ધૂળિયે મારગ ચાલ

ધૂળ એટલે રજ, રેણુ, રેત, તરણાં વગેરેનો ઝીણો ભૂકો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

આપણે ઘણી વાર કહીએ છીએ કે જિંદગી ધૂળમાં મળી ગઈ. પણ ધૂળનું આગવું મહત્વ છે. હવામાં ધૂળના રજકણોનું અમુક પ્રમાણ ન હોત તો વાદળાં બંધાવાં મુશ્કેલ થાત. આકાશનો ખરો રંગ કાળી શાહી જેવો છે, પરંતુ આ રજકણોને લીધે તેમ જ હવાના અણુઓના કેટલાક ગુણોને લીધે આકાશનો રંગ આપણને સૌમ્ય ઠંડો આસમાની લાગે છે. મેઘ, વર્ષા, મેઘધનુષ્ય, ઉષા, સંધ્યા વગેરે સૃષ્ટિની સુંદર ઘટનાઓ સાથે ધૂળનો સંબંધ નિકટનો છે. એ ઉપરાંત જીવનને આવશ્યક જળ અને પ્રકાશ પૃથ્વી ઉપર એકસરખી રીતે પ્રસારવાનું કાર્ય એના જિમ્મે છે. સૂર્યનાં કિરણોમાં કેટલીક વાર ધૂળના કણો સ્પક્ટ જોઈ શકાય છે, પણ અમિત વ્યાસ કહે છે એ વાત આપણે સ્પક્ટ રીતે ક્યારેય સમજી શક્યા નથી...

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે

આપણું સંધાન ચપટી ધૂળ છે!

હોય માનવતા જો તારું ગોત્ર તો;

આ જગત આખ્ખુંય તારું કુળ છે!


આ જગત ઈશ્વરે મન દઈને બનાવ્યું છે. એટલુંબધું વૈવિધ્ય મૂક્યું છે કે એને સમજવા લખચોરાસી ફેરા પણ ઓછા પડે. આપણને શ્વાસ લેવા હવા આપી, તરસ છિપાવવા પાણી આપ્યું, ભૂખ શમાવવા અન્ન આપ્યું. જિંદગીને ઊજવવા સંબંધો આપ્યા. પ્રેમને સમજવા સ્વજનો આપ્યા. સામે પક્ષે આપણે શું આપ્યું? એક સારા માણસ પણ બની શકતા નથી અને ઉપરથી જગતનિયંતા ઉપર દોષારોપણ કરીએ છીએ. ગની દહીંવાલા વ્યક્તિગત જવાબદારી અને આપણી અકોણાઈ તરફ આંગળી ચીંધે છે...

હૃદય! થાકી ગયું આ પંથની આબોહવાથી શું? 

સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું? 

ફલક પર જિંદગીના ભૂલથી ભટક્યા, ચલો મંજૂર

ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું? 


જો તમે શાંતિથી વિચારો તો ઘણીબધી આપત્તિની જાણ આપણને આગોતરી થતી હોય છે. જેને સિક્સ્થ સેન્સ કહેવાય એ બધામાં ઓછાવત્તે અંશે હોય છે. પહાડ જેવો કોઈ વિકટ પ્રશ્ન ઉકેલવાનો હોય ત્યારે અંતરાત્માનો અવાજ આપણી વહારે આવે છે.

ઘણી વાર ધાર્યું ન હોય ત્યાંથી કોઈ ફરિશ્તા જેવો માણસ આવી ચડે અને આપણને સહાય કરે. મને કંઈ મળ્યું નહીં, મને કંઈ મળ્યું નહીંનો અખંડ રિંગટોન વગાડી-વગાડીને આપણે કુદરતને આરોપીના કઠેડામાં મૂકીએ છીએ. રતિલાલ અનિલ અભાવમાં પણ આશા રાખવાની શીખ આપે છે...

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો

ખાલીપાએ પણ ખખડવું જોઈએ

ધૂળધોયાનું મળ્યું જીવન અનિલ

એય તક છે, કૈંક જડવું જોઈએ

કેટલાક પ્રદેશોમાં ધૂળ ચાળીને એમાંથી સોનાના રજકણ શોધતા લોકો જોવા મળે છે. ધૂળ પોતાની અંદર ઘણું સમાવી શકે. દરિયાકિનારે રેતમાં વિખરાયેલાં શંખ અને છીપલાં આપણી આંખોને શૈશવ યાદ કરાવે છે. રેતીનો કિલ્લો બનાવતું બાળક વિશ્વના શ્રેષ્ઠ સ્થાપત્યકારનું ગુમાન ભોગવે છે. રણની રેત અગન સમાવીને નિ:શબ્દ હોય છે. હવાએ પાડેલી રંગોળીમાં રેત ઝળકી ઊઠે છે. ફરતાં-ફરતાં એમાંથી કંઈક મળી જાય તો રોમાંચ સાથે સ્મરણ પણ આપણને બાઝી પડે. કૈલાસ પંડિત લખે છે...

જીવવાનું એક કારણ નીકળ્યું

ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું

કિસન સોસા એમાં નજાકત ઉમેરે છે... 

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,

પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા

ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે

તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા


શ્વાસનો શ્રાવણ આખરે તો એક દિવસ શાંત થઈ જવાનો. કૈલાસ પંડિત ધૂળને સન્માન સાથે બિરદાવે છે...

પડી કૈલાસના શબ પર, ઊડીને ધૂળ ધરતીની

કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે

ક્યા બાત હૈ

કોણે કીધું ગરીબ છીએ? 

     કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

     આપણા જુદા આંક

થોડાક નથી સિક્કા પાસે

     થોડીક નથી નોટ

એમાં તે શું બગડી ગયું?

     એમાં તે શી ખોટ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે

     આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો

     આપણા જેવો સાથ,

સુખદુ:ખોની વારતા કેતા

     બાથમાં ભીડી બાથ

ખુલ્લાં ખેતર અડખેપડખે

     માથે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું

     ક્યાં છે આવો લાભ?  

સોનાની તો સાંકડી ગલી,

     હેતું ગણતું હેત,

દોઢિયાં માટે દોડતાં એમાં

     જીવતાં જોને પ્રેત! 

માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK