ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ ૨૮૪

ભૂપતની આંખ સામે ફરીથી એ જ દૃશ્ય આવી ગયું જે દૃશ્ય ભૂલવા માટે તે મહિનાઓથી મહેનત કરતો હતો અને એ ભુલાતું નહોતું.

નવલકથા - રશ્મિન શાહ

માણસની આ જ મજબૂરી છે. જે ભૂલવાનું હોય એ એને વીસરાય નહીં અને જે યાદ રાખવાનું હોય એ વાત ભૂલવાની તસ્દી વિના યાદશક્તિના ખૂણે જઈને બેસી જાય.

મીરા.

ભૂપતની આંખો સામે મીરાની યાદોનો ઢગલો થઈ ગયો.

મીરા સાથે થયેલી પહેલી મુલાકાતથી માંડીને છેક અંતિમ ક્ષણો. મીરાએ જીવ પોતાના હાથમાં છોડ્યો હતો. જીવ છોડ્યો એની થોડી ક્ષણો પહેલાં જ તે ભૂપતને મળવા અને કહેવા આવી હતી કે આ બધું છોડીને હવે શાંતિની જિંદગી નવેસરથી શરૂ કરવા શરણાગતિ લઈ લે. શરણાગતિની આ વાત પર ભૂપત અમુક અંશે સહમત થવાની તૈયારી પર હતો અને ત્યારે જ ફોજદારે હુમલો કર્યો અને ફોજદારના એ હુમલામાં મીરાનો જીવ ગયો. મીરા સાથે અધૂરી રહી ગયેલી એ પ્રેમકહાની પછી ભૂપતે લગ્ન કર્યાં અને એ લગ્ન થકી બાળકો પણ થયાં, પરંતુ એ લગ્ન પાછળ એક જુદી જ વાર્તા હતી અને એક જુદી જ કહાનીએ ભાગ ભજવ્યો હતો.

€ € €

‘ચાચુ, વો બાત આપને નહીં બતાયી અભી તક.’ ઇબ્રાહિમના સવાલથી કાળુના કાન સરવા થયા, ‘દાદુ કૈસે વો નિકાહ કે લિએ રાજી હો ગએ?’

‘ઉસમેં હુઆ થા ઐસા કિ...’

કાળુએ વાતની શરૂઆત કરી કે તરત ઇબ્રાહિમે જ તેમને અટકાવવા પડ્યા હતા. મૂળ વાત નવેસરથી વીસરાઈ ન જાય કે પછી વાત કોઈ નવા ફાંટા પર ચાલી ન જાય એ માટે ઇબ્રાહિમે જ તેમને રોક્યા અને કહ્યું, ‘ચાચુ, બાદ મેં, અભી નહીં. અભી તો વો હી બાત કરો... વો કૌન થા બંદા...’

છેલ્લા બે-અઢી દિવસમાં એટલાં બધાં કૅરૅક્ટરોની વાત ઇબ્રાહિમે સાંભળી લીધી હતી કે તેને ખોડીદાસના દીકરાનું નામ યાદ કરવામાં સહેજ વાર લાગી, પણ એ યાદ આવી ગયું ખરું.

‘પ્રતાપ. હા, પ્રતાપ. આપ પહલે વો બાત ખતમ કર લો.’

‘હં...’

‘આપકો કુછ ચાય-પાની...’

કુતુબે ના પાડી એટલે ઇબ્રાહિમ ઊભો ન થયો, પણ જો તે ઊભો થઈ ગયો હોત તો ઇતિહાસ જુદો હોત અને એની વાત પણ બદલાઈ ગઈ હોત.

€ € €

ભૂપતને જે ભૂલવું હતું, જે વીસરી જવું હતું એ જ વાત તેની પાછળ પડી હતી. તેની આંખોની સામે ભૂતાવળ બનીને નાચતી હતી. એ રાતે પણ એ જ હાલત હતી ભૂપતની. કાળુ માટે તો માત્ર કલ્પનાઓનો જ હિસાબ હતો અને એ કલ્પના પરથી જ તેણે તાળો માંડીને ચાલવાનું હતું જે અશક્ય હતું. ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જેમાં ભૂપતનો જીવ કહેવાય એવી મીરાએ જીવ આપ્યો હતો.

‘મારી દીકરીઓ નિર્દોષ છે સાહેબ...’

મામાએ ભૂપતના પગ પકડી લીધા હતા.

‘તેને હેરાન નઈ કરો, તે બિચારી નાદાન છે.’

‘મારી મીરા પણ નિર્દોષ હતી...’ ભૂપતના શબ્દો સાથે જ સન્નાટો છવાઈ ગયો, ‘તેણે પણ કોઈ ગુનો નહોતો કર્યો, કોઈ વાંક પણ નહોતો તેનો. તે તો બિચારી માત્ર મને સમજાવવા માટે આવી હતી ને... બુઢિયા, હું તેની વાત માની પણ ગયો હતો, પરંતુ...’

ભૂપતની આંખ સામે ફરીથી એ જ દૃશ્ય આવી ગયું જે ભૂલવાની કોશિશ તે લાંબા સમયથી કરી રહ્યો હતો, પણ એ વીસરાઈ નહોતું રહ્યું. ભૂપતની આંખો ભીની થવા માંડી અને એ ભીની આંખોમાં ક્યાંક ને ક્યાંક મીરાની અધખુલ્લી આંખ ઝળકી ગઈ.

‘પણ... શું થયું?’

મામાએ સવાલ કર્યો અને મામાનો સવાલ વાજબી હતો. તેમને હજી સુધી ખબર જ નહોતી કે ભૂપત બહારવટિયો શું કામ તેના ઘરમાં આવ્યો છે. નગરશેઠના કે પછી શ્રીમંત જમીનદારના ઘરમાં ડાકુ આવે તો એ સમજી શકે, માની શકે અને તેણે ક્યાંક છાના ખૂણે ધારણા પણ રાખી હોય; પણ મામા તો મધ્યમવર્ગી અને રોજબરોજની જિંદગીને ધક્કા મારીને પસાર કરનારા. ખોડીદાસે આવીને ઘરમાં ખર્ચાઓ શરૂ કર્યા, પણ શરૂઆતના દિવસો તો તેણે પણ હાથ બાંધી રાખ્યો હતો. મામા માટે તે ભાણિયો હતો એટલે તેમને તો ખર્ચની ચિંતા નહોતી, પણ મામીના મનમાં તો સનેપાત ઊપડી જ ગયો હતો કે ખાવામાં ભાગ પડાવવાવાળો એક વધી ગયો.

‘કાંયક ક્યો તો સુઝકો પડે બાપલા, નાનો માણાં છું. ભૂલ થઈ હશે તો જોડું મોઢામાં લઈને ગામમાં ફરીશ.’ મામાએ હજી પણ ભૂપતસિંહના પગ છોડ્યા નહોતા, ‘કાંયક ચોખવટ કરો બાપલા, ચોખવટ કરો.’

જવાબ આપવાને બદલે ભૂપતે હાથ ખાટલા નીચે કરીને ખાટલા નીચેથી ખોડીદાસને ખેંચી લીધો.

‘આ નરાધમને કારણે તે છોકરીએ જીવ આપ્યો...’

સન્નાટો છવાઈ ગયો, બધા હેબતાઈ ગયા. જે માણસને શોધવાનું કામ બહાર ચાલતું હતું એ માણસ ઓરડામાંથી જ અને એ જ ખાટલા નીચેથી નીકળ્યો જેના પર તે સૂતો હતો. ભૂપતે ખોડીદાસને તેના પગથી ઝાલીને બહાર ખેંચ્યો હતો અને સિંહ જે રીતે હરણને ગરદનથી પકડે એ રીતે ખેંચ્યો હતો. ખોડીદાસનું ધ્યાન ભૂપત તરફ હતું પણ નહીં. તે તો દીવાલ તરફ મોં કરીને ચૂપચાપ પડ્યો હતો. શ્વાસનો અવાજ પણ ન આવે એનું ધ્યાન તે રાખતો હતો અને એ પછી પણ તે પકડાઈ ગયો હતો.

‘આ હરામખોરની ચુગલીએ મારી મીરાનો જીવ લીધો... મારી મીરાનો અને મારી બેનનો પણ... આ માણસની ચુગલીને કારણે દસ દિવસનું બચ્ચું જીવતું ભૂંજાયું અને આ હરામીને કારણે મારી મા જેવી બિજલે પણ જીવ આપવો પડ્યો.’

‘ભૂપતસિંહ, મારી ભૂલ થઈ ગઈ...’ ખોડીદાસે કરગરવાનું શરૂ કર્યું, ‘તમારો બદલો તમે કહેશો એ રીતે ચૂકવીશ, મને માફ કરી દો.’

સટાક...

ખોડીદાસના ગાલ પર ભૂપતે તમાચો ઝીંકી દીધો.

€ € €

એ સમયે ખોડીદાસના ગાલ પર જેવી તમ્મર ચડી ગઈ હતી એવી જ તમ્મર અત્યારે પ્રતાપના ગાલ પર ચડી ગઈ હતી. આંખોમાં અંધારાં છવાઈ ગયાં હતાં અને મસ્તકમાં તમરાં બોલવા માંડ્યાં હતાં. એ થપ્પડનો ચચરાટ આટલાં વર્ષોથી પ્રતાપના ગાલ પર હતો, પણ આઝાદી અને આઝાદી પછી દેશ જે રીતે આગળ વધવા માંડ્યો હતો એની વચ્ચે ક્યાંક અલોપ થઈ ગયો હતો. હા, એ પણ એટલું જ સાચું હતું કે જ્યારે પણ બાપને જોતો ત્યારે પ્રતાપના ગાલ પર આ થપ્પડના સોળ ઊપસી આવતા.

€ € €

‘માફીની કોઈ વાત મને જોઈએ નહીં...’

ભૂપત ચિલ્લાયો હતો. ખોડીદાસે હજી તો કોઈ વાત કરી નહોતી, માફી માગી નહોતી અને એ પછી પણ ભૂપતસિંહે સીધો જ આદેશ કરી દીધો હતો અને આદેશની સાથોસાથ તેણે ધમકી પણ આપી દીધી હતી.

‘જેટલી વધારે માફી માગીશ એટલો વધારે રિબાવીશ તને યાદ રાખજે...’

ખોડીદાસની તો બોલતી બંધ થઈ ગઈ અને મામા તથા હાજર રહેલા બીજા સભ્યોની બોલતી બંધ ભૂપતની હવે પછીની ત્રાડથી થઈ.

‘ઘરમાંથી જે કોઈ પકડાયું છે એમને બધાને બહાર ફળિયામાં લઈ આવો.’

‘ભૂપતબાપુ, મારી દીકરીઓને છોડી દો...’

મામાએ હાથ જોડ્યા. તેની આંખ સામે ભૂપતનું વિકરાળ રૂપ અકબંધ હતું. તેને ડર હતો કે ભૂપત અને તેના સાથીઓ તેની દીકરીઓને પીંખી નાખશે. જોકે એવું કંઈ થયું નહીં. ભૂપતે આશ્વાસન આપતાં કહ્યું : ‘દીકરીઓની કે તારી બૈરીની ચિંતા નહીં કર. પાપી છું એ સાચું છે પણ દુરાચારી નથી...’

મામા ભૂપતના પગમાં પડી ગયા. તેમની ધારણા હતી કે ભૂપત તેમને પગમાંથી ઊંચકશે, પણ તેમની એ ધારણા ખોટી પડી. ભૂપતે મામાનાં જડબાં પર એક લાત જડી દીધી.

‘સાલ્લા, ભાણિયો સંતાયો છે એ તને ખબર છે એ પછી પણ અમારી સામે નાટક ચાલુ રાખે છે?!’

‘મારી ભૂલ થઈ ગઈ... મને માફ કરી દો. સગી બેનના જણેલા દીકરાની ફિકર તો કોઈ પણ મામાને થઈ આવેને... બાપુ, જો ભાણેજનું ન જાળવું તો કોનું રાખું હું? તમે જ કહો, મારે કોના માટે ભોગ આપવો?’

ભૂપતે મામાની આંખોમાં જોયું. તેને એ આંખોમાં બાળ ભૂપત અને તેનો હસમુખો ચહેરો દેખાઈ આવ્યો. ભૂપતે દાંત ભીંસ્યા.

‘આભાર મામા, મારા ભાણિયાને તો હું ભૂલી જ ગયો હતો...’

સટાક.

ભૂપતે મામાના ગાલ પર એક થપ્પડ ઝડી દીધી. જમૈયાને કારણે હોઠ પર થયેલો ઘા આ થપ્પડના કારણે વધારે વકરી ગયો. એમાંથી વહી રહેલા લોહીની ધાર હવે મોટી થઈ ગઈ.

‘તારા આ ભાણિયાને કારણે મેં મારો ભાણિયો ગુમાવ્યો. એવો ભાણિયો જે હજી તો મામા બોલતાં પણ શીખ્યો નહોતો... તારી વાત સાચી છે. ભાણેજનું પેટમાં બળવું જોઈએ. બળવું જ જોઈએ અને બળતું જ રહેવું જોઈએ...’

‘મારો કહેવાનો અર્થ...’

‘અરે, માય ગ્યો તારો અરથ... હું તારો અરથ સમજવા આંય આવ્યો છું?’ ભૂપત તાડૂક્યો, ‘લઈ લો આ બેયને બહાર... રડતા ભુલાવી દેવાનું છે બેઉનું.’

મામા અને ભાણેજને સાથીઓએ પકડ્યા કે તરત જ બન્નેએ રોકકળ આદરી દીધી. મામા-ભાણેજની આ રોકકળ વચ્ચે પણ સાથીઓએ તેમને તાણીને ફળિયામાં લઈ આવવાનું કામ કર્યું. આ કામ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ભૂપત ફળિયામાં પહોંચી ગયો હતો અને ઘરની મહિલા સભ્યોની સાથે વાત કરી રહ્યો હતો.

‘નામ ભૂપત, ભૂપતસિંહ ચૌહાણ... કાલ સવારે પોલીસ આવે તો એકેય વાત છુપાવવાની જરૂર નથી. કહેજો વિના સંકોચે કે ભૂપત આવ્યો હતો...’ ભૂપતે બુકાની ખોલી નાખી, ‘ચહેરો પણ વિના સંકોચે વર્ણવી દેજો ને ઓ’લો રેખાચિત્રવાળો આવે તો તેની સામે વર્ણન પણ કરી દે જો.’

‘ભાઈ, બધી વાત સાચી... તમારે ખોડીદાસનું જે કરવું હોય એ કરો. વાંધો નઈ, પણ મારા વરને છોડી દો. ઈ બિચારા ભોળા મા’ણા છે.’

‘જો એ ભોળીયો હોત તો પાપીને સંતાડવામાં સાથ આપવાનું પાપ ન કરતા હોત...’

‘ઈ તો બિચારાથી ભૂલ થઈ ગઈ...’

‘ભૂલ થઈ તો એની સજા પણ હોયને...’ ભૂપતે કટાક્ષ સાથે કહ્યું, ‘વચન આપું છું તમને, ભૂલની સજા આપીને છોડી દઈશ તેને.’

‘ભાઈ, માફ કરી દોને. બારોટ છીએ. દુઆ દેશું...’

‘દુઆની જેને જરૂર હતી તેનો તો તમે જીવ લઈ લીધો. હવે શું કરવાનું તમારી દુઆને...’ ભૂપત ફરી એક વાર ભડકી ગયો. તે સાથીઓ તરફ ફર્યો, ‘એકેએક ઘરે જઈને જુઓ. બારોટનાં ઘર ક્યાં-ક્યાં છે. બારોટનાં ઘર મળે એ બધા પુરુષોને સાલ્લાઓને પકડીને લઈ આવો...’

સાથીઓ રવાના થયા, પણ કાળુએ ભૂપત તરફ પગ ઊંચક્યો. ભૂપતનું આ રૂપ તે પહેલી વાર જોઈ રહ્યો હતો. હકીકત એ પણ હતી કે કાળુને ભૂપતનો ડર લાગવા માંડ્યો હતો. કાળુને ભૂપતને વારવો હતો, તેને શાંત કરવો હતો અને શાંત કરીને, કામ પૂÊરું કરીને તે અહીંથી રવાના થવા માગતો હતો. જોકે ભૂપતના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. અતિશય ક્રૂર વિચારો વચ્ચે ઘેરાયેલા ભૂપતે કાળુને પોતાના તરફ આવતો જોઈને તેને દૂર જ રોકી દીધો.

‘મને અત્યારે એકેય સાધુ-બાપુના ભાષણમાં રસ નથી. ત્યાં જ ઊભો રહેજે.’

કાળુ સમસમી ગયો. આ અગાઉ ભૂપતે ક્યારેય આ પ્રકારની બોલી પોતાના માટે વાપરી નહોતી. ક્યારેય નહીં. એવું નહોતું કે બન્ને વચ્ચે ક્યારેય ઝઘડો ન થયો હોય. ઝઘડો થયો હોય તો પણ જાહેરમાં તો ભૂપતની ભાષા અને ભૂપતના શબ્દો મીઠાશવાળા જ રહ્યા હોય, પણ આજની વાત જુદી હતી. આજે ભૂપત કોઈ જુદી જ દુનિયામાં હતો અને જુદી જ વ્યક્તિ તરીકે વર્તી રહ્યો હતો. કાળુને ફરી એક વખત માતાજી યાદ આવી ગયાં. માણસ જ્યારે લાચાર થઈ જતો હોય છે ત્યારે તે પથ્થરની દિશામાં આગળ વધી જતો હોય છે. કાળુ પાસે પણ એ જ લાચારી હતી જે લાચારી તેને પથ્થરની દિશામાં ખેંચી જતી હતી.

‘હે મા, બધું તારા હાથમાં છે. ભૂપત પોતાને કોઈ નુકસાન ન કરી બેસે એટલું ખાલી ધ્યાન રાખજે. તારો આભારી રહીશ.’

કાળુની માતાજીને પ્રાર્થના ચાલતી હતી ત્યારે ભૂપતે મામા અને ભાણેજને આડે હાથે લીધા હતા. લાત, મુક્કા અને બંદૂકના કુંદાનો અપરંપાર માર ખાઈને

મામા-ભાણેજ અધમૂઆ જેવા થઈ ગયા હતા. બન્નેને લાચારી વ્યક્ત કરવી હતી, માફી માગવી હતી, ભૂપતની મોજડી મોઢામાં લઈને વિનંતી કરવી હતી; પણ એ કંઈ કરી શકે એવી શારીરિક ક્ષમતા તેમની રહી નહોતી. એકધારો માર મારી રહેલા ભૂપતના હાથ અને પગ ત્યારે અટક્યા જ્યારે ઘરમાં સાથીઓ દાખલ થયા.

સાથીઓની સાથે નવ અન્ય લોકો પણ હતા.

‘સરદાર, આ બારોટ છે...’

ભૂપતે એકેએકના ચહેરા ધ્યાનથી જોયા. ભૂપત ચહેરા જોઈ રહ્યો હતો ત્યારે ગામમાં રોકકળ શરૂ થઈ ગઈ હતી. અનેક ઘરની મહિલાઓ દરવાજા ખખડાવી રહી હતી તો કેટલીક વળી અંદરથી ચીસાચીસ કરી રહી હતી.

‘સિંહ, દેકારો વધુ ચાલતો રહેશે તો પોલીસ આવશે.’ કાળુએ દબાયેલા અવાજે ભૂપતને ચેતવ્યો, પણ ભૂપતને એની કોઈ અસર થઈ નહીં એટલે તેણે ચોખવટ કરવી પડી, ‘તને સંભળાય છેને હું જે કહું છું એ?’

ભૂપતે કાળુની સામે જોયું.

‘આજે આખી રાત ગામની ચોકી ખાલી રહેવાની છે... એક પણ પોલીસવાળો ચોકીમાં હાજર નથી રહેવાનો.’ ભૂપતે ચોખવટ પણ કરી લીધી, ‘જો તે હાજર રહેશે તો પણ એકેય કામ કરશે નહીં.’

જાણે કે ભૂપતની વાતની જુબાની આપવી હોય એમ એ જ સમયે એક ખાખી વર્દીધારી ચોકીદાર ઘર પાસે આવેલી સડક પરથી પસાર થયો. તે એક ઘડી માટે ડેલીની સામે ઊભો રહ્યો અને અંદર નજર કરી. પછી તેણે ભૂપતસિંહને જોયો એટલે તે ઉતાવળે પગલે ઘરમાં આવ્યો.

‘સલામ ભૂપતસિંહ...’

ચોકીદારે ભૂપતસિંહને એક કડક સલામી આપી.

ભૂપતે તેની સામે માત્ર હાથ ઊંચો કરીને સલામી ઝીલી.

‘મારે લાયક કંઈ કામકાજ હોય તો હુકમ કરો.’

‘બસ, એક જ કામ છે... હવે એક કલાક સુધી અહીં દેખાતા નહીં.’

ભૂપતે સહેજ પણ સંકોચ વિના અધિકાર સાથે કહી દીધું અને તેણે કહેલા શબ્દોની સીધી હકારાત્મક અસર પણ થઈ.

‘જેવી તમારી આજ્ઞા...’

ચોકીદારી કરતો હવાલદાર રવાના થઈ ગયો એટલે ભૂપતે હાજર રહેલા સૌ બારોટ સામે જોયું. નવ આવ્યા અને બે પહેલેથી તેની પાસે હતા.

કુલ થયા અગિયાર...

‘બાંધી દો, બધાના હાથપગ...’

નવેસરથી રોકકળ અને એ રોકકળ વચ્ચે ડાકુ ભૂપતના આદેશનું પાલન થયું. કાળુ અંદરથી ખળભળી ગયો હતો. આજે પહેલી વાર એવું બની રહ્યું હતું કે ગુનેગાર એક હતો અને એની સામે દસ અન્ય લોકોને પણ સજા મળવાની હતી. ચાલો માન્યું કે મામાએ ખોડીદાસને સંતાવામાં મદદ કરી એટલે તે પણ ગુનેગાર, પણ બાકીના નવ જણનો તો કોઈ ગુનો જ નહોતો અને એ પછી પણ...

કાળુનાં રૂંવાડાં તો ત્યારે ઊભાં થઈ ગયાં જ્યારે તેણે ભૂપતને જમૈયા સાથે સૌની સામે ઊભેલો જોયો. ભૂપત યમદૂતથી પણ વિકરાળ લાગી રહ્યો હતો. તેની આંખોમાં ક્યાંય કોઈ શેહશરમ નહોતાં, કોઈ દયાનો ભાવ તેના ચહેરા પર સ્થાન નહોતો પામી રહ્યો.

ભૂપતે કમર પરથી ફરી એક વાર જમૈયો બહાર ખેંચી લીધો હતો અને તે ખોડીદાસની સામે ઊભો હતો. ખોડીદાસની આંખો મહામુશ્કેલીએ ખુલી હતી. એ આંખમાં ભૂપતનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘ખોડીદાસ, ક્યાંય આપણી વચ્ચે દુશ્મની હતી નહીં. ક્યાંય તને નડ્યો નહોતો અને ક્યાંય તને વિદ્યા કે મીરા પણ નડવા નહોતાં આવ્યાં. સાચુંને?’

‘મારી ભૂલ...’ ખોડીદાસ રડી પડ્યો, ‘સાચે જ ક્યારેય આવી ભૂલ નહીં કરું.’

‘હં... ભૂલથી પણ આવી ભૂલ તું બીજી વાર નથી કરવાનો એ તો મને પણ ખબર છે...’ ભૂપતે મર્દાનગી સાથે કહ્યું પણ ખરું, ‘અને મને એ પણ ખબર છે કે તેં કરી એવી ભૂલ હવે બીજી વાર કોઈ કરવાનું નથી... ભૂલ નહીં કરે, તારી હાલત જોઈને એ કોઈ એવી ભૂલ નહીં કરે...’

સૌની નજર ભૂપત પર સ્થિર થઈ.

ભૂપતના દાંત ભીંસાયા. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી ક્ષણનોય વિલંબ કર્યા વિના ભૂપતે ખોડીદાસને ગરદનથી પકડીને પોતાના તરફ ખેંચ્યો. અનેકની આંખો બંધ થઈ ગઈ તો કેટલાકના મોઢામાંથી હાયકારો નીકળી ગયો. સૌએ ધાર્યું હતું કે ભૂપતે જમૈયો ખોડીદાસની ગરદન પર ફેરવી દીધો, પણ આ ધારણા બિલકુલ ખોટી હતી. ખોડીદાસના મોઢામાંથી ચીસ નીકળી, પણ એ ચીસ પછીયે તેની ગરદન હજી અકબંધ હતી. ગરદનને અકબંધ રાખવાની આ ખુશી વચ્ચે ખોડીદાસનાં બન્ને કાન અને નાકનો વધ થઈ ગયો હતો.

હા, ભૂપતે ખોડીદાસનાં નાક-કાન કાપી લીધાં હતાં.

‘જે નાકથી તેં મને સૂંઘ્યો, જે કાનથી તેં મને સાંભળ્યો એ નાક અને કાન રહેવાં ન જોઈએ...’ ભૂપતે લોહીનીતરતા ચહેરાવાળા ખોડીદાસની સામે જોયું, ‘બાતમી આપવાની સજા આવી ભયાનક હશે એવું વિચારીને પણ હવે મારી બાતમી કોઈ સુધી પહોંચાડવાની હિંમત માણસજાત નહીં કરે...’

થોડી મિનિટોમાં એક પછી એક એમ ત્યાં હાજર રહેલા અગિયારેઅગિયાર જણનાં નાક-કાન વધેરાઈ ગયાં અને લોહીનીતરતા ચહેરા વચ્ચે દોજખ બની ગયેલી જિંદગી વચ્ચે મોત માટે સૌ તરસવા લાગ્યા. જોકે કેટલીક તરસ જિંદગીભર અકબંધ રહી જતી હોય છે. એ અગિયાર જણની જિંદગીમાં પણ એવું જ બન્યું.

‘યાદ રહે, આ અગિયારમાંથી જો એક જણે પણ આત્મહત્યા કરી છે તો હું તેના ઘરના એકેએક સભ્યની હાલત આવી જ કરીશ...’ જતાં પહેલાં ભૂપતે ગામવાસીઓને ધમકી આપી હતી, ‘તમારી હાલત આવી ન થાય એ માટે આ સૌને જીવતા રાખવાના છે, ભૂલતા નહીં.’

(વધુ આવતા રવિવારે)

€€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK