હું તાતા મેમોરિયલ હૉસ્પિટલ બોલું છું

આ પગલાથી મુંબઈમાં દર વર્ષે દેશભરમાંથી આવનારા આશરે ૭૦ હજાર નવા દરદીઓમાંથી થોડો ધસારો ઓછો થશે એવી એક ગણતરી છે ત્યારે દેશની જ નહીં પણ એશિયાની કૅન્સર માટેની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે જાણીતી અને દેશભરના કૅન્સરના દરદીઓનું આશ્રયસ્થાન બનેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલ સંભળાવે છે પોતાની આપવીતી

tata

રુચિતા શાહ

છેલ્લા થોડાક સમયથી મનમાં મિશ્ર લાગણીઓ જન્મી છે. ઘણા સમય પછી મનમાં રહેલી ગ્લાનિમાં એક નાનકડી રાહતનો અનુભવ મળ્યો છે. થૅન્ક્સ ટુ તાતા ટ્રસ્ટ. તેમણે હજાર કરોડ રૂપિયાનું દાન આપીને દેશનાં પાંચ રાજ્યોમાં મારા જેવી બીજી પાંચ હૉસ્પિટલોને જન્મ આપવાનો નિર્ણય લીધો છે. ખરેખર કહું તો હું આજે ખુશ છું. એનું એક જ કારણ છે. એમના આ પગલાને કારણે હવે ઘણાબધા દરદીઓએ મુંબઈ સુધીની હજારો કિલોમીટરની મજલ કાપીને મારા સુધી નહીં આવવું પડે. કદાચ તેમની તકલીફને નિવારવા આવનારાં વષોર્માં હું પ્રત્યક્ષ નિમિત્ત નહીં બની શકું તો પણ તેમની તકલીફોમાંથી કમ સે કમ મુંબઈની ખર્ચાળ હાડમારી તો ઓછી થશે એનો સંતોષ થઈ રહ્યો છે.

હું? મારું નામ તાતા મેમોરિયલ હૉસ્પિટલ. ૭૬ની થઈ હવે. નાનો સમયગાળો નથી આ. ૭૬ વર્ષમાં મેં જે બદલાવ જોયો છે અને જે પીડાઓ અને લાચારીઓના મૂકદૃષ્ટા બનવાનું મારા ફાળે આવ્યું છે એનું વર્ણન કરી શકું એમ નથી. એ વર્ણન તમે સાંભળી શકો એમ પણ નથી. લાચારીની પરાકાષ્ઠા શું હોઈ શકે, પીડાની પરાકાષ્ઠા શું હોઈ શકે, પરવશતાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ મારાથી બહેતર તમને કોઈ નહીં કહી શકે. મારા દાદરા ચડતા હજારો લોકોના અહંકારને ચૂર-ચૂર થતા મેં જોયો છે. હું સાક્ષી બની છું એ ઘડીઓની જ્યારે પરિવારજનો ભેગા થઈને પારાવાર પીડાથી કણસતા પોતાના સ્વજનને આખરી શ્વાસ લેતા જોઈ રહ્યા હોય. તબિયતની સાથે આર્થિક, માનસિક અને સામાજિક રીતે ભાંગી પડેલી એ આંખોનો મને ડર લાગતો હોય છે. મસ્તક ઊંચું કરીને ચાલનારો માનવ આટલો લાચાર હોઈ શકે એવી કલ્પના તો હું કરી જ કેમ શકું? આખરે એ જ માણસે તો મારા જેવા વિશાળતમ અસ્તિત્વનું સર્જન કર્યું. મને યાદ છે એ દિવસ જ્યારે મારા સર્જનનો વિચાર કરનારા મારા ખરા જન્મદાતાનો ફૉરેન-પ્રવાસ. પારસી શ્રેષ્ઠી સર દોરાબજી તાતા બ્લડ-કૅન્સરથી પીડાતાં પત્ની મહેરબાઈને વિદેશ લઈ ગયા હતા ઇલાજ માટે. જોકે લાંબા પ્રવાસને કારણે ઇલાજ સમયસર શરૂ ન થયો અને મહેરબાઈએ વિદાય લીધી. એ દિવસે મારા સર્જનનો વિચાર પહેલી વાર એ પારસી સજ્જનને આવ્યો હતો : ‘મારા દેશના ગરીબ લોકો કેવી રીતે કરાવશે આ બીમારીનો ઇલાજ? ભારતમાં કૅન્સરનો શ્રેષ્ઠતમ ઇલાજ થાય એવું એક સંસ્થાન હું બનાવીશ.

એ સાલ હતી ૧૯૩૨ની. મને બરાબર યાદ છે, કારણ કે એ પછી ખૂબ ઝડપથી મારા નિર્માણનું ખાતમુરત થઈ ગયું હતું. એ પછી જોકે સર દોરાબજી તો આ દુનિયામાં ન રહ્યા, પરંતુ તેમના નામે ચાલતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓે મારા સર્જનમાં લાગી ગયા. એ લોકોની લગની ગજબની હતી. ૧૯૪૧માં તો મારું નિર્માણકાર્ય પૂર્ણ કરીને મને લોકહિતની સેવામાં લગાડી દેવામાં આવી. સાચું કહું? એ સમયે હું પણ ગૌરવભેર ઊભી હતી. મારા ઉત્સાહની કોઈ સીમા નહોતી. એશિયામાં હું એકમાત્ર હૉસ્પિટલ હતી જે કૅન્સર જેવી બીમારીનો ઇલાજ કરવામાં નિમિત્ત બનવાની હતી. કૅન્સરનો કોઈ અનુભવ મને નહોતો. હું તો બધાથી ચડિયાતા હોવાના ગર્વમાં મ્હાલી રહી હતી. મને નહોતી ખબર કે આવનારાં વર્ષો મારા માટે પણ એટલાં જ પીડાદાયક બનવાનાં છે જેટલાં મારી પાસે પીડા દૂર કરવા આવનારા લોકોનાં હશે. હું તો પીડાહારક સ્થાન હતી અને એ માટે મારામાં પોરસ ચડ્યું હતું, પણ એ પોરસ પાછળ જીવનની નરવી વાસ્તવિકતાઓને હું નજરઅંદાજ કરી બેઠી હતી. ધીમે-ધીમે જીવનની વાસ્તવિકતાઓ પરથી પરતો ખૂલતી ગઈ અને સમજાતું ગયું કે બેશક, એ ગૌરવ ઘડી છે કે હું કૅન્સરનો ઇલાજ કરનારું સૌથી પહેલું અને એકમાત્ર સંસ્થાન હતી, પણ એ ગૌરવ સાથે એક જવાબદારી પણ માથા પર હતી કે અહીં આવનારી પ્રત્યેક વ્યક્તિને કંઈક સાંત્વના મળે. અહીં આવનારા લોકોએ મારા પર મૂકેલો વિશ્વાસ અને શ્રદ્ધા પર ખરા ઊતરવાની જવાબદારી. હું કંઈ ભગવાન નહોતી, હું તો માત્ર સંસ્થાન હતી અને છું. પણ મારા દ્વાર સુધી આવનારા લોકોનો ઈશ્વર અહીં જ વસે છે અને તેમનું દરેક દુ:ખ હવે અહીં દૂર થશે એવી પારાવાર શ્રદ્ધા સાથે તેઓ અહીં પગલાં માંડતા હોય છે. હું ખરેખર ધન્ય ગણું છું એ તમામ ડૉક્ટરોને, એ તમામ સંચાલકોને, એ તમામ સમાજના દીવાઓને જેમણે કોઈક ને કોઈક રીતે મારા દ્વાર સુધી આવનારા કૅન્સરથી પીડાતા લોકોના જીવનમાં જોમ ભરવાનું, તેમના દુ:ખને ઓછું કરવાનું, તેમને સાજા કરવાનું બીડું ઉપાડ્યું છે. આ જ લોકોએ મારી લાજ રાખી છે અને મારા અસ્તિત્વને સાર્થક બનાવ્યું છે.

મને યાદ છે એક દરદી. પ્રકાશ. ૧૬ વર્ષનો હતો તે. બિહારનો વતની અને તેને આર્મીમાં જવાની ઇચ્છા હતી. દાઢમાં દુખાવો થઈ રહ્યો હતો એનો પોતાના ગામમાં ઇલાજ કરાવતાં કોઈ ફરક ન પડ્યો એ પછી નજીકની હૉસ્પિટલમાં ગયો, પોતાના ગામથી થોડે દૂર બીજા મોટા શહેરમાં ગયો અને છેલ્લે ખબર પડી કે તેને કૅન્સર છે. ખલાસ. પરિવારનો મોટો દીકરો અને ભણવામાં હોશિયાર હતો એટલે પરિવારને એક જ આશા હતી કે આ જ આપણા ઘરનું ભવિષ્ય સુધારશે. પિતા સામાન્ય મજૂરી કરતા. માતા પણ મજૂરી કરીને ઘરમાં થોડીક આવક લાવતી અને તેમનું ઘર ચાલતું. તેનો નાનો ભાઈ ભણતો હતો. જોકે પ્રકાશને કૅન્સર છે એ વાત પરિવારના માથે આભ ફાટવા જેવી હતી. સામાન્ય આવક ધરાવતા આ પરિવારે પ્રારંભિક ચકાસણીમાં જ પોતાની મોટા ભાગની બચત ખર્ચી નાખી હતી. બિહારથી મુંબઈ આવીને સારવાર કરાવવી અને મુંબઈમાં રહીને ખર્ચ કાઢવાની વાત અઘરી હતી, પણ દીકરાને બચાવવો હતો એટલે માતાના દાગીના વેચીને પૈસા ભેગા કર્યા અને પ્રકાશ, તેની માતા અને એક નજીકનો ભાઈ મુંબઈ આવ્યાં. લાંબી દોડધામ અને વેઇટિંગ લિસ્ટને પાર કર્યા પછી ચકાસણી થઈ ત્યારે ખબર પડી કે પ્રકાશનું કૅન્સર પ્રસર્યું છે અને તેની જમણી આંખ સુધી પહોંચી ગયું છે. જમણી આંખ કઢાવવી પડી. આર્મીમાં જઈને દેશની સેવા કરવાનું સપનું તો રોળાઈ ગયું, પણ હવે જિંદગી રહેશે કે નહીં એની જ અનિશ્ચિતતાઓ ઊભી થઈ ગઈ હતી. આને તમે કોઈ વાર્તા નહીં ગણતા હં, આ હકીકતનાં પાત્રો છે. ક્રૂર હકીકતનાં પાત્રો. જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી એવા દિવસો પ્રકાશ અને તેના પરિવારે જોવાના આવ્યા. ગરીબીરેખા નીચે જીવતા દરદીઓ માટે મારા સંચાલકો અને સરકાર રાહત દરે અને અમુક સ્તરે સાવ મફતમાં દવા આપે છે. જોકે વિવિધ ટેસ્ટ અને અમુક રિપોર્ટના ઓછા દરના પૈસા તો દરદીએ આપવા જ પડે. જોકે વર્ષોથી જોતી આવી છું કે મારા સુધી પહોંચે એ પહેલાં જ જરૂરિયાતમંદ દરદીઓ અને તેમના પરિવારે પોતાની ઘણીખરી મૂડી તો નજીકની હૉસ્પિટલો અને ડૉક્ટરોની પ્રારંભિક તપાસણીમાં જ ખર્ચી નાખી હોય છે. સાવ ગરીબીરેખા નીચે ન હોય એવા લોકો માટે રાહત દરે મળતી દવાના પૈસા કાઢવા પણ આકરું કામ હોય છે. હું આ બધું જોતી રહું છું, ક્યારેક જાતને પૂછી પણ લઉં છું કે હું શું કામ કંઈ કરતી નથી, આટલી નિષ્ઠુરતા મારામાં ક્યાંથી આવી છે? પણ શું કરું, મારી પણ કેટલીક મર્યાદા છે. પ્રકાશની સારવાર શરૂ થઈ. એમાં દેવદૂત બનેલી કેટલીક સામાજિક સંસ્થાઓના કાર્યકરોએ તેને મદદ કરી છે. મુંબઈમાં દવા કરાવવાના પૈસા ન હોય ત્યારે રહેવાની વ્યવસ્થા કેમ કરવી? નાણાંની નગરી ગણાતી મુંબઈમાં એક પરિવારનો રહેવા અને ખાવાનો એક દિવસનો ખર્ચ ગામડામાં એક વ્યક્તિનો ૧૫ દિવસનો ખર્ચ બની શકે છે. આ અનુભવનું જ જ્ઞાન છે. છેલ્લા સાત દાયકામાં મારા સુધી પહોંચેલા લાખો લોકોની જીવન-દાસ્તાનના સાક્ષી બન્યા પછી આવેલું જ્ઞાન. પ્રકાશ અને તેના પરિવારે શરૂઆતના લગભગ છ મહિના ફુટપાથ પર ગુજારો કર્યો છે જ્યાં તેમને સામાજિક સંસ્થાઓ વતી ખાવાનું મળી રહેતું. ક્યારેક અઠવાડિયે એક વાર તો ક્યારેક પંદર દિવસે એક વાર લેવી પડતી કીમોથેરપી માટે તે વહેલો લાઇનમાં ઊભો રહી શકે એ માટે ફુટપાથ ખૂબ કામ લાગી. જોકે વરસાદમાં આ પરિવારે અને તેમના જેવા બીજા પચાસેક પરિવારે અગવડો વચ્ચે નવી અઢળક અગવડો વેઠી છે. ધીમે-ધીમે પ્રકાશની વીકનેસ વધી છે. મોઢા પર રૂમાલ બાંધીને રહેનારો પ્રકાશ હવે ઊભો થાય તો પણ થાકી જાય છે. છેલ્લાં થોડાંક અઠવાડિયાંથી તેને એક સામાજિક સંસ્થાએ રહેવા માટેની સગવડ કરી આપી છે જ્યાં એક ટંકનું ખાવાનું પણ મળશે. હવે જોકે સાજા થઈ જવું એ જ એક જિંદગીની મકસદ રહી છે. પ્રકાશનો પરિવાર પણ હવે કૅન્સરની વિકરાળતા સામે ઝઝૂમતાં સહેજ થાક્યો છે. જોકે પોતાનો દીકરો કોઈ પણ ભોગે કૅન્સર સામે હારી જાય એ તેમને મંજૂર નથી. પ્રકાશ અને તેનો પરિવાર એકબીજાના તૂટતા મનોબળને ફરીથી મજબૂત કરીને કૅન્સરને હરાવવાના જંગમાં મચેલા છે. આવા અઢળક કિસ્સાઓ આજ દિવસ સુધી હું જોઈ ચૂકી છું. મને પણ મનમાં પુષ્કળ વખત થયું છે કે એક વાર કૅન્સરને જ કૅન્સર થઈ જાય અને કૅન્સર પોતાનો જ ભોગ લઈ લે તો કેવું સારું. જોકે આ માત્ર મારા મનની બાલિશ ધારણા છે. એનું ભાન મને ત્યારે થાય છે જ્યારે કૅન્સરની ભયંકર પીડાથી કણસતા લોકો પણ કૅન્સર સામે હાર નથી માનતા. તેમની ઝઝૂમવાની શક્તિ મારા મનને નવું બળ આપે છે. મારા સંચાલકોને નવી દૃષ્ટિ આપે છે. જ્યારે લડનાર વ્યક્તિ હારવા કે ઝૂકવા તૈયાર નથી ત્યારે અમે તો લડનારાનું પીઠબળ છીએ. અમે કઈ રીતે હારી શકીએ? માણસના મક્કમ મનોબળ સમક્ષ તો કૅન્સર નાનું છે એનો પરચો કરાવનારા અનેક લડવૈયા અને સાચા ભડવીરો પણ મેં મારી નરી આંખે મારા આંગણે પ્રવેશતા જોયા છે. પારાવાર પીડા વચ્ચે પણ તેમના ચહેરા પર લહેરાયેલા સ્મિત સામે કૅન્સર કેટલું વામણું લાગતું હોય છે એવી ઘડીઓની પણ હું સાક્ષી રહી છું. કદાચ આ જ કારણ છે કે લાખો પ્રકાશોએ ભેગા થઈને કૅન્સર સામે બાથ ભીડીને જીવવાની જિજીવિષાને જિતાડી છે.

આજે વર્ષો વીતતાં ગયાં એમ પરેલમાં મારું ક્ષેત્રફળ વધારીને વધુ ને વધુ લોકોને મારામાં સમાવી શકાય એવા પ્રયત્નો થતા રહ્યા છે. એક ઇમારતમાંથી આજે મારું ક્ષેત્રફળ પાંચ મોટી ઇમારતોમાં વિસ્તરી ચૂક્યું છે. વર્ષે ૭૦ હજાર નવા દરદીઓ આશાનું કિરણ લઈને મારાં પગથિયાં ચડતા હોય છે. હવે પહેલાંવાળો ગર્વ મનમાં નથી જાગતો. હવે સતત મારા પ્રત્યેક પરમાણુમાં એક જવાબદારીનો સંચાર થઈ રહ્યો છે. મારી જવાબદારી મારા સંચાલકોએ ઉઠાવી લીધી છે. એકેય દરદીએ આર્થિક કે સામાજિક કારણોસર ઇલાજથી વંચિત ન રહેવું પડે એ માટે તાતા ટ્રસ્ટ સહિત ૩૩ જેટલી સામાજિક સંસ્થાઓ અને સેંકડો સ્વયંસેવકો નિસ્વાર્થભાવે સેવાનો અનોખો દાખલો કાયમ કરી રહ્યા છે. બીજી બાજુ હૉસ્પિટલના સંચાલકો, મારા કર્તાહર્તા એવા ઍટમિક એનર્જી વિભાગ અને તાતા ટ્રસ્ટ દ્વારા દરદીઓના રહેવાની વ્યવસ્થા માટે નવાં સંકુલો ઊભાં કરવામાં આવી રહ્યાં છે. કૅન્સરની પીડાને સમજી શકે અને એના ઇલાજમાં ભૂમિકા ભજવી શકે એની ટ્રેઇનિંગ લેનારા નવા ડૉક્ટરો અને મદદનીશો પણ તૈયાર થઈ રહ્યા છે. સાથે જ આ બીમારીને સમજવાનું એક અલગ રિસર્ચ-સેન્ટર પણ પૂર્ણ નિષ્ઠા સાથે સક્રિય છે. દરેક ધોરણે દરદીઓને સહુલિયત અને રાહત મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સતત વધી રહેલી દરદીઓની સંખ્યા સામે તમામ પ્રયાસ ઊણા ઊતરી રહ્યા છે. આપણે ત્યાં થઈ રહેલાં અડધાંથી વધુ કૅન્સરો એ થાય એ પહેલાં જ અટકાવી શકાય એવાં છે. તમાકુ ન ખાઈને, દારૂ કે સિગારેટનું સેવન બંધ કરીને, પ્રદૂષણરહિત નિયમિત જીવનશૈલીને અપનાવીને કૅન્સરથી બચવાની શક્યતાઓ મોટી છે. અહીં જ ૭૬ વર્ષથી અડીખમ ઊભા રહીને માનવજાતનાં અઢળક રૂપ મેં જોયાં છે. હું સમજી નથી શકતી કે આટલી ક્ષમતાઓ અને દુનિયાને બદલી નાખવાની શક્યતાઓ વચ્ચે રહેલા માનવો શું કામ કૅન્સરની વિકરાળતા જાણ્યા પછી પણ એને વેંત છેટું રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી નથી અપનાવતા. કદાચ કૅન્સર કરતાં પણ વધુ કૉમ્પ્લીકેટેડ માનવો જ છે. તેમને ન ગમતી પીડાઓની ગંભીરતા એ આવ્યા પછી જ સમજાય છે અને એ સમજાયા પછી પણ લડતા રહેવાની તેમની મક્કમતા સલામ ઠોકવાનું મન થાય એવી છે. અંતમાં એટલું જ કહીશ કે જાણીજોઈને દોજખને ન બોલાવે એટલી બૌદ્ધિકતા તો દરેક માણસમાં છે. બસ, હવે એને અમલમાં મૂકો. તમારે ક્યારેય મારા દરવાજે ઇલાજ માટે ન આવવું પડે અને તમે જ્યારે પણ આવો ત્યારે કોઈકના ચહેરા પર સ્મિત પાથરવા જ આવો એવી શુભેચ્છા સાથે અહીં અટકું છું.

tata1

તાતા મેમોરિયલ હૉસ્પિટલના અગ્રણીઓના અભિપ્રાય

ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક એનર્જી અંતર્ગત રહેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલે છેલ્લાં ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રની બહાર ત્રણ પ્રોજેક્ટ લીધા છે. મોહાલી (પંજાબ), વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) અને વારાણસી બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પ્રોજેક્ટ. આ ત્રણ પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. ૨૦૦ બેડની કૅન્સરની સુવિધા આ સેન્ટરમાં ઉપલબ્ધ થઈ જશે, જે તાતા મેમોરિયલ સેન્ટરના પ્રિન્સિપલ પર જ કામ કરશે. આ ઉપરાંત વારાણસીમાં રેલવે કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું તાતા ટ્રસ્ટની મદદથી રિનોવેશન અને ઇક્વિપમેન્ટ અપગ્રેડેશનનું કામ શરૂ થયું છે. ૨૦૧૮ની ફેબ્રુઆરીથી તાતા મેમોરિયલ સેન્ટર દ્વારા આ હૉસ્પિટલ પણ મૅનેજ થશે. આ બધાથી મુંબઈનો લોડ થોડો ઘટે એવી શક્યતાઓ છે.

તાતા મેમોરિયલ સેન્ટર એક જ એવી જગ્યા છે જ્યાં હોમી ભાભા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત ઑન્કોલૉજી ક્ષેત્રમાંં કામ કરી શકે એ માટેનો મૅનફોર્સ તૈયાર કરાય છે. અત્યારે દેશભરમાં કૅન્સરની હૉસ્પિટલમાં કામ કરતા લગભગ ૬૦ ટકા પ્રશિક્ષિત અને ક્વૉલિફાઇડ મૅનપાવર અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થઈને ઑન્કોલૉજીમાં સક્રિય છે. અત્યારે પણ ઇન્સ્ટિટ્યૂÊટ અંતર્ગત Mch સર્જિકલ ઑન્કોલૉજી, MD રેડિયોથેરપી અને બીજા ઘણા પોસ્ટ-ગ્રૅજ્યુએટ કોર્સ ચાલે છે. આ ઉપરાંત MSc ઇન ક્લિનિકલ રિસર્ચ, MSc નર્સિંગ ઇન ઑન્કોલૉજી, ઍડ્વાન્સ્ડ ડિપ્લોમા ઇન રેડિયેશન ટેક્નૉલૉજી, ઍડ્વાન્સ્ડ ડિપ્લોમા ઇન ઇમેજિંગ ટેક્નૉલૉજી જેવા કોર્સ પણ ચાલે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમે સીટ ૨૦૦ ટકા વધારી છે. યુવાન ડૉક્ટરોને ઑન્કોલૉજિસ્ટ બનવા માટે મોટિવેટ કરવા છેલ્લાં ચાર વર્ષથી સમર સ્કૂલ ઑફ ઑન્કોલૉજી શરૂ કરી છે. MBBS થતાં પહેલાં અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરતાં પહેલાં ૧૨૦ ડૉક્ટરો ભારતભરમાંથી આવે છે. મે મહિનામાં યોજાતો ‘ફન્ડામેન્ટલ ઇન ઑન્કોલૉજી’ નામનો કોર્સ તદ્દન નિ:શુલ્ક હોય છે. દસ દિવસ માટે વિદ્યાર્થીઓનું રહેવું, ખાવું, પીવું બધુ તાતા ટ્રસ્ટની મદદથી તાતા મેમોરિયલ હૉસ્પિટલ દ્વારા મૅનેજ કરવામાં આવે છે. આ કોર્સ પછી તેમના હૃદયમાં ઑન્કોલૉજિસ્ટ બનવાની ચાહ ઉત્પન્ન થાય અને તેઓ કરીઅર તરીકે ઑન્કોલૉજીને લે એ હેતુ હોય છે. ભારતમાં ઑન્કોલૉજિસ્ટની ભારે કમી છે અને એ કમી દૂર કરવા માટે આ પ્રયાસ અમે શરૂ કર્યો છે. માત્ર ભારતમાં જ નહીં; તાતા મેમોરિયલ હૉસ્પિટલ આફ્રિકન, સબસહારિયન અને ઇથિપોયિન ડૉક્ટરો અને નસોર્ને પણ ટ્રેઇન કરી રહી છે. આ ઉપરાંત હું મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં મેમ્બર હોવાના નાતે છેલ્લાં છ વર્ષમાં અમે દેશભરનાં ઑન્કોલૉજિસ્ટ સેન્ટરોમાં સ્ટુડન્ટ્સ વધારવાની અને નવા-નવા કોર્સ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી છે.

આ ઉપરાંત મુંબઈમાં આવતા અને રહેવાની સગવડ ન ધરાવતા દરદીઓ માટે વધુમાં વધુ ફ્રી અથવા તો ઓછા દરે રહેઠાણ મળે એ માટે ધરમશાળા પ્રોજેક્ટ પણ પાઇપલાઇનમાં છે. હાફકિન કૅમ્પસમાં અહીં ભણતા વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ અને પેશન્ટના પરિવાર માટે ધર્મશાળા શરૂ કરવાના છીએ. બ્લડ-કૅન્સર અને બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટ માટે અમે થોડાક વૉર્ડ અમારા ખારઘરના યુનિટમાં શરૂ કરીશું. ત્યાં પણ દરદીઓ માટે ધર્મશાળા હશે. પીડિયાટ્રિક બ્લડ-કૅન્સરના પેશન્ટની વધી રહેલી સંખ્યાને કારણે બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર અમે સેન્ટ જ્યુડ ચાઇલ્ડ કૅર સેન્ટર બનાવ્યું છે. ત્યાં ૧૫૦ બાળકોને અને તેમના પરિવારને રહેવાની, ખાવાનું બનાવવાની, મનોરંજનની અને ભણવાની એમ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- ડૉ. કૈલાશ શર્મા, ડિરેક્ટર ઍકૅડેમિક્સ, તાતા મેમોરિયલ સેન્ટર


મેડિકલ સાયન્સમાં થઈ રહેલા શ્રેષ્ઠતમ રિસર્ચને કારણે હવે કૅન્સર ક્યૉરેબલ છે. થાઇરૉઇડ કૅન્સર ૯૦ ટકા ક્યૉરેબલ છે. વહેલા ડિટેક્ટ થયેલા કૅન્સરને ક્યૉર કરવાનો રેશિયો ૬૦થી ૯૦ ટકાનો છે. બેશક, કૅન્સરની સારવાર મોંઘી છે; પરંતુ તાતા ટ્રસ્ટ, સરકાર પાસેથી મળતી સબસિડી અને સામાજિક સંસ્થાઓની મદદને કારણે આજે ૬૦ ટકા કરતાં વધુ દરદીઓનો ઓછામાં ઓછા ખર્ચે ઇલાજ કરવામાં આવી રહ્યો છે. કૅન્સરની દવા સસ્તી કરવા માટે દવા બનાવતી કંપનીઓએ લાર્જર લેવલ પર વિચારવું જોઈએ. આજે બ્રેસ્ટ-કૅન્સરની અમુક દવાઓ માત્ર પાંચ ટકા દરદીઓ જ અફૉર્ડ કરી શકે છે અને તેમના સુધી પહોંચે છે. કંપનીઓ ઑલરેડી દેશના ખૂણે-ખૂણે આ દવાઓ પહોંચાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરે છે. એમાં જો તેઓ કૉસ્ટ ઘટાડીને દવાના વેચાણનો વૉલ્યુમ વધારી દે તો પણ તેમને એટલો જ લાભ થવાનો છે. પ્રૉફિટ ઘટશે નહીં અને વધુ ને વધુ લોકો તેમની દવા લેશે. આ પરિવર્તન પણ આવશે ટૂંક સમયમાં.

- ડૉ. રાજેન્દ્ર બડવે, ડિરેક્ટર, તાતા મેમોરિયલ સેન્ટર


ભારતમાં દર દસ લાખે લગભગ ૩૪થી ૧૨૪ બાળકોને કૅન્સર થાય છે. મોટા ભાગે બાળકોમાં બ્લડ-કૅન્સર જ જોવા મળે છે અને એને ટ્રીટ કરવું સૌથી વધુ અઘરું છે, કારણ કે એ ખૂબ જ ઝડપથી ઍડ્વાન્સ્ડ સ્ટેજ પર પહોંચી જાય છે. એ પછી પણ તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં આવતા કુલ દરદીઓમાંથી લગભગ ૮૦ ટકા બાળકોનું કૅન્સર ક્યૉર થઈ જાય છે. દર વર્ષે દસ ટકા પેશન્ટનો વધારો છે. વર્ષે ૧૮ વર્ષ સુધીના દરદીઓની સંખ્યા લગભગ અઢી હજારની આસપાસની હોય છે. તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ૯૦ ટકા બાળકો બહારગામનાં હોય છે. તેમને માત્ર નાણાકીય મદદ જ નહીં; રહેવાની સગવડ, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ અને બ્લડ ઍન્ડ પ્લેટલેટ્સ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે. આ જ કારણ છે કે આજથી પાંચ-સાત વર્ષ પહેલાં પચીસ ટકા બાળકોની સારવાર પૂરી થાય એ પહેલાં જ તેઓ પાછાં પોતાના ગામમાં ચાલ્યા જતાં હતાં. આ રેશિયો આજે ઘટીને પાંચ ટકા થયો છે. બાળકોનું કૅન્સર જિનેટિક કારણોને લીધે થાય છે. બાળકોને થતું કૅન્સર પ્રિવેન્ટેબલ નથી પણ એ ક્યૉરેબલ છે, જ્યારે પુખ્ત વયના લોકોને થતું કૅન્સર પ્રિવેન્ટેબલ છે અને એ પછી કન્ટ્રોલેબલ છે.

- ડૉ. શ્રીપદ બનાવલી, તાતા મેમોરિયલ હૉસ્પિટલના મેડિકલ અને પીડિયાટ્રિક ઑન્કોલૉજી વિભાગના વડા


જે દરદીઓની હાલત અતિશય ગંભીર છે અને હવે સારવારથી કોઈ લાંબો ફરક પડવાની શક્યતાઓ ઘટી ગઈ છે એવા દરદીઓને શારીરિક રીતે, માનસિક રીતે અને ઇમોશનલ રીતે રાહત આપવાનું લક્ષ્ય તાતા મેમોરિયલ હૉસ્પિટલનો પૅલિએટિવ વિભાગ કરે છે. ૧૯૯૬માં પહેલી વાર અમે એક નાનકડું ક્લિનિક શરૂ કર્યું હતું. હવે એ બહુ મોટો વિભાગ બની ગયો છે. પૅલિએટિવ કૅર ફિઝિશ્યન, નર્સિસ, સોશ્યલ વર્કર્સ, કાઉન્સેલર્સ, વૉલન્ટિયર્સ એમ બધા મળીને કામ કરીએ છીએ. વૉર્ડમાં અને પેશન્ટના ઘરે જઈને પણ દરદીને શાતા આપવાનું કામ કરીએ છીએ. ઍડ્વાન્સ્ડ કૅન્સરના ૯૦ ટકા પેશન્ટને અમુક પ્રકારનું પેઇન રહેતું હોય છે એ સિવાય શ્વાસ ચડવો, થાક લાગવો, વૉમિટ થવી, પેટમાં દુખવું, પાચન ન થવું જેવાં પણ કેટલાંક લક્ષણો હોય છે. અમારા પ્રયત્નો એ હોય છે કે એ પેઇન ઘટે એને લગતી દવાઓ આપવી. જેટલાં પણ વર્ષો તેમની પાસે છે એમાં જીવન ભરવાના પ્રયત્નો અમે કરીએ છીએ. આજે પણ આપણા દેશમાં પૅલિએટિવ કૅરનો કન્સેપ્ટ એટલો પૉપ્યુલર નથી. પૅલિએટિવ કૅરની જરૂર હોય એવા દરદીઓમાંથી માત્ર એક ટકા લોકોને જ પૅલિએટિવ કૅર મળે છે.

- ડૉ. જયીતા દેવધર, પૅલિએટિવ કૅર ડિપાર્ટમેન્ટનાં ઍક્ટિંગ ઑફિસર ઇન્ચાર્જ

પેશન્ટને રાહતના દરે ટ્રીટમેન્ટ આપવા સિવાય દરદીઓના દુખને હળવું કરવા માટે અમે ઘણી નવી ઍક્ટિવિટી શરૂ કરી છે. જેમ કે બાળકો માટે છેલ્લાં ૧૭ વર્ષથી ચાર દિવસની ગોવાની ટ્રિપનું આયોજન કરીએ છીએ, જેમાં પેશન્ટની સાથે તેના પેરન્ટ્સ હોય છે. આ ટ્રિપ માટે કોંકણ રેલવે અમને એક ઍર-કન્ડિશન્ડ કોચ ફ્રી પ્રોવાઇડ કરે છે. ગોવા ટૂરિઝમ રહેવા અને ખાવાની સુવિધા ફ્રી ઉપલબ્ધ કરે છે. એ સિવાય હૉસ્પિટલના ઑડિટોરિયમમાં દિવાળી, ક્રિસમસ જેવા લગભગ બધા જ ફેસ્ટિવલ પણ છેલ્લાં પંદર વર્ષથી સેલિબ્રેટ કરીએ છીએ. ઘણી સામાજિક સંસ્થાઓ પોતાની રીતે વિવિધ આયોજનો બાળકો માટે ઑર્ગેનાઇઝ કરતી હોય છે. બાળકોને ગિફ્ટ આપવી, તેમને ફિલ્મ જોવા લઈ જવાં, સેલિબ્રિટીઝને બોલાવીને તેમની સાથે એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ યોજવા જેવી ઘણી ઍક્ટિવિટી છેલ્લાં વીસ વર્ષથી ચાલી રહી છે. એ પાછળનો અમારો એક જ ઉદ્દેશ છે કે દવા, હૉસ્પિટલ અને ટ્રીટમેન્ટની પીડાને આપણે દૂર ન કરી શકીએ તો પણ તેમના જીવનમાં થોડા રંગો ભરીને તેમને ડાઇવર્ટ કરીને થોડીક શાંતિ તો આપી જ શકીએ છીએ.

- હુમાયુ જાફરી, સિનિયર પબ્લિક રિલેશન્સ ઑફિસર, તાતા મેમોરિયલ સેન્ટર


ખાસ જાણવા જેવું

શહેરોમાં દર લાખમાંથી સો જણને કૅન્સર છે, જ્યારે ગામડાંઓમાં એક લાખમાંથી ૪૦ લોકોને કૅન્સર છે. જોકે ઉત્તર ભારતમાં આ રેશિયો એક લાખે બસો લોકોનો છે.

ભારતમાં દર વર્ષે કૅન્સરના દસ લાખ નવા કેસ નોંધાય છે અને લગભગ સાડાછ લાખ લોકો દર વર્ષે ભારતમાં કૅન્સરને કારણે મૃત્યુ પામે છે. ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર અનુસાર આવનારાં ૩૦ વર્ષમાં આ આંકડા ડબલ થશે.

૨૦૧૬માં દસ લાખ પિસ્તાલીસ હજાર લોકોને કૅન્સર ડિટેક્ટ થયું હતું અને આ જ વર્ષમાં કૅન્સરને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સાત લાખ છત્રીસ હજાર હતી.

ભારતમાં પુરુષોમાં જોવા મળતું કૉમન કૅન્સર મોઢાનું અને અન્નનળીનું, પેટનું અને ફેફસાનું છે; જ્યારે મહિલાઓમાં જોવા મળતાં કૉમન કૅન્સરમાં ગર્ભાશય, સ્તનના કૅન્સર અને અન્નનળીના કૅન્સરનો સમાવેશ થાય છે.

૨૦૧૫માં અન્સ્ર્ટ ઍન્ડ યંગ કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ભારતમાં કૅન્સરની જ સારવાર કરતાં લગભગ ૨૫૦ સેન્ટર છે, જેમાંથી ૪૦ ટકા સેન્ટર આઠ મુખ્ય શહેરોમાં જ આવેલાં છે. એમાંથી સરકારી સબસિડી પર ચાલતાં માત્ર ૧૫ ટકા હૉસ્પિટલો અને સેન્ટરો છે.

તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં દર મહિને અંદાજે હજાર પેશન્ટ એવા આવતા હોય છે જેમને અહીંના ડૉક્ટરોનો સેકન્ડ ઓપિનિયન લેવો હોય છે. આ ભીડ ઘટાડવા અને ઝડપથી દરદીઓને સેકન્ડ ઓપિનિયન સર્વિસ આપવા માટે તાતા મેમોરિયલ હૉસ્પિટલે નૅશનલ કૅન્સર ગ્રિડ સાથે મળીને ઑનલાઇન નવ્યા એક્સપર્ટ ઓપિનિયન સર્વિસ શરૂ કરી છે, જે ગરીબીરેખા નીચેના દરદીઓને મફતમાં અને જનરલ દરદીઓને સાડાછ હજાર રૂપિયાની પ્રોસેસિંગ ફી લઈને બેસ્ટ ડૉક્ટરનો સેકન્ડ ઓપિનિયન ઉપલબ્ધ કરાવી આપે છે.

ડિજિટલ નર્વ સેન્ટર નામનું એક ડિજિટલ ઇનિશ્યેટિવ ભારતની કૅન્સર હૉસ્પિટલનું છત્ર ગણાતું નૅશનલ કૅન્સર ગ્રિડ અને તાતા મેમોરિયલ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા નૅશનલ કૅન્સર ગ્રિડ અંતર્ગત આવતી દેશની ૧૦૮ હૉસ્પિટલોને ડિજિટલ નેટવર્ક દ્વારા જોડી દેવામાં આવશે, જેથી આવનારા સમયમાં પેશન્ટ એક ફોનકૉલથી ડૉક્ટરને પોતાને થઈ રહેલી તકલીફોનાં લક્ષણો કહીને આગળનું માર્ગદર્શન મેળવી શકશે એટલું જ નહીં; તમામ હૉસ્પિટલો એક જ નેટવર્કમાં હોવાથી ક્યાં જવું, સેકન્ડ ઓપિનિયન લેવો, એકસરખી દવા અને ટ્રીટમેન્ટની યુનિફૉર્મિટી રાખવી જેવા તમામ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકશે. આ નેટવર્કિંગથી દરદીઓના તમામ રિપોર્ટ પણ ડિજિટલી ઉપલબ્ધ થઈ શકશે જેથી કૉમ્પ્લેક્સ કેસ વિશે ડૉક્ટરો પણ આસાનીથી એકબીજા સાથે ટ્રીટમેન્ટને લગતી ચર્ચાઓ કરી શકશે.

તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં આવતા ૫૦ ટકા પેશન્ટ મહારાષ્ટ્રના હોય છે; પણ બાકીના ૫૦ ટકા મોટા ભાગે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના હોય છે.

આપણા દેશમાં ૮૦ ટકા દરદીઓને કૅન્સર ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચ્યા પછી જ એની જાણ થાય છે, જે સમયે એને ક્યૉર કરવાનું કે એનો ઇલાજ કરવાનું અઘરું થઈ ગયું હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં કૅન્સરને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ બીજા દેશોની તુલનાએ વધારે છે. કૅન્સરના લગભગ ૬૮ ટકા દરદીઓ મોડું નિદાન થવાને કારણે મૃત્યુ પામે છે. હજી પણ આપણે ત્યાં દેશનાં તમામ ક્ષેત્રોમાં કૅન્સરનું નિદાન કરી શકે એવા ડૉક્ટર કે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી.

આપણે ત્યાં ૫૦ ટકા થતું કૅન્સર તમાકુના સેવનને કારણે થાય છે અને ઓરલ કૅન્સર માટે તો ૯૦ ટકા કારણ તમાકુનું સેવન જ હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ તમાકુનું સેવન એ આદત કે નશો નહીં પણ એક જાતનો રોગ છે.

તાતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરદીઓ એકબીજા સાથે અને ત્યાં કામ કરતી સામાજિક સંસ્થાઓને એકસાથે અપ્રોચ કરી શકે અથવા પોતાની રહેવાની કે ટ્રીટમેન્ટને લગતી કોઈ પણ જરૂરિયાત વિશે એક જ જગ્યાએ કહી શકે એ માટે તાતા મેમોરિયલ સેન્ટરે ‘કેવત’ નામની એક સુવિધા શરૂ કરી છે.

ગરીબીરેખાની નીચે જીવતા દરદીઓ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમ કે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ, હેલ્થ મિનિસ્ટરનું કૅન્સર ફન્ડ, સ્ટેટ ઇલનેસ અસિસ્ટન્સ ફન્ડ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના જેવી ઘણી યોજનાઓ છે. જોકે મોટા ભાગના લોકોને આ પ્રકારની યોજનાઓ વિશે ખબર જ હોતી નથી અને મોટા ભાગનું ફન્ડ વપરાયા વિનાનું પડ્યું રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK