મરીઝનું પુનરાગમન

મરીઝની સંપૂર્ણ શાયરીનો સમાવેશ કરતો ગ્રંથ ‘પુનરાગમન’ જુલાઈમાં પ્રગટ થયો.અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

૧૯ ઑક્ટોબરે મરીઝસાહેબની પુણ્યતિથિ છે ત્યારે તેમને આગોતરી શબ્દાંજલિ આપીએ. આ ગ્રંથનું સંપાદન અપૂર્વ આશરે કર્યું છે અને યુનિક વાત એ છે કે એમાં મરીઝના એવા શેરોનો સમાવેશ પણ થયો છે જે અગાઉ ક્યારેય ગ્રંથસ્થ નથી થયા. આજે મરીઝસાહેબની ડાયરીનાં પાનાંમાં કે ચબરખીમાં સચવાયેલા શેરો વાચકો સામે ઉજાગર કરતાં હૈયું ગજ-ગજ ફૂલે છે. 

શબ્દો સિવાય શું હતી મારી ગઝલ મરીઝ

ઊર્મિ પ્રવેશી એમાં અને એ કલા બની

કોઈ પણ સર્જન માત્ર ગૂંથણી કે કસબના કારણે યાદગાર નથી બનતું. જ્યાં સુધી સંવેદનાનું પોત એમાં પરોવાય નહીં ત્યાં સુધી એમાં આયુષ્ય ઉમેરાય નહીં. શબ્દકોશમાંથી શબ્દો ટિક કરી એને એક કાગળ પર ગોઠવી નાખવાથી સર્જન નથી થતું. સર્જક એમાં પોતાનું અનુભવવિશ્વ અને ભાવવિશ્વ પરોવે ત્યારે ઘાટ ઘડાતો હોય છે. મરીઝનો આ શેર બોલચાલની ભાષામાં કેટલી સરસ વાત કહી જાય છે... 

આજે અગર ન આવે તો કાલે જરૂર આવ

મારા જીવનમાં બાકી ફક્ત આજકાલ છે


આજ આપણા વશમાં ન હોય અને કાલ આપણા હાથમાં ન હોય ત્યારે કાર્ય પાર પાડવા બેસી ન રહેવાય. પ્રતીક્ષાને પણ એક છેડો હોવો જોઈએ નહીં તો અસમંજસની સ્થિતિમાં અટવાઈ જઈએ. ઝાડની ડાળીએ અટવાયેલો પતંગ પડે પણ નહીં અને ફાટે પણ નહીં. અનિર્ણીત અવસ્થામાં જીવવું બહુ આકરું હોય છે. કેટલીક વાર હિસાબ હાંસિયા કરતાં પણ વધારે લંબાઈ જાય. 

દે ઓ ખુદા સમય કે હું ચૂકતે કરું હિસાબ

આ ફેરાનું જીવન, જરા જનમોજનમ રહે


પૂર્વજન્મ હોય તો આપણને યાદ નથી અને આવતો જન્મ  હશે તો ક્યાં અને કેવો હશે એનું કોઈ અનુમાન નથી. ઘણાં રહસ્યો એવાં ગૂઢ છે કે યુગો થયા છતાં એમનો કોઈ સ્પક્ટ ઉત્તર મળતો નથી. ઋષિઓએ તપ કરીને અનેક તારણો આપ્યાં છે, પણ જ્યાં સુધી આપણને અનુભૂતિ ન થાય ત્યાં સુધી એ તારણો ઉપદેશ બનીને રહી જાય છે. મરીઝ કુદરતના સંકેતો સાથે આ સમજણને સાંકળી લે છે...

આ વમળ, વંટોળ, ગોટા, ચક્રનો અભ્યાસ કર

જળ, હવા, અગ્નિ, ધરા ચારે અહીં ચક્કરમાં છે


આવડી મસમોટી પૃથ્વીને કોણ ફેરવે છે? માતાના ગર્ભમાં કઈ ક્ષણે જીવ પ્રવેશે છે એ ખબર નથી પડતી. દેહ પ્રાણ છોડે પછી ક્યાં જાય છે એના વિશે અનેક સંશોધનો થયાં છે છતાં કોઈ પ્રતીતિકર નિષ્કર્ષ મળતો નથી. રસ્તામાં નાનકડું બીજ અમથું આથડતું હોય છતાં એનામાં વૃક્ષ થવાની શક્યતા રહેલી હોય છે. નદી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આખરે દરિયા સુધી પહોંચી જ જાય છે. ચંદ્ર અને દરિયા વચ્ચે લાખો કિલોમીટરનું અંતર હોવા છતાં એની અસર મોજાં પર પડે છે. આ બધું કોણ કરે છે એ પ્રશ્નનો ઉત્તર આપવો સહેલો છે, પણ સમજવો અઘરો છે.

સાલે છે ક્યાંક ક્યાંક જરા ગેરહાજરી

બાકી છે કઈ જગા કે જ્યાં મારો ખુદા નથી


જિંદગીમાં કેટલીક ક્ષણો એવી આવે કે અવાક થઈ જવાય. આઘાત હોય તો એ હતાશામાં ફેરવાઈ જાય. ગુનો પકડાઈ જવાની ક્ષણ હોય તો અંજામ નજર સામે તરવરવા લાગે. મરીઝ અત્યંત નાજુક ક્ષણને પકડે છે...

હમણાં ન બોલ કે તારી એ માપે છે સ્તબ્ધતા

હમણાં કોઈયે વાત બનાવી નહીં શકે


જિંદગીમાં જટિલ થવું સહેલું છે, પણ સરળ થવું અઘરું છે. આપણા વિચારોમાં પણ અનેક સ્તર હોય અને સ્વભાવની પણ અનેક પરત હોય. કેટલીક વાર તો એને ઉકેલવી આપણા માટે પણ અઘરી બની જાય. ભીતર અને બહારનો કોઈ મેળ ખાતો ન હોય.

મારો સરળ છે પ્રેમ, સરળતાની દાદ દે

જે જે હતી પરીક્ષા બધી આકરી ગઈ


પરીક્ષાખંડમાં બેઠા હોઈએ અને અગિયારને ટકોરે પ્રશ્નપત્ર આપણા હાથમાં આવી જાય એ રીતે જિંદગી પરીક્ષા લેતી નથી. એ તો ગમે ત્યાંથી સણસણતું તીર છોડી ઊંઘતા ઝડપી લે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાવાઝોડું આવે એ પ્રમાણે જિંદગીમાં આપત્તિ આવતી નથી. ઑન ધ સ્પૉટ થતા સોદાની જેમ એ ગેમ કરી નાખે. એલ્ફિન્સ્ટન સ્ટેશને ૨૩ જણનાં મૃત્યુ સ્ટૅમ્પેડમાં થયા એની કલ્પના કોઈને નહોતી. જિંદગીનું સરવૈયું સેટ કરવાનો સમય મળે એ પહેલાં જ ખાતું ક્લોઝ થઈ જાય.

ઓ બુદ્ધ હું તજું છું સકળ ઘર કહ્યા વિના

છું અંતકાલે તારી બરાબર કહ્યા વિના


ક્યા બાત હૈ


અનોખી આરઝૂ આપે છે એને

જીવન પણ એક જુદું આપે છે એને

સમજશક્તિ નથી જેનામાં હોતી

સહનશક્તિ પ્રભુ આપે છે એને

સમજાતું નથી તારી આ કુદરત શું છે?

કોની તને પરવા અને દહેશત શું છે?

પાપી છીએ સંતાડીએ મોઢું તો અમે

અલ્લાહ તને પરદાની જરૂરત શું છે?

સંતાપ બેશુમાર છે રાહત એક જ

સર્વત્ર અદાવત છે, મહોબત એક જ

દાતા આ કેવું દાન છે કે દુનિયામાં

દોઝખ તો હજારો અને જન્નત એક જ

છે ખેંચતાણ એનાથી જગ ચાલે છે

દેહ મારો અલગ, પ્રાણ અલગ ચાલે છે

મૃત્યુનો તરફડાટ ગનીમત છે, મરીઝ

હમણાં સુધી તો હાથ ને પગ ચાલે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK