ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૮

ખીમજીઅદા ગોંડલ પહોંચી ગયા.

નવલકથા - રશ્મિન શાહ


થોડી વારમાં આ જ સમાચાર ગોંડલના દરબારગઢમાં અને એ પછી ગોંડલના મહારાજા સુધી પણ પહોંચી ગયા. સ્વાભાવિક રીતે ગોંડલનરેશ માટે આ ખુશીનો અવસર હતો. કોઈ જાતનો વિવાદ કે વિરોધ નોંધાવ્યા વિના જ ગામની એક વ્યક્તિ અંગ્રેજોની ચુંગાલમાંથી પાછી આવી ગઈ. જો ખીમજીઅદા ન આવ્યા હોત તો રાજ્યમાં ક્યાંક ને ક્યાંક તેમની નાલોશી થઈ હોત અને જો તેમણે અંગ્રેજો સામે બાથ ભીડી હોત તો ગોંડલ અને ગોરી સરકાર વચ્ચે રહેલી સંવાદિતાને પણ અંતિમ મહિનાઓમાં નુકસાન થયું હોત.

નાક પણ ન કપાયું અને હાથ ઊપડી ગયો એના જેવો ઘાટ સર્જાયો હતો ગોંડલ રાજ્ય માટે.

ખીમજીઅદા ગોંડલ કેવી રીતે પાછા આવ્યા એ વિશે કોઈને ખબર નહોતી પડી. એકમાત્ર ગોંડલનરેશને એની ખબર હતી. મહારાજાએ તરત જ લાગતા-વળગતાઓ સુધી સમાચાર પહોંચાડી દીધા કે ખીમજીઅદા ઘરે આવી ગયા છે. પહોંચાડેલા સમાચાર માટે એક જ ઇરાદો હતો કે યોગ્ય જગ્યાએ આ સમાચાર પહોંચી જાય.

આ યોગ્ય જગ્યા એટલે

ભૂપતસિંહ ચૌહાણ.

અદા ઘરે આડા પડખે થવાનું કામ કરતા હતા ત્યારે એ સમાચાર ભૂપતસિંહ સુધી પહોંચી ગયા હતા.

‘કાળુ, આ બલાને હવે પાછી પહોંચાડવાની છે.’

‘કેમ, કામ પતી ગયું?’

‘૫૦ ટકા.’ ભૂપતે કાળુ સામે જોયું, ‘અદા ઘરે પાછા આવી ગ્યા.’

‘તો પછી ૧૦૦ ટકા કામ થયું કહેવાયને?’

‘ના, ખાલી અદા ઘરે આવ્યા છે, પણ આ જાડીને પાછી પહોંચાડી દઈએ તો ૧૦૦ ટકા કામ પૂÊરું થયું કહેવાય.’

‘મૂકી દઈ અહીંયા રેઢી.’ કાળુ જાત પર આવી ગયો અને એમાં કંઈ ખોટું પણ નહોતું, ‘ખોટી ચિંતા કરવાની જરૂર નથી, આફુડી જાતે પહોંચી જાશે.’

‘સાલા, બાઇમા’ણાને આમ રેઢી થોડી મુકાય...’ ભૂપતે કાળુ સામે જોયું અને પછી અચાનક માથા પર જોરથી ટપલી મારી, ‘જાતે લેવા ગયા’તાને, તો જાતે જ મૂકવા જાવું પડે. સમજાણું?’

‘તને ઊંબાડિયાં લેવાના અભરખા છે ભૂપત.’

કાળુની વાત ખોટી નહોતી. જોખમ લેવાની ભૂપતને મજા આવતી હતી અને ભૂપત પણ એ જોખમ લેવાની તેની આદતને સરસ રીતે જાળવતો હતો. ભૂપત કહેતો પણ ખરો, ‘સાલું બહારવટું ખેડ્યું છે, કાંય નિશાળમાં માસ્તર નથી બન્યા કે આપણે ગણતરીઓ કરીને પગલાં ભરીએ. એયને એની જાતને એકાએક પોલીસ ફૂટી નીકળે અને જીવ હાથથી જાય એવા સંજોગ ઊભા થઈ જાય એ જ તો આપણી જિંદગી છે. તો પછી શાને માટે સલામત જિંદગી શોધવા જવાના અભરખા રાખવાના?’

‘ઊંબાડિયું ગણ તો ઊંબાડિયું ને જવાબદારી માન તો જવાબદારી, આપણને કાંય ફરક નથી પડતો, પણ હા, એટલી ખબર પડે છે કે દુશ્મની ત્યાં સુધી જ રાખવી જ્યાં સુધી વાંધાવચકા હોય. જો વાંધાવચકા નીકળી જાય કે કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તો પછી દુશ્મનીને શરીર સાથે બાંધીને બેસવાની જરૂર નથી.’

‘અત્યાર સુધીમાં ન્યાં રાજકોટમાં વાત વધી ગઈ હશે.’ કાળુએ સંશય દેખાડ્યો, ‘તને એમ છે કે ન્યાં બધી શાંતિ હશે. જો તું એવું માનતો હો તો તું ભૂલ કરશ.’

‘તો પછી આ ભૂલ પાક્કા પાયે કરવી પડે બકા.’

ભૂપતે તાળી માટે હાથ લંબાવ્યો, પણ કાળુએ સ્વાભાવિક રીતે એવી કોઈ ચેષ્ટા કરી નહીં. ભૂપત સમજી ગયો કે પોતે જે વાતને સરળતાથી લેવા માગે છે એટલી સરળતાથી એ જ વાતને કાળુ લઈ નથી રહ્યો. જોકે એમાં કંઈ ખોટું પણ નહોતું. કાળુની જે ધારણા હતી એ બિલકુલ સાચી હતી.

રાજકોટનું વાતાવરણ બદલાઈ ગયું હતું અને રાજકોટના પોલીસ-કમિશનર ક્રિસ્ટોને ભૂપતસિંહના આગમનને વધાવવાની તૈયારીઓ પણ કરી લીધી હતી.

€ € €

‘આઇ વૉન્ટ એવરીવેર. એવરીવેર મીન્સ એવરીવેર.’ ક્રિસ્ટોનની આંગળી ટેબલ પર પથરાયેલા નકશા પર ફરી રહી હતી, ‘લુક, આ જગ્યાએ મને પીટરની ટીમ જોઈશે અને આ અમદાવાદ હાઇવે, અહીં મને ઍન્ડરસનની ટીમ જોઈએ છે. હવે આ તરફ જોઈએ. આ બાજુ નવાનગર તરફ જવાનો હાઇવે છે. અહીં મને ઍન્થનીની ટીમ જોઈશે અને આ તરફ... આ તરફ જૂનાગઢ હાઇવે, અહીં હું રહીશ.’

આલ્બર્ટને આના વિશે કંઈ ખબર નહોતી, પણ ક્રિસ્ટોને આખો પ્લાન બનાવી લીધો હતો. જેનિફરને મૂકવા માટે ભૂપતસિંહ આવે એટલે તેને પકડી લેવો. જેનિફરને મૂકવા માટે ભૂપતસિંહ જ આવશે એવી ખાતરી આલ્બર્ટને હતી તો એ ખાતરી જોઈને ક્રિસ્ટોનને પણ વિશ્વાસ આવી ગયો હતો કે ભૂપત જ આવું ગાંડપણ કરી શકે. માણસ જ્યારે ગાંડપણના રસ્તે હોય ત્યારે તેને માટેનાં અનુમાન લગાવવાં પણ અઘરાં થઈ જાય અને એનાથી ઊલટું પણ શક્ય છે કે એના વિશેનાં અનુમાન બાંધવાનું કામ પણ સરળ થઈ જાય.

ક્રિસ્ટોને અનુમાનના આધારે જ ધારી લીધું હતું કે ભૂપતસિંહ જેનિફરને મૂકવા માટે રાજકોટ આવશે જ અને જો એવું જ બનવાનું હોય તો આ વખતે ભૂપતસિંહને જવા ન દેવો અને એને માટે જેટલી તૈયારીઓ કરવી પડે એ બધી તૈયારી જડબેસલાક કરી રાખવી.

‘અહીંથી ગાડી પેલાને લઈને રવાના થશે કે તરત બધાએ અલર્ટ થઈ જવાનું છે. બને કે ભૂપતસિંહ બહુ દૂર ન ગયો હોય અને તે વચ્ચેથી જ આ બધા પર નજર રાખતો હોય. જેવી તેને ખબર પડશે કે તરત ભૂપત પણ મૅડમ સાથે રાજકોટ આવશે. એક પણ વાહન, એક પણ પ્રાઇવેટ વાહન જવાં ન જોઈએ. બધાં વાહનોને ઊભાં રાખવાનાં છે અને બધાં જ વાહનોની ઝડતી લેવાની છે. ભલે ગમે એટલું મોડું થાય, ભલે હાઇવે કલાકો સુધી અટવાયેલો રહે, આપણે એની ચિંતા નથી કરવાની. જે ચિંતા છે એ ભૂપતસિંહની છે. મારે કોઈ પણ હિસાબે ભૂપતસિંહ હાથમાંથી જવા નથી દેવો. અન્ડરસ્ટૅન્ડ?’

‘યસ સર.’

બધા આર્મી ઢબે એકસાથે બોલ્યા અને બોલવાની સાથોસાથ બધાએ એકસાથે ક્રિસ્ટોનને સૅલ્યુટ પણ ઠોકી અને ડાબો પગ જમીન પર જોરથી ઠોક્યો અને સૌકોઈ રવાના થઈ ગયા. આયોજન મુજબ રવાના થયા પછી સૌકોઈ તેમને સોંપવામાં આવ્યા હતા એ વિસ્તારમાં ગોઠવાઈ ગયા હતા. ક્રિસ્ટોને જૂનાગઢ હાઇવે પસંદ કર્યો હતો અને એ જ હાઇવેથી ભૂપતસિંહે રાજકોટમાં આવવું પડે એવી પરિસ્થિતિ હતી, જેનો આછોસરખો અંદેશો તો ક્રિસ્ટોનને પણ હતો. ક્રિસ્ટોનને ખબર હતી કે સાસણ જવા માટે આ એક જ રસ્તો એવો છે જે હાઇવેથી વાહન અંદર આવી શકે. અંતરિયાળ ગામોમાંથી રાજકોટમાં આવી શકાતું હતું, પણ જૂનાગઢ તરફનો આ રસ્તો એવો હતો જે ગોંડલ પાસેથી એક થઈ જતો હતો, જેને લીધે સૌકોઈએ રાજકોટમાં દાખલ થતાં પહેલાં એ જ સ્થળે આવવું પડે એમ હતું જે

સ્થળે ક્રિસ્ટોન અને તેની ટોળકી ગોઠવાઈ ગઈ હતી.

ક્રિસ્ટોને અત્યારે રાજકોટના ગોંડલ રોડ ચોકડી તરીકે ઓળખાતા વિસ્તાર પર જ કબજો કરી લીધો હતો.

‘ઇચ ઍન્ડ એવરી વેહિકલ, આઇ રિપીટ, ઇચ ઍન્ડ એવરી વેહિકલ. બધાને ઊભાં રાખવાનાં છે અને જેમાં પણ શંકા જાય એ બધાં વેહિકલ ખાલી કરાવવાનાં છે.’ ક્રિસ્ટોને બધાની સામે જોઈને પાકું કર્યું, ‘અન્ડરસ્ટૅન્ડ?’

એકસૂરમાં ‘હા’ આવી એટલે ક્રિસ્ટોને ઇશારો કરીને બધાને ડ્યુટી પર લાગવાનું કહી દીધું અને સવારે સાડાપાંચ વાગ્યે, માગશરની ઠંડીમાં મોંસૂઝણું થાય એ પહેલાં જ સૌકોઈ કામે લાગી ગયા. એકેએક વાહનને ઊભાં રાખવાની પ્રક્રિયા શરૂ થઈ અને એ પ્રક્રિયા એકધારી સવારે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહી. તડકો કુમળો હતો, પણ એ કુમળા તડકા વચ્ચે પણ અંગ્રેજ અમલદારને પરસેવો વળવાનો અને પરસેવાને કારણે ચહેરો લાલ થવાનો શરૂ થઈ ગયો હતો. જોકે આ પરસેવાનું કોઈ પરિણામ હજી સુધી તેમને મYયું નહોતું અને મળે એવી શક્યતા પણ હજી સુધી તેમને દેખાઈ નહોતી. અલબત્ત એક વાત સારી હતી કે સરકારી વાહનો પણ ઊભાં રાખવામાં આવતાં હતાં અને સરકારી વાહનોની પણ તલાસી લેવામાં આવતી હતી.

‘ચેકિંગ બરાબર ચાલુ રાખજો.’

ક્રિસ્ટોન જઈને છાંયડામાં બેઠા. તેમની નજર હજી પણ રસ્તા પર જ હતી. જૂનાગઢ હાઇવે આગળ જઈને છેક પોરબંદરના દરિયાકાંઠાને આંબતો હતો અને ઉત્તરે એ હાઇવે છેક દિલ્હી સુધી ખેંચાતો હતો એટલે સ્વાભાવિક રીતે આ હાઇવે પર ટ્રાફિક દેખાતો હતો. ચેકિંગને કારણે હાઇવે પરનો ટ્રાફિક પણ રોકાઈ-રોકાઈને ચાલતો હતો. આવી અવસ્થા જો આમ જ અકબંધ રાખવામાં આવે તો દિવસો સુધી ચેકિંગ ચાલતું રહે અને ટ્રાફિકની આ સમસ્યા પણ વિકરાળ બની જાય એવું દેખાતું હતું.

ક્રિસ્ટોને પોતાના જુનિયરને બોલાવીને જરૂરી સૂચના આપી અને બસ તથા ટ્રક જેવાં મોટાં વાહનોને અંદર જઈને તપાસવાને બદલે ડ્રાઇવરની પૂછપરછ કરી, શંકા જાય તો જ એની તપાસ કરવાની સૂચના આપી. સૂચનાનો અમલ શરૂ થયો અને આ નવી સૂચના મુજબનું કામ પણ શરૂ થઈ ગયું. પંદરેક મિનિટ પસાર થઈ હશે ત્યાં જ ટ્રન્કકૉલ આવ્યો અને ટ્રન્કકોલની જાણ કરતો ક્રિસ્ટોનનો જુનિયર દોડતો આવ્યો,

‘એક્ઝક્યુઝ મી સર.’

‘યેસ, વૉટ હૅપન્ડ?’

‘કૉલ ફૉર યુ. મિસ્ટર આલ્બર્ટ ક્રિસ્ટો ઇઝ ઑન ધી લાઇન.’

ક્રિસ્ટોને ફોન હાથમાં લીધો અને પહેલા જ વાક્ય પર તેના પગ તળેની જમીન સરકી ગઈ.

‘મિસ્ટર ક્રિસ્ટોન, જેનિફર ઍટ હોમ. આઇ ટોલ્ડ યુ કે ભૂપતસિંહ પહોંચાડી દેશે અને એવું જ થયું છે. ભૂપતસિંહે તેને પહોંચાડી દીધી.’

€ € €

‘કૈસે?’

ઇબ્રાહિમનો અવાજ ફાટી ગયો. જે વાત તે આટલા રસપૂર્વક સાંભળતો હતો એ વાત સાવ આવી રીતે પૂરી થશે એની તેને કલ્પના પણ નહોતી અને તેણે તો એ કલ્પના પણ નહોતી કરી કે દાદુ આ કામ આટલી આસાનીથી પૂરું પણ કરી શકશે. તેના અવાજમાં વજન હતું અને આંખોમાં અચરજ હતું.

‘કિસ તરહ સે યે કામ કિયા દાદુને?’

‘તેરે દાદુ કી યહી તો ખાસ બાત થી. જે કામ કરવાનું હોય એ કામ કરવામાં તેને કોઈ જાતનો ખચકાટ થતો નહીં કે ન તો તેને મૂંઝવણ થતી. ઇબ્રાહિમ, તને નવાઈ લાગશે, પણ તારો દાદુ આવા કામમાં પોતાની સાથે કોઈને રાખતો પણ નહીં.’

‘મતલબ?’

‘હા, વો હી મતલબ. ઉસ દિન ભી વો અકેલા હી ગયા થા.’

ઇબ્રાહિમનું મોઢું અર્ધખુલ્લું રહી ગયું.

આટલી પોલીસ ગોઠવાઈ ગઈ હતી, પોતાને પણ ખાતરી હતી અને એ પછી પણ તેઓ એવી રીતે ત્યાં એકલા ગયા કેવી રીતે?

‘ચાચુ, પૂરી વાત કરોને? પ્લીઝ...’ ઇબ્રાહિમે ધોખો પણ કર્યો, ‘તમે બધી વાતને બહુ ખેંચો છો, લંબાવો છો, પણ સરખી રીતે વાત નથી કરતા.’

‘ના બેટા, ખેંચતો કે લંબાવતો નથી, પણ જે ઘટનામાં હું હાજર જ ન હોઉં એને હું કેવી રીતે વાર્તા સ્વરૂપમાં તારી પાસે મૂકી શકું. કેટલીક વાતો એવી હતી જે મને પણ બહુ મહિનાઓ પછી કે વષોર્ પછી ખબર પડી હોય. અત્યારે જેનિફરની વાતનું જ કહું તો મને એ ઘટના કેવી રીતે ઘટી હતી એ લગભગ છ-આઠ મહિના પછી ખબર પડી હતી અને એ પણ સાવ અનાયાસ ખબર પડી ગઈ હતી. એ સમયે શું હતું... કાંઈક તો બન્યું હતું, પણ શું એ અત્યારે યાદ નથી આવતું.’

‘લીવ ઇટ, શું બન્યું હતું એ અત્યારે યાદ નથી કરવું, પણ દાદુએ જેનિફરને કેવી રીતે પહોંચાડી એની વાત કરો.’ ઇબ્રાહિમે સ્પષ્ટતા સાથે કહ્યું, ‘આ વાત સરખી રીતે કરજો અને જેકંઈ ખબર હોય એ બધું કહેજો.’

‘હંઅઅઅ...’ કુતુબે સહેજ ખોંખારો ખાધો, ‘એ દિવસ આમ તો અમે જૂનાગઢથી છૂટા પડી ગયા, પણ છૂટા પડતાં પહેલાં તારો દાદો બસ-સ્ટેશન પર ગયો હતો. બસ-સ્ટેશનમાં જઈને તેણે બસની તપાસ કરી અને પછી પાછો આવ્યો.’

‘બસ? પણ બસ કેમ?’

કુતુબે ઇબ્રાહિમ સામે જોયું.

‘મેં પણ આ જ પૂછ્યું હતું.’

€ € €

‘બસ, બસ શું કામ, તારે હાથે કરીને મરવું છે સિંહ?’

‘અલ્યા, મરવું છે મારે પણ વખત આવે ત્યારે, મને મરવાના અભરખા નથી. સમજાણું તને?’ ભૂપતની કમાન છટકી, ‘એટલો બધો નકારાત્મક પણ ન રહે કે મારા મનમાં પણ ખોટેખોટી શંકા ઉદ્ભવે.’

‘બસનું તારે શું કામ છે?’

‘સાચું કહું તો બસમાં જવાનું વિચારું છું.’ ભૂપતસિંહે માંડીને સમજાવવાનું શરૂ કર્યું, ‘તું અહીંથી પાછો વળ, હું આ કામ પતાવીને પાછો આવું છું.’

‘તું ખોટું જોખમ લે છે સિંહ.’

આ વખતે ભૂપતે આંખથી જવાબ આપ્યો હતો અને આ ભૂપતની ખાસિયત પણ હતી. જે સમયે જીભ પરનો કાબૂ ગુમાવી દે એવી પરિસ્થિતિ કે પછી એવા સંજોગો ઊભા થતા એ સમયે ભૂપત પહેલું કામ જીભ સીવી લેવાનું કરતો. આવું બનતું ત્યારે ભૂપત કહેતો પણ ખરો, ‘બોલીને બાજી બગાડી નાખવા કરતાં મૂંગા રહીને મમત અકબંધ રહેવા દેવી જોઈએ.’

‘હું પાછો નથી જવાનો. તું કહે તો અહીંયા રોકાઈ જાઉં. તું જૂનાગઢ પાછો આવી જાય એટલે સાથે નીકળી જઈશું.’

બદલાયેલા આંખોના ભાવ જોઈને કાળુએ પણ વાતને સહજ રીતે લઈ લીધી. જોકે તેણે સાવ પાછા જવાને બદલે વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું અને એ જ વાત ભૂપતની સામે મૂકી. ભૂપતના મનમાં પણ એક આયોજન અકબંધ હતું અને એટલે જ તે ઇચ્છતો હતો કે ટોળી એમ જ એકલી ન રહે અને બેમાંથી કોઈ એક ત્યાં પહોંચી જાય. ભૂપતે એ જ સમયે આ વાતની ચોખવટ પણ કરી લીધી,

‘મને આવતાં બેત્રણ દિવસ નીકળી જશે અને ત્યાં જો કોઈ નવાજૂની થઈ તો વખત લંબાઈ પણ જાય. મારું માનવું છે કે એકાદ દિવસ તારે અહીં રોકાવું હોય તો રોકાઈ લે પણ કાલ સવાર સુધીમાં જગ્યાએ પહોંચી જાય તો સારું, સાથીઓને રાહત રહેશે અને આગળનું કોઈ આયોજન પણ થઈ શકશે.’

ભૂપત સાથે કોઈ દલીલનો અર્થ હતો નહીં અને જે દૂરંદેશી સાથે વિચારતું રહ્યું હોય તેની સાથે ક્યારેય તર્કહીન દલીલોમાં ઊતરવું પણ ન જોઈએ.

કાળુએ ચર્ચા પૂરી કરી નાખી અને બન્ને ભાઈબંધ એકબીજાને ગળે મળ્યા.

‘હાલો ત્યારે...’

‘શું હાલો ત્યારે, અંદર ઓલી જાડી છે હજી, તેનું કાંઈક કરવું પડશેને?’

ભૂપત હસ્યો અને જીપ પાસે ગયો. કાળુ દૂરથી જોઈ રહ્યો હતો. કાળુએ જોયું કે ભૂપતે જેનિફરના મોઢા પર પાણી છાંટ્યું અને થોડી ક્ષણોમાં જેનિફર ભાનમાં આવી ગઈ. ભાનમાં આવેલી જેનિફર પહેલાં તો રાડ પાડવા ગઈ પણ તરત જ ભૂપતે તેના મોઢા પર પોતાનો પહાડી પંજો મૂકી દીધો.

આ બધું કાળુને દૂરથી જ દેખાતું હતું.

ત્યાં શું વાતચીત થઈ રહી છે એ તેને સ્વાભાવિક રીતે સંભળાતું નહોતું. જો તે પાસે હોત અને તેને આ વાતચીત સંભળાતી હોત તો ચોક્કસ તેને ભૂપત માટે માન થયું હોત.

‘જોવો બેન, મારું નામ ભૂપત છે. તમને એકેય રીતની ઈજા પહોંચાડવી નથી ને એવું તો મનમાંયે નથી, પણ હા જો તમે મને હેરાન કરશો તો પછી હું હેરાન કરવામાં કોઈના બાપની સાડીબારી નહીં રાખું.’

‘વૉટ યુ વૉન્ટ?’

‘ગુજરાતી, પહેલાં તો ગુજરાતીમાં વાત કરો. શું છે, આ અંગ્રેજી તમારી ભેગી પાછી લેતા જાવાની છે, આંય પણ એને રાખવાની નથી.’

‘તને, તને શું જોઈએ છે?’

‘કાંય નહીં, જે જોતું’તું એ કામ તો પતી ગ્યું એટલે હવે તમને છોડી દેવાનાં છે.’

‘અત્યારે, અત્યારે ક્યાં છીએ આપણે?’

‘જ્યાં હોય ત્યાં પણ તમને ઘર સુધી મૂકી જાવાની જવાબદારી મારી છે. નાનો ભાઈ બનીને મૂકી જાઈશ, છેક ઘર સુધી એટલે જરાય ગભરાતાં નહીં, પણ હા મને ગભરાટ કરાવતાંય નહીં. હું ડાકુ છું એટલે ગલીકુચીના રસ્તેથી નીકળી જાઈશ, પણ જો મારા સાથીના હાથમાં તમે આવી ગયાં તો એકેક ટુકડા ભેગા કરવા અઘરા થઈ જાશે.’ ભૂપતે જોયું કે જેનિફરને પરસેવો વળવા માંડ્યો હતો, ‘બીક લાગી?’

જેનિફરે હા પાડી એટલે ભૂપતે ચોખવટ પણ કરી લીધી.

‘બિવડાવવાનું જ કામ કરતો’તો ને શું છે, બીક લાગવી પણ જોઈ. બીવું જોઈ, જો બીક નો રાખી તો પછી કો’ક વખત મોટું જોખમ લેવાઈ જાય ને દુખી થાવું પડે એના કરતાં આ સારું, બીક લાગે એટલે ચૂપ રહેવાનું.’

‘હંઅઅઅ...’

‘ઘર સુધી મૂકવા આવું છું, તમને મોટાં બેન બનાવીને આવું છું. રસ્તામાં કેવો ખેલ કરવો એની તમને ખબર પણ, તમને ઈજા નો થાય એની જવાબદારી મારી.’ ભૂપતે હાથ જોડ્યા, ‘એકેક મહિલા મારી મા-બેન ને દીકરી છે. અજાણતાં પણ ઈજા થઈ ગઈ હોય તો તમારું જૂતું ને મારું માથું, ઊંહકારો પણ નહીં કરું, પણ મને કોઈ ચાલાકી નથી જોઈતી. ચાલાકી કરશો તો જાણીજોઈને ભૂલ કરીશ અને એ ભૂલ આપણને બધાયને હેરાન કરશે.’

‘હા.’

‘વચન આપો છોને?’

ભૂપતે હાથ લંબાવ્યો. જેનિફરે પહેલાં ભૂપત સામે જોયું અને પછી તેના હાથ સામે જોઈને હાથ પર પોતાનો હાથ મૂકી દીધો,

‘પ્રૉમિસ.’

‘તો પછી આ જ અંગ્રેજીવાળું મારુંયે, જીવ જાશે તોયે પહેલાં ઘરે આવીને મૂકી જાઈશ.’

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK