પથ્થરફેંક પડકારો

કાશ્મીર એક અખંડ જ્યોત જેવી પવિત્ર નહીં, પણ અખંડ જ્વાળા જેવી સ્ફોટક સમસ્યા છે.


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

આજ તક ચૅનલના ખુફિયા કૅમેરામાં ઝડપાયેલી પેઇડ પથ્થરબાજોની મુલાકાતો બે દિવસ પહેલાં પ્રસારિત થઈ. પચીસીની નીચેના આ પથ્થરબાજો પોલીસ અને સૈનિકો ઉપર બેફામ અને બેખોફ પથ્થરમારો કરવાનો વ્યવસાય કરે છે. આ માટે અજાણ્યા આકાઓ

તરફથી તેમને પૈસા ચૂકવવામાં આવે છે. આવી કારર્કિદી-કામકાજની તમે કલ્પના પણ કરી છે કદી? છેલ્લાં આઠેક વર્ષથી ઘણા છોકરાઓ આ લોહિયાળ કામ સવેતન કરે છે. ગુણવંત ઉપાધ્યાય કહે છે એમ કાશ્મીરના એળે ગયેલા કેટલાક યુવાનોનું ચરિત્ર કાળમીંઢ થઈ ગયું છે...

એમને પથ્થર થયે વરસો થયાં

ભાવપૂર્વક જેમને ભજવા કહે?


આ યુવાનોને ભાવપૂર્વક ને ભારપૂર્વક ઉશ્કેરવાનું ઘૃણાસ્પદ કાર્ય ત્યાંના સ્થાનિક નેતાઓ જ સગર્વ કરે છે. તેમણે પોતાની ભાખરી શેકવા આ મશાલ લીલા ઝંડાની સાક્ષીએ જલતી રાખી છે. પથ્થરને પોતાને પણ આવા ઝનૂની, દેશદ્રોહી, હિંસક હાથોમાં સપડાઈ જતાં શરમ આવતી હશે. હરદ્વાર ગોસ્વામી કડવું પરિણામ દર્શાવે છે... 

પથ્થરોના દિલને પહોંચે ઠેસ તો

ડુંગરોના દેશમાં દવ થાય
છે

પથ્થરબાજોને પ૦૦થી લઈને પ૦૦૦ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. ગ્રુપ પ્રમાણે પૈસા ચુકવાય છે. આ લોકો પોલીસ-સ્ટેશન, નેતાઓનાં ઘરો પર હુમલા કરવાના, તેમની ગાડીને આગ ચાંપવાના કૉન્ટ્રૅક્ટ લે છે. જે સૈનિકો જીવના જોખમે આતંકવાદીઓ સામે લડે તેમના પર આ રીતે હુમલો કરવો એ માનસિકતા ક્યાંથી આવી? શાસકોએ અને અલગતાવાદી નેતાઓએ ઘણાં વર્ષોથી પપલાવ-પપલાવ કર્યા કર્યું અને ઉદ્યોગધંધાનો વિકાસ ન થવા દીધો. મેન્ટલ હૉસ્પિટલમાં વર્ષોથી સારવાર લેતો ગાંડો માણસ પણ ન કરે એવું કામ ત્યાંના દોઢદાહ્યા અલગતાવાદીઓએ સ્કૂલો બાળીને કર્યું છે. કાશ્મીરનું સૌંદર્ય છાશવારે થતાં તોફાનોને કારણે ઉઝરડાઈ ગયું છે. લશ્કરનો ખોફ ન રહે એ સ્થિતિ ભયજનક છે. સીધીસાદી જિંદગી ઇચ્છતા લાખો લોકો પર મુઠ્ઠીભર તોફાનીઓ સરહદપારથી મોકલાતી મહેરબાનીને કારણે હાવી થઈ ગયા છે. ચંદ્રેશ મકવાણા કહે છે એમ અહીં જિંદગીની જિયાફત કરતાં મોતનું માતમ વધારે છે...

જીવતો થઈ જાઉં તો પણ બહાર ના નીકળી શકું

એટલા ખડકી ગયો પથ્થર એ મારી ઘોર પર


સરહદપાર જઈને દુશ્મનોનાં ઢીમ ઢાળી દેતા સૈનિકો બંધાયેલી બંદૂકે ક્યાં સુધી કામ કરે? આતંકવાદી સાથેની લડતમાં તોફાની બારકસો ન હોમાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે! આરોપીઓને અછોવાનાં થાય અને નિર્દોષોના માથે નાળિયેર ફોડાય એવું તો સાલું આપણા દેશમાં જ બને.

ક્ષણવાર માટે વિચાર કરો કે કાશ્મીરમાં ચીનના શાસકો હોત કે ઇઝરાયલની ટુકડી હોત તો આ લોકો આ સ્થિતિમાં શું પગલાં ભરત? આપણી લોકશાહી વધારે પડતી સારી છે એનું પણ એક ભયંકર દર્દ છે. આતંકવાદી સાથે કોઈ તોફાનીનો જીવ જતો રહે તો બૌદ્ધિકોનો માંહ્યલો ફૂટ-ફૂટ કર રોવા લાગે. આ જ બૌદ્ધિકો એક સૈનિકનો જીવ જાય ત્યારે ગેંડા જેવી ચામડીના બની જાય.

અલગતાવાદીઓ માટે એક સારા, ટકાઉ, બળકટ અને ખોફનાક ડરની તાત્કાલિક જરૂર છે. સવારે ઊઠીને પણ તેમને એ જ દેખાવો જોઈએ અને રાતે સૂતી વખતે પણ એ જ વર્તાવો જોઈએ. સૌથી વધુ ઇચ્છનીય બાબત તો એ છે કે તેમને પ્રીમિયમ તત્કાલ ટિકિટ પકડાવી  આ દુનિયામાંથી વિદાય જ કરી દેવાય. મન્સૂર કિસ્મત કુરેશી કહે છે એમ સજ્જનતાને ઍનેસ્થેસિયા આપવાની જરૂર છે...

જીવન મારું મહેકે તો મને અત્તર ન માની લે

નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે

હંમેશાં ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં

સખત બનવું પડે છે મારે, તો તું પથ્થર ન માની લે


આપસી ટકરાવમાં મસ્જિદ-મંદિરોને કોઈ રસ નથી. ઈશ્વર અને અલ્લાહને તમે લડતા જોયા છે? ગણપતિ મંદિરની બહાર આવી ગયા હોય અને મસ્જિદમાંથી નિરાકાર અલ્લાહ બહાર આવીને મલ્લયુદ્ધ ખેલે એવું પૃથ્વીના ઇતિહાસમાં ક્યાંય નોંધાયું છે? કાયમ હઝારીની વાત સાથે સો ટકા સંમત થવું પડશે...

માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને

મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે!

ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે-

નામ માનવતાનું જેના નામથી કાયમ મરે!


માનવતાનો મ સમજાઈ જાય એવા એક વિશ્વની ઠાલી પ્રતીક્ષા કરવા સિવાય છૂટકો નથી.

ક્યા બાત હૈ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!

હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું

શબ છું ને ખડખડ હસું છું

મળ્યો વારસો દાંત ને ન્હોરનો બસ!

અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો!

અરીસા જડેલું નગર આખું તગતગ,

પથ્થર બનીને હું ધસમસ ધસું છું

તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર

તસુ બે તસુ બસ ખસું છું હું, મિત્રો!

સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું,

હથેલીમાં કરવતનું કૌવત કસું છું

પછી કાળી રાતે અજગર બનીને

મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો!

નથી મારી મરજી, છતાં પણ મરું છું

સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો!

પણે દોર ખેંચાય, ખેંચાઉં છું હું

અધવચ નગરમાં વસું છું હું મિત્રો!

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!

- સરૂપ ધ્રુવ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK