ચાર મહિનાની વિટંબણાનો ૧૮ દિવસમાં જ સુખદ અંત આવ્યો

મેડિક્લેમનો દાવો મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરતા બાબુઓએ RTI અરજી મળતાં ચૂપચાપ ક્લેમની રકમ બૅન્ક-અકાઉન્ટમાં જમા કરી દીધી

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

મલાડ (ઈસ્ટ)માં રહેતા રાજેશ પંચાલપરિવારે બાબુઓની અવળચંડાઈને કારણે ચાર મહિના સહન કરેલો માનસિક સંતાપ તથા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાયદાના ઉપયોગથી માત્ર ૧૮ દિવસમાં આવેલા સુખદ અંતની આ કથા છે.

રાજેશભાઈના પરિવારમાં ચાર સભ્યોની એક-એક લાખ રૂપિયાની મેડિક્લેમ પૉલિસી સરકારી વીમા-કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની વર્ષ ૨૦૧૨થી કઢાવેલી અને એનાં રિન્યુઅલ પ્રીમિયમ નિયમિત ભરતા હતા.

૨૦૧૪માં તેમના છ વર્ષના પુત્રના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને વીણા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ગૅસને કારણે દુખાવાનું નિદાન થયું અને એના ઉપચારથી દુખાવો દૂર થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. સારવારનું બિલ મોકલવાથી વીમા-કંપનીએ મેડિક્લેમની ચુકવણી કરી દીધી.

૨૦૧૬ની પાંચ ડિસેમ્બરે ફરીથી પેટમાં અસહ્ય દુખાવો ઊપડતાં પુત્રને લાઇફવેવ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ વખતે પૅન્ક્રિયાસની બીમારીનું નિદાન કરવામાં આવ્યું જેની સારવારથી દુખાવો દૂર થતાં બીજા દિવસે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી જેના ખર્ચનાં બિલો, ડિસ્ચાર્જ સમરી સાથે મેડિક્લેમની અરજી વીમા-કંપનીની થર્ડ પાર્ટી એજન્સી (TPA), હેલ્થ-ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ TPA સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડને જાન્યુઆરી-૨૦૧૭ના રોજ સુપરત કરવામાં આવી.

મેડિકલ અરજીના પ્રત્યુત્તરમાં TPAએ છેલ્લાં ચાર વર્ષની પૉલિસીના ડૉક્યુમેન્ટ્સ તથા પરિવારના અન્ય સભ્યોને પૅન્ક્રિયાસની તકલીફ નથી એના પુરાવા માગ્યા. TPAની માગણી માત્ર અતાર્કિક નહોતી, બેહૂદી પણ હતી. છેલ્લાં ચાર વર્ષની પૉલિસીના ડૉક્યુમેન્ટ્સ એણે વીમા-કંપની પાસેથી માગવા જોઈતા હતા. માત્ર ક્લેમ નામંજૂર કરવા માટે હાથવગું બહાનું ઊભું કરવાનો આ અનૈતિક પ્રયાસ હોવાનું સ્પક્ટ જણાય છે. એ જ પ્રમાણે પરિવારના અન્ય સભ્યોને પૅન્ક્રિયાસની તકલીફ નથી એ જાણવાનો હેતુ શું હોઈ શકે? શું TPA આ બીમારી વારસાગત છે એમ સિદ્ધ કરવા માગે છે? અને માનો કે એ સિદ્ધ થાય તો એ કારણે બીમારીની સારવારના ખર્ચનો ક્લેમ નામંજૂર કરી શકે? આ માહિતી માગવાનો હેતુ યેનકેન પ્રકારે દાવો નામંજૂર કરવા માટે બહાનાં ઊભાં કરવાનો તથા સમય પસાર કરી પૉલિસીધારકને થકવી નાખવાનો પ્રયાસ માત્ર દેખાય છે. 

રાજેશભાઈ પાસે જૂની પૉલિસીઓ સદ્ભાગ્યે હતી. એથી એ TPAને મોકલાવી અને પૅન્ક્રિયાસની બીમારી પરિવારના અન્ય સભ્યોને નથી એના પુરાવા તરીકે ફૅમિલી ડૉક્ટરનાં સર્ટિફિકેટ્સ મોકલાવ્યાં. ગામના પાદર પર ગાડી આવે અને શેરીના કૂતરાઓ ભસતાં-ભસતાં ગાડી સાથે દોડે, પરંતુ ગાડી ઊભી રહી જાય તો એ બધા શૂન્યમનસ્ક બની સ્ટૅચ્ચુ બની જાય એવું TPAના બાબુઓની બાબતમાં બન્યું. માગેલી માહિતી મળ્યા બાદ શું કરવું એની અસમંજસને કારણે TPAના બાબુઓએ મૌનવ્રત ધારણ કર્યું.

રાજેશભાઈના એજન્ટે જણાવ્યું કે તમારા પુત્રને થયેલી બીમારી મેડિક્લેમ પૉલિસીમાં કવર ન થઈ  શકે. આ સાંભળી રાજેશભાઈ હતાશ થઈ ગયા અને શું કરવું એની અસમંજસમાં હતા.

‘મિડે-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે RTIની તાકાતથી તેઓ વાકેફ હતા. જોગાનુજોગ તેમની દુવિધાને અનુરૂપ કથાનક તેમના વાંચવામાં આવતાં આંખમાં અને મગજમાં ઝબકારો થયો. લેખાંકમાં પ્રસિદ્ધ થયેલા RTI હેલ્પલાઇનના નંબર પર ફોન કરી, અપૉઇન્ટમેન્ટ મેળવી તેઓ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડ પર મેડિક્લેમની ફાઇલ લઈ પહોંચ્યા.

કેન્દ્ર પર તેમનો ભેટો કેન્દ્ર-નિયામક અમિત શાહ સાથે થયો, જેમણે તેમની દુવિધાની વાત શાંતિથી સાંભળી, લાવેલી ફાઇલનો અભ્યાસ કરી વીમા-કંપનીના ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટને ઉદ્દેશીને ફરિયાદ પત્ર બનાવી આપ્યો, જે રાજેશભાઈએવીમા-કંપનીને મોકલાવી આપ્યો. આવ ભાઈ હરખા, આપણે બેય સરખાની કહેવતને યથાર્થતા બક્ષતા વીમા-કંપનીના બાબુઓએ પણ મૌનવ્રત ધારણ કરી લીધું. બાબુઓ પરંપરામાં મળેલા આ વારસાથી વીમાધારકને થકવી નાખે.

હિંમત હાર્યા વગર રાકેશભાઈ ફરીથી અપૉઇન્ટમેન્ટ મેળવી RTI કેન્દ્ર પર પહોંચ્યા. કુંભકર્ણના નિદ્રાસન પર બિરાજમાન બાબુઓની વાત કરી. અમિતભાઈએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી. ૧૦ રૂપિયાનો પોસ્ટલ ઑર્ડર અથવા કોર્ટ-ફીનો સ્ટૅમ્પ લગાડી વીમા-કંપનીમાં આપવા જણાવ્યું.

રાજેશભાઈએ ૧૦ રૂપિયાના પોસ્ટલ ઑર્ડર સાથે RTI અરજી તેમનાવીમા-એજન્ટને આપી, જેમણે અરજી હાથોહાથ વીમા-કંપનીને પહોંચાડવાની બાંયધરી આપી. મોટા ભા બનવાની લાયમાં પહોંચાડવાની વાત કરનાર એજન્ટ મહાશયને તો બન્ને હાથમાં લાડુ જોઈતા હતા. રાજેશભાઈની નજરમાં સારા દેખાવું હતું જેથી ભવિષ્યમાં ધંધો મળતો રહે અને વીમા-કંપનીના અધિકારીઓની નજરમાં પણ લાડકા રહેવું હતું. એથી RTI અરજીવીમા-કંપનીના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મે‍શન આ÷ફિસર (CPIO)ને આપી જ નહીં. રાજેશભાઈએ પંદરેક દિવસ બાદ પૃચ્છા કરી કે અરજી આપી ત્યારે એજન્ટ મહાશયે વીમા-કંપનીના કવરમાં અરજી મૂકી, રાજેશભાઈના સરનામે પોસ્ટ કરી દીધી. સાપ પણ મરે નહીં અને લાકડી પણ ભાંગે નહીંનો રસ્તો આપનાવ્યો. અરજી પાછી મળવાથી રાજેશભાઈએ પાછી અરજી એજન્ટને આપી. પંદરેક દિવસ બાદ એજન્ટે ફરી અરજી વીમા-કંપનીના એન્વેલપમાં નાખી રાજેશભાઈના ઘરે પોસ્ટ કરી દીધી. ત્રીજી વાર પણ આ આપવાની અને પાછા મોકલવાની કાર્યવાહીનું પુનરાવર્તન થયું.

અપૉઇન્ટમેન્ટ મેળવી રાજેશભાઈ ફરીથી અમિતભાઈને મળ્યા તથા RTIની અરજી ત્રણ વખત પાછી આવવાની વાત, રડમસ ચહેરે કરી, જે સાંભળી અમિતભાઈને નવાઈ લાગી. અરજી કેવી રીતે મોકલાવેલી એનો ધારદાર પ્રશ્ન પૂછ્યો, જેના પ્રત્યુત્તરમાં એજન્ટને આપેલીની વાત સાંભળી અમિતભાઈ એજન્ટની ડબલ રોલની રમત સમજી ગયા અને અરજી સ્પીડ-પોસ્ટથી મોકલવાની સલાહ આપી.

હેલ્થઇન્ડિયા ઇન્શ્યૉરન્સ TPA સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનું ઍડ્રેસ ગૂગલ પરથી મેળવી રાજેશભાઈએ RTI અરજીની કૉપી એમને પણ ઈ-મેઇલ કરી. TPAએ વીજગતિએ જવાબ મોકલાવ્યો અને જણાવ્યું કે તેઓ RTI અરજીનો જવાબ આપવા બંધાયેલા નથી, કારણ કે તેઓ RTI કાયદાના દાયરામાં નથી આવતા. રાજેશભાઈને ભૂલ સમજાઈ. એથી વીમા-કંપનીને મોકલાવેલી RTI તથા ૧૦ રૂપિયાના લીધેલા પોસ્ટલ ઑર્ડરની ફોટોકૉપી TPAને મોકલાવી, સાથોસાથ વીમા-કંપનીને મોકલાવેલી સ્પીડ-પોસ્ટની રસીદની પણ ફોટોકૉપી ઈ-મેઇલ કરી જે વાંચતાં TPAના અધિકારીની શાન ઠેકાણે આવી. TPAના પ્રતિનિધિ રાજેશભાઈના ઘરે પહોંચ્યા તથા એક કલાક સુધી પૂછપરછ તથા ઊલટતપાસ કરી.

અમિતભાઈએ RTI કાયદા હેઠળની ધારદાર અરજી બનાવી આપેલી, એથી એનો જવાબ આપે તો ઊલમાંથી ચૂલમાં પડે જેવી સ્થિતિ નિર્માણ થાય એમ હોવાથી વીમા-કંપનીના ખંધા અને ચતુર બાબુઓએ નરો વા કુંજરો વા જેવો જવાબ આપ્યો કે આપની RTIની અરજી મળતાં આપની ફાઇલ TPAને ફેરવિચારણા માટે મોકલાવી છે. TPAએ અમને જણાવ્યું છે કે એણે આપની ફાઇલ એક્સપર્ટ ઓપિનિયન માટે મોકલાવી છે, જેનો ઓપિનિયન આવતાં તેઓ અમને એની જાણ કરશે. એથી અમે તેમના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છીએ.

અહો આર્યમ! વીમા-કંપનીએ RTI અરજીનો જવાબ મોકલાવ્યો એ પત્રની તારીખ હતી ૨૦૧૭ની ૨૫ એપ્રિલની તથા એ જ તારીખનું ક્લેમ ડિસ્ચાર્જ વાઉચર અને એ જ તારીખનો મેડિક્લેમ સેટલમેન્ટનો ચેક બૅન્કને મોકલવામાં આવ્યો.

આમ ચાર મહિનાની વિટંબણાનો RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી તથા અમિતભાઈની કર્તવ્યદક્ષતાથી ૧૮ દિવસમાં સુખદ અંત આવ્યો અને RTI કાયદાની ઉપયોગિતા તથા તાકાત પ્રસ્થાપિત થઈ.

કથા-શીખ

મેડિક્લેમની અરજી તથા એ વીમા-કંપનીને મોકલવાની કાર્યવિધિ જાતે જ કરવી.

મૂંઝવણ હોય ત્યાં એજન્ટનું માર્ગદર્શન લેવું, પરંતુ કાર્યવાહી પોતે જ કરવી. ફૉર્મ ભરવામાં અડચણ હોય તો એજન્ટ પાસે ભરાવી લેવું; પરંતુ વીમા-કંપનીમાં કાં તો જાતે જઈને આપવું અથવા સ્પીડ-પોસ્ટથી જાતે પોસ્ટ કરવું, કારણ કે કહેવત છે કે આપ મૂઆ વગર સ્વર્ગે ન જવાય. 

મેડિક્લેમની અરજી વીમા-કંપનીને જ મોકલવી, TPAને ક્યારે પણ નહીં કારણ કે મેડિક્લેમની રકમ ચૂકવવાની જવાબદારીવીમા-કંપનીની છે, TPAની નહીં.RTIની અરજી વીમા-કંપનીને જ કરવી, TPAને નહીં; પરંતુ વીમા-કંપનીને કરેલી RTIની અરજીની તથા પોસ્ટલ ઑર્ડરની ફોટોકૉપી TPAને અચૂક મોકલવી, જેનાથી ક્લેમ પ્રોસેસમાં ગતિ આવવાની પૂરેપૂરી  સંભાવના છે. યાદ રહે, TPA RTI કાયદાના દાયરામાં નથી આવતી.

RTI અરજી કરતાં પહેલાં વીમા-કંપનીના ગ્રીવન્સ સેલ ગ્રાહક ફરિયાદ નિવારણ કક્ષમાં વિગતે ફરિયાદ નોંધાવી, ફાઇલ રીઓપન કરવાની, ક્લેમ પર ફેરવિચારણા કરવાની અરજ અચૂક કરવી.

મૂંઝવણ હોય ત્યાં હાથ જોડીને બેસી ન રહેતાં તરુણ મિત્ર મંડળ સંચાલિત નજીકના RTI કેન્દ્રનું માર્ગદર્શન તથા સહાય, અપૉઇન્ટમેન્ટ મેળવીને લેવાં. માર્ગદર્શન/સહાય તદ્દન નિ:શુલ્ક છે.

ટૂંકમાં સક્ષમ બનો તથા જાગતે રહો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK