંબુ અને તેની વહુએ તને સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટી આપવાનું નક્કી કરેલું ને એ જ દિવસને મૃત્યુ-ડે બનાવી તેં જ મોટી સરપ્રાઇઝ આપી. તારા જન્મદિને તેં જેવી નાનકડા હૉલમાં એન્ટ્રી કરી ને ઢેનટણેન કરતું ‘જોધા અકબર’નું સ્વાગત મ્યુઝિક વાગ્યું ને તું? કેવી ડઘાઈ ગઈ, આનંદ અને આર્યથી ભરેલો તારો ખુશખશાલ ચહેરો ને આંખમાં હરખનાં આંસુ. વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દીધું. ‘જન્મદિન મુબારક બા,’ ‘આશિષ આપો બા’ પછી ચંબુડાની દીકરીએ કહ્યું, ‘દાદી, આજે તો તમે પણ ગાઓ.’ અને તું શરમાઈ ગઈ. બા તને ગમતું ગીત ગા ને તેં ‘છોડ ગએ બાલમ, મુઝે હાય અકેલા છોડ ગએ’ ગાયું. પણ બધાને આ ગીત ક્યાં આવડતું હતું? પછી છોકરાઓના આગ્રહને માન આપી અમારા બધાની ખુશી માટે તારા બોખલા મોઢામાંથી ઘરઘંટી જેવા અવાજે ‘સૈયાં દિલ મેં આના રે આ કે ફિર ના જાના રે’ ઉપાડ્યું ને સાલું તું જ જતી રહી. તને શરમ ન આવી? મારી દયા ન...’

આગળના શબ્દો ચંપકલાલનાં આંસુમાં જ દબાઈ ગયા...

‘એ દિવસે ચંબુડાની વહુ બોલી, બા, આ સળગતી મીણબત્તીને ફૂંક મારી ઓલવી કાઢો; જોરથી, બા હજી થોડી જોરથી ફૂંક મારો ને તેં એવી જોરથી ફૂંક મારી કે મીણબત્તી નીચે પડી ને તારી સાડીના પાલવને ઝાળ લાગી. આ તો મીણબત્તીને બદલે તું સળગવા લાગી. ફૂલ બને અંગારેની જેમ જ્યોતિ બની જ્વાલા, મીણબત્તીને બદલે તું જ ભડભડ કરતી બળતાં-બળતાં ઓલવાવા લાગી. મગજમાં ખાલી ચડી ગઈ. માથે આભ તૂટી પડ્યું. જોતજોતાંમાં તું માણસમાંથી ધુમાડો ને ધુમાડામાંથી રાખ બનવા લાગી. હજી તો શરૂ જ કરવાનું હતું, ‘તુમ જીઓ હઝારોં સાલ, સાલ કે દિન હો પચાસ હઝાર, પણ તું તો પચાસ સેકન્ડ પણ ન રોકાણી. ચંપા, લોકોને તો મર્યા પછી બાળવામાં આવે છેને તું? તું તો બળીને મરી ગઈ. તારી એ બળેલી રાખની નનામી કેમ બનાવવી? ચાલ ચંપા.’

આંખનાં આંસુ સાથે ચંપકલાલ આગળ બોલ્યા, ‘મીણબત્તી ભલે ન ઓલવી, પણ તારી સામે આજે આ દીવો કર્યો છે એ ઓલવી બતાવ. બોલ, ઓલવી શકીશ? અરે જોજે, પાછી ટ્રાય ન કરતી, મારામાં બીજી વાર તને બળતી જોવાની તાકાત બચી નથી. ચંપા, તું જ કહેતી, જિંદગી જીવવા જીદ કરાય, પણ એ જીદ કરતાં જિંદગી ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. જોકે તારી તો બધી જીદ જીતમાં જ પલટાતી, મને જિવાડવામાં પણ તારી જ જીદ.’

વહેતી નદીની જેમ ચંપકલાલનાં આંસુ વહી રહ્યાં હતાં.

મન અતીતમાં પહોંચ્યું, ‘મારી ચંપા, મીઠું લડતી ને લાડ પણ લડાવતી, તમને કેટલી વાર કીધું કે મીઠાઈ ખાવાથી ડાયાબિટીઝ વધે...

બ્લડ-પ્રેશરની ગોળી લીધી? ચોકઠું અહીં મુકાય? ચશ્માં વગર દેખાય નઈને ચશ્માં જડે નઈ? આપણે પસ્તીની દુકાન કરવાની છે? કેટલાં છાપાં...તમારું કે તમારી વસ્તુનું કોઈ ઠેકાણું છે? હાથમાં લાકડી રાખતાં શું થાય છે? આ ઉંમરે કોઈ હાથ નઈ પકડે, આ લાકડી ત્રીજો પગ છે. હે પ્રભુ, હું વહેલી જતી રહીશ તો તમારું શું થશે? આવું બધું બોલીને ડોળા કાઢતી હતીને? અરે! આ ફોટોમાં તારી આંખો ખુલ્લી હોવા છતાં જોઈ શકે છે? અરે જોઈ જ શકતી નથી તો ડોળા તંબુરામાંથી કાઢીશ.’

ચંપકલાલનો અવાજ તરડાતો ગયો, ‘જો બકા, બધા જ શાહી રોગો મારા દોસ્ત બનીને બેઠા તો મારે જવાને બદલે તારે જવાનું? પચાસ વર્ષની આપણી દોસ્તીને આમ પચાસ સેકન્ડમાં એક ઝાટકાથી છોડી દેવાની? જરાય દયા ન આવી? સ્વાર્થી નઈ તો? જો તેં કિટ્ટા ભલે કરી, મેં નથી કરી? સમજી? ચંપા પ્લીઝ, ઝઘડને યાર મારી સાથે, મારા પર ગુસ્સો કરને? મને તારા ગુસ્સાની આદત પડી ગઈ છે. આઇ નો કે આ આદત સારી નથી, પણ તેં પાડી છે. તું કાન ખોલીને સાંભળી લે, તું લડતી નથી એ માટે પણ હું તારી સાથે લડીશ અને તું મને ઢીલો સમજે છે કે હું તારા વગર જીવી નઈ શકું? જોજે તો ખરી, હું ખૂબ મીઠાઈ ખાઈશ, ભલે રોગ વધતા, દવા છોડી દઈશ. જોઉં છું મને કોણ રોકે છે. જલદી-જલદી તારી પાસે આવું છું તારા છણકા સાંભળવા, તારી બાજુમાં જ મારી છબી ગોઠવાઈ જશે. હાલ હું જરાય રડીશ નઈ તું જયાં સુધી ખિજાઈશ નઈ, ડોળા નઈ કાઢે ત્યાં સુધી.’

બસ. એટલું બોલી ચંપકલાલે ભીંત પરથી તસવીર ઉતારીને છાતીએ લગાડી ‘શોલે’ના અમજદ જેવું અટ્ટહાસ્ય કરી બૂમો પાડવા લાગ્યા, ‘નઈ રડું, જા, તારાથી થાય એ કરી લે.’ અને ચહેરો આંસુના સાગરથી છલકાઈ ઊઠ્યો. ચંપાબાની તસવીરમાં છુપાયેલી આંખોમાં ચંપકલાલના આંસુ ખડખડાટ હસીને નઈ રડું નઈ રડુંની બૂમો પાડતા જ રહ્યા. ત્યાં ‘છોડ ગએ બાલમ’નો રિંગટોન ચંપકલાલના મોબાઇલમાં રણક્યો.

રડતાં-રડતાં હસી પડે ભૈ માણસ છે,

હસતાં-હસતાં રડી પડે ભૈ માણસ છે.

લખતાં-લખતાં અટકી પડે ભૈ લેખક છે.

વાંચતાં-વાંચતાં અટકી પડે ભૈ વાચક છે...


ખૂબ જ કઠિન હોય છે આંખોનાં આંસુને આંખમાં જ રાખીને ‘I am ok’ કહેવું.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK