તમને વાગે ને દર્દ થાય એ વેદના કોઈને વાગે ને દર્દ થાય એ સંવેદના

યાદ છે લાસ્ટ સેટરડે લાસ્ટમાં શું કીધેલું?

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

આઇ નો કે ખાધેલું યાદ ન હોય તો કીધેલું ક્યાંથી યાદ હોય. તો કઉં? છેલ્લે લતા બોલેલી, ‘ભેંકડા તો બધા તાણે છે. કોઈના સંભળાય કોઈના નઈ.’ પછી અડવાણીના બે દાખલા આપી ધડ કરતું બારણું બંધ કરી દીધું.

(હવે આગળ વધીશું?)

‘બારણાને ધબ-ધબ કરવાની આપણી પણ કૅપેસિટી હોય કે નઈ?’ ચંપકકાકા ભડકેલા હતા.

‘બારણા પર ધબ-ધબ કરવા સિવાય જિંદગીમાં બીજાં કોઈ કામ હોય કે નઈ? ને આ ડોબી ડોર બંધ રાખે છે ને ડોરબેલ અંદર રાખે છે. અરે એય લતાડી, તારા કાન ગીરવી મૂક્યા છે? સાંભળવાનું મશીન વસાવ. સમજી? તારા ટેણિયાનો ભેંકડો... કાન ખોલીને...’

એટલામાં ચુઉઉઉ કરતું અન્નકૂટનાં દ્વાર ખૂલે એમ બારણું ખૂલ્યું, ‘શું છે બકા, હજી અડધી રાતે કેમ મને હેરાન કરો છો?’ લતાએ પૂછ્યું.

‘ઓત્તારીની. જો, અમે તારા બકા નથી. કાકા જેવાને બકા કહે છે? કાન ખોલીને સાંભળી લે, અમે અડધી રાતે તારે ત્યાં કૅરમ રમવા નથી આવ્યા સમજી? તારો ટેણિયો રડીને પોતે નથી સૂતો એમાં અમારી ઊંઘો ખરાબ કરવાની?’ એટલું બોલી કાકાએ ટેબલફૅનની જેમ ડાબે-જમણે ડોકી ફેરવી. ‘અલ્યા તમે બધા મનમોહન બની ચૂપ કેમ ઊભા છો? મેં એકલાએ લડવાનો ઠેકો લીધો છે? બરાબર કે નઈ? એક અકેલા થક જાએગા... મિલ કર...’

ત્યાં તો જયંતી ઝંડો, રમણ રખડેલ, ચંપા ચાલુ, બાબુ બંબો, પોપટ પટપટ બધા કાકાને ‘ભારત માતા કી જય’ની જેમ સૂરમાં સૂર મિલાવી બોલ્યા, ‘બરાબર, એકદમ બરાબર કાકા...’

‘હમણાં કઉં એ બરાબર...’ લતા ઊકળી. ‘મારો ટેણિયો તમારા ઘરે રડવા નથી આવતો ને એ આ ઉંમરે ભેંકડા નઈ તાણે તો શું તમને તાણે? આઇ મીન તમારી ઉંમરે તાણે?’

‘પણ અમે તારા ટેણિયાના ભેંકડા સાંભળવા જન્મ નથી લીધો. એ બધું તારે જોવાનું, સમજી? કાન ખોલીને...’

‘અરે શું ક્યારના ‘કાન ખોલી કાન ખોલી’ મંડી પડ્યા છો. મારા કાન ખુલ્લા જ છે. મને કંઈ ઈશ્વરે હાથી જેવા કાન નથી આપ્યા કે સાદા ઢોસાની જેમ વાળીને કાન બંધ કરી દઉં. હવે મને વધુ છંછેડો નઈ ને વાતનો છેડો લાવો. શું કરવું છે એ...’

‘ઓત્તારીની, એક તો તારી ભૂલ ને ઉપરથી અમારી ઉપર ભટકવાનું?’ કાકો બોલ્યો.

‘ભટકવાનું નઈ, ભડકવાનું?’ ભૂલસુધાર ચંબુ બોલ્યો.

‘હા હવે ભડકવાનું. કાન ખોલીને... સૉરી સૉરી...ધ્યાનથી સાંભળ. અમે પોલીસ-સ્ટેશન જઈ તારી ફરિયાદ...’

‘અરે પોલીસ-સ્ટેશન જાઓ કે રેલવે-સ્ટેશન,

હું કોઈના તો શું મારા બાપથી પણ ડરતી નથી.’

‘એ તો દેખાય જ છે. અને એ તો અમારા બધાના બાપા ગુજરી ગયા છે ને આ ચંબુડાના બાપા શાકની લારીમાંથી બે ટમેટાં ચોરતાં પકડાયા એટલે જેલમાં છે નઈતર દેખાડી દેત કોણ કોનાથી ડરે છે, સમજી?’

‘ધિસ ઇઝ ટૂ મચ.’ લતા ઉગ્ર બની.

‘અરે ટૂ મચ કે થ્રી મચ’, કાકો ભડક્યો.

‘યુ બ્યુટિફુલ...’

‘અરે બ્યુટિફુલ નઈ, બ્લડી ફૂલ... આપણે તેની સગાઈ માટે જોવા નથી આવ્યા.’ ચંબુએ સુધાર્યું.

‘ઓકે બ્લડી ફૂલ બસ. પણ હવે વધુ ટેંટેંપેંપેં કરી તો...’

‘તો? તો શું કરી લેશો બોલો?’

‘એ તો અમે પણ ક્યાં નક્કી કર્યું છે.’ જયંતી ઝંડો વચ્ચે કૂદી પડ્યો. ‘પણ કંઈક કરશું. અમે કંઈ બગડીઓ નથી પહેરી.’

‘એ તો મેં પણ મારા વરના ગયા પછી નથી પહેરી...’

‘ક્યારે ગુજરી ગયો?’ પોપટ પટપટે પૂછ્યું.

‘અરે ગુજરી નથી ગયો, બીજીને લઈ ભાગી ગયો. એ બધી દિલને ફીલ કરતી વાત તમને નઈ સમજાય. તમારી ઊંઘ ખરાબ થઈ છેને? શું કરશો...?’

‘અમે નક્કી કરી સાંજ સુધીમાં કહીશું.’

‘તમે શંકર સિંહ જેવો  જવાબ ન આપો. નક્કર બોલો. ટેણિયો શાંત નઈ થાય.’

‘નઈ થાય? તો કાન ખોલીને... ફરી સૉરી પણ મારાથી જો હાથ ફ્પડી જશે તો તારું મોઢું મોહનથાળમાંથી બાજરીના રોટલા જેવું બનાવી દેશું, સમજી? ટેણિયો શાંત થવો જોઈએ. બસ, આ અમારી છેલ્લી મૉર્નિંગ છે.’ કાકાની જીભ પાછી લપસી.

‘મૉર્નિંગ નઈ કાકા, વૉર્નિંગ.’ ચંબુએ ભૂલસુધાર ફરજ બજાવી.

‘હા મારા બાપ, મૉર્નિંગ નઈ વૉ...ર...નિં...ગ. બસ? શાંતિ? કોઈએ છેલ્લા પંદર દિવસથી આંખનું મટકું માર્યું નથી... બધા હવે હા-હા તો બોલો. કોઈને ઊંઘવા મળ્યું છે?’

‘તો ભૂલ તમારી છે. ઊંઘવું હોય તો આંખ તો બંધ કરવી પડેને? ખુલ્લી આંખે ત્યારે જ કાયમ માટે

સૂઈ જવાય જ્યારે આંખમાંથી જીવ નીકળી જાય... સમજાય છે?’

‘બધું સમજાય છે, પણ તારામાં બક્કલ જેવું કંઈ છે કે નઈ?’ કાકા ઉવાચ.

એટલામાં લતાએ માથામાંથી બક્કલ કાઢ્યું. પણ ચંબુ બોલ્યો, ‘તું પાછું મૂકી દે. તે તને તારામાં અક્કલ જેવું છે કે નઈ એમ કહેવા માગે છે. કાકા, તમારામાં બહુ ખર્ચો છે. બક્કલ નઈ, અક્કલ બોલો.’

‘હા સૉરી બાબા અક્કલ જેવું છે કે નઈ, છેલ્લા પંદર દિવસથી અમે ટૉઇલેટ કરીએ છીએ, હવે અમારાથી ટૉઇલેટ નઈ થાય. બહુ ટૉઇલેટ થયું.’

‘પાછું બાફ્યું. ટૉઇલેટ નઈ, ટૉલરેટ... ટૉ.. લ.. રે.. ટ. કેટલું બાફો છો.’ ચંબુ ઉવાચ.

‘હું બાફું છું ને તું વઘારે છે. સાલું તું અમારી ભૂલો કાઢવા આવ્યો છે કે લતા સાથે લડવા? આ ઝંડો, રખડેલ, પટપટ બધા બુદ્ધની મૂર્તિની જેમ ઊભા છે કે નઈ? ભાવાર્થ પકડવાને બદલે શબ્દો જ પકડ છે. હવે તું મને વધારે ઍગ્રી...’

‘જો પાછું, ઍગ્રી નઈ ઍન્ગ્રી. પથારી ફેરવી અંગ્રેજીની. બોલ લતા, તારો ટેણિયો રાતે...’

‘શાંત નહીં રહે ચંબુજી. ભેંકડો શું કામ તાણે છે એ જાણો છો? જાણવું છે તો ધ્યાનથી સાંભળો. બન્યું એવું કે અઠવાડિયા પહેલાં મારાં સાસું બોલેલાં, ‘તુમ ખુદ ટમાટર ખાઓ તો માલૂમ પડેગા.’ તો મારાથી શાકમાં એક ટમેટું વધારે નખાઈ ગયું. મને ખબર ન પડી કે સાસુની જીભમાં લોચો છે ને તે ટમાટર નઈ પણ ખુદ કમાકર ખાઓ બોલેલાં. એટલે મને ઘરમાંથી કાઢી મૂકી. હવે મારા દીકરાને રાત્રે દૂધ પીવાની ટેવ હતી, પણ પૈસા નથી એટલે દૂધ પીવડાવી શકતી નથી એટલે રડે છે તે પણ આંસુ તો મારે પીવાં પડે છે.’

લતાની આંખોમાં પાટણ જિલ્લા જેવું પૂર આવ્યું. ‘તમે બધા શ્રાવણને પવિત્ર ગણી રોજ શંકરને દૂધ પીવડાવો છો, પણ મારા દીકરાને આપશો તો આપણે બધા સૂઈ શકીશું. પથ્થરમાં ઈશ્વર હશે, પણ જીવ વગરનો. પણ આ તો બાળક જીવતો ઈશ્વર છે.’

‘વાહ લતા વાહ. કાકા સમજાયું?’ ચંબુ બોલ્યો. ‘તમને વાગે ને દર્દ થાય એ વેદના પણ કોઈને વાગે ને દર્દ થાય એ સંવેદના.’

બધામાં સંવેદના જાગી, દૂધ આપ્યું એટલે આરામથી બધા સૂઈ શકે છે.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK