નારિયેળની નવાજૂની

આજે વર્લ્ડ કોકોનટ ડે નિમિત્તે જાણીએ લીલા નારિયેળથી લઈને શ્રીફળ અને સૂકું કોપરું તથા એની બનાવટોની બજાર મુંબઈમાં કેટલી ફૂલીફાલી છે. સાથે જ નારિયેળ સાથે સંકળાયેલી પારંપરિક માન્યતાઓની ચર્ચા કરીએ

coconut

WORLD COCONUT DAY - રુચિતા શાહ

એક નદીકિનારે નારિયેળીનાં ઘણાંબધાં ઝાડ હતાં. નારિયેળના ઝાડને પોતાની ઊંચાઈ માટે અને પોતાના એકસરખા સુંદર દેખાવ માટે ભારે અભિમાન. નદીની આસપાસ રહેલા પથ્થરો સામે તેઓ પોતાનો દબદબો જાહેર કરે અને પોતે કેવા શ્રેષ્ઠ છે એના આનંદમાં મહાલ્યા કરે. એક દિવસ નદીમાં પડેલા એક પથ્થરને એક શિલ્પકારે ઉપાડ્યો અને એમાં કોતરણીનું કામ તેણે શરૂ કર્યું. નારિયેળીનું ઝાડ આ જોઈને ઓર ગેલમાં આવી ગયું. બિચારા પથ્થરની કિસ્મત તો જો કેવી છે... અત્યાર સુધી લોકોના પગ નીચે ચગદાવાનું અને નદીના પ્રવાહમાં ટકરાવાનું હતું, એ ઓછું હોય એમ હવે આ શિલ્પકારના પ્રહારનો સામનો પણ આ પથ્થરે કરવાનો છે. પોતાના સદ્નસીબ પર અને મોટાઈ પર નારિયેળનું ઝાડ મલકાઈ રહ્યું હતું. શિલ્પકારનું પોતાનું કામ પૂરું થયું અને પથ્થરમાંથી એક નાનકડા ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી. નારિયેળના ઝાડની બાજુમાં જ એક નાનકડું મંદિર બનાવીને એ મૂર્તિને ત્યાં સ્થાપિત કરવામાં આવી અને પ્રાણપ્રતિષ્ઠામાં ઘણાંબધાં નારિયેળને પેલા ઝાડ પરથી તોડીને મૂર્તિની સામે પ્રસાદ તરીકે ધરવામાં આવ્યાં. હવે ક્ષણ હતી નારિયેળને વધેરવાની. નારિયેળને પેલા પથ્થરમાંથી ભગવાન બનેલી મૂર્તિ સામે વધેરવામાં આવ્યું ત્યારે મૂર્તિ મંદ-મંદ સ્મિત વરસાવી રહી હતી અને કહી રહી હતી - જોયું ભાઈ, સમય કેવો બદલાયો. તારા અહંકાર સાથે તારે મારી સામે વધેરાવું પડ્યું અને પથ્થરોના ઘા સહેતા-સહેતા હું ભગવાન બની ગયો.

જીવનના ઉચ્ચતમ આદર્શની શીખ આપતી આ વાર્તા તમે બાળપણમાં સાંભળી જ હશે. વાર્તામાં રૂપક તરીકે વપરાયેલાં નારિયેળનાં વૃક્ષ અને શ્રીફળ આમ જોવા જઈએ તો વાસ્તવિક રીતે સદીઓથી હિન્દુ પરંપરામાં મહત્વના સ્થાને રખાયાં છે. પ્રત્યેક શુભ શરૂઆતમાં જેમ ગણપતિ મુખ્ય છે એમ જ નારિયેળની પણ કેટલીક વિશેષતા રહી છે. આજે વર્લ્ડ કોકોનટ ડે છે ત્યારે એ શ્રીફળ સાથે સંકળાયેલી તમામ હિન્દુ માન્યતાઓ અને પરંપરાઓની ચર્ચા તો આપણે કરીશું જ; પણ સાથે નારિયેળનો બિઝનેસ મુંબઈમાં ક્યાં પહોંચ્યો છે, એની ક્ષિતિજો કેટલી વિસ્તરી છે, શું અગવડો નારિયેળના વેપારીઓ ફેસ કરી રહ્યા છે, લીલું નારિયેળ, શ્રીફળ અને સૂકા કોપરાની ખાસિયતો શું છે એની ચર્ચા કરીએ.

નારિયેળનાં વિવિધ રૂપ

નારિયેળને એના ત્રણ સ્વરૂપમાં તમે અત્યાર સુધી જોયાં હશે. ત્રણેય એક જ છે કે જુદાં-જુદાં એ વિશે છેલ્લી ત્રણેક પેઢીથી લીલા નારિયેળનો વેપાર કરતો મૂળ આંધ્ર પ્રદેશનો વિજય અનુમોલી કહે છે, ‘પાણીવાળું નારિયેળ, લીલા કોપરાવાળું નારિયેળ અને સૂકું નારિયેળ એ ત્રણેયનું મૂળ એક જ છે. કેટલાંક એવાં ઝાડ આંધ્રમાં પણ છે જ્યાં માત્ર પાણીવાળાં નારિયેળની પ્રજાતિઓ જ જોવા મળે છે. જોકે મોટા ભાગનાં લીલાં નારિયેળને સૂકવતા જાઓ એમ એ બદલાતાં જાય. લીલા નારિયેળનો જથ્થો ભેગો કરીને એના પર નારિયેળની ડાળી, છોડ વગેરે નાખીને એને કવર કરી લેતા હોઈએ છીએ જેથી એને તડકો ન લાગે. લગભગ બે-ત્રણ મહિનામાં નારિયેળનું પાણી જામતું જાય અને એમાંથી મલાઈ તથા મલાઈમાંથી ધીમે-ધીમે કડક કોપરું બનતું હોય છે. આ કોપરામાંથી સૂકા ગોળા નારિયેળ બનાવવા માટે અમે શ્રીફળને એક ખાડામાં નાખી એના પર ઝાડનાં પાન, ડાળી ગોઠવી વધુ ત્રણેક મહિના સૂકવવા દેતા હોઈએ છીએ, જેને કારણે એનો પાણીનો ભાગ સાવ શોષાઈ જતાં એકદમ સૂકા ગોળા તૈયાર થાય છે.’

ગ્લોબલ ડિમાન્ડ

વૈશ્વિક સ્તરે કામ કરી રહેલા સિનિયર ઇન્ડસ્ટ્રી ઍનલિસ્ટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ છેલ્લા એક દશકમાં નારિયેળ અને નારિયેળમાંથી બનતી વિવિધ બનાવટોની વૈશ્વિક ડિમાન્ડ પાંચસોગણી વધી છે. યસ, આંખો પહોળી થઈ જાય એવો આ આંકડો છે અને એમાંય મહત્વની વાત એ છે કે કોકોનટ એટલે કે દરેક પ્રકારના નારિયેળનું પ્રોડક્શન કરતા દેશોમાં એશિયાઈ દેશોનો મોટો પ્રભાવ છે. ભારત પણ કોકોનટ એક્સપોર્ટમાં સક્રિય ભૂમિકામાં છે. વિશ્વમાં નારિયેળપાણીની ઇન્ડસ્ટ્રી લગભગ ૩૦૦ મિલ્યન ડૉલરની એટલે કે ૩૦૦ કરોડ ડૉલરનો વૈશ્વિક બિઝનેસ માત્ર નારિયેળપાણીનો છે. અત્યારે વિશ્વમાં એશિયાઈ દેશોમાં ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, ઇન્ડિયા, બ્રાઝિલ, શ્રીલંકા, વિયેટનામ, મેક્સિકો, થાઇલૅન્ડ અને મલેશિયામાં નારિયેળનું પ્રોડક્શન સર્વાધિક છે. વર્લ્ડની ૯૦ ટકા નારિયેળ તથા એની વિવિધ પ્રોડક્ટની ડિમાન્ડ આ દેશો દ્વારા પૂરી કરવામાં આવે છે. ભારતના એકલા કેરળમાં નારિયેળનાં લગભગ પોણાબે કરોડની આસપાસ ઝાડ છે. દેશમાં કુલ થતાં નારિયેળની તુલનાએ ૪૨ ટકા હિસ્સો એકલા કેરળમાં પાકે છે.

આજે વિશ્વભરમાં કોકોનટ વૉટર, નારિયેળ તેલ અને છીણેલા કોપરા ઉપરાંત લગભગ સો જેટલી અન્ય પ્રોડક્ટ્સ નારિયેળમાંથી બને છે. ટેન્ડર કોકોનટ આઇસક્રીમની વધી રહેલી લોકપ્રિયતાને કારણે લીલા નારિયેળની મલાઈની માગ અકલ્પનીય રીતે વધી છે. આ ઉપરાંત આજકાલ કોકોનટ વિનેગર, કોકોનટ મિલ્ક, કોકોનટ ચિપ્સ જેવી પણ અઢળક પ્રોડક્ટ્સ બની રહી છે. ભારત સરકારના એગ્રિકલ્ચર ખાતાએ નારિયેળ અને એમાંથી બનતાં લગભગ સો જેટલાં અન્ય ઉત્પાદનોને પ્રમોટ કરીને રોજગારી વધારવા અને વિશ્વની માગને પહોંચી વળવાના પ્રયત્નો કરવા માટે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ બનાવ્યું છે, જેના અંતર્ગત કોકોનટનું સર્વાધિક પ્રોડક્શન કરતાં દેશનાં ચાર મુખ્ય રાજ્યો એટલે કે કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ખેડૂતોને તથા ત્યાંના સામાન્ય મજૂરોને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે.

મુંબઈની માર્કેટ

મુંબઈના વેપારીઓની દૃષ્ટિએ છેલ્લાં થોડાંક વષોર્માં અહીંનો નારિયેળનો વેપાર ઠંડો પડ્યો છે. ખ્ભ્પ્ઘ્ માર્કેટના ચૅરમૅન કીર્તિ રાણા આ વિશે કહે છે, ‘શ્રીફળની લગભગ ચાલીસ જેટલી ટ્રક રોજ અમારી માર્કેટમાં ઠલવાય છે. એક ટ્રકમાં અંદાજે ૪૫,૦૦૦ની આસપાસ શ્રીફળના નંગ હોય છે. કોકોનટનું પ્રોડક્શન કરતા ચારેય સ્ટેટમાંથી આ ગાડીઓ આવે છે. નારિયેળની સાથે હવે નારિયેળમાંથી બનતી કેટલીક વૅલ્યુ એડિશન પ્રોડક્ટની બજાર મુંબઈમાં પણ ડેવલપ થઈ રહી છે; જેમાં નારિયેળપાણીની પ્રિઝર્વેટિવ સાથેની બૉટલો, કોપરાનો ભૂકો, નારિયેળની ચિપ્સ, દૂધ વગેરેનું પ્રોડક્શન સારું છે અને એના માટે રૉ- મટીરિયલ તરીકે નારિયેળની ડિમાન્ડ છે.’

એ પછી પણ નારિયેળની મુંબઈમાં ડિમાન્ડ સ્થાયી રહી છે. એનો ઉપયોગ વધવાથી ડિમાન્ડ નથી વધી એનું કારણ આપતાં છેલ્લાં ૨૧ વર્ષથી શ્રીફળનો વ્યવસાય કરતા કલ્પતરુ ટ્રેડર્સના અમૃત સાવલા કહે છે, ‘એક સમય હતો જ્યારે મુંબઈ અને એની આસપાસનાં નાનાં ગામડાંઓમાં પણ નારિયેળ અમારી માર્કેટમાંથી પહોંચાડવામાં આવતાં. હવે દરેક જણ ડાયરેક્ટ પોતાની પાસે માલ મંગાવતા થયા છે. એટલે માત્ર મુંબઈ શહેરની ડિમાન્ડ પૂરતી જ અમારી જિરૂરયાત રહી ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનની દૃષ્ટિએ પણ નારિયેળ મોંઘાં પડે છે. એમાં છેલ્લાં બે વર્ષથી વરસાદને કારણે પૂરતું પ્રોડક્શન નથી થયું એટલે નારિયેળના ભાવ પણ વધ્યા છે.’

નારિયેળની સૌથી મોટી ખપત અત્યારે ઘરગથ્થુમાં મહારાષ્ટ્રિયન અને મુસ્લિમ લોકોમાં તથા વિવિધ રેસ્ટોરાંમાં અને સામાન્ય કરિયાણાવાળાને ત્યાં વધુ છે. મુંબઈમાં શ્રાવણ મહિનામાં આખા વર્ષ દરમ્યાન સૌથી વધુ શ્રીફળો જતાં હોય છે. અત્યારે પણ ટોટલ નારિયેળની આવકમાંથી પચાસ ટકા નારિયળ મુંબઈનાં જુદાં-જુદાં મંદિરોમાં જ પહોંચતાં કરવામાં આવે છે. નવરાત્રિ, ગણપતિ, દિવાળી જેવા તહેવારોમાં એની ભરપૂર ડિમાન્ડ હોય છે. ગુણવત્તા વિશે વાત કરતાં અમૃતભાઈ કહે છે, ‘ગુણવત્તાની દૃષ્ટિએ કેરળનાં શ્રીફળ સૌથી શ્રેષ્ઠ હોય છે. એની સાઇઝ પણ મોટી હોય છે અને સ્વાદમાં પણ મીઠાં હોય છે. સાથે જ એમાં તેલનું પ્રમાણ પણ વધુ હોય છે.’

શ્રીફળની જેમ લીલા નારિયેળની ડિમાન્ડ પણ છેલ્લા કેટલાક અરસામાં વધી છે. કાંદિવલીના ઠાકુર વિલેજ વિસ્તારમાં કુમાર નારિયેળપાણી ચલાવતા નંદલાલ યાદવ ૩૫ રૂપિયાના લેખે રોજનાં દોઢસો નારિયેળપાણી વેચે છે. તે કહે છે, ‘હવે લોકો નારિયેળપાણી પીતા થયા છે, કારણ કે લોકોને હેલ્ધી રહેવું છે. મલાઈવાળાં નારિયેળ કરતાં પાણીવાળાં નારિયેળ મારી પાસેથી વધુ વેચાય છે. નારિયેળપાણીની કિંમત ધીમે-ધીમે વધતી જ ગઈ છે. બેશક, ચોમાસામાં બે-પાંચ રૂપિયા ઓછા થતા હોય છે. જોકે હેલ્ધી ઑપ્શન તરીકે કિંમત સાથે લોકોને કંઈ જ પ્રૉબ્લેમ નથી.’

પાણીવાળાં લીલાં નારિયેળ આજે પણ વધુપડતા જે-તે સ્ટેટના લોકો પાસે જ છે. એની વધુ કિંમત પાછળનું મૂળ કારણ જણાવતાં બાપદાદાના સમયથી આ ફીલ્ડ સાથે સંકળાયેલા અને મુંબઈમાં લીલાં નારિયળનો સપ્લાય કરતા મણિ નાદર કહે છે, ‘લીલાં નારિયેળ વજનમાં હેવી અને સાઇઝ મુજબ મોટાં હોય છે, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પ્રતિનારિયેળ વધી જાય છે. અત્યારે હોલસેલ રેટ મુજબ પણ થોડુંક માપસર નારિયેળ હોય તો એની કિંમત ૨૩ રૂપિયાની આસપાસ હોય છે. કાંદિવલી, મલાડ, બોરીવલી, દહિસર વગેરે વિસ્તારમાં લગભગ સાતથી આઠ હજાર લીલાં નારિયેળ પહોંચાડીએ છીએ.’

લીલાં નારિયેળની જેમ સૂકાં કોપરાંનો એક અલાયદો બિઝનેસ કેટલાક વેપારીઓએ સંભાળી લીધો છે. એના વિશે વાત કરતાં છેલ્લાં ત્રીસ વર્ષથી સૂકા કોપરાના વેપારી પ્રકાશ ખોના ઉર્ફે‍ બૉબી કહે છે, ‘મુંબઈ સિવાય એની આસપાસના વિસ્તારોમાં ડાયરેક્ટ નારિયેળથી ડિલિવરી થઈ રહી હોવાથી મુંબઈ પરથી લોડ ઘટ્યો છે. હવે મુંબઈની માર્કેટ મુંબઈ પૂરતી મર્યાદિત રહી છે છતાં મુંબઈની કેટલીક વિશેષતાઓને કારણે એ માર્કેટ કાયમ ટકશે એવું મને લાગે છે. આજે APMCમાં રોજની સો ગૂણી સૂકા નારિયેળના ગોળાની આવે છે. લગભગ પચાસ કિલો એક ગૂણીમાં હોય એટલે ટોટલ પાંચસો કિલોનો માલ રોજ ઠલવાય છે. સૂકા નારિયેળના ભૂકાની એક અલગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે. આજે પણ ક્વૉલિટી પ્રોડક્ટ મુંબઈમાં જ મળે છે. મુંબઈના વેપારીઓ A અને B ક્વૉલિટીની પ્રોડક્ટ જ પોતાની પાસે રાખે છે, જે બીજા નાના સેન્ટરમાં નથી. કોપરેલ માટેનાં સૂકાં કોપરાં અલગ ક્વૉલિટીનાં હોય છે જેમાંથી ૬૦ ટકા તેલ નીકળે, જ્યારે ખાવા માટે ઉપયોગમાં આવતાં સૂકાં કોપરાંમાં તેલનું પ્રમાણ ૪૫ ટકા જ હોય છે. સૂકું કોપરું પણ બ્રૅન્ડ અને ક્વૉલિટી પ્રમાણે વેચાય છે. જેમ કે મહારાષ્ટ્રિયન લોકો રાજાપુર કોપરું જ પસંદ કરે છે જેની પાછળનું લેયર સહેજ કાળું હોય છે, જ્યારે મુસલમાનો દ્વારા ખોરાકમાં લેવાતું સૂકું કોપરું અંબાજી પેટનું છે, જેની સ્કિન એટલે કે છાલનો રંગ સહેજ બ્રાઉનિશ અથવા તો કેસરી જેવો હોય છે. ખાવામાં ઊંચો માલ કેરળનો જ છે.’

આજે મુંબઈના વેપારીઓ દ્વારા કોકોનટની મોટા પ્રમાણમાં લે-વેચ ચાલુ હોવા છતાં તેમની દૃષ્ટિએ વેપારમાં પહેલાં જેવો દમ રહ્યો નથી.

coconut1

હિન્દુ પરંપરામાં શ્રીફળ એટલે...

ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરામાં શ્રીફળને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે નારિયેળનું નિર્માણ ઋષિ વિશ્વામિત્રે કર્યું હતું. આ પહેલવહેલું વૃક્ષ છે. આ એકમાત્ર ફળ છે જેને તમામ શુભકાર્યથી લઈને પૂજાપાઠ અને વિધિવિધાનોમાં આટલું મહત્વ મળ્યું હોય. બ્રહ્મા અને શ્રીફળને ક્રીએટર એટલે કે આ પૃથ્વીના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે.

માત્ર ફળ જ નહીં, નારિયેળના આખેઆખા વૃક્ષને હિન્દુઓ પવિત્ર માને છે. કલ્પવૃક્ષ એટલે તમે કલ્પના કરો એ બધું જ તમારી સમક્ષ હાજર કરી શકે. નારિયેળીનું ફળ જ નહીં પણ વૃક્ષનાં ફૂલ, થડ, છાલ, ડાળી, પાન, મૂળ, થડમાંથી નીકળતો રસ એમ બધું જ ઉપયોગી છે; જેથી એને કલ્પવૃક્ષની ઉપમા અપાઈ છે.

નારિયેળને સંસ્કૃતિમાં નારિકેલ કહે છે અને મહાભારત તથા સુશ્રુત જેવા ગ્રંથોમાં નારિકેલ શબ્દનો ઉલ્લેખ જ નથી, પણ એનું વિસ્તૃત વર્ણન મળે છે. એની ખૂબી, ખાસિયતો અને ઉપયોગોનું લિસ્ટ એમાં અપાયું છે. લાંગલી, સદાપુષ્પ, શિર:ફલ, રસફલ, મંગલ્ય, સુતુંગ, નરલે, તૃણરાજ, ત્ર્યંબક ફલ જેવાં અઢળક નામો આ ફળનાં છે.

નારિયેળને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માનીને મુરત વખતે તાંબાના કળશમાં એની સ્થાપના કરવામાં આવે છે. છોલેલા નારિયેળમાં રહેલી કેટલીક નિશાનીઓ શિવજીના ત્રિનેત્ર તરીકે ઓળખાય છે અને એટલે જ એ ઇચ્છાપૂર્તિ કરનારું મનાય છે. 

એક દંતકથા પ્રમાણે ભક્તો જ્યારે ભગવાન પ્રત્યેના સમર્પિત ભાવને દર્શાવવા માટે પોતાનું મસ્તક ધરીને તેમનો બલિ આપવા માગતા હતા ત્યારે ઇન્દ્રદેવે મસ્તકને બદલે ઈશ્વરને શ્રીફળ વધેરીને એનો પ્રસાદ ધરવાનો માર્ગ દેખાડ્યો હતો. ત્યારથી દરેક શુભ પ્રસંગે ભગવાન સમક્ષ શ્રીફળ વધેરવામાં આવે છે. એક પરંપરા એમ પણ કહે છે કે વષોર્ પહેલાં હિન્દુ પરંપરામાં યજ્ઞ અને અન્ય વિધિવિધાનોમાં પશુઓનો બલિ આપીને ભગવાનને ભોગ ધરવામાં આવતો હતો. પછી એના પર્યાયરૂપે શ્રીફળને વધેરીને એનો ભોગ ધરવાની પરંપરા શરૂ થઈ હતી.

નારિયેળ ઘણી રીતે મનુષ્યના મસ્તકથી મૅચ થાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપરી સાથે અને નારિયેળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે.

નારિયેળને શ્રીફળ તરીકે પણ એટલે ઓળખાય છે કારણ કે હિન્દુઓના મતે શ્રીફળ સમૃદ્ધિનું પ્રતીક છે, સુરક્ષાનું પ્રતીક છે. એટલે જ ગર્ભવતી સ્ત્રીનું સીમંત હોય, સગાઈ અથવા લગ્ન-સેરેમની હોય, નવા ઘરનું મુરત હોય, નવી ગાડી લીધી હોય કે બીજો એવો કોઈ પણ પ્રસંગ કેમ ન હોય - શ્રીફળ તો એમાં હોય, હોય ને હોય જ. દરિયાકિનારે વસતાં ગામોમાં માછીમારો ચોમાસા પછી ફરીથી માછીમારી શરૂ કરતાં પહેલાં દરિયામાં ઢગલાબંધ શ્રીફળની ભેટ ધરતા હોય છે અને પ્રાર્થતા હોય છે કે શ્રીફળનો સ્વીકાર કરીને દરિયાદેવ તેમને સુરક્ષા અને સમૃદ્ધિ આપશે.

એક માન્યતા મુજબ નારિયેળની શિખાઓમાં પૉઝિટિવ એનર્જીનો વાસ હોય છે અને એમાં રહેલું જળ તત્વ તમામ વાસ્તુ દોષોને દૂર કરે છે. જ્યોતિષશાસ્ત્રના મતે સફેદ અને જળવાળા સ્થાન પર ચંદ્રનો વાસ હોય છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે મનનું શાંત હોવું જરૂરી છે.

વર્લ્ડ કોકોનટ ડે શું કામ ઊજવાય છે?

કોકોનટના ફાયદાઓ વિશે અને કોકોનટના બિઝનેસનો વિસ્તાર વધારવા માટે એશિયન ઍન્ડ પૅસિફિક કોકોનટ કમ્યુનિટીની ૧૯૬૯ની બીજી સપ્ટેમ્બરે સ્થાપના કરવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર એનો સ્થાપના દિન હોવાથી એ દિવસથી વર્લ્ડ કોકોનટ ડેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. કોકોનટનું પ્રોડક્શન કરતા ૧૮ દેશો આ વિશિષ્ટ કમ્યુનિટીના સભ્ય છે. બધા સામૂહિક ધોરણે કોકોનટની બનાવટને વિશ્વભરમાં પ્રસરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તમને ખબર છે?

જેમ એકમુખી રુદ્રાક્ષનું મહત્વ છે એ જ રીતે એકાક્ષી શ્રીફળ પણ ખૂબ જ મૂલ્યવાન અને પૂજનીય ગણાય છે. મોટે ભાગે નારિયેળની શિખાના ભાગમાં ત્રણ બાજુએ ત્રણ કાળાં ટપકા હોય છે. આ ત્રણ ટપકાંને શંકર ભગવાનની ત્રણ આંખ તરીકે ઓળખવામાં આવે છે. જોકે કેટલાંક શ્રીફળમાં આવું એક જ ટપકું હોય છે જેને એકાક્ષી શ્રીફળ તરીકે ઓળખાય છે. જ્યોતિષશાસ્ત્રના કેટલાક પંડિતો મુજબ આ એકાક્ષી શ્રીફળ અંગત જીવનની સમસ્યાઓથી લઈને આર્થિક, વ્યાપારિક, કાયદાકીય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK