ગોષ્ઠિનું સુરતી ગૌરવ

સુરત સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધબકતું શહેર છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


મુંબઈની સરખામણીમાં અહીં સર્જકો અને ભાવકો બન્ને ચાલીસીની નીચેના જોવા મળે એનું અહો આર્યમ્ છે. સુરત મહાનગરપાલિકાએ નિયમિત રીતે ગુણવત્તાસભર નાટ્યસ્પર્ધા અને મોટા પાયે પુસ્તકમેળાનું આયોજન કરી એક આદર્શ દાખલો બેસાડ્યો છે.

સુરત મહાનગરપાલિકા, સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ તથા કાવ્યગોષ્ઠિના ત્રિવિધ ઉપક્રમે દર મહિને નિયમિત યોજાતી ગુફ્તગો-કાવ્યગોષ્ઠિની ગોલ્ડન જ્યુબિલી-પચાસમી બેઠક સુરતની પ્રતિષ્ઠિત નર્મદ લાઇબ્રેરીમાં ગયા રવિવારે સંપન્ન થઈ. કવિમિત્ર ડૉ. વિવેક ટેલર પાસેથી સુરતની ઘારીને બદલે સુરતની શાયરી મંગાવી અહીં મૂકી છે.  

પ્રભુ! જો વેણુ કુરુક્ષેત્રમાં વગાડી હોત

ઘણાં હૃદયમાં કરુણા તમે જગાડી હોત


દેવાંગ નાયકનો આ શેર એક નવો જ ઉપાય દર્શાવે છે. કૃષ્ણની વાંસળી સાંભળીને ગોકુળ ઘેલું થતું હતું તો કુરુક્ષેત્રમાં ખડકાયેલી સેના પણ એની અસરમાં આવી જ હોત. કદાચ વાંસળી સાંભળી વેરઝેરના પ્રમાણમાં ઓટ આવી હોત. આવું ન થયું, કારણ કે કૃષ્ણએ વાંસળી છોડીને સુદર્શન હાથ પર ધરેલું. સ્થળ અને કાળ પ્રમાણે કેટલાક કઠોર નિર્ણય લેવા પડતા હોય છે.

યોગી આદિત્યનાથની સરકારે એક પછી એક મક્કમ નિર્ણય લઈને ગેરકાયદે કામ કરનારા મનસ્વીઓ, આળસુ અધિકારીઓ, ભ્રષ્ટાચારીઓ અને અસામાજિક તkવોમાં સોપો પાડી દીધો છે. નેગેટિવ પ્રતિષ્ઠા ધરાવતી ઉત્તર પ્રદેશની પોલીસ પૉઝિટિવ કામો કરતી થઈ ગઈ છે. પરીક્ષામાં નકલનો નક્સલવાદ ચલાવતી પરીક્ષક-નિરીક્ષક-આચાર્ય-શિક્ષણ અધિકારીની મિલી ભગતને પડકારવામાં આવી છે. સરકાર પાસે કામ કરવાની નિષ્ઠા હોય તો કામ થઈ શકે છે એવું ઉદાહરણ જનતા સામે ઊભરી આવ્યું. સો વાતની એક વાત, હિતેશકુમાર તપસ્વી કહે છે એ હિંમત કેળવવી જરૂરી છે...

મ્યાનમાંથી જાતે નીકળીને એ ખુદ વીંઝાય નૈ

હામ હૈયે રાખવી, એ હોય ના તલવારમાં


ખેડૂતોનું તોસ્તાન દેવું માફ કરીને તેમને હાશ આપવામાં આવી છે. આર્થિક નિષ્ણાતો આ પ્રકારની સખાવતને અર્થતંત્રની વિરુદ્ધ ગણે છે. આપણે મોટું મન રાખીને એ તર્કથી વધાવી લઈએ કે સેંકડોની સંખ્યામાં વિદ્યમાન રાજકારણીઓ અબજો રૂપિયા બનાવે છે એની સામે કરોડોની સંખ્યામાં સબડતા ગરીબ ખેડૂતોની લોનમાફી ખોટી નથી. ગુણવંત ઠક્કર ‘ધીરજ’ની વાત ધ્યાનમાં રાખવા જેવી છે...  

ચામડીથી એ સાંધવાય પડે

જ્યાં સંબંધો સિલાઈ માંગે છે


ઉત્તર પ્રદેશ અને કાશ્મીર હમણાં લાઇમલાઇટમાં છે. એક એના કરવટ લઈ રહેલા કરિશ્માને લીધે તો બીજું એનાં કરપીણ કરતૂતોને લીધે. કાશ્મીરમાં ચેનાની-નાશરીની ૧૦.૯ કિલોમીટર લાંબી ટનલ દેશને અર્પણ થઈ એમાંય અલગતાવાદી નેતાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો. સુષમ પૉલ નિર્દેશ કરે છે એવી હકારાત્મકતા અઘરી છે, પણ અશક્ય નથી.   

કરતા પ્રહારો લોક સૌ જેના વડે એ સાચવી

ઊભો રહ્યો છું વિઠ્ઠલાની જેમ હું પણ ઈંટ પર


વિઠ્ઠલ શું કામ ધરતી ઉપર અવતરતા હશે? ભગવાને સ્વર્ગમાં બેસી લીલાલહેર ન કરવી જોઈએ? અહીં પૃથ્વી પર આવે એટલે અહીંના કાયદા પ્રમાણે ચાલવું પડે. વહાલની સાથે વેદના પણ પચાવવી પડે. પ્રેમ સાથે પીડા પણ ભોગવવી પડે. આવું બધું કરવાની તેમને જરૂર શી છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુરેશ વીરાણી એક વાત્સલ્યસભર રહસ્ય ઉજાગર કરે છે...

સ્વર્ગમાં હાલરડાં એને સંભળાવે કોણ?

તેથી ઈશ્વર પણ કનૈયો થઈ પધારે છે


ઊંઘ બહુ મોંઘી જણસ છે. જેને ન આવતી હોય તે જ એની બેચેની સમજી શકે. ઇમારતોને પોતાની ઊંઘ હોતી હશે? વિવેક મનહર ટેલર એનું પગેરું પામવાનો પ્રયાસ કરે છે...

વખાઈ ગઈ હશે ગઈ કાલ નક્કી કોક કમરામાં

થયાં વર્ષો છતાં ક્યાં ઊંઘ આવી છે હવેલીને?


દુન્યવી ગણતરીઓની પાર જઈએ ત્યારે દિલની દુનિયામાં પહોંચાતું હોય છે. આસિફ ખાન આસિર એક એવા અવગુણને પડકારે છે જેનું ભસ્મીકરણ આપણને ભાવસભર અનુભૂતિ કરાવી શકે...

ભીતર સુધી હું જેના થકી જોઈ શક્યો છું

એ તો બળી રહેલા અહમનો ઉજાસ છે


ક્યા બાત હૈ


બહુ વિચારે એને માટે વેસ્ટ છે

માણવા માંડો તો જીવન બેસ્ટ છે

આગનો દરિયો નથી તરવો હવે

એના એક ટીપાનો અમને ટેસ્ટ છે

પથ્થરોના જંગલોમાં દોડતા

પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે?

આપણે યજમાન થઈ રહેવું સદા

સુખ અને દુ:ખ જિંદગીમાં ગેસ્ટ છે

ફર્સ્ટ સન્ડે પંખીઓ ટહુક્યા કરે

શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે

- જય કાંટવાલા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK