ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૯

ધાંય, ધાંય...


નવલકથા - રશ્મિન શાહ

ધાંય, ધાંય, ધાંય...

ગોળીબારના આછાસરખા પ્રકાશ વચ્ચે ભૂપતસિંહે ચહેરા ઓળખવાની કોશિશ કરી, મોટા ભાગના ચહેરા અજાણ્યા હતા અને તેમનાં કપડાં પણ ખાખી રંગનાં હતાં. ભૂપતે છેલ્લી વખત ગોળીબાર કર્યો અને આ વખતે તેણે ગોળીબાર સફેદ રંગનાં કપડાં પહેરનાર વ્યક્તિની નજીક કર્યો હતો.

ધાંય, ધાંય...

આછોસરખો પ્રકાશ નવેસરથી વાતાવરણમાં પથરાયો અને એ પ્રકાશ વચ્ચે ભૂપતસિંહે જીપમાંથી ઊતરીને જીપની પાછળના ભાગ તરફ ભાગી રહેલા સફેદ વjાધારીને જોયો અને તેનો ચહેરો ઓળખવાની કોશિશ કરી. ચહેરો જાણીતો હતો, થોડા સમય પહેલાં જ એ ચહેરાને ક્યાંક જોયો હતો...

ભૂપતની આંખો ચમકી. તેને યાદ આવી ગયું,

- એની માને, આ તો માધવ.

ચમકીને મોટી થયેલી આંખોમાં હવે રોષ ઉમેરાઈ ગયો.

- માળું બેટું, ઘરનો જ ઘાતકી નીકળ્યો, એમને?

મનમાં ચાલી રહેલા વિચારોની સાથે ભૂપતને પોતાના શબ્દો પણ યાદ આવી ગયા. એક તેણે જ કાળુને કહ્યું હતું, ‘કાળુ, વાત જ્યાં ઇનામની આવીને ઊભી રહે ત્યાં ઈમાન પણ પહેલાં હોવું જોઈએ.’

એ સમયે ભૂપત અને કાળુ વાંસજળિયા ગયા હતા. પોરબંદર પાસે આવેલા આ નાનકડા ગામના નગરશેઠને ત્યાં ધાડ પાડ્યાના અડધા કલાક પછી જ ભૂપતને ખબર પડી હતી કે તેના પર નવું ઇનામ જાહેર થઈ ગયું છે. ઇનામની રકમ હવે દસ હજારથી વધારીને પચાસ હજાર કરવામાં આવી છે. કાળુને આ રકમ સાંભળીને ફાળ પડી,

‘ભૂપત, વાત હવે કાબૂ બહાર થતી જાય છે.’ કાળુએ ઘટનાસ્થળે જ ભૂપતને ચેતવી દીધો હતો, ‘ઇનામની રકમ એવડી છે કે કોઈની પણ દાનત બગડી જાય સિંહ, મને લાગે છે કે હવે આપણે નીકળી જવું જોઈએ.’

‘કાળુ, નીકળી જવાનું કામ તો ક્યારેય કર્યું નથી અને જો હવે એ કામ કર્યું તો પોલીસકૂતરા પણ એમ જ માનશે કે આપણે ડરી ગયા.’ ભૂપત આરામથી બધાની સામે ઊભો રહ્યો અને ઊભા રહ્યા પછી તેણે આ જ શબ્દો વાપરીને કહ્યું હતું, ‘યાદ રાખજો, ઇનામની લાલચ મનમાં જન્મે ત્યારે ઈમાનને ભૂલતા નહીં. સરકાર પચાસ હજાર રૂપિયા આપશે પણ એ રૂપિયાના બદલામાં જીવ ગુમાવવો પડશે. જો ઇનામ લેવા માટે દોડ્યા તો હું ગોળી આપીશ, જે તમારા કોઈની સગલી નહીં થાય. કોઈની એટલે કોઈની નહીં, કોઈના બાપની સાડીબારી નહીં રાખું હું, યાદ રાખજો. રૂપિયા જોઈતા હોય તો મને કહી દેજો, માગશો એટલા મળશે પણ લાલચમાં આવીને મારા

જીવનો સોદો કરવાની હિંમત કરી તો... તો બદલામાં તમારો જીવ વહેલો નીકળી જશે અને લાંબા આયુષ્યના આપેલા વિધાતાની ખાતરી પણ ઊંધી વાળી દઈશ.’

સામે ઊભેલા સૌકોઈ થરથરવા માંડ્યા હતા અને એ થરથરાટ વચ્ચે જ ભૂપતસિંહે નગરશેઠને બહાર લઈ આવવા માટે સાથીને રવાના કર્યો.

‘લેતો આવ ઉત્તમચંદને બહાર. સરકારી ઇનામનાં વધામણાં તેનાથી જ કરીએ.’

ઉત્તમચંદ શેઠ બહાર આવ્યા, ફફડાટ તેમના ચહેરા પર હતો અને ઘરમાં જેકાંઈ સંઘરી રાખ્યું હતું એ બધું સામેથી જ તેણે ભૂપતસિંહને આપી દીધું હતું, એ પછી પણ બહારવટિયો આવીને તેને પરાણે બહાર ખેંચી ગયો એટલે ઉત્તમચંદના પેટમાં ફાળ પડી હતી. માણસ જ્યારે ગભરાયેલો હોય ત્યારે તે બચાવ વિશે નથી વિચારતો, પણ સીધું કરગરવા પર આવી જાય છે.

અત્યારે ઉત્તમચંદે પણ એ જ કર્યું હતું.

શેઠે ઘોડા પર બેઠેલા ભૂપતસિંહના પગ પકડી લીધા હતા અને સીધો જ તે કરગરવા માંડ્યો હતો.

‘હવે કાંય નથી ર્યું સિંહ, આખું ઘર ખાલી કરી દીધું, ક્યો એના સમ ખાઉં, કાંય સંતાડ્યું નથી ઘરમાં, તમે ક્યો એના સમ ખાઉં બા...’

ધાંય...

પીઠ પર લાગેલી ગોળીને કારણે ઉત્તમચંદ શેઠને પાછળથી ધક્કો આવ્યો અને તે ભૂપતસિંહના પગ પર ઢળી પડ્યા. જીવ હજી તો નીકળ્યો નહોતો ત્યાં તેમની પીઠ પર ફરી એક વખત ધક્કો આવ્યો.

ધાંય...

શેઠ ઉત્તમચંદની આંખો ખુલ્લી રહી ગઈ અને તેમના હોઠ ભૂપતસિંહે પહેરેલી મોજડીને જાણે કે ચૂમતા હોય એમ એના ટેકે આવીને ઊભા રહી ગયા.

- આવી ગદ્દારી.

ભૂપતની લાલ આંખોમાં ખુન્નસ ઉમેરાઈ ગયું અને તેણે દાંત ભીંસીને જોટાળી આંખે માંડી માધવની ખોપરીનું નિશાન લીધું. આ નિશાન લેતાં પહેલાં તેણે એમ જ એક ગોળી છોડી હતી અને એ ગોળીના પ્રકાશમાં તેણે તરત જ માધવને નિશાના પર લઈ લીધો.

ધાંય...

ગોળી સીધી માધવની ખોપરીની આરપાર નીકળી ગઈ. કપાળની બરાબર મધ્યમાં ખૂંપેલી ગોળીએ માધવનો જીવ લઈ લીધો અને તેની આંખો કાયમ માટે ખુલ્લી રહી ગઈ.

માધવને રાડ પાડવાનો પણ મોકો નહોતો મળ્યો. પીઠ પાછળ થઈ રહેલા ગોળીબારને લીધે પાછળ ફરીથી જોવાની ભૂલ કરનારા માધવે જે ઘડીએ પાછળ જોયું એ જ ઘડીએ ભૂપતસિંહે ગોળી છોડી અને એ ગોળી માધવના કપાળે ચાંદલો કરતી ગઈ.

ધાંય...

બીજી ગોળી માધવની પીઠમાં ઊતરી ગઈ અને ત્રીજી ગોળી માધવની પૂંઠની બરાબર મધ્યમાં લાગી.

માધવ ભફાંગ કરતો જમીન પર પટકાયો અને એ જેવો જમીન પર પટકાયો કે તરત જ ભૂપત ઝાડ પરથી છલાંગ મારીને સીધો ઘોડા પર આવ્યો અને ઘોડાની ગરદન પર તે વીંટળાઈ ગયો. સાથોસાથ તેણે કાનમાં ફૂંક પણ મારી દીધી,

‘નીકળી જતાં પહેલાં સામેના ખેતરમાં ઘૂસી શકાય તો ઘૂસી જા બેટા, મોતનો છેલ્લો ફેરો મરાવી દઈએ.’

એ જ કામ કર્યું તેણે જે કામની ઇચ્છા દર્શાવવામાં આવી હતી.

રાજવીએ સીધો જ ગોળ વળાંક લીધો અને વીજળીવેગે એ હવા ચીરતો ઝાડીની બહાર નીકળ્યો અને જેવો રાજવી હવા ચીરતો બહાર આવ્યો કે તરત જ ભૂપત રાજવીની ગરદનથી ઊભો થયો અને જોટાળી તેણે ખભે મૂકી આંખે લગાડી,

ધાંય, ધાંય, ધાંય, ધાંય...

એકધારો ગોળીબાર થતો રહ્યો અને થતા એ ગોળીબાર સાથે જ એક પછી એક પોલીસ-કર્મચારી ઢળવા માંડ્યા. એ સમયે ખાખી વર્દીધારીઓ જીપની પાછળ સંતાયા હતા અને એ લોકો પોતાની જવાબદારી અદા કરે કે પછી પોતાનું કામ પૂÊરું કરે એ પહેલાં જ ભૂપત ઝાડીમાંથી સામે આવી ગયો હતો અને જીપની પાછળ જે જગ્યાએ એ લોકો સંતાયા હતા એ જ બાજુના ભાગ પર આવી ગયો હતો. પરિણામે કોઈને ત્યાંથી બહાર નીકળવાનો કે ત્યાંથી બીજી સલામત જગ્યાએ જવાનો મોકો નહોતો મળ્યો અને બધા પર મોત વરસી પડ્યું હતું. વરસતા એ મોતે ૮ પોલીસ-કર્મચારીના ઢીમ ઢાળી દીધા, જ્યારે ચાર ઘાયલ થયા. ગડુભા જરાક માટે બચી ગયા હતા.

ભૂપતના હુમલામાં માર્યા ગયેલા સૌકોઈને ઊંચકીને જીપમાં ભરવાની જવાબદારી પણ ગડુભાના શિરે આવી ગઈ હતી અને ગડુભાએ જ એ સૌની લાશ રાજકોટ પહોંચાડી હતી.

એ સમયનું મીડિયા આટલું ઝડપી નહોતું એટલે બીજા દિવસે નહીં, પણ છેક ત્રીજા દિવસના અખબારમાં આ સમાચાર છપાયા અને એ સમાચાર છપાયા ત્યાં સુધી ભૂપતસિંહના કોઈ સાથીને આના વિશે ખબર પણ નહોતી પડી. અખબાર લઈને નેસમાંથી પાછા આવતા કાળુએ જ અખબારનો ઘા ભૂપત સામે કર્યો અને કહ્યું હતું, ‘તારાં આ કરતૂત પછી પણ તારે આજે રાજકોટ પાછું જાવું છે?’

ભૂપતે કાળુ સામે જોયા વિના પોતાનું કામ ચાલુ રાખ્યું. એ રાજવી પર પોતાની ગાદી ગોઠવતો હતો. ગાદી ગોઠવાઈ ગઈ એટલે તેણે કાળુની સામે નજર કરી,

‘આ કરતૂત એટલે કયાં કરતૂત ભાઈ?’

‘તને નથી ખબર, એમ?’ કાળુએ ફરીથી અખબાર હાથમાં લીધું અને તેની સામે ધર્યું, ‘આ આપણા બધાયના બાપ લખે છે કે બે દિવસ પહેલાં રાતના સમયે કોટડાસાંગાણીની સીમમાં તેં ખેલ કરી લીધા.’

‘ખેલની શરૂઆત મેં નહોતી કરી, એ લોકોએ કરી હતી અને એ બધાની સાથે પેલા રવજીભાઈનો સાળો જોડાઈ ગયો હતો એમાં બધું થયું.’ ભૂપતે ફરીથી પોતાનું કામ શરૂ કરી દીધું, ‘રવજીભાઈને આજે લાશનો કબજો મળી ગયો છે. મળવું જરૂરી છે. તે નિર્દોષ છે અને એવી જ રીતે હું પણ નિર્દોષ છું. જરૂરી નથી કે આગળ બેયનો વ્યવહાર અકબંધ રહે પણ કાળુ, જ્યારે વાંકમાં બેમાંથી એકેય પક્ષ ન હોય ત્યારે એ સ્પષ્ટતા થઈ જાય એ જરૂરી છે. સંબંધ ભલે ન રહે, સંબંધ તૂટ્યાનો ભાર પણ રહેવો ન જોઈએ.’

કાળુને વાત તરત જ અને સહેલાઈથી સમજાઈ ગઈ.

‘મંજૂર, પણ હું આવું છું સાથે.’

‘આવ, મને વાંધો નથી, પણ હા, ખાલી એટલું કહીશ કે જે જગ્યાએ જોખમ હોય એ જગ્યાએ ઘરના બધા મોવડીઓએ જવું ન જોઈએ.’ ભૂપતની વાત સાચી હતી, ‘અણધારી ઘટના અને દુર્ભાગ્ય ક્યારેય કહીને નથી આવતાં. સૌથી સારી વાત એ છે કે આપણે બેઉ સાથે જઈએ એના કરતાં એક જ જણ જાય અને બીજો અહીં ધ્યાન રાખે.’

‘તું વાતું એવી કરી લેશ કે માની જવું પડે.’

ભૂપત કાળુની નજીક આવ્યો અને તેના માથા પર વહાલથી હાથ ફેરવ્યો,

‘તો માની જાને ભાઈ, શું કામ માથાકૂટ કરવી છે સાચી વાતમાં તારે.’

‘માથાકૂટ નથી કરતો, પણ વાતની ખબર તો હોવી જોઈએ કે નહીં. તું કેવી રીતે રહે છે એની તને ખબર છે. એ રાતે આવીને ચૂપચાપ સૂઈ ગ્યો. પૂછું છું કે બધુંય ક્ષેમકુશળ તો પાછો હા પણ પાડશ. આ કાંય રીત છે ભલામાણસ.’

‘ક્ષેમકુશળ તેં પૂછ્યું, મેં શું જવાબ આપ્યો?’ ભૂપતે એ રાતની વાત કાળુને યાદ દેવડાવી, ‘હા જ પાડી હતીને તને? તેં જોયું પણ હતુંને કે મને કંઈ નથી થયું, તો પછી શું જવાબ આપું હું તને. જો કાળુ, કદર કરું છું તારા સંબંધોની અને એટલે જ તારાથી કોઈ વાત છુપાવવાનું મન થાય તો છુપાવી પણ લઉં છું. એ રાતે જો બધી વાત તને કરી હોત તો તું શાંતિથી બેસી શક્યો હોત. કાળુ, યાદ રાખજે, વાત છુપાવવામાં આવે ત્યારે હેતુ ક્યારેય ખરાબ નથી હોતો. હેતુ સારો જ હોય છે અને સારો હેતુ હોય છે એટલે જ ખોટી અને ખરાબ વાતને છુપાવવામાં આવતી હોય છે.’

ભૂપત એ સમયે રવાના થઈ ગયો અને કાળુ તેને જતો જોઈ રહ્યો. ખબર હતી કે આ સંબંધોમાં અંત બહુ ખરાબ આવી શકે છે. એક દિવસ સીધા સમાચાર આવી શકે છે કે પોલીસ મૂઠભેડમાં ભાઈબંધ મરાયો. પોતે મરાય કે પછી ભાઈબંધ મરાય એ મુદ્દો અસ્થાને છે, પણ બેમાંથી એકે સાથ છોડવો પડે એવી જિંદગી તો દરરોજ જીવાય જ છે અને એટલે જ કાળુની આંખમાં એ સમયે આંસુ આવી ગયાં હતાં. કાળુએ મનોમન ચામુંડામાને પ્રાર્થના પણ કરી કે ‘માતાજી, એવું ક્યારેય બને જ નહીં કે બેમાંથી એકે સાથ છોડવો પડે અને બીજાએ એકલા રહેવું પડે. જોજે માડી.’

€ € €

‘વધુ એક વખત ઘોડો ભૂપતને બચાવી ગયો.’

છેલભાઈ પાસે સમાચાર પહોંચ્યા ત્યારે આખી વાતનું તારણ આ જ નીકYયું હતું. વધુ એક વખત ભૂપતને બચાવવાનું કામ, ભૂપતને હેમખેમ બહાર કાઢવાનું કામ ઘોડાએ કર્યું હતું, જેને માટે તેણે ઘણા વખત પહેલાં જ જાણ કરી હતી, પરંતુ એ જાણકારી પછી પણ તેની વાતને ગંભીરતાથી લેવામાં નહોતી આવી.

છેલભાઈએ વિગત લખવાનું શરૂ કર્યું. લખવાનો કોઈ હેતુ હતો નહીં તો પણ તેમણે એ લખવાનું કામ કરી લીધું અને લખવાનું પૂÊરું કર્યું ત્યાં સુધીમાં તેમને હેતુ પણ મળી ગયો હતો. લખેલી બધી વિગત તેણે પોતાની ફાઇલમાં રહેલા કાગળ સાથે જોડી દીધી અને એક ખાલી પરબીડિયું હાથમાં લઈને વાઇસરૉયના નામે કાગળ લખવાનું શરૂ કરી દીધું. પ્રયાસ ક્યારેય પડતા મુકાવા ન જોઈએ, કારણ કે પ્રયાસ એ સફળતા નથી, પણ સફળતા તરફ આગળ લઈ જનારી સીડી એ જ પ્રયાસ બની શકે છે.

‘આ કાગળ આજે જ રવાના કરવાનો છે.’

પટાવાળો કાગળ લઈને રવાના થઈ ગયો એટલે છેલભાઈ બહાર નીકળ્યા અને સીધા ઘરે પહોંચ્યા. ઘરેથી પણ તે પંદર મિનિટમાં જ રવાના થયા અને જીપ સાથે સીધો તેમણે રાજકોટ-ભાવનગરનો હાઇવે પકડી લીધો. ખબર મળ્યા હતા એ મુજબ બપોરે ચાર વાગ્યે માધવની સ્મશાનયાત્રા નીકળવાની હતી અને છેલભાઈને ખાતરી હતી કે એ સ્મશાનયાત્રામાં ૧૦૦ ટકા ભૂપતસિંહ હાજરી આપી પોતાની મર્દાનગી દેખાડશે. જો એવું બને તો ભૂપતનો સામનો કરવાની આ તક જતી ન કરવી જોઈએ એવું ધારીને જ છેલભાઈ રવાના થયા હતા. તેમની પાસે આગળની કોઈ યોજના હતી નહીં, કે ન તો તેમણે કોઈ યોજના બનાવી હતી, પણ એવું કરવા પાછળ એક કારણ કારણભૂત હતું. જે યોજના બનાવીને જીવે છે તે યોજના સાથે જ રહે છે, પણ જે યોજના બનાવ્યા વિના આગળ વધે છે તે ફતેહની નજીક તો પહોંચે જ છે.

‘રાજકોટ લઈ લે.’

ડ્રાઇવરને સૂચના આપીને છેલભાઈએ આંખો બંધ કરી દીધી. હવે ત્રણથી ચાર કલાક આરામ કરવા સિવાય તેમની પાસે બીજું કોઈ કામ હતું નહીં અને જે કામ હતું એ કામ માટે તેમણે માત્ર દિમાગ વાપરવાનું હતું.

€ € €

ઇબ્રાહિમ અને કુતુબ બન્નેની વાતો ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનનું વાતાવરણ પણ હવે ગોરંભાઈ ગયું હતું. ઓખી સાઇક્લોનની અસર વચ્ચે કાળાંડિબાંગ વાદળો લાહોરની માથે મંડરાઈ ગયાં હતાં અને કોઈ પણ ઘડીએ વરસાદ આવે એવા સંજોગો ઊભા થઈ ગયા હતા.

લાહોરના ફાર્મહાઉસની બહાર પહેરો ભરી રહેલા ઇરફાનના જમણા હાથ સમા સૈયદનું ધ્યાન પણ આકાશ તરફ વારંવાર જતું હતું. કાળુંડિબાંગ આકાશ અને એમાં પણ વ્યાજ સમો ભારે પવન. થોડી વાર સુધી બહાર રહ્યા પછી ઠંડી લાગવા માંડતાં સૈયદે જઈને ગાડીમાં બેઠક લીધી હતી. ગાડી ફાર્મહાઉસના દરવાજાની બરાબર ડાબી બાજુએ લગભગ ૨૦૦ ડગલાં દૂર પાર્ક કરવામાં આવી હતી. સવારથી ફાર્મહાઉસનો દરવાજો ખૂલ્યો નહોતો અને એ દરવાજો ખૂલે એની રાહ જોવાની હતી. બપોરે દોઢ વાગ્યા સુધીમાં તો કમિશનર ઇરફાનના ૬ ફોન આવી ગયા હતા, જેમાં છેલ્લા ફોનમાં તો તેણે બરાડા પાડી લીધા હતા,

‘ડફોળ, તારું ધ્યાન બરાબર હતુંને?’

‘એકદમ, તમે સર...’

‘સર કી માં કી આંખ, દેખ કોઈ ભી ગલતી કી તો તું જાન સે જાએગા.’ ઇરફાને બેચાર ગંદી ગાળ પણ આપી દીધી, ‘તારી એક ભૂલ આપણી આટલાં વષોર્ની મહેનત પર પાણી ફેરવી દેશે.’

‘જનાબ, આપ ફિક્ર મત કરે.’ સૈયદને ગુસ્સો તો ખૂબ આવતો હતો, પણ તેણે પોતાના ગુસ્સા પર કન્ટ્રોલ કર્યો હતો, ‘કોઈ ભી નહીં નિકલા યહાં સે. આપ મેરી બાત પે ભરોસા કરો, પરિંદા ભી હિલેગા તો આપ કો ઇતલા કરુંંગા.’

‘પરિંદા નહીં, વો સાલા કુતુબ, વો નિકલે તો તુરંત બતાઓ ઔર ઉસકા પીછા કરો, ઉસે ઉઠાના ઝરૂરી હૈ.’

‘જી હુઝૂર.’

સૈયદે ફોન મૂક્યો અને એ જ સમયે ફાર્મહાઉસનો દરવાજો ખૂલ્યો. સૈયદની આંખો પહોળી થઈ. હવામાં ઊડી રહેલી ધૂળ વચ્ચે તેણે આંખો ઝીણી કરીને દરવાજા પર એ ખોડી દીધી. જોકે બહારની તરફ ખૂલી રહેલા દરવાજાને લીધે તેને બહાર કોણ આવ્યું એના વિશે હજી સુધી ખબર પડી નહોતી અને ધીમે-ધીમે ખૂલી રહેલા દરવાજા સિવાય તેની નજરે કંઈ ચડતું નહોતું.

સૈયદના મોઢામાંથી ગાળ સરી પડી અને એ ગાળ સાથે જ પાકિસ્તાનનું આકાશ પણ વરસી પડ્યું.

€ € €

પાકિસ્તાનમાં માત્ર એક જોડીની જ નજર ફાર્મહાઉસ પર નહોતી. જે ફાર્મહાઉસમાં કાળુ હતો એ ફાર્મહાઉસ પર અન્ય ત્રણ લોકો પણ એવા હતા જેમની નજર હતી. તેમને પણ કાળુ સાથે નિસબત હતી અને કાળુ માટે જ એ લોકોએ જોખમ ઉઠાવીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો.

ચાલીસ વર્ષ જૂની દુશ્મનીનો અંત લાવવાની નેમ મનમાં હતી અને એ નેમ વચ્ચે જ તેમણે કાશ્મીરની પહાડીઓનો સહારો લઈને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો અને એ પ્રવેશ માટે તેમણે માથાદીઠ વીસ-વીસ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

‘બખુર્દાર, પહેલી બાર દેખ રહે હૈં કિ પાકિસ્તાન જાને કે પૈસે મિલ રહે હૈં.’ મુસ્તફા અહમદે હળવાશ સાથે કહ્યું હતું, પણ પછી તરત જ તેના ચહેરા પર કડકાઈ આવી ગઈ હતી, ‘જો કોઈ જાતનાં બીજાં તૂત કયાર઼્ છે તો યાદ રાખજો, અહીં તમારા ઘરનાઓને જીવવા નહીં દઈએ.’

દિલીપસિંહે ધીમેકથી કહ્યું પણ ખરું.

‘બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે કાંઈ લાગતું-વગળતું નથી અમને. તમતમારે તપાસ કરાવી લેજો, બસ અમને તો ખાલી એક માણસને મારવા માટે ત્યાં જવું છે. બહુ જૂની અદાવત છે.’

‘અદાવત માટે આટલો ખર્ચો કરનારો પહેલી વાર જોયો મિયાં.’

‘જનાબ, દુશ્મની માટે ખર્ચો શું, જીવ આપી દેવામાં પણ ખચકાટ ન થાય એનું નામ ક્ષત્રિય. જોઈ લ્યો દેશનો ઇતિહાસ, ગરોળી પાછળ આખેઆખા મહેલ બાળી નાખ્યા છે અને એ બાળી નાખ્યા પછી અફસોસ પણ ક્યાંય મોઢા પર રહ્યો નથી.’

વાત ખોટી પણ ક્યાં હતી દિલીપસિંહની. ઇતિહાસનાં પાનાંઓ પર એવા તો ભરપૂર કિસ્સાઓ લખ્યા જ છે.

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK