દર્પણને લૂછ્યું તો હું દેખાયો ને હુંને લૂછ્યો તો તું દેખાયો

બોર્ડ પર લખેલું, ‘કાંદિવલી સ્મશાનગૃહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.’મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


દુનિયાને અલવિદા કરી હમ તો જાતે અપને ગાંવ અપની રામ રામ રામ ગાતા-ગાતા ટપકી પડેલા ચંપકલાલની ચાર ખભાની શાહી સવારીનો અંતિમ વરઘોડો જેવો સ્મશાનના દરવાજે પહોંચ્યો તો દરવાજા પરનું બોર્ડ વાંચી હું ચમક્યો. તમે પણ વાંચીને ચમકો.

મેં ચંબુને કીધું, ‘ચંબુડા, આવાં બોર્ડ અહીં મુકાતાં હશે? આ બોર્ડ મૂકવાવાળો જો પકડાય તો મૃત્યુદંડ આપવો જોઈએ.’

મારી ચટી ગયેલી.

‘અરે ટોપા, એ પકડાય નઈ. આ બોર્ડ અહી સ્મશાનમાં સૂતેલી ‘શબમંડળી’એ માર્યું હશે અને મરેલાને મૃત્યુદંડ તંબૂરામાંથી અપાય? ખોટી નસ ન ખેંચ. જો વાત હસવાની છે, પણ હસી કાઢવાની નથી. અને એમાં ખોટું શું છે? અંતે સ્વાગત તો અહીં જ થવાનુંને? પણ કૉમેડી-કમ-ટ્રૅજેડી એ છે કે આ બોર્ડ જેના માટે લખ્યું તે વાંચી શકતો નથી ને જે વાંચે છે તે સમજી શકતો નથી. એક દહાડો આપણે પણ આ શબમંડળીમાં જોડાવું પડશે તો શું કામ જિંદગીભરના લોહીઉકાળા... યુ નો હજી બે દિવસ પહેલાં જયંતી જોખમને અહીં સ્મશાનના દરવાજા પર છરી સાથે બેઠેલો જોઈ પૂછ્યું, ‘તું અહી છરી લઈને શું કામ બેઠો છે?’

‘શું કામ એટલે? હું અહીં સાપ-સીડી રમવા બેઠો છું? અરે પેલા યમરાજ પાડાની પોળમાં રહેતા લલ્લુલાલને પતાવી દેવો છે.’

‘પણ તો ત્યાં જાને, અહીં છરી લઈને શું કરે છે?’ ચંબુએ કીધું.

‘તે અંતે તો એક દિવસ અહીં આવવાનો છેને!’

જયંતીની ધીરજને ધન્યવાદ.

અંતે જે જગ્યાએ ચંપકલાલને સૉરી, તેમના શબને ચિતા પર સુવાડ્યા ત્યાં બીજું બોર્ડ જોઈ ફરી ચમક્યો. તમે પણ વન્સ મોર ચમકો. એમાં લખેલું, ચેતવણી: કાયમી ધોરણે અહીં સૂતેલા દરેક ટોપાને એવો ભય હતો કે હું નઈ હોઉં તો દુનિયાનું શું થશે? મારાં વૃદ્ધાશ્રમમાં મૂકેલાં માતા-પિતા અને પાળેલા કૂતરા-પોપટનું શું થશે? સમાજનું શું થશે? મારા વિના મારી ક્લબ, મારું મંડળ, મારા વિના મારું ગ્રુપ કોણ ચલાવશે? હું નઈ હોઉં તો... હવે આવા ટોપાઓને કોણ સમજાવે કે તારા જન્મ પહેલાં અને તારા મરણ પછી દુનિયાને, પરિવારને કોઈ ફરક પડતો નથી એટલે ખોટા ભ્રમ મેં મત પડના ભિડૂ કે.’

કોઈને કહેતા નઈ, પણ તમે મારા છો એટલે ખાનગીમાં કહી દઉં કે હું પણ ખોટા ભ્રમમાં ફસાયેલો. જુઓ સાબિતી આપું. એમાં ડિયર બન્યું એવું કે મારા સિદ્ધપુર ગામમાં સાહિત્ય સર્જને હાસ્યકલાકાર તરીકે સન્માન કરવાનું નક્કી કર્યું ત્યારે ચંબુને મેં સાથે લીધેલો. ચંબુડા, તારે મારી ખરી નામના, પ્રતિષ્ઠા જોવી હોય તો આવ મારી સાથે મારા ગામમાં. સન્માનની શરૂઆત થઈ ને થોડી વારમાં મને એક કે બે નઈ, પણ ૧૪ હાર ચડાવ્યા. સૉરી, પહેરાવ્યા. ને ચંબુ ખુશ થઈ બોલ્યો, ‘વાહ ઠાકર, વાહ. ૧૪-૧૪ હાર, ક્યા બાત હૈ યાર...’

‘ચંબુડા, શાંતિ રાખ, હજી છ હાર બાકી છે.’ મેં ચંબુને કાનમાં કીધું.

‘છ હાર બાકી? તને કેમ ખબર પડી કે છ હાર બાકી છે?’

‘કારણ કે મેં વીસના પૈસા આપ્યા છે.’

‘એટલે? આ હારના પૈસા તેં...’

‘હારના તો શું, આખા ફંક્શનના પૈસા મેં આપ્યા છે. આ માઇક, આ ડેકોરેશન, આ ડિનર બધાના પૈસા મેં આપ્યા છે. હું સમાજનાં વખાણ કરું, સમાજ મારાં. હિસાબ સરભર... એક હાથે લેવું એક હાથે દેવું... ઈવન આ ઑડિયન્સ પણ મારું... ચંબુડા, સન્માન એમનેમ નથી મળતાં.’

‘અરે પણ આ રીતે માગીને મેળવેલું માન તો એક પ્રકારનું આપણું જ અપમાન છે. ડોન્ટ ફીલ બૅડ, પણ સ્ટેજ પર જાહેરમાં તારા ગળામાં હાર સ્વીકારવો ગમે છે, પણ જીવનમાં ક્યારેય હારનો સ્વીકાર કર્યો? ના. યાદ રાખ, જે લોકો આજ તને ગïળામાં હાર પહેરાવશે એ જ લોકો એક વાર ખીંટી પર લટકતી તારી છબી પર હાર ચડાવશે. કેમ? કારણ કે તું જીતવા માટે દોડતો જ રહ્યો. તારે બધાથી આગળ નીકળી જવું હતું. તારે જાણીતા બનવું હતું. પણ અંદરથી તું કેવો છે એ કોઈ જાણી ન જાય એનું ધ્યાન રાખતો ગયો. જાણે એનો વાંધો નથી, જાણી ન જવો જોઈએ... બરાબર? અરે તું જીવનમાં ક્યાંય જીતી ન શક્યો એટલે તને તારા ફોટો પર હાર ચડાવશે. હવે તો હાર સ્વીકાર.’

‘અરે પણ ચંબુડા, અભી મેહફિલ મેં આએ હૈં તો કુછ સુનાના પડેગા. ગમ કો છુપાકર ભી મુસ્કુરાના પડેગા... ઔર હંસના પડેગા. શું કરું? આ માન-પ્રતિષ્ઠાય એવી ચીજ છે કે જીવનભર પજવતી જ રહે છે... હમણાં ધીરે-ધીરે ભીડ...’

‘ઠાકર પણ પહેલાં જેવી ભીડ આજની મહેફિલમાં નથી. ગામ નાનું છે?’

‘ગામની ક્યાં માંડે છે ચંબુડા. આમ તો મારી મહેફિલમાં બહુ ભીડ જમા થતી, પણ જેમ-જેમ સાચું બોલતો ગયો એમ-એમ લોકો ઊઠતા ગયા... પછી

પાછું ખાલી-ખાલી ખુરશીયા... મારા જ બોલાવેલા માણસો ચાલ્યા...’

‘પણ એવું જ થાયને ઠાકર. તું જ્યાં જાય ત્યાં મને જુઓ, મને સાંભળો, મારું માનો...આ નામ ને માનની એવી તાલાવેલી લાગે છે કે જરાક કોઈએ ખુશામત કરી તો તરત જ અંદર ગલગલિયાં થવા લાગે. આપણે આપણા અહંકારને હડસેલી શકતા નથી.’

‘હા, પણ મેં ક્યારેય અહંકાર કર્યો નથી.’

‘કેમ તું જ ભૂલી ગયો? તું જ બોલેલો કે હું ન હોત તો આ શાંતિલાલનાં લગ્ન ન થયાં હોત. અરે ડોબા, તું નહોતો તો પણ જો તારાં બાપુજીનાં લગ્ન થયાં. તો પછી શાંતિલાલનાં શું કામ ન થાય? પણ તું પાછો પડતો જ નથી. તારા ‘હું’ને છોડતો નથી.’

યુ નો? લાઆત્સેની અંતિમ પળોમાં શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, તમારી અંતિમ પળો આવી ગઈ છે તો જીવનની રીત ને જીવનનું રહસ્ય શીખવો.’

અને લાઓત્સે બોલેલા, ‘હું મારી જિંદગીમાં ક્યારેય હાર્યો નથી.’

‘વાહ વાહ વાહ.’ શિષ્યો બોલ્યા. ‘જીતવું તો અમારે પણ છે, પણ...’

‘એક મિનિટ, મેં એમ કીધું કે ક્યારેય હાર્યો નથી, પણ એ નથી કીધું કે હું જીત્યો.’

‘ગુરુજી આવું તો હોય, કંઈ સમજાય એવું બોલો.’

‘ધ્યાનથી સાંભળો. હું હાર્યો નથી, કારણ કે મેં પહેલેથી જ હારનો સ્વીકાર કર્યો હતો. જીતવા પ્રયત્ન જ નહોતો કર્યો. મંદિરમાં પણ એ જગ્યાએ બેઠેલો જ્યાં બધાએ ચંપલ-બૂટ કાઢેલાં. લોકો મંદિરમાં ગયા. પ્રાર્થના નામનો શોરબકોર ચાલુ કર્યો. ત્યાં કોઈએ બહારથી આવી બધાને મંદિરમાંથી કાઢ્યા. જે લોકો અંદર ગયા ત્યારે તેમની અક્કડની પક્કડ જોઈ ને નીરખ્યા તો ઊતરી ગયેલા ચહેરા પણ જોયા. પણ મને ન કાઢ્યો. કેમ? હું અંદર ગયો નહોતો. ‘હું’ને હંમેશાં બહાર રાખો. બસ, એટલું બોલી લાઓત્સેએ આંખો મીંચી દીધી. પછી હું મંદિરમાં ગયો ને પ્રભુને કીધું, હું ના બોલું ને તોય તું સાંભળે એટલે તારું નામ ‘ઈશ્વર’ ને તું ન બોલે છતાંય મને સંભળાય એ ‘શ્રદ્ધા’. ઈશ્વર, મેં દર્પણને લૂછ્યું તો હું દેખાયો, પણ ‘હું’ને લૂછ્યો તો તું દેખાયો.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK