ગોવિંદા આલા રે...

કેવી હાલત થાય? નવ થર એટલે લગભગ ૪૫ ફુટની હાઇટ. પાંચ માળનું બિલ્ડિંગ જ સમજોને. આટલી ઊંચાઈ પર એક પર એક ચડીને જવાની મુંબઈના ગોવિંદાઓની ખાસિયતે આખા વિશ્વમાં ડંકો વગાડ્યો છે. કઈ ખૂબી છે જેનાથી તેઓ આટલી ઊંચાઈ પર પહોંચી શકે છે? બીજું, દર જન્માષ્ટમીએ લગભગ બસોથી વધુ ગોવિંદાઓ ઘાયલ થવાના અને કેટલાક મૃત્યુ પામવાના બનાવો પણ બને છે. સામાજિક કાર્યકરોના હસ્તક્ષેપથી સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષથી નાનાં બાળકોને આમાં સામેલ ન કરવાની તેમ જ રાજ્ય સરકારને ગોવિંદાઓ માટે ગાઇડલાઇન બનાવવાની હિદાયત પણ આપી છે. ગોવિંદાઓ અને તેમની કાર્યપ્રણાલી સાથે સંકળાયેલી આવી કેટલીક વાતો વાંચો આગળ...

handi1

રુચિતા શાહ

જોરદાર ટીમવર્ક અને પોતાના પર તેમ જ પોતાની ટીમના સભ્યો પર જોરદાર આત્મવિશ્વાસ હોય ત્યારે માનવ-પિરામિડ બનાવીને તમે મટકી ફોડવામાં સફળ થઈ શકો.

દહીહંડી માટે ગોવિંદાને ટ્રેઇનિંગ આપતા લગભગ બધા જ કોચ આ એક વાત પર સહમત થાય છે. પ્રત્યેક ગોવિંદાની પર્સનલ ફિટનેસ ઉપરાંત એકબીજાની આવડત પર ભરોસો ન હોય અને સાથે મળીને પોતાના હિસ્સામાં આવેલી જવાબદારીને સારી રીતે નિભાવવાની ત્રેવડ ન હોય ત્યાં સુધી નવ થર તો શું, બે થરની મટકી ફોડવી પણ શક્ય નથી. થર એટલે તો તમે સમજી જ ગયા હશો. સૌથી નીચે કૂંડાળું વળીને એકબીજા સાથે ખભેથી ખભા મિલાવીને ઊભા રહેલા લોકો પહેલો થર કહેવાય. તેમના પર ચડીને આ જ રીતે કૂંડાળું વળીને ખભા મિલાવીને ઊભા રહેનારા બીજો થર ગણાય અને આ જ રીતે ત્રીજો થર, ચોથો થર, પાંચમો થર..થી છેક નવ થર સુધી. પૈસા, પાવર અને સેલિબ્રિટી આવવાથી હવે દહીહંડી કોઈ સામાન્ય રિચ્યુઅલનું પ્રતિબિંબ રહી નથી. ભગવાન કૃષ્ણના જન્મ પછી તેમના જીવનની ખૂબ મહત્વની ઘટનાને સિમ્બૉલિક ધોરણે રજૂ કરવા માટે દહીહંડીની પરંપરા શરૂ થઈ હોવી જોઈએ. જોકે આજે એ ધાર્મિક પરંપરા ઓછી અને સ્પર્ધારૂપ વધુ બની છે. લાખો રૂપિયાનાં ઇનામો સ્પર્ધાને કારણે જ જન્મ્યાં છે. સૌથી વધુ થર બનાવીને મટકી ફોડનારાં મંડળો લાખો રૂપિયાનાં ઇનામો માત્ર આ એક દિવસમાં કમાઈ લે છે.

આ વર્ષે મુંબઈમાં ગોવિંદા ઉત્સવ થોડો વધુ ખાસ થવાનો છે. હવે મુંબઈમાં દહીહંડીના હબ બની ગયેલા થાણેના દહીહંડીના આયોજકોએ આ ઉત્સવ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરવાની જાહેરાત કરી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા થાણેના જુદા-જુદા એરિયામાં યોજાતા દહીહંડીના કાર્યક્રમમાં કેટલાક પક્ષોએ તો ૫૦ લાખ રૂપિયા સુધીનું ઇનામ પણ જાહેર કરી દીધું છે. બીજી બાજુ દહીહંડી મંડળોએ પણ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ થર બનાવીને ઇનામની રાશિ જીતવાની તૈયારી પણ કરી લીધી છે. તેમની સુરક્ષા અને તૈયારીઓ વિશે વિગતવાર વાતો કરીએ.

સુરક્ષાની શરૂઆત

મુંબઈ અને મહારાષ્ટ્રનાં દહીહંડી મંડળોની વન ઍન્ડ ઓન્લી પિતૃસંસ્થા એટલે દહીહંડી સમન્વય સમિતિ અંતર્ગત અત્યારે લગભગ ૯૫૦ ઑફિશ્યલ દહીહંડી મંડળો રજિસ્ટર્ડ છે.

દહીહંડી સમન્વય સમિતિના પદાધિકારી અજય બારી કહે છે, ‘છેલ્લાં થોડાંક વર્ષથી દહીહંડીનાં મંડળોમાં એજ-બાર અને માનવ-પિરામિડની હાઇટને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો, જેને ધ્યાનમાં રાખીને જ અમે આ સમન્વય સમિતિનું ગઠન કરીને એમાં તમામ મંડળોને એકછત્ર નીચે લાવીને આ કેસ માટે રિટ પિટિશન નાખી, જેનો ગયા વર્ષે ચુકાદો આવ્યો છે. એમાં સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકોને ન લેવાનું તેમ જ મેડિક્લેમથી લઈને મંડળના સભ્યો માટે તમામ સેફ્ટી-મેઝર્સનું ધ્યાન રાખવાનું કહ્યું છે, જે વિશે અમે તમામ મંડળોને ગાઇડલાઇન આપી દીધી છે. મંડળો માટે દસ લાખ રૂપિયા અને પાંચ લાખ રૂપિયાની મેડિક્લેમ પૉલિસી પણ શરૂ કરી છે જેમાં ગુરુપૂર્ણિમાંથી લઈને દહીહંડીના બીજા દિવસે સવારે છ વાગ્યા સુધીના સમયમાં મંડળના કોઈ પણ સભ્યને હૉસ્પિટલાઇઝ થવું પડે એવી ઇન્જરી થાય તો પાંચ લાખ રૂપિયા અને મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ ઓરિયેન્ટલ કંપની સાથે ટાઇ-અપ કરીને શરૂ કર્યો છે, જેનું ૭૫ રૂપિયા પ્રીમિયમ છે.’

handi

મંડળો અને મની

આજે મુંબઈમાં મંડળો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલતી હોય છે. ખાસ કરીને આયોજકો પાસેથી ઇનામની રકમ મેળવવા માટેની દોડ એટલી તીવ્ર હોય છે કે એમાં ઘણી વાર ભાન ભૂલી જવાતું હોય છે. થાણેની દહીહંડીના આયોજકો દ્વારા ઇનામની મોટી રકમ આપવામાં આવે છે. પચીસ હજારથી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની રકમ એક-એક મંડળ આ એક દિવસમાં કમાતાં હોય છે. કેટલાંક ફેમસ મંડળોને આયોજકો આમંત્રણ આપે છે. કેટલાંક મંડળો સામેથી સંપર્ક કરીને એમને કેટલું ઇનામ આપવામાં આવશે એની ચર્ચા કરીને પોતાનું આખા દિવસનું શેડ્યુલ બનાવે છે. થોડાંક વર્ષ પહેલાં રાજનેતા રામ કદમે એક કરોડ રૂપિયાની દહીહંડીની જાહેરાત કરી હતી. જોકે દહીહંડીનાં મંડળોના કહેવા મુજબ આ રકમમાં રામ કદમે તમામ મંડળોને આપેલી ટોટલ રકમ અને આયોજન માટે સ્ટેજ બાંધવાથી લઈને લોકોને ઇન્વાઇટ કરવા સુધીનો તમામ ખર્ચ જોડીને એની જાહેરાત કરી હતી. થાણે પછી વરલીમાં પણ લાખોનાં ઇનામવાળી દહીહંડી થતી હતી. જોકે ગયા બે વર્ષથી કોર્ટકેસને કારણે એ મોકૂફ કરવામાં આવી હતી. ઇનામની રકમની જેમ ગોવિંદા મંડળોની ગુડવિલ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે અત્યારે જય જવાન ગોવિંદા પથક નામનું મંડળ ૨૦૧૨થી મુંબઈના ટૉપ થ્રી મંડળોમાં આવી ગયું છે. આ ગ્રુપે ત્રણ મિનિટ અને ૨૭ સેકન્ડમાં નવ અને દસ થરના માનવ-પિરામિડ બનાવીને ૨૦૧૨ અને ૨૦૧૭માં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા હતા. એવી જ રીતે માઝગાવ દક્ષિણ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ અને હિન્દુ એકતા ગોવિંદા પથક જેવાં કેટલાંક ટોચનાં મંડળો છે જેઓ આઠ થરના પિરામિડ બનાવવા માટે ફેમસ છે. એકલા જોગેશ્વરીમાં ૬૮ રજિસ્ટર્ડ ગોવિંદા મંડળો છે.

જય જવાન ગોવિંદા પથકના કોચ સંદીપ ઢવળે કહે છે, ‘આ વર્ષે અમે નવ થરની પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ. એ કોશિશ કરીશું જોકે સુરક્ષિતતા સાથે દહીહંડી એ અમારો પહેલો ટાસ્ક છે. આઠ થરમાં પર્ફેક્શન અને પહેલા જ અટેમ્પ્ટમાં સફળતા એ બે બાબતનું ધ્યાન રાખીને ખૂબ સારી રીતે છેલ્લા બે-અઢી મહિનાથી મંડળના ૪૫૦ સભ્યોની ટ્રેઇનિંગ ચાલી રહી છે.’

આગળ કહ્યું એમ હવે મોટા ભાગના આયોજકો રાજનેતાઓ છે. તેમના આયોજનમાં લાખોનાં ઇનામો સાથે સેલિબ્રિટીઝનું ગ્લૅમર અને વિશાળ સ્ટેજ, મ્યુઝિક અને ઑડિયન્સ સાથે આખા કાર્યક્રમને અલગ રોનક આપવાનો ટ્રેન્ડ છે. ઓછામાં ઓછા દોઢસો અને વધારેમાં લગભગ ૫૦૦ જેટલા મંડળના સભ્યો સાથે લગભગ બીજા બસો-ત્રણસો માણસોનો કાફલો મંડળ સાથે જોડાઈ જતો હોય છે. એટલે ટૉપ મંડળો ટ્રક, બસ અને ટૂ-વ્હીલર્સ ભરી-ભરીને રસ્તા પરથી નીકળતાં હોય છે અને આયોજકના સ્થાન સુધી પહોંચતાં હોય છે. ૫૦૦ ગોવિંદા ધરાવતા માઝગાવ દક્ષિણ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કોચ અને દહીહંડી સમન્વય સમિતિના કાર્યાધ્યક્ષ અરુણ પાટીલ કહે છે, ‘આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં મટકીમાં ત્રણ અને ચાર થર તો બહુ ગણાતા. આજે પણ એનું શાસ્ત્રીય અને ધાર્મિક મહત્વ તો છે જ પણ સાથે સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે પણ એ મહત્વપૂર્ણ બની રહ્યું છે. એ સમયે આજ જેટલી કોઈ વ્યવસ્થા નહોતી. બધા મટકીના આગલા દિવસે ભેગા થતા અને કોઈ તૈયારી વિના નીકળી પડતા. આજે ટ્રેઇનિંગ લઈને સુરક્ષાનું ધ્યાન રાખીને ગ્રાઉન્ડ પર આવવાનું હોય છે. એ પછી પણ તમે ઇન્જરીના કિસ્સાઓ સાંભળો છો તો એમાં મોટા ભાગના કિસ્સાઓમાં બાઇક પરથી પડવાને કારણે અથવા ટ્રકમાં કંઈક લાગી જવાને કારણે જેવાં કારણ વધારે હોય છે. ૨૦૦૮માં નવ થરનો રેકૉર્ડ અમે બનાવ્યો હતો. ત્રણ એક્કાની શરૂઆત પણ અમે જ કરી હતી. એટલે એક ઉપર એક ઉપર એક એમ ત્રણ થરનો પિરામિડ હોય. હવે ડિસિપ્લિન અને ટ્રેઇનિંગ મહત્વની બની છે જે સારી બાબત છે.’

સામાન્ય રીતે એક હ્યુમન પિરામિડને બનવામાં લગભગ ચારથી પાંચ મિનિટ લાગતી હોય છે. અફકોર્સ ગોવિંદાઓની ટ્રેઇનિંગ કેવી છે એના પર એનો આધાર છે. જોકે મોટા ભાગે નવ પિરામિડ બનાવ્યા પછી હાર્ડ્લી દસથી પંદર સેકન્ડની સલામી આપ્યા પછી મટકી તો છ કે સાત પિરામિડ પર જ ફોડવામાં આવે છે, કારણ કે મટકી ફોડવા માટે પિરામિડને લાંબો સમય જાળવી રાખવો પડતો હોય છે જે નવ લેયરમાં શક્ય નથી હોતું. જય જવાન ગોવિંદા પથકનો ઍક્ટિવ મેમ્બર ડેવિડ પોતાની પ્રૅક્ટિસ-ટ્રેઇનિંગ વિશે વાત કરતાં કહે છે, ‘અમે બધા જ વર્કિંગ છીએ એટલે છેલ્લા બે મહિનાથી રોજ રાત્રે નવ વાગ્યે જોગેશ્વરીમાં ભેગા થઈએ અને રાતે સાડાબાર વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરીએ. મંડળમાં કેટલાક સભ્યો વસઈ અને વિરારથી પણ આવે છે. અમારા મંડળને જે પણ ઇનામની રકમ મળે એ સામાજિક કાયોર્માં જ વાપરવામાં આવે છે. આમાં સામેલ થવાથી અમને માત્ર ને માત્ર મજા મળે છે. મંડળના સભ્યો વચ્ચે આપસમાં મિત્રતા વધી છે. કૉન્ફિડન્સ-લેવલ અમારું વધ્યું છે. આજે દહીહંડીમાં માત્ર મટકી ફોડનારા લોકોનું ગ્રુપ નથી હોતું પણ બીજી પણ ઘણી કમિટીઓ હોય છે. જેમ કે બધાના જમવાની વ્યવસ્થા એક કમિટી કરે, શેડ્યુલ બનાવવાની જવાબદારી એક કમિટીની હોય. અમે ક્યાં જઈશું, કેવી રીતે જઈશું, કયો રૂટ પકડીશું એ એક કમિટી નક્કી કરે. પ્રાઇઝનું કલેક્શન એક કમિટી કરે, મેમ્બર્સના લોકોનું મૅનેજમેન્ટ એક કમિટી કરે. એટલે પિરામિડ બનાવવા માટે જેટલા મૅનેજમેન્ટની જરૂર પડે છે એટલી જ જરૂરિયાત એ આખા દિવસની વ્યવસ્થા કરવામાં પણ લાગે છે.’

મહિલાઓ પણ

અજય બારી અને તેમનાં પત્ની આરતી મહિલાઓનું ગોવિંદા મંડળ ચલાવે છે : સ્વસ્તિક મહિલા દહીહંડી પથક. આ પથકની કોચ આરતી બારી કહે છે, ‘૧૪ વર્ષથી પંચાવન વર્ષ સુધીની ૧૨૫ મહિલાઓ અમારા મંડળમાં છે અને મોટા ભાગની ખો-ખો અને કબડ્ડી રમનારી મહિલાઓ છે. ગુરુપૂર્ણિમાંથી પ્રૅક્ટિસ શરૂ થઈ જાય છે. જોકે સ્પોર્ટ્સ લેડી હોવાને કારણે તેમની નિયમિત તાલીમ પણ ચાલુ રહે છે જેથી ઇન્જરીની શક્યતાઓ ઘટી જાય છે. બીજું, અમે બૅલૅન્સિંગ પર વિશેષ ધ્યાન આપીએ છીએ. કેટલા લેયરનો માનવ-પિરામિડ બનાવ્યો એનું મહત્વ નથી, પણ એ બનાવ્યા પછી તમે કેટલો સમય સ્ટેબલ રહી શક્યા એનું મહત્વ છે. એ બાબતમાં અમે વિશેષ કામ કરીએ છીએ. અમે છ લેયરનો પિરામિડ બનાવીને અત્યારે મટકી ફોડવામાં સફળ થયાં છીએ.’

આ મંડળ ગોરેગામમાં છે અને દર વર્ષે સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી મહિલાઓનું આ ગ્રુપ મુંબઈના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડવા માટે નીકળી પડે છે. એકલા ગોરેગામમાં જ મહિલાઓનાં આવાં ચાર મંડળો છે. આખા મુંબઈમાં માત્ર મહિલાઓનાં જ ૫૦થી ૬૦ મંડળો છે. દહીહંડીમાં વધી રહેલું મહિલાઓના પ્રમાણ પાછળનું એક રમૂજભર્યું પણ સાચું કારણ આપતાં અજય બારી કહે છે, ‘હવે મહિલાઓમાં સોશ્યલ મીડિયાને કારણે મટકીનો ક્રેઝ વધી રહ્યો છે. દંહીહંડીના ફોટો ફેસબુક પર મૂકવાની તેમની ચાહ તેમને ગમેએટલી મહેનત કરવી પડે તો પણ પાછળ નથી રાખતી. મહિલાઓની સ્ટ્રેંગ્થ પણ જોરદાર હોય છે.’   

આ મંડળોને પણ સ્પૉન્સરો મળી રહે છે જેઓ તેમના માટે ટી-શર્ટ, ટ્રૅક-પૅન્ટ, ખાવા-પીવાની વ્યવસ્થા, ટ્રક અને બસની વ્યવસ્થા કરી આપે છે. બદલામાં તેમની કંપનીના નામનું ટી-શર્ટ અને બસ-ટ્રક પર તેમની બ્રૅન્ડનું બૅનર લગાવવાનું હોય છે. ઘણાં મંડળો ટ્રેઇનિંગ વિના જ સીધાં મેદાનમાં ઊતરે છે અને ઇન્જરી થાય છે. આખા પિરામિડમાંથી એક પણ વ્યક્તિ જો ફસકી જાય તો આખો પિરામિડ તૂટી પડે છે. એકતા અને પરસ્પર જવાબદારીપૂર્વકના આત્મવિશ્વાસનું આ તહેવાર શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK