હનીમૂન માટે આજનાં કપલ્સની પહેલી પસંદ કઈ છે ખબર છે?

આજે લૉન્ગ અને ઍડ્વેન્ચરયુક્ત હનીમૂન ટૂર મોટા ભાગનાં કપલ પ્રિફર કરી રહ્યાં છે. ગ્રુપ-ટૂરને બદલે એકલાં સેલ્ફ-ડ્રાઇવ કરીને સાવ અજાણ્યા દેશોમાં જઈને નવી જ જગ્યાઓ એક્સપ્લોર કરવાનો ટ્રેન્ડ નવયુગલોમાં પૉપ્યુલર છેરુચિતા શાહ

‘લગ્ન પોતે જ એક બહુ મોટું ઍડ્વેન્ચર છે અને એમાં આજકાલ લોકોને હનીમૂનમાં પણ ઍડ્વેન્ચર ટૂર કરવી છે, બોલો કરો વાત.’

હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના અગ્રણી ટૂર-મૅનેજર નીરજ ઠક્કર સહેજ રમૂજપૂર્ણ રીતે વાતની શરૂઆત કરે છે. લગ્નજીવનની શરૂઆત મીઠી મજાની મધુરજનીથી કરવાની બાબતમાં આજકાલ લોકોની પસંદમાં બહુ મોટા પરિવર્તનનો પવન ફૂંકાયો છે. લગ્ન પછી હનીમૂન માટે ફૉરેન-ટૂર પર જવું એ દાયકાઓથી લોકો માટે સ્ટેટસ-સિમ્બૉલ રહ્યું છે. આજકાલ આ સ્ટેટસ-સિમ્બૉલમાં ભરપૂર નવાં ડેસ્ટિનેશન્સે પગપેસારો કયોર્ છે. આજે સિંગાપોર, મલેશિયા, દુબઈ કે યુરોપના સ્વિટ્ઝરલૅન્ડ, ઇટલી જેવા દેશ જોવાનો ઉમળકો કપલ્સમાં નથી રહ્યો. આજે સમથિંગ મોર, સમથિંગ ડિફરન્ટ અને સમથિંગ એક્સાઇટિંગવાળી વાત દરેક નવયુગલના મનમાં રમતી રહે છે. લગ્નના બજેટની જેમ જ હવે હનીમૂનનાં અલાયદાં બજેટ બને છે. હનીમૂન માટે પણ હવે લોકો ઇન્સ્ટૉલમેન્ટનો ફન્ડા અપનાવીનેય બેસ્ટ ડેસ્ટિનેશનમાં ફરવા મળે એવા પ્રયત્નો કરતા થયા છે. લગ્નની સીઝન અત્યારે ફુલ ફૉર્મમાં ચાલી રહી છે ત્યારે હનીમૂનમાં લોકોની ચૉઇસમાં કેવાક બદલાવો આવ્યા છે એના પર એક નજર કરીએ.

એ વાત સાવ સાચી કે આજે લોકોને ત્યાં જ નથી જવું જ્યાં આજથી પાંચ વર્ષ પહેલાં બીજાં કપલ ફરવા જતાં હતાં. ઑરૉરા ટ્રાવેલ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડના ધવલ જાંગલા કહે છે, ‘આજે લોકોને ગમે છે કંઈક નવું કરવું. ફાર ઈસ્ટમાં ફરવા માટે હવે તેમને હનીમૂનની જરૂર નથી. એવી જગ્યાએ તો મોટા ભાગે તેઓ પરિવાર સાથે પહેલાં જ જઈ ચૂક્યા હોય છે. હનીમૂન જીવનનો યાદગાર સમયગાળો છે અને એને વધુ યાદગાર બનાવવા માટે સ્થળ પણ એટલું જ યાદગાર હોવું જોઈએ. આ જ ફન્ડા છે આજના કપલનો. આજે જ્યારે કપલ હનીમૂનના પ્લાન સાથે આવે છે ત્યારે ડેસ્ટિનેશન ઑલમોસ્ટ તેમના મનમાં ક્લિયર હોય છે. હા, એવું ઘણી વાર બને કે તેમને અમારી પાસેથી તેમણે વિચારેલું હોય એના કરતાં પણ સારા ઑપ્શન મળી જાય. અત્યારે લોકો સાઉથ અને સેન્ટ્રલ અમેરિકામાં મેક્સિકો, ક્યુબા, આર્જેન્ટિના સહિત ફિનલૅન્ડ, સર્બિયા જેવી સાવ અજાણી જગ્યાઓ પર જઈને પોતાનો ‘વી’ ટાઇમ સ્પેન્ડ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.’

આજે ઘણી ટૂર-એજન્સી કપલને કસ્ટમાઇઝï્ડ ટૂરનું પ્લાનિંગ કરી આપે. ક્યાં જવું, કેવી રીતે જવું, ક્યાં રહેવું જેવું બેઝિક પ્લાનિંગ અહીં બેઠાં-બેઠાં થઈ જાય. કપલ પોતે પણ ઑનલાઇન ઘણું બુકિંગ જાતે કરી આપે છે. કપલના ટેસ્ટ પ્રમાણે આ રીતે કસ્ટમાઇઝï્ડ પ્લાનિંગ કરવામાં માહિર હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના નીરજભાઈ કહે છે, ‘જ્યાં ગેમ્સ છે, જ્યાં પરિવારોની આવજા વધારે છે ત્યાં તો ક્યારેય પણ જઈ શકાય. કપલ મોટા ભાગે એવી જગ્યાઓએ બાળકો થયા પછી જઈશું એવા પ્લાન સાથે પોસ્ટપોન કરે અને તેમના ખાસ પ્રવાસ માટે સાવ અજાણી જગ્યાઓ પસંદ કરે. એની પાછળનું મૂળ કારણ ક્રાઉડથી દૂર રહીને કુદરતની સાથે ઓછા પૉપ્યુલર સ્થળે રહેવું તેમને ગમતું હોય છે. બીજું, અમે ઑબ્ઝર્વ કર્યું છે કે આજનાં ગુજરાતી યંગ કપલને ખાવાપીવાનું બહુ ટેન્શન નથી હોતું. તેમને જૈન અને વેજિટેરિયન ફૂડ માટે બત્રીસ પકવાનની જરૂર નથી હોતી. એક સાદો માર્ગરિટા પીત્ઝા મળી જાય કે દિવસમાં એક વાર કોઈ ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમવા મળી જાય તો ઇનફ હોય છે. આજકાલ રેડી-ટુ-ઈટ ફૂડ પણ પૉપ્યુલર થયું છે એટલે જાતે જ હોટેલમાં જઈને તેઓ આ પ્રકારની ડિશ બનાવી લેવા માગે છે. કહેવાનો અર્થ એટલો જ કે આજનાં યંગ કપલ્સ ટિપિકલ ગુજરાતીઓની જેમ ખાવાપીવાની બાબતને બહુ પ્રાધાન્ય નથી આપી રહ્યા. ઇન્ટરનેટ રેવલ્યુશનને કારણે બધું જ બુકિંગ ઑનલાઇન હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હવે આપણું બધે ચાલે છે એટલે સેલ્ફ-ડ્રાઇવ કરીને પોતાની મરજીના માલિક થઈને ફરવામાં કપલને વધુ ઍડ્વેન્ચર થતું હોય છે. તમે ઑબ્ઝર્વ કરશો તો સમજાશે કે આજે હનીમૂનમાં કોઈ પહાડ પર જઈને પથ્થર પર નામ લખાવવાની કે તાજમહલની સામે લવીડવી ફોટા પડાવવાની કપલને મજા નથી આવતી, તેમને સ્કાય- ડાઇવિંગ અને રિવર-રાફ્ટિંગની થ્રિલ અને ફીલ પોતાના હનીમૂનમાં અનિવાર્ય લાગતી થઈ છે.’

એકલા જવાનું, એકલા ફરવાનું અને પોતાનું મન માને એમ જીવવાનું આજના યંગ ગુજરાતીઓને ઘણું ગમે છે. આ જ દિશામાં ઉર્વી ટૂર્સના નીરવ અને હાર્દિક મહેતાનો અનુભવ કંઈક એવો જ છે. તેઓ કહે છે, ‘અમે ૨૦૧૫માં આઇસલૅન્ડની ટૂર શરૂ કરી. એ સમયે બહુ ઓછા ભારતીયો ત્યાં જવાનું પ્રિફર કરતા હતા. આજે ઘણાં કપલ્સ ત્યાંનો પ્લાન બનાવે છે. ‘દિલવાલે’ ફિલ્મ પછી લોકોનો આઇસલૅન્ડ માટેનો ક્રેઝ કંઈક વિશેષપણે વધ્યો છે. ‘ગેરુઆ’ ગીત આઇસલૅન્ડના લોકેશન પર ફિલ્માવવામાં આવ્યું છે. લોકોને હવે લૅન્ગ્વેજ નહીં આવડે કે ખાવાનું નહીં મળે એ વાતનો ડર નથી રહ્યો. ખાસકરીને કપલ્સને.’

દરેક કપલના જીવનનો સૌથી યાદગાર સમય હોય છે હનીમૂન. ‘ટ્રાવેલ ટાઇસ’નામની એજન્સીના અંકિત ભાલરિયાએ એક નવો કન્સેપ્ટ શરૂ કયોર્. એવી ટૂર તેઓ લઈ જાય છે જેમાં માત્ર હનીમૂન કપલ્સ જ હોય. અંકિત કહે છે, ‘એ વાત સાચી છે કે આજે સિંગાપોર-મલેશિયાની ટૂર કરતાં અમે સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ કે ટર્કી જેવી જગ્યાની ગ્રુપ-ટૂર અનાઉન્સ કરીએ તો વધારે લોકો મળતા હોય છે. આ જગ્યાઓએ જઈને જુદા અનુભવો લોકોને લેવા છે.

ગ્રુપ-ટૂરમાં આજે પણ એવાં કપલ્સ આવે છે જેઓ પોતાના માથે કોઈ બર્ડન રાખીને ફરવા નથી માગતા. ખાવાપીવાની કે પ્લાનિંગની માથાકૂટમાં ન પડીને સાવ રિલૅક્સ રહેવા માગતાં કપલ આજે પણ એકલાં ફરવા જવાને બદલે ગ્રુપમાં જવાનું પસંદ કરે છે. એકલા ફરવાની ઇચ્છાવાળા અને ગ્રુપમાં ફરવા માગતા આ બન્ને પ્રકારના ટૂરિસ્ટનો રેશિયો મારી દૃષ્ટિએ ૫૦-૫૦ ટકાનો છે.’

હનીમૂન કપલ્સમાં બાલી પણ છેલ્લા કેટલાક અરસામાં ખૂબ પૉપ્યુલર ડેસ્ટિનેશન બન્યું છે. બોરીવલીમાં રહેતાં ડૉલી અને નીરવ પારેખ ગયા મે મહિનામાં બાલી હનીમૂન માટે જઈ આવ્યાં. ડૉલી કહે છે, ‘હનીમૂન માટે આમ તો જગ્યા કરતાં એકબીજાનો સાથ-સંગાથ જ વધુ મહત્વનો હોય છે, પરંતુ એમાં જો કુદરતી સૌંદર્ય ભળે તો એની રોનક ઓર વધી જવાની. તમે કલ્પના તો કરો કે સુંદર મજાના સાફ અને ક્રિસ્ટલ-ક્લિયર ભૂરાશ પડતા લીલા રંગના પાણીવાળા દરિયાની ભીની માટીમાં તમે તમારા જીવનની સૌથી પ્રિય વ્યક્તિ સાથે હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યા હો. બાલીમાં કુદરતી સૌંદર્ય સાથે તમે તમારી જાતને લક્ઝ્યુરિસ રીતે પૅમ્પર કરી શકો એવા પારાવાર ઑપ્શન છે. મારી દૃષ્ટિએ બાલી કપલ માટેનું પર્ફેક્ટ નૅચરલ રોમૅન્ટિક ડેસ્ટિનેશન છે.’

નવી જગ્યાએ વધુ સમય માટે રહેવું એ પણ આજના હનીમૂનર્સની માનીતી બાબત છે. ઘણાં કપલ હવે માત્ર ચાર-પાંચ દિવસ કે અઠવાડિયું નહીં, લાંબો સમય માટે હનીમૂન પ્લાન કરે છે. પંદર દિવસથી વધુનો સમય રાખીને હનીમૂનનું પ્લાનિંગ થાય તો એ જગ્યા વધુ બહેતર રીતે અને શાંતિથી એક્સપ્લોર કરી શકાય એવો કપલનો ફન્ડા હોય છે. આ વિશે પોતાના શોખ માટે લોકોને ટૂર પ્લાન કરવામાં મદદ કરતો તન્મય ગાલા કહે છે, ‘મારા ઑબ્ઝર્વેશન પ્રમાણે આજનાં કપલ્સ એકાદ મહિનાનું હનીમૂન પ્લાન થાય એવા પ્રયત્નો કરતાં હોય છે. ખાસ કરીને જેમને બજેટનો પ્રfન નથી. બજેટ નાનું હોય એ લોકો પણ શક્ય હોય ત્યાં સુધી સાંભળવામાં સહેજ નવી લાગે એવી જગ્યાઓને પહેલાં પ્રેફરન્સ આપે છે. સાઉથ આફ્રિકા જેવી જગ્યાએ એક મહિનો તો જોઈએ જ. ત્યાં નાઇટલાઇફ છે, દરિયાકિનારાઓ છે, ઍડ્વેન્ચર છે, જંગલો પણ છે. એક જ જગ્યાએ બધું જ મળતું હોય તો સ્વાભાવિક રીતે સમય તો આપવો જ પડેને. બીજું, હોટેલમાં રહેવા કરતાં આજે વિલાનો કન્સેપ્ટ હનીમૂન કપલમાં વધુ પૉપ્યુલર થઈ રહ્યો છે.’

બે વર્ષ પહેલાં હનીમૂન માટે ન્યુ ઝીલૅન્ડ અને બોરા બોરા આઇલૅન્ડ ગયેલા નેપિયન સી રોડ પર રહેતાં કરણ અને રિદ્ધિ ગાંધીનું આ જગ્યા સિલેક્ટ કરવા પાછળનું મુખ્ય કારણ આ જ હતું. કરણ કહે છે, ‘નવી લાઇફ શરૂ થતી હોય તો નવી જગ્યાએ જવાની જ મજા પડે. જે હજી વર્જિન અને શાંત જગ્યાઓ છે ત્યાં જઈને તમે એકબીજા સાથે વધુ ક્વૉલિટી-ટાઇમ સ્પેન્ડ કરી શકતા હો છો. લગ્નની ધમાલમાંથી બહાર આવ્યા પછી તમને વ્યક્તિગત રીતે અને પાર્ટનરની સાથે એમ બન્ને રીતે એક એવી જગ્યાની તલાશ હોય છે જ્યાં ક્રાઉડ ઓછું હોય અને શાંતિ, સ્વચ્છતા અને સુંદરતા વધુ હોય. આજે સિંગાપોર, મલેશિયા એટલી કૉમન પ્લેસિસ છે કે ત્યાં મોટા ભાગના લોકો જઈ આવ્યા છે અને જેઓ નથી ગયા તેઓ બહુ ઝડપથી જઈ શકે એટલું ઈઝી છે એટલે નૉર્મલી બજેટની ચિંતા હોય એવાં કપલ્સ પણ એકલાં જવાનું પ્રિફર કરે છે. હવે બધાને એક્ઝૉટિક લોકેશન ગમતું હોય છે. ખાસ કરીને વર્જિન અને નૅચરલ હોય એવી જગ્યા. કમર્શિયલ ન હોય, ક્રાઉડ ઓછું હોય અને સાવ નવા જ એક્સ્પીરિયન્સ તમને મળવાના હોય એવી પ્લેસ માટેનો ક્રેઝ લગભગ દરેક કપલમાં મેં પણ જોયો છે. અમે બોરા બોરા ગયેલાં એ માત્ર કપલ માટેની જગ્યા છે. ત્યાં કિડ્સ પણ અલાઉડ નથી. ડાયરેક્ટ તમારી હોટેલમાંથી દરિયામાં ડૂબકી મારો. આવું તમને બીજી કોઈ જગ્યાએ ભાગ્યે જ મળવાનું. અમે સેલ્ફ-ડ્રાઇવ કરેલું, ત્યાંના ડિફરન્ટ વેજ ક્વિઝીન ટ્રાય કરેલાં. થોડીક ફૂડની તકલીફ પડે તો એ પણ એક ઍડ્વેન્ચર છે એવું મને લાગે છે.’

કરણ જેવો જ અભિગમ બિનિતા પારેખ અને નિલય શાહ ધરાવે છે. બાર ડિસેમ્બરે તેમનાં લગ્ન છે અને ૧૮ ડિસેમ્બરે તેમની સવારી સ્પેન માટે ઊપડવાની છે. આ કપલે દુનિયાના ઘણા દેશો જોઈ લીધા છે. જોકે સ્પેન તેમનું ડ્રીમ-ડેસ્ટિનેશન છે. તેઓ કહે છે, ‘આજના જમાનામાં જુદો દેશ અને જુદી ભાષાનો કોઈ પ્રૉબ્લેમ રહ્યો નથી. આજે મોબાઇલ અને ઇન્ટરનેટને કારણે ક્યાંય પણ જવું ઈઝી છે. કોઈને એ વાતનો ડર તો રહ્યો જ નથી કે અમે બહારના દેશમાં એકલા શું કરીશું. બીજે બધે તમારે થોડુંક અલર્ટ રહેવું પડે. મુંબઈમાં પણ તમે અલર્ટ રહો છો તો સ્પેનના બાર્સેલોનામાં પણ રહો એમાં કંઈ નવી વાત નથી. અત્યારે અમારું

હોટેલ-બુકિંગ અને કાર-બુકિંગ થઈ ગયું છે. રફ આઇટિનરરી અમે તૈયાર કરી લીધી છે. ઇન્ડિયન ફૂડ હવે તો બધે મળે જ છે. પોતાની મરજી મુજબ બહારના અજાણ્યા દેશમાં પોતાની પ્રિય વ્યક્તિ સાથે રહેવાની થ્રિલ હોય, ડર ન હોય.’

કપલ્સના આ અનોખા ઍડ્વેન્ચરસ હનીમૂન જોકે તેમના પેરન્ટ્સ માટે સહેજ ચિંતાનું કારણ હોય છે. સ્વાભાવિક રીતે તેમના પરિવારનો જીવ અધ્ધર હોય જ્યારે કપલ્સ કોઈક સાવ અજાણી જગ્યાએ જઈને જાતે-જાતે ફરવાની જીદ લઈને બેઠાં હોય. નીરજભાઈ એ વિશે કહે છે, ‘નવી-નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં અને એકલાં ફરવામાં ક્યાંક કોઈ મુસીબતમાં પોતાનાં સંતાનો ન ફસાઈ જાય એ વાતનો ડર તેમના પેરન્ટ્સના મનમાં હોય છે. ઘણી વાર તેમના ફોન ન આવે તો કેટલાંક કપલ્સના પેરન્ટ્સ અમને ફોન કરીને તેમના ખબર જાણી લેવાની જવાબદારી સોંપતા હોય છે.’

જોકે દરેક કપલને એ બાબત ખૂબ જ સામાન્ય લાગે છે. પેરન્ટ્સ તો ચિંતા કરવાના, પણ અમે પણ અમારી રીતે અમારી સિક્યૉરિટીનું પૂરતું ધ્યાન રાખીને જ આગળ વધીએ એવું લગભગ દરેક કપલ માને છે. અવળા સંજોગોમાં પણ હનીમૂન નિગ્લેક્ટ ન થાય કે એમાં કોઈ બાંધછોડ ન થાય એ બાબતમાં આજનાં કપલ એકદમ સજ્જ છે.

south

સાઉથ અમેરિકા

central america

સેન્ટ્રલ અમેરિકા

bora

બોરા બોરા આઇલૅન્ડ

africa

સાઉથ આફ્રિકા

turkey

ટર્કી

australia

ઑસ્ટ્રેલિયા

bali

બાલી

honeymoon

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK