ભૂખ કાતિલ હોય છે

ઈશ્વરે પેટ નામની એક એવી રનિંગ સિસ્ટમ આપી છે કે આખી જિંદગી એમાં અન્ન ઓરો તોય ઓછું જ પડે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

બપોરે ભરપેટ ભોજન લીધું હોય અને મક્કમ નિર્ધાર કર્યો હોય કે આજે તો સાંજે ખાવું જ નથી. ત્યાં સાંજે ભૂખ લાગી જાય અને આ નિર્ધાર એકાદી આચરકૂચર વાનગીને સન્માનપૂર્વક સરેન્ડર કરી દઈએ. ભૂખ એ પેટનું આહ્વાન છે કે મને કંઈક આપો, મારે આખું શરીર રિચાર્જ કરવાનું છે. જેમને કોઠો ઠરેલો છે તેમને કદાચ ભૂખનો એહસાસ હોય, પણ ભૂખની તીવ્રતા એક કાતિલ લાગણી છે. અભાવ પાસે આંસુનું સરનામું હોય છે. દિલીપ શ્રીમાળી આપણી બધી ઍક્ટિવિટીને બે પંક્તિમાં બાંધી આપે છે...

ભૂખ એક જ રોટલાની હોય મારા પેટને

હોય પાછા એક મુઠ્ઠી લોટના હત્તર હલાડા


ગમે એટલી મંદી ચાલતી હોય છતાં પણ રેસ્ટોરાં, લારી, રેંકડી પર ચાલતો અન્નયજ્ઞ ચાલુ જ રહે છે. આ એક એવો ઉદ્યોગ છે, જે પોતાનું પેટ સાજુંનરવું રાખવા અન્યના પેટની આગ બુઝાવે છે. પાકીટ ભરેલી ભૂખ રેસ્ટોરાંમાં જઈને ટેસથી અને રોફથી ઑર્ડર આપી શકે. ખાલી ખિસ્સાંવાળી ભૂખ રેસ્ટોરાંની બહાર દયામાયાની આજીજી ઉઘરાવતી ઊભી હોય. ભૂખ ભીખની જનેતા છે. ગરીબ હોય કે તવંગર, ભૂખ કકડીને લાગે ત્યારે બન્ને એક જ પરિપાટીએ આવી જાય. હા, ગરીબની ભૂખને ભવિષ્ય નથી હોતું. મધ્યમ વર્ગની ભૂખ સ્વમાન સાચવીને પણ ઓડકાર ખાતાં શીખી જાય છે. ડૉ. મહેશ રાવલ આ લાચારી નિરૂપે છે...  

તાવડીને તેર વાનાં માગવાની ટેવ ને 

સોડથી ટૂંકી પછેડી થાય, માણસ જાય ક્યાં?

ભૂખના ચૂલે ઊકળતું હોય છે હોવાપણું

આંસુથી ભીંજાય રાતી રાખ, માણસ જાય ક્યાં?


ગરીબ બાળકની ભૂખ નિર્દોષતાને ગુનાના હવાલે કરી શકે. બ્રેડનો ટુકડો ચોરતું ગરીબ બાળક સજાનું નહીં, સંવેદનનું હકદાર છે. કચરાપેટીમાંથી વધેલું ખાવાનું વીણતું બાળક આપણા અસ્તિત્વ પર એક તમાચો છે. હયાતીને હોડમાં મૂકી દે એવી લાચારી સર્જે છે ભૂખ. ભાવિન ગોપાણી આ સંવેદનને ચીપિયાથી ઝાલી લે છે...

હાથમાં અંગાર લૈ મોંમાં ના મૂકી દે

એક ભૂખ્યો બાળ જેનું ધ્યાન ચૂલે છે


સમાજ સામે સજ્જનનું મહોરું પહેરીને ફરતા આપણે ભયંકર ભૂખ લાગી હોય અને વેઇટર મોડું કરે ત્યારે ચિડાઈ જઈએ છીએ. ભૂખ પાસે સજ્જનને દુર્જન બનાવવાની ભયંકર ક્ષમતા છે. પૂર જેવી કુદરતી હોનારતો વખતે બધું તહસનહસ થઈ ગયું હોય અને સરકારી રાહત છાવણીમાં શરણું લેવું પડે ત્યારે શ્રીમંતે પણ શ્રીમંતાઈ ખંખેરી લાઇનમાં ઊભા રહેવું પડે. ભૂખ આપણા પર રાજ કરે છે. એના ભાગનું ઓરો નહીં થાય ત્યાં સુધી એ નાચતી જ રહે.

સાંપ્રત સ્થિતિ જોઈએ તો કાશ્મીરમાં કરપીણ બનેલાં કરતૂતો, દાર્જીલિંગમાં સાપની ફેણની જેમ અચાનક ઊભું થયેલું ગોરખા આંદોલન, રાજસ્થાનમાં જાટ લોકોની માગણીઓ, અનેક રાજ્યોમાં કિસાનોના આંદોલનને કારણે રોજ કમાઈને રોજ ખાનારાની લિટરલી શામત આવી ગઈ છે. હાટડી ખોલીને બેઠા હોય અને કોઈ ફરકે જ નહીં અથવા તો હાટડી ખૂલે જ નહીં. જિગર ફરાદીવાલા રોજની રોટી શેકતા વર્ગની વ્યથા વ્યક્ત કરે છે...

ભૂખો જ સળગવાની ગરીબાઈના ચૂલે

બે-એક દિવસ જો હજી હડતાલ રહે છે!


કેટલાક લોકો ખાવામાં અતિશય નખરાં કરે. આ ભાવે ને પેલું નહીં. ભૂલથી ન ભાવતાં રીંગણાંનું શાક થાળીમાં પીરસાઈ ગયું હોય તો એવું કરે જાણે ચીને ભારત પર હુમલો કરી દીધો હોય. બીજી તરફ ભારતમાં લાખો લોકો એવા છે જેમને કોઈ ચૉઇસ નથી હોતી. ખાવા મળે એ જ મનનો મહોત્સવ હોય. બેજાન બહાદરપુરી વાસ્તવકિતા તરફ આંગળી ચીંધે છે...

ભૂખ ભડકે પેટમાં તો શા અભરખા સ્વાદના! 

ને વળી પડવુંય શું બેજાન પથ્યાપથ્યમાં?


અન્ય એક વ્યાપક વિરોધાભાસ પણ નજરે ચડે છે. એક તરફ ખાવાનાં સાંસાં હોય તો બીજી તરફ ડૉક્ટરની સલાહ હોય કે ઓછું ખાઓ. આ બન્ને સ્થિતિમાં ભૂખ વીફરે છે. બ્રિજેશ પાંચાલ ‘મધુર’નું જરાય મધુર ન લાગે એવું ચોટદાર નિરીક્ષણ છે... 

વેદનાનાં કેટલાં વાદળ મળે છે

આંખમાં વરસાદ ભઈ ત્યારે પડે છે

ભૂખના માર્યા ગરીબ ત્યાં મોત પામે

ખાઈ ખાઈને અહીં લોકો મરે છે


શાશ્વત બનેલી ભૂખને અન્ય દૃષ્ટિથી જોઈએ તો ઘણાં નવાં તારણો મળી શકે. સુરેશ પરમાર ‘સૂર’ આવું જ એક આધ્યાત્મિક તારણ આપે છે...

ઝંખના જેવડી ચીજને જાણવા

ભરથરી નીકળ્યા ત્યાગીને પિંગળા

કેટલા જન્મની ભૂખ છે, પ્યાસ છે

જાગરણ થાય તો થઈ શકે પારણાં

ક્યા બાત હૈ


એ પછી

પર્વતને પગ આવશે;

અને ચાલી નીકળશે -

અનંત યાત્રા પર...

નદી બધી ઢગલો થઈ,

ખડકાવા લાગશે -

એકબીજા પર

દરિયો પોતાની છાલકથી

ભીંજવી દેશે -

ચંદ્ર અને તારા સુધ્ધાં...

સૂરજ આંખો બંધ કરી

અંતર્ધ્યાન થઈ જશે

પૃથ્વી પરથી નામશેષ થઈ જશે

પંખી નામની પ્રજાતિ

જ્યારે પૃથ્વીના ખભા પરથી

સરકી પડશે -

ભૂખ નામનું વસ્ત્ર...

                        - રાધિકા પટેલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK