દેવુ અને સાધુ : તમે જ બોલો શું છે આ બધું

કોને શોધ્યા? કોને ગણ્યા? શું કામ ગણ્યા? કેવી રીતે ગણ્યા? ક્યારે ગણ્યા? શુંઉંઉં... તમે શું-શું નઈ કરો.


મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

આ ગાયમાં છુપાયેલા એવા અધધધ તેત્રીસ કરોડ દેવતા કોને ગણ્યા? મારું ચમકવાનું કારણ એ કે કોઈ એક નાનકડા દેશની ટોટલ વસ્તી હોય એટલા કરોડ દેવતા માત્ર એક ગાયમાં? સાલું આ તો ગાય છે કે મુંબઈની લોકલ ટ્રેનનો ડબ્બો. વૈકુંઠ નાનું ને ભગત ઝાઝાની જેમ ગાયમાં દેવો ભરાતા જ ગયા. મેં માર્ક કર્યું કે વધુમાં વધુ ત્રણ દેવતામાં જ આખી ગાય ફુલ ભરાઈ જાય તો તેત્રીસ કરોડ તો તંબુરામાંથી સમાય? સાલું માપ જેવું કંઈ છે કે નઈ? એક જ ગાયમાં જો તેત્રીસ કરોડ દેવતા છુપાયા હોય તો આપણા દેશની ટોટલ ગાયો ગણો ને પછી તેત્રીસ કરોડે ગૂણો. મારા કાંદિવલીમાં જ ઢગલો ગાયો રખડતી જોઉં છું ત્યારે હું અંદરથી હલબલી ઊઠું છું કે સાલું આટલા બધા દેવતાઓને આમ રખડતા મૂકી દેવાય? આ કંઈ તમારા ઘરમાં નપાવટ ને નાલાયક પાકેલો દીકરો થોડો છે? હું મનમાં બોલેલો. હે દેવતાઓ! તમે તમારાં પોતાનાં અંગત મંદિર વસાવવાને બદલે આ ગાયમાં? શું દાટ્યું છે અહીં? અરે બૉસ! આપણે આ તેત્રીસ કરોડ ગણવા બેસીએ તો ગણીએ એટલી વાર ભૂલ પડે ને ગણવામાં જ આપણી જિંદગીનું અચ્યુતમ-કેશવમ થઈ જાય. આમાં EVM પણ મદદ ન કરી શકે.

બીજી મૂળ વાત એ કે મને માણસ કરતાં ગાયોની ઈર્ષા થાય છે કે સાલું તેત્રીસ કરોડમાંથી સમ ખાવા પૂરતો એક પણ દેવતા આપણામાં કેમ નઈ? ને ઉપરથી શેતાનનો વાસ. અઘરું છે આવું સાંભળવું, પણ કબૂલ તો કરવું પડે. ચાલો, આપણું તો સમજ્યા. દૂધ મેળવ્યા સિવાય ઝાઝું રિલેશન કંઈ નથી, પણ મહત્વની વાત એ છે કે થોડી ઉદાર ભાવના રાખી ખપપૂરતા દેવતા પોતાની પાસે રાખી બાકીના બચેલામાંથી થોડી ભેંશ, બકરી, ગધેડી, ઊંટડીને નઈ આપવાના? એ ગાય કંઈ માણસ થોડી છે. આ દેવતાઓનો પણ કોઈ ઉપરી હોય તો આ બધા મોરચો કાઢી ફરિયાદ કરે કે હે પ્રભુ! આ માણસ ગૌહત્યા બંધ કરો, ગાયોને બચાવો, પાંજરાપોળમાં દાન કરોના નારા લગાવે છે તો અમને (ભેંશ, મરઘા, ઊંટડી, બકરી) કોણ બચાવશે... અમે શું માણસોને દૂધ કે ઈંડું નથી આપતાં? ધેન વૉટ્સ રૉન્ગ વિથ અસ? ડિયર ગૉડ! પ્લીઝ ગિવ રિપ્લાય...  ઈશ્વર પણ બિચારો જવાબ ક્યાંથી લાવે.

અને પછી હકીકત એ છે કે ગાયો આ આખી વાતથી અજાણ છે. મેં ઘણી ગાયોને ધ્યાનથી જોઈને માર્ક કર્યું છે કે ચીમળાયેલા જાંબુ જેવું મોઢું કરી જાણે ટેન્શનમાં ઊભી-ઊભી વિચારતી હોય કે હું મારા પોતાના દેવ જેવા બળદને હૈયામાં રાખું આ દેવતાઓને? અને મને માતાજી-માતાજી કરી બોલાવે તો મારા નાથ એવા બળદને કેમ બાપુજી-બાપુજી નથી કહેતા. અને અમારી ઉદાર ભાવના તો જુઓ, અમે તો ક્યારેય કહ્યું નથી કે મેરા પતિ સર્ફિ મેરા હૈ અને ગાયબા સામે બળદબાપુજીની જરાય વૅલ્યુ જ નઈ? અરે! ડર તો મને એ વાતનો છે કે મારામાંથી જે દિવસે તેત્રીસ કરોડ દેવતા બહાર આવશે તો આખા ભારતની વસ્તી દેવતાઓથી ઊભરાઈ જશે. કલ્પના તો કરો.

અને હવે મૂળ વાત એ કે તેત્રીસ કરોડમાંથી કોઈ ચંબુ માત્ર તેત્રીસ નામ પણ બનાવી શકે તો મા કસમ પાકિસ્તાનને બદલે આખું કાશ્મીર હું એ ચંબુના નામે કરી દઉં. વાત શું કરો છો બૉસ.

હવે ચોખ્ખી ને ચટ વાત કરું તો મારા મગજમાં આવા વિચારોનો ખળભળાટ મચી જતો હોય તો પણ હું તમારી અંદરની ભાવના કે તમારી ચંપાનું નામ ભાવના હોય પણ તમારી એ શ્રદ્ધાને હું દસ ગ્રામ પણ ડગવા દેવા નથી માગતો, પણ તમારી સાથે ઍગ્રી થાઉં છું, કારણ કે મારે તમારી સાથે જીવવું છે, પણ હવે એ તેત્રીસ કરોડમાંથી વપરાયેલા સોગંદ હું બીજી વાર ખાતો નથી અને ભવિષ્યમાં કામ લાગે એટલે ત્રણ કરોડ સ્પેરમાં રાખી ગીતાને બદલે ગાય પર હાથ મૂકી વધેલા ત્રીસ કરોડ દેવતાના સોગંદ ખાઈને કહું છું હું આજે જે કહીશ એ તદ્દન નાગડુંપૂગડું સત્ય જ કહીશ અને તમે જો આ લેખ વાંચતા હશો તો (તો શું આ ટેબલ-ફૅનની જેમ ડાબે-જમણે ડોળા અમથા-અમથા ફેરવીએ છીએ) તમને પણ મને ઊપડેલું ઝનૂન વાજબી લાગશે ને માત્ર તમારી ચંપાઓ કે તમે જ નહીં પણ સમગ્ર ગુજરાત પોકારી-પોકારીને બોલી ઊઠશે, ‘સુભુઉઉઉ યાર, યુ આર રાઇટ.’

વાત આખી આજે ગાયમાં છુપાયેલા નઈ પણ આપણી સાથે રહીને દેવ થઈ ગયેલા દેવની વાત કરવી છે.  ડોન્ટ ચમકિંગ, તે હયાત હતા ત્યાં સુધી એવરગ્રીન તરીકે ઓળખાતા. દેવુ, આઇ મીન દેવ આનંદની કરવી છે. કેમ જાણે આપણે બધા એવરરેડ, બ્લુ કે બ્લૅક ન હોઈએ. અરે, મને જુઓ, હું પણ હજી પાનખરે વસંત બની મહેકું છું. મારા તરફ ધ્યાન કેમ તમારું જતું નથી... એવરગ્રીન નહીં તો ક્યારેક તો ગ્રીન છું જ. તમારી યાદશક્તિ મજબૂત હોય તો એ દેવની ઍક્ટિંગ-સ્ટાઇલ માર્ક કરી? તેની દરેક ફિલ્મમાં ૧૨૮ મિનિટ તો કોઈ સાડીના શોરૂમના સેલ્સમૅનની જેમ વન-બાય-વન સાડીઓ ખોલીને બતાવતો હોય એમ હાથ ફેલાવતો ને ભેગા કરતો, મને તો ભય લાગતો વધુ ચાલશે તો હાથમાં લકવો પડી જશે. વર્ષો પહેલાં આ દેવને આપ સૌના માનીતા, જાણીતા, લાડકા, પ્રાત:સ્મરણીય બાપુ ૧૦૮ મહામંડલેશ્વર સ્વામી-સંત પૂજ્ય સુભાષાનંદે એક મજબૂત જ્ઞાનની વહેંચણી કરતાં કહેલું (મારા વિશે શંકા હોય તો મને ફોન કરવો).

‘ભાઈ દેવુ, માણસ ભલે એવરગ્રીન કે રંગીલો હોય, પણ તેનાં કર્મ તો બ્લૅક ઍન્ડ વાઇટ જ હોય છે ને માણસ સાધનના અભાવે નઈ પણ સાધનાના અભાવે દુખી થાય છે.’

‘હા સુભાષબાપુ, હા. આપની વાત શીરાની જેમ મારા ગળામાંથી પેટમાં ઊતરી ગઈ ને એથી જ મેં ‘અસલી નકલી’માં સાધુ સાથે કામ કર્યું...’ દેવ આનંદનો જવાબ, ‘સાધુ સાથે? કેવો સાધુ?’ મારા ચહેરાનો હાવભાવ ગરમ દૂધ પર બાઝેલી તર જેવો થઈ ગયો. ‘હા બાપુ, આપે કહ્યું, માણસ સાધનાના અભાવે દુખી થાય છે એટલે મેં ‘અસલી નકલી’ ફિલ્મમાં હિરોઇન તરીકે સાધનાને પસંદ કરી... યુ સી, અભાવ ન નડે. લાડમાં તે મને દેવુ કહેતી ને હું તેને સાધુ... હું પૂછતો, ‘સાધુ.’ તે કહેતો, આગળ વધુ... પછી ભલે જલવાવાળા કહેતા, શું છે આ બધું?

દેવુ, આઇ મીન, દેવ આનંદની આ વાતથી મને ૪૫૦ વૉલ્ટ વીજળીનો ઝટકો લાગ્યો. કાચની પૂતળી પણ ઝાંખી પડે એવી દેખાવડી સાધના તો મને પણ નાનપણથી જ ગમતી. એ જમાનામાં સાધના પર લાઇન મારવા પણ લાઇન લાગતી. હું જાણું છું કે તમે પણ એ લાઇનમાં હશો...

અત્યારે લખવાની મારી લાઇન પૂરી થઈ એટલે વધુ આવતા શનિએ...

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK