લો બોલો, પેલા બાયલાઓ પકડ્યા વગર જ બોલ્યા, અમે છોડીશું નઈ

ચંબુડા, છેલ્લાં બે વર્ષથી ‘કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ચંબુડા, છેલ્લાં બે વર્ષથી ‘કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ વિચારી-વિચારીને આખો દેશ જાણે સગ્ગી માસીના દીકરાને માર્યો હોય ને ખરખરે જવાનું રહી ગયું હોય એવો પાગલ થઈ ગયેલો અને તને પણ મગજનું પૅરૅલિસિસ થઈ ગયું હતું, પણ ટોપા તારા બાબલાને માસ્તરે બે વાર શું કામ માર્યો એ વિચાર્યું? બાહુબલીનો જવાબ મેળવવા બધા થિયેટર પર ઊપડ્યા, પણ કાશ્મીરમાં પેલા આતંકવાદીઓ તકવાદી બનીને જવાનોને મારે છે અને શિરચ્છેદ કરે છે એનો જવાબ મેળવવા કાશ્મીર જા. સાલું તેં તારી ફુલ સાઇઝની જિંદગીમાં ક્યારેય રક્તદાન નથી કર્યું અને કાશ્મીરમાં લોહીની નદીઓ વહે ત્યારે તારું લોહી કેમ નથી ઊકળી ઊઠતું? મેં તો એક વડીલ તરીકે ભઈ મોદીને સમજાવ્યા, ‘ભૈ નરુ, આવું કરવાનું? કાશીમાં સીટ બચાવવા ધ્યાન આપ્યું તો કાશ્મીરમાં સૈનિક બચાવવા તરફ ધ્યાન નઈ આપવાનું? કાર ઉપરની લાલ બત્તી બંધ કરી, પણ આ વહેતા લાલ લોહીને તો બંધ કરો. ‘લશ્કર જડબાતોડ જવાબ આપશે’ એ કબૂલ, પણ વારંવાર આમ ચાલશે તો લશ્કર જ નઈ બચે. હું તો કહું છું એ ગદ્દારોને ઢાળી દો અને ‘કોઈ પથ્થર સે ના મારે જવાનોં કો’ ગાવાને બદલે ગોળીથી વીંધી નાખો અથવા ટાઇમપાસ કર્યા કરતા કાશ્મીરનું ડોનેશન કરી દો. બાકી આમ ચાલ્યું તો કાશ્મીર હાથમાંથી ગયું તો આપણે નકશામાં જ જોઈ રાજી થવાનું. ને યુનો? જે નકશામાં એ ન કશામાં. ચંબુડા મેં તો કઈ દીધું, પછી કહેતા નઈ કે ભગો બોલ્યો નઈ.’

‘ઠાકર, તારી વાત દસ હજાર ટકા સાચી પણ યુ નો માય કહાની? હમણાં તારી ચંપાભાભીએ મને કીધું... ચંબુ મારે થોડા દિવસ સ્વર્ગવાસી થવું છે. મા કસમ આવું સુંદર વાક્ય સાંભળી મારા હૈયામાં એવા ગલગલિયા થયા કે... જો હજી એ ખુશીના માર્યા ઊભા થયેલા રૂંવાડાં બેસવાનું નામ નથી લેતાં. મને થયું, ચાલો મોડી તો મોડી પણ છેવટે સદ્બુદ્ધિ આવી ખરી. પણ મને સમજાયું નઈ એટલે મેં તેને પૂછ્યું, ‘સ્વર્ગવાસી? થોડાક જ દિવસ? એવું કેવું સ્વર્ગ? સમજાયું નઈ...’

‘મને હતું જ કે તને નઈ સમજાય, કારણ કે તારી ખોપરીમાં ઈશ્વરે મગજને બદલે કેરીનો ગોટલો મૂક્યો છે?’ ચંપા બોલી, ‘વાતનું પોસ્ટમૉર્ટમ કરું તો કાશ્મીર એ ભારતનું સ્વર્ગ છે અને આપણે ત્યાં થોડા દિવસ ફરવા જઈ ‘સ્વર્ગવાસી’ બનીએ. કાશ્મીર એ જીવતાનું સ્વર્ગ અને વૈકુંઠ એ મરનારનું સ્વર્ગ. નાઓ અન્ડરસ્ટૅન્ડ?’

‘ના બકા,’ મેં કીધું, ‘સ્વર્ગ હતું. હવે એ નરકમાં ટ્રાન્સફર થઈ ગયું છે. હું તને લઈને તો જઉં પણ પાછા ફરતી વખતે તારે એકલીએ આવવું પડે. મારું માથું વાઢી નાખે તો હું સમાજમાં મોઢું શું બતાવું? મને જવાન સમજી ઠાર કરી દે તો તું કારણ વગર વિધવા બની જાય અને ‘દેખ સકતા હૂં મૈં કુછ ભી હોતે હુએ, નહીં મૈં નહીં દેખ સકતા તુઝે વિધવા બનતે હુએ.’ ન પોસાય, તારું વિધવાપણું હું ન જોઈ શકું.’

‘જુવાન સમજી ગોળી?’ ચોકઠું બહાર પડી જાય એવું ચંપા જોરદાર હસીને બોલી, ‘તમે અને જવાન? અરે હવે તમે સિનિયર સિટિઝન છો. હવે તમને ઠાર કરવા કોઈ ગોળી ન બગાડે. હવે તમે અને બાપુજી બન્ને સરખા દેખાઓ છો. કોણ બાપુજી ને કોણ દીકરો, જનતાજનાર્દન પોતે ગફલત ખાઈ જાય છે અને હવે બાપુજી તો બહાર નીકળતા નથી ને મૃત્યુ પહેલાં આપણાથી કઢાશે પણ નઈ...’

‘ઠાકરિયા, પછી એ મારી વાત સમજી, પણ એક વાત કઉં? આમ દુનિયા તો એક જ છે છતાં દરેકની દુનિયા અલગ-અલગ છે. બાપુજી લશ્કરના નિવૃત્ત કમાન્ડર. હમણાં હું કાશ્મીરની દશા જોઈને અંદરથી કકળી ઊઠ્યો એટલે દીવાલની ખીંટી પર ટીંગાયેલી રિટાયર્ડ બાપુજીની રિટાયર્ડ બંદૂક જોઈ. મને ઝનૂન ઊપડે છે કે હું બંદૂક લઈ દુશ્મનોના ઢીમ ઢાળવા નીકળી પડું...’

‘તો પછી નીકળતો કેમ નથી? નીકળી પડ.’

‘પણ પછી ઝાડ પરથી પડેલા બાપુજીનો ભાંગેલો પગ જોઉં છું તો મન પાછું પડે છે.’

‘ન પડાય એમ મનને પાછું ન પડાય, ડગલું ભર્યું કે ના હટવું.’

‘ડગલું? અરે હું તો જથ્થાબંધ ડગલાં ભરું પણ એ માટે નિશાનબાજ બનવા પ્રૅક્ટિસ માટે મેં હાથમાં બંદૂક પકડીને બાપુજીને કીધું, જરા સામે ઊભા રહો, નિશાન બરાબર લાગે છે કે નઈ એ જોઈએ. મારો તો ટાર્ગેટ છવ્વીસને બદલે છવ્વીસસો દુશ્મનોનો ખાતમો...’

‘અરે ડોબા, તારો ટાર્ગેટ હોય, કોલગેટ હોય કે ચર્ચગેટ,’ બાપુજીની આંખોના ડોળા બહાર આવતા દેખાયા, ‘જો ભૂલથી આ ઘોડો દબાઈ ગયો તો આ દીવાલ પર બંદૂકની જગ્યાએ મારો હારવાળો ફોટો ટિંગાશે. પ્લીઝ હટાવી લે આ બંદૂક...’

‘અરે એમ કેમ હટાવી લઉં. હવે તમારી નિવૃત્તિ છે અને કોઈ પ્રવૃત્તિ વગરનું જીવન જીવીને શું કરવાનું? મફતના રોટલા ક્યાં સુધી...’

‘ચં...બુ...ડા...’ બાપુજીએ રાડ પાડી ને મેં બંદૂક હટાવીને કીધું કે દીકરાને પાકો નિશાનબાજ બનાવવામાં સગા બાપુજીનો જ સહકાર ન હોય તો બીજા કોની અપેક્ષા રાખવી. આïવા બાપુજી હોય તોય શું ને ન હોય તોય શું?’

‘યુ બિલીવ ઠાકર, હું તો બંદૂક વગર પણ વાઘ-સિંહનો શિકાર કરી શકું... મને જરાય ડર ન લાગે...’

‘અરે તો કોની રાહ જુએ છે?’ જા અને કર શિકાર, બતાવ હિંમત.’

‘બસ, આ કબાટ નીચેથી જેવો છુપાયેલો ઉંદર બહાર નીકળી જાય કે તરત જ. પછી જો ભાયડાના ભડાકા.’

‘બાપરે તું ઉંદરથી તો બીએ છે, ડરપોક... બીકણ...’

‘મને અન્ડરએસ્ટિમેટ ન કરો. હમણાં જ મેં સિંહની કેશવાળીના બધા વાળ ખેંચી કાઢ્યા હતા.’

‘કેમ ભૈ સિંહે વિગ પહેરી હતી?’

‘ના ભૈ ના. મારી હિંમત હતી. એ પછી મેં રીંછનું પૂછડું ચક્કર-ચક્કર ફેરવીને એને ફંગોળી દીધો...’

‘વાહ ચંબુડા વાહ, પણ એ પછી?’

‘પછી હાથમાં આવ્યો હાથી ને મેં જે સૂંઢ પકડીને હવામાં ઉછાળ્યો, મને ડર નઈ.’ ‘અભિનંદન, અભિનંદન, તારી હિંમતને, પછી?’

તું યાર પછી પછી નઈ કર. પછી દુકાનવાળો ભડક્યો, ‘તમે કેટલાં રમકડાં તોડશો?’

ચંબુડાના જવાબથી મને ૪૫૦ વૉલ્ટનો ઝાટકો લાગ્યો, ‘ચંબુ, તેં રમકડાનાં...’

‘હા, રમકડાના ઠાકર. આપણે પાકિસ્તાનીઓના રમકડાના સૈનિકોને જ મારી શકીશું.’

‘અરે માથા વાઢવાની આ સાતમી ઘટનાથી આપણું માથું શરમથી ઝુકાવી ઇજ્જતનું નાક આ લોકોએ વાઢી લીધું. આર્ય એ વાતનું છે કે પેલા બાયલાઓ ગોખીને તૈયાર કરેલાં વાક્યો બોલશે. ‘આપણે જડબાતોડ જવાબ આપીશું.’ પણ ક્યારે? એ ખબર નથી. ‘આપણા એકની સામે દુશ્મનોનાં દસ માથાં વાઢીશું.’ પણ ક્યારે? આખા લશ્કરનાં માથાં વઢાઈ જાય પછી? મોદીજી, કેદારનાથ જઈ મંદિરની ઉપર ધજા ફરકે એ જોઈ, પણ આપણી આબરૂનો ધજાગરો થઈ રહ્યો છે એનું શું? અને એક પણને પકડ્યા વગર જ બોલવાનું ‘અમે દુશ્મનોને છોડીશું નઈ.’

મિત્રો ગાવું બહુ સહેલું છે કે ‘માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા, હમને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા...’  શબ્દો સરસ, પણ વાસ્તવિકતા...

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK