આ પરિવાર તો છે ડૉક્ટરોની ખાણ

આજથી ૭૦ વર્ષ પહેલાં ડૉ. હરગોવિંદદાસ મહેતાએ જે પરંપરા શરૂ કરી એ તેમનાં સંતાનોએ આજ સુધી અકબંધ રાખી છે. છ સંતાનોમાંથી ત્રણ ડૉક્ટર, પુત્રવધૂ અને જમાઈ પણ ડૉક્ટર, એ સંતાનોનાં સંતાન પણ ડૉક્ટર અને તેમના પાર્ટનર પણ ડૉક્ટર

doctors

Doctor's Day In India - રુચિતા શાહ

આંખમાં તકલીફ હોય, હાર્ટ નબળું હોય, બાળકની ડિલિવરી હોય, દાંતમાં દુખાવો થાય કે પછી સ્કિનને લગતી કોઈ સમસ્યા જન્મે; મહેતાપરિવારના સદસ્યોએ બહાર જવાની આવશ્યકતા નથી, કારણ કે હર મર્ઝ દૂર કરી શકે એવા તબીબ તેમના પોતાના ઘરમાં સદાય તેમના માટે હાજરાહજૂર છે. આ પરિવારમાં ડૉક્ટરોની જાણે આખી ગૅન્ગ છે. ડેન્ટિસ્ટથી લઈને ફિઝિયોથેરપિસ્ટ, ગાયનેકોલૉજિસ્ટ, ડર્મેટોલૉજિસ્ટ, કાર્ડિઍક સર્જ્યન, ઑપ્થેમોલૉજિસ્ટ, હોમિયોપૅથ એમ લગભગ તમામ મહત્વપૂર્ણ સેક્ટરના ડૉક્ટર આ ફૅમિલીનો હિસ્સો છે. આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં પરિવારના મોભી હરગોવિંદદાસ મહેતાએ પહેલાં ડૉક્ટર બનીને આ પરંપરા શરૂ કરી હતી, જે આજ સુધી અકબંધ છે. તેઓ જનરલ ફિઝિશ્યન હતા. તેમનાં છ સંતાનોમાંથી ત્રણ ડૉક્ટર બન્યા. હરગોવિંદદાસ મહેતાના પિતરાઈ ભાઈના પરિવારમાં પણ ડૉક્ટર છે. તેમના વેવાઈ પક્ષનો પરિવાર પણ ડૉક્ટરોથી ભરચક છે. ડૉક્ટરોના આ અનોખા પરિવાર સાથે આજે નૅશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે વાતચીત કરીએ.

અનાયાસ બનતા ગયા

આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં જ્યારે પ્રખર ગાંધીવાદી અને સાદગીપ્રિય વ્યક્તિ તરીકે હરગોવિંદદાસભાઈએ દાક્તરીને વ્યવસાય તરીકે સ્વીકારી ત્યારે તેમણે પોતાનાં સંતાનોને પણ ડૉક્ટર જ બનાવવા એવું કંઈ નક્કી નહોતું કર્યું. બેશક સંતાનો ભણી શકે એવી મોકળાશ તેમણે આપી હતી. પોતાના પિતાની વાત કરતાં પ્રો. અશ્વિન મહેતા કહે છે, ‘અમે કુલ છ ભાઈï-બહેન છીએ. પાંચ ભાઈ અને એક બહેન. સૌથી મોટા હર્ષદભાઈ મેકૅનિકલ એન્જિનિયર બન્યા. મને સાહિત્યમાં રસ હતો અને સૌથી નાના ભાઈ ભરતને કાયદામાં રસ હતો એટલે હું પ્રોફેસર અને તે પબ્લિક પ્રોસિક્યુટર બન્યો. જોકે મારા બીજા નંબરના ભાઈ ચંદ્રકાન્તભાઈ, પાંચમા નંબરના ભાઈ મહેન્દ્રભાઈ અને મારી બહેન પ્રેમિલાને ડૉક્ટર બનવું હતું તો તેમને ભણવાની તમામ મોકળાશ મારા પિતાએ કરી આપી હતી. જોકે તેમના પગલે-પગલે ચાલવાનું તેમના ગયા પછી પણ પરિવારના ઘણા સભ્યોને ગમ્યું અને એ રીતે આજે અમારા ઘરમાં જ અત્યારે કુલ ૧૫ ડૉક્ટરો છે. મારા કાકાના છોકરાઓ પણ ડૉક્ટર છે અને વેવાઈ પક્ષે પણ ઘણા ડૉક્ટર છે.’

કોણ-કોણ?

ડૉ. હરગોવિંદદાસ મહેતા જનરલ પ્રૅક્ટિશનર હતા. એ પછી તેમના બીજા નંબરના દીકરા ચંદ્રકાન્તભાઈ ડેન્ટિસ્ટ છે. ચંદ્રકાન્તભાઈનાં ત્રણ સંતાનો છે. બે દીકરીઓ અર્પણા સંઘવી અને ભાવિતા પરીખ અને એક દીકરો તેજસ મહેતા એ ત્રણેય ડેન્ટિસ્ટ જ છે. એ રીતે તેમના ઘરમાં કુલ ચાર ડેન્ટિસ્ટ છે. આ ઉપરાંત નાની દીકરીના હસબન્ડ ડૉ. રાજ પરીખ ડર્મેટોલૉજિસ્ટ છે અને પુત્રવધૂ ડૉ. શ્વેખા ફિઝિયોથેરપિસ્ટ છે. હરગોવિંદદાસભાઈનો ચોથા નંબરનો પુત્ર ડૉ. મહેન્દ્ર અને તેમનાં પત્ની રમીલા જનરલ પ્રેક્ટિશનર તરીકે સક્રિય છે. તેમની દીકરી પૂર્વી મહેતા હોમિયોપૅથ છે. બીજી દીકરી અને જમાઈ નેહા અને જેસલ શાહ બન્ને ડેન્ટિસ્ટ છે અને પાંચમા નંબરના અશ્વિનભાઈની પુત્રવધૂ ડૉ. માનસી મહેતા ફિઝિયોથેરપિસ્ટ છે. હરગોવિંદદાસભાઈની દીકરી જનરલ ફિઝિશ્યન છે અને તેમના જમાઈ હિરેન મહેતા આઇ-સ્પેશ્યલિસ્ટ હતા, જે હવે આ દુનિયામાં નથી. આ ઉપરાંત કાકાના દીકરાઓ, જમાઈઓ અને વેવાઈ પક્ષે કાર્ડિયોલૉજિસ્ટ, સ્કિન-સ્પેશ્યલિસ્ટ, ગાયનેકોલૉજિસ્ટ, ઑપ્થેલ્મોલૉજિસ્ટ, પીડિયાટ્રિશ્યન છે એ અલગ.

ડૉક્ટરી ઉપરાંત પોતાના પરિવારની બીજી એક ખૂબી પણ ધ્યાન દોરતાં ડેન્ટિસ્ટ તરીકે સક્રિય ડૉ. અર્પણા કહે છે, ‘આ પરિવારની બીજી મહત્વની વાત એ છે કે જે સભ્યો ડૉક્ટર નથી એ લોકો પણ કોઈ એવા ફીલ્ડમાં જ છે. બાપુજી (ડૉ. હરગોંવિદદાસ)ના પૌત્રોની વાત કરીએ તો મારી મોટી કઝિન બહેન જાગૃતિ પરીખ આર્ટ ટીચર છે. મારાં એક ભાભી હિના મહેતા ચાઇલ્ડ કાઉન્સેલર છે. કઝિન દેવાંગી મહેતા એન્જિનિયર અને ઍડ્વોકેટ છે. કઝિન નીરવ અને ઋષિરાજ એન્જિનિયર છે. જિગર પ્ગ્ખ્ છે. જનક ઍડ્વર્ટાઇઝિંગ ચલાવે છે. આમ બધા જ કઝિન કંઈક વિશિષ્ટ ક્વૉલિફિકેશન સાથે સક્રિય છે.’

ફાયદા શું?

એક જ પરિવારમાં જ્યારે અડધાથી વધુ સદસ્યો ડૉક્ટર હોય તો સ્વાભાવિક રીતે ઘરના માહોલમાં મેડિકલ વિશ્વ ઑટોમૅટિકલી ઉમેરાઈ જતું હશેને? આ પ્રશ્નનો જવાબ આપતાં પરિવારના સદસ્ય અર્પણા સંઘવી કહે છે, ‘બેશક થોડીક પ્રોફેશનલ વાતો થાય, કારણ કે સરખેસરખા ભેગા થયા હોઈએ તો મજાકમસ્તીમાં પણ થોડીક મેડિકલ લૅન્ગ્વેજ આવી જતી હોય છે. જોકે અમારા ગેટ-ટુગેધર સમયે અન્ય સભ્યો બોર ન થાય એવી રીતે જાત પર થોડોક કન્ટ્રોલ કરી લઈએ છીએ. એ પછી પણ કહીશ કે અમારી વાતો સાંભળીને પરિવારના નૉન-ડૉક્ટર મેમ્બર્સ પણ અડધા ડૉક્ટર જેવા થઈ ગયા છે. આગળ કહ્યું એમ અમારે ક્યારેય કોઈ પણ સમસ્યાના ઇલાજ માટે બહારના ડૉક્ટર પાસે જવાની જરૂર જ ઊભી નથી થતી. અમારા પરિવારની બધી જ લેડીઝની ડિલિવરી ઘરના જ મૅટરનિટી હોમને કારણે ઑલમોસ્ટ ફ્રીમાં થઈ છે. બેશક ઘણા મજાકમાં કહેતા હોય છે કે અમારા ઘરનું મેડિકલ બિલ શૂન્ય હશે એ ખરેખર રમૂજ નહીં, પણ વાસ્તવિકતા છે. ભાગ્યે જ અમારે દવા કે ઇલાજના પૈસા આપવાના આવે.’

ગેરફાયદા શું?

જ્યારે ઘરમાં બધા જ ડૉક્ટર હોય ત્યારે પરસ્પરના ઓપિનિયન ઘણી વખત ક્લૅશ થાય એટલે માઠું લાગવાની ઘટનાઓ પણ બને. એનો એક દાખલો ટાંકતાં અર્પણાબહેન કહે છે, ‘આમ તો આ બહુ ગંભીર બાબત નથી, પણ ક્યારેક આવું બને ત્યારે અમને ગમ્મત થઈ જાય. જેમ કે હજી અમારી ફૅમિલીમાં કોઈ હાડકાના ડૉક્ટર નથી અને ધારો કે કોઈ વડીલને સાંધાની તકલીફ આવે તો કયા ડૉક્ટર પાસે જવું એવું જો પુછાય તો બે-ત્રણ ડૉક્ટરનાં નામ અલગ-અલગ વ્યક્તિ પાસેથી મળે. અમારે ત્યાં સેકન્ડ, થર્ડ, ફોર્થ એમ એક જ સવાલના ત્રણ-ચાર ઓપિનિયન સાથે મળે એટલે ઘણી વખત કન્ફ્યુઝન થાય કે કોની વાત માનીએ. જેની વાત ન માનીએ તેને જરા માઠું લાગે, પણ પાછા એ બધા સમજી પણ જાય.’

આ પરિવારની બીજી-ત્રીજી પેઢીએ તો પરિવારના મોભીની પરંપરા જાળવી છે, પણ હવે ચોથી પેઢી આ રસ્તા પર ચાલે એવું જણાતું નથી. અમે ડૉક્ટર છીએ એટલે અમારાં સંતાનો પણ ડૉક્ટર બને એવું અમે ઇચ્છતા નથી એમ જણાવી એનો ખુલાસો કરતાં અર્પણાબહેન કહે છે, ‘મારા દાદાજીએ પણ દરેક સંતાનને પોતાની રીતે પોતાની કારકર્દિીની પસંદગી કરવાની છૂટ આપી હતી. એ છૂટ અમે પણ આપી છે. અમારાં સંતાનમાંથી કોઈ મેડિકલ લાઇનમાં નથી. એ તેમનો નિર્ણય છે અને સાચું કહું તો અંદરખાને એ નિર્ણયથી અમે ખુશ પણ છીએ. હું નહોતી જ ઇચ્છતી કે મારાં બાળકો ડૉક્ટર બને અને જોગાનુજોગ તેમને પણ એમાં રસ નહોતો. આજે ડૉક્ટર તરીકે પહેલા જેવો રિસ્પેક્ટ રહ્યો નથી. આજના કાયદા-કાનૂન પણ ડૉક્ટરોને ખોટી રીતે ફસાવી શકનારા છે. ઉપરાંત આજે દરદીઓનો ડૉક્ટર સાથેનો વ્યવહાર વધુ ને વધુ તોછડાઈભયોર્ બની રહ્યો છે. ઍડ્મિશનથી લઈને ડૉક્ટર બનવા સુધીનાં વષોર્માં જે હાલાકી ભોગવવાની છે એ પણ તુલનાત્મક રીતે વધી છે. એ રીતે આજે ડૉક્ટર બનવા કરતાં ડૉક્ટર ન બનવું વધારે સારું એવું હું માનું છું. ટૂંકમાં કહું તો અમારાં બાળકો ડૉક્ટર બનવાની દિશામાં નથી એટલે અત્યારે અમારા પરિવારમાં રહેલા ડૉક્ટરોની સંખ્યા હજી વધે એવા અણસાર જણાઈ નથી રહ્યા.’

- તસવીર : બિપિન કાકોટે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK