શાંત ઝરૂખે

સૈફુદીન ખારાવાલા - સૈફ પાલનપુરી (૩૦.૮.૧૯૨૩ - ૭.૫.૧૯૮૦) આપણા વરિષ્ઠ શાયર.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

મનહર ઉધાસના કંઠે ગવાયેલી તેમની નઝમ ‘શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી...’ બેહદ લોકપ્રિય નીવડી છે. શાયરનો દેહાંત થાય છે, કાવ્યાંત નથી થતો. તેમના બુધવારે ગયેલા જન્મદિનની ઉજવણી ચૂંટેલા શેરો દ્વારા કરીએ...

અમારી જિંદગીનો આ સરળ સીધો અભિનય છે

રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ

ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે


ઈશ્વરના હોવા વિશે જાગતો સંશય અનેક કારણોસર હોઈ શકે. જિંદગીનાં પાનાં સરખાં ન પડતાં હોય ત્યારે થાય કે આપણી બાજી આપણી રીતે કેમ નથી રમી શકતા. સીધી લીટીમાં ચાલતી વિચારણા કદી સીધી લીટીમાં સાકાર થતી નથી. એમાં અનેક અવરોધો આવવાના જ. ભક્તકવિઓ આ અવરોધોને આરાધે છે. સામાન્ય માણસ આ અવરોધોને નિયતિ તરીકે સ્વીકારે છે. કુદરત પાસે માત્ર

અપેક્ષા જ રાખતો માણસ એ સિફતથી ભૂલી જાય છે કે આ વન-વે નથી. આપણે પણ સૃષ્ટિને સામે આપવાનું છે. સૈફ પાલનપુરી એક વિરોધાભાસ તરફ આંગળી ચીંધે છે...   

કાળાં વાદળના જિગરમાંયે સુજનતા આપી

અને પથ્થર જેવા પથ્થરમાંયે ગંગા આપી

આવાં દિલવાળાં બધાં દૃશ્યોને મૂગાં રાખ્યાં

અને માનવને પ્રભુ હાય! તેં વાચા આપી


જીભ તો પ્રાણીસૃષ્ટિ પાસે છે, પણ વાણી માત્ર માણસ પાસે જ છે. પશુપંખીઓ પાસે અવાજ છે, આપણી પાસે ભાષા છે. અભિવ્યક્તિનો આવડો મોટો અહેસાન ઈશ્વરે આપણા પર કર્યો છે તોય આપણે એનો ઉપયોગ નકારાત્મક રીતે કરીને શબ્દોને લજવીએ છીએ. જે જીભ પર સત્ય બિરાજમાન હોવું જોઈએ ત્યાં જૂઠ ડેરો નાખીને બેઠું હોય. કહેવાતી સજ્જનતાને શાયર સૂક્ષ્મદર્શક યંત્ર જેવી બારીકીથી તાગે છે...

મારી ભૂલોને હું પોતે માફ કરતો જાઉં છું

કેટલો સજ્જન છું, મારા ખુદ ઉપર અહેસાન છે

સજ્જનતાનું સૌજન્ય ઘણી વાર સ્વાર્થનાં સમીકરણો બાંધીને બેઠું હોય છે. ક્યારેક હકની વસ્તુ હાથથી સરી જાય પછી સમય આપણને કૉલરે ઝાલી ઘસડી જતો લાગે...

જોઈ લે છે મને તેઓ કદી મીઠી નજરે

એવા સૌજન્યનો આ ભાર નથી જીરવાતો

જેના સંપૂર્ણ પ્રસંગો હતા મારા માટે

એ કથાનકનો આ ટૂંક સાર નથી જીરવાતો


પ્રલંબ જીવનની ફળશ્રુતિ આમ જુઓ તો ટૂંકી જ હોય. સામાન્ય માણસની જિંદગી તો એ-૪ સાઇઝના બે કાગળમાં સમાઈ જાય એટલી જ લાગે. બધાને અવસ્થા તો વત્તેઓછે સરખી જ મળી હોય છે, ઘટનાઓ પણ રૂટીન જ હોય. આખરે તો આપણે શ્વાસને કેવી રીતે સજાવીએ છીએ એના આધારે જ એનું મૂલ્ય થાય છે. પ્રેમના પારાવારમાં જ્યારે કોઈ કેડી આપણા નામે હોય ત્યારે અવસ્થામાં આનંદનું ઉમેરણ થાય... 

પોતાની પ્રેમિકાને પ્રેમી કહે જે રીતે

એ રીતે મારા મનની વાતો કહું છું તમને

આ લાગણીનાં બંધન પણ કેવાં છે અનોખાં?

તમને મળ્યા વિના પણ ઓળખું છું તમને


કેટલાક લોકો પહેલી જ નજરમાં પરખાઈ જાય તો કેટલાક વરસો પછી પણ પઝલ જ હોય. ઝવેરીની પારખુ આંખો પણ થાપ ખાય એવી ગુપ્ત ઝળહળ પ્રેમમાં છે. આ ઝળહળથી આંખો અંજાઈ પણ શકે અને જો એને આત્મસાત કરતાં આવડે તો એ તેજ થઈને પિંડમાં પથરાઈ પણ શકે...

તમે આવી શકો એ તો વિષય એક આસ્થાનો છે

તમે આવી ગયા એ તો પ્રસંગ એક વાર્તાનો છે

ન જોવાયું ઘડીભર પણ કોઈનું રૂપ મારાથી

અને દાવો હતો મારો કે મેં જોયો જમાનો છે


રૂપ પાસે રમણીય કુંજગલી હોય છે. એમાં પ્રવેશવા માટે પ્રેમનો પરવાનો લેવો પડે. આ અંતરંગ ગોઠડી અસ્તિત્વને ગુલાબી બનાવે છે. કેટલીક વાતો કહી શકાય તો કેટલીક ગોપિત જ રહી જવા સર્જા‍યેલી છે...

અમારી દુર્દશાઓ પણ તમારા રૂપ જેવી છે

હજારો વાત કહી દે છે ને સંબોધન નથી હોતાં


ક્યા બાત હૈ


આ ઉંમરે

એક પ્રેમિકા વસાવવાના

મારા મનમાં કોડ જાગ્યા છે

અને મારા મનની આ વાત

જાણે સમજી ગઈ હોય એમ

મારી પૌત્રી - નાનીસરખી

મારી સામે જોઈને હસી રહી છે

તેનું આ હાસ્ય

વ્યંગ્ય અને ઠપકા વગરનું તેનું આ હાસ્ય

મારા વીતી રહેલાં વર્ષોનો

એ જ જાજ્વલ્યમાન મરસિયો છે

મારા જીવંત મૃત્યુનું

એક આખાબોલું કરુણપ્રશસ્તિ કાવ્ય છે

અને હું વિચારું છું કે

બાળપણ - જવાની અને બુઢાપો

એવા તબક્કાઓ ગોઠવનાર સર્જકે

માનવીનાં હૈયાં માટે

એવી કોઈ વ્યવસ્થા કેમ ન વિચારી?

- સૈફ પાલનપુરી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK