ડાકુ વટ, વચન અને વેર પ્રકરણ ૨૪૧

‘ઓહ ચાચુ આપ...’નવલકથા - રશ્મિન શાહ


અવાજ વિના જ રૂમમાં બહાર આવેલા કુતુબને જોઈને ઇબ્રાહિમનું ધ્યાન તેમની દિશામાં દોરવાયું.

‘આપ કબ જાગે?’

‘બસ, અભી-અભી.’ કુતુબે ઇબ્રાહિમની આંખોમાં જોયું, એમાં ઉજાગરો ટપકી રહ્યો હતો, ‘તું આજે વહેલો જાગી ગયો.’

‘ના રે ચાચુ, જસ્ટ હમણાં જ જાગ્યો.’ ઇબ્રાહિમે વૉચમૅન સામે જોઈને તેને જવાનો ઇશારો કર્યો, ‘બાદ મેં બાત કરતે હૈં હમ. અભી જાઓ.’

વૉચમૅન ગયો એટલે કુતુબે સામે પડેલા પ્લાસ્ટિકના સ્ટૂલ પર પોતાના પગ લંબાવ્યા અને એક આછોસરખો હાશકારો પણ મોઢામાંથી કાઢ્યો,

‘ખબર નહીં પણ કેમ, ઘોડા વેચીને ઊંઘ કરી હોય એવી શાંતિની ઊંઘ થઈ.’

‘હા, થાકની અસર હશે ચાચુ.’ ઇબ્રાહિમ હજી પોતાની જાતને સંભાળી રહ્યો હતો. રાતે ઘટેલી ઘટનાની અસર હજી તેના મન પર તાજી હતી. રાતના છૂટેલી અને અત્યારે ખિસ્સામાં પડેલી ગોળીનો ભાર તેના વિચારોમાં અને વિચારોને લીધે તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. રાતે ચાચુએ અચાનક જ વાત અટકાવી દીધી હતી, એવું કહીને કે ભૂતકાળની દરેક વાત જાણી લેવામાં સાર નથી.

એવું તે શું છે કે આજે પણ દાદુ અને ચાચુ પોતાના એ ભૂતકાળને સંતાડી રાખવા માગે છે? એવું તે શું છે કે આજે પણ ચાચુને એવું લાગી રહ્યું છે કે બધું જાણી લેવામાં અહિત છે અને એવું તે શું છે કે આજે, આટલા દસકાઓ પછી પણ કુતુબ એટલે કે કાળુને એવું લાગે છે કે તે જૂની વાતો લોહિયાળ બનવાને પૂરી સમર્થ છે?

આ અને આવા સવાલોના જવાબ તો જ મળી શકે જો તે પૂરી વાત સાંભળે અને જાણે અને એ તો જ શક્ય હતું કે ચાચુ માંડીને આખી વાત પૂરી કરે. ઇબ્રાહિમને ઇચ્છા થઈ આવી કે તે ચાચુ પાસેથી ફરીથી વાત શરૂ કરાવે, પણ એવું કરવામાં તેને જોખમ લાગ્યું અને એટલે જ તેણે જાણે કોઈ વાતમાં રસ ન હોય એ રીતે ટીવીની સ્વિચ ઑન કરી ન્યુઝ-ચૅનલ સેટ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પાકિસ્તાની ચૅનલો દેખાઈ અને એની પાછળ આવતી ભારતીય ચૅનલો પણ દેખાવાનું શરૂ થયું. એક પછી એક ચૅનલો સ્ક્રીન પર આવતી રહી અને સ્ક્રીન પર આવતી તમામ ચૅનલોની એકેક-બબ્બે લાઇન સાંભળીને ઇબ્રાહિમ એ ચેનલ ફેરવતો રહ્યો.

‘એક મિનિટ, રખ્ખો.’

એક ન્યુઝ-ચૅનલ તે ફેરવવા જતો હતો ત્યાં જ કુતુબે તેને અટકાવી દીધો.

ઇબ્રાહિમના હાથ અટકી ગયા અને મનમાં ચાલતા વિચારો વચ્ચે તેણે હવે પહેલી વાર ચૅનલના નામ પર ધ્યાન આપ્યું.

ટીવી નાઇન ગુજરાત.

- ઓહ ગુજરાતની ન્યુઝ-ચૅનલ છે એટલે...

ઇબ્રાહિમના મનમાં વિચાર ઝબકી ગયો, પણ એ પછી તરત જ ટીવીના ડાબા કૉર્નર પર લખેલા જૂનાગઢ શબ્દને વાંચીને તેનું દિમાગ પણ કામ પર લાગી ગયું.

જૂનાગઢ. એ જ જૂનાગઢ જ્યાં આવીને દાદુએ નવાબસાહેબને ત્યાં રહેવાનું શરૂ કર્યું અને એ જ જૂનાગઢ જ્યાં કાળુ તેને પહેલી વાર મળ્યો હતો. માં ઔર મુલક કભી બદલે નહીં જાતે. વાત એકદમ સાચી છે. એ બન્ને હંમેશાં તમારી અંદર હયાત રહે છે, ધબકતાં રહે છે. જૂનાગઢના સમાચારે પણ જો કુતુબના ધબકારા વધારી દીધા હોય તો સમજી શકાય કે કુતુબે કયા સ્તર પર પોતાના વતનને અને પોતાના પરિવારને માત્ર અને માત્ર ભાઈબંધીમાં ભુલાવવાનું કામ કર્યું હશે.

‘ઘર યાદ આ રહા હૈ કિ વતન?’

ઇબ્રાહિમે દબાયેલા અવાજે પૂછ્યું પણ સામેથી ધારણા કરતાં સાવ જ વિપરીત જવાબ મળ્યો,

‘દોસ્ત...’ કુતુબનું ધ્યાન હજી પણ ટીવી-સ્ક્રીન પર હતું, ‘આ બધી એ જ જગ્યા છે ઇબ્રાહિમ જ્યાં હું અને તારો દાદુ રખડ્યા છીએ. આ જ શહેર અને આ જ રસ્તાઓ. ફરક માત્ર એટલો કે એ સમયે આવી ગાડીઓ રસ્તા પર નહોતી દેખાતી અને એ સમયે ભીડ પણ આટલી નહોતી.’

‘આ શેના ન્યુઝ છે ચાચુ?’ ઇબ્રાહિમે વધારે વાંચવાની અને સાંભળવાની કોશિશ કરી પણ બોલાઈ રહેલી ગુજરાતી અને સ્ક્રીન પર આવી રહેલી ગુજરાતી લાઇનોમાં તેને ટપ્પા નહોતા પડી રહ્યા, ‘કોઈ પુરાની ખબર લગ રહી હૈ. યે બ્લૅક ઍન્ડ વાઇટ વિઝ્યુઅલ્સ...’

‘હા, આઝાદી કે વક્ત કી ખબર હૈ.’ કુતુબે ઇબ્રાહિમ સામે જોયું, ‘પૂરા દેશ પહલે આઝાદ હુઆ થા પર જૂનાગઢ કુછ મહિને બાદ આઝાદ હુઆ થા. કરીબન તીન-ચાર મહિને બાદ. ઇન મહિનોં મેં વો ના તો હિન્દુસ્તાન કે સાથ થા ઔર ના હી પાકિસ્તાન કે સાથ...’

ઇબ્રાહિમને ખરેખર રસ પડ્યો,

‘ક્યા બાત કરતે હો, મુઝે નહીં પતા યે સબ કુછ.’

‘તૂ તો ક્યા, હિન્દુસ્તાન મેં ભી અબ બહોત કમ લોગ હોંગે જીસે યે યાદ હોગા.’ કુતુબની આંખો ફરીથી ટીવી-સ્ક્રીન પર ગઈ પણ એ આંખોમાં દૃશ્ય આઝાદી સમયના એ માહોલનું હતું.

€ € €

‘સિંહ, હવે પરેશાની વધવાની છે હોં.’

ઘોડાના પગની ખરી સાફ કરી રહેલા ભૂપતસિંહે ઉપર જોવાની તસ્દી પણ લીધી નહીં, પણ કાળુને એનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. તે સીધો ભૂપતસિંહ પાસે આવ્યો.

‘આ ધોળિયાવ જવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લે-છેલ્લે ઈ લોકો ઘા કરી લ્યે એવું બને એવું મને લાગે છે.’

‘હંઅઅઅ, મનેય લાગે છે.’ નજર મિલાવ્યા વિના જ ભૂપતે પણ જવાબ આપ્યો પણ એના જવાબનો ભાવાર્થ કંઈક જુદો હતો, ‘મનેય લાગે છે કે સાલાવ જતાં-જતાં એક વખત મરવા માટે પાછા તૈયાર થઈ જાશે.’

‘તું ખોટી વાત નહીં કર, હું શું કહું છું. થોડો સમય આપણે બધાયને પોતપોતાના ઠેકાણે મોકલી દઈએ તો બધાયની ચિંતા નહીં અને જેણે નીકળવું હોય તે નીકળી પણ જાય. ભલે દેશ બદલાવવો હોય તો દેશ બદલે.’

‘વાત તો સાચી છે. કરી નાખીએ એક બેઠક અત્યારે જ. જેણે પાછા જવું હોય તેના માટે કોઈ ના છે જ નહીં.’

અડધા કલાક પછી બેઠક થઈ અને એ બેઠકમાં વાતચીતનો દોર કાળુએ હાથમાં લીધો. લંબાણપૂર્વક વાત કરવાની આદત તેની નહોતી, પણ અત્યારે મુદ્દો એવો હતો એટલે તેણે વિગતવાર અને લંબાણપૂર્વક જ વાત શરૂ કરી.

૧૯૪૭ની જાન્યુઆરીનો એ સમયગાળો હતો.

‘બધાયને ખબર જ છે કે ધોળિયાઓએ દેશના ભાગલા નક્કી કરી નાખ્યા છે અને એ લોકોએ કામ પણ બધું ચાલુ કરી દીધું છે. બીજું બધાયને એય ખબર છે કે આ ધોળિયાવે ચંબલમાં બધાયને શરણે આવવાનું અને નહીં તો મરવા માટે તૈયાર રહેવાનું પણ કહેણ મોકલી દીધું છે અને આમ તો એકાદ વખત આપણને પણ એવું કહેવડાવ્યું છે, પણ મને લાગે છે સરદારને એવું લાગે છે કે જો હવે કોઈને મન થતું હોય, કોઈનું દિલ કહેતું હોય કે અહીંથી જાવું છે, વિસ્તાર છોડી દેવો છે કે પછી જો કોઈને નવા દેશમાં રહેવા જવું હોય તો તે જઈ શકે છે. કોઈ બંધન કે નિયમ લાગુ નહીં પડે.’

એક સાથીએ ખૂણામાંથી હાથ ઊંચો કર્યો એટલે કાળુએ સવાલ પૂછવાની પરવાનગી આપી.

‘બોલ હરભમ.’

‘સિંહ, શું કરવાના છે?’ પૂછી લીધા પછી હરભમ નામના એ સાથીએ ચોખવટ પણ કરી, ‘પૂછવાનું બીજું કાંય કામ નથી, પણ જો એ એકેય પગલું લેવાનું વિચારતા હોય તો સમજ્યા, બાકી જો તેઓ આંય હોય તો અમારે કોઈને જાવું નથી, અમે આંયા, એની હારે જ રે’વા માંગી છીએ.’

‘હરભમ, તારો નિર્ણય તારે લેવાનો હોય, બીજા બધાને પોતપોતાનું નક્કી કરવાની છૂટ છે.’

‘બધાયનો જવાબ છે.’ એકસાથે અવાજ આવ્યો, ‘અમારે આંયા જ રે’વું છે.’

અડ્ડામાંથી આવી રહેલો અવાજ જો બીજા કોઈ સમયે આવ્યો હોત તો ચોક્કસ કાળુ અને ભૂપતે તેને અટકાવ્યો હોત કે રોક્યો હોત પણ એ સમય જુદો હતો, એ સમયે અલગ પડવાની વાત હતી અને અલગ પડવા કોઈ રાજી નહોતું એ જાણીને કોઈને પણ ટકોર કરવાની કે ટોકવાની ઇચ્છા ભૂપત કે કાળુને થઈ નહીં.

વાત પૂરી કરવાને બદલે વાતને આગળ ધપાવવામાં આવી હતી અને ભૂપતે જ ત્યાર પછી વાતની આગેવાની લઈને સૌકોઈને સાથે રહેવાના ગેરલાભ કહી દીધા હતા, જે માત્ર સાંભળવા માટે સાંભળવામાં આવતા હોય એ રીતે સાંભળવામાં આવ્યા હતા. મોતનો કોઈને ભય રહ્યો નહોતો અને જીવ ગુમાવવામાં કોઈને મોટી વાત લાગતી નહોતી. વાત લંબાતી દેખાઈ અને એની કોઈના ચહેરા પર અસર પણ વર્તાઈ નહીં એટલે ભૂપતે જ વાતને આટોપી લીધી અને કાળુને જમવાનું તૈયાર કરવા માટે કહ્યું.

‘હાલો તો પછી, હારે જ રહેવાનું છે એ સમજીને દાવત કરી નાખો એટલે પડે જલસો.’

બધા તરત જ દાવતની તૈયારીમાં લાગ્યા અને એ બપોરે પેટ ભરીને રોટલા-શાક અને કઢીનું જમણ ખવાયું અને પછી વામકુક્ષિ પણ લઈ લેવામાં આવી. વામકુક્ષિ પછી સૌથી પહેલો ભૂપત બહાર આવ્યો અને તેના પછી કાળુ બહાર આવ્યો. કાળુના શરીરમાં હજી પણ આળસ ભરી હતી, જે આળસ ક્યાંક ને ક્યાંક દિશાશૂન્ય થઈ ગયેલી ઝિંદગીની અસર દેખાડતી હતી.

‘હવે શું કરીશું સિંહ?’

કાળુએ આળસ ખંખેરીને મનને કામની દિશામાં લઈ જવાનું કામ કર્યું. મનમાં તો એમ જ હતું કે કોઈ કામ કરવાનું નહીં હોય પણ એ તેની ધારણા ખોટી નીકળી. ભૂપતે પોતાની યોજના તૈયાર રાખી હતી.

‘મળવા જવાનું છે રાજકોટ?’

‘કાં, શું થ્યું?’

‘પહેલી વાર કો’ક સારા માણસે બેઠકમાં બોલાઈવા છે.’

‘સારા માણસે?! કોની બુદ્ધિ બહેર મારી ગઈ કે આપણને મળવા બોલાવ્યા?’

ભૂપતે કાળુ સામે જોયું.

‘રતુભાઈ, રતુભાઈ અદાણીએ.’

‘ઈ વળી કોણ છે?’

‘તારે પાછી પચપચ બઉ.’ ભૂપતે વડચકું નાખી દીધું, ‘બધુંય પછી કઉં છું, પેલા તું તૈયારી કર જાવાની, રસ્તામાં વાત કરીએ.’

€ € €

રતુભાઈ અદાણી.

તેમનું મૂળ શોધવા જાઓ તો એ નીકળે છેક આઝાદ હિન્દ ફોજની સાથે. સુભાષચંદ્ર બોઝ સાથે પણ તેમણે કામ કર્યું હતું અને સુભાષચંદ્ર બોઝ સાથે અંગત અને ઘનિષ્ઠ સંબંધો પણ ખરા. એ પછી તે મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને સંજોગોવશાત બન્યું પણ એવું કે સુભાષચંદ્ર બોઝ સાથે દુર્ઘટના ઘટી અને હેલિકૉપ્ટર તૂટી પડવાને લીધે તેમનું શંકાસ્પદ મોત નીપજ્યું. થોડા સમય માટે રતુભાઈએ આઝાદ હિન્દ ફોજને આગળ વધારવાનું કામ કર્યું પણ એ દરમ્યાન જ તેમની બેઠક મહાત્મા ગાંધી સાથે થઈ અને સુભાષચંદ્ર બોઝ પછી આઝાદ હિન્દ ફોજ જેકોઈ સંભાળી શકે એવું લાગતું હતું એવા રતુભાઈ અદાણીનું મન પણ નવી દિશામાં વળી ગયું.

€ € €

‘તમે લડવાની પેરવી કરો એમાં કોઈ વાંધો નહીં, પણ શું તમને લાગે છે કે તમે એ લોકોને પહોંચી શકશો?’ ગાંધીજીના અવાજમાં ક્યાંય જરાસરખોય ઉશ્કેરાટ નહોતો તો ક્યાંય અવાજમાં જરાસરખો કંટાળો પણ નહોતો, ‘લડો, તમે લડો, પણ એ જગ્યાએ લડો જે જગ્યાએ તમારી બહાદુરી દેખાવાની હોય, પણ એવી જગ્યાએ લડવાની ભૂલ ક્યારેય કરો નહીં જ્યાં તમારી બહાદુરી મૂર્ખામીમાં પુરવાર થવાની હોય.’

‘આઝાદ હિન્દ ફોજના સૈનિકોને ડરતા આવડતું નથી.’

‘સામે વાઘ કે સિંહ ઊભો હોય તો એનાથી ડરવું જોઈએ, એ ડરમાં નામર્દાનગી નથી પણ એમાં સાવચેતી છે.’ મહાત્મા ગાંધીના સ્વરમાં હજી પણ ઉશ્કેરાટનો અભાવ હતો, ‘તમે જેની સામે લડવાની વાત કરો છો એ કોણ છે એની તમને જાણકારી છેને અદાણીભાઈ. બહુ વાજબી રીતે આપને ખબર છેને કે તેની પાસે કેવડી ફોજ છે અને કેવી તાકાત છે? મારે પૂછવું ન જોઈએ, પણ મને જાણ કરવી જોઈએ કે તમને એ પણ ખબર છેને આપની આઝાદ હિન્દ ફોજમાં કેટલા સૈનિકો છે.’

‘અંગ્રેજો સામે ઝનૂન જરૂરી છે ગાંધીજી, એ લોકોની આખી સેનામાં જેટલું ઝનૂન છે એટલું ઝનૂન અને શૌર્ય અમારા એકેક સૈનિકમાં ભર્યું છે.’

મહાત્મા ગાંધી સહેજ હસ્યા અને પછી તેમણે આજુબાજુમાં જોયું.

‘શું જુઓ છો?’

રતુભાઈએ બાપુને પૂછ્યું એટલે તેમણે જવાબ આપ્યો : ‘પાણીનું માટલું શોધતો હતો, હોત તો તમારા માથા પર રેડીને તમારું આ મસ્તક ઠંડું પાડ્યું હોત.’

‘એવું કરવાનું કારણ શું?’

‘કારણ એટલું જ કે તમે તમારી સપનાની દુનિયામાંથી બહાર આવો.’

‘વાત સીધી અને સરળ રીતે સમજાય એવી રીતે કરીએ તો?’

‘ન સમજાય એવી ભાષા અને બોલીમાં વાત તો તમે શરૂ કરી અદાણીભાઈ. જે શૌર્ય અને બહાદુરીની વાત કરો છો એ વાત કરતાં પહેલાં તમે જરાસરખુંય વિચાર્યું છે ખરું કે માત્ર બહાદુરીથી કંઈ વળતું નથી. બહાદુરના હાથમાં પણ રણભૂમિમાં હથિયાર હોવું જોઈએ. ખાલી હાથે રણભૂમિમાં ઊતરેલા બહાદુરને છાતીમાં ગોળી મળે અને પછી શરીર પર મેડલ મળે, બીજું કંઈ નહીં.’ ગાંધીજીએ વાત સમજાવવાની શરૂઆત કરી, ‘જેની પાસેથી આઝાદી લેવાની છે, જેની પાસેથી રાષ્ટ્ર પાછું લાવવાનું છે એની તાકાત બેસુમાર છે. દુશ્મન છે એટલે તેની સારી વાતોને ગણકારવી નથી એવું માનવું એ તો જાતને છેતરવા જેવું કામ થયું અદાણીભાઈ. એવું કામ બીજો કોઈ કરી શકે પણ વાણિયો, વાણિયો ક્યારેય જાતને છેતરવાની ભૂલ ન કરે.’

‘તમારો કહેવાનો અર્થ શું છે?’

‘એ જ કે ભલે ઝનૂન અને બહાદુરી તમારી સેના અને તમારા સૈનિકો પાસે મોટી માત્રામાં હોય અને બ્રિટિશરોમાં ઓછી હોય પણ હકીકત એ છે કે એ લોકોનું ઝનૂન અને એ લોકોની તાકાત તેમનાં હથિયારોમાં ભરી છે. જરા વિચારો કે તમે તેમની સામે લડવાની વાત કરો છો જેમના એમ્પાયરમાં ક્યારેય સૂર્યાસ્ત નથી થતો અદાણીભાઈ, જરા તો વિચાર કરો કે આજે વિશ્વની સૌથી મોટી તાકાત તો આ બ્રિટિશરો છે અને એને તમારે માત આપવી છે અને એ પણ રણભૂમિમાં.’

રતુભાઈ અદાણીને વાત સમજાવા માંડી હતી અને વાત સાવ નાખી દેવા જેવી પણ નહોતી. એવી સલ્તનત સામે લડવાની તૈયારી તેઓ સૌ કરી રહ્યા હતા જેની સેના આખી જો હિન્દુસ્તાનમાં આવી જાય તો એકેક સૉલ્જરના ભાગમાં એકેક માણસની હત્યા કરવાનું આવે.

‘રતુભાઈ, વચનો ખોટાં અને ખરાબ લાગે તો બે હાથ જોડી, આ માથું નમાવીને માફી માગી લઈશ પણ હુંકાર એ વાતનો કરાય જે તમારા હાથમાં અને તમારા પક્ષમાં હોય. ખોટી વાતમાં કરાયેલો હુંકાર રડાવવાનું કામ કરે, પસ્તાવો આપવાનું કામ કરે અને આપણે એ જ આટલાં વર્ષોથી કરી રહ્યા છીએ. બ્રિટિશરો સામે લડવા માટે આપણે શક્તિ નહીં પણ હવે શાણપણ વાપરવાની જરૂર છે. જુઓ તમે, કેટલી વખત એવી રીતે તાકાત અને શક્તિનો ઉપયોગ કરીને આપણે લડત આપી અને કેટલી વખત આપણે નિષ્ફળ ગયા છીએ. હવે નિષ્ફળ થવું નહીં પોસાય, દેશવાસી મનથી તૂટી રહ્યો છે અને તનથી પણ તૂટવા માંડ્યો છે. તેનું જિગર હવે અકબંધ નથી રહ્યું અદાણીભાઈ, એ જિગરને હવે અકબંધ રાખવાનું છે. ભલે બાવડામાં હામ ન હોય પણ હૈયામાં હિંમત ભારોભાર રહે એ જોવાનું કામ આપણે કરવાનું છે.’

અહિંસાનો આડકતરો સંદેશ રતુભાઈ અદાણીના કાનમાં રેડાઈ રહ્યો હતો અને રતુભાઈ ગાંધીવાદના રંગે ભીંજાવા શરૂ થઈ ગયા હતા. અહિંસાના રંગે રતુભાઈના દિમાગ પર ચડેલા રક્તના રંગને ઉતારવાનું કામ પણ એ જ સમયે કરી દીધું હતું અને ગાંધીવાદનો પ્રખરવાદ પણ તેમના હૈયામાં ચડવો શરૂ થઈ ગયો હતો.

‘સમય આવ્યે જો હાથમાં ખુમારી હોય અને એ ખુમારી સામેવાળાની તાકાત કરતાં વધારે જોરવાળી હોય તો એ રસ્તો વાપરવોલ પણ અત્યારે એ શક્ય નથી. મને એવું લાગે છે, આપને પછી જેમ યોગ્ય સમજાય.’

છેલ્લે કહેવાયેલા ગાંધીજીના આ શબ્દો વર્ષો પછી રતુભાઈને કામ લાગશે એવું તો ખુદ રતુભાઈ અદાણીએ પણ ધાર્યું નહોતું પણ એવું બન્યું અને તેમને ખુમારી દેખાડવાનો સમય દેખાઈ આવ્યો.

€ € €

‘તો આપણે તેને મળીને શું કરવાના?’

‘ઈ તો મનેય ક્યાં ખબર છે. ખીમજીદાદાને ત્યાંથી સંદેશો આવ્યો છે કે રતુભાઈ મળવા માગે છે એટલે આપણે હા પડાવીને હવે મળવા રવાના થયા છીએ. જોઈ શું કામ છે તેમને આપણું?’

‘ભૂપત, કોઈ ચાલ તો નથી લાગતીને?’

‘ગાંધીવાદી કોઈ ચાલ રમે એવું તું વિચારે એનાથીયે મને તો હસવું આવે છે કાળુ, પણ તું કહે છે તો હાલ, રસ્તામાં ખીમજીઅદાનું ઘર છે. જરાક નજર કરતા જાઈ. પૂછી પણ લઈ કે શું કામ પડ્યું આ રતુભાઈ અદાણીને?’

કાળુએ જીપની સ્ટિઅરિંગ ફેરવી અને જીપ ગોંડલ રાજ્યમાં દાખલ થઈ.

 (વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy