૧૮ વર્ષના વિલંબ પછી દોઢ મહિનામાં રિઝલ્ટ

યુનિટમાં રોકેલા પૈસા પાછા આપવામાં ઠાગાઠૈયા કરતા બાબુઓએ RTI અરજી મળતાં ચૂપચાપ ચેક મોકલાવી આપ્યો

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

કલ્યાણ (વેસ્ટ)માં રહેતાં પદ્મિની ઠક્કરને યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (UTI)માં રોકેલી ૫૦,૦૦૦ રૂપિયાની રકમ પાછી આપવામાં વિતંડાવાદ કરી ત્રાસ આપનાર બાબુઓ સામે RTIનું શસ્ત્ર ઉગામતાં માત્ર દોઢ મહિનામાં રકમ ચૂપચાપ પાછી આપનાર સરકારી કંપનીની બાબુગીરીની આ કથા છે. 

૧૯૯૧ની ૨૯ જૂને તત્કાલીન UTIની માસિક આવક, બોનસ એવમ વૃદ્ધિ સ્કીમ-૧૯૯૧માં સાત વર્ષ માટે ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. પદ્મિનીબહેનનાં મમ્મીએ પુત્રીના નામે આ રોકાણ કરેલું. આ ઉપરાંત પૌત્રી તથા પૌત્રના નામે પણ રોકાણ કરેલું.

કલકત્તાનિવાસી પદ્મિનીબહેનનાં લગ્ન ૧૯૭૯માં કિશોરભાઈ સાથે થતાં તેઓ કલ્યાણમાં સ્થળાંતરિત થયાં. પરિવારની જવાબદારીના કારણે થતી વ્યસ્તતા વચ્ચે યુનિટ ટ્રસ્ટમાં કરેલા રોકાણની વિસ્મૃતિ થઈ ગઈ.

સરકતા સમયે પરિવારમાં ત્રીજી પેઢીનું આગમન થઈ ગયું. ૨૦૧૩માં જૂની ફાઇલો ફેંદતાં પૌત્રના હાથમાં યુનિટ ટ્રસ્ટનું સર્ટિફિકેટ આવ્યું, જે દાદીમાને બતાડતાં જૂની સ્મૃતિઓ તાજી થઈ.

૨૦૧૩ની ૨૪ જુલાઈએ શ્વ્ત્ના મ્યુચ્યુઅલ ફન્ડને પદ્મિની ઠક્કર, હાર્દિક ઠક્કર અને હેમંત ઠક્કર નામનાં ઓરિજિનલ સર્ટિફિકેટ મોકલાવી તેમની સાંપ્રત સ્થિતિ વિશે જાણકારી માગી.

૨૦૧૩ની ૧ ઑક્ટોબરે UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નૉલૉજી ઍન્ડ સર્વિસિસ લિમિટેડે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે : 

૧. આપના દસ્તાવેજો ગેરવલ્લે થઈ ગયા છે. આથી આપને નીચેના દસ્તાવેજો મોકલાવવા વિનંતી છે.

(ક) જૂના સરનામાનો પુરાવો.

(ખ) પૂર્ણ ભરેલું સિગ્નેચર ઍટેસ્ટેશન ફૉર્મ

(ગ) નામમાં એકરૂપતા હોવી જરૂરી. નામ સર્ટિફિકેટ પ્રમાણે જ હોવું જોઈએ. 

૨. આ સાથે ઓરિજિનલ સર્ટિફિકેટ્સ અને ઍફિડેવિટ પરત મોકલવામાં આવે છે.

૩. ઉપરોક્ત દસ્તાવેજો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

UTI  ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નૉલૉજી ઍન્ડ સર્વિસિસ લિમિટેડની કલકત્તાસ્થિત ઈસ્ટર્ન રીજનલ ઑફિસ તથા CBD બેલાપુરસ્થિત રજિસ્ટર્ડ ઑફિસ સાથે સતત પત્રવ્યવહાર ચાલુ રહ્યો. પદ્મિનીબહેન જણાવતાં રહ્યાં કે કલકત્તાના મારા જૂના રહેઠાણના સરનામાના કોઈ પુરાવા મારી પાસે નથી. આટલું સ્પષ્ટ જણાવ્યા છતાં બાબુઓએ જવાબ વાંચ્ચા વગર જૂના રહેઠાણના પુરાવા માગવાની રટ ચાલુ રાખી.

૨૦૧૬ની ૨૩ મેના પત્ર દ્વારા હારેલાં-થાકેલાં પદ્મિનીબહેને કલકત્તાસ્થિત ઑફિસને પુછાવ્યું :

૧. ઍડ્રેસ બદલી કરવાની / કરાવવાની આપની પ્રક્રિયા વિશે માહિતી આપશો તથા એ કરવા માટેનાં કોઈ ફૉર્મ્સ હોય તો એ મોકલાવી આપશો.

૨. જો પત્ર મળ્યાના સાત દિવસમાં આપનો જવાબ નહીં મળે તો RTI કાયદા હેઠળની અરજી કરી આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની નોંધ લેશો.

પત્રના પ્રત્યુત્તરમાં બાબુઓએ ઉપરોક્ત (૧)નો જવાબ આપવાની તસ્દી લીધી નહીં અને જૂના સરનામાનો પુરાવો માગવાની રટ ચાલુ રાખી.

‘મિડ-ડે’નાં નિયમિત વાચક હોવાના નાતે તેઓ આ કૉલમ વાંચતાં અને આથી RTI કાયદાની તાકાતથી સુપરિચિત હતાં. લેખાંકમાં પ્રસિદ્ધ થયેલા તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-થાણેના સેવાભાવી કેન્દ્રનિયામક રાજન ધરોડને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્ચાં. કેન્દ્રના સેવાભાવીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી તથા ધ્યાનપૂર્વક સાંભળી RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી. સાથોસાથ કલ્યાણ સિટી હેડ ઑફિસમાંથી ૧૦ રૂપિયાનો પોસ્ટલ ઑર્ડર ખરીદી અરજી સાથે જોડી અરજી પોસ્ટ-માસ્ટરને આપવા જણાવ્યું.

RTI કાયદા હેઠળ ભારતભરની પોસ્ટ-ઑફિસની લોકલ હેડ ઑફિસ RTI અરજીઓ સ્વીકારી સંબંધિત સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (CPIO)ને મોકલી આપવાની જવાબદારી અદા કરે છે.

RTI અરજી દ્વારા આનુષંગિક માહિતી ઉપરાંત મુખ્યત્વે MISG (મન્થલી ઇન્કમ સ્કીમ-ગ્રોથ)-૧૯૯૧માં રોકાણકર્તાનું ઍડ્રેસ બદલાવવાની પ્રોસીજર વિશે માહિતી માગવામાં આવી.

લુચ્ચા બાબુઓએ RTI અરજીનો જવાબ આપતાં પહેલાં RTI અરજીની તારીખનો જ પત્ર મોકલાવ્યો જેમાં જૂના સરનામાનો પુરાવો આપવાની જૂની માગણીનું પુનરાવર્તન કર્યું.

૨૦૧૬ની ૨૪ જૂનના પત્ર દ્વારા RTIની અરજી વાંચ્યા કે સમજ્યા વગર ૨૦૧૬ની ૧૭ જૂનના પત્રની કૉપી મોકલાવી ફરીથી જૂનું ગાણું ગાયું.

વ્યસ્તતાના કારણે RTI અરજીનો જવાબી પત્ર ૩૦ દિવસની સમયમર્યાદામાં RTI કેન્દ્ર પર પહોંચાડી ન શક્યા, જેના કારણે RTI કાયદા હેઠળ પ્રથમ અપીલ કરવાની કાયદાકીય સમયમર્યાદા વ્યતીત થઈ ગઈ.

૨૦૧૭ની ૧૩ ફેબ્રુઆરીએ અપૉઇન્ટમેન્ટ મેળવી RTI કેન્દ્ર-થાણે પહોંચ્યા. પ્રથમ RTI અરજીનો જવાબ રાજનભાઈએ વાંચ્યો, જે વાંચીને તેમને સમજ ન પડી કે CPIOની અજ્ઞાનતા અને અબુધતા પર ગુસ્સો કરવો કે હાસ્યાસ્પદ જવાબ પર હસવું. અલબત્ત, ગુસ્સો કરવાની કે ઉતારવાની કાયદાકીય અવધિ વ્યતીત થઈ ચૂકી હતી.

બાબુઓ પર દ્વિ-સ્તરીય મોરચો માંડવાના ઉદ્દેશથી તેમણે પ્રથમ એક વિસ્તૃત પત્ર બનાવી આપ્યો, જેમાં નીચેની વિગતો પર સવિસ્તર માહિતી આપવામાં આવી...

૧. ૨૦૧૩ની ૨૧ ઑગસ્ટની ચેન્જ ઑફ ઍડ્રેસની ઍફિડેવિટની કૉપી મોકલાવી આપી છે જેમાં કલ્યાણસ્થિત સરનામાની માહિતી સોગંદનામામાં જણાવવામાં આવી છે.

૨. ઉપરોક્ત ઍફિડેવિટમાં પદ્મિની ઠક્કર અને પદ્મિની કિશોર ઠક્કર બન્ને નામો એક જ વ્યક્તિનાં છે અને એ મારાં છેનું સોગંદનામું પણ આમેજ છે (આના કારણે પદ્મિની ઠક્કરના નામે હતું એ બૅન્ક-ખાતું પદ્મિની કિશોર ઠક્કરના નામે હોવાથી ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ).

૩. ૧૯૭૯માં લગ્ન થવાથી હું મુંબઈ મારા શ્વશુરગૃહે સ્થળાંતરિત થઈ. સ્થળાંતર વખતે પિયરના ઘરનું કોઈ ઍડ્રેસ-પ્રૂફ સાથે લાવી ન હોવાથી આપને એ આપી શકવા અસમર્થ છું, પરંતુ ઉપર (૧)માં જણાવ્યા મુજબની નોટરાઇઝ્ડ ઍફિડેવિટ મારા બદલાયેલા સરનામાની નોંધ લેવા મોકલાવી રહી છું.

૪. મારી બૅન્કની વિગતો તથા કૅન્સલ્ડ ચેક આપને યથાયોગ્ય કરવા મોકલાવી રહી છું.

૫. પાકેલા યુનિટોની રકમ મેળવવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો જણાવશો.

ઉપરોક્ત પત્રની સાથોસાથ ફરી એક વખત RTI કાયદા હેઠળની પ્રથમ અરજી પણ સેવાભાવીઓએ બનાવી, જે દ્વારા અન્ય આનુષંગિક મુદ્દાઓ પર માહિતી સાથે મુખ્યત્વે નીચેના મુદ્દા પર માહિતી માગવામાં આવી...

જૂના સરનામાનું કોઈ પ્રૂફ ન હોય (મારા કેસમાં સર્ટિફિકેટ પર દર્શાવેલા ઍડ્રેસ પર હું છેલ્લાં ૩૮ વર્ષથી  રહેતી ન હોવાથી સ્વાભાવિકપણે પ્રૂફ ન હોય) અને નવા ઍડ્રેસની નોંધણી કરાવવા માટેની આપની કાર્યપદ્ધતિ તથા પ્રોસીજર જણાવશો (મારા મતે નોટરાઇઝ્ડ ઍફિડેવિટ સરનામાં બદલી માટે સબળ અને પૂરતો પુરાવો છે)

૨૦૧૭ની ૧૬ માર્ચના જવાબી પત્ર દ્વારા પદ્મિનીબહેનને જણાવવામાં આવ્યું કે:

૧. તત્કાલીન માર્ગદર્શિકા મુજબ સરનામાના પુરાવાની જરૂરિયાત નથી.

૨. આપના દાવાની આપે આપેલા દસ્તાવેજોના આધારે ચુકવણી કરવાની પ્રક્રિયા તરત શરૂ કરવામાં આવશે.

૨૦૧૭ની ૩૦ માર્ચે પદ્મિનીબહેન અને તેમના પરિવાર માટે સોનાનો સૂરજ ઊગ્યો. ઘરમાં કંસાર રંધાયો હશે, કારણ કે UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નૉલૉજી ઍન્ડ સર્વિસિસ લિમિટેડનો પત્ર આવ્યો અને એની સાથે ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક પણ આમેજ હતો.

ખરેખર તો ૧૯૯૮માં જ સ્વયંભૂ રીતે ચેક મળી જવો જોઈતો હતો, કારણ કે પાકતી તારીખે રકમ ચૂકવવાની જવાબદારી અદા કરવાની હોય છે. ૧૮ વર્ષના વિલંબથી અને RTI અરજીના કારણે માત્ર દોઢ મહિનામાં પદ્મિનીબહેન અને તેમના પરિવારની મનોવેદના રાજનભાઈની કર્તવ્યનિષ્ઠા તથા સેવાભાવના કારણે દૂર થઈ અને RTI કાયદાની  ઉપયોગિતા તથા યથાર્થતા પુન:સ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK