વિદેશોની સફરમાં ગુજરાતીઓના હૅરી બનતા લોકોને મળો

ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ જબ હૅરી મેટ સેજલમાં શાહરુખ ખાન ટૂરિસ્ટ ગાઇડનો રોલ અદા કરી રહ્યો છે ત્યારે ટ્રાવેલ-એજન્સીઓ વતી ૪૦થી ૫૦ લોકોના ગ્રુપને લઈને દેશ-વિદેશમાં ફરતા ટૂર-લીડરોના રોચક અનુભવો જાણીએ

tour

રુચિતા શાહ

જરાક કલ્પના કરો કે નૉર્વેના બર્ફીલા પહાડો વચ્ચે તમે છો, જ્યાં હરિયાળીના નામે એકેય વસ્તુ તમને જોવા મળી રહી નથી. તમારી સાથે ૪૦ જણનું ગ્રુપ છે અને તમે ગમે એમ કરીને થોડાંક શાકભાજીની વ્યવસ્થા કરી છે જેથી તેમને ભોજન પીરસી શકો. ખૂબ મુશ્કેલીથી આ વિસ્તારમાં શાકભાજીની વ્યવસ્થા થઈ છે. તમારી સાથે રહેલા તમારા ક્લાયન્ટ્સ ભૂખ્યા ન રહે અને પેટ ભરીને જમી શકે એટલી રસોઈ છે. શાક-ભાત-દાળ-રોટલી-મીઠાઈ અને સૅલડ સહિત ફરસાણ પણ તમે મેનુમાં પીરસ્યું છે. એવામાં એક ટૂરિસ્ટ તમારી પાસે એ વાતે ઝઘડવા આવ્યો છે કે ડુંગળી સાથે તમે જે મરચાં પીરસ્યાં છે એ થોડાં મોળાં છે, થોડાંક તીખાં મરચાં ન મળી શકે? જરાક વિચારો કે ટૂર-ઑપરેટર તરીકે તમારું મગજ છટકે કે ન છટકે. જે સ્થળે શાકભાજી માંડ-માંડ મળી રહ્યાં છે ત્યાં સુરતી તીખાં મરચાં ક્યાં શોધવા જવાં? શાકભાજી તો તમે મુંબઈથી સાથે લઈને પણ ન નીકળી શકોને.

આવા અઢળક અનુભવોનો અવારનવાર સામનો મુંબઈની મોટા ભાગની ટ્રાવેલ-એજન્સીના ટૂર-ઑપરેટરો કરતા હોય છે અને હવે તેઓ ટેવાઈ પણ ગયા છે. તેમણે પોતાના ટેમ્પર પર કાબૂ રાખવાનું પણ શીખી લીધું છે. સાથે જ આ તમામ પ્રકારની પોતાના ક્લાયન્ટ્સની લાગણીઓ અને માગણીઓને માન આપીને તેમની ટૂરને યાદગાર કેવી રીતે બનાવવી એ માટે તેઓ અથાગ પ્રયત્નો પણ કરી લેતા હોય છે. મુંબઈની અગ્રણી ટ્રાવેલ-કંપનીઓના કેટલાક ટૂર-ઑપરેટરો સાથે વાત કરીએ અને જાણીએ કે તેમની જૉબમાં પણ કેવા-કેવા પડકારોનો સામનો તેમણે કરવો પડતો હોય છે.

વર્ષમાં પાંચથી છ મહિના ઘરથી દૂર હોઈએ ત્યારે અમારા ક્લાયન્ટ્સ જ અમારો પરિવાર હોય : નીરજ ઠક્કર, હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ


ક્યારેક મુન્નાભાઈ તો ક્યારેક રાજેશ ખન્ના બનીને પોતાની સાથે ટ્રાવેલ કરતા ૪૦થી ૪૫ પ્રવાસીઓને એન્ટરટેઇન કરતા જતા અને તેમની ટ્રિપમાં ટૂરિસ્ટો શ્રેષ્ઠ આનંદ લૂંટી શકે એવા પ્રયત્નો કરતા નીરજ ઠક્કર જેટલી કાર્યનિષ્ઠા ભાગ્યે જ તમે જોઈ શકો. આ અમે નહીં પણ તેમની સાથે પ્રવાસ કરનારા સેંકડો પ્રવાસીઓના શબ્દો છે. નીરજભાઈ પોતાની સાથે પ્રવાસ કરતા તમામ સહેલાણીઓને પોતાના જમાઈની જેમ સાચવતા હોય છે. ૧૯૯૨માં તેઓ હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સમાં એન્ટરટેઇનર તરીકે જોડાયા હતા. એ પછી તેઓ પોતે જ

ટૂર-ઑપરેટર તરીકે આખી ટૂરને હૅન્ડલ કરતા થઈ ગયા. બે દાયકા કરતાં પણ વધુ સમયમાં તેમણે પંદરથી વધુ દેશોનો પ્રવાસ પોતે તો કયોર્ જ છે, લોકોને પણ કરાવ્યો છે. પોતાની ડ્યુટી વિશે વાત કરતાં નીરજભાઈ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ પોતાની રોજબરોજની જિંદગીમાંથી એક નાનકડો બ્રેક લેવા અને એન્જૉયમેન્ટ માટે બહાર નીકળતી હોય છે. એવા સમયે એક ટૂર-ઑપરેટર તરીકે અમારી જવાબદારી મોટી હોય છે. ખાસ કરીને ફૉરેનમાં જઈએ ત્યારે ઇન્ટરનલ રોડ-ટ્રાવેલિંગ ખૂબ લાંબા કલાકોનું હોય છે. એ લાંબા કલાકો દરમ્યાન લોકો બોર ન થઈ જાય એ માટે તેમને ગેમ્સ રમાડવી, ગીતો ગવડાવવાં, ડિબેટ અને ડિસ્કશન કરવાં જેવી અઢળક એક્સ્ટ્રા જવાબદારી ટૂર-લીડરે નિભાવવાની હોય છે.’

નીરજભાઈના આ એક્સ્ટ્રા એફર્ટ્સ સિવાય દરેક ટૂર-ઑપરેટરે સવારે વહેલા ઊઠીને તમામને એક વેક-અપ કૉલ આપવો, ભોજનની વ્યવસ્થા કરાવવી, બુકિંગથી લઈને બસમાં ટ્રાવેલના ટાઇમને આઇટનરી પ્રમાણે ઍડ્જસ્ટ કરવા, લોકોને વિવિધ ફરવાનાં સ્થળોએ ફેરવવા અને એ સિવાયની પ્રવાસીઓની કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ લાવવો એ તેમની જવાબદારી હોય છે. ૪૦થી ૫૦ જણના ગ્રુપનો મુખ્ય ટીમ-લીડર હોવાના નાતે ટૂર-ઑપરેટરને તમે ટૂરની કરોડરજ્જુ કહી શકો છો. એટલે જ તેમને થતા અનુભવો પણ વિશાળ હોય છે. નીરજભાઈ આ વિશે કહે છે, ‘દરેક ટૂરમાં લગભગ દરેક એજ-ગ્રુપના લોકો હોય છે. દરેક એજના લોકોની પોતાની જરૂરિયાત હોય છે. જેમ કે સિનિયર સિટિઝન હોય તો તેમના માટે ચાલવાનું અઘરું પડતું હોય એ સમયે તેમને ટેકો આપવો અને તેમની તબિયતના ખબર-અંતર પૂછવા, નાનાં બાળકો હોય તો તેમને મજા પડી જાય એવી રીતે રહેવું, કપલ વચ્ચેનો પ્રેમ વધે એવાં ગતકડાં કરતા રહેવું જેવું અમે કરતા હોઈએ છીએ. હું તો પરિવારથી દૂર હોઉં છું એટલે એ સમયે મારી સામે હાજર હોય એ જ મારો પરિવાર હોય છે. ઘણી વાર હું રમૂજમાં કહેતો હોઉં છું કે અહીં બેસેલા બધા વડીલો મારા પેરન્ટ્સ સમાન છે, બાળકો મારાં પોતાનાં બાળકો જેવાં છે અને બેશક, કોઈની પત્નીને હું મારી પત્ની જેવી છે એવું નહીં કહું. આટલું બોલું એટલે લોકો હસી પડે અને એક જુદો જ માહોલ ઊભો થઈ જતો હોય છે.’

પરિવારના વિયોગની જેમ ટૂર-મૅનેજરોએ સતત બદલાતી વેધર વચ્ચે દસ-બાર કલાક કામ કરવાનું બનતું હોય છે જે પણ પડકારજનક બાબત છે. એને કારણે તેમણે ઘણા હેલ્થ-ઇશ્યુઝનો પણ સામનો કરવો પડતો હોય છે. પોતાના જ અનુભવ પરથી નીરજભાઈ કહે છે, ‘આટલાં વષોર્માં ઘરે રહ્યો છું એના કરતાં ટૂર પર વધુ સમય રહ્યો છું. એ દરમ્યાન ન ઊંઘનાં ઠેકાણાં હોય, ન ખાવા-પીવાનાં. લાંબા સમય સુધી ચાલવાનું આવે અને બસમાં ટ્રાવેલિંગ કરવાનું આવે જેને કારણે હવે મને બૅક અને નેક-પેઇન શરૂ થયું છે. જોકે મારા માટે મારું કામ પૅશન છે એટલે આ કારણથી એ છોડવાનું તો વિચારી જ નથી શકતો. બેશક, હવે થોડીક વધુ સંભાળ રાખું છું.’

ટૂર દરમ્યાન ટૂરિસ્ટો દ્વારા કરવામાં આવતાં કેટલાંક મિસબિહેવિયર્સ માટે પણ ટૂર-મૅનેજરે તૈયાર રહેવું પડે છે. તેમની સમસ્યાઓ માટે પણ સદૈવ તૈયાર રહીને તાત્કાલિક સમાધાન કાઢતા જવું પડે છે. એક પ્રસંગ વર્ણવતાં નીરજભાઈ કહે છે, ‘બે વર્ષ પહેલાં અમે રોમમાં હતા ત્યારે એક અંકલને હાર્ટ-અટૅક આવ્યો. તાત્કાલિક તેમને ત્યાંની હૉસ્પિટલમાં શિફ્ટ કરીને તેમની બાયપાસ સર્જરીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાષાનો પ્રૉબ્લેમ હતો એ પછી પણ ડૉક્ટરો અને તે અંકલ અને તેમના પરિવારને ત્યાં લાંબો સમય રહેવાની વ્યવસ્થા પણ અમે મૅનેજ કરી આપી હતી. બાકીના ટ્રાવેલરની સાથે જાણીતા લોકલ ગાઇડ આપીને બે દિવસ આ વ્યવસ્થાઓ ગોઠવ્યા પછી હું પાછો ટૂરમાં જોડાયો. પેલા અંકલ ભારત પાછા આવ્યા એ પછી પણ તેમણે મારો સંપર્ક કયોર્ હતો અને સમય સારી રીતે સાચવ્યા બદલ ધન્યવાદ વ્યક્ત કયોર્ હતો. એવા અઢળક ટ્રાવેલર્સ છે જે ટૂર પત્યા પછી પણ સંપર્કમાં રહ્યા છે અને પોતાના જીવનના સુખદુખના પ્રંસગોની જાણ કરીને ઇન્વાઇટ પણ કરતા હોય છે.’

નીરજ ઠક્કર અંગત જીવનમાં પણ પોતાની જૉબને કારણે ઘણું જતું કરી લેતા હોય છે. જેમ કે તેઓ યુરોપની ટૂર પર હતા અને તેમના પિતાનું અવસાન થયું. તેમને બે દિવસ પહોંચતાં થાય એમ હતા, કારણ કે ત્યારે જ નીકળે તો તેમની સાથે રહેલા પચાસ પ્રવાસીઓનો પ્રવાસ ડામાડોળ થઈ જાય એમ હતો. એમાં તેઓ પોતાના પિતાને અંતિમ વાર જોઈ નહોતા શક્યા. પોતાનાં લગ્નના એક જ અઠવાડિયા પછી તેમણે ત્રણ મહિનાની યુરોપની ટૂર પર પત્નીને મૂકીને જવું પડ્યું હતું. દીકરીના જન્મના દસ દિવસ પછી તેમણે ટૂર પર નીકળવું પડ્યું હતું. છેલ્લે તેઓ કહે છે, ‘ઘણા લોકો અમને કહેતા હોય છે કે તમે કેવા નસીબદાર છો કે તમને તો દુનિયા ફરવાનો પગાર મળે છે. જોકે હકીકત એ છે કે અમારા માટે એ ફરવું માત્ર ફરવું નથી પણ અમારી જવાબદારી છે, જવાબદારીથી ભરેલું કામ. બેશક, મારા માટે આ પૅશન છે અને હું મારા કાર્યને હૃદય ભેળવીને કરું છું એટલે અઢળક લોકોનો પ્રેમ અને આર્શીવાદ પણ એમાં ઉમેરાઈ જાય છે.’

ડિઝનીલૅન્ડમાં ખોવાયેલાં એક માજીને શોધવામાં ચાર કલાક નીકળી ગયા હતા : પ્રીતિ જરીવાલા (ફ્રીલાન્સ ટૂર-મૅનેજર)

છેલ્લાં દસ વર્ષથી આ ફીલ્ડ સાથે સંકળાયેલી પ્રીતિ જરીવાલાએ પોતાના ટૂર-લીડરના રોલને બખૂબી નિભાવ્યો છે. એમાં સેંકડો અનુભવોમાંથી તે પસાર થઈ છે અને દરેક અનુભવે તેને તેના ઘડતરમાં પણ ખૂબ મદદ કરી છે. પ્રીતિ કહે છે, ‘જાત-જાતના લોકોને મળવામાં અને દુનિયાભરનાં સ્થળોને એક્સપ્લોર કરતા જવામાં તમારા આત્મવિશ્વાસમાં એક ખાસ બદલાવ આવી જતો હોય છે. વિદેશમાં એવું ઘણું છે જે બાબતમાં આપણા દેશના લોકો નસીબદાર છે. એ જ રીતે ત્યાં શીખવા જેવું પણ ઘણું છે. જ્યારે અમે ટૂર લઈને જઈએ ત્યારે ઘણી એવી બાબતો હોય છે જેમાં તમારે છેલ્લી ઘડીએ નિર્ણય લેવો પડતો હોય છે. કેટલાક બનાવો પર્મનન્ટ છે. તમે પાસપોર્ટ સાચવવાનું અને પોતાની કીમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું પુષ્કળ વાર કહ્યું હોય તો પણ લોકો ગાફેલ રહેતા જ હોય છે અને એમાં હેરાન થવાનું અમારે જ આવતું હોય છે. મને યાદ છે કે અમે ગ્રુપ લઈને રશિયા ગયા હતા અને એક અંકલનું વૉલેટ ચોરાઈ ગયું. હવે જે ચોર હતો એ તો વૉલેટ લઈને ભાગી ગયો, પણ તેઓ સમજ્યા કે તેમની પાછળ ચાલતા ત્યાંના લોકલ માણસનું આ કારસ્તાન છે અને તેઓ તેની સાથે ઝઘડવા માંડ્યા. તેમના પક્ષમાં ટૂરના બીજા પાંચ-સાત લોકો જોડાયા અને વાત હાથાપાઈ સુધી પહોંચી. મુદ્દો પોલીસ-સ્ટેશનમાં પહોંચે તો વાત વધુ ખેંચાઈ જવાની હતી એટલે એ સમયે ટૂરના જ બે-ચાર લોકોની મદદ લઈને મામલો શાંત પાડવા માટે હું વચ્ચે પડી. ઝડપથી અમે ત્યાંથી નીકળી ગયા. મેં મારા પ્રવાસો દરમ્યાન બીજી એક બાબત અનુભવી છે આપણા ભારતીયોની સમયની બાબતમાં દાખવવામાં આવતી બેદરકારી. તમે જે સમય આપ્યો હોય એનાથી અડધો-પોણો કલાક મોડા જ આવવાનું. ફૉરેનમાં આ બાબત ખૂબ ગંભીર મનાય છે. ત્યાં પંદર મિનિટ પણ મોટા પડો તો બધું બદલાઈ જતું હોય છે. એવા સમયે હોટેલના સ્ટાફથી લઈને લોકલ સાઇટ-સીન માટે બુક કરવામાં આવેલી ગાડીના ડ્રાઇવર સાથે ડીલ કરવાનું અઘરું બનતું હોય છે. એમાં જો તમે સમય પર ન પહોંચેલા પ્રવાસીને મૂકીને જાઓ તો એ લોકો તમારી સાથે લડી પડે અને જો તમે તેમની રાહ જુઓ તો બીજા લોકોનું અકળાવાનું શરૂ થાય.’

પ્રીતિએ એવી ટૂર-એજન્સીઓમાં પણ કામ કર્યું છે જ્યાં ગુજરાતીઓ ઓછા આવતા હોય અને એવી ટૂરમાં પણ તે ગઈ છે જ્યાં ગુજરાતીઓનું પ્રમાણ મોટું હોય. એ બન્નેનો ભેદ સમજાવતાં તે કહે છે, ‘આપણા લોકો વિશ્વના કોઈ પણ ખૂણે કેમ ન હોય, તેમનો સ્વાદ નથી છૂટતો હોતો. તેમને ચાર જગ્યા ઓછી જોવા મળશે તો ચાલશે, પણ ખાવાનું બરાબર મળવું જોઈએ એવો આગ્રહ હોય છે. એવું ઘણી વાર બને કે ફૉરેનના કોઈક સિટીમાં માત્ર એક જ ઇન્ડિયન રેસ્ટોરાં હોય અને ત્યાં ઇન્ડિયન ફૂડમાં પંજાબી ખાવાનું જ મળતું હોય તો ત્યાં પણ તેમનો આગ્રહ ગુજરાતી થાળીનો હોય. મરચાં પીરસ્યાં હોય તો એ કેમ મોળાં છે એવી વાત લઈને પણ તેઓ વાંધાવચકા કાઢવા આવી જાય. બીજું, ડિસિપ્લિનની બાબતમાં તેઓ જરાય ધ્યાન નથી આપતા હોતા. રેસ્ટોરાંમાં હોય અને વેઇટરને એય ઇધર આ અથવા છુ છુ અવાજ કરીને બોલાવે એ ખૂબ જ ખરાબ લાગતું હોય છે. એક વખત એક ગ્રુપને હું લઈ ગઈ હતી. લગભગ નેધરલૅન્ડ્સમાં એક રેસ્ટોરાંમાં અમે ગયા અને એક ફૅમિલી વેઇટરને છુ છુ કહીને બોલાવતી હતી. એ જોઈને એ રેસ્ટોરાંના માલિક જે પોતે ઇન્ડિયન હતા અને હિન્દી જાણતા હતા તેમણે ઊભા થઈને આ પરિવારને કહી દીધું કે તમે જેને છુ છુના અવાજ સાથે બોલાવો છો તે છોકરો ભલે અહીં વેઇટરનું કામ કરે છે, પણ આમ પ્ગ્ખ્નો અભ્યાસ કરે છે, અમે અહીં દરેકને પૂરતા આદર સાથે બોલાવીએ છીએે, તમે તેને પૂરા આદર સાથે નામ લઈને બોલાવો. આવી જ રીતે ગમે ત્યાં કચરો ફેંકી દેવાની બાબતમાં કે અધવચ્ચેથી રસ્તો ક્રૉસ કરીને દેવાની બાબતમાં પણ ટૂરિસ્ટો શિસ્ત નથી પાળી શકતા હોતા. એમાં ઘણી વાર અમારે ત્યાંના લોકલ લોકોનો ઠપકો પણ સાંભળવો પડતો હોય છે.’

ખોવાઈ જવામાં પણ ગુજરાતીઓ એક્સપર્ટ છે એનો એક રસપ્રદ પ્રસંગ વર્ણવતાં પ્રીતિ કહે છે, ‘અમે ડિઝનીલૅન્ડ ગયા હતા. ટિકિટ લઈને હું આવું છું, તમે બધા ગેટ પર રહેજો એટલું કહીને હું ગઈ. આવીને એક પછી એક ટિકિટ ડિસ્ટિÿબ્યુટ કરી લીધી એ દરમ્યાન ૬૦ વર્ષનાં એક માજી ન દેખાયાં. તેમના હસબન્ડ અને દીકરો મારી પાસે આવ્યા કે તેમને અહીં બેસવા કહ્યું હતું, પણ તેઓ અહીં નથી. આટલું કહીને કાકા રડવા લાગ્યા, કારણ કે પેલાં આન્ટીને અંગ્રેજી બોલતાં આવડતું નહોતું. લગભગ બે કલાક આસપાસની તમામ જગ્યાઓએ અમે ફરી વળ્યા હતા. તેમની પાસે ટિકિટ નહોતી એટલે ડિઝનીલૅન્ડની અંદર હોવાની શક્યતા તો નહીંવત જ હતી. સિક્યૉરિટી-કાઉન્ટર, ઇન્ફર્મેશન-કાઉન્ટર એમ બધી જગ્યાએ તપાસ કરી. ત્રણેક કલાક મથામણ કર્યા પછી પણ કોઈ પત્તો ન લાગ્યો એટલે પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી હતી. એવામાં એક સિક્યૉરિટી કૅમેરામાં એક એકલાં ઇન્ડિયન લેડી દેખાયાં છે એવો મેસેજ મને ત્યાંના સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટે આપ્યો. હું ત્યાં ગઈ અને જોયું તો આ તો પેલાં જ કાકી હતાં. તેઓ વગર ટિકિટે ડિઝનીલૅન્ડની અંદર પહોંચી ગયાં હતાં. તેઓ પણ રડી રહ્યાં હતાં અને આ બાજુ કાકા રડી રહ્યા હતા. બન્ને જણને ભેગાં કર્યાં એવા જ તેઓ ભેટી પડ્યાં હતાં.’

ક્યારેક એક ટૂરિસ્ટની ગેરવર્તણૂક બધાને તકલીફમાં મૂકી દે : ધવલ જાંગલા, ઔરોરા ટ્રાવેલ્સ


ચાર લોકોને હૅન્ડલ કરવા અઘરા હોય છે ત્યારે તમે ૪૦ લોકોને લઈને નીકળ્યા હો અને એ પણ એક જુદા દેશમાં તો પડકારો તો આવવાના જ. ઔરોરા ટ્રાવેલ્સના માલિક ધવલ જાંગલાનું પૅશન તેમને આ પડકારોનો સામે ચાલીને સામનો કરવા માટે પ્રેરતું રહે છે. આ પડકારોમાં લોકોને ઓછામાં ઓછી અગવડોનો સામનો કરવો પડે એ આશયથી પોતાની એક અલગ મેથડ ધવલે ડેવલપ કરી છે. એમાં ટ્રાવેલ શરૂ થાય એ પહેલાં તે પોતે એ સ્થળોએ આઇટનરરી મુજબ જ પ્રવાસ કરે છે. એમાં ભારતીય ટૂરિસ્ટોની કેટલીક આદતો મુજબ પણ આ પ્લાન ખોરવાય નહીં એ રીતનું પ્લાનિંગ કરે છે. જેમ કે લોકો આપેલા સમય કરતાં અડધો કલાક મોડા જ આવશે એટલે એની પૂર્વતૈયારી તેમણે કરી જ લીધી હોય. ટ્રાવેલને પૅશન તરીકે જીવતા અને પોતાના શોખ માટે આ કાર્ય સાથે સંકળાયેલા ધવલ કહે છે, ‘તમે કોઈ પણ સર્વિસ-ઇન્ડસ્ટ્રીમાં હો તો લોકોની તમારી પાસેથી અપેક્ષા મોટી જ હોય છે. એમાં પણ ટ્રાવેલમાં નીકળ્યા હોય ત્યારે બધા કરતાં વધુ અને ફ્રી મળે એવું તેમને જોઈતું હોય છે. એક વાર એક કસ્ટમરે અચાનક ગરબાની ડિમાન્ડ કરી અને અમે હોટેલમાં એક હૉલ લઈને તેની એ ઇચ્છા પૂરી કરી હતી. એક વાર એક પ્રવાસીએ વધુપડતો દારૂ પી લીધો અને પછી રાતે તે હોટેલમાં બધાના દરવાજા ખટખટાવતો હતો. એ વખતે ખૂબ જ ગરમાગરમી થઈ ગઈ હતી અને મારી સાથે રહેલા બીજા સો પ્રવાસી સહિત અમને બધાને હોટેલમાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ-ફરિયાદ થાય અને વાત વધે એ પહેલાં મામલો સંભાળી લીધો હતો. વિવિધ દેશોમાં ફરવાથી અને જુદા-જુદા લોકોને મળવાથી તમારી પર્સનાલિટી પૉલિશ થતી હોય છે તથા ઘણું નવું શીખવા મળતું હોય છે. જોકે અહીંથી ત્યાં ફરવા જતા ટૂરિસ્ટોએ એ પણ સમજવું જોઈએ કે ત્યાંના નિયમો બરાબર પળાય, ત્યાં ગંદકી ન કરાય. બીજી એક બાબત એ કે આપણે ત્યાંના લોકોની એક માનસિકતા છે કે પૈસાથી બધું થાય, પૈસા આપ્યા એટલે તમે ખરીદી લીધા. આ બાબત ત્યાં નથી ચાલતી. તમે ગમે એટલા પૈસાવાળા હશો તો પણ તમારામાં બેઝિક બિહેવિયર-સેન્સની અપેક્ષા રખાશે જ. બહારના દેશમાં કોઈ પણ ટૂર-ઑપરેટર સાથે કે પછી એકલા જતા તમામ લોકોને એટલું જ કહીશ કે તમારી સાથે તમારા દેશનું નામ જોડાતું હોય છે એટલે તમારી વર્તણૂક પર થોડોક કાબૂ રાખીને સભ્યતાપૂર્વક રહેવાનું નક્કી કરીને જ ઘરની બહાર પગ મૂકજો, કારણ કે આ માત્ર તમારી કે મારી નહીં પણ આપણા દેશની ઇમેજનો સવાલ છે.’

અચાનક બસ બગડી ગઈ અને પ્રવાસીઓ અકળાયા : કૌશલ તન્ના, કમ્ફર્ટ હૉલિડેઝ


છેલ્લાં નવ વર્ષથી ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કૌશલ તન્નાનો ઉનાળો મોટા ભાગે બહારગામ જ હોય છે. તેમની ફૅમિલીએ પણ આ વાત હવે સ્વીકારી લીધી છે. એક સમય હતો જ્યારે તેઓ વરસના છ મહિના આઉટ ઑફ ઇન્ડિયા રહેતા. અત્યાર સુધીમાં ટૂરિસ્ટ-ગ્રુપને લઈને એક ડઝન કરતાં વધુ દેશોની મુલાકાત લઈ આવેલા કૌશલ તન્ના કહે છે, ‘અમારા જીવનમાં રોજેરોજ એક નવો એક્સ્પીરિયન્સ થતો હોય છે. સાથે રહેલા ટૂરિસ્ટો જ નહીં, કેટલીક આકસ્મિક બાબતોમાં તમે પણ હેલ્પલેસ થઈ જાઓ એવું બની જતું હોય છે. ગયા વર્ષની જ વાત કરુ. હું કૅનેડા ગયો હતો. એમાં એક રોડ-જર્ની દરમ્યાન અમારી બસ ખરાબ થઈ ગઈ. અમે વચ્ચોવચ ફસાયા હતા જેથી મદદ અમારા સુધી પહોંચે એમાં મિનિમમ ત્રણથી ચાર કલાક નીકળી જાય એમ હતા. એમાં પણ શનિવાર હતો એટલે મોટા ભાગની ઑફિસો બંધ હતી. અમારા સુધી હેલ્પ પહોંચતાં-પહોંચતાં લગભગ છ કલાક નીકળી ગયા. અમારી આઇટનરરીનો સમય પણ ખોરવાઈ ગયો હતો. એ દરમ્યાન ગ્રુપના ટૂરિસ્ટોએ બુમરાણ મચાવી દીધી હતી. બસ બગડી હતી એ પાછળ અમારો કોઈ વાંક નહોતો છતાં એ લોકો ખૂબ જ ગરમ થઈ ગયા હતા. તેમણે ઇન્ડિયા અમારી કંપનીમાં ફોન કરીને ધમકી આપી હતી. બેશક, એ પછી તેમની અપેક્ષા કરતાં પણ વધુ જગ્યાઓએ ફેરવીને અમે તેમના અગવડભર્યા એ અનુભવને ભુલાવી દીધો હતો. કહેવાનું એટલું જ કે ક્યારેક એવા પ્રસંગો પણ બને જેમાં તમારી કલ્પનાની બહારની જ કોઈ સમસ્યા આવે અને એમાં તમારો વાંક ન હોય તો પણ તમારે લોકોની નારાજગી વહોરવી પડે. ખાવાની બાબતમાં ટૂરિસ્ટોના એજ-ગ્રુપ પ્રમાણે જુદી-જુદી ડિમાન્ડ આવે. એમાં પણ તેમને મુંબઈ જેવો સ્વાદ જોઈતો હોય જેમાં તેમને વેધર-કન્ડિશન અને અવેલેબલ ખાદ્ય સામગ્રીને કારણે કેટલું શક્ય છે એ સમજાવવું પણ એક ચૅલેન્જ હોય છે. હજાર વખત કહ્યા પછી પણ ક્યારેક કોઈ ટૂરિસ્ટ પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે ત્યારે ભારતીય દૂતાવાસમાં જઈને, પોલીસ-ફરિયાદ કરીને તેમને સહીસલામત પાછા મુંબઈ પહોંચાડવાની જવાબદારી અમારી હોય છે. ક્યારેક કોઈ બીમાર પડે તો તેમને યોગ્ય મેડિકલ સારવાર મળે એ જોવાની જવાબદારી પણ હોય છે. ન્યુ ઝીલૅન્ડમાં એક વાર એક સિનિયર સિટિઝનનું ડેથ થઈ ગયું ત્યારે તેમનો પરિવાર ત્યાં પહોંચે ત્યાં સુધી તેમની ડેડ-બૉડીને કોલ્ડ-સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા કરીને સતત તેમના પરિવારના કૉન્ટૅક્ટમાં રહીને તેમને ગાઇડ પણ કરતા જવાનું બન્યું હતું. ટૂંકમાં, રોજના બારથી તેર કલાક કામ કર્યા પછી પણ અઢળક માનસિક બર્ડનમાંથી એક ટૂર-લીડરે પસાર થવાનું હોય છે.’

પ્રવાસીનો અનુભવ

ગયા વર્ષે પાર્લામાં રહેતા અને મરાઠા મંદિર સિનેમાના માલિક મનોજ દેસાઈ હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની યુરોપની ટૂરમાં ગયા હતા. એ સમયે નીરજભાઈ તેમના ટૂર-મૅનેજર હતા. મનોજભાઈની સાથે તેમની પત્ની, પુત્રી અને દોહિત્ર પણ હતાં. આ ટૂરમાં સૌથી શ્રેષ્ઠ કંઈ તેમને મળ્યું હોય તો એ છે નીરજભાઈ એવો નિખાલસ એકરાર કરતાં તેઓ કહે છે, ‘ટ્રિપ-લીડર તરીકે માત્ર તમારો સમય અને તમારી વ્યવસ્થા જાળવવા પૂરતા નીરજભાઈ મર્યાદિત નથી રહ્યા. દરેકેદરેક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ નીડને પણ તેમણે ધ્યાનમાં રાખી છે. એકેય મિનિટ ગ્રુપના લોકો બોર ન થાય એના માટે જે એક્સ્ટ્રા એફર્ટ્સ તે માણસ નાખતો હતો એની તારીફ થાય એટલી ઓછી છે.’

આ ટૂરમાં સામેલ તેમની દીકરી પૂજા દેસાઈ પણ નીરજ ઠક્કરની ઝીણી-ઝીણી વ્યવસ્થાને કારણે ટ્રિપમાં એકેય તકલીફ નથી આવી એ વાત સ્વીકારે છે. તે કહે છે, ‘મારી સાથે મારો નાનો દીકરો હતો એટલે હું યુરોપ સુધી જવું કે નહીં એ બાબતમાં થોડીક શંકાસ્પદ હતી, પરંતુ નીરજભાઈએ અમને જે પણ વ્યવસ્થા આપવા માટે કમિટ કર્યું હતું એ બધું આપ્યું. એક દાખલો આપું તમને. અમે બસ જેવા કોચમાં બેસીને ઑસ્ટિÿયા તરફ જઈ રહ્યા હતા. વચ્ચે કંઈક

લગેજ-એરિયામાંથી ધુમાડા આવવાના શરૂ થઈ ગયા. લાંબી જર્ની હતી એટલે અમે બધા તો સૂતા હતા, પણ જેવો આ ધુમાડો શરૂ થયો એટલે બધા જાગી ગયા અને અમે બધા ટેન્શનમાં હતા. નીરજભાઈ એ સમયે પણ પોતાની જાત પર કન્ટ્રોલ રાખીને બધાને શાંત કરીને એક સેફ જગ્યાએ લઈ ગયા. અમારે રેલવે-ટ્રૅક ક્રૉસ કરીને જવાનું હતું તો એમાં પણ તેમણે દરેક પૅસેન્જરની નીડ પ્રમાણે સપોર્ટ કયોર્ હતો. ઘરડા લોકોને હાથ પકડીને તેઓ ચલાવતા હતા. અમારા લગેજનું શું થશે એની ચિંતા હતી, પણ એક વાર અમને સેફ જગ્યાએ પહોંચાડીને તેમણે અને કોચના ડ્રાઇવરે બધી જ વ્યવસ્થા કરીને સામાન સેફલી કાઢી નાખ્યો. પ્રૉબ્લેમ સૉલ્વ થઈ ગયો. એક સારા ટૂર-લીડરનો આવા સંજોગોમાં ખૂબ મહત્વનો રોલ હોય છે.’ï

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK