લોનાવલાથી માત્ર ૧૨ કિલોમીટરના અંતરે આવેલી ઈસવી સન પહેલાં બીજી સદીમાં બનેલી ભાજે બૌદ્ધ ગુફાઓ જોઈ છે તમે?

ચંદ્રહાસ! આ જો, અહીંથી એક્સપ્રેસવે દેખાય છે

lonavala2

મુંબઈની આસપાસ - ચંદ્રહાસ હાલાઈ

બાલ્યકાળના મારા જિગરી દોસ્ત દેવાંગ પરીખે મારું ધ્યાન દોર્યું. દેવાંગ અભ્યાસથી વનસ્પતિશાસ્ત્રી અને વ્યવસાયે પ્રસિદ્ધ ગણિતશિક્ષક છે. અમે ત્યારે સહ્યાદ્રિ પર્વતમાળાની એક ટેકરીના ઉપરના ભાગમાં કંડારેલી પ્રાચીન ભાજે બૌદ્ધ ગુફાઓની ફોટોગ્રાફી કરી રહ્યા હતા. અહીંથી અમને નીચેની ખાઈનો ખૂબ સુંદર નઝારો દખાતો હતો.

હા, મહારાષ્ટ્રની ઘણીખરી કંડારેલી ગુફાઓ પ્રાચીન વ્યાપારીય મહામાર્ગની નજીક સ્થિત છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે એક પ્રાચીન વ્યાપારીય મહામાર્ગ પર બનાવેલો છે.

છેલ્લાં પાંચ કે સાડાપાંચ હજાર વર્ષથી ભારત પશ્ચિમ કાંઠાનાં બંદરોથી સમુદ્રી માર્ગે પશ્ચિમની સંસ્કૃતિઓ જેમ કે મિસર, સુમેર, યુનાન, રોમન વગેરે જોડે વ્યાપાર કરતું હતું. મહારાષ્ટ્રમાં પ્રાચીન મહામાર્ગો ડક્કન પઠાર (ઉચ્ચ પ્રદેશ)નાં શહેરોને સહ્યાદ્રિ પર્વતમાળાના ઘાટમાંથી પસાર થઈને કોંકણનાં બંદરોથી જોડતા હતા. મુંબઈ-પુણે એક્સપ્રેસવેવાળો માર્ગ ડક્કનને ભોર ઘાટથી પસાર થઈને કલ્યાણ અને શૂર્પારક (આજનું નાલાસોપારા શહેર) બંદરો સાથે જોડતો હતો. પ્રાચીન કાળમાં વ્યાપારીઓને આ માર્ગો પર જંગલી જાનવરોના શિકાર થવાનો અને ડાકુઓ દ્વારા લૂંટાઈ જવાનો ડર રહેતો. તેઓ માનતા કે બૌદ્ધ ચૈત્યગૃહમાં (પ્રાર્થનાકક્ષ) પ્રાર્થના કરવાથી તથાગત બુદ્ધ તેમની આ જોખમોથી રક્ષા કરશે. યાત્રીઓ અને વ્યાપારીઓ ગુફાઓના વિહાર કક્ષમાં જરૂર પડે રાતવાસો પણ કરી શકતા હતા. તેથી ઘણા ધનિક વ્યાપારીઓ આ ગુફાઓ કંડારવા માટે છૂટે હાથે દાન કરતા હતા. સ્થાનિક રાજકર્તાઓ અને રાજપરિવારો પણ આ ગુફાઓ કંડારવા માટે ધનરાશિ દેતા હતા. સતત ફરતા રહેતા બૌદ્ધ સાધુઓના રાતવાસા માટે ગુફાઓ મહામાર્ગની પાસે હોય તો વધુ અનુકૂળ થાય.

lonavala

ભારત દેશની માનવ દ્વારા કંડારાયેલી પહેલી ગુફાઓ દક્ષિણ બિહારની બહાર ટેકરીઓમાં લગભગ ઈસવીસન પૂર્વે ૨૫૦ વર્ષમાં સમ્રાટ અશોકના પૌત્ર દશરથે આજીવક સંપ્રદાય માટે બનાવેલી ત્યારથી લઈને બારમી સદી ઈસવી સુધી લગભગ ૧૪૦૦ વર્ષના ગાળામાં આખા ભારત દેશમાં ૧૨૦૦ જેટલી ગુફાઓ કંડારવામાં આવી હતી. આમાં ૧૦૦૦ જેટલી ગુફાઓ પશ્ચિમ ભારતમાં સ્થિત છે. એમાંય ૮૦૦ ગુફાઓ મહારાષ્ટ્રમાં છે. આનું પહેલું કારણ છે લાવારસના ઠરવાથી બનેલી ઉત્તર-દક્ષિણ દિશાની રેખામાં સ્થિત સહ્યાદ્રિ પર્વતમાળા અને પૂવર્‍-પશ્ચિમ દિશામાં પથરાયેલી એની પેટા-પર્વતમાળાઓ. લાવારસના ઠરવાથી બનેલા કાળમીંઢ પથ્થરો કઠણ હોય છે અને એ જલદીથી ઘસાતા નથી. આવા પથ્થરો કંડારવા અને કલાકૃતિઓ કોતરવા માટે શ્રેષ્ઠ છે. આનું બીજું કારણ હતું એ સમયકાળ દરમ્યાન મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી રાજકીય સ્થિરતા અને ધનિક સમૃદ્ધિ, જેને લીધે આ ગુફાઓ કંડારવા માટે આર્થિક સહાય મળતી રહેતી હતી.

પશ્ચિમ ભારતમાં સૌથી પહેલી કંડારાયેલી ગુફા ઈસવી સન પહેલાં બીજી સદીમાં બનેલી ભાજે ગુફાઓ છે. આ ગુફાઓ લોનાવલાથી પૂવર્માં  લગભગ ૧૨ કિલોમીટર દૂર છે. ભાજે ગુફાઓ બન્યા પછી ગુફાઓનાં સ્થાપત્ય અને કલામાં ક્રમિક વિકાસ થયો અને સાતમી સદી ઈસવીમાં અજંતા, ઇલોરા અને ઘારાપુરીની (એલિફન્ટા) ગુફાઓમાં શિરોબિંદુએ પહોંચ્યો. વિદ્વાનોના મતે ભાજે ગુફાઓ એક ગુરુકુળ પણ હતી. ભાજે ગુફાઓ જોવા માટે મારું મન ઉત્સુક હતું એટલે જ એક દિવસ વહેલી સવારે હું અને દેવાંગ ગાડીમાં નીકળી પડ્યા ભાજે ગુફાઓ જોવા.

ગપ્પા મારતા જલદીથી અમે ખંડાલા પહોંચી ગયા. અહીંથી અમે જૂનો મુંબઈ-પુણે હાઇવે લીધો. લોનાવલાથી નવ કિલોમીટર દૂર મળવલી ગામે અમે ગાડી જમણી તરફ વાળી. અહીંથી અમારો મુકામ ૩ કિલોમીટર દૂર ભાજા ગામ હતો. રસ્તામાં અમે પુલ દ્વારા ઇન્દ્રાયણી નદી ઓળંગીને થોડી વાર માટે ગાડી થોભાવી. ટેકરીઓની વચ્ચમાંથી વહેતી ઇન્દ્રાયણી નદીના સુંદર નઝારાને માણીને એને કૅમેરામાં કેદ કરી અમે ભાજે તરફ આગળ વધ્યા. થોડી જ વારે અમે ભાજે ગુફાએ પહોંચી ગયા.

અહીંનો પરિસર ખૂબ શાંતિવાળો અને હરિયાળીવાળો છે. વિવિધ પંખીઓના કલરવે અમારું સ્વાગત કર્યું. ભાજે ગુફા સમૂહ ટેકરીના ઉપરના ભાગમાં લગભગ બસો મીટરની ઊંચાઈ પર કંડારેલી છે. દાદર ચડીને તમે ત્યાં પહોંચી શકો. આખી ચડાઈ દરમ્યાન વિવિધ પંખીઓએ અમને તેમનું મધુર સંગીત સંભળાવ્યું. દાદરની આસપાસ અમને વિવિધ રંગનાં ફૂલો પણ દેખાયાં. દૂર અમને સુંદર ટેકરીઓ પણ નજરે ચડતી હતી. અહીં નજરે ચડતી એક ટેકરી પર પ્રાચીન લોહગઢ કિલ્લો છે. ૨૨૦૦ વર્ષ પહેલાં સાતવાહન વંશના રાજાએ આ કિલ્લો બંધાવ્યો હતો જેથી તેઓ મહામાર્ગની સુરક્ષા કરી શકે. એ પછી વિવિધ રાજવંશના રાજાઓએ આમાં સુધારાવધારા કર્યા હતા. થોડી વારે અમે ગુફાઓ પાસે પહોંચી ગયા.

એક ભવ્ય અને અતિ સુંદર કમાનવાળું બૌદ્ધ ચૈત્યગૃહ અમને નજરે ચડ્યું. જોઈને જ વારી જાઓ એવું સુંદર સ્થાપત્ય છે. ૨૭ અક્ટકનીય સ્તંભો આ ચૈત્યગૃહને ટેકો આપે છે. ચૈત્યગૃહના બીજા છેડે પથ્થરમાંથી કંડારેલો સ્તૂપ છે. આવા સ્તૂપોમાં ભગવાન બુદ્ધના અથવા બૌદ્ધ સાધુઓના અવશેષ રાખવામાં આવે છે. આ સ્તૂપોની પૂજા કરવામાં આવે છે.  આ ચૈત્યગૃહની અર્ધગોળાકાર છતને ટેકો આપવા માટે સ્તંભોની ઉપર કરોડરજ્જુ જેવું લાકડાનું માળખું બનાવેલું છે. આ લાકડાં ૨૨૦૦ વર્ષથી હેમખેમ છે. આ આપણા પ્રાચીન કારીગરો અને શિલ્પીઓનાં આવડત અને કુશળતાનું ઉદાહરણ છે.

lonavala1

ચૈત્યગૃહની બન્ને બાજુ વિહારો કંડારેલા છે. બૌદ્ધ સાધુઓના ચોમાસાના વાસ માટે અહીં ૧૪ વિહાર છે. બાકીના મહિનાઓમાં સતત ફરતા રહેતા સાધુઓ ક્યારેક અહીં રાતવાસો પણ કરતા હતા. દરેક વિહારની નીચે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકીઓ પણ કંડારવામાં આવી છે. દરેક ટાંકીની બાજુમાં એને બનાવવા માટે ધનરાશિ દેનાર દાતાનાં નામો શિલાલેખમાં જણાવ્યાં છે. જમણી તરફ જતાં અમને એક ચૈત્ય ગુફા કે જેની છત પડી ગઈ છે ત્યાં ૧૪ કંડારેલા સ્તૂપો જોવા મળ્યા. દરેક સ્તૂપ જે સાધુ અથવા શિક્ષકના માનમાં બનાવ્યો છે તેમનું નામ એના પર કંડારેલું છે. આ ચૈત્ય ગુફાની જમણી બાજુ અહીંની છેલ્લી વિહાર ગુફા છે. આ ગુફાની વિશેષતા એ છે કે એની દીવાલો પર અમુક શિલ્પો કોતરેલાં છે. વિદ્વાનો હજી સુધી ચોક્કસપણે કહી નથી શકતા કે એ કોની મૂર્તિઓ છે.

ભાજે ગુફાઓ આપણી ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર છે એટલે એનું જતન કરવું અગત્યનું છે.

ગુફાઓનું નિરીક્ષણ કરી હું અને દેવાંગ આસપાસની ટેકરીઓ અને નીચેની ખાઈનો સુંદર નઝારો માણવા થોડી વાર બેસી ગયા. અહીંના શાંત અને ખુશનુમા વાતાવરણથી અમે તાણમુક્ત થઈ ગયા. થોડી વાર અહીં ધ્યાન કરી અમે વળતો પ્રવાસ કરવા દાદર ઊતરી ગયા.

અમારી ગાડી પાસે પહોંચ્યા તો અમારી નજર નજીકમાં આવેલી સંપર્ક નામની સેવાભાવી સંસ્થાના પ્રાંગણ પર પડી. આ સંસ્થા અનાથ અને ત્યજી દીધેલી બાલિકાઓ માટે અનાથાલય ચલાવે છે. આ સંસ્થાએ એનાં સેવાકાર્યોની લોકોમાં જાણ થાય એવા આશયથી ૧૦ ડિસેમ્બરની સવારે અહીં સંપર્ક હેરિટેજ વૉકનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં આયોજકો એમાં ભાગ લેનારને ભાજે ગુફાઓ અને લોહગઢ કિલ્લાની વિદ્વાનોના માર્ગદર્શનવાળી યાત્રા કરાવશે. સાથે મહારાષ્ટ્રનાં ગામડાંઓની સંસ્કૃતિની ઝાંખી પણ આપશે. લાવણી નૃત્ય અને લાઠી-કાઠીની લડાઈના પણ ખેલ થશે. ભાગ લેનાર લોકો મરાઠી શૈલીના ભોજનનો પણ સ્વાદ માણી શકશે. સંપર્ક હેરિટેજ વૉકની વધુ માહિતી અને એમાં ભાગ લેવા નામ નોંધણી કરવા માટે વેબસાઇટ :

http://samparcheritagewalk.com

- તસવીરો : ચંદ્રહાસ હાલાઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK