ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૩

ગોંડલમાં દાખલ થઈને જીપ સીધી ખીમજીઅદાના ઘરની ગલીમાં પહોંચી અને કાળુએ જીપને બ્રેક મારી.નવલકથા - રશ્મિન શાહ


ગોંડલમાં દાખલ થઈને જીપ સીધી ખીમજીઅદાના ઘરની ગલીમાં પહોંચી અને કાળુએ જીપને બ્રેક મારી.

ખીમજીઅદાના ઘરની ડેલી પાસે જીપ ઊભી રહી ગઈ અને એમાંથી ભૂપત બહાર આવ્યો. ભૂપત બહાર આવે એ પહેલાં તો ગલીમાં રમતાં બાળકો બધાં દોડીને જીપ પાસે આવી ગયાં હતાં. જીપ એ સમયે જોણું હતું અને શ્રીમંતાઈથી છલોછલ હોય એ જ જીપ રાખતા અને જીપ જેવાં વાહનો વાપરતા. આ જ કારણ હતું કે જીપ કે પછી બીજાં વાહનો જોણું બની જતાં અને બાળકો એને નજીકથી જોવા કે પછી નજીક આવીને એને અડવા માટે તત્પર રહેતાં.

બાળકો બધાં જીપ પાસે ટોળે વળ્યાં, તેમની આંખો જીપના દરવાજા પર ખોડાયેલી હતી અને ત્યાં જ જોરદાર હડસેલા સાથે દરવાજો ખૂલ્યો અને એમાંથી ભૂપત બહાર આવ્યો. બહાર આવતાંની સાથે જ ભૂપતનું ધ્યાન ત્યાં એકઠાં થઈ ગયેલાં છોકરાંઓ પર ગયું અને તેણે પોતાની આંકડિયાળી મંછને તાવ આપ્યો. તાવ આપીને ભૂપત સીધો ખીમજીઅદાના ઘરમાં દાખલ થઈ ગયો.

છોકરાંઓ બધાં ભૂપતને જોઈ રહ્યાં. ખભા પર લટકતી જોટાળી અને લાંબી આંકડિયાળી મૂછનો પ્રભાવ આકરો હતો. એક નાનો છોકરો ધીમેકથી બોલ્યો,

‘બવ મોટો ડાકુ છે આ. બધાયને બીવડાવી દે.’

જીપમાંથી બહાર આવેલો કાળુ પણ પહેલાં સીધો અંદર જવા જતો હતો, પણ ત્યાં તેણે આ શબ્દો સાંભળી લીધા એટલે તે પાછો ફર્યો અને પાછો ફરીને તે ધીમેકથી બાળકો પાસે આવ્યો,

‘કોની વાત કરો છો એ’લાવ?’

છોકરાઓ ભાગવા જતાં હતાં પણ તેઓ ભાગે એ પહેલાં કાળુએ ભાગવાની દિશાનો રસ્તો રોકી લીધો.

‘કોની વાત કરતાં’તાં?’ જવાબ આપો પે’લાં.’

છોકરાઓ સ્વાભાવિક રીતે ડર્યાં પણ કાળુએ વાતાવરણ જાળવી લીધું,

‘હુંયે એટલો જ મોટો છું હોં, હું રાડ પાડુંને એટલે તે સીધો ઊભો થઈને હાલવા માંડે.’ કાળુએ બાળકો સાથે ભાઈબંધી શરૂ કરી દીધી, ‘અને અલ્યાવ, તમે બધાંય શું રમો છો આંય, મોયદાંડિયા?’

‘ના, બૅટબૉલ.’

‘વાહ, આ ધોળિયા રમે ઈ જ રમતને?’ કાળુએ જેના હાથમાં બૅટ હતું એના હાથમાંથી બૅટ લઈ લીધું, ‘હાલ, થોડાક દડા રમાડ હવે.’

એક ઉત્સાહી છોકરો દડો લઈને રવાના થયો, પણ રવાના થતી વખતે તે બોલતો પણ ગયો : ‘દડો નો કે’વાય, બૉલ કે’વાય આને.’

કાળુ કંઈ જવાબ આપે એ પહેલાં તો એ છોકરો દૂર પહોંચી ગયો અને અંગ્રેજી બોલરની સ્ટાઇલથી દોડતો આવીને તેણે બૉલ ફેંક્યો. કાળુ બૉલ ચૂકી ગયો એટલે બોલિંગ કરનારો છોકરો મોજમાં આવી ગયો અને બાકીના છોકરાંઓ ગેલમાં આવી તાળીઓ પાડવા માંડ્યાં.

- સાલું, આ લોકો તો રાજી રાખવા જેવાયે નથી.

મનોમન કાળુએ પોતાની જાતને જ ભાંડી લીધી અને ફરીથી તેણે બૅટ જમીન પર ટેકવી. પેલો છોકરો જ ફરીથી બૉલ લઈને અંગ્રેજની અદાથી દોડતો આવ્યો અને તેણે બોલ ફેંક્યો.

- સનનન...

કાળુએ ઘુમાવીને ફટકો માર્યો અને બૉલ સીધો ગલીની બહાર ફેંકાયો.

બધાં છોકરાંઓની ગરદન બૉલની સાથે ઘૂમતી રહી અને પછી અંદાજ માંડીને બધાં છોકરાં બૉલની દિશામાં ભાગ્યાં. ગલીઆખી સૂમસામ થઈ ગઈ એટલે કાળુ પણ બૅટ પડતું મૂકીને સીધો ખીમજીઅદાના ઘરમાં ઘૂસી ગયો.

કાળુ જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે ખીમજીઅદા અને ભૂપત વચ્ચે ગંભીરતાથી ચર્ચા ચાલતી હતી. ભૂપત કે ખીમજીઅદા, બેમાંથી કોઈએ કાળુ તરફ ધ્યાન પણ આપ્યું નહીં એટલે કાળુ પણ આવીને ચુપચાપ બન્નેની સામે રહેલી ખુરસી પર ગોઠવાઈ ગયો.

‘મોહબ્બતઅલી ખાનની ઇચ્છા સાવ જુદી છે.’

ખીમજીઅદાનું આ પહેલું વાક્ય કાળુના કાનમાં પડ્યું અને તે પણ આ જ વાક્યથી વાતમાં દાખલ થયો,

‘ભૂપત, મોહબ્બતઅલી ખાન ઇચ્છે છે કે તે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવે અને પછી રાજ કરે. પાકિસ્તાનમાં ભેળવવા માટે મોહમ્મદઅલી ઝીણાએ તેને કેટલીક લાલચ આપી છે. લાલચ તો શું કહેવાય, કેટલીક વ્યવસ્થા કરી આપી છે. મોહમ્મદઅલી ઝીણાએ જે લાલચ આપી છે એમાંથી એક લાલચ એ છે કે તે મોહબ્બતઅલી ખાનને મુસ્લિમ લીગ પાર્ટીનો નેતા બનાવશે અને તેને રાજકીય સ્તરે મોટું સન્માન મળે એવું પદ આપશે જેથી તેનો માનમરતબો જળવાયેલો રહે.’

‘આ જ વાત આપણે પણ કરી શકીએ છીએને?’

ભૂપતનો તર્ક વાજબી હતો. માણસ જ્યારે માત્ર લાલચ કે પછી પોતાના લાભને જ જોવા માગતો હોય ત્યારે એ લાભ અને લાલચનું પૅકેટ તમારે પણ વિચારવું જોઈએ અને એમાં કશું ખોટું પણ નથી. દરેકને હક છે કે તે પોતાના હિતની વાત જુએ અને પોતાના હિતને સાચવે.

‘ના, એ શક્ય નથી અહીં.’ ખીમજીઅદાએ ગંભીરતાથી કહ્યું, ‘અહીં જવાહરલાલ નેહરુ તો બધું કરવા રાજી છે, પણ સરદાર પટેલ કદાચ આવી છૂટ કે પછી આવી તકો ઊભી કરવા રાજી નહીં થાય. તેમને ખુન્નસ છે, ભારોભાર ગુસ્સો છે આ બધા મુસ્લિમો પર કે દેશના ભાગલા પાડ્યા.’

‘હંઅઅઅ... સાચું જ છે. એક અખંડ ભારતનું સપનું જ આપણે સૌએ જોયું હતું.’

કાળુ પહેલી વાર વચ્ચે બોલ્યો, જેનો પૂરો લાભ ખીમજીઅદાએ લીધો,

‘આ જે બોલ્યો એ જ વાત અત્યારે દેશના મોટા ભાગના હિન્દુસ્તાનીઓ કરી રહ્યા છે. બધાને અફસોસ છે કે તેમણે ઘરબાર છોડવું પડ્યું અને સ્થળાંતર કરવું પડ્યું. અહીંથી જનારા મુસ્લિમોને પણ એ જ વાતનો અફસોસ છે અને ત્યાંથી આવી રહેલા હિન્દુ પરિવારને પણ આ જ વાતનું દુખ છે ભૂપત. આ દુખ જો સમયસર નહીં નીકળે તો ગુસ્સો અકળામણ બનીને બહાર આવશે અને એવું થશે ત્યારે બહુ બધા લોકોએ ભોગવવું પડશે.’ ખીમજીઅદાએ ભૂપત સામે જોયું, ‘જેણે પોતાના જીવનમાં કોઈ ફેરફાર નથી કર્યા કે કરવા પડે એમ નથી એ લોકોને તો આ બધી વાતોથી ફરક નથી પડવાનો, પણ જેણે ઘર છોડ્યું છે, પોતાનું ખાનદાન અને પોતાનાં મૂળિયાં છોડ્યાં છે એ લોકોને જઈને પૂછો તો તેમની વેદના કેવી હોય એ દેખાશે અને સમજાશે પણ ખરી.’

ભૂપતને ખીમજીઅદાની આ છેલ્લી વાત સૌથી વધારે અસરકારક રીતે સમજાઈ હતી. તેની આંખ સામે પોતાના બચપણના દિવસો આવી ગયા હતા. નાનપણ જે પ્રકારે તેણે ગુમાવ્યું હતું એ ગુમાવેલા નાનપણનાં આંસુ ક્યાંક ને ક્યાંક ગુસ્સો બન્યાં હતાં અને એ ગુસ્સાએ તેને છેક બહારવટા સુધી ખેંચી જવાનું કામ કર્યું હતું.

‘તો પછી આપણે ત્યાં આ રજવાડાંઓને ભેગાં કરવામાં શું લાભ આપવાની વાત થાય છે.’

‘જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો આપણે આ રજવાડાંઓને સાલિયાણાં બાંધી દેવાનાં છીએ. બધું ઉઘરાવશે હવે સરકાર અને સરકારને જે આવક થશે એ આવકમાંથી રાજાઓને સાલિયાણું આપવામાં આવશે. એમ કહે તોયે ચાલે કે રાજાઓ પગારદાર થઈ જાશે હવે.’

‘એ તો અત્યારે અંગ્રેજો છે ત્યારે પણ એ જ નીતિ હતીને.’ કાળુએ વાતમાં ઝુકાવ્યું, ‘અંગ્રેજોની તાબેશાહી જે રાજ્યમાં કબૂલ કરવામાં આવી ત્યાં રાજાને એક ચોક્કસ રકમ જ મળે છે. બાકી રાજાએ તો વેરા કે પછી કર કે લગાન ક્યાં કંઈ ઉઘરાવવાનું હોય છે.’

‘એવું જ અને એ જ રીતને આપણી નવી સરકાર પણ અપનાવવા માગે છે. અત્યારે એવું જ રૂપ આપશે જેથી રાજારજવાડાંઓ બધાં એક છત નીચે આવી જાય. બને પણ ખરું કે જેકોઈને કૉન્ગ્રેસ સાથે રહીને કામ કરવું હોય તેને નેહરુ પાર્ટીમાં પણ લે.’

‘રજવાડાં તૈયાર થાય એમ લાગે છે?’ ભૂપત મૂળ વાત પર જ કાયમ રહ્યો, ‘જો રજવાડાં તૈયાર નહીં થાય તો પછી કેવી રીતે વાત આગળ વધશે?’

ખીમજીઅદાએ બાજુમાં પડેલું ‘બંધુપત્ર’ નામનું અખબાર હાથમાં લીધું અને ભૂપત સામે ધર્યું : ‘અત્યારે તો આમાં એવું લખે છે કે અંગ્રેજ સરકારે જ બધાં રજવાડાંને એક થવા માટે કાગળ લખી દેવાની તૈયારી દર્શાવી છે, પણ એ કાગળ બ્રિટિશરાજ હોય ત્યાં સુધી જ અમલમાં ગણાશે. આ કાગળમાં ત્રણ જાતની શરત મૂકવાની છે; પહેલી એ કે તમે બધા નવા બનતા ભારત સાથે જોડાઈ જાઓ. બીજી એ કે જો તમને નવા બનતા પાકિસ્તાન સાથે જોડાવું હોય તો એની પણ છૂટ છે. ત્રીજી અને મહત્વની શરત એ કે જો તમારે એકલા રહેવું હોય અને તમે તમારી જાતે જ રાજ કરવા માગતા હો તો તમને દેશ તરીકેનો દરજ્જો આપવા પણ અમે તૈયાર છીએ. વલ્લભભાઈ પટેલ અને તેમના બીજા સાથીઓએ મોટા ભાગનાં રાજારજવાડાં સાથે પહેલેથી વાત ચાલુ કરી દીધી હતી એટલે એનું પહેલું તારણ એ છે કે ભારત બાજુના બધા રાજવી જોડાઈ જવા તૈયાર છે, પણ ખાલી ત્રણ-ચાર રજવાડાં પાકિસ્તાન સાથે જોડાવા માગે છે અને કાશ્મીરના રાજા જયસિંહ એકલા રહેવા માગે છે.’

‘આપણે કરવાનું શું છે હવે?’ આખી વાત સમજી લીધા પછી ભૂપતસિંહે ખીમજીઅદા સામે જોયું અને પ્રfન કર્યો, ‘જુઓ, આમ તો આ કામમાં હું ક્યાં અને કોને મદદ કરી શકું એ જ વાત મને તો અજબ લાગે છે, પણ એમ છતાં મને એકેયની બાજુએ રહેવામાં વાંધો નથી. મારો સ્વાર્થ તો નવાબ સાથે જ હોય એ તમે સમજી શકો. મારા માયબાપ રહી ચૂક્યા છે અને ક્યારેય અમારો કોઈ ગજગ્રાહ પણ થયો નથી. જો પાકિસ્તાન બને તો હું ત્યાં આરોપી પણ નહીં ગણાઉં એવું મને અત્યારે લાગે છે. શું કહેવું છે તારું કાળુ?’

ભૂપતે કાળુ સામે જોયું અને ધીમેકથી તેણે પગ લાંબા કર્યા.

કાળુએ માત્ર મૂંડી ધુણાવીને હા પાડી, પણ વાત તો તેને પણ સમજાતી હતી.

‘માત્ર આરોપી ગણવાની જ વાતને જો તું પ્રાધાન્ય આપતો હો તો ભૂપત તો આ દેશ પણ નવો જ બનવાનો છે. આ દેશમાં પણ કદાચ આ જ વાત લાગુ પડશે કે અંગ્રેજોના વખતના જેકોઈ આરોપીઓ હતા એ બધાને નિર્દોષ પુરવાર થવાની તક મળે અને કાં તો એવું પણ બને કે બધા સામેના આરોપો પાછા જ ખેંચી લેવામાં આવે.’ ખીમજીઅદાની વાત સાવ નાખી દેવા જેવી તો નહોતી જ, ‘મને લાગે છે કે આ એક વાતને પ્રાધાન્ય આપવું એ યોગ્ય નથી. હા, નવાબ સાથે તારી આત્મીયતા વધારે સજ્જડ છે એ તો અમે બધા જાણીએ છીએ અને નવાબે પણ તને હંમેશાં હૂંફ આપી છે એ પણ બધા જાણે છે, પણ ખાલી એ એક વાતને લીધે તું રાજ્યના બાકીના લોકો વિશે પણ વિચાર ન કરે એ મને બરાબર નથી લાગતું.’

‘તો પછી એવું હોય તો મતદાન થવું જોઈએ. મતદાન કરો અને નક્કી કરો કે કોણે ક્યાં રહેવું છે?’

‘નવાબ એ કરવા રાજી છે, પણ એવું કરવામાં બનવાનું છે એવું કે જૂનાગઢ રાજ્યના ૮૦ ટકા લોકોએ રાજ્ય છોડી દેવું પડે. એ તો બરાબર નથીને?’

‘અદા, આખા દેશમાં એ જ તો થયું છે. હવે એમાં શું બરાબર નથી એવું કહેવાનું.’ ભૂપતે દલીલ કરી, ‘ત્યાં રહેતા હિન્દુ આ બાજુ આવવાના છે. આ બાજુ રહેતા મુસ્લિમો ત્યાં જતા રહેવાના છે. એવા સમયે જૂનાગઢમાં પણ એવું બને તો શું ખોટું છે. રહેવું હોય તે રહે ને જવું હોય તે જાય, દબાણ કોઈના પર નહીં, જોહુકમી કોઈના પર નહીં.’

‘હા, સાચું પણ જ્યાં જેની વસ્તી વધારે હોય એના મુજબનું જીવવાનું હોય, તારા જૂનાગઢમાં એવું થાશે? જૂનાગઢમાં ઈદ મનાવાશે અને રાજ્યમાં રહેતા લોકોએ પણ પરાણે ઈદ ઊજવવી પડશે. તેનું મન હશે દિવાળી કરવાનું પણ દિવાળીના દિવસે સોગિયું ડાચું લઈને ફરવું પડશે અને જો એવું નહીં કરે તો તારો નવાબ, પછી તે નેતા બની ગયો હશે એ નેતા-નવાબ, બધાયને અંદર જેલમાં ઘાલી દેશે.’

ખીમજીઅદાનો અવાજ પહેલી વખત જરા મોટો થયો હતો.

મોટો પણ અને તોછડો પણ.

માણસ વાત ન સમજે ત્યારે ધીરજ ખૂટતી હોય છે અને જ્યારે ધીરજ ખૂટતી હોય છે ત્યારે એની પહેલી અસર સ્વર પર દેખાતી હોય છે. ખીમજીઅદા સાથે પણ એવું જ બન્યું હતું. ધાર્યું હતું કે ભૂપત તેમની વાત, તેમના વિચાર અને તેમની સંવેદના સમજશે પણ એનાથી ઊલટું ભૂપત નવાબના પક્ષમાં બોલી રહ્યો હતો. બે દિવસ પહેલાં જ્યારે રતુભાઈ અદાણી પણ ખીમજીઅદાને મYયા ત્યારે તેમણે પણ અદાને એ જ કહ્યું હતું, ‘ભૂપત આપણો સાથ આપે કે પછી નવાબનો? મને તો લાગે છે કે નવાબનો...’

‘તમારી માન્યતા ખોટી છે રતુભાઈ. ભૂપતનો દેશપ્રેમ મેં જોયો છે. ભૂપત નવાબની ભેગો જાવાને બદલે આપણી ભેગો જ રહે એની મને ખાતરી છે.’

‘તો કરીએ મુલાકાત, આપણે તો રાજી જ છીએ, આવા બહાદુરો આપણી સાથે ઉમેરાય તો.’ રતુભાઈના ચહેરા પર ખુશી આવી ગઈ હતી, ‘ઊલટું ખીમજીઅદા, ઘડીભર તો એવો વિચાર પણ આવ્યો હતો કે આ નવાબને સીધો કરવા જતાં ક્યાંક નવાબ પોતે ભૂપતનો સહકાર લઈને ખોટું સામું આક્રમણ ન કરાવે.’

‘મારા પર છોડી દ્યો બધુંય તમે અને ખાલી હું મોકલું એટલે તેની સાથે વાત કરી લ્યો, કાંય નથી થાવાનું એની જવાબદારી મારી.’

ખીમજીઅદાએ જવાબદારી તો લઈ લીધી, પણ તેમણે મનમાં પણ નહોતું ધાર્યું કે ભૂપત સીધો રતુભાઈને મળવા જવાને બદલે પહેલાં તેમને જ મળવા આવશે અને તર્ક તથા દલીલો પરથી એવું લાગશે કે તેને નવાબ માટે રહેમદિલી હશે.

‘ભૂપત, મારી વાત ખાલી એટલી છે કે જૂનાગઢ પાકિસ્તાનમાં ભળે એને બદલે ભારતમાં ભળે અને નવાબ પણ અહીં જ રહે. આપણે નવાબની જો કોઈ માગણી હોય તો એ માગણી પણ ઉપર સુધી પહોંચાડીશું, પણ જો ગેરવાજબી માગણી કરશે તો પછી એના પર વિચારણા નહીં થાય અને વાત બગડી જાશે.’

‘વાત બગડી જાશે એટલે?’

ભૂપતે સ્વભાવ મુજબ જ સવાલ પૂછી લીધો, પણ પુછાયેલો આ જવાબ સાંભળીને ખીમજીઅદામાં ફરી વખત ગંભીરતા આવી ગઈ. આ એ સવાલ હતો જેનો જવાબ વાત બગાડી પણ શકે અને નવાબને પણ પહેલેથી સાવધ કરી શકે.

‘એ બધી વાત માટે તો તારી અને રતુભાઈની બેઠક ગોઠવી છે અને તું અત્યારે અહીં વખત બગાડશ.’

ખીમજીઅદાના દીકરાની ઘરવાળી છાસ લઈને આવી એટલે ખીમજીઅદા ઘડીભર ચૂપ થયા. છાસના પ્યાલા અને વધારાની છાસની માટલી મૂકીને તે ફરીથી અંદર ગઈ એટલે ખીમજીઅદાએ પહેલાં સૌકોઈના હાથમાં છાસના ગ્લાસ મૂક્યા અને પછી અનુસંધાન જોડ્યું.

‘તું એક વાર રાજકોટ જા. રાજકોટ જઈને એ લોકોને મળી લે. મળીશ તો ખબર પડશે કે કોનો સાથ દેવો ને કોનો નહીં. વાત તો એ જ છે કે આપણે બધા ભેગા મળીને દેશ માટે હવે કાંઈક કરીએ અને દેશને સાચી રીતે નવેસરથી ઊભો કરીએ. બોલીએ છીએ એટલું આસાન આ કામ નથી, પણ આ કામ કરવાની ભાવના તો મનમાં હોવી જોઈશેને?’

ભૂપત અને કાળુએ છાસ પૂરી કરી. છાસનો પ્યાલો પૂરો થતો હતો એ દરમ્યાન અલકમલકની વાતો થઈ પણ એ વાતોમાં ક્યાંય પછી આ કામની વાતો નહોતી થઈ. ઘરની અને ખીમજીઅદાના દીકરાઓની વાતો થઈ અને ગોંડલ રાજ્યની વાતો થઈ. ગોંડલે સૌથી પહેલો સંમતિપત્ર સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો એ પણ ભૂપતે જાણ્યું અને પછી તેણે જવા માટે રજા માગી.

‘હવે ક્યાં, રાજકોટ કે પછી પાછો ગીર?’

‘રાજકોટ જને? તમે જ તો કીધું કે રતુભાઈને મળી લે.’

ખીમજીઅદાને ખાતરી આપીને ભૂપત અને કાળુ રવાના થયા. બન્ને જ્યારે ઘરની બહાર નીકYયા ત્યારે ભૂપત જાણી ગયો હતો કે ખીમજીઅદા તેની પાસેથી શું અપેક્ષા રાખે છે, પણ તેણે આ વાત ખીમજીઅદા સામે આવવા નહોતી દીધી, તો કાળુ પણ પારખી ગયો હતો કે ભૂપત પાસેથી કઈ વાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને તેણે એ વાત બાબતે મૂંગા રહેવાનું જ પસંદ કર્યું હતું.

બન્ને બહાર આવ્યા ત્યારે ગલીના ખૂણા પર બધાં બાળકો ઊભાં હતાં. ભૂપત અને કાળુને બહાર આવેલા જોઈને એ બાળકોમાંથી એક બાળક દોડતું તેમની પાસે આવ્યું અને ભૂપત સામે હાથ કરીને બોલ્યું,

‘આણે અમારો બૉલ ન્યાં નદીમાં નાખી દીધો. કાંઈક ક્યો તેને.’

‘ભાગ, સાલા...’

કાળુએ એ બાળકને સહેજ ડારો દીધો, પણ એમ છતાં ભૂપતે તેની પીઠ પર ધબ્બો માર્યો એટલે તે જાણે ડરી ગયો હોય એવી રીતે ઊભો રહી ગયો,

‘સિંહ, બધાંય ભેગાં મળીને મારી મશ્કરી કરતાં હતાં.’

ભૂપતે કાળુની વાતનો જવાબ આપવાને બદલે પોતાના ગજવામાં હાથ નાખ્યો અને એમાંથી ૧૦ રૂપિયાની નોટ બહાર કાઢી,

‘આ લ્યો, નવો દડો લઈ લેજો.’

બાળકે કોઈ જાતના ખચકાટ વિના નોટ હાથમાં લઈ લીધી અને પહોળી કરીને નોટ જોઈ. ૧૦ રૂપિયાને ઓળખવામાં તેને જરા પણ વાર નહોતી લાગી,

‘આટલા રૂપિયામાં તો બઉ બધા દડા આવી જાય.’

‘તો પછી બધાય રૂપિયાના દડા લઈ લ્યો અને મજા કરો.’

જવાબ ભૂપતે આપ્યો, પણ કાળુ પેલા બાળકની સામે આવ્યો અને પછી ઘૂંટણભેર થઈને તેણે ધીમેકથી બાળકના કાનમાં કહ્યું,

‘બોલ, સારું કર્યુંને દડો નાખી દીધો એ? હવે આટલાબધા નવા દડા આવી જાશેને?’

પેલું ટેણિયું વાત સમજી ગયું.

તેણે સામેથી હાથ લંબાવ્યો એટલે કાળુએ પણ હાથ લંબાવ્યો. હાથ લાંબો થયો એટલે એ ટેણિયાએ તાળી આપી,

‘કાલે પાછાં આવજો, કાલે નવા બૉલથી રમીશું આપણે હોં.’

કાળુ જવાબ આપે એ પહેલાં તો તે દોઢફુટિયું ભાગી પણ ગયું. જોકે તે ભાગી ગયું તો પણ તેણે આપેલી એ તાળીનો અવાજ દૂર ઊભા રહીને આ બધું જોતા ભૂપતના કાનમાં ગુંજતો રહ્યો. તેને ખબર નહોતી કે આવતા દિવસોમાં તે પણ આવી જ રીતે કોઈની સાથે હાથ મિલાવશે અને હાથ મિલાવીને આ દેશના ઇતિહાસની રચનામાં પોતાનો સહયોગ આપશે.

(વધુ આવતા શનિવારે)

€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK