ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૪

‘ચાલો જઈએ અને હા, બીજા કોઈને તેની કચેરીએ પણ તપાસ કરવા માટે મોકલી દો.

નવલકથા - રશ્મિન શાહ


આપણે બે જગ્યાએ તપાસ કરીને પાક્કું કરી લઈ.’

ભૂપતસિંહ ઊભો થઈ ગયો. તેના પગમાં ત્વરા ઉમેરાઈ ગઈ હતી અને દિમાગ કામે લાગી ગયું હોય એ પ્રકારે તેના ચહેરા પર ચમક પણ આવી ગઈ હતી. જોકે સામા પક્ષે રવજીના મોઢા પર સહેજ અવઢવ પથરાયેલી સ્પષ્ટ જોઈ શકાતી હતી.

‘સિંહ, આલ્બર્ટસાયબ મોટા માણસ કહેવાય એટલે જે કાંય કરવું હોય એમાં ધ્યાન રાખવું પડે ને બીજી વાત... તમે બે જ આવ્યા છો?’

ભૂપતે હકારમાં માથું નમાવ્યું.

‘કેમ? તારે આખી ટોળીનો જમણવાર કરવો હતો કે શું?’

રવજીએ સહેજ સ્મિત કર્યું અને પછી ચોખવટ કરતાં કહ્યું પણ ખરું.

‘આપ જે રીતે પૂછો છો એ જોતાં બે માણસથી આ કામ થાય નહીં, સિંહ. માણસો વધારે જોશે.’

મનમાં ચાલતી મૂંઝવણને રવજી જબાન પર લાવ્યો.

‘સિંહ કાં તો ખુલાસાવાર વાત કરો કે મનમાં શું ગણતરી ચાલે છે તમારા? જો ખુલાસો કરશો તો કામ કેવી રીતે કરવું એનો સૂઝકો પડે જરાક.’

ભૂપતસિંહે રવજીની સામે જોઈને એક કરારી નજર માંડી ઊંડો શ્વાસ લીધો.

‘ખીમજીઅદાને પાછા લઈ આવવા માટે આલ્બર્ટના ઘરેથી કોઈકને ઉપાડી લેવાની ગણતરી છે રવજીભાઈ.’

ભૂપતસિંહના શબ્દો પૂરા થયા અને રવજીના પગ અટક્યા. અટકેલા પગને પારખીને જ ભૂપતસિંહે રવજીને કહ્યું, ‘જો બીક લાગે કે મનમાં ખચકાટ થાય તો સાથે જોડાવાની જરાય જરૂર નથી, અત્યારે જ પાછા વળી જાઓ. જરાકેય પેટમાં, મનમાં અને હૃદયમાં કચવાટ રાખવાની જરૂર નથી. પણ, પણ રવજીભાઈ, એક વાર સાથ આપવાનું નક્કી કરશો તો પછી છેલ્લે સુધી સાથ આપવો પડશે એ પણ યાદ રાખજો.’

રવજીએ એ સમયે તો કોઈ જવાબ નહોતો આપ્યો પણ ગલીની બહાર નીકળીને મુખ્ય માર્ગ પર આવ્યા પછી સૌથી પહેલાં તેણે ભૂપતસિંહને કહ્યું હતું, ‘સિંહ, જીવનના કેટલાક સંબંધો લગન જેવાં હોય છે. હાથ પકડો એટલે પછી જીવ જાય ત્યારે જ મૂકવાનો. આપણા સંબંધો પણ ઈ લગનવાળા સંબંધની વ્યાખ્યામાં આવે છે.’

‘તો પછી મૂંઝવણ શેની છે?’

‘નિષ્ફળતાની.’ રવજી પટેલે મક્કમતા સાથે જવાબ આપ્યો, ‘જે સમયે ખબર હોય કે વધાવવા માટે આખું ગામ ઊભું હશે એ સમયે ખોટી તૈયારી સાથે સાહસ કરવામાં આવે તો એ સાહસ દુસાહસ બની જાય, સિંહ.’

‘એક્ઝૅક્ટ્લી.’

ભૂપતે અંગ્રેજીમાં પ્રત્યુત્તર આપ્યો. અંગ્રેજી બોલવાને લીધે પોતાને પણ જાણે કે મજા આવી ગઈ હોય એવો તેનો ચહેરો થઈ ગયો હતો.

‘સાવ સાચી વાત રવજીભાઈ, ગામ આખું વધાવવા ઊભું હોય ત્યારે જો ખોટી તૈયારી સાથે જાય તો દુસાહસ બની જાય પણ આ વાત ક્યારે લાગુ પડે ખબર છે રવજીભાઈ... ત્યારે જ્યારે તમે બધાયના જીવ જોખમમાં મૂકતા હો. અત્યારે તો ઊંધું છે. જીવ ખાલી મારો, કાળુનો ને તમારો જ જોખમમાં છે. આ સિવાયના તો બધેબધા સલામત છે અને કોઈનો જીવ જોખમમાં નથી.’

રવજીભાઈને શું જવાબ આપવો એની સમજ જરાપણ નહોતી પડી. સાવ જ નિર્દયતા સાથે ભૂપતસિંહે તેને મોઢા પર જ કહી દીધું હતું કે જીવ જાય એમ છે અને જે લોકોનો જીવ જશે એ લોકોમાં તારો પણ સમાવેશ છે જ.

બન્ને મૂંગા મોઢે આગળ વધતા રહ્યા. રસ્તામાં એક વખત રવજીભાઈએ ઘોડાગાડી કરવાનું કહ્યું પણ ખરું, પણ ભૂપતે એ સમયે ના પાડી દીધી. જેનો ખુલાસો કરવાની પણ જરૂર નહોતી, કારણ કે અગાઉ ભૂપતે એક વખત તમામ રાજ્યોમાં પથરાયેલા અને પોતાના માટે કામ કરતા સૌકોઈને મળવા બોલાવ્યા હતા ત્યારે આ બાબતમાં વાત કરતાં કહ્યું હતું, ‘શક્ય હોય ત્યાં સુધી અજાણ્યા વિસ્તારમાં કામ કરવાનું હોય તો પગપાળા ચાલવાનું વધારે રાખો, જેથી ગલીકૂચી બધી જોવાઈ જાય અને જરૂર પડે ત્યારે સરકી જવામાં કે નીકળી જવામાં વાંધો ન આવે.’

આજે પણ ભૂપત એવું જ કરી રહ્યો હતો. રાજકોટમાં જો કોઈ કામ કરવું હોય, સરકાર વિરોધી પ્રવૃત્તિ કરવી હોય તો સ્વાભાવિક રીતે આવી બધી વાતની કાળજી જરૂરી હતી અને એમાંય ભૂપતે વધારે પડતું જોખમ લેવાનું નક્કી કર્યું હતું.

આજે રાજકોટ પુષ્કળ વિસ્તરી ગયું છે, પણ એ સમયે રાજકોટ નાના ગામ જેવું હતું. એવું નહોતું કે એનો વિકાસ નહોતો થયો, પણ આઝાદી પછી થયેલા વિકાસની તોલે તો રજવાડાંના સમયમાં વિકાસ નહોતો જ થયો એ પણ એટલું જ સાચું છે.

શહેરનો આજનો ત્રિકોણબાગ ચોક એ સમયે ડેવલપ નહોતો થયો અને એના પછી રાજકોટના એક પણ વિસ્તારો વધ્યા નહોતા. રેસકોર્સ બની ગયું હતું પણ એ સ્થળે મોટા ભાગે રેસ જ થતી અને રેસ જોવા માટે આખું ગામ આવતું. રેસકોર્સ પાસે અત્યારે જે સરકારી બંગલાઓ છે એ બધા બંગલા એ સમયે અંગ્રેજ અધિકારીઓના હતા અને એ બંગલાઓની આસપાસ પણ જવાની સામાન્ય લોકોને મનાઈ ફરમાવવામાં આવી હતી. એ સમયે આજુબાજુનાં રજવાડાંમાં ફરજ બજાવતા અંગ્રેજ અધિકારીઓ પણ ત્યાં રહેવાને બદલે રાજકોટ રહેવાનું પસંદ કરતા. કહોને રાજકોટની લત લાગી હતી તે સૌને પણ અને એટલે જ આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય છે અને આજે પણ આજુબાજુનાં ગામોમાં રહેનારાઓને પણ રાજકોટમાં જ રહેવાનું સપનું આવતું રહે છે.

રાજકોટ અને રાજકોટનો એ રેસકોર્સ વિસ્તાર. આજે એ રેસકોર્સની આજુબાજુના રોડને રિન્ગ રોડ નામ આપવામાં આવ્યું છે, પણ એ સમયે એવું કોઈ નામકરણ થયું નહોતું અને એ રસ્તો પણ બન્યો નહોતો. એ રસ્તા પર કાચી કેડી બનાવવામાં આવી હતી અને એ કેડીઓ પર ઘોડાઓને પલાણવામાં આવતા. ઘોડાઓ ત્યાં બંધાયેલા હોય અને સવારના સમયે એ ઘોડાઓની ટ્રેઇનિંગ પણ એ જ રસ્તા પર થઈ જાય. આજે એ રસ્તા પર દરરોજ સવારના લોકો જૉગિંગ કરવા આવે છે, પણ પોણી સદી પહેલાં ત્યાં ઘોડાઓ એ કામ કરતા હતા. આ કદાચ એ રોડની, એ વિસ્તારની કે પછી એ જગ્યાની તાસીર છે અને એટલે જ એણે આજ સુધી એ છોડી નથી.

રવિવાર કે પછી રજાના દિવસમાં લોકો આ રોડ પર આવતા અને બાળકોને અહીં ફેરવતા. આ જ વિસ્તારમાં રજાના દિવસોમાં ચકરડીઓ લાગતી એટલે માહોલમાં રજાના વાતાવરણનો કેફ પણ ઘોળાતો, પણ એમ છતાં પણ ત્યાં રહેલા અંગ્રેજોના બેઠા ઘાટના બંગલાની આજુબાજુમાં જવાની મનાઈ રહેતી. લોકોની અવરજવર વધારે હોય ત્યારે બંગલાની અંદર હોય એ ચોકીદારો બહાર આવીને પહેરો આપતાં. પહેરો આપવામાં પણ તકેદારી રાખવામાં આવતી કે અજાણ્યો માત્ર અંદર જ ન આવે પણ એનો અવાજ પણ અંદર સુધી પહોંચે નહીં અને અંદર રહેલા અધિકારીઓને ખલેલ ન પહોંચે. આ દરકારને લીધે જ અંગ્રેજો ફાટીને ધુમાડે ગયા હતા એ પણ એટલું જ સાચું છે. મારો જ દેશવાસી મારા જ દેશવાસી પર જુલમ કરતો અને એ પણ કોઈ ત્રાહિત માટે. આ નીતિને લીધે જ અંગ્રેજોને આ દેશ પર શાસન કરવાનું કામ પણ આસાન બન્યું હતું અને આ નીતિને લીધે જ તો અંગ્રેજો સાડાત્રણસો વર્ષ જેટલો મોટો સમયગાળો ગુલામ તરીકે આપણને રાખી શક્યા.

‘રવજીભાઈ, શરમની વાત તો એ છે કે આ લોકોની સેવાચાકરીમાં આપણા જ માણસો છે. આપણે જ સાલ્લાઓને લોહી પીવા દઈએ છીએ અને તગડા બનાવવાનું કામ કરીએ છીએ.’

બંગલા પાસે પહોંચ્યા પછી ભૂપતની નજર એ બંગલાની આજુબાજુમાં ગોઠવાયેલા સૈનિકો પર હતી. લાલચટક સાફાઓ અને ખાખી વરદીમાં સજ્જ સૈનિકોની નજર રસ્તા પર હતી, આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ હતી. ચમકી રહેલી જોટાળી ખભા પર લટકતી હતી અને હાથમાં રહેલો ભાલો જાણે હમણાં જ તેલ ચડાવ્યું હોય એવી રીતે ચમકતો હતો.

‘હમણાં અંદરથી કહેવડાવશે એટલે આ જ બહાદુરો દૂધી લેવા માટે ભાગશે અને છોકરાવની પૂંઠ ધોવાનું કામ પણ કરવા માંડશે. હદ છે આપણા દેશના લોકોની.’

‘સિંહ, ધોળી ચામડી. આ જે કાંય છે એ કમાલ ધોળી ચામડીની છે ને આ ધોળી ચામડીને લીધે જ તો આપણે આ લોકોની બધીયે વાતો માનવા શરૂ થઈ ગ્યા. માનતા ગયા અને માનતા ગયા એટલે સાલ્લા, બધી વાત મનાવતા પણ ગયા.’

રવજીને ખબર હતી કે વાતો કરી રહેલા ભૂપતની ચકોર આંખો આજુબાજુમાં ફરી રહી છે અને બધું જ વર્ણન થઈ રહ્યું છે. ભૂપતને વર્ણનમાં પૂરેપૂરી તક મળી રહે, સમય મળી રહે એવા ભાવથી જ તેણે આ વિષય પર વાત ચાલુ રાખી.

‘તમે જોજો, એક કાળો માણસ મદદ માગવા આવશે કે તરત જ આપણે ભારાડી બનીને તેની સામે તાડૂકી ઉઠીશું, પણ તેની જગ્યાએ ધોળિયો ભિખારી પણ જો સામે આવશે તો આપણે તેને એવી રીતે માથે ચડાવીશું કે જાણે કે તે રૂપસુંદરી હોય અને તેના જેવું જગતમાં બીજું કોઈ હોય નહીં.’

એક જગ્યાએ પહોંચ્યા પછી ભૂપત ઊભો રહ્યો એટલે રવજીભાઈ પણ ઊભા રહ્યા.

‘કાં, શું થ્યું?’

ભૂપતે જવાબ આપવાને બદલે પોતાના ડાબા હાથની સૌથી નાની, ટચલી આંગળી રવજીને દેખાડી. રવજીભાઈએ સામે માત્ર સ્મિત કર્યું અને આંખથી જ જવાની પરવાનગી આપી દીધી. પરવાનગી મળ્યા પછી ભૂપતે હાથ લંબાવ્યો.

‘કટકો છે? આજે ભૂલી ગ્યો છું.’

એ દિવસોમાં રૂમાલને કટકો કહેવામાં આવતો. રૂમાલ તો બોલવાનું કોઈ શીખ્યું પણ નહોતું. જૂજ લોકોને ખબર હશે કે રૂમાલ રાખવાની પ્રથા પણ આપણે ત્યાં અંગ્રેજો લાવ્યા છે. અંગ્રેજો પોતાની સાથે રૂમાલ રાખતા હતા, પણ આપણે તો ખભે ખેસ નાખીને ફરનારી પ્રજા હતી. યાદ કરો જૂના એ દિવસો, દરેકેદરેક વ્યક્તિના ખભે ખેસ હોય જ અને એ ખેસથી જ હાથ લુવાના હોય. ખેસ એ પછી ટૂંકો અને નાનો થયો અને એ નૅપ્કિનના રૂપમાં આવ્યો અને એ પછી અંગ્રેજોની પ્રથા અપનાવીને રૂમાલ બની ગયો, પણ રૂમાલ બોલવાની આદત હતી નહીં એટલે આપણે એને કટકો જ બોલતા.

‘કટકો?’ રવજીભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો, ‘કદાચ તો લીધો છે હોં. જોવા દે...’

રવજીભાઈએ બે ખિસ્સાં ફંફોસ્યાં, જેમાંથી એકમાંથી કટકો નીકળ્યો એટલે તેણે એ કટકો ભૂપતસિંહના હાથમાં પકડાવી દીધો.

કટકો લઈને ભૂપત રવાના થયો અને રવજી ત્યાં જ ઊભો રહીને રાહ જોવા માંડ્યો. થોડી મિનિટો પસાર થઈ પણ ભૂપત આવ્યો નહીં એટલે ભૂપત જે જાહેર મુતરડીમાં ઘૂસ્યો હતો એ બાજુએ જોઈને રવજીએ ધીમા અવાજે રાડ પાડી.

‘સિંહ, કેટલી વાર?’

સામે વળતો કોઈ જવાબ મળ્યો નહીં અને જવાબ મળે એવી કોઈ અપેક્ષા પણ રવજીએ રાખી નહોતી.

બીજી થોડી મીનિટ પસાર થઈ પણ મુતરડી બાજુથી કોઈ જાતનો થરકાટ દેખાયો નહીં. રેસકોર્સ વિસ્તારમાં લટાર મારીને જે કોઈ આ મુતરડીમાં જતા હતા એ પણ એમાંથી બહાર આવતા દેખાવા લાગ્યા હતા, પણ અંદર ગયેલા ભૂપતનો કોઈ પત્તો નહોતો.

- થોડીક વાર રાહ જોઉં હજી.

રવજી થોડો દૂર ગયો અને ફરીથી ભૂપતસિંહની રાહ જોવા માંડ્યો, પણ હવે આ રાહ તેને અકળાવતી હતી. અકળામણ વચ્ચે તેનું ધ્યાન વાંરવાર પેલી મુતરડી તરફ જતું હતું. વારંવાર એ જ બાજુ જોતો હોવાથી હવે તો તેને પણ શરમ આવવાની શરૂ થઈ ગઈ હતી. અંદર જઈને બહાર આવનારા લોકો સાથે જ્યારે આંખ મળતી ત્યારે તો રવજીને બરાબરનો સંકોચ થતો હતો.

પાંચ, સાત, દસ અને પંદર મિનિટ.

ભૂપતસિંહનો કોઈ પત્તો નહીં.

હવે કરવું શું?

અંદર જઈને જોવું કે પછી અહીં જ બેસી રહેવું?

રવજીની અવઢવ અને મૂંઝવણ વધવી શરૂ થઈ ગઈ અને વધી રહેલી એ અવઢવ વચ્ચે જ રવજીના મનમાં જાતજાતની શંકા-કુશંકાઓ પણ આવવા માંડી. મન જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે હકારાત્મક વિચારો ક્યારેય એમાં જન્મતા નથી. રવજીનું પણ એવું જ હતું. અત્યારે તેને કોઈ જાતના હકારાત્મક અને સુખાકારી વિચારો આવતા નહોતા.

- ભૂપતસિંહ પકડાઈ ગયો હશે જેવા વિચારથી માંડીને ભૂપતસિંહને કોઈએ અંદર જ ગળાફાંસો આપી દીધો હશે એવા અનેક વિચારો રવજીના મનમાં એ થોડી મિનિટોમાં આવી ગયા અને તેને પરસેવો છૂટી ગયો. જો ભૂપતનો જીવ ગયો હોય તો તેની ટોળી અને કાળુ બેમાંથી કોઈ તેને જીવતો મૂકે નહીં અને કહેવું કે સમજાવવું પણ અઘરું થઈ જાય કે પોતે આ બાબતમાં નિર્દોષ છે. પુરાવો પણ કોણ આપે કે તે આ ઘટના સાથે જોડાયેલો નથી.

હવે કરવું શું?

રવજીને પરસેવો છૂટવા માંડ્યો.

હિંમત એકત્રિત કરીને તે ઊભો થયો અને સીધો જ મુતરડી તરફ ગયો. બહાર લોકોની અવરજવર ઓછી હતી. અંગ્રેજોનો વિસ્તાર હતો એટલે અહીં ગંદકી વધારે થાય નહીં એ માટે ત્યાં આ મુતરડી બનાવવામાં આવી હતી. ઘોડાઓ અહીં પલાણવામાં આવતા હતા. રેસકોર્સને લીધે પણ રવિવાર અને રજાના દિવસે ઢગલો લોકો અહીં આવતા હતા. એ લોકોના કુદરતી દબાણને પણ સગવડ મળી રહે એટલા માટે પણ આ જાહેર પાયખાનું જરૂરી હતું અને એ મોટું હોય એ પણ જરૂરી હતું.

રવજી પાયખાનામાં ઘૂસ્યો ત્યારે તેના મનમાં એક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો હતો કે કટકો લઈને પાયખાનામાં દાખલ થયેલા ભૂપતને પેટ સાફ કરવાની ઇચ્છા થઈ હશે એટલે વાર લાગી હશે. રવજીએ અંદર જઈને જોવાનું શરૂ કર્યું. મુતરડીવાળા ભાગમાં તો ચકાસણી કરવાની જરૂર નહોતી, એ વિસ્તાર તો ખુલ્લો જ હતો એટલે સૌ કોઈના થોબડાં દેખાઇ આવતાં હતાં, પણ પાયખાનાવાળા ભાગમાં જઈને બરાબર ચકાસણી કરવાની હતી. રવજીને શરમ આવતી હતી, પણ એમ છતાં તે એ વિસ્તારમાં ગયો અને તેણે બારણાંને ધક્કો મારવાનો શરૂ કર્યો.

પહેલું, બીજું, ત્રીજું અને ચોથું...

ચોથું બારણું અંદરથી બંધ હતું.

‘કોણ?’

રવજીએ સવાલ પૂછ્યો ત્યારે જ તેને સમજાઈ ગયું હતું કે બરાબરનું ધર્મસંકટ થયું છે. ભૂપતસિંહનું નામ પોતે બોલી શકે એમ હતો નહીં અને અંદરથી પણ ભૂપત પોતાનું નામ જણાવે એ વાત ગળે ઊતરે એમ નહોતી.

‘શું કામ છે?’

સામેથી તુમાખીભર્યો તુચ્છકાર આવ્યો એટલે રવજી આગળ વધી ગયો.

આઠ પાયખાનાં હતાં, જેમાંથી ત્રણ ભરેલાં હતાં. આ ત્રણ માટે બહાર ઊભા રહીને રાહ જોવાની હતી. રખેને એમાં કોઈ એકાદમાં ભૂપત હોય અને તે બહાર આવે. હવે બહાર ઊભા રહેવા સિવાય તેણે બીજું કોઈ કામ કરવાનું નહોતું એટલે રવજી બહાર આવીને એક પગથિયા પર બેસી ગયો.

થોડી વારમાં એક બહાર આવ્યો, થોડી વાર પછી બીજો બહાર આવ્યો.

હવે ત્રીજાની રાહ જોવાની હતી.

રવજી જ્યારે ત્રીજાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે કાળુ પણ ભૂપતની રાહ જોતો ઊભો હતો.

€ € €

‘કેટલી વાર કરી ભાઈ તેં?’

ભૂપત જેવો આવ્યો કે તરત જ કાળુએ ધોખો કર્યો.

‘અડધા કલાકથી રાહ જોઉં છું તારી. આમ હોય, પાંચ જણ તો મને પૂછી ગ્યા આવીને કે ભાઈ ફલાણો વિસ્તાર ક્યાં આયવો ને ઢીંકણો વિસ્તાર ક્યાં આયવો?’

ભૂપતે કાળુની સામે જોયું.

‘એલા મૂંગો રહીશ પાંચ મિનિટ. જરાક હાંફ તો ઊતરવા દે.’

‘તું તારી હાંફ, કામ પતી ગ્યું? તો હું રવાના કરું જીપડી.’

‘હા, કામ પતી ગ્યું. હંકાર.’

પરવાનગી મળી કે બીજી જ ઘડીએ કાળુએ જીપની ચાવી ઘુમાવી અને જીપનું એન્જિન ઘરઘરાટી સાથે શરૂ થયું. જીપ ચાલુ થઈ અને કાળુએ જીપને ગીરનાં જંગલો તરફ મારી મૂકી.

‘કોણ હાથમાં આવ્યું?’

‘બૈરી, સાલ્લી બોવ જાડી છે.’ ભૂપત હજી પણ ઊંડા શ્વાસ લેતો હતો, ‘ઉપાડીને નીચે લઈ આવવામાં જ જીવ નીકળી ગ્યો.’

‘ભાનમાં હમણાં આવશે કે પછી...’

‘જૂનાગઢ પાસે ક્યાંક ભાનમાં આવશે એવું લાગે છે, બાકી અસર તો બરાબરની થઈ હશે, સાલ્લાવ સાફ જ નથી કરતા. એ’લા, તું કે’તો તો એ ગૅસ તો બરાબરનો જોરદાર છે. મેં પોતે જરાક વાસ લીધી તો મારુંય માથું ભમવા માંડ્યું.’

‘સિંહ, ક્યારેક-ક્યારેક તો તું સાચે જ ગાંડાં કાઢી લેશ.’

કાળુને તો રસ વાતો કરવામાં હતો, પણ ભૂપતને ખરેખર વાસની એવી તો ભયાનક અસર થઈ હતી કે તેનું મસ્તક ભમવા માંડ્યું હતું. ભમી રહેલા મસ્તક વચ્ચે જ ભૂપતે આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરતાં પહેલાં તેણે કાળુને સૂચના પણ આપી દીધી.

‘જરાક પાછળ ધ્યાન દેજે, ક્યાંક જાડી જાગી જાય તો માથે એકાદ ઠોકજે ને ઠોકવી નો હોય તો લે, આ કટકો... પાછો સૂંઘાડી દેજે એટલે એકાદી કલાક સૂઈ જાય.’

‘તું શું કરશ?’

‘જરાક આડો પડું છું, તને વાંધો છે?’

ભાઈબંધો વચ્ચે મીઠો કજિયો શરૂ થવાની તૈયારીમાં હતો ત્યારે રવજી પટેલનો જીવ ચૂંથાવા માંડ્યો હતો.

 (વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK