૬૦ વર્ષ વિતાવીચૂકેલા આ ડૉક્ટર્સ કહે છે નો ટુ રિટાયરમેન્ટ

૨૫-૨૭ વર્ષ સુધી ભણ્યા પછી, ૩૫ વર્ષ સુધી સતત ૧૨-૧૨ કલાક કામ કર્યા પછી પણ એવું શું છે જેને લીધે ડૉક્ટર રિટાયર થતા નથી? આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે જાણીએ કેટલાક આવા જ સિનિયર ડૉક્ટર્સ પાસેથી આ પ્રશ્નનો જવાબ

doctor

Doctor's Day In India - જિગીષા જૈન

એક ડૉક્ટરનું જીવન જીવવું સહેલું તો નથી. જીવનનાં લગભગ ૨૭-૨૮ વર્ષ સુધી તેઓ ભણતા હોય છે અને પછી જ્યારે કામ શરૂ કરે છે ત્યારે ૧૨-૧૨ કલાકની શિફ્ટ ભરતા હોય છે. નાઇટ ડ્યુટી શરૂઆતમાં તો ફરજિયાત હોય છે અને પછી એ રૂટીન બની જતી હોય છે. ઇમર્જન્સી આવી જાય તો ઘણી વાર ૨૪ કલાકની ડ્યુટી પણ કરવી પડે. જમવાનો ફિક્સ સમય નહીં, રવિવારે પણ રજા નહીં, વેકેશન પર જાય તો પણ દરદીઓના ફોન તો ચાલુ જ હોય. આવું જીવન ૫૮ વર્ષ સુધી જીવ્યા પછી આદર્શ રીતે એક ડૉક્ટરને એવું લાગવું જોઈએ કે બસ, હવે ઘણું થયું; રિટાયર થઈ જઈએ, પરંતુ ભારતમાં રહેતા ડૉક્ટર્સ જલદી રિટાયર થતા નથી. જલદી તો શું, જ્યાં સુધી તેમનું શરીર બરાબર ચાલે છે ત્યાં સુધી તેઓ સતત કાર્યરત રહે છે. આજે ડૉક્ટર્સ ડેના દિવસે જાણીએ કે કેમ આવું જીવન હોવા છતાં ડૉક્ટર્સ રિટાયર થવાનું પસંદ નથી કરતા? એવું શું છે કે તે લગભગ જીવનના છેલ્લા સમય સુધી સતત સમાજને પોતાની સર્વિસ આપતા રહે છે? એ વિશે આજે વાત કરીએ કેટલાક જાણીતા સિનિયર ડૉક્ટર્સ સાથે જેમની રિટાયરમેન્ટની ઉંમર તો વીતી ગઈ છે, પરંતુ હજી આજે પણ તેમણે પ્રૅક્ટિસ ચાલુ જ રાખી છે.

ડૉ. ગોવિંદ જંખારિયા, રેડિયોલૉજિસ્ટ, ૮૧ વર્ષ


‘જે દિવસે મને લાગ્યું કે હું મારા કામને ન્યાય નથી આપી શકતો કે મને કામમાં તકલીફ પડી રહી છે એ દિવસે હું રિટાયર થઈ જઈશ, કારણ કે મારે કારણે મારા દરદીએ સહન કરવું પડે એ મારા માટે અસહ્ય છે. વર્ષો સુધી મેં મારા કામ પ્રત્યે ઈમાનદારી દાખવી છે. મને મારી જવાબદારીનું સંપૂર્ણ ભાન છે. જે દિવસે મારું મગજ કે આંખ ન ચાલી એ દિવસે હું લઈશ રિટાયરમેન્ટ.’

આ શબ્દો છે ૮૧ વર્ષના રેડિયોલૉજિસ્ટ ડૉ. ગોવિંદ જંખારિયાના, જેમનું પોતાનું જંખારિયા ઇમેજિંગ સેન્ટર છે જે તેમણે ૧૯૬૯માં શરૂ કર્યું હતું. એક એક્સ-રે મશીનથી શરૂઆત કરનાર આ સેન્ટર મુંબઈના જાણીતા ઇમેજિંગ સેન્ટર્સમાંનું એક છે. આજે પણ તેઓ સવારે સાડાઆઠથી સાંજે ૬ વાગ્યા સુધી સેન્ટર પર બેસે છે.

એ સમયમાં ભારતમાં સૌપ્રથમ રૉયલ કૉલેજ ઑફ રેડિયોલૉજિસ્ટ્સ, બ્રિટનની ફેલોશિપ મેળવીને આવનારા એ પહેલા ડૉક્ટર હતા. ડૉ. જંખારિયા નાયર હૉસ્પિટલ, સૈફી હૉસ્પિટલ અને જસલોક હૉસ્પિટલમાં લેક્ચર્સ લેવા પણ જાય છે અને વિદ્યાર્થીઓને રેડિયોલૉજી ભણાવે છે. છેલ્લાં ૪૮ વર્ષથી સિદ્ધાંતો પર ચાલનારા ડૉ. ગોવિંદ જંખારિયા કહે છે, ‘અમારે ત્યાં દરદી ટેસ્ટ માટે આવે અને જો અમે તેનું નિદાન બરાબર ન કરીએ તો દરદીના ઇલાજમાં ગરબડ થઈ શકે છે. આવું ખોટું કામ કરવું જ નહીં જેથી આપણે કારણે કોઈ હેરાન થાય. બીજું એ કે આટલાં વર્ષોથી અમારે ત્યાં નિયમ છે કે એક પણ દરદી એમનેમ પાછો ન જવો જોઈએ. જે ગરીબ છે અને ટેસ્ટના પૈસા ચૂકવી શકે એમ નથી તેમની પણ અમે ટેસ્ટ કરીએ છીએ.’

ડૉ. જંખારિયાએ સમસ્યા સાથે તાલ મિલાવવા કમ્પ્યુટર પણ જાતે શીખી લીધું. આ ઉંમરમાં હજી પણ તે અઢળક વાંચે છે. શનિવાર-રવિવારે લોનાવલા જતા રહે છે અને ત્યાં બેસીને તેમને ગમતી ચોપડીઓ વાંચે છે. સતત શીખતા રહેવું અને કામ કરતા રહેવું એ તેમનો સ્વભાવ બની ગયો છે. રિટાયરમેન્ટ વિશે તેઓ કહે છે, ‘એક રેડિયોલૉજિસ્ટની જ્યારે આંખો અને તેનું મગજ ચાલે નહીં ત્યારે તેણે તેનું કામ છોડી દેવું જોઈએ. મને લાગે છે કે હજી ૧૦ વર્ષ આ બાબતે મને વાંધો નહીં આવે. ૧૦ વર્ષ પછી કંઈ તકલીફ આવી તો જોઈશું.’

ડૉ. પંકજ પારેખ, પીડિયાટ્રિશ્યન, ૬૬ વર્ષ

‘રિટાયરમેન્ટની વાત તો બાજુ પર રહી, પરંતુ હું ભગવાનને એ જ કહીશ કે મને આવતા જન્મે પણ બાળકોનો ડૉક્ટર જ બનાવે અને આ જ રીતે હું બાળકોના પ્રૉબ્લેમ્સ દૂર કરતો રહું. હું ખરેખર મારી જાતને સદ્ભાગી માનું છું કે ભગવાને મને બાળકોનો ડૉક્ટર બનાવ્યો છે. મને મારા કામ પ્રત્યે અત્યંત પ્રેમ છે અને હું એ કરતો જ રહીશ.’

આ શબ્દો છે ચિયર્સ ચાઇલ્ડ કૅર ક્લિનિક, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખના; જે ૬૬ વર્ષે પણ તેમના પોતાના ક્લિનિકની સાથે-સાથે બીજી પાંચ હૉસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. તેમને લાગે છે કે તે સ્વસ્થ તો જ રહી શકે જો તે પોતે વ્યસ્ત હોય અને એ પણ એવા કામમાં વ્યસ્ત જે તેમનું ગમતું કામ છે.

૧૯૭૭થી ડૉ. પારેખે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. આમ તેમના મેડિકલ પ્રોફેશનને જ ૪૦ વર્ષ થઈ ગયાં. કોઈ પણ બીજા પ્રોફેશનની જેમ ડૉક્ટરીમાં પણ જ્યારે શરૂઆત થાય ત્યારે પૈસા, પ્રસિદ્ધિ અને કરીઅર જેવાં પરિબળો હોય છે; જે તમને સતત કામ કરવા પ્રેરે છે. પરંતુ ૬૬ વર્ષની ઉંમરે આ પરિબળો એટલાં પ્રબળ રહેતાં નથી. એવું શું છે જે હજી પણ આટલું કામ કરવા તેમને પ્રેરણા આપે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પારેખ કહે છે, ‘મારા દરદીઓ જ મારી પ્રેરણા છે. બાળકો પાસેથી તમને નિર્દોષ પ્રેમ મળે એ તમને તમારા કામનો ભરપૂર સંતોષ આપે. આ બાળકો સાથે કામ કરું છું એટલે જ કદાચ મને ઘરડા થવાનો આભાસ પણ થતો નથી. આમ પણ ઉંમરના આ પડાવે લાગે કે ડૉક્ટર માથે સતત સમાજના સ્વાસ્થ્યની જવાબદારી હોય છે. જ્યાં સુધી તમે એ જવાબદારી નિભાવી શકો છો તમારે એ કરવું જ જોઈએ.’

આ ૪૦ વર્ષની ડૉક્ટરીમાં પ્રૅક્ટિસ દરમ્યાન પણ અમે ઘણું શીખ્યા એમ જણાવતાં તેઓ કહે છે, ‘પ્રૅક્ટિસ કરતાં-કરતાં એક ડૉક્ટર તરીકે અમે ઘણું શીખ્યા, પરંતુ એક માણસ તરીકે પણ ઘણું શીખવાનું મળ્યું. એમાં સૌથી મોટો ગુણ છે સહનશીલતા. બાળકોના પેરન્ટ્સ તેમનું બાળક બીમાર પડે એટલે સૌથી વધુ ટેન્શનમાં આવી જતા હોય છે. મોટા ભાગે અમે બાળકને તો સંભાળતા જ હોઈએ છીએ, પરંતુ તેના માતા-પિતાને પણ અમારે સંભાળવા પડતાં હોય છે. માણસ તરીકે ક્યારેક અમે પણ કંટાળી જઈએ, પરંતુ એક ડૉક્ટર તરીકે હજી સુધી થાક લાગ્યો નથી.’

ડૉ. રેખા શાહ, ઑન્કો સર્જ્યન (બ્રેસ્ટ-કૅન્સર સ્પેશ્યલિસ્ટ), ૬૩ વર્ષ

‘એક સમય હતો જ્યારે લોકો અમને ભગવાન સમજતા અને આજે એ સમય છે કે ડૉક્ટરની દરેક બાબત પર શંકા કરવામાં આવે છે. અમે ટેસ્ટ કરાવડાવીએ તો અમે ખર્ચા કરાવનારા પૈસાખાઉ બની જઈએ છીએ અને અમે નિદાન માટે ટેસ્ટ ન કરાવીએ તો બેજવાબદાર. મારાં આટલાં વર્ષની પ્રૅક્ટિસમાં સમાજમાં આવેલો આ મોટો ફેરફાર એક ડૉક્ટર તરીકે મારા માટે ઘણો જ પીડાજનક છે.’

આ શબ્દો છે આર્શીવાદ નર્સિંગ હોમ, બોરીવલીનાં બ્રેસ્ટ સર્જરીની સ્પેશ્યલિટી ધરાવતાં ઑન્કો સર્જ્યન ડૉ. રેખા શાહ જે છેલ્લાં ૩૭ વર્ષથી પ્રૅક્ટિસ કરે છે.

ડૉ. રેખા શાહે ૧૯૮૦થી પ્રૅક્ટિસ શરૂ કરી હતી. તેમની ૩૭ વર્ષની પ્રૅક્ટિસમાં દરદી અને ડૉક્ટર વચ્ચેના સંબંધોમાં જે તફાવત આવ્યો છે એ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરતાં ડૉ. રેખા શાહ કહે છે, ‘હું એમ નથી કહેતી કે ડૉક્ટર ભગવાન છે અને તમે તેમના પર આંધળો વિશ્વાસ મૂકો. પરંતુ દરદીને જો ઠીક થવું હોય અને ડૉક્ટરની ઇચ્છા હોય કે આ દરદીનો રોગ તે ઠીક કરે તો બન્ને પક્ષે જે સંબંધ છે એમાં શ્રદ્ધાનું મોટું સ્થાન છે. બને કે ૧૦૦માંથી બે ડૉક્ટર ખરાબ પણ નીકળતા હશે, પરંતુ એના માટે તમે બધા જ ડૉક્ટર પર શંકા રાખો અને કોઈ પણ રિઝલ્ટ માટે તેને જ જવાબદાર ઠેરવો એ યોગ્ય નથી.’

પોતાની રિટાયરમેન્ટ માટે તેઓ માને છે કે ઊલટું તેમણે હવે તો રિટાયરમેન્ટ વિશે વિચારવું જ ન જોઈએ, કારણ કે આટલાં વર્ષોના અનુભવનો લાભ દરેક દરદીને મળે એ જરૂરી છે. આ બાબતે વાત કરતાં તેઓ કહે છે, ‘અમે જ્યારે મેડિસિન ભણીને નીકYયાં હતાં ત્યારે અમે રોગો સામે કઈ રીતે કામ કરવું એ જાણતાં હતાં. આજે આટલાં વર્ષોના અનુભવ પરથી એ સમજાય છે કે દરદીના ફક્ત રોગને જોવાનો હોતો નથી, પરંતુ દરદીને સંપૂર્ણ રીતે જોવાનો હોય છે. તેના સંજોગો, પરિસ્થિતિ, માનસિક સ્થિતિ અને કઈ રીતે તે રોગને જુએ છે એ બધું જ ઇલાજમાં જરૂરી છે. હવે અમે ફક્ત રોગને નહીં, રોગીને પણ ઠીક કરી શકીએ છીએ. એટલે અત્યારે કામ છોડવું ન જોઈએ. જે નાનકડા તફાવત પણ  અમે તેમના જીવનમાં લાવી શકીએ એ તફાવત જ અમને વધુ કામ કરવાની અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપી જાય છે.’

ડૉ. અરુણ દોશી, નેફ્રોલૉજિસ્ટ, ૬૬ વર્ષ

‘મોટા ભાગના ડૉક્ટર્સ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત રહેતા હોય છે કે તેમને કોઈ શોખ વિકસાવવાનો સમય જ મળ્યો હોતો નથી એટલે બિચારા રિટાયર થઈને કરે પણ શું? ડૉક્ટરને બિચારાને તેની ડૉક્ટરી સિવાય બીજું કશું આવડે નહીં એટલે તે શું કરે?’

આ શબ્દો છે હસતાં-હસતાં પોતાના જેવા ડૉક્ટર્સની મજાક કરતા ભાટિયા હૉસ્પિટલના ૬૬ વર્ષના નેફ્રોલૉજિસ્ટ ડૉ. અરુણ દોશીના. હકીકત એ છે કે ડૉ. દોશી માને છે કે દરેક વ્યક્તિની સમાજ પ્રત્યે કોઈ ને કોઈ ફરજ રહે છે. અને ડૉક્ટર્સની ફરજ એમાં ઘણી મોટી છે. જ્યાં સુધી સક્ષમ છીએ ત્યાં સુધી આ ફરજ નિભાવવી જ જોઈએ. આ વિચારને લીધે ૬૬ વર્ષની ઉંમરે પણ તેઓ સવારે ૬થી રાત્રે ૯ સુધી આજે પણ કામ કરે છે.

૧૯૭૧માં એક સાવ સામાન્ય મિડલક્લાસ ઘરના છોકરાએ મેરિટ પર ઍડ્મિશન મેળવીને ૨૫૦ રૂપિયા ટર્મની ફી ભરીને પોતાના દમ પર ડિગ્રી હાંસલ કરી હતી. કોઈ પ્રકારના ડોનેશન વગર ફક્ત પોતાની મહેનત અને લગનથી તેઓ ડૉક્ટર બન્યા. ભાટિયા સિવાય તે બીજી ત્રણ હૉસ્પિટલમાં કાર્યરત છે. છેલ્લાં ૩૫ વર્ષથી ડૉક્ટરી કરતા ડૉ. અરુણ દોશી કહે છે, ‘૬૦ વર્ષે જ્યારે ઉંમર થઈ ત્યારે પણ અને અત્યારે ૬૬ વર્ષે પણ એક વસ્તુ નક્કી છે કે મને થાક લાગતો નથી, કારણ કે મારા કામને હું પ્રેમ કરું છું. મેડિસિન એક એવું ક્ષેત્ર છે જેણે મને ઘણું આપ્યું અને આજે મને કોઈ ફરિયાદ નથી. ઊલટું હું કામ કરું છું એટલે જ હું એકદમ ફિટ છું અને હું ક્યારેય રિટાયર થવા નથી માગતો.’

પોતાના ફીલ્ડ વિશે તેઓ કહે છે, ‘મેડિસિનના જુદા-જુદા ડિપાર્ટમેન્ટમાં અમારો ડિપાર્ટમેન્ટ સૌથી વધુ નિરાશાજનક છે, કારણ કે અમારી પાસે દરદી આવે છે ત્યારે તેની કિડની અત્યંત ખરાબ થઈ ચૂકી હોય છે અને અમારી પાસે ઘણી ઓછી શક્યતા રહે છે તેને બચાવવાની. બીજું એ કે અમારી પાસે જે દરદીઓ આવે છે એ દરદી અને તેના પરિવાર સાથે અમે ઓછાંમાં ઓછાં ૩-૪ વર્ષ સુધી સતત જોડાયેલા રહીએ છીએ, જેને લીધે દરદી સાથે એક આત્મીયતા કેળવાય છે અને જો છેલ્લે આ દરદીનું કિડની-ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો તે મૃત્યુ પામે છે. આમ સતત અમને દરદી અને તેના પરિવારની પીડા દેખાતી રહે છે. આ બધા અનુભવો પરથી મને લાગે છે કે અમારે વધુ ને વધુ કામ કરવું જોઈએ જેથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ મળી રહે. હું ઇચ્છીશ કે કિડનીનો ઇલાજ સસ્તો બને જેથી દરદીઓને અમે વધુ ને વધુ મદદરૂપ બની શકીએ.’ 

ડૉ. નિશિતા પારેખ અગ્રવાલ, ઑપ્થેલ્મોલૉજિસ્ટ, ૬૧ વર્ષ

‘મેડિસિન એક એવું ક્ષેત્ર છે, જે તમને દરરોજ કંઈ ને કંઈ શીખવે છે. સતત તમે એમાં શીખ્યા જ કરો અને નવું-નવું મેળવ્યા જ કરો છો તો શા માટે તમે એને છોડવા માગો? ખાસ કરીને ત્યારે જ્યારે એ જે તમને શીખવે છે એ પૂરી રીતે શીખવાની ક્ષમતા ૬૦ વર્ષ પછી પણ તમારામાં છે.’

આ શબ્દો છે પી. ડી. હિન્દુજા હૉસ્પિટલનાં ડૉ. નિશિતા પારેખ અગ્રવાલના, જેમણે ૩૦ વર્ષની ઉંમરે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરેલી. પોતાના સમગ્ર પરિવારમાં એક જ ડૉક્ટર હતા અને હજી સુધી પણ આખા પરિવારમાં તે એક જ ડૉક્ટર છે.

૩૧ વર્ષની પ્રૅક્ટિસના અનુભવોમાં પોતે શું-શું શીખ્યું એ બાબતે વાત કરતાં ડૉ. નિશિતા પારેખ અગ્રવાલ કહે છે, ‘મેડિસિનમાં સાયન્સ અને આર્ટ્સ બન્ને હોય છે. મેડિસિનનું સાયન્સ એટલે ઇલાજની નવી પદ્ધતિઓ, સર્જરીની નવી ટેક્નિકો વિશે શીખતા રહેવું. આટલાં વર્ષોમાં અમે એમાં તો પારંગત થયાં, પરંતુ એની સાથે-સાથે મહત્વની છે મેડિસિનની આર્ટ. દરદી જોડે કઈ રીતે રહેવું, કઈ રીતે તેમને સમજાવવા, કઈ રીતે તેમની અંદર છુપાયેલો ડર ભગાડવો અને કઈ રીતે તેમનામાં શ્રદ્ધા જગાવવી કે બધું ઠીક થઈ જશે આ બધું પણ શીખવું જરૂરી છે. આટલાં વર્ષોમાં અમે એ શીખ્યા છીએ. આ એ વસ્તુ છે જે કોઈ મેડિસિનનાં પુસ્તકોમાં શીખવાડવામાં આવતી નથી. એ દરેક ડૉક્ટર પોતાની જાતે તેના અનુભવો પરથી શીખે છે.’

ડૉક્ટર હોવાની સાથે-સાથે તેઓ સમાજસેવામાં પણ આગળ પડતા છે. ૧૯૯૫માં એક ઇન્ટરનૅશનલ આઇ બૅન્ક ખોલાવવામાં તેમનો ફાળો હતો. આ એ સમય હતો જ્યારે ૨-૩ વર્ષની રાહ જોયા પછી કૉર્નિયાનું દાન મળતું અને ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું. આ સમયે આઇ બૅન્ક ખોલાવીને તેમણે ઘણા દરદીઓની મદદ કરી હતી. પોતાની રિટાયરમેન્ટ માટે તેઓ કહે છે, ‘એ સમય ગયો જ્યારે લોકો સમજતા કે ૬૦ વર્ષે જીવન પતી ગયું છે. આજે તો ૬૦ વર્ષ એક નવો જોશ અને નવી સમજ આપી જાય છે. મને ખ્યાલ છે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે. મારી ક્ષમતા હજી ઘણી છે અને એનો ઉપયોગ કરવા માટે પણ રિટાયર તો હમણાં નહીં થાઉં. ઉંમર હંમેશાં એનું કામ કરે અને માણસે પોતાનું કામ કરવું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK