રાવણના દસ ચહેરા, પણ બધા બહાર આપણા અસંખ્ય ચહેરા, પણ બધા અંદર

તાણી-તાણીને તૂટી ગયા કે સબકો સન્મતિ દે ભગવાન, પણ સાંભળે એ બીજા.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


અરે આ ભગવાન પણ ખરો છે

યાર, સાલું વર્ષોથી આપણે રાગોડા


તાણી-તાણીને તૂટી ગયા કે સબકો સન્મતિ દે ભગવાન, પણ સાંભળે એ બીજા. અલ્યા ભૈ માણસ, આ ભગુભાઈ પાસે બુદ્ધિનો ભરચક સ્ટૉક હોવા છતાં પેલા સત્યનારાયણની કથાના પ્રસાદની જેમ જરા-જરા મગજમાં મૂકી. હી ઇઝ વેરી મચ કંજૂસ. મેં એક વાર મંદિરમાં જઈ કીધું પણ ખરું કે ભૈ ભગુ, કાવાદાવા તો અમારે માણસોએ કરવાના છે, રમવાના છે તો બુદ્ધિની જરૂર તો અમારે હોય કે તારે? તારે તો ફક્ત અમને અલગ-અલગ મૉડલ ઘડી નીચે મોકલવા પૂરતી બુદ્ધિ જોઈએ. પણ જવા દો યાર, તે આ જગતનો સરમુખત્યાર છે. ને ધણીનું કોઈ ધણી નથી અને તેની સામે આંદોલન છેડી સામે પડીએ તો ભડકીને તેની પાસે બોલાવી લે. અને બુદ્ધિ બજારમાં વેચાતી મળતી નથી. કબૂલ કે તેની પાસે ગયા પછી બુદ્ધિની નઈ પણ શુદ્ધિની જરૂર છે. પણ અહીં છીએ ત્યાં સુધી તો જરૂર પડે કે નઈ? ખાનગીમાં કહું તો બુદ્ધિ આપવાના બૅલૅન્સમાં તેણે પણ લોચો જ માર્યો છે. કેમ? અરે કેમ શું વળી, તેણે પેલા બીરબલના ભેજાને બુદ્ધિથી છલોછલ ભરી તો દીધું છતાં તેનાથી એટલી બુદ્ધિ તો આપવાની રહી ગઈ કે તે અકબરનું સ્થાન લઈ શકે. પ્રધાન બન્યો, પણ રાજા બનવાનું નસીબ તો અકબરને આપ્યું... આને બીરબલનું ઘોર અપમાન કહેવાય.

ખેર આપણને જેટલી અને જેવી આપી એ સમજીને વાપરવી, પણ આપણે બીજાની બુદ્ધિ ઉપર જીવીએ છીએ. પોતાની તો બુદ્ધિ પણ ટ્રાન્સફરેબલ છે. જુઓ સમજાવું. હમણાં નવરાત્રિ ગઈ ત્યારે દેશમાં ચારે બાજુ GST, મોંઘવારી, ગાંડો વિકાસ અને બુલેટ ટ્રેનની  ચોવીસ કલાક અખંડ ધૂન ચાલી. એમાં એક ગરબો તો વળી ખૂબ ખીલ્યો : મુંબઈથી બુલેટ આવી રે ઓ મોદીલાલા.. નવ દિવસના ઉપવાસ પછી મેં જેવું વૉટ્સઍપ ખોલ્યું તો ધડધડધડધડ કરતા માતાજીઓના ફોટોવાળા ૩૪૭ મેસેજનો ઢગલો. આખો મોબાઇલ ભક્તિમય બની ગયો એટલે ઘણા મેસેજ તો બૂટચંપલ ઉતારી વાંચવા પડ્યા. દશેરાના દિવસના એકસરખા એંઠા એક્યાસી મેસેજ - ‘આજે તમે તમારા અંદરના રાવણને બાળજો’. પણ લોચો એ હતો કે મેં કે  મારી ૧૨૫ પેઢીથી કોઈએ રાવણનો જોયો નથી. તે ક્યાં નોકરી કરે છે કે ધંધો કરે છે? તો પછી તે મારી અંદર ગયો કઈ રીતે? શું કામ? આગળ વિચારું ને જોઉં ત્યાં તો મારો મોબાઇલ ટહુક્યો - હેલો મિ. રાવણ, અરે સૉરી સૉરી મિસ્ટર ઠાકર, યુ નો મિસ્ટર રાવણ?

તેનું નામ સાંભળ્યું છે, પણ રૂબરૂ મળ્યો નથી. તેનું પૂરું નામ? બાપુજીનું નામ? સરનેમ? અને બાયોડેટા શું?

અરે રાવણ એટલે રાવણ એમાં બાયોડેટા શું, તમે મશહૂર રાવણને નથી ઓળખતા?

અરે આપણા આ ચંબુપ્રસાદ નાનકો તો નઈ? મૂળ નામ રાવણ હોય.

પ્લીઝ ઠાકર, મને આત્મહત્યા કરવાનું મન થાય એવા જવાબ ન આપો.

અરે, રામની ખબર છે કે રામનવમીએ જન્મદિવસ છે, પણ રાવણનવમી કે રાવણ જયંતી સાંભળ્યું જ નથી.

અરે રાવણ એટલે લંકાનો રાજા, મંદોદરીનો ધણી, શિવનો ઉપાસક, રામનો દુશ્મન, કુંભકર્ણ-વિભીષણનો ભાઈ, અરે જેણે સીતાનું અપહરણ કર્યું અને જે પોતે કેટલી પીડાઓથી પીડાતો. તેને દસ માથાં હતાં. દસ માથાંને કારણે તે શૌચાલયની અંદર જઈ શકતો નહોતો, જે લાઇફટાઇમ ટી-શર્ટ ન પહેરી શક્યો, જે આડે પડખે સૂઈ પણ ન શક્યો. અરે માથું દુખે ત્યારે દબાવવા માટે મંદોદરીની મૂંઝવણ વધી જતી. સાત નંબરનું માથું દુખે તો મંદોદરી ત્રણ નંબરનું દબાવે. માથા પર લગાવવા બે કિલો બામ પણ ઓછો પડે. તેને સુખ માત્ર એ કે તે કોરસમાં એકસાથે ગીત ગાઈ શકતો. હજી કેટલી ઓળખાણ આપું? અરે જેને તમે દર વર્ષે ગલીએ-ગલીએ, પોળે-પોળે, ચોકના નાકે-નાકે સળગાવો છો. કયો  મોટો વાંક હતો? તમે બધા તમારી જાતને રામ સમજો છો? તમે ઘરમાં જ રામ, બહાર નીકળ્યા ને તરત જ નજર... અરે રાવણના દસ ચહેરા, પણ બધા બહાર તો દેખાતા હતા. તમારા તો અસંખ્ય ચહેરા, પણ બધા અંદર. કોઈ જોઈ ન જાય, કોઈ ઓળખી ન જાય, કોઈ જાણી ન જાય. છટ્... તમને રાવણને સળગાવતાં દયા ન આવી?

તમે ભડકો નઈ, અલ્યા ભૈ અમે તો દર વર્ષે ઘણાબધાને સળગાવીએ છીએ. એની અંદર રાવણ હોય કે રામ હોય, અમે ઓળખતા નથી. એમ બધાને યાદ રાખીએ તો અમારે જ જલદી સળગવું પડે સમજ્યા? અમારે તો જેના જીવનની જાત્રા અને વાર્તા પૂરી થાય પછી એક વાર બાળ્યો એ બાળ્યો.

એક્ઝૅક્ટ્લી. તમે એક વાર સ્મશાનમાં બાળ્યો એ બાળ્યો, પછી કોઈને બીજી વાર સળગાવ્યો? નઈને? તો પછી દર દશેરાએ રાવણને સળગાવવા શું મંડી પડ્યા છો. અરે જાહેરમાં જો તેને દર વર્ષે સળગાવો તો રાવણ કરતાં પણ ખરાબ એલણટપ્પુઓ કંસ, દુયોર્ધન કે ભરી સભામાં દ્રૌપદીની ઇજ્જત લૂંટનાર દુ:શાસનને એક વાર પણ સળગાવ્યા? ના. અરે બેનોમાં પેલી મંથરા કે શૂર્પણખાને કોણ અમારા બાપુજી સળગાવશે? તો આ બધાને એક વાર પણ ન બાળો ને રાવણને દર વર્ષે... ગલીએ-ગલીએ? વાય? વૉટ્સ રૉન્ગ વિથ રાવણ? અરે જે રાવણે સીતાજીને માતાની જેમ સાચવ્યાં, અરે ભલે તે મર્યાદાપુરુષોત્તમ ન કહેવાયો, પણ તેની મર્યાદા મર્યાદાપુરુષોત્તમ રામથી ઓછી નથી. ભલે તે લક્ષ્મણરેખા ઓળંગી સીતાજીને લાવ્યો, પણ ચરિત્રની લક્ષ્મણરેખા ઓળંગી નથી છતાં દર વર્ષે સળગાવવો પડે છે? આ હળહળતો અન્યાય છે જનાબ. છે જવાબ?

પૉઇન્ટ ટુ બી નોટેડ બકા, પણ રાવણ મારી માસીનો દીકરો છે? મંદોદરી મારાં ભાભી છે? રામ મારા સાળા છે? વિભીષણ કે કુંભકર્ણ મારા સાઢુભાઈ છે? તમે કોર્સ બહારના સવાલ કરી મારા મગજની મેથી ન મારો. મને વૉટ્સઍપ આવ્યો કે તે મારામાં બેઠો છે તોય મેં જોયો નથી. મેં મારા પરિવારને કહી દીધું છે કે મારે દેહદાન કરવું છે, કારણ કે ચિતામાં સળગાવી દે ને ચોર્યાસી લાખ ફેરામાં પ્રભુ આવતા ભવે તો પંખી બનાવે તો મારે માળો ક્યાં બનાવવો? ચિતામાં લાકડાને તો વગર કારણે આપણી સાથે સળગવું જ પડે છેને? છતાં બૉસ કંઈક તો દુગુર્ણ હશે કે રાવણને દર વર્ષે બાળવો પડે...

હા ઠાકર, તે બધી જ રીતે અહંકારથી ભરેલો અને તેની બુદ્ધિનો પણ અહંકાર. બુદ્ધિપૂર્વક સીતાજીનું અપહરણ કરી પ્રભુ રામ સાથે વેર કર્યું, કારણ કે પ્રભુ રામના હાથે મૃત્યુ પામી મુક્તિ મેળવવી હતી. બધાનાં નસીબ ક્યાં પ્રભુના હાથે મુક્તિ મેળવવાનાં હોય છે. એ માટે...

એક મિનિટ, તું રાવણની આટલીબધી ફેવર શું કામ કરે છે? રાવણ સાથે તમારે શું સંબંધ? અને મને ઠાકર ઠાકર કીધું, પણ તમે કોણ છો એ તો કીધું જ નથી.

હું? ચમકતા નઈ, કોઈ બાળે નઈ એની બીકમાં જાહેર નથી કરતો, પણ હું પોતે જ રાવણ છું. ખરેખર તો હજી મારામાં થોડો અહંકારી રાવણ બેઠેલો છે એટલે ઠાકર, હું તમને બધાને બાળવાની છૂટ આપું છું, પણ શરત એટલી કે તમારામાં થોડો રામ બેઠેલો હોવો જોઈએ...

મિત્રો મારો મોબાઇલ ચાલુ રહ્યો, પણ હે રામ બોલી મારી બોલતી બંધ થઈ ગઈ. તમારી?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK