આ દિવાળી કેવી જશે?

માર્કેટમાંથી લિક્વિડિટી સમાપ્ત થઈ ગઈ છે. ગયા વર્ષની તુલનાએ માર્કેટ લગભગ ચાલીસથી પચાસ ટકા ડાઉન છે. મુંબઈની માર્કેટમાં ફરીને બજારની રૂખ ઓળખવાની અને વેપારીઓ સાથે ફેસ-ટુ-ફેસ વાત કરવાની કોશિશ કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો

diwali1

રુચિતા શાહ

હિન્દુ તહેવારોમાં રાણીની ઉપમા દિવાળીને અપાઈ છે. ગરીબમાં ગરીબ માણસ પણ દિવાળીને પોતાનાથી બને એટલી શ્રેષ્ઠ રીતે ઊજવતો હોય છે. બાકી કોઈ તહેવારોમાં બાંધછોડ થાય, પણ દિવાળીમાં તો પરિવાર સાથે મળીને થાય એટલી મજા કરી લેવાની. દરેક વ્યક્તિ દિવાળીનું અલગ બજેટ બનાવીને થોડીક મોજમજા કરી લેતી હોય છે અને આ જ કારણ છે કે વેપારીઓ માટે દિવાળી આખા વર્ષની સીઝન ગણાય છે. આખા વર્ષનો સર્વાધિક વેપાર દિવાળીને આધિન છે. દિવાળી સારી તો બાકીનો સમય સારો. જોકે આ વર્ષની દિવાળી માટે વેપારીઓ ભારે ચિંતિત છે. દેશની અર્થવ્યવસ્થામાં છેલ્લા થોડાક અરસામાં મહત્વના ફેરફારો થયા છે. ગયા વર્ષે દિવાળી પછી તરત જ નોટબંધીનો નિર્ણય લેવાયો હતો અને દેશના લગભગ દરેક સ્તરના લોકોએ એની અસરોનો સામનો કર્યો હતો. એ પછી GST આવ્યો. વેપારીઓના મતે આ નવા ટૅક્સને કારણે જ વેપાર પર બહુ મોટો ઝાટકો લાગ્યો છે. મુંબઈની મહત્વની હોલસેલ માર્કેટમાં એક લટાર મારીએ અને દિવાળીના દસ દિવસ પહેલાંની સ્થિતિ કેવી છે એ જાણીએ.

દિવાળી એટલે દીવડાઓ, દિવાળી એટલે ફટાકડા, દિવાળી એટલે સૂકો મેવો અને મીઠાઈઓ, દિવાળી એટલે નવાં કપડાં, દિવાળી એટલે રંગબેરંગી લાઇટનાં ઝગારા મારતાં તોરણો. જોકે આ વર્ષે લોકોની દિવાળીની આ વ્યાખ્યા બદલાઈ હોય એવું વેપારીઓને લાગી રહ્યું છે. છેલ્લાં ૩૫ વર્ષથી લાઇટિંગ અને ન્ચ્D તોરણો તેમ જ ઝુમ્મરોનું કામ કરતા તથા ઇલેક્ટ્રિક મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જતીન મોદી જ વાતની શરૂઆત કરતાં કહે છે, ‘આ દિવાળી મોળી જવાની છે એના અણસાર વરતાઈ રહ્યા છે. એમ નહીં કહું કે લોકોએ ખરીદી બંધ કરી દીધી છે, પણ એટલું ચોક્કસ થયું છે કે પહેલાં માર્કેટમાંથી સો રૂપિયાનો માલ ઉપાડનારી વ્યક્તિ હવે વીસ રૂપિયાની ખરીદી કરતો થયો છે. આજે વેપારીઓના પૈસા અટવાયેલા છે. જૂનો માલ વેચાતો નથી અને બીજી બાજુ સપ્લાયરને માલના પૈસા નહીં પહોંચ્યા હોવાથી તેના તરફથી ઉઘરાણી શરૂ થઈ છે. હું ભલે ૩૫ વર્ષથી આ માર્કેટમાં છું, પણ બીજા અનુભવી લોકોના અનુભવ પરથી કહીશ કે છેલ્લાં ૭૦ વર્ષમાં આવી દિવાળી ક્યારેય આ માર્કેટે જોઈ નથી. દિવાળી જેવો કોઈ માહોલ જ નથી દેખાઈ રહ્યો.’

જતીનભાઈની જેમ દિવાળીમાં લાઇટનાં તોરણો વેચતા લુહાર ચાલના બીજા એક વેપારી મનુ અને પ્રેમ સોલંકી કહે છે, ‘આ વખતે લોકો ખરીદી કરવા માટે બહાર જ નથી આવી રહ્યા. દિવાળીને દસ દિવસ બાકી રહે ત્યારે તો લગભગ અમારો પચીસથી ત્રીસ ટકા માલ વેચાઈ ગયો હોય, જ્યારે આ વખતે તો ખાતું પણ માંડ-માંડ ખૂલ્યું છે. ગયા વર્ષે ચાઇનીઝ પ્રોડક્ટ નહીં વાપરવાની જીદ લોકોમાં હતી. એટલે અમે ઇન્ડિયન પ્રોડક્ટની સાથે થાઇલૅન્ડ અને બૅન્ગકૉકની લાઇટની આઇટમો રાખી છે, પણ લેનારા નથી. હોલસેલની ઘરાકી તો છે જ નહીં, પણ રીટેલની ઘરાકીમાં પણ લગભગ ૮૦થી ૯૦ ટકાનો ઘટાડો છે. દિવાળીના પંદર દિવસ પહેલાં અમને ખાવાપીવાનો સમય નહોતો મળતો એટલી ભીડ હતી, જ્યારે આ વખતે લોકોને કેમ આકર્ષવા એવી માર્કેટિંગ પદ્ધતિ વિશે વિચારવું પડી રહ્યું છે. લોકો પાસેથી કૅશ ઓછું થયું છે અને એટલે જ હવે તેઓ ખર્ચ ઘટાડી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.’

માત્ર લાઇટનાં તોરણ જ નહીં પણ કાગળ, પ્લાસ્ટિક અને કપડાનાં કંદિલ અને તોરણો પર પણ ભારે કાપ લોકોએ મૂકી દીધો છે. એક સમય હતો જ્યારે અમારી પાસે માલ ઓછો પડે એટલી લોકોની ડિમાન્ડ હતી, જ્યારે આજે અમે પહેલેથી જ ઓછો માલ મંગાવ્યો છે એમ જણાવીને ભુલેશ્વર નજીક આરોહી ડેકોરેશનના સંજય ગોઠર કહે છે, ‘ચાઇનાની વસ્તુઓ વેચવાનું અમે બંધ કરી દીધું, પણ હવે તો ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદનારા લોકો શોધવાનાં પણ ફાંફાં છે. પચાસથી વધુ વરાઇટીનાં કંદીલ છે અને મોટે ભાગે રોડ પર વેચતા ફેરિયાઓ હોલસેલ ભાવમાં ક્વૉન્ટિટીમાં ખરીદી કરી જતા હોય છે. જોકે આ વખતે તેમની ડિમાન્ડમાં પચાસ ટકાનો ઘટાડો છે. ગણપતિ અને નવરાત્રિમાં પણ કોઈ ખાસ બિઝનેસ ન થયો અને હવે દિવાળીમાં પણ ખાસ અણસાર દેખાતા નથી, કારણ કે હોલસેલર હોવાના નાતે અત્યાર સુધીમાં તો ઘણોબધો માલ ઉપાડી લેવાયો હોય છે.’

diwali2

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના સભ્યો છેલ્લા ઘણા સમયથી GSTના ગાર્મેન્ટ પર લાદવામાં આવેલા અવ્યવહારિક ટૅક્સ સ્લૅબનો વિરોધ કર્યો છે. આ અસોસિએશનના પ્રેસિડન્ટ વિરેન શાહ કહે છે, ‘આ વખતે અમારા માટે તો ખરેખર કાળી દિવાળી છે. અમારા વ્યવસાય પર પચાસ ટકા કાપ મુકાયો છે. લોકો ભયંકર ટેન્શનમાં છે. જે વેપારીઓ GSTનો વિરોધ કરી રહ્યા છે તે ટૅક્સ આપવાના વિરોધમાં નથી. જો કોઈ ટૅક્સથી દેશનું કલ્યાણ થતું હોય તો અમે વેપારી પ્રજા પહેલાં એને અમલમાં મૂકીશું, પણ જ્યારે એ અવ્યવહારુ હોય ત્યારે તો એનો વિરોધ કરવો પડેને. સરકારે ઘણી પ્રોડક્ટને ૨૮ ટકાના સ્લૅબમાં મૂકી છે, જે ચૂકવવો વેપારીઓ માટે શક્ય જ નથી. એ વાત કદાચ સાચી હશે કે જુદા-જુદા ચાર ટૅક્સ ભર્યા પછી વેપારીઓ ટોટલ ૨૮ ટકા કરતાં વધુ ટૅક્સ જ ભરતા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે એ ટૅક્સ ટુકડે-ટુકડે હતો એટલે ભારે નહોતો પડતો. કોઈક ટૅક્સ નહીં પણ ભરનારા હશે. એવામાં હવે આટલા ઊંચા પર્સન્ટેજ સાથે ટૅક્સ ભરવાની વાત વેપારીઓને ડાઇજેસ્ટ નથી થતી. અમારું માત્ર એટલું જ કહેવું છે કે અત્યારે રીટેલ માર્કેટમાં ઑનલાઇન પ્લેયર સામે ટકી રહેવા માટે હાર્ડલી ત્રણથી પાંચ ટકાના માર્જિન સાથે વેપાર થતો હોય છે. એમાં જો GST ૨૮ ટકા આવે તો એ એકઝાટકે તો કોઈ વેપારી માટે શક્ય જ નથી. આજે સ્થિતિ એ છે કે GSTના ભયથી વેપારીઓએ માલ ભરવાનું ઓછું કરી દીધું, કન્ઝ્યુમર પણ ૨૮ ટકા ટૅક્સ ભરીને વસ્તુ ખરીદતા અચકાય છે અને ઓવરઑલ ઓછી આવક અને ઓછા નફા વચ્ચે ઇન્કમ-ટૅક્સનું પ્રમાણ ઘટવાનું છે. આ સાઇકલ જો તોડવી હશે તો સરકારે GSTના સ્લૅબ બદલીને ઓછા કરવા પડશે જેથી વેપારી પોતાનો વેપાર વધારે, લોકોને ઓછા દરે પ્રોડક્ટ મળે એટલે આવક વધે અને આવક વધવાની સાથે ઇન્કમ-ટૅક્સ વધે. સરકારને આમાં બે બાજુથી ફાયદો થશે. એક તો ઓછા દર હશે તો વધુમાં વધુ વેપારીઓ GST ભરવાની નીતિ સાથે આગળ આવશે અને વેપાર વિસ્તરશે તો ઓવરઑલ આવક પણ વધશે. એથી મૅક્સિમમ લોકો GST ભરતા હશે અને ઇન્કમ-ટૅક્સનો રેશિયો પણ ઊંચો હશે.’    

મસ્જિદ બંદરમાં પોતાની ડ્રાયફ્રૂટની દુકાન ધરાવતા અને મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી કરસન ઠક્કર કહે છે, ‘મોટે ભાગે દશેરા પતે એટલે દિવાળીની શરૂઆત થઈ જાય છે. હું જે ખરીદતો હતો એના કરતાં આ વર્ષે ઘણી ઓછી ખરીદી કરી છે. વસ્તુઓના ભાવ વધ્યા છે અને સામે પૈસાની તંગી છે. તમે માનશો નહીં કે એક કિલો બદામ વેચીને અમે એમાં વીસ રૂપિયા કમાઈએ, પણ સરકાર એક કિલોએ ૮૦ રૂપિયા કમાય. ઘરાકી છે જ નહીં. વેપારીઓ સાફ થઈ ગયા છે. GSTએ વેપારની કમર ભાંગી નાખી છે. ગયા વર્ષે પણ દિવાળી ફીકી હતી, પણ આ વર્ષે તો સાવ જ હવા નીકળી ગઈ છે. ગયા વર્ષે લગભગ ચારથી પાંચ ટન ટોટલ ડ્રાયફ્રૂટ વેચ્યું હતું એની તુલનાએ આ વખતે એક ટન ડ્રાયફ્રૂટ પણ માંડ વેચાય તોય ઘણું એવું લાગી રહ્યું છે.’

diwali

એક વેપારી વર્ગ એવો છે તો બીજો વર્ગ એવો પણ છે જેને GST બિલકુલ નિરુપદ્રવી લાગે છે. દિવાળીના સંદર્ભમાં તટસ્થ દૃષ્ટિકોણ આપતા ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના જનરલ સેક્રેટરી કિશોર ખારાવાલા કહે છે, ‘આ વર્ષે દિવાળીની સીઝન સહેજ મંદીવાળી તો છે. સ્વાભાવિક રીતે જ GST હજી આપણા માટે નવો છે એટલે લોકોને એને સમજવા અને અમલમાં મૂકવામાં સમય તો જવાનો જ છે. મને લાગે છે કે આ દિવાળી મંદી હોવાના કારણમાં GSTનો સ્લૅબ વધુ છે એ એક કારણ નથી, પણ વેપારીઓને જે નવી વસ્તુ કરવાની આવી છે એના માટેનો અણગમો પણ છે. એને માટે આદત કેળવાશે અને ધીમે-ધીમે ગાડી પાટા પર ચડી જશે. બીજું, બેશક હજી સુધી દિવાળીનો માહોલ ઠંડો છે, પણ હજી સમય બાકી છે. એક અઠવાડિયાનો સમય. મને લાગે છે કે આવનારા દિવસોમાં જ લોકો બહાર નીકળશે અને ખરીદી કરશે. આ ઉપરાંત સરકાર પણ વેપારીઓની સમસ્યાઓ પર ફેરવિચારણા કરી જ રહી છે. નક્કી કોઈ ઉકેલ પણ એનો આવશે. બહુ ગભરાવા જેવું નથી એમાં.’

તેમની દૃષ્ટિએ GSTને કારણે બિઝનેસને ફરક પડ્યો છે, પણ લોકોની અણસમજને કારણે. દિવાળીનો ચાર્મ ગણાતા ફટાકડા વેચતા વેપારીઓ પણ આ વાત સાથે થોડાક સહમત છે. બેશક, GSTના વિરોધમાં તામિલનાડુના ફટાકડા બનાવતા કેટલાક વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. જોકે મુંબઈના વેપારીઓને બહુ ફરક નથી પડ્યો. મુંબઈ ઍન્ડ થાણે ફાયરવક્ર્સ ડીલર વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ મિનેશ મહેતા કહે છે, ‘ફટાકડાનું પ્રોડક્શન કરનારા નાના વેપારીઓ માટેના GSTના સ્લૅબ મોટા છે. તેમના માટે આટલા ટકા GST ઘાટ કરતાં ઘડામણ મોંઘી જેવી સ્થિતિ કરે છે. જોકે મુંબઈમાં અમે વૅટ, ઑક્ટ્રૉય અને એક્સાઇઝ ટૅક્સ ભરતા હતા એના જેટલો જ GST થાય છે એટલે કિંમતમાં પણ બહુ ફરક નથી પડ્યો. ફટાકડાના વેચાણમાં થોડોક ફરક તો છે જ, પણ સાવ નથી થઈ રહ્યો કે પચાસ ટકા વેપાર ઓછો છે એવું હું નહીં કહું. મારી દૃષ્ટિએ GST ઉપરાંત ફટાકડાની બાબતમાં એન્વાયર્નમેન્ટ અને ધાર્મિક પ્રચારો પણ કારણભૂત બની રહ્યા છે. હું ફટાકડાનો વેપાર કરું છું એટલે નહીં પણ આમેય તમે જુઓ કે આપણે ત્યાં લગભગ ઘર-ઘરમાં ઍરકન્ડિશન અને અન્ય ઇલેક્ટ્રૉનિક સાધનો વપરાઈ રહ્યા છે. એ બધાથી પ્રદૂષણ નથી ફેલાતું? વર્ષમાં માત્ર બે દિવસ ફટાકડા ફૂટે એમાં શું કામ આટલો ઊહાપોહ થવો જોઈએ એ મને આજ સુધી નથી સમજાયું. જોકે ઓવરઑલ એટલું જ કહીશ કે આપણે ત્યાં ગમે તેવી મંદી હોય ત્યારે પણ દિવાળી મોળી નથી થઈ. મારી દૃષ્ટિએ દિવાળીથી કંઈ બહુ ફરક નહીં પડે.’

આ દિવાળીમાં ગોલ્ડના વેપારીઓ પણ બહુ ચિંતિત નથી. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ પ્રેસિડન્ટ મુકેશ મહેતા કહે છે, ‘બેશક, દશેરા તુલનાત્મક રીતે સહેજ ફીકી હતી, પણ દિવાળી અને ધનતેરસ સોનામાં તેજી લાવશે એવું અમારું અનુમાન છે. GSTના પ્રમાણમાં સરકાર બદલાવ લાવવાના પ્રયત્ન કરી રહી છે અને એનો જેવો ઉકેલ આવશે એમ માર્કેટમાં ટ્રેડ વધશે એવું લાગે છે. અત્યારે પણ સોનાના ભાવ ઘટ્યા છે અને હજી પણ એમાં એક હજારનો ઘટાડો સંભવિત છે એટલે ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ પણ લોકો સોનું ખરીદવામાં પાછી પાની નહીં કરે. દિવાળીની સીઝન અમારા માટે હજી હવે શરૂ થશે, પણ એ સીઝન માણવાલાયક રહેશે એવો અમને પૂરતો વિશ્વાસ છે.’

દિવાળીની બાબતમાં લગભગ દરેક સ્તરના વેપારીઓમાં સહેજ નરમ અને ઢીલો અભિપ્રાય જાણવા મળી રહ્યો છે. લોકો ખરીદી કરવા નથી આવી રહ્યા એટલે વેપાર ઠપ્પ પડ્યો છે. એક તરફ નવી ટૅક્સ-પ્રણાલી અને બીજી બાજુ અચાનક આવી જતા વરસાદે પણ વેપારને ગ્રહણ લગાડવાનું કામ કર્યું હોય એવું વેપારીઓ માની રહ્યા છે. હજી પણ નવ દિવસ વેપારીઓના હાથમાં છે. કદાચ સરકારી નીતિમાં જો ફેરફાર થાય તો મોળી દિવાળીને બહોળો પ્રતિસાદ મળી શકે એમ છે. આપણે તો એટલી જ આશા સેવીએ કે વેપારી અને આમ જનતા એ બન્નેની દિવાળી સાચા અર્થમાં હૅપી દિવાળી બને એવા ફેરફાર થાય અને દેશને પણ એનો લાભ થાય એવા પ્રયત્નો થવા જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK