ઈશ્વર આંખમાં કીકી મૂકવાનું ભલે ભૂલી ગયો, પણ આંસુ મૂકવાનું નઈ

‘ડોન્ટ ફીલ બૅડ પ્રભુ, પણ અમારાં બા-બાપુજી, તેમનાં બા-બાપુજી, તેમની બાઓ અને બાપાઓ, દાદા-વડદાદાઓ, પૂર્વજો બધા તારાં દર્શન માટે ખૂબ તલપાપડ હતાં.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

તને મણ-મણની તો કાકલુદી કરી. અરે, તને મેળવવા તારી જેમ જ તારી સામે તાંડવનૃત્ય કર્યું. ઘણી વાર તો સળગતી બીડી પર પગ પડ્યો હોય એવા કૂદકા માર્યા. હાથ જોડ્યા. આ મંદિરમાં પણ તારાં દર્શનની આટલી ઘરાકી કે તારી અપૉઇન્ટમેન્ટ મળી જ નઈ ને છેવટે રાહ જોતાં બધા ગુજરી ગયા. અહીં એવી માન્યતા છે કે જે મર્યા એ તને મળ્યા, બાકી સાચું કે ખોટું એ તું અને મરનાર જ જાણો. સાચું હોય એ નક્કી થઈ ગયું કે તારા મિલન માટે બધાએ ફરજિયાત મરવું પડે. એક ચોખવટ કરું? આ તો તું ક્યારેય મંદિરની બહાર ન નીકળે અને કોઈ બોલ્યું કે મંદિરમાં જઈએ તો મંદી દૂર થાય એટલે થયું કે ચાલો દર્શન આપવા આપણે નીકળીએ એટલે બંદા અહીં આવી ગયા. આપણને કંઈ તારા જેવું અભિમાન નઈ, પણ અહીં આવીને જોયું તો તું ન હાલે, ન ચાલે, ન બોલે; એમનો એમ ઠેઠડેઠે ઊભો છે. નાઓ આઇ વૉન્ટ ટુ આસ્ક કે તું મર્યા પછી મળે એના કરતાં જીવતેજીવત મળવામાં તને પ્રૉબ્લ્ોમ શું છે? છોડ, કોક દાડો તો આ મંદિરની માયા છોડ. ભગવાન જેવો ભગવાન થઈ માણસ જેવું વર્તન કરે એ તને શોભે છે? કેમ જીભડી સિવાઈ ગઈ?’

‘પત્યું? તારું બોલવાનું પતે તો સીવેલી જીભના ટાંકા તોડુંને? સાંભળવું છે? તો બોલું.’

‘યસ, તું જો બોલે તો મારા કાનની દુકાન ખુલ્લી છે.’

‘હું તો દર્શન આપું, પણ તમારા ભગા ખબર છે? થોડા વખત પહેલાં એક ભગતે અહીં લોચો મારેલો. અહીં મારી જટામાં ગંગા, માથા પર ચાંદ, હાથમાં ત્રિશૂલ, ગળામાં ફરતો નાગ જોયા પછી પણ બાફ્યું ને મંડી પડ્યો, દરશન દો ઘનશ્યામ આજ મોરી અખિયાં પ્યાસી રે.. તું જ બોલ, મારી ખચકે કે નઈ? મનમાં થયું કે ટોપા, મારા માથે મુગટ છે? ના.  હાથમાં વાંસળી છે? ના. માથે મોરપીંછ છે? ના. મારી બાજુમાં કોઈ રાધા જોઈ? અરે ડોબા, ઘનશ્યામ તો કૃષ્ણનું નામ છે ને હું શંકર છું, સમજ્યો?’

‘અરે બાપ રે... જબરો લોચો...’

‘ઠાકર, અમે બધા ભગવાન બરાબર ઓળખાઈએ એટલે તો મારી પાસે પોઠિયો, કૃષ્ણ પાસે ગાય, ગણેશ પાસે ઉંદર, દત્તાત્રેયને ત્રણ માથાં ને પાસે કૂતરા, શેષનાગ પર વિષ્ણુ પછી અનુક્રમે ડમરું, વાંસળી, શંખ, હનુમાનજી

પાસે ગદા... કેટકેટલું ગણાવું? આ

બધી સગવડ કરી આપી છતાંય તમે ઓળખ્યા વગર...’

‘થાય પ્રભુ, અમે તો તારાં બાળકો છીએ. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર કઈ રીતે થાય. શંકરપ્રભુ, યુ નો? આપના મંદિરમાં દર્શન દો ઘનશ્યામ મોરી અખિયાં પ્યાસી.. એ કોણે ગાયું એ ખબર છે?’

‘હશે કોઈ કૃષ્ણભક્ત. તેણે ભૂલ કરી એ મેં જોયું પણ ભૂલ કરનારને ન જોયો...’

‘પ્રભુ, એ મારા  બાપુજી હતા.’

‘શુંઉઉઉ... તારા બાપુજી? બાપ રે!’ ઈશ્વરને ૧૫૦ વૉલ્ટેજનો ઝાટકો લાગ્યો.

‘પ્રભુ, હવે આપની જેમ જ કહું છું કે ખરું બાપ રે તો હવે આવશે. સાંભળો, તમે જ્યારે બાપુજીને ઉપરથી નીચે મોકલ્યા ત્યારે આંખો આપી હતી, પણ દૃષ્ટિ મૂકવાનું ભૂલી ગયેલા. આંખ હતી પણ કીકી વગરની. તે જોઈ શકતા નહોતા. તેમને મંદિર છે એટલું કોઈ બતાવે પછી જે આવે તે ઊલટથી ગાવા લાગે. પ્રભુ, તે જોઈ નહોતા શકતા, પણ તેમની શ્રદ્ધા અંધ નહોતી. તે રોજ તારા મંદિરમાં અદ્ભુત ભાવ લઈ આવતા. પ્રભુ, ભજન તો મીરા પણ ગાતી ને અનુપ જલોટા પણ ગાય, પણ મીરા પ્રભુને મેળવવા ને જલોટા રૂપિયા મેળવવા ગાય. એકના ભાવમાં ભક્તિ ને બીજાના ભાવમાં કિંમત દેખાય.

ધીરે-ધીરે મંદિરમાં ગિરદી વધવા લાગી ને એક દિવસ કોઈએ મારા બાપુજીને કીધું કે વડીલ, તમે જોઈ શકતા નથી, દર્શન કરી શકતા નથી તો આ ભીડમાં મંદિરમાં ન આવો તો ન ચાલે? ત્યારે બાપુજી બોલેલા કે ‘ભલે હું જોઈ શકતો નથી પણ મારો પ્રભુ તો મને જોઈ શકે છે.’

‘ઠાકર, એ તારા બાપુજીને કાલે અહીં મંદિરમાં લેતો આવીશ? મારી રિક્વેસ્ટ છે.’ પ્રભુ બોલ્યા.

‘ચોક્કસ પ્રભુ.’

બીજા દિવસે બાપુજીને લઈ મંદિર ગયો ને બાપુજીએ ઉપાડ્યું, ઓ સાંઈ મેરે કબ હોંગે દરશન તેરે..ï

‘બાપુજી, આ સાંઈમંદિર નથી, શંકર મંદિર છે.’

‘અરે ડોબા, હું સાંઈ એટલે (સા) સાચા (ઈ) ઈશ્વરનાં દર્શન ક્યારે થશે એમ...’

એટલામાં તો શંકરે બાપુજીને દૃષ્ટિ આપી ને પળવારમાં બાપુજી બધું દેખતા થઈ ગયા.

‘પ્રભુ.. પ્રભુ આવો ચમત્કાર!’ બાપુજી ગદ્ગદ થઈ ગયા.

‘હું તારા પર પ્રસન્ન થયો છું. માગી લે, તારે શું જોઈએ છે?’

‘પ્રભુ, આમ તો મારે કશુંય જોઈતું નથી, પણ તારે આપવું જ હોય તો આ દૃષ્ટિ પાછી લઈ લે.’

‘કેમ? કેમ?’  

‘કેમની કેમ માંડો છો પ્રભુ, જે આંખો તારાં દર્શન માટે તરસતી હતી એને તારાં દર્શન થઈ ગયાં. હવે મને જગતમાં કશુ જોવાની ઇચ્છા થતી નથી. પ્લીઝ પ્રભુ. ટેક ઇટ બૅક.’

‘ઠાકર, તું કાલથી મંદિર ન આવતો. તારા ઘરમાં આ જીવતા ઈશ્વર છે. હું તો પથ્થરમાં પુરાયો છું.’

બાપુજીની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં, કારણ કે ઈશ્વર આંખમાં કીકી મૂકવાનું ભલે ભૂલી ગયો હતો, પણ આંસુ મૂકવાનું નઈ...

બોલો મિત્રો, તમને લાગે છે કે હવે હું મંદિર જતો હોઈશ?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK